અંક બીજો.
( વિદૂષક આવે છે. )
વિદૂષક—(નિસાસો મુકી) મહાકષ્ટ! આ મૃગયાશીલ મિત્ર રાજાની સંગતથી હું કંટાળ્યો. અા હરણ, આ ભૂંડ, આ વાઘ એમ ભટક્યાંજ કરવાનું તો, વળી બપોરે ને ઊનાળાથી ઓછાં પાંદડાને લીધે થોડી છાયાના મારગોમાં, એક રાનમાંથી બીજા રાનમાં ! પહાડના ઝરણનાં પાણી પાંદડાના ભેળથી કઠાણા કડવાં પીવા પડે ને સળીઆએ સેકેલું માંસ વિશેષે એવું ખાવાનું ને એ વળી નહિં વેળાસર ! ઘોડા પાછળ દોડતાં સાંધા સજ્જડ થઈ જવાથી રાતે પણ ઝંપીને સુવાતું નથી ! ને પોહ ન ફાટી તેટલે તો પક્ષીની પારધ કરનારા દાસીજણ્યા રાન રોકવાને બરાડા પાડવા મંડ્યાજ છેની, તેથી ઝબકી જાગુંછું. શું એટલેથીજ પીડા મારી પતી કે? રે ગેાડ ઉપર ફોલ્લો તેવું થયું !-
કાલે અમે પાછળ રહી ગયેલા ને રાજશ્રી મૃગની પાછળ લાગતાં આશ્રમમાં ભરાયા તો ત્યાં તાપસકન્યા શકુંતલા, ભોગ જાગ્યા મારા કે તેની દૃષ્ટિયે પડી – હવે નગરે જવાનું મન કેમે તે નહિ કરે ! આજે પણ તેનું જ ચિંતવન કરતાં ન મળી આંખોએ તેને વહાણું વાયું છે ! શું કરવું ? આચાર શૃંગારથી પરિવારીલે તો પછી તેને મળું.
(અહી તહીં ફરી જોઈ)
રે આ, હાથમાં ધનુષ્યબાણ ને કોટમાં વનફૂલની માળા એવી યવનીઓની વચમાં આણીગમજ આવેછે પ્રિય વયસ્ય ! ઠીક ઠીક, અંગભંગ વિકળ જેવો થઈ લાકડી ટેકી ઉભો રહું, એટલે નામનો એ વિસામો તો લેઊં ( તેમ કરે છે.)
(તેવે ઉપર કહ્યા પ્રમાણે રાજા આવે છે.)
રાજા— (સ્વગત) પ્રાપ્ત થવી સેલી નથી પણ મારૂં મન તેની ચેષ્ટા ભણી જાય છે અને ઇચ્છા પાર પડી નથી પણ બંનેના મન પ્રીતિ દાખે છે. પણ એ મારૂં કહેવું તો હસી કાઢવા જેવું છે. કેમકે-
જુએ સ્ત્રી બીજાને, તદપિ મુજને એહવું વદે,
નિતંબે ભારે જો હિંડતિ ધિમિ તો લ્હેકતિ મદે;
સખી સાથે છાની કરતિ ગુજ તો તે મુજ કહે,
કૃતી તેની સંધી નિજ ઉપર કામીજન લહે. ૨૬
વિદૂ૦— એ વયસ્ય ! મારા હાથ પગ લાંબા થતા નથી માટે માત્ર વાણી એજ ભણું છું, તારો જયજયકાર થાઓ.
રાજા૦— (જોઈને હસતાં) શાથી તારૂં ગાત્ર રહી ગયું ?
વિદૂ૦— એ તો શું પુછવું કે શાથી ! પોતેજ મારી આંખને આકળી કરેછે ને વળી આંસુંનું કારણ પુછેછે ?
રાજા— ખરે હું ન સમજ્યો, જૂદો શો અર્થ છે તે કહે.
વિદૂ૦— રાજ્યકાર્ય છોડી મનુષ્યનો સંચાર નહિં એવા ઘોર અરણ્યમાં વનચરવૃત્તીએ પશુઓની પાછળ ફરવું એ તે શી ઘેલાઈ મૃગયાની. એથી કંઇજ લાભ નથી. મારે પણ તારી સાથે રખડી પશુઓ પાછળ દોડવું પડેછે તેથી હું ગાત્રભંગ થયો છું; માટે પ્રસાદ આપ કે એક દિવસ પણ છૂટો રહું ને વિસામો પામું.
રાજા— (સ્વગત) એ એમ બાલેછે ને કણ્વકન્યાને સ્મરણે મારું ચિત્ત પણ મૃગયા ઉપરથી ઉઠી ગયું છે ! વળી જેના સહવાસમાં પ્રિયા છે ને જેણે એને પોતાની પેઠે કુમળું કુમળું જોતાં શિખવ્યું છે તેના ઉપર મારાથી બાણ કેમ યોજાય !
વિદુ૦— (રાજાનું મુખ જોઈ) વયસ્ય તો કાંઈ હૈયામાં ગાંઠી વિચારે છે; હું બોલ્યો તે રાનમાંજ રડ્યો તો !
રાજા૦— ( હસીને) આ તું મિત્રનું વચન ઉથાપવું નહિ તેથી હું કંઈ બોલ્યો નહિ.
વિદુ૦— (સંતોષે) તો તું ચિરંજીવ રહે. (જવાનું કરે છે.)
રાજા૦— વયસ્ય ઉભો રહે, મારે કંઈ કહેવું છે તને, વિસામો લીધા પછી જેમા શ્રમ નહિ તેવા અમારા કામમાં તારે સહાય રહેવું.
વિદૂ૦— લાડુ ખાવામાં ?
રાજા— હું કહીશ. કોણ છેરે અહીં ?
પ્રતિહાર— (પ્રણામ કરી) કરીએ આજ્ઞા ભર્તા !
રાજા— સેનાપતિને બોલાવ.
પ્રતિ૦— આજ્ઞા.
સેનાપતિ— (આવતાં રાજાને જોતાં) દેખાતો દોષ છતે મૃગયાએ રવામીને ગુણ તો થયો છે ખરો.
ચાપતણા નિત ઘર્ષણથી થયું પૂર્વવપૂ બહુ કઠ્ઠણ એવા,
સૂર્યતણે અતિ તાપ સહે શ્રમલેશથકી પણ મ્લાન ન તેવા;
માંસ ઘટે પણ સ્નાયુ વધે રૂડું અંગવળ્યું કરવે વળિ હેવા,
દેવ દિસે બળશક્તિથિ દૃષ્ટિ કહૂં ગિરિયે ચરતા ગજ જેવા. ૨૭
(પાસે જઈ) જયતુ જયતુ સ્વામી ! ને આપતો અહીંજ બેસી રહ્યાછો.
રાજા— મૃગયાનિંદક માધવ્યે મારી હોંસ ઓછી કરી નાખી.સેના૦— (વિદુષકને કાનમાં) સખા ! તું તારું બોલ્યું ફેરવીશ નહિ, હું સ્વામીની ચિત્તવૃત્તિને અનુસરીનેજ વર્તીશ. (પ્રગટ) દેવ ! એતો બકેછે રાંડીનો, પ્રભુ પોતાના ઉપરથીજ જોશે કે–
મેદ ઘટે કુશ પેટ થતે વપુ ચંચળ ને સબળુંજ : સ્હાયે,
ક્રોધભયાદિ વિકાર અરણ્યજ પ્રાણિતણા સહજે સમજાયે;
લક્ષ્ય ચળે નહિ બાણતણો ધનુધારિ યશે વધિ તે વખણાયે,
એ સરખો નથિ અન્ય વિનોદ વૃથા મૃગયા વળિ નિંદિત થાયે. ૨૮
વિદુ૦— હોંસીલો તું છે તો અને રાન રવડી માણસનાં નાકના લોભી કોઈ ઘરડાંઢોંચ રીંછના મોડામાં પડ, દાસીજણ્યા !
રાજા— ભદ્ર સેનાપતિ ! આશ્રમની પાસે છૈયે એટલા માટે તમારૂ બોલવું અમે માન્ય કરતા નથી.-
છો ભેંસો પડિ તે પછાડિ શિગડાં ડાળે તળાવે જળ,
ને ટોળે મળિ છાંયડે મૃગ ઠરી વાગોળતા રહે ખડ;
ને હારે રહિ ભૂંડ મોંથ ભચડે ખાબોચિયે નિર્ભયે.
ને ઢીલા ગુણબંધનું ધનુષ આ વિશ્રામ પામો હવે. ૨૯
તો જઈને રાનઘેરૂઓને નિવર્તિ પમાડો અને મારા કોઈ સેનિકો તપોવનને ઉપદ્રવ કરતા હોય તેને વારો.
સેના૦— જેમ સ્વામીની આજ્ઞા. (જાયછે)
રાજા— (યવનીઓ ભણી જોઈને) તમ સૌ હવે મૃગયાનો વેશ બદલી નાખો.
યવની— આજ્ઞા મહારાજ ! (જાય છે)
વિદુ૦— ઠીક કીધું, બણબણતી માખી પણ અહી રાખી નહિ; હવે પેલાં ઝાડને છાંયડે વેલાને માંડવે રમણીય એવાં ઉંચા આસન પર બેસવું એટલે હું પણ ક્ષણભર બેસીને વિસામો લઉં.
૨ાજા— તું ચાલ આગળ.
વિદુ૦— વયસ્ય તું પણ વહેલો આવ. (બને જઈ ઓટલીપર બેસે છે)
રાજા— સખા ! તું નેત્રનું ફળ પામ્યો નથી, તારે જોવાજોગ ઉત્તમ વસ્તુ તે તેં જોઈ જ નથી.
વિદુ૦— તેતો તું મારી આગળ છેજ.
રાજા— ખરું કે સહુ પોત પોતીકાંને સુંદર દેખેછે પણ હું તો આ આશ્રમને ભૂષણરૂપ જે શકુંતલા તેને વિષે બોલું છું.
વિદુ—(સ્વગત) હવે એને વધારે બોલવાને અવકાશ ન આપવો. (પ્રગટ) તે તપસ્વી કન્યાની માગણી તો થઈ શકવાની નથી, ત્યારે તેને જોયાથી શું ?
રાજા— ત્યાજ કરવા જેવી વસ્તુભણી પૌરવનું મન જતું જ નથી.
દેવગનાથિ નિપજી તજેલિને કરિલિધી મુનીએરે,
આ ઉપર પડ્યું આવી ફૂલ નવી માલિકાનું એપેરે. ૩૦
વિદૂ૦— (હસીને) ખજૂર ખાઈ ખાઈ જે ઓચાઈ ગયો હોય તેને આમલીનું બેડકું ખાવા ઉપર રૂચિ થાયછે, તેમ અંતઃપુરની રત્ન જેવી સ્ત્રિયોનો ભોગ કરી રહ્યા ત્યારે હવે એની ઇચ્છા કરો છો.
રાજા— સખા ! તું એને જોઈશ નહિ ત્યાં લગી એમજ બોલીશ.
વિદૂ૦— ત્યારે તો જે તને પણ વિસ્મય ઉપન્ન કરે છે તે ખરેખરી રમણીય હશેજ.
રાજા— વયસ્ય ! વિશેષ કહે શું ?
મોહ્યો મોહ્યો હું તો રૂપસુંદરીને,
એ તો ઉત્તમ ગુણોએ છે ભરી –માહ્યો૦
વિધિએ વિભૂતિ દાખીછે પૂરી,
રૂડું રત્ન અપૂર્વ એ છે વરી. –મોહ્યો o
પેલી આ લેખી પછી જીવ મૂક્યો,
કાંતો ઉંચાં રૂપો કલ્પી કરી.–મોહ્યો૦ ૩૧
વળી,
નિમશે કો ભોગી વિધિ, ફળ પુણ્ય ઘણાંનૂં તે–
સખા ન જાણું, ફળ પુણ્ય ઘણાંનૂં તે.–ટેક.
નિર્મળ રૂપ તે ફૂલ અણસંઘ્યૂં,
કુંળું અંકુર તે નવ નખે તૂટ્યૂં. –સખા ૦
મધ તે નવું જે નવ કોએ ચાખ્યું,
રત્ન વળી જે હજી ન વિંધાયૂં. –સખા૦ ૩૨
વિદૂ૦— ત્યારે તો ત્વરાએ તેનું રક્ષણ કરો, નહિંતર હિંગોળને તેલે ચિકણું કરેલું માથું એવા કોઈ તપસ્વીને હાથ તે જઈ પડશે, પણ વારૂ તારા મનમાં છે તેવું તેના મનમાં છે ખરૂં !
રાજા— સખા !
પાતળીએ કીધું ચરિત્ર,
પાતળીએ કીધું ચરિત્ર.
પાતળીએ કીધું ચરિત્ર રે –પાતળીએતો.
ચાલી જઈ થોડીક આધી,
અકસ્માત ઊભી ભાખી
કૃષઅણી પગમાં વાગી રે–પાતળીએતો.
મારી સામી દૃષ્ટિ રાખી,
વલ્કલ લે હાથ નાખી,
ઝાડવે ભરાયું દાખી રે – પાતળીએ તો ૩૩પણ તે પરવશ છે, ને ગુરુજન પણ ત્યાં નથી.
વિદૂ૦— તો ખાવાનું ભાથું રાખી ચાલ, તેં તપોવનને ઉપવન કીધું હું જોઈશ.
રાજા— સખા ! કોઈ કોઈ તપસ્વીઓ મને ઓળખે છે તે જાણી જાય, તો કિયે મિષે આપણે આશ્રમમાં જઈ રહેવું ?
(પડદામાં) આહા ! કૃતાર્થ થયા આપણે.
રાજા— (કાન દેઈ) અરે ! ધીર પ્રશાંત સ્વર ઉપરથી તપસ્વીઓ આવ્યા છે એમ જણાય છે.
( પડદામાં ).
એણે ઓ આશ્રમ શુભ કર્યો તે ભર્યો સર્વ ભેાગે,
ને સંચે એ તપફળ નિતે લોકકલ્યાણયોગે;
ગંધર્વોએ ગરજિત કર્યો 'રાજ' છે પૂર્વ એવો,
પુણ્ય: શબ્દ: 'ઋષિ' વશિતણો સ્પર્શતો સ્વર્ગ તેવો. ૩૪
તપસ્વીઓ— રાજા ! તારો વિજય થાઓ.
રાજા— (હળવે ઉઠી) હું અભિવંદન કરૂંછું.
તપ૦— સ્વસ્તિ. (ફળ આપે છે.)
રાજા— (પ્રણામ પૂર્વક લેઈ) આવવાનું પ્રયોજન સાંભળવા ઇચ્છું છું.
તપ૦— રાજા અહિં આવ્યો જાણી તપસ્વીઓ પ્રાર્થના કરેછે.
રાજા— શી આશા કરે છે ?
તપ૦— ઋષિ કણ્વ અમણા અહિં ન હોવાથી રાક્ષસો યજ્ઞકર્મમાં વિઘ્ન કરે છે માટે તારે આયુધ તથા સારથી સહવર્તમાન થોડા દહાડા અહિંજ વાસ કરવો.
રાજા— અનુગ્રહ થયો મારો.
વિદૂ૦— (હળવે) એ પ્રાર્થના તો તને ઠીક અનુકૂળ આવી ગઈ.
રાજા— (મંદ હસીને) પ્રતિહાર ! સારથીને મારી આજ્ઞા કહે કે ધનુષ્યબાણ સાથે રથ વહેલો લઈ આવે.
પ્રતિ૦— આજ્ઞા, મહારાજ !
તપ૦— (હરખાઈ)
આરતવાળાં જનનાં છત્ર અભયના હતાજ દીક્ષિત તે,
પૌરવ પૂર્વજ તારા, તું પણ તેમજ કરે રૂડું નિત્યે ૩૫
રાજા— પધારો ત્યારે, હું પણ તમારી પાછળ આવ્યો જાણો.
તપ૦— વિજય થાઓ. (જાય છે.)
રાજા— માધવ્ય ! તપસ્વીઓની આજ્ઞા છે માટે મારે એકલા જવું જોઈએ; તું સૈનિકોને લઈને રાજધાનીએ જજે ને શકુંતલા વિષે જાણજે કે તેના પર મારો ખરો પ્રેમ નથી, એ તો મેં તારૂં હાસ્ય કીધું.
ક્યાં અમ ક્યાં જન ઉછર્યું મૃગબાળકસહ અજાણ રતિવાતે;
હસવામાં ભણ્યું મેં તો સાચું ન માનિશ સખા તું મનમાં તે. ૩૬
વિદૂ૦— હા હા એમજ તો. ( હસતો બબડતો જાય છે. )