shabd-logo

અંક પેલો.

9 June 2023

41 જોયું 41

અંક પેલો.

(તપોવન.)

(રથમાં બેઠેલા રાજા દુષ્યંત પોતાના સારથી સાથે આવે છે.”)

સૂત—(રાજાને ને મૃગને જોઈને)આયુષ્યમન્ ! કાળા મૃગને જોઊ અને સાથે પણછ ચઢાવેલ ધનુષ્ય સાથે આપને જોઊછું તો સાક્ષાત્ (દેવ અસૂરની?) ની પૂઠે પડ્યા હોયની એવા દીસો છો.

રાજા—સૂત ! મૃગ આપણને બહુ દૂર ખેંચી લાવ્યો;



ડોકી તો વાળિ રૂડી રથભણિ કરતો દૃષ્ટિ એ વારવા
કાયા સંકોડિ પૂઠે શરપતન ભયે આગલીને વધારે;
અર્ધા ચાવ્યાં તૃણાં મોં શ્રમથિ ખુલ્લું રહે માર્ગમાં વેરિ દે છે
જો ઝાઝો ઊંચિ ફાળે ગગન ગતિ કરે ભૂમિયે સ્વલ્પ રેછે. ૬

એ કેમ હશે કે આટલો આપણો ધાવો છતે મૃગ યત્ને દૃષ્ટિયે પડે છે?!

સૂત—આયુષ્યમન્ ! ઢેકાઢૈયાની ભોંય હોવાથી મેં રાસ તાણી રાખી રથનો વેગ ધીમો કીધો તેથી મૃગને ને આપણને બહુ છેટું પડી ગયું ; પણ હવે આ સપાટ ભૂમિ પર તેને પકડી પાડતાં વાર નહિ લાગે.

રાજા— તો રાસ ઢીલી મૂકી દે.

સૂત— જેમ આજ્ઞા આયુષ્યમન્ ! જુઓ જુઓ-



દોરી ઢીલી મુકી કે તરત કરિ દિધી ડોકિ સીધીજ લાંબી,
કાનો ઊભા થએલા વળિ કલગિતણી ટોંચ ના કાંઈ કાંપી;
ના જાવાદે અગાડી નિજપદથિ ઉડી ધૂળને મોટિ હોડે,
સંખાતો વેગ જેથી નથિ હરિણતણો એહવા અશ્વ દોડે. ૭

રાજા—( હરખે ) ખરૂં ! આ ઘોડા તો સૂર્યના ઘોડાને પણ પાછળ પાડી દે તેવા છે, કેમકે



ઝિણું જોવામાં તે, સહજ બનિ મોટુંજ સબળૂં,
વચથી તટેલું, દિસતું સત સંજુક્ત સગળૂં;
છતૂં વાંકૂ તે તો, સરળ સિધું ભાસે વળિ કંઈ,
ક્ષણે આઘૂં છે કે, નિકટ રથ વેગે લહું નહીં. ૮

હે સૂત ! આ મૃગને મેં માર્યો જ જાણ (શસ્ત્રસંધાન કરે છે એટલે.) (પડદામાંથી) હાં, હાં, રાજા ! આશ્રમમાંનો મૃગ છે એ, ન મારવો, ન મારવો.

સૂત— (સાંભળી જોઈને) આયુષ્યમન્ ! આપના બાણની ને મૃગની વચ્ચે તપસ્વીએા આવી ઉભા છે !

રાજા— (ગભરાઈને) તો વેલો રાસને તાણી રાખ.

સૂત— આજ્ઞા આયુષ્યમન્ ! ( રથ રાખે છે કે કણ્વ ઋષિનો શિષ્ય વૈખાનસ એક બીજા સાથે આવેછે. )

વૈખાનસ—( હાથ ઉંચા કરી) હાં, હાં, રાજા ! આશ્રમમાંનો મૃગ છે, મારીશ મા, મારીશ મા.



નહિ નહિ કર એવો, આકરો બાણલાગ,
મૃગનિ કુમળિ કાયા, પુષ્પ ઊપેર આગ;
વળિ હરિણ તણૂં તે, ચંચળૂં જીવવું ક્યાં !
કઠિણ અતિશ તીખાં, બાણ તે વજ્રનાં કયાં ! ૯

માટે મૃગ ઉપર સંધાન કરેલું બાણ પાછું સંવર; તારૂં બાણ પીડિતના રક્ષણને અર્થ છે, નિરપરાધને મારવાને નથી.

રાજા— (નમસ્કાર કરી) આ પાછું લીધું ત્યારે (તેમ કરે છે.)વૈખા૦—(હવે) તું પુરુકુલદી૫ક છે રાજા ! તુને એમજ કરવું ઘટે.



પુરુવંશજ તૂંને તો યુક્ત એ કરવું ભજે;
ચક્રવર્ત્તી ગુણો સાથે પુત્ર એવો તું પામજે. ૧૦

બીજા શિષ્યો— (હાથ ઉંચા કરી) રાજા ! અવશ્ય તુને ચક્રવર્તી પુત્ર થાઓ.

રાજા— (અંજલિપૂઠે) બ્રાહ્મણોનું આશિષવચન મેં માથે ચડાવ્યું.

વૈખા૦— રાજા ! આ પેલો માલિનીને તીરે કણ્વ મહર્ષિનો આશ્રમ દેખાય છે ત્યાં, બીજાં કાર્યનો બાધ ન હોય તે જાવું ને અતિથિને યોગ્ય એવો સાત્કાર પામવો.

રાજા— મહર્ષિ આશ્રમમાં છે શું?

વૈખા૦— પુત્રી શકુંતલાને અતિથિના સાત્કારનું કહી એના દૈવમાં કેટલુંક બાધક છે તેની શાંતિને અર્થે અમણાંજ સોમતીર્થ ગયા ઋષિ.

રાજા— ઠીક,હું મળીશ એટલે તે, મહર્ષિને જણાવશે કે દર્શનને આવ્યો હતો.

વૈખા૦— ત્યારે અમે સમિધ આણવાને જઈયે છિયે. (બધા જાય છે.)

રાજા— સૂત ! ચાલ વેલા ઘોડા હાંક, પુણ્યાશ્રમને દર્શને પોતાને પવિત્ર કરિયે.

સૂત— આયુષ્યમન્ ! ( ઉતાવળે હાંકે છે. )

રાજા— ( ચારે પાસે જોતાં ) સૂત ! ચિન્હ ઉપરથીજ આ તપોવનની ભૂમિ છે એવું સ્પષ્ટ સમજાય છે; જો :

ઝાડતણી આ બખોલમાં પોપટના માળા, તેમાંથી તો નમાર કેરા કણ બહુ ગરતા; કે ઠામે છે પત્થર ચિકણા સૂચવતા હિંગોરા છૂંદ્યા તેલ કાઢવા તપસ્વિયોએ; મારગમાં પાણીનાં ટીપાં ને વળિ લીટા દેખાએ તે ઋષિજનકેરાં વલ્કલવસ્ત્રો જળાશયોમાં બોળેલાં નીગળતાં લીધાં તેનાં હોએ; પવન ચપળથી ખાબુચિયાનાં પાણીએ તો ઝાડમૂળિયાં ધોવાયાં છે; હોમેલે ઘીનો ધૂમાડે ધુમાડિયા રંગે પીળાં સૌ પત્ર ફૂલ ફળ; મોટાં હરણાં શબ્દ મનુષ્યના સુણી ન ભાગે વિશ્વાસે રહી એકગતીએ અહિં તહિં ફરતાં; ને બાળક તે દર્ભ કાપિને સ્વચ્છ કરેલી ઉપવન ભૂમિ તેમાં ચરતાંહળવે હળવે;-



રમ્ય અતિ ધર્મક્ષેત્ર સોહે
ઊતરે શ્રમ મારો જોએ. ૧૧

સૂત— એ છે સર્વ. આયુષ્યમન્ !

રાજા— ( રથ થોડેક આગળ ચાલ્યા પછી) સૂત ! તપોવનવાસીને ઉ૫દ્રવ મા થાઓ; અહીંજ રથ રાખ, કે હું ઉતરું.

સુ— રાસ ખેંચી છે મેં, ઉતરવું આયુષ્મન્ ! રાજા— (ઉતરીને પોતાને જોઈ) સૂત ! આશ્રમમાં સાદે વેષે જવું (આવે વેષે નહિ) આ લે (આભરણ, ધનુષ્ય બાણ)

(આપેછે.)સૂત— લેઉછું.

રાજા— સૂત ! હું આશ્રમવાસીનાં દર્શન લેઈ પાછો આવું તેટલે તું ઘેાડાની પીઠબીઠ ધોઈ સજરાખ.

(જાય છે.)સૂત—આજ્ઞા.

રાજા— (ફરીને જોઈને) આજ દ્વાર છે આશ્રમનું, એમાંથી જાઉં. (પ્રવેશ કરીને શકુન થયા જેવું સૂચવે છે.)



શાંત સુઆશ્રમ છે ને ફરકે ભુજ ફળ હશે શું આ ઠાર;
અથવા હોનારાંને સર્વત્ર જ હોય છે વળી દ્વાર. ૧૨

(પડદામાં) આમ આમ પ્રિય સખિયો !

રાજા— (કાન દેઈ) જમણી કોરના વૃક્ષોની હારમાંથી કોઈ બોલતું સંભળાય છે ! હું ત્યાં જાઉં; (ફરીને જોઈ) તપસ્વીની કન્યાઓ પોતપોતાને જોગા નાના નાના ઘડા સાથે નાનાં નાનાં ઝાડને પાણી સિંચવા અહીંજ આવે છે. (નિહાળીને) આહાહા, કેવું મધુર દર્શન એઓનું !



અંતઃપુરને દુર્લભ વપુ આ આશ્રમતણાં જનનું છે જો,
ખરું વાટિકાલતાને તુચ્છ ગણિ ગુણે વનનિ લતાઓ તે. ૧૩

લો ઠીક, આ ઝાડની ઓથે રહી એઓ મને ન દેખે તેમ હું એઓને જોઉં શું કરે છે તે.( સખીઓ સાથે શકુંતલા આવેછે. )

શકુંતલા— અહીં, અહીં આવો સખીઓ !

અનસૂયા— બેન શકુંતલા ! તાતકણ્વને તારા કર્ત્તા આશ્રમના ઝાડ વધારે વાલાં છે એમ મને લાગે છે કેમકે કુમળી મલ્લિકા જેવી તું તેને તેણે પાણી સિંચવાનું સોંપ્યું છે.

શકું૦— સખી અનસૂયા ! તાતે કહ્યુંછે માટેજ કરૂં છું એમ નથી, એ ઝાડો ઉપર મારો પણ ભાંડુ જેવો સ્નેહ છેજ.

(પાણી રેડતી રેડતી આગળ આવે છે.)


રજા—(સ્વગત - વિસ્મય પામી.) હે ! કણ્વઋષિની શકુંતલા તે આજ શું ? અવિચારી છે ભગવાન કણ્વ કે એને આશ્રમધર્મમાં યોજી છે–



ઋષિ ઇચ્છે વપુ પૃકૃતસુંદર તપ કરવા દૃઢ થાએ;
નીલકમળનાં પત્રની ધારે શમીલતા છેદાવે. ૧૪

કુ૦— સખી અનસૂયા ! પ્રિયવંદાએ વલ્કલ ઘણુંજ તાણીને બાંધ્યું છે તેથી હું સિકડાઈ ગઈ છું તો તું ઢીલું કર લગાર.

( કરેછે. )અન૦— કરું છું હો !

પ્રિયંવદા— ( હસતાં ) એ તે તારી કાયા વધે છે તેથી; એને વધારનારૂં જે તારૂં જોબન તેનો વાંક કાડની, મારો શું કરવા કાડે છે ?

રાજા— (સ્વગત) ખરૂં બોલી એ.



ખભઓ ઉપર ઝીણી ગાંઠ બાંધેલિ એવે,
ઉરજ ઉભય ઢાંકીનાખતે વલ્કલે એ,
અભિનવવપુશોભા પુષ્ટિ તો નાજ પામે,
જ્યમ કુસુમ છુપાયું પત્ર પાકેલમાંહે; ૧૫

પણ નહિ, આમ-



શકું૦— (આગળ જોઈ) તે કેસર વૃક્ષ વાએ પ્રેરિત પલ્લવરૂપ અાંગળીએ ત્વરાએ તેડે છે મને, તો હવે હું તેની સંભાવના કરું.

( ત્યાં જાય છે. )


પ્રિયં૦— અલી શકુંતલા ! ક્ષણભર ત્યાંજ ઊભી રહેજે.

શકું૦— કેમ વારૂ ?

પ્રિયં૦— લતા સાથેજ હોયની એમ કેસર વૃક્ષ ભાસે છે.

શકું૦— હવે તો ખરી પ્રિયંવદા તું.

રાજા— (સ્વગત) પ્રિયંવદા પ્રિય બોલી ને વળી તથ્ય; એમજ છે–



અધર કુંપળને રંગ મોહેછે,
કુમળી ડાળી જેવા બાહુ સોહેછે;
અંગે વ્યાપ્યું જોબન ઝળકે છે,
પુષ્પ પેરે જોઈ મન સળકે છે. ૧૭

અન૦— બેન શકુંતલા ! આ સ્વયંવર વહુ અાંબાની જેને તેં વનજ્યોત્સ્ની નામ આપ્યું છે તેનેજ વિસરી જાય છે ?

શકું૦— એને વિસરું તો હું પોતાને પણ વિસરૂં (વેલી વેલી પાસે જઈ જોઈ)સખી ! રમ્યકાળમાં વેલી તથા વૃક્ષનો સમાગમ થયો છે; વન જ્યોત્સ્નીને નવે ફૂલે જોબન આવ્યું છે ને આંબો બહુપલ્લવે ઉપભોગ કરવાને યોગ્ય થયો છે !

પ્રિયં૦— (મલકાતી) અલી અનસૂયા ! બહુવાર થઈ શકુંતલા વનજયોત્સ્નીને જોયાં કરે છે તે તું સમજી કે ?

અન૦— ના પ્રિયંવદા, હું કંઈ ધારી શકતી નથી, કહે મને.

પ્રિયં૦— જેમ વનજ્યોત્સ્ની પોતાને યોગ્ય અાંબાને મળી તેમ હું પણ મનમાન્યા યોગ્ય વરને મળું એવું એ ઇચ્છે છે.

શકું૦— એતો તેં તારો પોતાનો મનોરથ કહ્યો. (ઘડો બધો ઢોળી દેછે.)

રાજા— (સ્વગત) બ્રાહ્મણની, પણ બીજી વર્ણના ક્ષેત્રથી તે ઉત્પન્ન થઈ હોય તો સારું; પણ સંદેહ કરે શું ?



ક્ષત્રી વરી શકે તેવી ખરે એ,
અભિલાષ એનો મારૂં મન કરે તે;
સંદેહ પડતો વસ્તુ વિષે જ્યાં.
અંતરવૃત્તિ ખરુંજ કહે ત્યાં. ૧૮

કંઈ નહિ, હું એની ખરી ભાળ કાડીશ.

શકું૦— (ગાભરી) રે બેન. મલ્લિકાને પાણી સિંચતાં આકળો થયલો ભ્રમર તેને છોડી મારા મોડાં પર અાવી ભમે છે !

(પીડા થઈ એવું દેખાડે છે.)રાજા— (સ્વગત સ્પૃહાએ)



અમે વિચારે રહ્યા, મધુકર ! કર્યું સિદ્ધ તે કાર્ય
અતી કાંપતી ચપળ અાંખને, અડકે વારંવા૨;
કાનકને મૃદુ ગુણગુણ કરીને, સુણવે ગુજ હિતકાર;
ઉંચા હાથ કરી વારે એ પણ, પીએ અધર રતિસાર.–મધુકર૦ ૨૦

શકું૦— એ ધીટ ખસતોજ નથી, બીજે કહીં જાઉં (થોડેક જઈ વાંકી દૃષ્ટિયે જોય છે) કેમ તે અહીં પણ આવેછે સખી ? સખીઓ ! મારૂં રક્ષણ કરો રક્ષણ કરો; આ ઉદ્ધત દુષ્ટ ભ્રમરથી હું ત્રાસ પામીછું.

બેઉસખી— (કંઈક હસતાં) અમે કોણ તારૂં રક્ષણ કરવાને ? દુષ્યંતને સાદ કર, રાજાજ તપોવનનું રક્ષણ કરે છે.

રાજા— (સ્વગત) પ્રગટ થવાનો ખરો સમો આજ છે. (મોટેથી ) ન બીવું (એટલુંજ બોલી ધીમે) એમ તો રાજા છું તે જણાઈ ૫ડશે, જણાઓ.

શકું૦— (એક પગલું ભરી ઊભી રહી) કેમ અહીં પણ મારી પાછળ આવેછેરાજા— (ઉતાવળો પાસે આવી) દુષ્ટ દંડક રાજા પૌરવ છતે તપસ્વી કન્યા મુગ્ધાઓને કોણ અમર્યાદ થાયછે ?(સર્વ રાજાને જોઈ કંઈક ભ્રાંતિમાં પડી જાય છે.)

અન૦— આર્ય ! અનર્થ કોઈ પણ નથી, આ અમારી પ્રિયસખી ભ્રમરથી બીધી છે (શકુંતલાને દેખડાવેછે.)

રાજા— (શકુંતલાની સામાં ઊભો રહી) ત૫ની વૃદ્ધિ છેની ?(શકુંતલા લજ્જાએ ઉત્તર ન દેતાં નીચુ જોય છે. )

અન૦— હા, હવે આ૫ સરખા ઉત્તમ અતિથિને લાભે છેજ. બેન શકુંતલા ! જા ને કુટીમાંથી ફળમિશ્રઅર્ધ્ય લેઈ આવ, પાદોદકતેં અહિ છેજ.

રાજા— આ તમારી પ્રિય સત્ય વાણીએજ આતિથ્ય કીધું.

પ્રિયં૦— તો હવે આ સપ્તપર્ણની શીતળ ગાઢી છાયાતળે ઓટલી ઉપર ઘડી એક બેસી વિશ્રાંતિ લેવી અાર્ય !

રાજા–તમને પણ આ કામથી શ્રમ થયો છે માટે તમે પણ બેસો.

અન૦— બેન શકુંતલા ! અતિથિની પાસે રહી સેવા કરવી આપણને ઘટે છે, અહીં બેસીએ.

શકુંo— (સ્વગત) એમ કેમ ? ખરે આ પુરૂષને જોઈ તપોવનને વિરૂદ્ધ વિકાર મારા ચિત્તમાં ઉત્પન્ન થાય છે !

રાજા— (સર્વને જોઈ) અહો સમાન વયરૂપવાળી તમારી મૈત્રિ રમણીય છે !

પ્રિયં૦— (ધીમે) સખી અનસૂયા ! આ ચતુર ગંભીર આકૃતિમાન્ મધુર ભાષણ કરનારો ચંદ્ર સરખી કાંતિવાળો કોણ હશે વારૂ ?

અન૦— મને પણ અચરજ લાગેછે સખી ! અમણાં પુછુંછું એને (પ્રગટ) આર્યના મધુર ભાષણે ઉત્પન્ન કરેલો વિશ્વાસ બોલાવે છે કે આર્ય કીઆ રાજર્ષિવંશને શોભા આપોછો ને કીઆ દેશના કીઆ લોકને ઉત્કંઠિત કીધાછે વિરહે ? વળી કીઆ કારણે સુકુમાર શરીરને તપોવનમાં આવવાનો શ્રમ પમાડ્યો ?

શકું૦— (પોતાને) રે હૈડાં, ઉતાવળું મા થા, તારાજ ચિંત્યાનું આ અનસૂયા પૂછે છે.

રાજા—(સ્વગત) કેમ હવે પોતાને પ્રગટ જણાવું કે ગુપ્ત રાખું? ના, આમજ કહું (પ્રકાશ) પૌરવે જેને ધર્માધિકારે યોજ્યો છે તે હું છું, નિર્વિઘ્ને ક્રિયા ચાલે છે કે નહિ તે જાણવાને આ ધર્મારણ્યમાં આવ્યો છું.

અન૦— ધર્માચરણ કરનારાં સનાથ થયાં હવે.

શકું૦— (લાજ પામ્યા જેવું દાખવે છે.) બેઉસખી— (દુષ્યંત તથા શકુંતલાની ચેષ્ટા જોઈ) સખી શકુંતલા ! જો અહીં આજ તાત હોત તો ?

શકું૦— તો શું થાત ?

સખીઓ— તેણે સગળો જીવનગાળો આપી આ અતિથિનો સત્કાર કર્યો હોત.

શકું૦— ચાલો તમે તો હૈયામાં કંઈ કંઈ યોજીને બોલોછો, તમારું ભાષણ હું સાંભળતીજ નથી.

પ્રિયં૦— (કંઈક હસતી, શકુંતલાને જોઈ દુષ્યંત ભણી મોડું રાખી) વળી કંઈ કહેવાને ઇચ્છોછો એવું દીસે છે આર્ય !

રાજા— હા, ભગવાન કણ્વ તો નિત્ય બ્રહ્મવિચાર કરેછે ને આ તમારી સખી તેની કન્યા એ કેમ ?

અન૦— આર્ય ! સાંભળવું. ઋષિ વિશ્વામિત્ર ને અપ્સરા મેનકા એ બેથી એની ઉત્પત્તિ છે; (શકુંતલા લજ્જિત થાયછે) , પણ પછી એ તજેલીનું તાત કણ્વે પાલણપોષણ કીધું માટે એ તેના પિતા છે.

રાજા— ઠીક ; તમારી સખી વિષે બીજુ પુછવાનું આ છે કે–



વિવાહ એનો કીધો નથી તો. જીવતાં લગી વ્રત ધરશે શું ?
ઇચ્છાને અટકાવ કરંતૂં, તાપસકર્મ આચરશે શું ?
પોતાના જેવી અાંખોવાળી, હરણીની સંગત કરશે શું ?
એને માટે સંશય મુજને, ચિત્તમાં એમ એ ઠરશે શું ? ૨૦

પ્રિયંo— આર્ય ! ધર્માચરણ રાખવાવિષે પણ એ પરવશ છે, ગુરૂનો સંક૯પ વળી યોગ્ય વરને આપવી એવો છે.

રાજા—(સ્વગત) દુઃખે પ્રાપ્ત થાય તેવી નથી–



થા તું હ્રદય અભિલાષી, હવે સમુળો ટલ્યોજ સંદેહ;
શકતું અગ્ની જેને, રત્ન ખરે સ્પર્શજોગું તે એહ. ૨૧

શકું૦— અનસૂયા ! હું જાઉંછું.

અનુ૦— કેમ વારૂ ?

શકું૦— આ પ્રિયંવદા અસંગત બોલ્યાં કરેછે તે હું જઇ માજી ગૌતમીને કહુંછું.

અનુ૦— આ મહત અતિથિને પૂરો સત્કાર કરવો છોડી દેઈ સ્વછંદે જવું એ તને યોગ્ય નથી.

શકું૦ — (ઉત્તર ન દેતાં ચાલવા માંડેછે.)

પ્રિયં૦—(અટકાવીને) સખી! તારે જવું ઘટતું નથી. શકું૦—(ભવાં ચડાવી ) કેમ?

પ્રિયં૦— તારે દેવું છે બે ઝાડને પાણી પાવાનું મને માટે ? (__)વ, ને તેથી છૂટી થઈને જજે. (એમ બળાત્કારે તેને અટકાવે છે.)

રાજા— ભદ્રે ! વૃક્ષને સિંચન કરી કરી એ થાકી ગઈ છે એમ હું ધારું છું.



સ્કંધ શિથિલ ને હથેલી રાતી એવા ભુજ દેખાયે,
ઘડા ઊંચકે અધિક શ્વાસથી છાતી બહુ કંપાયે;
મુખ મચેલે ધામે ચોંટ્યાં કર્ણફૂલ તો ગાલે,
અંબોડો છુટીગયે કેશને એક કરે તે ઝાલે. ૨૨

તો હું જ એને ઋણથી મુક્ત કરૂ છું. (અંગુઠી કાડેછે !) (બેઉ સખી અંગુઠીના નામાક્ષર વાંચી પરસ્પર સામું જોય છે.)

રાજા— બીજી કોઈ કલ્પના કરવી માંડીવાળજો, હું રાજપુરૂષ છું એમ જાણો.

પ્રિયં૦— પણ અંગુઠીને અાંગળીનો વિયોગ થાય એ ઠીક નહિ, અાર્યના વચનથીજ એ ઋણ મુક્ત થઈ. સખી શકુંતલા ! આ દયાળુ આર્ય અથવા મહારાજે તને ઋણમુક્ત કીધી તો હવે જા.

શકું૦—(સ્વગત) જાઉં, પણ મારું મન મારે સ્વાધીન હોય તોકે? (પ્રગટ) તું મને કોણ કહેનારી જા કે રહે.

રાજા—(સ્વગત) ખરે શું જેમ મારૂં મન એની ભણી છે તેમ એનું પણ મારી ભણી છે ? અથવા મારી ઇચ્છાને અાશ્રય મળ્યો.



મેળે ન વાણિ જદવી મુજ વાણિ સંગે,
દે છેજ કા ન મુજ ભાષણને ઉમંગે;
ઊભી રહે નવ ઠરી મુજ દૃષ્ટિ સામી,
એની સુદૃષ્ટિ કહિં અન્ય જવા ન પામી. ૨૩

(પડદામાં) હોહો તપસ્વિયો ! પાસે રહેજો તપોવનના પ્રાણીની રક્ષાને અર્થે. ઢુંકડે છે મૃગયાવિહારી રાજા દુષ્યંત.



ધૂળ ધૂળ જ્યાં તહાં, અશ્વખરીથી ઉડતી,
ડાળે સૂકે ભિનાં વલ્કલો તે૫ર ૫ડતી,
ઝાંખી રાતી તેહ ઝાડ આશ્રમના ઊપર,
ઝુંડ ઝુંડમાં તીડ તેમ ધસિ બેસે ભરભર,
દેખી રથને અહીં અતીશે ભડક્યો હાથી,
તોડી પાડે ઝાડ સૂંઢના ભારી ઘાથી,



પગમાં તે લપટાઈ ગઈ છે વેલી જેને,
હરણો ભાગી જાય ભયે દેખીને તેને,
તપનો કરવા ભંગ વિઘ્નમૂર્તી શું આવી ? !
ધર્મવંનમાં તેહ દિઠી નહિ કોદી આવી. ૨૪(સાંભળી સર્વ ગભરાયા જેવા દેખાય છે.)

રાજા—(સ્વગત) ધિક્ નગરલોકને કે મને શોધવા આવી આ તપોવનને ઉપદ્રવ કરે છે; હશે, જાઊં છું, અમણા.

સખીઓ— આર્ય ! આ આરણ્ય વૃત્તાંતે અમે બહુ વ્યાકુળ થયાં છિયે, પર્ણશાળામાં જવાની આજ્ઞા આપવી.

રાજા— (શ્વનિષ્ઠ) જાઓ તમે, અમે પણ આશ્રમને પીડા ન થાય તેમ કરવા જઈશું.

સખીઓ— યોગ્ય સત્કાર થયો નથી માટે ફરી દર્શનને માટે વિનંતિ કરતા સંકોચ પામીએ છિયે.

રાજા— ના, એમ મા બોલો, તમારે દર્શને જ હું સત્કાર પામી ચુક્યો છું.

શકું— અનસૂયા ! નવા દર્ભનો કાંટો મારા પગમાં વાગ્યો છે ને વલ્કલ કુબકની ડાળ મા ભેરવાયું છે એને કાડું ત્યાં લગી તું ઉભી રહેજે (એમ રાજાને જોતી મસે વાર લગાડી પછી સખી સાથે જાય છે.)

રાજા— હવે નગરે જવાને હું તેટલો ઉત્સુક નથી; મારો શોધ કરવા આવેલાઓને મળી તપોવનથી થોડેક દૂર તેઓને રાખીશ. ખરે શકુંતલાએ દેખાડેલી ચેષ્ટાટામાંથી હું પોતાને નિવર્ત કરવાને શક્તિમાન નથી–



જાયે તન આગળ પણ, પાછળ દોડેજ ચિત્તતો વ્યગ્ર
સામે વાએ ઊડે, ઉલટું વળીને ધ્વજપટનૂં અગ્ર. ૨૫(જાય છે.) 

8
લેખ
સાર શાકુંતલ
4.0
કવિ નર્મદાશંકર લાલશંકરનું રચેલું
1

સાર-શાકુંતલ/પ્રવેશ

9 June 2023
8
0
0

श्री सार-शाकुंतल. મોટો દેવ સમાધિમગ્ન પણ જે કર્મે રમે જે કદા, સૃષ્ટીની સગળી હરી ફરિવળી ઊપાવિદે સંપદા; પૂર્ણજ્ઞાન પવિત્ર સાંબશિવ તે કલ્યાણદાતા સદા, સત્યસ્નેહતણો કરે જય ભુસી ભાગ્યે લખી આપદા. જે પ

2

અંક પેલો.

9 June 2023
4
0
0

અંક પેલો. (તપોવન.) (રથમાં બેઠેલા રાજા દુષ્યંત પોતાના સારથી સાથે આવે છે.”) સૂત—(રાજાને ને મૃગને જોઈને)આયુષ્યમન્ ! કાળા મૃગને જોઊ અને સાથે પણછ ચઢાવેલ ધનુષ્ય સાથે આપને જોઊછું તો સાક્ષાત્ (દેવ અસૂરની?)

3

અંક બીજો.

9 June 2023
0
0
0

અંક બીજો. ( વિદૂષક આવે છે. ) વિદૂષક—(નિસાસો મુકી) મહાકષ્ટ! આ મૃગયાશીલ મિત્ર રાજાની સંગતથી હું કંટાળ્યો. અા હરણ, આ ભૂંડ, આ વાઘ એમ ભટક્યાંજ કરવાનું તો, વળી બપોરે ને ઊનાળાથી ઓછાં પાંદડાને લીધે થોડી છાય

4

અંક ત્રીજો

9 June 2023
0
0
0

અંક ત્રીજો ( આશ્રમનાં ઝાડ તળે રાજા બેઠો છે. ) રાજા— (મોટો નિશ્વાસ મૂકે છે) હા ! (થોડીક વારે) હવે ફરવું એ કેમ ! જાણું બળ ત૫નૂં હૂં વળિ મુનિ કન્યા પરવશ એ સાચૂં. હેઠાણેથી જળ જ્યમ, એનામાંથી વળે ન ચિત

5

અંક ૪ થો

9 June 2023
0
0
0

અંક ૪ થો ( ઊંધમાંથી જાગી ઉઠેલા કણ્વ ઋષિનો શિષ્ય આવે છે ) શિષ્ય— પ્રવાસ કરી આવેલા ગુરૂ કણ્વે કેટલી રાત્રિ રહી છે તે જોવાની આજ્ઞા કરી છે તો જોઉ. (અહીં તહીં ફરી ઊંચે જોઈ ) રે વહાણું વાયુંછે ! આ તો પ્ર

6

અંક પાંચમો.

9 June 2023
1
0
0

અંક પાંચમો. (રાજમંદિર.) (રાજા બેઠો છે ને તેની પાસે વિદુષક છે.)વિદૂ૦— (કાન દેઈ) હો હો વયસ્ય ! સંગીતશાળાની માંહેલીભણી લક્ષ્ય ધરો, કોમળ શુદ્ધ ગીતમાં સુસ્વરમેળ સંભળાય છે, હું ધારૂંછું કે આપણી હંસપદિકા ર

7

અંક છઠ્ઠો

9 June 2023
1
0
0

અંક છઠ્ઠો.(બે ચેટી વાડીમાં કુલ ચુંટે છે.)પરભૃતિકા— (આંબાના મોર ભણી જોઈ) દીઠો દીઠો રે આંબે મોર, મોર સ્તવું તૂને–ટેક. કાંઈક રાતો લીલો ધોળો ઋતુમંગળદરશનરે; જીવ સરવસ છે વસંતકેરો, થાજે તું પરસંન.-ધન સ્તવ

8

અંક સાતમો

9 June 2023
0
0
0

અંક સાતમો. (રથારૂઢ રાજા તથા માતલી આકાશમાર્ગે ઉતરી કશ્યપના આશ્રમમાં આવે છે.) રાજા— માતલી ! ઇંદ્રનું કાર્ય કરી આપ્યું તો પણ તેણે જે મારો સત્કાર કીધો તે જોતાં હું ઉપયોગી પડ્યો નથી એમ પોતાને માનુછું. મ

---

એક પુસ્તક વાંચો