આદરણીય તારક મહેતા કહેતા હાસ્યલેખમાં હાસ્યનો ચમકારો હોવો જોઈએ, સહજ હાસ્યનું નિરૂપણ થવું જોઈએ. લખવું એ મારું પ્રોફેશન નથી. હું તો મારા અનુભવોને કાગળ પર એ જ ક્ષણે ઉતારી દેવામાં માનતો એક સામાન્ય માણસ છું, માટે જ હું મારી જાતને ગરીબોનો લેખક સમજુ છું જે રોજ કે નિયમિત લખતો નથી. મેં હંમેશાં જિંદગીને હળવાશથી લેવાનો પ્રયત્ન કર્યો છે. દરેક પ્રસંગ, મુલાકાત, વાતોને હળવી બનાવવાની કોશિશ કરી છે. એકવાર મારા પુત્રની ક્લાસ વર્કની બુકમાં એના એક મેડમે લાલ અક્ષરે નોંધ લખી હતી કે તારા અક્ષર ખરાબ છે તો હૉમવર્કમાં આ પાઠ પાંચ વખત લખીને આવવો. મારું ધ્યાન અનાયાસ તે શિક્ષિકાના ભંગાર લાલ અક્ષર પર પડ્યું. તેની બાજુમાં લીલા અક્ષરે મેં લખ્યું કે મેડમ તમારા અક્ષર પણ ખરાબ છે તો તમે પણ આ પાઠ પાંચ વખત લખી નાંખજો. પુત્ર ખડખડાટ હસી પડ્યો. પરંતુ પત્ની આ વાંચી ખિજાણી. શિક્ષકની આવી મસ્તી ન કરાય, તે પ્રિન્સીપાલને ફરિયાદ કરશે. આપણા પુત્રની છાપ ખરાબ પડશે. પત્નીના આવા ફરિયાદી સૂરનો મેં જવાબ આપતા કહ્યું કે જે સ્કૂલ હાસ્યને સમજી ન શકે એવી સ્કૂલમાં મારા પુત્રને ભણાવીશ નહીં, હાસ્ય-કિલ્લોલ-ગમ્મત હશે તેવી સ્કૂલમાં એને ભણાવીશ. ભણતર સાથે રમૂજ ભળે તો જ વિદ્યાર્થીને ભણતરમાં રુચિ વધે. જે જીવનમાં રમૂજવૃત્તિને સ્થાન ન મળે તો જીવન બોજારૂપ લાગવા માંડે. જો તમે તમારે પૈસે આ બુક ખરીદી હશે તો મને ઓળખી ગયા હશો. જેણે લાઇબ્રેરીમાંથી કે મફતમાં માંગીને આ બુક વાંચી હશે તેને મારે મારું ઓળખપત્ર આપવાનું કદાચ જરૂર નહીં પડે. હાસ્યસંગ્રહ વાંચશો, વંચાવશો, વખાણશો તો મને મૉરલ વિક્ટ્રી જેવું ફિલ થશે. નહીં તો નરસૈંયાની જેમ ગાઈશ કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ... - જસ્મીન ભીમાણી Read more