અમિત શાહની અરૂણાચલ પ્રદેશની મુલાકાતથી ચીન ગુસ્સે ભરાયું છે, તે અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ જ માને છે. તેને તે દક્ષિણ તિબેટ તરીકે નકશામાં દર્શાવે છે. શાહની અરૂણાચલ પ્રદેશની મુલાકાતને ચીન તેનાં સાર્વભૌમત્વના ઉલ્લંઘન સમાન માને છે. તેણે અરૂણાચલ પ્રદેશને 'જંગ નાન' તેવું નામ આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીએ કહ્યું હતું કે, જાંગનાન ચીનનો પ્રદેશ છે ભારતીય અધિકારીની જંગનાન યાત્રા ચીનની ક્ષેત્રીય સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે. તે સીમાની સ્થિતિ અને શાંતિ માટે અનુકૂળ નથી.
અમિત શાહની આ મુલાકાત ચીનના મનસુબાનો જવાબ છે. કારણ કે ચીન તે વિસ્તાર ઉપર પોતાનો દાવો કરે છે.
વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો પ્રારંભ કરતા અમિત શાહે કહ્યું કે, ભારતની સીમા ગળવાનો જમાનો ગયો. સોઇની અણી જેટલી જમીન પણ કોઈ ગળી નહીં શકે.
તેમણે કહ્યું અરૂણાચલમાં કોઈ નમસ્તે નથી કરતું બધા જયહિન્દ બોલીને એક બીજાનું અભિવાદન કરે છે તે જોઈને હૃદય ભરાઈ આવે છે. અરૂણાચલવાસીઓની આ દેશભક્તિને લીધે જ ૧૯૬૨ના આક્રમણકારીઓને પણ પાછા હટી જવું પડયું હતું.
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ વિષે બોલતા તેઓએ કહ્યું હતું કે તેનો મુખ્ય ઉદ્દેશ ભારતના સીમાવર્તી ગામોમાં વિકાસને આગળ ધપાવવાનો છે. તે માટે ભારત સરકારે વીત્તીય વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૫-૨૬માં માર્ગ સંપર્ક માટે ૨,૫૦૦ કરોડ રૂપિયા સહિત કુલ ૪,૮૦૦ કરોડનું યોગદાન કરવા નિર્ણય કર્યો છે. સાથે વાઇબ્રન્ટ વિલેજના પ્રોગ્રામ (વીવીપી)ને મંજૂરી આપી છે. વીવીપી એક કેન્દ્ર પ્રાયોજિત યોજના છે જેની નીચે અરૂણાચલ પ્રદેશ, સિક્કીમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તથા કેન્દ્રશાસિત પ્રદેશો લડાખ અને જમ્મુ કાશ્મીર આવરી લેવાયા છે. તેમાં સરહદ પરના ૧૯ જિલ્લાના ૪૬ બ્લોકના ૨,૯૬૭ ગામોને જુદા તારવી લેવાયા છે. તેના પહેલા ચરણમાં પ્રાથમિકતા આધારે ૬૬૨ ગામો નિશ્ચિત કરાયા છે તેમાં અરૂણાચલ પ્રદેશના ૪૪૫ ગામો સમાવિષ્ટ છે આથી લોકોનું જીવનસ્તર ઉંચુ જશે.