શાહબુદ્દીનને જ્યારે સાંભળું છું ત્યારે એક વાતની પ્રતીતિ થાય છે કે શ્રોતાઓની નાડ પકડવાની એમની પાસે કોઠાસૂઝ છે. સ્ટેજ ઉપર એ જે રીતે બેઠા હોય ત્યારે એમની મુદ્રા ‘આસન સે મત ડોલ’ની હોય. અત્યંત શાંત, સ્વસ્થ રીતે હાસ્યના ફુવારા ઉડાડતા હોય. સામે બેઠેલા શ્રોતાઓ ખુરશી પકડીને હસતા હોય. વાતાવરણમાં તાળીઓનાં કબૂતરો ઊડતાં હોય. જે કંઈ ખૂબી હોય તે એમની વાતની અને અભિવ્યક્તિની! નાટ્યાત્મક કે નાટકીય થયા વિના, કેવળ અવાજના શાંત આરોહ-અવરોહ દ્વારા પોતે પૂરેપૂરા સ્વસ્થ રહીને શ્રોતાઓમાં ખળભળાટ મચાવવાની એમની પાસે એક વિશિષ્ટ કળા છે. દેખીતી રીતે કશું ‘પર્ફૉર્મ’ ન કરીને એમને ‘પર્ફૉર્મિંગ આર્ટ’ વરેલી છે. આ અર્થમાં એ માત્ર શાહબુદ્દીન રાઠોડ નથી પણ એ વાહબુદ્દીન રાઠોડ છે. એ રાહબુદ્દીન રાઠોડ પણ છે. ‘લાખ રૂપિયાની વાત’ એ પણ ‘શો મસ્ટ ગો ઑન’ જેવો વૈવિધ્યસભર નિબંધોનો સંગ્રહ છે. શાહબુદ્દીન હોય એટલે તેમાં હાસ્ય, કટાક્ષ તો હોય જ, પણ એ કેવળ હાસ્યકટાક્ષ કરીને રહી જતા નથી. ક્યારેક એ માર્મિક ઉદાહરણ દ્વારા વાતને ઉપસાવે છે. આવાં કેટલાંક ઉદાહરણો એમને પોતાના ગામના મિત્રોના વાતાવરણમાંથી આંખવગા હોય છે. તો કેટલાંક એમના અભ્યાસમાંથી નીપજેલાં હોય છે. કેટલીક વાત પ્રવાસમાંથી પ્રાપ્ત થયેલી હોય છે અને એટલે જ એમની ચાલતી કલમે માર્ક ટ્વેઇન પણ આવે ને બિથોવન પણ આવે, કે વિષ્ણુ, લક્ષ્મી, નારદ અને શનિ મહારાજના કોઈ પૌરાણિક દૃષ્ટાંતનો પણ સંકેત મળી રહે. -સુરેશ દલાલ Read more