ઉનાળાના કાળઝાળ તાપમાં ઉઘાડા પગે આપણને ખડા કરી દે છે વાર્તાનું વાસ્તવ. વાર્તાએ ઉપસ્થિત કરેલા સવાલોના જવાબ નથી લેખક પાસે હોતા કે નથી જિંદગી પાસે મળતા ક્યારેય. કદાચ આ જ વાર્તાનું સૌંદર્ય છે. સર્જનના પયગમ્બરી દોરના આલમમાં વ્યક્તિ અશોકનું વ્યક્તિત્વ કેટલું બોદું અને બોલકું; કેવું છીછરું અને છાકટું છે એનું ભાન સર્જન સમયે સતત થતું. અર્થાત્ વ્યક્તિ અશોકને સર્જક અશોકપુરીએ આંગળી મૂકી ચીંધી બતાવ્યો કે: આ... આ... તું છો...! મારી વાર્તાઓ અને નવલકથાનાં નરવાં અને વરવાં પાત્રોમાં અશોકપુરીએ વ્યક્તિ અશોકને ઓળખાવ્યો મારી પાસે. આ જ તો મારી સર્જન મૂડી છે. આ સંગ્રહની વાર્તાઓમાં જે દ્વિધા અને દ્વંદ્વ તથા અવઢવ નીરુપ્યાં છે તે અશોક અને અશોકપુરી બંનેનાં છે. આ બંને મારામાં રહે જીવે તો છે જ પણ આ બંને એકમેકને પટ્ટ-ચિત્ત કરે; હોંકારા... પડકારા કરે કે ગોઠડી કરે ત્યારે તેના સાક્ષી પણ મારે જ થવાનું હોય છે. આમ વાર્તા સર્જતાં પેલાં વાનાંએ માથે ઊભાં રહી એમની મરજી મુજબનું લખાવ્યું આ વાર્તાઓમાં. વાર્તા સર્જાવનાર વાનાં અગોચરમાં કેડી ચીંધી તો આપે પણ; જેને ચીંધ્યું; દેખાડ્યું; બતલાડ્યું એ આ બધું લખી શકે; ખમી શકે એવોય હોવો જોઈએને, જે બધું જ લખી શકે. સતત લખી શકે વ્રતની જેમ. એટલે કેટલીય વાતોની વાર્તા નથી થઈ શકી. એવું તો કેટલુંય લખવાનું રહી જાય છે. અશોકની પાસે અશોકપુરી જે લખાવવા માગે છે તેવું કેટલું બધું સર્જનના આ પયગમ્બરી દોરમાં લખવું રહી ગયું અને વહી ગયુંય... હા દોસ્તો; બસ આ એક વસવસો જંપવા નથી દેતો મને. ન જંપવા દેતો આ અશાંત અજંપો એ જ શું મારી નીયતિ છે, હેં અશોકપુરી...?! – અશોકપુરી ગોસ્વામી Read more