કાળભગવાનની આરતી... || ‘સાંઈરામ’ એટલે એકવીસમી સદીના હાસ્યનું રામરાજ્ય, શ્રોતાઓને પોતાની વાતમાં તાણી જાય પણ તણાઈ જવા ન દે! એમની પાસે નવરસમાં ઘૂંટાતી અનુભવવાણી છે. એનો ધર્મ હાસ્યધર્મ છે. એ એની ચામડી પૂરતો મર્યાદિત નથી. એના શ્વાસ અને આત્મા સુધી પહોંચેલો છે. એ બેસે ત્યાં સ્ટેજ અને બોલે ત્યાં સ્મિત! || અહીંયા ‘રંગકસુંબલ ગુજરાતી’ પછીના બીજા કવિ ‘સાંઈરામ’નો પરિચય થાય છે. એ સ્ટેજ પર જ છે, પણ એ કાગળના સ્ટેજ પર શબ્દોને ભજવે છે. હસાવતાં હસાવતાં નીકળેલું છૂપું આંસુ એની શાહીની મર્દાનગી બતાવે છે. એમને વાંચતા હરીન્દ્ર દવેની કવિતાની પંક્તિ યાદ આવે... || "એક હસે એક રડે, આંખ બે આપસમાં ચઢભડે." આ અનુભવ ‘પાંચજન્ય’ના બે પૂંઠાની વચ્ચેનો છે. જે કૃષ્ણએ ફૂંકેલા પાંચજન્યથી રાધાની ઝાંઝરી ઝમકાવે છે. સમાજને સહેલાઈ અને સલુકાઈથી પાત્રો અને પ્રેમ સાથે વહેતો કરી દેવાનું આ સર્જનકાર્ય કાળભગવાનની ઉતારેલી આરતી સમાન છે. || વ્યક્તિથી સમષ્ટિ સુધીના વિષયો ‘પાંચજન્ય’થી ફૂંકાયેલા નથી, ફેલાયેલા છે. એનો છાંયડો ‘સાંઈરામ’ની કલમ અને અવાજ છે. લોકવાણી, હાસ્ય અને શિષ્ટ કવિતાના પ્રયાગ પર કવિ ‘સાંઈરામ દવે’નું વહેલી સવાર જેવું સ્વાગત... || – અંકિત ત્રિવેદી Read more