જાગો જાત ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશક્ત
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે;
ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ!
નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે.
પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય.
રક્તે ધોવાય, જાલિમોનાં દળ ભાગે;
જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ :
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-
દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે.
નવ જોઇએ ધર્મપાલ, સ્વર્ગાસનધર કૃપાલ,
પશુના ગોવાલ સમનિયંતા નવ જોઇએ;
માનવસંતાન સર્વ, મોડી ગર્વીના ગર્વ,
મુક્તિને પર્વ મેળ મનના મેળાવીએ.
લૂંટણહારાની લૂંટ, લેશું આ વાર ઝૂંટ,
કૂટ કૂટ બેડી લોક-પ્રાણ કેદ ત્યાગે;
જાગો, રે જનસમાજ, અરિને કરવા અવાજ;
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-
દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે.
સત્તા-નિયમોની જાલ, ધારા કેરી ચુંગાલ,
ભોળા કંગાલ કાજ ફાંસલા પસારે;
ધનિકો મ્હાલંત મુક્ત, ગરીબોનાં લાલ રક્ત
સત્તાના ભક્ત આજ શોષે કરભારે.
બહુ દિન દાસત્વ સહ્યાં, જીવન નિર્વીર્ય થયાં,
બંધુત્વે વહ્યા પ્રાણ નવરચના માગે;
જાગો, જાગો, ગુલામ ! આવી પહોંચ્યાં મુકામ
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-
દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે.
પૃથ્વી પર રાજ કોનાં ? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડૂનાં, ખાણિયાનાં ઉદ્યમવંતોનાં;
રંકોનું રક્તપાન પી પીને પે'લવાન
બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના:
ગર્વોન્નત ગરુડ-બાજ ભક્ષક ઓ પંખીરાજ !
તમ વ્હોણો સૂર્યકાલ તપવું નહિ ત્યાગે;
જાગો, શ્રમજીવી લોકો, ત્યાગો તંદ્રા ને શોક:
પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.
[૧૯૨૯]