રઈશની વાર્તાઓ બારીક નજાકત ભરેલી છે. વાર્તાઓનો પ્રવાહ અવરોધ વગર વહે છે અને એમાં એ આપણને ઝટ ઓળખાઈ જાય એવાં પાત્રોથી રૂબરૂ કરાવે છે. કેવાં કેવાં પાત્રો? એક બડબોલો સ્ક્રીનરાઈટર, એક સંવેદનશીલ ફોટોગ્રાફર યુવતી, એક ‘ફિલસૂફ’ હોડીવાળો, એક આત્મસંતુષ્ટ માલેતુજાર ઉદ્યોગપતિ, એક સમર્પિત સર્વોદયી સમાજસેવક, એક રેશનાલિસ્ટ દીકરો અને એની ધર્મનિષ્ઠ માતા.. પોતાની કલમથી એ જુદાંજુદાં પાત્રોના મનોજગત કુશળતાથી આલેખવાની સાથેસાથે વારાણસીથી લઈ કાશ્મીર સુધીના જુદાંજુદાં ભૌગોલિક જગત પણ આબેહૂબ આલેખી શકે છે. એ પોતાના વ્યક્તિત્વથી સાવ અલગ પાત્રોનાં મનોવિશ્વ પણ વિશ્વસનીય રીતે રચી શકે છે. જ્યારે વાર્તામાં નાટ્યાત્મક ક્ષણોની જરૂર પડે ત્યારે એને ઉપસાવવામાં એમણે પાછીપાની કરી નથી. ‘ઉપર કશું નથી’ વાર્તામાં ઘોડાવાળો પરવેઝ આતંકવાદીઓને ટુરિસ્ટ્સને ગોળી મારતાં પહેલા પોતાનો જીવ લઈ લેવા લલકારે છે. આ નાટ્યાત્મક ક્ષણને લેખક તરીકે એ પ્રતીતિજનક રીતે જીવંત કરી શકે છે. આખા સંગ્રહમાં આ મારી સૌથી પ્રિય વાર્તાઓમાંની એક છે. વાર્તા એવી પ્રાણવાન પરિસ્થિતિની આસપાસ રચાઈ છે કે ઝ્વીગ અને મોપાસાં જેવા ગુરુઓ પણ એકવાર રાજી થઈ જાય. રઈશે આ કળા એકલવ્યની જેમ આ વાર્તાસ્વામીઓ પાસેથી હસ્તગત કરી છે. || રઈશ મનીઆર એક સાચુકલો આશાસ્પદ અવાજ છે. ધૂમકેતુ, મેઘાણી અને દ્વિરેફ જેવા વાર્તાકારોથી સમૃદ્ધ થયેલ ગુજરાતી ટૂંકી વાર્તાના વિશ્વમાં એમનું આ નમ્ર છતાં મક્કમ પગરણ જોઈને એક તાજગીનો અનુભવ થાય છે. અભિજાત જોશી (3 ઈડિયટ, લગે રહો મુન્નાભાઈ, પીકે ઈત્યાદિ ફિલ્મોના યશસ્વી પટકથાકાર) Read more