વાર્તાલેખક ચંદ્રભાલની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે આખાય ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની. ચંદ્રભાલને ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ બન્ને સમયની ટપાલમાં વરસવા લાગ્યા. એની મેડીના રવેશમાંથી માર્ગ પર વેરાતાં ખાલી પરબીડિયાં જાણે ધોળાં, કાબરાં ને આસમાની કબૂતરો જમીન પર ચણવા ઊતરતાં હોય એવી ઉપમા ચંદ્રભાલને સૂઝવા લાગી.