એવું પણ બની શકે કે આ પુસ્તક તમે ખરીદેલું સૌથી નકામું પુસ્તક બની રહે, કારણ કે આ પુસ્તકમાં એવું કશું જ નથી જે તમે ન જાણતાં હો. આ પુસ્તકમાં કોઈ જ આશ્ચર્યજનક રહસ્યનો ખુલાસો રજૂ નથી થયો. આ પુસ્તક તમને માત્ર એક વાત જ યાદ અપાવે છે. એ વાતની યાદ અપાવે છે કે જીવન આપણા બધાની સમક્ષ કેવી એક સમાન છતાં અલગ અલગ રીતે રીતે પ્રગટે છે. આ પુસ્તકમાં કશું જ નવું નથી કહેવાયું. એ તમારા વિચારોને શબ્દનું સ્વરૂપ આપવા જ સર્જાયું છે. એવા વિચારોને શબ્દનું સ્વરૂપ અપાયું છે કે જે આપણે બધા અનુભવીએ છીએ, વારંવાર અનુભવીએ છીએ, પરંતુ ભાગ્યે જ અટકીને જેના વિશે વિચારીએ છીએ. આ પુસ્તક તમારું જીવન બદલી નહીં નાખે. એ તમને જીવન પ્રત્યે માત્ર જાગ્રત કરવા સર્જાયું છે કે જેથી તમે અભાનતાપૂર્વક નહીં, પરંતુ સભાનતાપૂર્વક જીવનમાં પસંદગીઓ કરો. આ પુસ્તકમાં મારા એ વિચારોનું સંકલન છે જેને મેં પાછલા બાર મહિનામાં સોશિયલ મીડિયામાં રજૂ કર્યા છે. તેમાંથી મોટા ભાગના વિચારો મારા પોતાના ચિંતન, અવલોકન અને અનુભવોમાંથી જ પ્રગટ્યા છે. સ્કૂલમાં અમે ‘બૂક ક્રિકેટ’ નામની એક રમત રમતા હતા. તેમાં અમે કોઈ પણ પુસ્તકનું ગમે તે એક પાનું ખોલીએ અને પાનાના નંબરથી નક્કી થાય કે અમે એ ‘બૉલ’ પર કેટલા રન કર્યા. હું માનું છું કે આ પુસ્તક પણ એ ‘બુક ક્રિકેટ’ના પુસ્તક જેવું જ બની રહેશે, જોકે તેમાં આપણે રન નહીં કરીએ. તેના બદલે આ પુસ્તકના પાને પાને આપણા વિચારોની યાદ તાજી કરાવાશે, આપણા વિચારોને શબ્દોમાં રજૂ કરાવાશે અને આપણને વધારે જાગરુક બનાવાશે. હું એમ સૂચન કરીશ કે આ પુસ્તક વડે તમે પણ ‘બૂક ક્રિકેટ’ રમી જુઓ. દરરોજ ગમે તે પાનું ખોલો. પછી એક કે બે કે પછી ત્રણ પાનાં વાંચો. તેના પર ચિંતન કરો. નોંધવા જેવું લાગે તે નોંધી લો. કંઈ નહીં તો છેવટે એ વાંચીને તમને જે અનુભવાયું હોય તે અનુભવ પર સ્મિત કરી લો. પછી બીજા દિવસે પાછું ગમે તે એક પાનું ખોલો. જો કોઈ પણ દિવસ તમને એમ વિચાર આવે કે ‘આજે તો મારે આ વાત સાંભળવાની જરૂર હતી જ’, તો મને આ સદીનો બેસ્ટ-સેલિંગ લેખક માનજો! આનંદમાં રહો એકાગ્ર રહો કામ નહીં, કારનામા કરતાં રહો! Read more