અભય – એક વર્લ્ડબેસ્ટ સૉફ્ટવૅર ડેવલપર. તેના કુટુંબમાં પાછલી અગિયારથી વધુ પેઢીથી એક રહસ્ય સચવાતું આવ્યું છે, એ રહસ્યને મેળવવા માટે અભયના જીવનમાં એક એવી રહસ્યમય વ્યક્તિનો પ્રવેશ થાય છે જે, અભયને પરાણે ઢસડી જાય છે પવિત્ર શ્લોક દ્વારા નાગબંધથી સચવાયેલા ભગવાન પદ્મનાભસ્વામીના મંદિરના ખજાનાના રહસ્યની એક અણધારેલી અને વણકીધેલી અદ્ભુત સફરે!!! સુવર્ણ, સોનું એક એવી મોહક ધાતુ છે જે પૃથ્વી ઉપરથી કદાચ એકસાથે અદૃશ્ય થઈ જાય તો પણ માનવજાતને તસુભાર પણ ફરક નથી પડવાનો. હા, એનાથી આધુનિક મનુષ્યે સર્જેલું ભ્રામક અર્થતંત્ર કદાચ થોડા સમય પૂરતું જરૂર ડામાડોળ થઈ શકે, પણ આપણું પ્રાકૃતિક જીવન લેશમાત્ર ચલિત નથી થવાનું. તો પછી સદીઓથી સુવર્ણનું એટલું બધું મૂલ્ય કેમ છે, જેના લીધે થયેલાં ભીષણ યુદ્ધો અને કાવાદાવા લોહીના સંબંધોને પણ ક્ષત-વિક્ષત કરી નાંખે છે? પુરાતનકાળથી આ ધાતુ પૃથ્વીના દરેક મનુષ્યો ઉપર પોતાનું એકચક્રી શાસન કેવી રીતે કરતી રહી છે? પાંચ હજાર કરતાંય વધુ વર્ષથી અત્યાર સુધી અસ્તિત્વ ધરાવતાં આ સ્થળો ઉપર સુવર્ણની સફરમાં આપનું સ્વાગત છે, જેમાં આપણે સમયાંતરે એવાં પાત્રો સાથે કલ્પનાવિહાર કરીશું કે જે આજે માનવઇતિહાસમાં દંતકથારૂપ બની ગયાં છે. રામ, રાવણ, પરશુરામ, કુબેર, ગિલગામેશ, સરગોન, એન્કીડુ જેવા પુરુષોની આપણે એવી ગાથા વાંચીશું કે તમને થશે કે કદાચ આવું પણ બન્યું હોય તો? Read more