shabd-logo

પરરાજ્યનો પ્રથમ વમળ.

31 October 2023

1 જોયું 1

પ્રકરણ ૧૧.

પરરાજ્યનો પ્રથમ વમળ.

મણિરાજને ભાળવતાં મલ્લરાજે વિદ્યાચતુરને કરેલી આજ્ઞાઓ આ ગ્રંથના બીજા ભાગમાં દર્શાવેલી છે. એ આજ્ઞાઓ કેમ પળાય છે તે જોવા મલ્લરાજ ઘણે પ્રસંગે ઘણે પ્રકારે જાગૃત ર્‌હેવા લાગ્યો. મધુમક્ષિકા દ્વારા આપેલો ઉપદેશ રાજાએ સંપૂર્ણ રીતે પાળ્યો. વિદ્યાચતુરને કુમારના શિક્ષણમાં પૂર્ણ સ્વતંત્રતા આપી અને તે સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય તેટલું ખંતથી જોવા લાગ્યો.

આ પ્રમાણે કેટલોક કાળ વીતતાં એક દિવસ વિદ્યાચતુર અને કુમારને લેઈ રાજા સુંદરગિરિના શિખર ઉપર ગયો. ત્યાં પોતાનો તંબુ નંખાવી પાસે એક સુનેરી ગાદી નંખાવી રાજા બેઠો બેઠો સામેના સમુદ્ર ભણી દૃષ્ટિ કરી રહ્યો છે. મુછો ઉપર આમળા નાંખે છે, એટલામાં થોડેક છેટે પર્વતના પટ આગળ વિદ્યાચતુરની આંગળીએ વળગી કુમાર ઉભો અને જમણો હાથ અને તેની તર્જની લાંબી કરી ગુરુને પુછવા લાગ્યો.

“ચતુરજી, આ સામે દરિયો કેટલો હશે ?”

“કુમાર, તમે ભરતખંડનો નકશો જોયો છે તેમાં આ પાસથી પેલી પાસ દરીયા સુધી જેટલી જમીન છે તેથી બમણો હશે.”

“તેના પછી શું હશે ?”

“આપણા જેવી જમીન.”

“તેમાં માણસો હશે ?”

"હા.”

“તે પછી શું આવે?”

“ પાછો દરીયો.”

“ તે પછી શું ?”

“પાછી જમીન.”

“તેમાં પણ માણસો હશે ?”

“ હા."

“ તે કેવાં હશે ? ”

“આ સાહેબ લોક આવે છે તે ત્યાંના.” ​“ તેમને રાજા હશે? ”

"હા."

“તે રાજાને કુમાર હશે ?”

“હા.”

“સાહેબ અંહી આવે છે તેમ આપણા લોક ત્યાં જતા હશે ?”

"કોઈક.”

“ત્યારે સાહેબ લોક એટલા બધા અંહી શું કરવા આવતા હશે?”

“આ દેશમાં રાજ્ય કરવા.”

“ત્યારે મહારાજને કહોને કે આપણે પણ એ દેશમાં જઈ થોડુંક રાજ્ય કરીયે.”

“એ તો આપ ક્‌હો ત્યારે.”

મલ્લરાજ આ વાર્તા રસથી સાંભળતો હતો તેના ભણી ફરી મણિરાજ પિતા પાસે આવ્યો અને પાછળ વિદ્યાચતુર પણ આવ્યો.

મણિરાજ છેક પાસે આવી બોલ્યોઃ “મહારાજ, આપણે તો આ સાહેબલોકના દેશમાં ચાલો ને રાજ્ય કરો – અંહીયાં તો કાંઈ ગમતું નથી.”

મલ્લરાજ અંતમાં નિઃશ્વાસ મુકી બહારથી હસી બોલ્યોઃ “કુમાર, હું તો ઘરડો થઈ ગયો. હવે તો તમે મ્હોટા થાવ ત્યારે કાંઈ કરજો. "વિદ્યાચતુર !–” નેત્ર ભીનાં કરી મલ્લરાજ બોલ્યો-“રજપુતાઈ રંડાઈ! રજપુતના દીકરાઓના અભિલાષ, એને રંક રાંડીરાંડોના દીકરાઓના અભિલાષ, તે હવે સરખા સમજવા.”

મલ્લરાજે કુમારને ખોળામાં લીધો અને સામેના સમુદ્ર પર દૃષ્ટિ : કરી ઓઠ પીસવા માંડ્યા – ઉભો થઈ તરવાર ઉપર હાથ મુકી, રાજા પર્વતના તટ આગળ આવ્યો, વિચારમાં પડી ગયો, અને અંતે ઓઠ કરડી, ભ્રમર ચ્હડાવી, વિદ્યાચતુરને સ્થિર ગંભીર સ્વરથી આજ્ઞા કરવા લાગ્યો. “વિદ્યાચતુર, હવેથી તમારે એક કોરું પુસ્તક રાખવું અને હું જે જે વાતો કહું તે તે તેમાં લખી રાખવી, અને મણિરાજ યોગ્ય વયનો થાય ત્યારે તે વાંચે અને હું જીવતો હઉં કે ન હઉં તો પણ તે વાતો તેના હૃદયમાં ઉતરે એવી રીતે એ પુસ્તક લખવું અને રાખવું. બીજું રત્નનગરી પાછા જઈએ તે દિવસે મને યાદ આપવું એટલે હું અમુક સમય ઠરાવીશ તે સમયે હું, મ્હારા ભાયાતો, મ્હારા અને તેમના કુમારો, અને જરાશંકર - એટલા બેસીશું અને ​તેમની પાસે નિત્ય તમારે ઈંગ્રેજની કથા વાંચવી. જેમ હાલમાં અમે આપણાં રામાયણ, મહાભારત અને અમારા પૂર્વજોના રાસા વંચાવીયે છીયે તેમ તમારે મરજી પડે તેટલા પઈસા ખરચી પુસ્તકો મંગાવવાં અને તેમાંથી ઈંગ્રેજો વાનર હતા ત્યાંથી તે આજસુધીની એમની કથા વાંચવી. તેમ જ ફરાંસીસવાળા, રસદેશવાળા, વલંદાવાળા, ફરંગીયો, મુસલમાનો, અને એવા એવા અનેક લોકની અને તેમાં મુખ્ય કરીને આ ગોરા લોકની આજકાલની અવસ્થા જણાય એવી કથાઓ વાંચવી. એ લોકનાં યુદ્ધોનાં વર્ણન, એમનાં સામ દામ અને ભેદની કળાઓ, એમની રાજનીતિ, એ લોક કીયે કીયે દેશ જાય છે ને શું કરે છે, જે એમના શત્રુ કોણ છે ને મિત્ર કોણ છે, તેમાં કોનું ચાલે છે ને કોનું નથી ચાલતું એમની પ્રજા કેવી છે - સુખી છે કે દુઃખી, યુદ્ધ–કાળને વાસ્તે એ લોક તોપખાનાં કેમ બનાવે છે; શાંતિકાળને માટે એમની પ્રજામાંના અસંતોષી જીવોને સારુ કેવા ધંધા ઉભા કરે છે, એમના ક્ષત્રિયો, બ્રાહ્મણે, અને વૈશ્યો કેવા છે, વગેરે સર્વ વાતોમાં એ સર્વ લોકનાં મર્મસ્થાન તમારે જાણવાં, એમની કળાઓનાં રહસ્ય ચોરવાં, અને એમની બુદ્ધિના તેમ બીજા કીલ્લાઓની રચના શીખવી. વિદ્યાચતુર, એ સઉ શીખી, જાણી, ચોરી, તમે તેને અમારી પાસે આપણી બોલીમાં સમજાવો અને કાળે કરીને આ મ્હારા રાજ્યની આશાના બીજને એ સર્વ વિદ્યામાંથી શી શી પ્રાપ્ત કરાવવી તે હું તમને કહું તે પ્રમાણે ઈંગ્રેજી ભાષાદ્વારા પ્રાપ્ત કરાવો.”

“ વિદ્યાચતુર, આ કુમારને ઈંગ્રેજની તેમ આપણી ક્ષાત્રવિદ્યા પણ તેનું વય થતાં શીખવવાની છે તે કામ તમારાથી નહી બને, પણ જેના હાથમાં એને મુકીયે તેની પાસેથી - દેશી પાસેથી કે પરદેશી પાસેથી-મિત્ર પાસેથી કે શત્રુ પાસેથી – તરવાર જેવાં શાસ્ત્ર તેમ તોપ જેવાં અસ્ત્ર, એક શૂર સાથે કરવાની કુસ્તી તેમ અનેક પુરુષોની બનેલી સેનાને માથે રહી સામે એવી જ સેનાઓ કરવાની સેનાધિપતિની વિદ્યા - એવી એવી જે હવેના કાળમાં નિરર્થક લાગશે એવી સર્વ કળાઓ, આ કુમાર અને મ્હારા રજપુતો શીખે તેમ મ્હારે કરવું છે ને અગ્નિહોત્રીનો અગ્નિ અખંડ સચેત ર્‌હે તેમ આ કળાઓ મ્હારે રાખવી છે. એ મહાકાર્ય ઈંગ્રેજની મદદ વિના નહી બને એ હું જાણું છું; ઈંગ્રેજની સાથે રહી તેમને અને આપણે બેનો સ્વાર્થ એક છે તે હું કોઈ વખત તમને સમજાવીશ અને શાણા ​ઈંગ્રેજોને એ વાત ગળે ઉતારવી છે અને તેમને ગળે ઉતારી આ કામ સાધવું છે. વિદ્યાચતુર, આવી આવી વાતોમાં આ રાજ્યની નવી રાજનીતિનું બીજ રોપાય છે. તે બીજ રોપવાનું મ્હારે માથે આવેલું છે તેમાં તમારે મ્હારું અને મ્હારાં કુમારનું પ્રધાનપણું કરવું પડશે – જરાશંકરના ભાણેજના હાથમાં મ્હારા રાજ્યના ગુપ્ત મંત્ર મુકતાં હું અવિશ્વાસ નથી રાખતો."

"આ સર્વ કાર્યને અર્થે ચંદ્રની આસપાસ તારાઓ ચળકે તેમ કુમારની આસપાસ મ્હારા ભાયાતોનાં પુત્ર ઉભરાઈ રહે એવું કરો. આ દેશમાં પડવા માંડેલી આ રાત્રિને કાળે આ ચંદ્ર અને તારાઓનું એકસંપી જડ અરસપરસ પ્રકાશ આપે એવું કરવાનું છે. વિદ્યાચતુર આજસુધી અમારા ભાઈઓ યુદ્ધમાં અમો રાજાઓને કામ લાગતા અને અમે તેમનું પોષણ કરતા. યુદ્ધકાળે તેઓ તેમનાં મસ્તક અમારા કામમાં આપતા, અને શાંતિકાળે અમારાં રાજ્ય - વૈભવમાંથી અમે તેમને ગ્રાસ એટલે કોળીયા આપતા. હવે ઈંગ્રેજના રાજ્યમાં અમારે તેમનાં મસ્તકનો ખપ નથી અને ગ્રાસ આપવામાં તો શું પણ રાખવા પણ ભારે પડશે. મસ્તક ઓછાં થતાં ત્યારે આપેલા ગ્રાસ પાછા આવતા તે નવા જન્મતા ભાઈઓને અપાતાં ને રાજભૂમિ ભાઈઓને અપાતાં અપાતાં પણ અમારા રાજ્યભાગ એમના એમ ર્‌હેતા. હવે નવી પ્રજાને આપવાનું ખરું, અને પાછું લેવાનું કાંઈ નહી – કારણ મસ્તક ઓછાં થવાનાં નહીં અને ગ્રાસ વધવાના. આથી અમારા રાજ્યભાગ ક્ષીણ થઈ જશે, અને રાજ્યભાગ ક્ષીણ થતાં આ રાજ્યની સત્તા નબળી થશે એટલી ઈંગ્રેજની વધશે. આ ભયંકર પરિણામનું બળ ઓછું થવાનો માર્ગ મ્હેં બીજી રીતે લીધો છે. પણ માણસની બુદ્ધિને જ્ઞાની લોક નાચનારી ગણિકા જેવી ક્‌હે છે, તે બુદ્ધિને ખપ વગરના ભાઈઓ ઉપર રાજાઓ પ્રીતિ નહી રાખે અને બળે ગ્રાસના સ્વાર્થી અને યુદ્ધકળા ભુલવા સરજેલા ભાઈઓને રાજાની સેવાનો કે તેના સંબંધનો કાંઈ પણ પ્રસંગ નહીં ર્‌હે. મ્હારા રાજ્યની એક મ્હોટી સાંકળ આવી રીતે ત્રુટી છે; તે સાંકળનાં બે છેડા ઝાલી પોતાનાં પેટ ભરનાર મદારીઓ મળશે અને છેડે બંધાયલાઓને માંકડાં પેઠે મરજી પ્રમાણે નચાવશે. વિદ્યાચતુર, આ સાંકળના છેડા આમ પારકા હાથમાં જાય નહીં એ મ્હારું કર્તવ્ય છે માટે આ ત્રુટેલી સાંકળને ઠેકાણે મ્હારા કુમાર અને ભાઈઓ વચ્ચે પ્રીતિની ​સાંકળ રચો; અને આ દેશમાં કોઈ કાળે યુદ્ધનાં વાજાં વાગે તો શાલિવાહને માટીનાં પુતળાંની સેના ઉભી કરી હતી તેમ પ્રીતિની ચીકાશથી મ્હારા રાજ્યના ક્ષત્રિય – પુતળાંઓ બંધાઈ રહેલાં હશે તો તેમાં તેમના પૂર્વજો ધુણી ઉઠશે - માટે એવી ચીકાશથી આ માટીને ઘડજો. ઈંગ્રેજોને આજ અમારા ભાયાતોની ગરજ નથી પણ એવો યુગ આવશે કે એમના રાજ્ય ઉપર ચાર પાસના પાડોશીયો તેજ-દ્વેષથી ઘેરો ઘાલશે. વિદ્યાચતુર, તેવે કાળે એમની વસ્તી બ્રાહ્મણ–વૈશ્ય થઈ ગઈ હશે તે એમને કામ નહીં લાગે. અને એ એકલા પડશે. તે પ્રસંગે આ મ્હારાં પુતળાંમાં જીવ આવશે તો ઈંગ્રેજને મીઠો લાગશે અને એ પુતળાંને કામ લણાડી મલ્લરાજની દીર્ધદ્રષ્ટિને સંભારશે. વિદ્યાચતુર, ઈંગ્રેજો ઉઘાડી આંખે જોશે ત્યારે રજવાડાનું મૂલ્ય સમજશે ને તેનો ભાવ વધારશે, એને રાજાઓ સમજશે ત્યારે ઈંગ્રેજનો ભાવ વધશે પણ એ બે જણ સમજે ત્યાં સુધી આ ભાઈઓનો ભાવ વધવાનો નથી. જ્યાં સુધી એ સમજણનો યુગ આવે નહી ત્યાં સુધી સર્વને દુ:ખ છે, અને ત્યાંસુધી ધૈર્ય રાખી મ્હારાં આ ઝાડ ઉછેરવાં એ મ્હારા પુત્રને શીખવજો.”

"સરત રાખજો કે રત્નગરીના રાજાઓ એકપત્નીવ્રત પાળે છે અને તેમને પુત્રો હતા નથી તો તેમના ભાઈઓ તેમની ગાદીએ ચ્હડે છે. માટે મ્હારા ભાઈઓ અને તેમના વારસોમાં આ રાજ્યના ભાવી રાજાઓનાં બીજ છે અને તેથી પણ તેમનાં મનની સંભાળ મ્હારા કુમારના ગુરુએ લેવાની છે.”

“વિદ્યાચતુર, અમારાં ક્ષત્રિય રાજ્યોના ક્ષત્રિયો પોતાની જાત મુકી મ્હોટા ખેડુત બને, રજપુત ક્‌હેવાતા મટી જમીનદાર અને તાલુકદારનું નામ પામે તેવા કાળમાં પણ અમારાં રાજકુળનાં ઘરોમાં એટલું અગ્નિહોત્ર નિરંતર પળાય એવા ધર્મનું બીજ આમ રોપવાનો મ્હારો આગ્રહ–”

આ અસિદ્ધ થવા નિર્મેલું વાક્ય પૂર્ણ થતા પ્હેલાં જરાશંકરનો પત્ર લેઈ ઉતાવળો ઉતાવળો રાજદૂત આવ્યો, અને મનનો સંકલ્પ મુખમાં જ ર્‌હેવા દેઈ રાજા પ્રધાનનો પત્ર ફાડી વાંચવા લાગ્યો. વાંચતાં વાંચતાં તેની ભ્રુકુટિ બે ચાર વાર ચ્હડી ગઈ અને બે ચાર વાર શીત આવ્યાં હોય તેમ તે પાછો શીતળ થઈ ગયો. પત્ર વાંચી મલ્લરાજ એકદમ ઉભો થયો અને પર્વતતટ આગળ જઈ ઉભો ઉભો બાંહ્યો ચ્હડાવતો મનમાં બોલવા લાગ્યો. ​“વાનરસેનામાંથી હનુમાન આવ્યો !” જરાશંકરનો પત્ર લેઈ તેમાંથી ચાર પાંચ લીટીયો વાંચવા લાગ્યો: '

“નાગરાજમહારાજની સાથે સંધિકાળે થયેલા કરાર પ્રમાણે સંસ્થાનોના વિરોધપ્રસંગે તેમના પંચનું કામ કરવાનો ઈંગ્રેજ સરકારને અધિકાર છે, તે અધિકારને પ્રમાણી સરકારે પોતાને વકીલ નીમવાનું નક્કી કર્યું છે. તે વકીલ એમનો પોલીટીકલ એજંટ અથવા રેસીડેંટ કહેવાશે, ચાર પાંચ સંસ્થાનો વચ્ચે પોતાનો નિવાસ રાખશે, પોતાના નિવાસમાં પોતાનો અધિકાર રાખશે, અને રાજાઓના પંચનું અને દેશની શાન્તિ જાળવવાનું, કામ કરશે. સુવર્ણપુર, રન્નનગરી વગેરે અનેક રાજ્યોના પંચનું કામ કરવા સરકારનો મુખ્ય વકીલ મરાલપાટણમાં રહેશે અને તેના તાબામાં થાણાંઓ થશે અને તેમાં એક થાણું લીલાપુરમાં રહેશે ત્યાં મુખ્ય વકીલના હાથનીચે રહી એક એજંટ કામ કરશે.” પત્ર પાછો મલ્લરાજે બંધ કર્યો.

“વડીલ મહારાજના સંધિકાળે મ્હારા મનમાં જે શંકા હતી તે ખરી પડવા કાળ આવ્યો. વાનરપ્રજાનો હનુમાન આવ્યો - તે હવે હુપાહુપ કરશે અને અમારી સોનાની લંકામાં ઠેકાણે ઠેકાણે આગ લગાડશે. – હવે આપણે રાક્ષસો, અને એ વાનરા. આપણે કરીશું તે અધર્મ – એ કરશે તે ધર્મ.” – “સરકારના સંધિરૂપથી બીજ પૃથ્વીમાં ડટાયું હતું તેમાંથી ફણગો ફુટી આજ પૃથ્વી ફોડી બહાર નીકળ્યો. આ રેસીડેંટ–વકીલ–તે આ ફણગો !”

“આ આતશબાજીના દારુખાનાનું ઝાડ ! - હવે એનો કાંઈ ઉપાય?”

વીજળીનો ચમકારો થાય એટલી ત્વરાથી રાજાના મનમાં આ વિચારોના ચમકારા થઈ ગયા. તે ઓઠથી ઓઠ કરડવા લાગ્યો. તેના હાથ તરવારની મુઠ ઉપર આવજા કરવા લાગ્યા.

“ કુમારને વીલાયત જીતવાનું મન થયું ત્યાં શકુનમાં આપણો દેશ વીલાયતવાળાએ જીત્યો ! આપણાં રાજ્ય, રાજ્ય મટી, સંસ્થાન થયાં ! જે રેલની બીક લાગતી હતી તે દૃષ્ટિ આગળ આવી –” તરવાર ભણી દૃષ્ટિ કરી - “મ્હારી પ્રિય તરવાર! ત્હારું પાણી હવે ઉતરી ગયું ! હવે રજપુતોએ લાકડી ઝાલવી ! ”

મનના વિચાર પડતા મુકી વિદ્યાચતુરને રાજા ક્‌હેવા લાગ્યોઃ “વિદ્યાચતુર, એકદમ આ સુખ મુકી રત્નગરી જવાની તૈયારી કરો. મ્હારે મ્હારા પ્રધાન સાથે મહાવિચાર કરવાનો મહાપ્રસંગ આવ્યો.” ​રાજાની આજ્ઞા પળાઈ બીજે દિવસે જ રાજા પોતાના મ્હેલમાં પહોંચ્યો, અને એકદમ પ્રધાનને તેડવા માણસ મોકલ્યું. પ્રધાન આવતાં રાજા બોલી ઉઠ્યો:

જરાશંકર, એકદમ બ્રેવ સાહેબને લખાવ કે અમારે તમારા એજંટ બેજંટનું કાંઈ કામ નથી. એને પાછો બોલાવી લ્યો – નીકર નીક૨-

“યુદ્ધ થશે ! - એમ લખાવું, મહારાજ ?” જરાશંકર હસીને બોલ્યો.

“નહી – નહી – હસવાનો કાળ નથી. નાગરાજના સંધિમાં એજંટનો અક્ષર પણ નથી.”

“પણ પણ સરકાર ધારે છે કે અક્ષર તો શું પણ વાક્ય છે.”

"ક્યાં છે."

“નથી તો અક્ષર પણ નથી. પણ તરવાર દેખાડી સરકાર ક્‌હેછે કે એ અક્ષર છે એવું સ્વીકારો – નીકર આ અમારી તરવાર એ અક્ષર દેખાડનારી ઉભી છે.”

“તો શું એ તરવાર એમની ખરી અને અમારી આ તરવાર નહી?"

“મહારાજ, ક્ષોભ મુકી ધીરે રહી તરવારને જ પુછો ને ?” 

“ત્યારે શું આપણે તેમના બંધાયલા ?”

“આપણે છુટા, પણ આપણી તરવાર એવી બંધાયેલી છે કે ઉઘડે નહી."

મહારાજ આ સાંભળી ઉશ્કેરાયો. તેનાં નેત્રમાં લોહી ભરાઈ આવ્યું. યુદ્ધના રસિક રાજાને વીરરસનો ઉન્માદ ચ્હડ્યો. તેણે એકદમ મ્યાનમાંથી બ્હાર ક્‌હાડી તરવાર ઉંચી કરી અને મદારી સાપને વીંઝે તેમ તરવારને આકાશમાં અફાળવા લાગ્યો, અને જાતે બે હાથ ઉંચો કુદી ફાળ ભરી દરવાજા આગળ ઉભો રહી ત્રાડ નાંખવા લાગ્યો.

“સામંત! સામંત ! એકદમ સેના લઈ આવ? સેના લાવ ! – કોણ છે રે ! સેના લાવો ! – સેના !”–

જરાશંકર કંઈક ગભરાયો, મ્હેલમાંની સર્વ વસ્તી ભેગી થઈ ગઈ અને રાજા કોઈને પણ જોતો ન હોય તેમ “ સેના ! સામંત ! સેના !” એમ ફાટી બુમો પાડવા લાગ્યો, અને બુમો પાડતાં પાડતાં પૃથ્વીને લાત મારી ગાજી બોલ્યો: “સામંત, મ્હારી તરવાર બંધ છે એમ ક્‌હેનાર તે કોણ?” ​ જરાશંકર શાંત થઈ વિચાર કરવા લાગ્યો. સઉ વિચારી રાણી અને સામંત ઉભયને સત્વર તેડાવ્યા. એક પળ જતી હતી તે વર્ષ જેવી થઈ. દ્વાર આગળ ભીંતને તરવારથી અઠીંગી, પીંઢો ભણી તાકી રહી, પા ઘડી પુતળા પેઠે આ દશામાં સ્થિર રહી, નિદ્રામાંથી જાગ્યો હોય, સમાધિમાંથી ઉઠ્યો હોય તેમ રાજા, શાંત મુખમુદ્રા ધરી હાલ્યો, અને ચારેપાસની નવી સ્થિતિથી આશ્ચર્યમાં પડી, પુછવા લાગ્યો, “સર્વે કેમ એકઠાં થયાં છે ? સઉ પોતપોતાને કામે વળગો. ખબર નથી કે રાજાપ્રધાનને મંત્ર થતો હોય ત્યાં કોઈએ ન આવવું ?”

સર્વ આશ્ચર્યમાં પડી પાછાં ગયાં. રાણી પણ અર્ધે માર્ગે આવેલી સમાચાર સાંભળી પાછી ગઈ માત્ર સામંત આવ્યો, અને પ્રધાન પાસે હતો જ.

“મહારાજને શૂરવીરોની ઉન્માદદશા પ્રાપ્ત થઈ હતી, અને તેથી થયલા ગભરાટમાં સર્વે એકઠાં થઈ ગયાં હતાં.” જરાશંકર બોલ્યો.

મલ્લરાજ – “ત્યારે પ્રાકૃતમાં એમ કહેને કે હું ગાંડો થયો હતો !”

જરાશંકર – “મહારાજના અનુભવનું વર્ણન મહારાજ કરે.”

મલ્લરાજ – “સામંત, પ્રધાનને અપ્રિય બોલ્યા વિના સત્યને વળગી રહેતાં આવડે છે.”

સામંત – “અને આપની પાસે એટલી સ્વતંત્રતાથી બોલવાની એ છાતી ચલવે તે આપની મ્હોટાઈ.”

જરાશંકર – “સત્ય કહો છો, સામંત મહારાજ આપની ઉન્માદ –દશામાં આપે સામંતને સંભારેલા તેથી એમને તેડાવ્યા છે.”

મલ્લરાજ – “શું કરવા સંભારેલો?”

જરાશંકર – “સરકારના એજંટની નીમણુંકને રદ કરવા.”

મલ્લરાજ – “એ નીમણુંક સંબંધી સર્વ હકીકત સામંતને કહી દે.”

જરાશંકરે આજ્ઞા પાળી, અને મલ્લરાજને થયેલા ઉન્માદનો ઇતિહાસ પણ કહી દીધો.

સામંત સર્વ વાત સાંભળી રહ્યો. ઉત્તર દીધો નહી.

મલ્લરાજ – “કેમ, સામંત, કંઈ ઉત્તર દેતો નથી?”

સામંત – “મહારાજ, ઉત્તર દેવાનો આપના ભાયાતોને અધિકાર નથી. તાત્યાટોપીનાં માણસ આવ્યાં હતાં તે કાળે ઈંગ્રેજોને ધર્મી અને મરાઠાઓને અધર્મી ગણી ઇંગ્રેજોનો સંબંધ આપે સ્વીકાર્યો તે કાળથી જ આપની આજ્ઞા થયલી છે કે રાજાપ્રધાનના મંત્રથી ​આપની સિદ્ધ થયલી આજ્ઞાને પાળવા શીવાય બીજો વિચાર કે ઉત્તર કરવાનો ભાયાતોને અધિકાર નથી. મહારાજનું દુઃખ જોઈ હું અંતર્માં દાઝું છું, પણ મ્હારી બુદ્ધિ આપને કામ લાગે એટલો અધિકાર તેને નથી.”

મલ્લરાજ – “સામંત, અભિપ્રાયમાં ફેર પડ્યો ત્યારે આજ્ઞા કરવાનું કામ મ્હારું હોવાથી, મ્હારા તે કાળના અભિપ્રાય પ્રમાણે, અને ત્હારા અભિપ્રાયથી વિરુદ્ધ, આજ્ઞા આપેલી. આજ એ આજ્ઞાનું અનિષ્ટ ફળ જોવાને પ્રસંગે ત્હારા અભિપ્રાયની થયેલી અવગણના અમારા સ્મરણમાં આણવી એ કામ મેલા માણસનું છે. એ અવગણવાનું સાટું વાળવાને, આજ અમને ઉપયોગી થવા અથવા અભિપ્રાય આપવા ના પાડવી, એ કામ મને શિક્ષા કરવા જેવું છે. એ અવગણનાથી તને ખોટું લાગ્યું હોય તો તને રાજપુરુષોના ધર્મનો સંપૂર્ણ બોધ નથી એમ ક્‌હેવું જોઈએ. એ અવગણના સો વર્ષ સુધી ભુલી ન જવી એ સ્ત્રીસ્વભાવનો અંશ છે. એ અવગણનાનું મને ઈશ્વરે ફળ આપ્યું સમજી ત્હારા મનમાં ત્હારો વિજય થયો લાગતો હોય તો ત્હારા હૃદયમાં રાજ્યશત્રુનો ગુણ છે. એ વિજયના ભાનથી મને મર્મવાક્ય ક્‌હેવા તું તત્પર થયો હોય તો ત્હારા મુખમાં સ્ત્રીની જીભ છે. સામંત, મ્હારી સેના તે તું છે અને મને એટલો તો અધિકાર છે કે મ્હારી સેના ઉપર જેટલો આધાર રાખું તેથી બમણો મ્હારા સામંત ઉપર રાખું.”

સામંત નીચું જોઈ રહ્યો અને તેના નેત્રમાંથી એક આંસુ પડતું દેખાયું. તે ઉઠી દ્વારની બ્હાર જઈ પાછો આવ્યો અને રાજાના સામું ઉચું જોઈ બેઠો.

“મહારાજ, હું કૃપણ ચિત્તના ભાઈ ઉપર આપ જે ઉદારતા દેખાડો છો તે મને તરવારના ઘા કરતાં વધારે લાગે છે. મહારાજ, હું અપરાધીને પૃથ્વીભેગો કરી દ્યો. હું શિક્ષાપાત્ર સેવક, તેના પ્રત્યે આપ ઉદાર વચન ક્‌હો છો એ મ્હારા હૃદયને પશ્ચાત્તાપના અગ્નિથી બાળે છે. મહારાજ, મને શિક્ષા કરો. આપના સત્ય વચનમાં – ધર્મવચનમાં – અધર્મીને કંપાવનાર શિક્ષા મુકો.”

"સામંત, મ્હારી સેનાનો નાશ કરવા કરતાં તેને સવળે માર્ગેઃ લેવી એ મ્હારું કામ છે. તું મ્હારો જમણો હાથ. મ્હારી મુછનો ​વાળ, મ્હારા રાજયનો સ્તંભ, તું જ મ્હારી સેના - તને શિક્ષા કરું તો મને જ થાય.”

“મહારાજ, એ સેના અને એ સ્તંભ હવે આપને આંગણે હાથી પેઠે માત્ર ખરચના ખાડા છે – એ હાથીને છુટા મુકશો તો આપની પ્રજાને કચરશે અને બાંધી રાખશે તો આપના ભંડાર ખાલી કરી દેશે. મહારાજ, અમને તે હવે શું કરશો?” - સામંતે દીર્ઘ નિ:શ્વાસ મુક્યો, અને એ નિઃશ્વાસનું કારણ થઈ પડેલી રાજનીતિના કારણરૂપ જરાશંકર ભણી વાંકી અાંખે જોવા લાગ્યો, જરાશંકરે તે દીઠું ન દીઠું કર્યું, અને રાજા અને તેના ભાઈના વાદનો પ્રવાહ નિર્વિઘ્ન, ચાલવા દેવા મૌન ધાર્યું.

મલ્લરાજ – “સામંત, તે વાતનો હાલ પ્રસંગ નથી. આ સરકારના એજંટની વાતમાં આપણી તરવાર છુટી કે ઉઘાડી છે તે બોલ. એ બોલવાનો અધિકાર ત્હારો છે.”

સામંતે શૂન્ય હાસ્ય કર્યું: “મહારાજ, સર્વ વાત કાળે શોભે અને કાળે ફળે. તરવારનો કાળ ગયો. હવે તરવાર ઉઘાડવી તે અકાળે યમનું ઘર પુછવા જેવું છે – સામળદાસનું વચન છે કે,“ સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વ્હાણ,“ ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ !

“મહારાજ, બ્રાહ્મણની બુદ્ધિએ ચાલતાં હાથમાં આવેલો અવસર ગયો ને રજપુતાઈના પ્રાણ ગયા તે બેમાંથી એક પણ પાછું આવે એમ નથી. એ ગયેલો અવસર અને ગયેલો પ્રાણ આણતાં જરાશંકર ભટને આવડતું હોય તો એ જાણે – બાકી મને તો આજ્ઞા આપો તો એક વાત આવડે તે એ કે આ ભટને ધુળભેગો કરી એણે વાળેલા સત્યાનાશનો બદલો આપું અને–”

જરાશંકર સ્થિર દ્રષ્ટિથી રાજાના સામું જોઈ રહ્યો. રાજાનો ક્રોધ હાથમાં રહ્યો નહી. ક્રોધની પરિસીમાને કાળે સિંહ ગાજવું મુકી દેઈ પંઝાનો ભાર દેખાડે તેમ રાજાએ કર્યું. પોતાનું અપમાન થતાં જેણે સામંતને ભાઈ ગણી અત્યંત ક્ષમા ધારી હતી અને પ્રીતિનો પ્રવાહ રેલાવ્યો હતો તે રાજાએ પ્રધાનના શત્રુને ઉગતો ડાબ્યો. રાજાની ભ્રમર ચ્હડી ગઈ અને સામંતના મુખમાંથી વચન નીકળતાં મલ્લરાજે બન્ધુસ્વરૂપ ત્યજી દઈ ગંભીર રાજ–સ્વરૂપ ધાર્યું અને સ્થિર સ્વરે સંબંધ ન ગણી આજ્ઞા કરીઃ– ​ “સામંત, મ્હારો પ્રધાન તે મ્હારું અંગ છે અને તેનું અપમાન અને તેના દ્રોહના વિચાર કરવાનો અપરાધ , ત્હેં મ્હારા દેખતાં કર્યો છે તેની શિક્ષા તને કરું છું કે આ પળે મ્હારા મુખ આગળથી જતો ર્‌હે અને મ્હારી આજ્ઞા થાય ત્યાં સુધી રત્નગરીમાં અથવા તેની પંચકોશીમાં અથવા જ્યાં હું અથવા મ્હારો પ્રધાન હઈએ તેની પંચકોશીમાં ત્હારે આવવું નહી- આવીશ તો અધિક શિક્ષા ખમીશ – બીજા એક બોલથી આ પવન અપવિત્ર કર્યાવિના સત્વર ચાલ્યો જા.”

જરાશંકર ભડક્યો – “મહારાજ–”

મલ્લરાજ – “ચુપ! સામંત, આજ્ઞા એકદમ ઉઠાવ.”

સામંત એકદમ ઉભો થઈ રાજાને પ્રણામ કરી ચાલ્યો ગયો. તેના શરીરને, કંપ અને ખેદ એ બે જણે, બંધીવાન કરી, દ્વારની બ્હાર ધક્કેલી ક્‌હાડ્યું.

જરાશંકર – “મહારાજ, આપે બહુ અયોગ્ય આજ્ઞા કરી - અપમાન થતું હોય તો મને પણ શિક્ષા કરજો-પરંતુ ઘણું અયોગ્ય કામ થયું. મ્હારા ઉપર ઘણી મમતા દર્શાવી, પણ પ્રધાનને પુછ્યા વિનાની આજ્ઞા સિદ્ધ નથી.”

મલ્લરાજ - “અભિપ્રાય અને સૂચનાઓ સાંભળતાં જે રાજાને અપમાન લાગે તેણે ગાદી છોડવી જોઈએ. મ્હારી આજ્ઞાને ત્હારા ઉપરની પ્રીતિ સાથે રજ લેવા દેવા નથી. રાજાએ પ્રધાનને પુછ્યા વગર કરેલી આજ્ઞા સિદ્ધ થતી નથી એ નિયમ સત્ય છે, પણ જયારે પ્રધાન જ એક પાસનો પક્ષકાર હોય ત્યારે એ નિયમ લાગુ નથી થતો.”

જરાશંકર – “ત્યારે શું આવી વાતોમાં રાજાઓ વગર પ્રધાને ચલાવી લેશે ? ”

મલ્લરાજ – “અલબત. મ્હારા પ્રધાનનું રક્ષણ કરવું તે મ્હારું કામ છે. મ્હારી સર્વે પ્રજાને માલમ પડવા દે કે જેવી રીતે મ્હારા સામી કોઈ ફરીયાદી ઉઠાવે તે હું સાંભળીશ તેમ જ પ્રધાનના સામી ફરીયાદો પણ સાંભળીશ અને ન્યાય આપીશ. મ્હારી જાત ઉપર કોઈ હુમલો કરશે તો યોગ્ય લાગશે ત્યાં ક્ષમા રાખીશ. પણ મ્હારી રાણી - મ્હારા કુમાર - મ્હારા ભાઈઓ અને મ્હારી સર્વે પ્રજાએ શંકા વગર જાણવું જોઈએ કે મ્હારા અધિકારીઓ તે મ્હારાં શસ્ત્ર છે, ​અને જેમ મ્હારી તરવાર ચોરનારને હું શિક્ષા કરીશ તેમ મ્હારા પ્રધાનના અધિકાર અને પ્રતાપ ઉપર હાથ નાંખનારને હું તીવ્ર શિક્ષા કરીશ અને એ શિક્ષા કરતાં બીલકુલ ક્ષમા રાખનાર નથી. મ્હારા પ્રધાનને અધિકાર અને પ્રતાપ કેટલો આપવો અને તેનું રક્ષણ કેટલે સુધી અને કેવી રીતે કરવું તેમાં હું મ્હારો પોતાનો પ્રધાન જાતે જ છું. જરાશંકર, આજ્ઞાપત્ર લખાવ કે મ્હારી સેનાનું આધિપત્ય સામંતના પુત્ર મુળુભાને આપું છું, જ્યાં સુધી મુળુભા બાળક છે ત્યાં સુધી એને નામે એ આધિપત્યનું કામ મ્હારી આજ્ઞા પ્રમાણે દૂર રહી સામંતે કરવું, અને જ્યાં એને પગ મુકવાનો આધિકાર નથી ત્યાં એની ઈચ્છા હોય તે માણસ દ્વારા એણે કામ લેવું મલ્લરાજની કરેલી શિક્ષાથી એની આજ્ઞાના અર્થ અને આજ્ઞાનો પ્રતાપ સર્વ સમજી શકે એમ થશે. ચાલ, હવે સરકારના એજંટનું પ્રકરણ ચલાવ.”

જરાશંકર – “પણ મહારાજ, પરિણામનો વિચાર દર્શાવવાનો મ્હારો અધિકાર ખરો.”

મલ્લરાજ – “શું પરિણામ પરિણામ કરે છે? જોતો નથી કે જે રાજનીતિથી મ્હારા ભાયાતો નકામા થઈ ગયા એવી રાજનીતિના પવનને મ્હારા હૃદયમાં ભરનાર તને ગણીને ત્હારા ઉપર દાંત પીસી રહેલા ભાયાતોની તરવાર તે સામંત છે, અને એ તરવાર ત્હારા ઉપર પડતાં પળની વાર ન હતી ?”

જરાશંકર – “હું સારી પેઠે સમજું છું કે મ્હારા ઉપર એ તરવાર ઘણા દિવસની ઝઝુમી રહી છે અને મહારાજની કૃપાની ઢાલથી જ આપના રંક પ્રધાનનું રક્ષણ થયું છે; પણ આણી પાસથી ઈંગ્રેજ રાજનીતિનાં પગલાં આપણા સીમાડા ઉપર વાગે છે તે કાળે આપણા અંદર અંદરના ખડખડાટનો સ્વર એ શીકારીને કાન જશે તો આપણે એ શીકારીના શીકાર થઈશું. મહારાજ, મ્હેં આપને ઘણેક પ્રસંગે કહેલું છે કે શત્રુના ગઢના દરવાજા તોડવામાં જે ઉંટને મારવું પડે તે રાજ્યનો પ્રધાન છે. મહારાજ, આપના કુટુંબમાં જ મહાન વિગ્રહ નહી થાય તો મહાન્ ક્લેશ થવાનો પ્રસંગ આવ્યો છે અને એ ક્લેશનો પ્રસંગ લેઈ ઈંગ્રેજ કાંઈ પણ લાભ લઈ શકે તેના કરતાં એ સર્વ પરિણામ અટકાવવાનો સવળો અને સ્હેલો માર્ગ એ જ છે કે આપના પ્રધાનને ઉંટને સ્થાને મુકી - ત્યજી - આપના બન્ધુવર્ગનું સાંત્વન કરવું એમાં જ હાલ રાજ્યનું હિત છે. મહારાજ, એ વર્ગ રાજ્યદ્રોહી ​કે રાજદ્રોહી નથી થયો – તેમને માત્ર મ્હારી જાત ઉપર રોષ છે, અને મ્હારા કરતાં આ વર્ગનો - આ સેનાનો - આપને બહુ ઉપયોગ છે તે હું સત્ય કહું છું. મહારાજ, પ્રધાનો ઘણા મળશે પણ આવી બન્ધુસેના નહીં મળે અને તેમના બોલવા ઉપરથી રોષ ધરવો આપને યોગ્ય નથી. કહ્યું છે કે,

“કડવા હોયે લીંબડા, શીળી હોય છાંય “બોલકણા હોય બાન્ધવા, ત્હોય પોતાની બ્હાંય,”

મલ્લરાજ – “તું ક્‌હેછે તે ઘણે અંશે સત્ય છે અને તેટલા માટે જ સામંતને માટે યોજેલી શિક્ષામાં માત્ર મ્હારી પ્રીતિ શિવાય બીજી રીતની હાનિ તેને પ્હોંચાડી નથી અને તે પશ્ચાત્તાપ કરી મ્હારી ક્ષમાની આશા રાખે એવો માર્ગ રાખ્યો છે. સામંતના હૃદયમાં ક્રોધ છે પણ દ્વેષ નથી, અને તે અવશ્ય પસ્તાશે, અને એક દિવસ આ જ સ્થાને ત્હારી સાથે પ્રીતિથી રાજ્યકાર્યમાં આશ્રય આપશે. મ્હેં એને કરેલી શિક્ષા જેવી આવશ્યક છે તેવી જ માપસર છે અને તેનું ફળ ઉત્તમ આવશે. રજપુતનો સ્વભાવ રજપુત જાણે પણ એને માટે ત્હારું બલિદાન આપું તે તો અયોગ્ય અને હાનિકારક જ. ત્હારું જ ક્‌હેવું છે – અને તે સત્ય છે – કે હવે અમારી તરવારો મ્યાનમાં બંધાઈ અને સેનાઓ નકામી થઈ છે. હવે તો એવા સહસ્ત્ર બન્ધુઓ કરતાં એક ચતુર અને રાજનીતિનો પ્રવીણ પ્રધાન એ જ રાજાઓની તરવાર અને ઢાલ ઉભયનું કામ સારશે.”

જરાશંકર – “મહારાજે ક્ષમાનો માર્ગ ઉઘાડો રાખ્યો છે તો હાલ તરત જ આપની આજ્ઞાને નિષ્ફળ થવાનો સાધનભૂત હું નથી થતો. પણ મને એક નવાઈ એ લાગે છે, આપની તરવાર બંધાયાથી, હવે લેવાનો જે માર્ગ તે, આપને આવો સુઝ્યો ને તે જ બન્ધનનાં વિચારથી આપને ઉદ્વેગ થયો ! અને બીચારા સામંતને આપને શાંત કરવા તેડેલો તે પરિણામને પામ્યો !”

મલ્લરાજ હસી પડ્યો, “હા, એ પ્રારબ્ધનો સંયોગ વિચિત્ર થયો ખરો. પણ મહાન્ પ્રસંગોએ પ્રથમ મને આવેશ થાય છે, અને તેની શાંતિ અને તે પ્રસંગના ગુંચવારાનો ઉકેલ- એ બે વસ્તુ મને સાથે લાગાં જ થાય છે. એવા મ્હારા સ્વભાવનો તને પ્રથમ પણ અનુભવ થયો હશે.” ​જરાશંકર – “ત્યારે મહારાજ, આપના કરતાં હું કાંઈ સુખી ખરો કે એવા આવેશના અનુભવ વગર એવો ઉકેલ યથાશક્તિ કરું છું.”

મલ્લરાજ ફરી હસ્યો. “એ વાત તો ખરી. પણ એવો બળવાન આવેશ- ક્ષત્રિયોને યુદ્ધમાં બન્ધુ છે; તે તેને બીજે પ્રસંગે દૂર રાખીયે એવા અમે એકલી ગરજના સગા નથી, અને તમારે એ આવેશની સાથે કદી પ્રસંગ પડવાનું કારણ નથી માટે તમારામાં ડાહ્યા હોય છે તે એનો સંસર્ગ કરતા નથી. એટલો આપણામાં ફેર, અને એ ફેર મટાડવામાં રાજ્યને લાભ નથી માટે જ રાજાના બન્ધુઓને પ્રધાનનું કામ આપવું યોગ્ય નથી અને તમારી ગરજ રાખીએ છીએ.”

જરાશંકર૦ – “ત્યારે મહારાજે ઈંગ્રેજના વકીલની વાતનો ઉકેલ કેવી રીતે કર્યો ? આપના હૃદયમાં ધરતીકંપ થયો તેનું આપે શું મહાપરિણામ જોયું તે ક્‌હો.”

મલ્લરાજ – “ત્હારો ને મ્હારો વિચાર એક થયો.”

જરાશંકર – “મ્હારો વિચાર આપને કહ્યો નથી.”

મલ્લરાજ – “પણ હું સમજ્યો.”

જરાશંકર – “તો બોલી દ્યો.”

મલ્લરાજ – “પ્રથમ તું બોલી દે. પછી હું કહીશ.”

જરાશંકર – “આપની પાસે હું હારું તે યોગ્ય જ છે. ત્યારે હું મ્હારો અભિપ્રાય પ્રથમ કહી દઉં છું તે સાંભળો.”

મલ્લરાજ – “બોલ.”

જરાશંકર – “જુવો, મહારાજ, ઈંગ્રેજની સાથે સંબંધ બાંધ્યો તે હું તો હજી સુધી બરોબર કર્યું જ માનું છું. પણ ધારો કે તે કામ બરોબર ન હોય તોપણ હવે તે વાત નિરુપાય છે, એ સંબંધને સોનાની ખાણ ગણો કે બાણની શય્યા ગણો, પણ જે હોય તે એ. હવે આપણે એમાંથી જેટલો લાભ મળે તેટલો શોધવાનો માર્ગ શોધવો, અને થયું ન થયું થનાર નથી જાણી તેનો વિચાર ન કરવો.”

મલ્લરાજના મુખ ઉપર ગંભીરતા આવી અને બોલ્યો: “ સત્ય વાત કહી.”

જરા– “મહારાજ, હવે ઈંગ્રેજ અધિકારીએ તે સાસુ અને આપ વહુ - એવો સંબંધ બંધાયો, તે લોક આપનો અધિકાર ઓછો કરવા કંઈ ​કંઈ ઉપાય કરશે. એમનો સંબંધ થયો તે સારા કે નરસા પ્રારબ્ધનું એક બીજ રોપાયું. હવે તો એ બીજનું ફળ સારું નીવડે એમ હોય તો તેને ઉત્તમ કરવા યત્ન કરવો અને નરસું નીવડે એમ હોય તો તે નીભાવી લેઈ સુધારવા પ્રયત્ન કરવો એ જ યોગ્ય છે. વિચારકાળે શંકા સ્થાને છેઃ એ કાળ ગયો. આચારકાળે શંકા અસ્થાને છે અને संशयात्मा विनश्यति એ બોધ સ્થાને છે: ઈંગ્રેજની સાથે સંબંધ કર્યો તે આચારકાળ હતો તે પણ ગયો. હવે તો જે હોય તેનો નિર્વાહકાળ આવ્યો છે, અને એ કાળના ચિકિત્સકો અસંદિગ્ધ અને સંમત ઉત્સાહક બોધ આપતા આવ્યા છે કે–प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ॥

“પ્રારબ્ધે કરેલા કર્મનો ત્યાગ ઉત્તમ જનો કરતા નથી – ત્યારે શું કરે છે?-निर्वाहः प्रतिपन्नवस्तुषु सतामेकं हि गोत्रव्रतम् ॥

“જે વસ્તુ પ્રતિપન્ન કરી તેનો અંત સુધી નિર્વાહ કરવો અને બીજી, રીતે ન વર્તવું એ એક જ સત્પુરુષનું કુલવ્રત છે - એટલે એ વ્રત ન પાળનાર અસત્પુરુષ છે. અને એ વ્રતના આચારકાળે એ પુરુષોના જીવ કેવા રહેછે? તો ક્‌હેનાર ‌ક્‌હેછે કે–अङ्गीकृतं सकृतिनः परिपालयन्ति ॥

“અંગીકૃત વસ્તુનું સજજનો પરિપાલન કરે છે અને એમ કરનારા સુકૃતિ એટલે કૃતકૃત્ય ભાગ્યશાળી હોય છે અને મનમાં પણ તેમ જ પોતાને સમજે છે. જે સિંહાસન ઉપર આપ બેસો છો તે સ્થાન સત્પુરુષોને માટે જ છે, અને તે સ્થાન ઉપર બેસવાનો અધિકાર મહાભાગ્યનું ફળ, તેમ જ એથી અધિક મહાભાગ્યનું બીજ છે તે મ્હારા કરતાં આપ વધારે જાણો છો.”

“મહારાજ, નિર્વાહકાળે, વિચારકાળના કરેલા વિચારપુરા સ્મરણમાં આવતા નથી, આચારકાળની મુકેલી તીવ્રતા નિર્વાહના કાર્યમાં સ્ફુરતી નથી, અને જે વિઘ્નોના વિચાર આપે પૂર્વે સંપૂર્ણરીતે કરીને જ પ્રારંભનો આદર કરેલો તે વિઘ્નોની તાત્કાલિક મુદ્રા આપના મનને સંકોચ પમાડે છે તે કેવળ મોહને લીધે છે. તે મોહથી વિઘ્નનો નિર્વાહ થવામાં ક્લેશ થાય એ આપના કેવળ યુદ્ધાનુભવી સામંતમાં તો યોગ્ય છે. પણ યુદ્ધદશા તો માત્ર આચારકાળનું એક પગથીયું છે; અને કેવળ–યોદ્ધાઓનું કર્તવ્ય જે ક્ષણે સંપૂર્ણ થાય છે તે જ ક્ષણે ​રાજાઓની રાજનીતિના પ્રવાહ આરંભાય છે અને તે પ્રવાહમાં તરવારની મલ્લકળા તો માત્ર મલ્લરાજ જેવા રાજાઓને જ વરે છે, તો મહારાજ ! આ નિર્વાહકાળમાં એ રાજનીતિની મલ્લકળા કેટલી સબળ કરવી તે હું રંક જન્મના બ્રાહ્મણ કરતાં આપનો સૂર્યવંશી પ્રાચીન રાજકુળાચાર આપને વધારે સમર્થ રીતે શીખવશે. મહારાજ, આપનું રાજબુદ્ધિવીર્ય આપને આમાં નિ:સંશય કંઈક અપૂર્વ ફળસંતતિ આપશે - એવી મ્હારા મનને પૂર્ણ શ્રદ્ધા છે. મહારાજ, હું તો આ રાજનીતિમાં આપને સારથિ છું- મ્હારાથી તો આપ છો અને આપના દિગદર્શન પ્રમાણે રથ ચલાવવા તત્પર છું.”

મલ્લરાજ – “ત્યારે આપણે ઈંગ્રેજ સાથે નિર્વાહ કરવો એટલો અભિપ્રાય ત્હેં આપ્યો અને નિર્વાહ કેવી રીતે કરવો તે વિચારવાનું કામ મ્હારાપર નાંખ્યું.”

જરાશંકર – “મહારાજ, યથાર્થ ક્‌હો છો. આપનો અભિપ્રાય શો તે ક્‌હેવાનો વારો હવે આવ્યો.”

મલ્લરાજ હસીને બોલ્યો: “પ્રધાન લુચ્ચો દેખાય છે. આટલું લાંબું લાંબું બોલી, શું કરવું તે ક્‌હેવાનો ભાર આખરે મ્હારે માથે જ ર્‌હેવા દીધો - ફરી અભિપ્રાય આપતાં સામંતની બ્હીક લાગતી હશે !”

જરાશંકર – “મહારાજ, બ્હીક હશે ત્હોયે બ્રાહ્મણ છું. બાકી આપના જેવા છત્ર નીચે રહી એવા તાપનો ડર હોય તો તે એવા, ડરકણ પ્રધાનને આપની સેવામાં રાખવો યોગ્ય નથી જાણી એને સેવામાં રાખતા હો તો આપનો ધર્મ આપ બજાવતા નથી એટલું ક્‌હેવા જેટલી છાતી ચલવું એટલે વિશ્વાસ તો મને આપનો છે.”

મલ્લરાજ ખડખડ હસી તકીયા ઉપર માથું નાંખી પડ્યો ને ફરી ફરી હસ્યો.

“અસત્ય ભાષણનો ત્યાગ કરી, અપૂર્ણ સત્ય બોલતાં તને આવડ્યું. હવે સામંતને ખોઈ તને ખોવાની મૂર્ખતા મ્હારે માથે બાકી રહી.”

જરાશંકર હસ્યો, “મહારાજ, આ ઈંગ્રેજી રાજ્યનો નિર્વાહ કરવો એટલું સિદ્ધ છે તો તેના વકીલની બાબતમાં પણ નિર્વાહ કરવો એ, રસોઈ કરવા સળગાવેલો તાપ વેઠવાને ચુલેથી કેટલે છેટે બેસવું એના વિચાર કરવા જેવું છે.” ​મલ્લરાજ – “શી રીતનો ?” 

જરાશંકર – “એ તાપ મુંબાઈનગરી જેટલે છેટે લાગવા દેવો કે લીલાપુરમાં પણ લાગવા દેવો ?”

મલ્લરાજ – “મુંબાઈમાં તો છે જ.” 

જરાશંકર – “હા, પણ એટલે છેટે પડેલા ચુલામાં રંધાતા ચોખા કાચા રહે છે કે બફાય છે કે બળી જાય છે એ જોવા જેટલી લાંબી દૃષ્ટિ પડે એમ નથી અને લીલાપુરમાં તો બધું જોવાશે.”

મલ્લરાજ સાંભળવા આતુર બની ટટ્ટાર થઈ બેઠો. “પણ લીલાપુર જેટલો પાસે તાપ લાગશે તો તેના તનખા ઉડશે, રાખ ઉડશે, ધુમાડો ઠેઠ આપણી આંખોમાં આવશે, ને વળી તાપ ઠેઠ સરસો વેઠવો પડશે તે ? એટલું નુકસાન વધારે કે પાસે રહી ચોખા ચાંપી જેવાનું ફળ વધારે ?

જરાશંકર – “મહારાજ રાજનીતિના જાણનાર છે. સુભાજીરાવને ક્‌હાડી મુકતાં પ્હેલાં જ ઈંગ્રેજની સાથે બુદ્ધિબળ રમવાની કળાને શોધવા આપે જ ધારેલું છે; અને બુદ્ધિબળને અંગે આપણી અને સામાની ઉભયની બાજી જાણી લેવી એ સાધન સાધવાને અર્થે સર્વ સંતાપ અને ક્લેશ વેઠવા એ પણ એક સાધન છે.”

મલ્લરાજના મનનો એક મ્હોટો વળ ઉકલ્યો તોપણ કંઈક બાકી રહ્યું. “જરાશંકર, એ તો ખરું, પણ સામાને જાણતાં આપણે પણ જણાઈ જઈશું તે ?”

જરાશંકર – “મહારાજ, એ ભીતિ તો વૃથા છે. નાગરાજ મ્હારાજે કરેલા યુદ્ધને અંતે જ આપણે જણાઈ ગયા છીયે. હવે ઈંગ્રેજ આપણને વધારે ઓળખવા પ્રયત્ન કરશે તે આપણાથી અટકાવાય એમ નથી. આપણે શરીરે પ્હેરેલાં વસ્ત્રમાત્ર ઉઘાડી ઉઘાડીને જોશે, અને એમ કરવા બળ કરતાં કળ વધારે વાપરશે.”

મલ્લરાજ – “ત્યારે - આવ કુહાડા પગ ઉપર – એવું આપણે જાતે જ કરવાનું કારણ છે ? ચાહીને પાસે બોલાવવાનું કારણ શું ?”

જરાશંકર – “જે રાજ્યો અને રાજાઓનાં અંગ અનેક અંતર્વ્યાધિથી નિર્માલ્ય થઈ ગયાં છે ત્યાં તો ઈંગ્રેજ પાસે આવ્યાથી કેવળ ભય જ છે. આપણી ચારેપાસ જ્યાં જોઈએ ત્યાં છિદ્ર વિનાનાં રાજય નથી અને એ છિદ્રોમાં નખ ઘાલી ઘાલી અંદરનું લોહી ઈંગ્રેજો રીંછ પેઠે પીશે અને એ લોહીને ઠેકાણે એ રીંછની ઝેરી લાળ લીંપાશે તો ​તેમાં કંઈ અસંભવ કે અયોગ્યતા મને તો નથી લાગતી. મહારાજ, જે રાજાના રાજયમાં પ્રજાનું રક્ષણ ન થતાં ભક્ષણ થાય છે, જે રાજા પ્રજાના કલ્યાણના વિચાર અને આચારમાં દિવસની સાઠ ઘડી ગાળતા નથી અથવા સાઠને ઠેકાણે અઠ્ઠાવન ઘડી એમ ગાળી બે ઘડી જેટલો કાળ પણ પ્રજાને ત્યજી બીજા વિષયને સમર્પે છે તે રાજાના રાજ્યમાં અવકાશ પામતી દુર્વાસનાને માથે ઈશ્વર કોઈ શત્રુ ઉભો કરે તો તેમાં અયોગ્ય શું આવી ગયું ? મહારાજ, પ્રજાને શિક્ષા કરે રાજા અને રાજાને શિક્ષા કરે ઈશ્વર.” 

જરાશંકર જરીક અટક્યો અને પાછો બોલ્યો : “મહારાજ, જે રાજ્યમાં છિદ્રો હશે તેમાં ઈંગ્રેજનો સહવાસ ભયંકર નીવડશે કે નહી એ ક્‌હેવાતું નથી, અને નીવડશે તો મને કંઈ અયોગ્ય લાગતું નથી. પણ ત્યાં તે અયોગ્ય હશે તોપણ રત્નનગરીના ધર્મિષ્ઠ મહારાજને તો આમાંથી કંઈ ભય મને દેખાતું નથી. મહારાજ, આપનો અને આપના રાજ્યનો જેને જેને જેમ જેમ પ્રસંગ પડશે તેમ તેમ આપની સુવાસના અને આપની સુંદરતા અધિકાધિક દીસી આવશે. મહારાજ, આપને કોઈ સુખડની પેઠે વધારે વધારે ઘસશે તેમ આપ વધારે વધારે સુગન્ધ આપશો અને વધારે વધારે તપાવશે તેમ તેમ કાંચન પેઠે વધારે સુંદર દેખાશો – કહ્યું છે કે, '*“धृष्टं धृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम्"तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णम् ॥"छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकाण्डम्"न प्राणान्ते प्रकृतिविकृतिजार्यते ह्युत्तमानाम् ॥

મહારાજ, રત્નગરીમાં પુરુષરત્ન જેને જોવાં હોય તેટલાં જોઈ લે, એ કોઈના દૃષ્ટિપાતથી ડરે એમ નથી. એ રત્નને કોઈ માત્ર જોવા ઈચ્છે તેટલાથી જ તેને કંઈ ભય નથી. ઈંગ્રેજ રાજપુરુષોને આપણા પુરુષરત્નોના ભંડાર જોવા હોય એટલા જુવે – એમાં કાંઈ હાનિ નથી. બાકી એ પરદેશીઓ આપણા રાજ્યની બ્હાર પાડોશમાં લીલાપુર આવી ર્‌હેશે તો મને તો તેમના તન્ત્ર જાણવાને, તેમની કળાઓ જોવાનો, અને એવો એવો આપણને એક કાળે ઈચ્છેલો, લાભ જ આપણને શોધતો આવતો દેખાય છે. મહારાજ, આ નિર્વાહકાળમાં મને તો આ જ વિચાર ઉત્તમ લાગે છે.”


  1.  *પ્રાચીન શ્લેાક.​

મલ્લરાજ આનંદમાં આવી એકદમ ઉભો થયો, જરાશંકર ઉભો થયો, રાજા પ્રધાનનો વાંસો થાબડી ઉમંગથી બોલ્યોઃ “બસ, જરાશંકર, બસ – મલ્લરાજનો સંશય ટળી ગયો, રત્નનગરીનાં રત્ન નિર્ભય છે. જા, વિદ્યાચતુરપાસે ઉત્તર લખાવ કે એ સુગ્રીવજીનો વંશ તે સીતાજીનો માનીતો, ને સીતાજીનાં જ બાળક એ વંશને છેટે કેમ રાખી શકશે ? માટે તેમને જે ઝાડે બેસવું હોય ત્યાં આવી બેસે ને મરજી પડે એટલું કુદે. એ વાનરો બહુ કરશે તો મુઠી ચણા બગાડશે – બાકી રત્નનગરીનાં રત્ન એમનાથી ચવાય કે ભંગાય એમ નથી – એ રત્ન ખાવા જશે તો એમના દાંત પડશે. જરાશંકર, મથુરાનગરીના વાનરોને ચણાનો પ્રસાદ – આપણે એમને પહોંચી વળીશું અને ઘરનાં થોડાં નળીયાં ભાંગશે તો ગામમાં માટીની ખોટ નથી.”

જરાશંકર ઘેર ગયો. રાજા અંતઃપુરમાં ગયો. જતાં જતાં તેને સામંત સાંભર્યો અને તેની સાથે હૃદયમાં ઉંડો નિશ્વાસ પડ્યો. ન્હાનપણનો સાથી, યુદ્ધકાળનો સખા અને મણિરાજ પછીનો ગાદીનો વારસ – એ સામંતનો વિયોગ મલ્લરાજને અસહ્ય લાગ્યો અને માર્ગમાં ને માર્ગમાં જ તેનાં નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. પોતે જાણી જોઈને જાતે જ આ દુઃખનું કારણ થયો છે, પોતાના મિત્રને પોતે જ ઘા કર્યો છે – એ વિચારતાં મલ્લરાજનું હૃદય છેક કોમળ થઈ ગયું અને તે પોતાની નિન્દાનાં વાક્ય બરબડવા લાગ્યો.

“ધિક્‌કાર છે આ રાજ્યાસનને કે જેને લીધે મિત્રના ઉપર ઘા કરવાનો પ્રસંગ આવ્યો. અરેરે, મિત્રનો ત્યાગ કરવાને ઠેકાણે રાજ્યાસનનો જ ત્યાગ કર્યો હત તો શું ખોટું હતું?” 

“સામંત – સામંત – મ્હારા બાળપણના સ્નેહી ! ત્હેં મ્હારું હિત વિચારી ક્રોધ આણ્યો તેનો બદલો મ્હેં આમ વાળ્યો – જે મનુષ્યની પ્રીતિ ઉપર વિશ્વાસ રખાતો નથી તે દુષ્ટ છે – રાજાઓની પ્રીતિનો વિશ્વાસ જગત કરતું નથી તે બરોબર છે. રાજાઓની જાતિ જ દુષ્ટ છે. રાજ્યને અંતે નરક લખ્યાં છે તેમાંનું એક તો હું આ અનુભવું છું. અહો પરમાત્મા ! ત્હારી ગતિ ન્યારી છે.”

આમ વિચાર કરતો રાજા અંતઃપુરમાં ગયો. રાણીએ તેનું ગ્લાન મુખ દીઠું અને તેના સ્વભાવની પરીક્ષક સ્ત્રી તે ગ્લાનિનું કારણ પણ ચેતી ગઈ, સામંતના સમાચાર અંતઃપુરમાં ફરી વળ્યા હતા અને રાજાએ કરેલી શિક્ષા સર્વને મુખે નિર્દય ક્‌હેવાઈ – રાજાનો ન્યાય પંચે કર્યો ​અને સાર્મત જેવા પ્રતાપી સપક્ષ મિત્રને શત્રુ કરવામાં રાજાએ સાન કરતાં કાન વાપર્યાનો નિર્ણય થઈ ગયો. મલ્લરાજને માથે આવો આરોપ આજ પ્રથમ જ આવ્યો. રાજાની બુદ્ધિ બદલાઈ તેની સાથે કાળ બદલાયો એમ સર્વ ક્‌હેવા લાગ્યાં, અંતઃપુરમાં જતાં જતાં મળેલાં સર્વ માણસનાં પરભાર્યાં બની ગયેલાં મુખ ઉપરથી જ રાજા સર્વેની આ બદલાયલી વૃત્તિ કળી ગયો અને એના બળતા ચિત્તમાં ઘી હોમાયું તો પણ રાજાનો પ્રતાપ એવો હતો કે કોઈથી એની પાસે કે માંહોમાંહી પણ ઉંચે સ્વરે આ વાત વીશે ઓઠ ફરફડાવી શકાય નહી. યમરાજના ઘાથી શૂન્ય થયો હોય એમ આખો રાજમહાલ લાગ્યો, સર્વના મતમાં ભળેલી રાણીની પણ આ વાતમાં જીભ ઉપડે એમ ન હતું – રાજનીતિના પ્રસંગમાં અંતઃપુરનાં કોઈપણ માણસને તેણે ઓઠ ઉઘાડવાનો અધિકાર આપ્યો ન હતો, અને એની આજ્ઞાનો ભંગ કરવો એ પરિણામ અતિશય ભયંકર હતું તેનો અનુભવ સામંતના દૃષ્ટાંતથી સર્વને પ્રત્યક્ષ થયો હતો. છતાં યમરાજની સાથે અંતકાળે વાતો કરવા બેઠેલા રામચંદ્રનું હિત ઈચ્છી, પોતાનું અહિત અવગણી, લક્ષ્મણે દુર્વાસાને ભાઈ પાસે જવા દીધા હતા અને રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું તે દૃષ્ટાંત લક્ષમાં લઈ રાણીએ રાજા પાસે પોતાનું ઇંગિત સ્પષ્ટ કરવા છાતી ચલાવી, અને તેમ કરવામાં રાજાના ચિત્તની ગ્લાનિ દુર કરી વિનોદ આપવાનો માર્ગ લેવાનો – એક સાધનથી બે કાર્ય સાધવાનો પ્રયાસ આરંભ્યો. 

બન્ધુસ્નેહને રાજ્યધર્મના ભારનીચે ડાબી દેવાના પ્રયાસ અને ક્લેશથી થાકેલો મલ્લરાજ મસ્તિકમાંથી સર્વ ભાર ફેંકી દેઈ રાણીના અંકસ્થળમાં માથું મુકી પલંગમાં સુતો, દીવાની ઝીણી કરી દીધેલી જ્યોત્સના તેની આંખનો ક્લેશ દૂર રાખી માત્ર પ્રકાશ જ આપવા લાગી, ઉઘાડી બારીમાંથી પશ્ચિમ સમુદ્રની ભરતીની પ્રેરેલી પવનની લ્હેરો રાજાના શરીરને નિદ્રોન્મુખ કરવા લાગી, બહારનાં ઝાડનાં પાંદડાનો ખડખડાટ કર્ણેન્દ્રિયને એકસ્વરમાં લીન કરવા લાગ્યો, અને રાજાની ચિત્તશય્યામાં આળોટતી ચિંતાઓએ ખોઈ દીધેલી પદભ્રષ્ટ નિષ્ટાદેવીનું આવાહન આરંભવા આનન્દયોગનું મુહૂર્ત સાધવાના ઊલ્લાસથી સ્વામીના શરીરપર કરતલ ફેરવતી મેનારાણી જોડી રાખેલું ગેય ધીરે ધીમે સ્વરે ગાવા લાગી: ​“મેના રટે પ્રભુ આજ ! મહારાજ ! રંક મેના રટે તમપાસ ! - ધ્રુવ.“શૂર પુરુષ તે હાથ ધરે જે નહીં એકલી તરવાર! મહારાજા૦“શૂર પુરુષ તે હૃદય ધરે જે નહીં કેવળ અંગાર ! મહારાજા૦'*[૧]“શંખ ધરે રિપુ–હૃદય-વિદારણ જે ત્રિભુવનનો નાથ, મહારાજા૦'*“ભક્ત-હૃદયની સાંત્વન કાજે પદ્મ ધરે તે હાથ. મહારાજા૦“લાત ખમી હરિ ભૃગુની હૃદયમાં સિદ્ધ થયો ક્ષ્માનાથ, મહારાજા૦“અવનિ વસી અવતાર ધર્યા ને વેઠ્યા યુગવ્યવહાર; મહારાજા૦“મેના જેવી અબળા નારી તે પણ પાળે કાળ, મહારાજા૦“દેવા મણિ પ્રભુકરમાં એણે તપ તપ્યું છે નવ માસ, મહારાજા૦“એ હરિકેરા ભક્ત તમે છો – એ મેનાના નાથ: મહારાજા૦“તેજસ્વી છો તેને ક્ષમાનો કોણ દીવો ધરનાર? મહારાજા૦”

આ વાક્યે રાજાને નિદ્રાસ્ખલિત કર્યો. તેણે પાસું ફેરવ્યું. રાણીનું ગાયન વાધ્યું. “સામંતશિરના મુકુટમણિથી પદપાવડી સોહાય, મહારાજા૦”

રાજાએ આંખો ઉઘાડી – જાગૃત થયો. રાજા રાણીનું મુખ જોવા લાગ્યો.“એમ મણિધર પર ભાર ક્ષમાને અચળ ટકાવો ક્ષ્માનાથ ! મહા૦”

રાજા ચમક્યો – રાણીના ખોળામાંથી માથું લઈ લીધું – બેઠો થયો. એનાં નેત્ર-આકાશમાં ધૂમકેતુ ઉદય પામ્યો. રાજાનો ચિત્તવિકાર ચતુર લલના ચેતી ગઈ અને જાતે ચ્હડાવેલા વિષનો ઉતાર જાતે આરંભ્યો.“અબળા જાતિ નથી અધિકારી સિંહાસનની પાસ, મહારાજા૦“કોમળ રસની હું અધિકારી, કોમળ જાચું પ્રભાવ ! મહારાજા૦”

ગાનયોગ્ય હાવભાવનું નાટ્ય કરતાં રાજા સામા હાથ જોડતી - રાજાના વિશાળ મેઘ જેવા વક્ષ:સ્થળમાં મુખચંદ્ર ધપાવવા લાગી -“હાથ જોડી કરી ઉર ઉઘાડું, વનિતા માગે આજ, મહા૦”

રાજા રાણીનું મુખ ઉચું કરી તેમાંથી હવે શું વાક્ય નીકળે છે તે સન્મુખ દૃષ્ટિ કરી સાંભળવા – જોવા – લાગ્યો. રાણીની વાગ્ધારા અસ્ખલિત ચાલતી રહી.“શાસ્ત્રવિશારદ પીયુ ! દેજો જી શૂર ધીર રસિક શૃંગાર. મહા૦”“યુદ્ધ-વિશારદ પીયુ! સ્હેજો જી, રાખી ક્ષમા, રસબાણ! મહા૦”

રાજાના વિચાર પોતાના અંગમાં આકર્ષતી લીન કરતી અંગના, પોતે હરાવી દીધેલી સેના ન્હાસતી ન્હાસતી સ્વસ્થ થવા પામી બળવતી થવા 


  1.  *આ રચના અન્યસ્થળથી જડેલી છે.​પામે અને તેને જીતવા પોતાને ફરી પ્રયાસ કરવાનો પ્રસંગ આવે તે

પ્હેલાં, સમયગ્રાહિણી રતિશૂરી બળવાન ધસારો કરવા લાગી.“મહારાજ ! શૂરી મેના કરે રસઘાવ !“મહારાજ ! જો જો ! રંગીલી કરુંછું પ્રહાર !“ચતુર વીર ! સજ્જ થજે સાવધાન !“કારમો છે કામિની કેરો ચ્હડાવ !“મહારાજા, શૂરી મેનાનો જોજો જી હાથ !“રંગીલા, ઝીલજે રસરંગની ધાર !”

“ધાર” શબ્દનો ઉચ્ચાર નીકળતા પ્હેલાં રાણીનું શરીર રાજાના શરીરપર પ્રહાર કરી પડ્યું, રાજા એકદમ સુકુમાર શરીરને નિર્માલ્યવત્ વિષવત્ ગણી તરછોડી ઉભો થયો, રાણીને પડતી મુકી રંગભવનના દ્વાર બહાર જતો રહ્યો, અને જતાં જતાં રાણીના સામું ક્રોધકટાક્ષ ફેંકી છેલ્લા બોલ બોલતો ગયો - “સામંતને શિક્ષા કરનાર રાજા સામંતનો પક્ષ કરનારીને પણ શિક્ષા કરી શકશે. રાણી ! અધિકાર વિનાનું કામ કરવાની યોજના કરી મ્હારી આજ્ઞાનો ભંગ કર્યો – રાજદંડને યોગ્ય માનવી પાસે રાજા સંબંધ ભુલી જાયછે. રાણી ! સામંતનો ત્યાગ કર્યો તો ત્હારો કરવો એ વિધાતાને વિશેષ લેખ !” 

રાજા દ્વાર બ્હાર અદ્રશ્ય થયો – અંધકારમાં લીન થયો. રાણી ઉભી થઈ પાછળ ચાલી. રાજા પોતાની કે કોઈની સાથે વાત કરતો સંભળાયો. રાણી અંધકારમાં ઉભી ઉભી ગાવા લાગી– “રસીયા ! રોષ તજોજી !*" તુમ મધુકર, અમ કેતકી, ભલ્યો બન્યો સંજોગ !“કંટક–દોષ બીચારીયે તો તો કૈસે બને રસભોગ ?“ઓ રસીયા ! રોષ તજેજી !”

ઉત્તર ન મળ્યો. રાણી દીવો લેઈ આવી ચોકમાં રાજાને શોધતી ચાલી અને રાજાને પકડી પાડતી બોલીઃ“મ્હારું રમકડું રીસાયું રે ઓ વ્હાલા !” 

પકડાયલે રાજા બોલ્યોઃ “રાણી ! વિચાર કરતાં ત્હારું ક્‌હેવું એવું સમજાય છે કે સામંત મણિધરની પેઠે, મણિ અને વિષ ઉભય ધરનારો છે માટે ક્ષમા રાખવી. રાજનીતિમાં સ્ત્રીવર્ગને હું અધિકાર આપતો નથી – માટે તને શી શિક્ષા કરું ?” 


  1.  * દયારામ 
  2.  † પ્રેમાનંદ.​રાણી, પગે પડી-રાજાના જમણા પગને આલિંગન દેઈ, બોલી,

“મહારાજ ! મ્હેં રાજનીતિમાં ચાંચ બોળી નથી - આપના રાજ્યમાં હું અબળા પ્રબળ બની આપને લાંછન લગાડવા અભિલાષ રાખતી નથી. એ અભિલાષ બીજી સ્ત્રીયોને સોંપ્યો - મેના તો આપની પ્રજા છે અને આપનો આપેલો અધિકાર લે છે.”

રાજા – “તે શો?”

રાણી – “કોઈ સર્પ આપને દંશ દે એવે સ્થળે આપ સંચાર કરો ત્યારે વચનથી અને અગત્ય પડે તો વચ્ચે પડી આપને ખેંચીને પણ આપને વિષદંશમાંથી ઉગારવા એ અધિકાર આપના આયુષ્યવડે સૌભાગ્યવતીને વિવાહના સમયથી જ મળેલો છે.”

રાજા – “શું સામંત મને દંશ દે એમ છે?”

રાણી – “સામંત તો દે એમ નથી. પણ આપના ભાયાતો એ સામંતના દાંત છે ને એ દાંતમાં વિષ છે. મહારાજ, આપના ભાયાતો આપના પ્રધાન ઉપર અને આપના ઉપર ક્રોધે ભરાયા છે. સામંતને ક્ષમા કરશો તો આ વિષ શાંત થશે અને એ વિષવાળા નાગના શિર ઉપર ધરતીનો ભાર રાખશો તે ટકશે. એ આપની જાતને ઉગારી લેવાનો એક માર્ગ છે.”

રાજા – “રાણી ! ત્હારો અભિપ્રાય જાણ્યો. એ અભિપ્રાયથી મ્હારી આજ્ઞાનો ભંગ કર્યો નહીં કર્યો નહી થાય; પણ તને શિક્ષા થોડીક કરુંછું તે એ કે આજની રાત્રિ મ્હારો વિયોગ વેઠવો અને ફરીથી રાજ્ય પ્રસંગના વિષયમાં ઉચ્ચાર પણ ન કરવો એટલી ફરી આજ્ઞા આપું છું.”

રાણી રાજાનો પગ મુકી ઉઠી. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું, “મહારાજ ! આપના વચનમાં ન્યાય છે અને આપની આજ્ઞામાં દંડ અને ક્ષમા ઉભય છે – એ આજ્ઞાનો ભંગ કરવા મુજ રંકનું ગજું નથી. મહારાજ, હું આપની રૈયત છું. આપ રંગ–ભવનમાં પધારી શચ્યા કરો – હું આજની રાત આ ચોકમાં જ દેશવટો ભોગવીશ.”

રાજા પલંગમાં સુતો. રાણી ચોકમાં સુતી. પ્રીતિની સત્તાના કાંટામાં સુતેલો રાજા આખી રાત ઉંઘી શક્યો નહી તેમ રાજ્યાસનનો અધિકારી પ્રિયજનને કરેલી શિક્ષાના વિષયમાં પશ્ચાત્તાપ કે ઉદ્વેગ પામી શક્યો નહી. સામંત જેવા મિત્રને અને મેના જેવી રાણીને શિક્ષા ​કરનાર રાજાના મસ્તિકની અવસ્થાનું ચિત્ર આપવા તો શ્રીકંઠ ભવભૂતિ જેવાનો શક્તિપાત જ સમર્થ થાય.

હૃદયમાં વજ્ર અને નેત્રમાં પાણી રાખનાર રાજાની અવસ્થા કેવી દુસ્તર છે ? – ભવભૂતિ ક્‌હેછે કે,-इदं राज्यं पाल्यं विधिवदभियुक्तेन मनसा प्रियाशोको जीवं कुसुममिव धर्मः क्लमयति ॥स्वयं कृत्वा त्यागं विलपनविनोदोप्यसुलभस्तदद्याप्युच्छासो भवति ननु लाभो हि रुदितम् ॥

15
લેખ
સરસ્વતીચંદ્ર - ભાગ ૩
0.0
મનુષ્યના ભાગ્યમાં સંપત્તિવિપત્તિના પ્રવાહો અવળાં સવળાં વહન કરે છે. તેમ જ મનુષ્યસમૂહથી ભરેલા દેશોના ભાગ્યમાં પણ થાય છે. આ દેશને શિર પાછલાં બે ત્રણ વર્ષથી પડવા માંડેલી બહુરંગી વિપત્તિઓ સર્વદૃષ્ટ છે તો તેના વર્ણનની પુનરુક્તિ આવશ્યક નથી. પણ એ જ વિપત્તિઓએ મુંબાઈનાં મુદ્રાયંત્રોને અનેકધાં ઘેરેલાં હતાં, અને એ જ કારણને લીધે ઘણા કાળથી મુદ્રાયંત્રમાં મોકલેલો આ લેખ માત્ર આજ જ વાંચનારના હાથમાં મુકી શકાય છે. અનેક વિઘ્નોને અંતે આ કથાના આ ભાગે વાચકવૃન્દ પાસે રખાવેલું ધૈર્ય આ પરિણામને પામ્યું છે તો તે ધૈર્ય ગ્રન્થસંબંધમાં અન્ય ઈષ્ટ વિષયમાં પણ સફળ થાય એ ઇચ્છા સ્વાભાવિક છે. સરસ્વતીચંદ્રના આ ત્રીજા ભાગ પછી માત્ર ચોથો જ ભાગ રચવાની યોજના છે. ઈશ્વરની ઇચ્છામાં આ લેખકના આયુષ્યની કલ્પના હશે તો ઉક્ત યોજના પાર પાડવાની માનુષી કલ્પના તો છે જ. એ કલ્પના સિદ્ધ થાવ અને સર્વ વાચકવૃન્દનાં આયુષ્ય એને સફલ કરો એવી ઈશ્વરને પ્રાર્થના છે. આ કથાની મૂળ પ્રોત્સાહિની અને લેખકની પ્રિય ભગિની અ૦ સૌ૦ સમર્થલક્ષ્મી ગ્રન્થની સમાપ્તિ સુધી આયુષ્યમતી રહી શકી નહી અને તત્સબંધમાં તેની વાસના તૃપ્ત ન કરાતાં બન્ધુભાવે અર્પેલી જોડેની નિવાપાંજલિ લખવાનો આ લેખકને ભાગ્યદૈન્યથી અત્ર પ્રસંગ આવેલો છે. પ્રિય વાંચનાર ! આવા પ્રસંગને અનુભવકાળે ત્હારે માટે ઉપર કરેલી પ્રાર્થનામાં જે આશીર્વાદનો ઉદ્ગાર અંતર્ગત છે તે તને ઈષ્ટ હો. આ કથાના ચોથા ભાગમાં આ ગ્રન્થની પૂર્ણાહુતિ કરવા ધારી છે. પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ગ્રન્થનો સાધારણ ઉદ્દેશ જણાવ્યો હતો. આ પ્રસ્તાવનામાં કંઈક વિશિષ્ટ ઉદ્દેશ જણવવા અવકાશ છે. સંસ્કૃત અને ઈંગ્રેજી ભાષાઓના મહાન અને સમર્થ ગ્રન્થકારોની જ્વાલાઓ આ દેશની પ્રજાને અનેકધા લાભકારક છે. પણ એ જ્વાલાઓમાં આધુનિક પ્રજાનું સર્વ પ્રકારે તાદાત્મ્ય થવું સુલભ નથી. કારણ ઈંગ્રેજો અને દેશીઓ વચ્ચે વિચાર–આચારમાં જેમ અનેકધા ભેદ છે તેમ સંસ્કૃત વિદ્યાના અને આજના આપણા કાળ વચ્ચે પણ વિચાર- આચારમાં અનેકધા ભેદ છે, અને એવા ભેદમાંથી ગળી ક્‌હાડી , એ ભાષાઓના સત્વને કેવળ અનુકૂળ રસ ચાખવો એ સર્વથી બનતું
1

સુન્દરગિરિના શિખર ઉપર.

30 October 2023
1
0
0

સરસ્વતીચંદ્ર.ભાગ ૩. રત્નનગરીનું રાજ્યતંત્ર. પ્રકરણ ૧. સુન્દરગિરિના શિખર ઉપર. અન્નપૂર્ણાના પ્રતાપના અનુભવાર્થીને તેના પ્રસાદનો અનુભવ થયો. અન્ધકાર અને અરણ્યમાં અશરણ શબ-અવસ્થાના અનુભવને અંતે, ભયંકર વ

2

મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.

30 October 2023
0
0
0

પ્રકરણ ૨. મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ. મનહરપુરીમાંથી માનચતુર સ્વારોને લેઈ નીકળ્યો તે પછી એના ઉતારામાં સર્વ સુવાને વેરાઈ ગયાં અને પોતપોતાની પથારીમાં સુતાં પણ બરોબર ઉંઘ્યા નહી. ચંદ્રકા

3

મુંબાઈના સમાચાર, ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ.

30 October 2023
0
0
0

પ્રકરણ ૩. મુંબાઈના સમાચાર, ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ. સરસ્વતીચંદ્રના શોધ સારુ ચંદ્રકાંત મુંબાઈથી નીકળ્યો તે પછી ત્યાં શું થયું તે સમાચાર જાણવાનો હવે અવસ૨ છે. પ્રિય પુત્રના વિયોગથી અને પોતે જ તેનું

4

સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર.

30 October 2023
0
0
0

પ્રકરણ ૪. સુવર્ણપુરના સમાચાર: કારભારીને શિક્ષાપાત્ર પુત્ર. Every good political institution must have a preventive operation as well as a remedial. It ought to have a natural tendency to exclude bad

5

વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે.

30 October 2023
0
0
0

પ્રકરણ ૫. વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે. સુંદરગિરિ અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓનાં પ્રિયસ્થાન થઈ પડ્યાં હતાં. ત્યાંનાં મંદિરો, મઠો, વગેરેની સંખ્યાં આ પ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે. ભરતખંડી આર્ય

6

સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ; સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન

30 October 2023
0
0
0

પ્રકરણ ૬. સંસ્કૃત પ્રકરણ: લક્ષ્યાલક્ષ્યરહસ્યવિવરણ; સ્વપ્ન, જાગૃત, અને પાછું સ્વપ્ન સરસ્વતીચંદ્ર નિદ્રાવશ થયે પા ઘડી ભાગ્યે થઈ હશે એટલામાં અલખપુરી આવ્યો, અલખ-રહસ્યનું પુસ્તક આણ્યું, તેના મંત્રોના વિ

7

રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો.

30 October 2023
0
0
0

પ્રકરણ ૭. રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો. ભાગ્યના કોઈક મહાપ્રબલને લીધે અનેક અને મહાન્ વિપત્તિઓના ઇતિહાસવાળા રત્નગરીના રાજ્યને સેંકડો વર્ષોથી રાજા અને પ્રધાનોનું સ્થાન સાચવવા મહાપુરુષો જ મળ્યા હતા, એ ર

8

મલ્લરાજ અને તેનાં રત્ન.

30 October 2023
0
0
0

પ્રકરણ ૮. મલ્લરાજ અને તેનાં રત્ન. મલ્લરાજની ચીઠ્ઠી બ્રેવ ઉપર ગઈ તે દિવસ એ રજપૂત રાજાએ અનેક વિચારો અને ચિંતાઓમાં ગાળ્યો. પરદેશીઓને ક્‌હાડી એ મલેચ્છોના હાથમાંથી આખો દેશ દેશીઓને હાથે પાછો આવવાનો સમય આવ

9

મલ્લરાજની ચિન્તાઓ.

31 October 2023
0
0
0

પ્રકરણ ૯. મલ્લરાજની ચિન્તાઓ. “Yet once more, in justice to this paragon of Heathen excellence, let us remember that Aurelius represents the decrepitude of this era, He is hopeless because the age is

10

મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારના બીજ.

31 October 2023
0
0
0

પ્રકરણ ૧૦. મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારના બીજ. રાણીદ્વારા કરેલો પ્રયત્ન નિષ્ફળ જતાં સામંતે જરાશંકર દ્વારા પ્રયત્ન કર્યો. એક દિવસ જરાશંકરે મલ્લરાજ પાસે વાત ક્‌હાડી. “મહારાજ, સામંતને આપના ઉપર

11

પરરાજ્યનો પ્રથમ વમળ.

31 October 2023
0
0
0

પ્રકરણ ૧૧. પરરાજ્યનો પ્રથમ વમળ. મણિરાજને ભાળવતાં મલ્લરાજે વિદ્યાચતુરને કરેલી આજ્ઞાઓ આ ગ્રંથના બીજા ભાગમાં દર્શાવેલી છે. એ આજ્ઞાઓ કેમ પળાય છે તે જોવા મલ્લરાજ ઘણે પ્રસંગે ઘણે પ્રકારે જાગૃત ર્‌હેવા લાગ

12

નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ.

31 October 2023
0
0
0

પ્રકરણ ૧૨. નવાં પ્રકરણ અને નવા ઇતિહાસ. “But no ! the imperial theorist will live and die a martyr to his theory.” –Merivale on, Aurelius. પ૨રાજ્યનો પ્રથમ ધક્‌કો વાગ્યો તેની અસર મલ્લરાજના સર્વ તન

13

મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજ્ય.

31 October 2023
0
0
0

પ્રકરણ ૧૩. મલ્લરાજની નિવૃત્તિ અને મણિરાજનું યૌવરાજ્ય. દિવસ ગયો. રાત્રિ આવી, જરાક અંધકાર થયો ત્યાં મેનારાણી હાંફતી હાંફતી રાજા પાસે આવી અને રાજાએ ઉંચું જોયું. રાણીએ નવા સમાચાર કહ્યા. એજંટ મારફત મુળુ

14

મણિરાજનો શોક અને પિતૃદર્શન.

1 November 2023
1
0
0

પ્રકરણ ૧૪. મણિરાજનો શોક અને પિતૃદર્શન. O star of strength ! I see thee stand And smile upon my pain; Thou beckonest with thy mailed hand, And I am strong again. -Longfellow. પોતાની પાછળ સિં

15

સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત

1 November 2023
0
0
0

પ્રકરણ ૧૫. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી પાછળ નંખાતા દૃષ્ટિપાત. કુમુદસુંદરી સુભદ્રામાં તણાયાના સમાચાર મનહરપુરીમાં સાંભળી, ગુણસુંદરી સાથે વિદ્યાચતુર ૨ત્નનગરી આવ્યો તે સમયે મણિરાજને ગાદી પર બેઠે બે ત્ર

---

એક પુસ્તક વાંચો