જગતના કેટલાય કલાકારોની કલા પોતાના મર્મવાહક (“ઇન્ટરપ્રીટર') વિના નિષ્ફળ ઊભી છે; પોતાની પિછાન કરાવનારા આશકોની એને રાહ છે. ચિત્રપટના ડિરેક્ટરોએ પોતાની વિશિષ્ટ વાણીમાં નવી એક દુનિયાનું નિર્માણ કર્યું છે. તેઓને હું સર્જકો કહું છું. તેઓની સર્જેલી આ નવ પ્રતિમાઓના ખરા મર્મને જો હું પારખી શક્યો હોઉં એમ તમને ભાસે, તો હું આમાં નવસર્જનનો જ આનંદ પામીશ. મારું કેટલું છે ને કેટલું પારકું છે એ અલગ પાડીને બતાવવું સહેલ નથી, આવશ્યક નથી, તેમ ઈષ્ટ પણ નથી. એમાં મારો પ્રાણ નિચોવાયો છે, એટલું શું મારે માટે ઓછું છે? આ વાર્તાઓના સર્જન સાથે એક નવું નામ જોડાયેલું છે કે જેને સાહિત્ય, કલા અથવા ચિત્રપટની દુનિયામાં ભાગ્યે જ કોઈ સ્થાન આપે. (વસ્તૃત: ઘણુંખરું, મારો જીવનસંબંધ આવી કોઈ 'દ્વારકાની છાપ’ વગરના જ સ્નેહીઓમાં સંઘરાયો છે.) આ યુવાન વ્યાપારી સુહૃદે મારા જીવનની એક વિકટ રાત્રીને પહોરે એક દીવો ચેતાવ્યો: ચિત્રપટોના દર્શનમાં એણે મને ઊંડો રસ લેતો કર્યો. એક વિવેચકને છાજતી રીતે મને એણે પરદા પર ભજવાતી કથાઓના મર્મ પારખવામાં સહાય દીધી; અને છેવટે, મારાં થીજી ગયેલ આંગળાંને જીવતા મૃત્યુમાંથી ઉગારી લેવા માટે 'કંઈક લખ! હવે કંઈક લખ!” એવું ધીરૂં ધીરું પંપાળીને આ વાર્તાઓના લેખનમાં મને પ્રવૃત્ત કર્યો. લખાઈ તૈયાર થતી વાર્તાઓને તપાસી તપાસી, જ્યાં જ્યાં અમારી બેઉની સમજમાં ફેર પડતો હતો ત્યાં ત્યાં નવસંસ્કરણ કરાવ્યું. એ નામનો ઉલ્લેખ અહીં કરું છું તે એની નિપુણતાને પ્રસિદ્ધ કરવા માટે નહીં, પણ સ્નેહના ચિરસ્મરણને સારુ. એનું નામ શ્રી નાથાલાલ દોશી છે. મુંબઈમાં એ મોટર-સ્ટોર્સની પેઢી ચલાવે છે. સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરના પ્રકાશન માટે તૈયાર થયેલી આ ચોપડીને ‘ફૂલછાબ'ના સંચાલકોએ પોતાનું ભેટપુસ્તક બનાવવા માગ્યું તે તેઓનું સૌજન્ય ગણું છું.
1 ફોલવર્સ
9 પુસ્તકો