કવિતાએ મને દૂરસુદૂરના પ્રદેશોમાં અને સમયોમાં વિહાર કરાવ્યો છે. તેણે મારો મોં-મેળાપ કરાવ્યો છે, સુન્દ-ઉપસુન્દ નામના અસુરો સાથે અને અણિમાંડવ્ય-ગાલવ નામના ઋષિ સાથે. હું બેઠો છું દિલ્લીના તખ્ત પર – ભલે થોડા દિવસ માટે – મલિક કાફુર સાથે, ઇબ્ન બતુતાના વહાણના ભંડાકિયામાં લપાઈને ચીન ફરી આવ્યો છું. માંડુના રણમેદાન પર મિયાં મનઝુ સાથે મેં ગાયો છે મલ્હાર, સિદ્ધરાજ જયસિંહના પૂરપાટ રથમાંથી પડતું મૂક્યું છે. મેં રહોન નદીના તટ પર ધર્મયોદ્ધા બાળકો સાથે કૂચ કરી છે અને વિશ્વયુદ્ધને પહેલે દિવસે પૉલેન્ડ પર ફરી વળેલી પેન્ઝર ટેંક નિહાળી છે. ફાતિમા ગુલે ગાંધીજીના પુત્ર મણિલાલને ન લખેલો પ્રેમપત્ર મેં આંતરી લઈને વાંચ્યો છે અને કારાવાજિયોની પીંછીથી ગણિકાનું ઈસુની માતામાં રૂપાંતર કર્યું છે. હું નાનો માણસ છું, પણ કવિતાએ મને મોટો કર્યો છે. હું ભોંય પર ચાલું છું, પણ કવિતાએ મને પાંખો આપી છે. – ઉદયન ઠક્કર Read more