આપણે એક બહુ જ મોટો ભ્રમ ધરાવીએ છીએ કે આપણે આધ્યાત્મવાદી છીએ. આપણા બાહ્યાચારો અને કર્મકાંડો જોઈને પરદેશીઓને પણ એમ જણાય છે કે આપણે આધ્યાત્મવાદી છીએ. આડંબરી આધ્યાત્મવાદમાં આપણને કોઈ પણ પહોંચી શકે તેમ નથી. દંભ આપણો રાષ્ટ્રીય રોગ છે. દંભનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે કે પછી રાષ્ટ્રનું દંભીકરણ થઈ ગયું છે. નીતિ અને પ્રામાણિકતામાં આપણે યુરોપ-અમેરિકાની પ્રજા કરતાં ઘણા ઊણા ઊતરીએ છીએ. આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય ઊતરતી કક્ષાનું છે. તેનું કારણ એ છે કે એક તરફ આપણે આપણને આધ્યાત્મવાદી કહેવડાવીએ છીએ અને બીજી તરફ ધર્મ અને નીતિ જાણે બે અલગ અલગ ભાવનાઓ હોય તેમ સમજીએ છીએ. વિજ્ઞાનના વાંચનથી કોઈ નાસ્તિક બની જતું નથી. ફક્ત તેનામાં સ્વતંત્રપણે વિચાર કરવાની, સમજવાની બુદ્ધિ આવે છે. કટ્ટર ધર્મવાદીઓને એક નમ્ર વિનંતી કરું છું કે પોતાના ધર્મનાં એકબે પુસ્તકો જીવનભર વાંચ્યા કરવા કરતાં અન્ય ધર્મોનાં પુસ્તકો અને ઇતિહાસ પણ વાંચો. વિજ્ઞાનના પણ સમજી શકાય તેવાં પુસ્તકો, લેખો વાંચો તો જ્ઞાન અને સમજશક્તિની ક્ષિતિજ વિસ્તરશે. આ પુસ્તક જરા ખચકાતા મને વાચકો સમક્ષ મૂકું છું, કારણ કે આ પુસ્તકમાં ઈશ્વર, ધર્મ વિશે જે કંઈ મંતવ્યો પ્રસ્તુત કર્યા છે, તે યોગ્ય રીતે વાચકોને સમજાવવામાં અસફળ બનું તો અર્થનો અનર્થ થઈ જાય, તેથી આ પુસ્તકને સ્વસ્થચિત્તે વાંચવા વાચકોને ભલામણ કરું છું. કોઈ એકાદ વાક્ય કે ફકરા પરથી અભિપ્રાય ન બાંધતાં, સમસ્ત પુસ્તકના બધા નિબંધો વાંચી, સમજીને પછી નિષ્કર્ષ કરવા વિનંતી કરું છું. (પ્રસ્તાવનામાંથી) – લક્ષ્મીદાસ ખટાઉ Read more