હાસ્યઃ પહેલું અને છેલ્લુંબેઉ જણાં હસી પડ્યાં .
આગલી સાંજે જ પરણીને બેઉ આનંદ કરવા નીકળ્યાં હતાં. ધમધમાટ વેગે વહી જતી મોટર-બસને ઉપલે માળે બેઉ બેઠાં હતાં. કેશની લટો અને કપડાંના છેડા પવનની લહેરોમાં ફરકતાં હતાં. બસ-ગાડીની અટારી પરથી આકાશ એ બેઉને આજ એટલું નજીક લાગતું હતું કે તારાઓને તોડી લેવાનું મન થાય. ધરતી તો બહુ નીચે રહી ગઈ હતી. બેઉની બગલમાં જાણે પાંખો ફૂટી ઊઠી હોય ને, એવો લગ્નોન્માદ, એવી તાલાવેલી, એવી આકુલતા અને સુખ-લહેર તેઓનાં માથાને ધુણાવતાં હતાં. આકાશનાં કોઈ કડાં સાથે બાંધેલ હીંડોળા ઉપર બેઉ ફંગોળાઈ રહ્યાં હતાં.
લગ્નજીવનના એવા પ્રથમ પ્રભાતે બેઉ હસ્યાં, તેઓને ખૂબ લજ્જત પડી. આવું રમૂજી દ્રશ્ય તેઓએ આજ સુધી કદી ધીરી ધીરીને દીઠું નહોતું. એક બુઢ્ઢો આદમી રસ્તાની પગથી પર ઊભો હતો, એના ગળામાં એક જબ્બર પાટિયું પહેરેલું હતું. મનુષ્યદેહથી બેવડા મોટા એ પાટિયા ઉપર કંઈ કંઈ રંગો પૂરીને કશુંક ચિતરામણ કરેલું હતું. એ ચિતરામણમાં કોઈક શક્તિવર્ધક દવાની જાહેર ખબર ચીતરાયલી હતી. ચોખંડા એ પાટિયાની વચ્ચોવચ પડેલા બાકોરામાંથી આ બુઢા મનુષ્યનું ગળા સુધીનું દેખાતું માથું જાણે કે એ જાહેર ખબરને આકર્ષક બનાવવા માટે પૂરતું ન થતું હોય ને, એટલે બુટૂઢો પોતાના બેઉ છૂટા હાથમાં લોઢાના ત્રણ ગોળ ઉછાળીને લોકોને પોતાના તરફ ખેંચી રહ્યો હતો. ગોળાના એ કરામતભર્યા ઉછાળને કારણે બુઢ્ઢાના કંઠમાં પરોવેલી જાહેર ખબર વધુ વંચાતી હતી. એ બુઢ્ઢો, એ જાહેર ખબરનું પાટિયું,ત્રણ ગોળા, બધાંની મેળવણીમાંથી કેવું હાસ્ય ઊભું થતું હતું ! બેઉ જુવાનિયાંને આ વિચિત્ર માનવ-તમાશો જોઈને ખૂબ હસવું આવ્યું. ભારી રમૂજ થઈ. આવા બેકાર ડોસાને પોતાની જાહેર ખબરનો તમાશો બનાવી દેનાર એ 'શક્તિવર્ધક દવા'ના માલિકની ચતુરાઈ પર બેઉએ આફરીન ઉચ્ચાર્યું અને સુસવાટા મારતી, ગર્જતી, હુંકાર કરતી એ બસ-ગાડી આગળ ચાલી ગઈ તો પણ પેલો જીવતો તમાશો દેખી શકાયો ત્યાં સુધી વરવહુ વળી વળીને નિહાળતાં રહ્યાં. પુરુષે પત્નીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું: “શી બેવકૂફી: કેટલી પામર મનોદશા ! પૈસા રળવા ખાતર એ બુઢ્ઢાએ કેવો બેહૂદો વેશ પહેર્યો છે!”
“શું બીજા ધંધા નથી મળતા તે આમ પોતાની જાતને માણસ હલકી પાડતાં હશે !” સ્ત્રીએ પુરુષનું અનુકરણ કર્યું.
“અરે ધંધા ન મળતા હોય તો માણસે મરી જવું પસંદ કરવું જોઈએ, પણ પોતાના મનુષ્યાવતારની આવી હાંસી! આવી હીનતા!”
– ને એ હીનતાનું દ્રશ્ય વટાવીને ગાડી બાગ-બગીચાના હરિયાળા રાજમાર્ગો પર નીકળી ગઈ હતી. વર-વહુ આકાશના તારા તોડતાં માનવજીવનની પ્રથમ પહેલી મોજ માણતાં હતાં. વાયુ એની ઝુલ્ફો સાથે ગેલ કરતો હતો. પૃથ્વી તો એ બેઉથી ક્યાંની ક્યાંય નીચી રહી ગઈ હતી.
રાત્રિએ બેઉ જણાં એકબીજાના ખોળામાં ઢળી પડ્યાં ત્યારે ય તેઓને એ પાટિયાવાળો ડોસો યાદ આવ્યો ને હસી પડાયું. એ સુખરાત્રિને જાણે કે પ્રભાત ફૂટવાનું જ નહોતું.
જુવાન એક આલેશાન ઑફિસમાં નોકરી કરતો હતો. મોતીના દાણા જેવા અક્ષરો હતા. આંકડા ગણવામાં એ એક્કો હતો. એના કામમાં કયાંયે કદી ચૂક પડતી નહીં. દર મહિને નિયમિત મળતા જતા પગાર ઉપર એનો વિશ્વાસ વિશ્વનિયંતાના વહીવટ પરના વિશ્વાસ જેટલો જ અચળ હતો. અગિયાર બજવામાં એક સેકન્ડ બાકી રહે ત્યાં સુધી મગદૂર ન હતી કોઈની કે એને એના ઓફિસના કામ સંબંધી એક પ્રશ્ન પણ કરી શકે. અને સાંજના છના ટકોરા પડ્યા પછી ટેબલ પરનું પત્રક એક જ ખાતું પૂરવાને વાંકે પણ બીજા દિવસ પર મુલતવી રહેતું હોય તો તે રાખીને પણ એ ખડો થઈ ચાલ્યો જતો. છને ટકોરે નવવધૂ એની વાટ જોઈને ઓફિસના દરવાજા પર ઊભી રહેતી. બેપરવાઈથી બેઉ જણાં બગીચામાં લટાર મારવા, અથવા તો નવા ઘરને શણગારવાની ઘરવખરી ખરીદવા માટે બજારમાં નીકળી પડતાં.[2]
ધીરે ધીરે આ સ્વમાની યુવાનને ખબર પડવા લાગી કે જીવનની અંદરથી 11 થી 6 બજ્યા સુધીના મુકરર કલાકો જેવું, મહિને મહિને પહેલી તારીખે ચૂકવાતા દરમાયા જેવું, બીજું પણ એક અક્કડ તત્ત્વ એને જકડીને બેઠેલું છેઃ પોતાના જેવા 100-200 કારકુનોની એક આખી ઘટમાળ ચાલી રહી છે. પોતે પણ એ ઘટમાળનો જ એક ઘડો છેઃ એ હંમેશના ચક્કરમાં પોતાને પણ એક મુકરર જ સ્થાન છે. પોતાની આગળ અને પાછળ બીજા અનેક જુવાન ઊભા છેઃ પોતાના પગારમાં પાંચ રૂપિયાનો પણ વધારો મળવાની કોઈ સંભાવના નથી: પોતાની કાર્ય-પ્રવીણતાની ખાસ કોઈ અલાયદી કિંમત કે કદર નથીઃ સર્વ ક્લાકો પોતપોતાને સ્થાને અવિચળ છેઃ તાત્કાલિક કોઈ ઉપલી શ્રેણીનો મહેતા ગુજરી જાય કે માંદો પડે તેવો કોઈ સંજોગ નથી અને પોતાને જો ચાલુ પગારે રહેવું ન પરવડતું હોય તો બીજા પાંચસો જુવાનો આટલા પગાર માટે એ ચક્કરમાં જોડાવા તૈયાર છે !
આ જ્ઞાન એને કોણે કરાવ્યું? ચારેક મહિનાનાં ચડત બિલો લઈને નાણાંની ઉઘરાણીએ આવનારા કાપડિયાએ, દાણાવાળાએ, ઘાંચીએ. મોચીએ, ધોબીએ અને હજામે.
'પૂરું થતું નથી; પગાર વધારી આપોઃ મેં હવે સંસાર માંડ્યો છે' એવી માગણી લઈને એક દિવસ સાંજે જ્યારે એ મેનેજરના ટેબલ સામે જઈ ઊભો રહ્યો, ત્યારે એને જવાબ મળ્યો કે બીજે ઠેકાણે વધુ મળતું હોય તો શોધી લો ! સંસાર માંડ્યો તેનું તો શું થાય? અમે કંઈ તમને તમારો સંસાર ચલાવી દેવાનું ખત નથી કરી આપ્યું: ઉતાવળ નહોતી કરવી’.
તે દિવસના છ ટકોરા એના માથા પર છ હથોડા જેવા પડ્યા. તે છ બજ્યે જ્યારે સર્વ મહેતાજીઓને એણે પોતાની બાજુમાં જ ઊભીને નળ ઉપર હાથ-મોં ધોતા દીઠા, ત્યારે એ દરેકને એણે દુશ્મન માન્યો. એ તમામના હાસ્યવિનોદમાં એણે પોતાના ગૃહસંસારની ઠેકડી થતી કલ્પી લીધી. એ બધા જાણે પોતાની થાળીમાંથી રોટલી ઝૂંટવી લેતા હોય એવું એને ભાસ્યું. પોતાની આસપાસ આટલી બધી ભીડાભીડ છે એ ખબર એને તે સંધ્યાએ પહેલવહેલી પડી.[3]
“આ કબાટની ચાવી કયાં મૂકી છે?” ઘેર આવીને એક દિવસ એણે પત્નીને પૂછ્યું: એ પ્રશ્નમાંથી નવસંસારની મીઠાશ ઊડી ગઈ હતી. સ્ત્રી ચાવી શોધવા લાગી. 'કયાંક ડાબે હાથે મુકાઈ ગઈ છે એટલે સાંભરતું નથી' એવી રમૂજ કરતી એ ખૂણાખાંચરા પર હાથ ફેરવતી હતી. પણ પતિને એવી રમૂજો હવે અણગમતી થતી જતી હતી.
ચાવી શોધીને એણે પતિને આપી. પતિનું મોં ચડેલું ભાળીને પોતે એક બાજુ ઊભી રહી. કબાટ ઉઘાડીને પતિએ સ્ત્રી ઊભેલી તે બાજુનું બારણું જોરથી – દાઝથી ખોલી નાખ્યું. પત્નીના લમણા ઉપર અફળાઈને બારણાએ ઈજા કરી. જાણે પતિએ તમાચો ચોડી દીધો. ખસિયાણી પડીને એ ઊભી રહી.
"આમાંથી પૈસા ક્યાં ગયા?” પતિએ પૂછ્યું. એ તો આપણે તે દિવસે કાપડવાળાને ચૂકવવામાં –"
"મને એ ખબર નથી.”
આ સવાલોમાં પતિનો ઈરાદો સ્ત્રીનું લેશ પણ અપમાન કરવાનો નહોતો. એને પત્ની ઉપર કશો સંદેહ પણ નહોતો. પોતે શું પૂછી રહ્યો છે એનું પણ તેને ભાન નહોતું. અકળામણથી ઠાંસીને ભરેલા એના મગજનો આ કેવળ ઉદ્દેશ હીન પ્રલા૫ જ હતો. જગત પરની ચીડ કાંઈક કોઈકની ઉપર અને કોઈ પણ હિસાબે ઠાલવી નાખવી પડે છે. ઘણાખરા પતિઓને એ કાર્ય સારુ ઘર જેવું કોઈ બીજું અનુકૂળ સ્થળ નથી હોતું અને પરણેલી સ્ત્રી જેવું કોઈ લાયક પાત્ર નથી હોતું.
બાઘા જેવી બનીને ચૂપ ઊભેલી પત્ની આ માણસને વધુ ને વધુ ચીડનું કારણ બની ગઈ. પોતાની અત્યારની આર્થિક સંકડામણનું નિમિત્ત પોતાનું લગ્નજીવન છે, એટલે કે લગ્ન છે, એટલે કે આ સ્ત્રી પોતે જ છે, એવી વિચાર-કડીઓ એના મનમાં જડાતી થઈ. ઉગ્ર બનીને એ થાકેલો અકળાયેલો પાછો કપડાં પહેરવા લાગ્યો.
“ક્યાં ચાલ્યા?" ગરીબડે મોંએ પત્નીએ પૂછ્યું.
“જહન્નમમાં ! એ બધી જ પંચાત ?"
એટલું કહીને પુરુષ બહાર નીકળ્યો. સ્ત્રી અંદરથી બારી ઉપર આવી ઊભી, ચાલ્યા જતા પતિને એણે આટલું જ કહ્યુંઃ "આમ તો જુઓ!”
પુરુષે એક વાર બારી પર દ્રષ્ટિ નાખી. સ્ત્રી કશું બોલી તો નહીં. પણ એનો દેહ જાણે કે બોલતો હતોઃ “તમે એકને નહીં પણ બે જીવને મૂકીને જાઓ છો, યાદ છે?"
પુરુષને સમજ પડી. સ્ત્રીની આંખોની કીકીઓમાંથી, છાતીમાંથી, થોડી થોડી દેખાઈ જતી કમ્મરની ભરાયલી બાજુઓમાંથી કોઈક યાત્રી એમને ઘેર નવ મહિનાની મજલ કરતો ચાલ્યો આવતો હતો.
બેઉનાં મોં સામસામાં સ્થિર બનીને મલકી રહ્યાં. માતૃદેહના રોમ રોમ રૂપી અનંત કેડીઓ પર થઈને જાણે એક બાલ-અતિથિ દોડ્યું આવતું હતું. એના મોંમાંથી 'બા, બાપુ' 'બા, બાપુ’ એવા જાણે અવાજ ઊઠતા. હતા. એની કંકુ-પગલીઓ પડતી આવતી હતી. પતિ પાછો ઘરમાં ગયો. એણે પત્નીને અનંત મૃદુતા અને વહાલપથી પંપાળી. એના માથાની લટ સરખી કરી. પોતે શોષ્યું હતું તેનાથી સાતગણું લોહી પાછું ચૂકવવા મથતો હોય એવી આળપંપાળ કરવા લાગ્યો. પોતે જાતે ચહા કરીને પત્નીને પાઈ. ફરી એક વાર જગતની ભીડાભીડ ભુલાઈ ગઈ. ઑફિસના મહેતાઓ ફરી પાછા એને પોતાના જેવા જ નિર્દોષ મિત્રો દેખાવા લાગ્યા. લેણદારોની પતાવટ એ બીજા નવા લેણદારો નિપજાવીને કરવા લાગ્યો. લોટરીમાં ઈનામનો ખળકો આવી જવાની તકદીરવારીમાં આસ્થા ધરાવનાર કોઈ નિર્ધનની પેઠે આ જુવાનને પણ કોણ જાણે શાથી શ્રદ્ધા આવી કે પત્નીને બાળક અવતરવાથી ભાગ્યચક્રનો આંટો ફરી જશે ! અથવા કોઈક ચમત્કાર અવશ્ય બની જશે.[4]
પ્રસૂતિ આવી ગઈ. નમણા ચહેરાવાળો પુત્ર મોટો થઈને રમવા લાગ્યો. પરંતુ ચમત્કારના કોઈ પણ અદ્દભુતરંગી કલ્પનાજગતથી નિરાળું એવું આ કઠોર જગત તો ફરી વાર પાછું એની સમક્ષ એવે ને એવે સ્વરૂપે ખડું થઈ ગયું. થોડા દિવસો સુધી રવિવારે રવિવારે એ ત્રણેય જણાંએ દરિયાની રેતીમાં છત્રી ખોડીને છાંયો કર્યો, ભરતીનાં પાણીમાં નહાયાંધોયાં, રેતીમાં કૂબા અને ઘોલકી બાંધી બાળ રિઝાવ્યું, ભેળું બાંધી ગયેલાં તે ભાથું જમ્યાં. પણ દરિયાને કાંઠેથી રવિવારની ઉજાણી પૂરી કરીને પાછાં પૃથ્વીમાં પ્રવેશ્યાં ત્યારે પાછી ભીડાભીડ શરૂ થઈ ગઈ. લગ્ન પછીનાં ચાર વર્ષે ઘરની વસ્તીમાં ત્રણ માનવી માતાં નહોતાં, કેમકે ઑફિસમાં 11 થી 6 બજાવનાર ઘડિયાળના કાંટાની માફક પગારપત્રક પણ પ્રત્યેક માસે વિધિના નિયમ જેવું અટલ ને અચલ હતું. ધીમે ધીમે એના ટેબલ પર દરેક દિવસનાં બાકી રહી જતાં કાગળિયાંનો ઢગલો મોટો મોટો થતો જતો હતો. કામમાં થતી ગફલત માટે એક-બે વાર સહેજ એનું ધ્યાન પણ ખેંચવામાં આવ્યું હતું.
શહેરની અંદર જ સ્ત્રીના ભાઈઓની એક ધીકતી પેઢી હતી. બહેનની ભાળ લેવા આવતા ભાઈઓ ઘરની દિનપ્રતિદિન વધતી કંગાલિયત જોઈ શકતા. બનેવી કારકુનીના ધંધામાં પડ્યો રહે છે એ બાબતનો તેઓ. અફસોસ કરતા.*
પિતા રેલગાડીના પુલ ઉપર ધસ્યો જતો હતો. એનાં પગલાંમાં જીવન છૂંદી નાખવાનો નિશ્ચય હતો. એ પછવાડે જોતો નહોતો.
પાંચ વર્ષનો બાળક બાપુની પાછળ પાછળ દોડતો હતો. દોડવા છતાં પણ બાપુને એ આંબી શકતો નહોતો. બાપુનું મોં એને દેખાતું નહોતું. પિતાનાં મરણિયાં પગલાં અને અબોલ અક્કડ બરડો બાળકના હૃદયમાં ઊંડો ભય પેદા કરી રહ્યાં હતાં.
“બાપુ ! બાપુ ! બાપુ !" બાળક પોકારતો હતો. પોકારતો પોકારતો દોડતો હતો.
પિતાએ પાછળ જોયું નહીં
“બાપુ, ઊભા રહો ! બાપુ, જરીક ઊભા રહો!” બાળક વીનવતો હતો.
– અને દૂર દૂર ચાલી આવતી આગગાડીના આઘાતો પુલ પરનો પાટાને થરથરાવી રહ્યા હતા.
“બાપુ ! બાપુ ! બાપુ !” કરતો બાળક પિતાને આંબી ગયો, ધસ્યા જતા પિતાના હાથ ઝાલી પૂછવા લાગ્યોઃ “બાપુ, તમને શું થયું?”
પિતા હાથ તરછોડી નાખે છે, ને ઊપડતે પગલે પુલ પર પહોંચવા. ધસે છે.
"બાપુ !" બાળકે ફરી વાર પિતાનો હાથ ઝાલ્યોઃ “મને કહો તો ખરા ! તમને બા વઢી? શું વઢી બા?”
રેલગાડીની સીટી સંભળાઈ.
"બાપુ, બા તમને શું વઢી? બા તમને બહુ વઢે છે, હેં બાપુ?"
કરગરતી પુત્રની ડોક બાપુ સામે જોવા સારુ મથતી ઊંચી ને ઊંચી રહી હતી. કોઈક બકરીનું બાળ જાણે ઊંચા આંબાની ડાળનો કોળાંબો વાળવા મથતું હતું.
"બાપુ, તમને શું બા રોજ રોજ બહુ વઢ્યા કરે છે”
બાળકના એ શબ્દોએ પિતાના મોંને એક વાર નીચું નમાવ્યું. પિતા બાળક સામે જોઈ રહ્યો.
"બાપુ, ચાલો પાછા. હવે બા નહીં વઢે. હું બાને કહીશ કે બા ! બાપુને હવે વઢશો તો હું ને બાપુ ભાગી જશું.”
બાપે બાળકને તેડી લીધો, છાતીએ ચાંપ્યો; અને આગગાડીનું એન્જિન કોઈ રાક્ષસી રોષથી પ્રજ્વલિત નેત્રે આ બાપ-બેટાની સામે જોતું. એની બાજુમાંથી ભૂકમ્પોના આંચકા દેતું પસાર થઈ ગયું.[5]
કુદરતે ચમત્કાર કર્યો હતો, ઑફિસના પગારપત્રકનો અવિચલિત આંક ફેરવવાનો નહીં, પણ કારકુની કરતા મુફલિસ એ જુવાનને એક બીજું સંતાન બક્ષિસ કરવાનો. અઢી-ત્રણ વર્ષનું તો એ પણ થઈ ગયું હતું. મા તાણીખેંચીને સહુનાં પેટ પૂરતી હતી. નાના નાના કજિયા પ્રજ્જવલતા હતા અને પાછા આ બાળકની બાલ-ક્રીડાના શીતળ વાતાવરણમાં ઓલવાઈ પણ જતા હતા. સ્ત્રી પોતાના ભાઈઓ પાસેથી છૂપી સહાય મગાવી લેતી હતી ને ઘરવ્યવહાર ચલાવ્યે જતી.
દિવાળીનો તહેવાર આવ્યો. ઘરની બારીમાં ઊભાં રહીને બેઉં બાળકો બાપુની વાટ જોતાં હતાં. ટ્રામો, મોટરગાડીઓ, ઘોડાગાડીઓ, બાઈસિકલો અને લોકોનાં ટોળેટોળાં, એ તમામની ભીડાભીડમાં થઈને માર્ગ કરતો પિતા આવતો દેખાયો. ફટાકડા, રમકડાં, મીઠાઈનો ટોપલો, નવાં કપડાંનું પોટલું, એવી એવી ચીજોથી લાદેલો માનવ-ખટારો જાણે ચાલ્યો આવતો હતો. ભીડાભીડમાં એ અથડાતો હતો. મોટરનાં ભૂંગળાં એની કારકુનગીરી ઉપર ભયાનક હાસ્ય કરતાં હતાં. પગપાળા ચાલનારાઓ હમેશાં જગતની ગતિને વિઘ્નરૂપ છે એ વાતનું વારંવાર ઉગ્ર સ્મરણ કરાવતી આ મોટરોનો અંત નહોતો.
“બાપુ ! એ બાપુ !" ઊંચી બારીમાંથી નાના બાળકે અવાજ દીધો.
મોટરની દોડતી દીવાલ આડેધી બાપુએ હાથ ઊંચા કર્યા.
પણ નાના બાળકને ફટાકડા ફોડવાથી અધીરાઈ આવી હતી. એણે બાપુની સામે દોટ દીધી. ‘એ બા...૫..' એટલો શબ્દ એના મોંમાં અધૂરો હતો, ત્યાં એક મોટરગાડી એને ઝપટમાં લઈને ચગદી ચાલી ગઈ. અધૂરા ઉચ્ચારમાં હજુ હ્રસ્વ ‘ઉ' ઉમેરવાનું બાકી જ હોય એ રીતે એ બે સુંવાળા. હોઠ અધ-ઉઘાડા રહી ગયા હતા.
ત્યાં પણ ટોળું, હાજર હતું. લોકોની ઠઠ કેવળ ઓફિસમાં જ હતી એમ નહોતું. પિતા બાળકના શરીર પાસે પહોંચે તે પહેલાં તો ટોળાએ બાળકને ઘેરી લીધો હતો. જોઈ જોઈ, કોઈ અરેરાટ કરી, કોઈ ઈસ્પિતાલે લઈ જવાનું કહી, કોઈ મોટરમાં બેઠેલાં બૈરાં પોતાની ગાડીને નજીક લાવી 'પાણી લાવો જલદી !' એવી પરગજુ બૂમ પાડી, કોઈ 'કોનો છોકરો છે? કેવડોક હશે!' એનાં માવતર મૂરખ્યાં અક્કલ વન્યાનાં હશે. 'આવી ગફલત!' ઈત્યાદિ અભિપ્રાય આપીને સિનેમાનો ટાઈમ થઈ જતો હોવાથી પસાર થયાં. ગયેલાની જગ્યાએ નવાં આવી પુરાયાં. અને એ બધાની ભીડાભીડ ભેદીને કૂંડાળાની અંદર જવા પ્રયત્ન કરતો પિતા એ ટોળાની આંખે કોઈ પાગલ જેવો દેખાયો. પોલીસની મદદથી જખમી બાળક ઘરની ઓરડીમાં પહોંચતું થયું.*
દાક્તર ભલામણ કરી ગયા છે કે બાળકની પાસે કશો અવાજ કરશો ના. એને શાંતિની, ઊંઘની જરૂર છે. સ્ત્રી-પુરુષ બેઉ એક શબ્દ પણ બોલ્યા વિના, ઇશારતોથી જ કામ લેતાં બેઠાં છે.
છતાં આટલો બધો કોલાહલ ક્યાંથી? આજે ઓચિંતું ભાન આવ્યું કે માર્ગ ઉપર ટોળાનો અવરજવર છે. પિશાચો દાંત કચકચાવતા હોય તેવી રીતે ટ્રામોનાં પૈડાં ઘસાય છે. મોટરગાડીઓ પીધેલા ભેંસાસુરી સમી બરડી રહી છે. ટોળાનો અનંત કોલાહલ ચગદાઈ રહેલાં બાળકોની ચીસો જેવો ઊઠે છે.
જખમી બાળક ઝબકી ઝબકી પાછો ઘેનમાં પડી જાય છે.
'છી....ત! છી..ઈ...ત' પિતા બારીએ ઊભીને નાક પર આંગળી મૂકતો જગતને ચૂપ થઈ જવા કહે છે.
'એ....હે....ઈ !..ચૂ...પ ! છી...ત છી...ત ચૂપ ! બચ્ચુને સૂવું છે. ચૂપ !'
મોંની બન્ને બાજુ બેઉ હાથની આડશ કરીને એ દુનિયાને ધમકાવે છેઃ 'છી...ત ! છી...ત ! ચૂપ...પ! થોડી વાર ચૂપ! બચ્ચું પીડાય છે. જોતા નથી!”
પણ દુનિયા એનો અવાજ સાંભળતી નથી. એ કઈ બારીમાં ઊભો છે તેનું પણ ટોળાને ધ્યાન નથી.
'અરે એઈ! ચૂ...પ! થોડી વાર ટ્રામને ચૂપ કરો. બચુભાઈને સૂવા તો દો!' પિતા ભવાં ચડાવીને જગતને ધમકાવે છે.
‘નહીં માનો કે? ઊભા રહો, ઊતરવા દો મને નીચે !' કહેતો એ દોટમદોટ ઉઘાડે માથે ને પહેરણભેર નીચે જાય છે. નાક પર આંગળી મૂકી, દોડી આવતી મોટરોને, ટ્રામોને, ગાડીઓને, ટોળાને, તમામને એ “સી...ત ! સીત !” એવા ચુપકાર કરતો ગીચ વાહન-વ્યવહાર સોંસરવો દોડી રહ્યો છે. થોડી વાર આ તરફ, તો ઘડી પછી બીજી બાજુ, જ્યાં અવાજ સાંભળે છે ત્યાં એના ડોળા ફાટ્યા રહે છે, ને એનું મોં પોકારે છે: “ચૂ... પ ! ચૂ...પ ! ચૂ....પ ! બચુભાઈને સૂવું છે. બચુભાઈ બીમાર છે. ચૂ...પ !!”
એકાએક એની ગતિ અટકી ગઈ. એને ભાન થયું કે એક કદાવર પોલીસના પંજામાં એનું બાવડું પકડાયું છે.
‘તારો બચુભાઈ બીમાર છે તેથી દુનિયા શું ઊભી થઈ રહેશે, નાદાન?' એટલું કહીને પોલીસે એને એ ચીસાચીસ કરતી યાંત્રિક ભૂતાવળમાંથી બહાર લીધો. એના ઘરને દરવાજે ચડાવી દીધો. પણ એ અંદર ગયો ત્યારે બચુભાઈ બાને ખોળે ચિરનિદ્રામાં પોઢ્યો હતો. દુનિયાને 'ચૂપ' કહેવાની જરૂર હવે નહોતી રહી.[6]
“તમારા માથામાં શું ભૂસું ભરાયું છે?”
ઑફિસના ઉપરીએ આવીને એટલું કહી એને ચમકાવ્યો. તે વખતે એના ભેજાની અંદર ચીસાચીસ કરતી મોટરગાડીઓ દોડી જતી હતી: બારણામાં ઊભેલો બચુભાઈ પોતાની સામે 'બાપુ ! બાપુ !' કરતો કૂદતો આવતો હતો ને એક મોટર એને હડફેટમાં લઈ સુસવાટ વેગે ચાલી જતી હતી.
“જુઓ આ તમારા કામ કરવાના રંગઢંગ !” કહેતાં ઉપરીએ એના ટેબલ પર બે પત્રકો ધરી દીધાં. એક હતું છ મહિના પહેલાનું એણે પોતે તૈયાર કરેલું પત્રક, જેમાં મોતીના દાણા જેવા, એક પણ છેકછાક વગરના અક્ષરો ઊડાઊડીને આંખે વળગતા હતા.
બીજુ પત્રક આગલી સાંજનું હતું. તેમાં અક્ષરો કીડીમકોડી જેવા હતા. ડાઘા અને છેકાછેકનો પાર નહોતો. સરવાળા-બાદબાકીમાં દોષો હતા. પોતે એ બેઉ પત્રકો નિહાળી રહ્યો. બન્ને એના જ હસ્તાક્ષરોનાં હતાં. “જોયું? તમારું મગજ હમણાં ક્યાં ભમી રહ્યું છે પગાર તો પહેલી તારીખની સાંજના પાંચ વાગ્યે માગતાં ભૂલી નથી જતા. એમાં તો એક રૂપિયો પણ ઓછો લેવાની ચૂક નથી પડતી.”
યુવાન લમણાં ઝાલીને નીચું માથું ઢાળી રહ્યો. એના માથાની આરપાર મોટરો દોડતી હતી. દરેક મોટર એના બચુને પછાડી ચગદી ચાલી જતી હતી. બચુએ બીજો કશો જ દોષ નહોતો કર્યો. એ તો બાપુની સામે દોડ્યો આવતો હતો ફટાકિયાની સેરો ઝટઝટ ફોડવા માટે.
“થોડા દિવસ મને રજા આપશો, સાહેબ? પરમ દિવસ મારો છોકરી મરી... ”
"આ નહીં ચાલે. તમારો છોકરો મરી ગયો તેથી કઈ દુનિયાનો. વહીવટ નહીં થંભી શકે.”
આ છેવટની તાકીદ કરી જ્યારે ઉપરી આગળ ચાલ્યો ત્યારે કારકુનની આંખોનાં અશ્રુબિંદુઓમાં બચુડો દીકરો 'બાપુ ! બાપુ !' કરતો બોલાવતો હતો.
વળતે દિવસે એ ઑફિસે હાજરી આપી ન શક્યો. ત્રીજે દિવસે એ આવ્યો ત્યારે એની ખુરશી ઉપર એક નવો માણસ બેસી ગયો હતો અને એ જગ્યાની ભરતીમાં નાસીપાસ થયેલા ચાલીસ-પચાસ જણનું ટોળું પેલા સફળ થયેલા જુવાનને ઉદ્દેશીને કંઈક એવા શબ્દો સંભળાવ્યું જતું હતું કે –
"સાલો લાગવગથી ફાવી ગયો !"
"અરે સાલાએ પૂરા પગારની પહોંચ લખીને કશુંક કમિશન મેનેજરને આપવાનું કબૂલ કર્યું હશે.”
"અરે ભાઈ, એને ને મેનેજરની બહેનની છોકરીને મીઠો સંબંધ છે.'[7]
"ત્યારે તમારે ક્યાંય કામધંધે નથી ચડવું ને?”
"પ્રયત્ન કરું છું.”
"મારા ભાઈઓની દુકાને બેસતાં તમને શો વાંધો છે?”
“તારા પિયરના આશ્રિત મારે નથી બનવું.” “થયું, તો પછી હવે મારાથી આ ઘરમાં રહી શકાય તેમ નથી. મારા ભાઈઓ મને ને છોકરાને તેડી જવા આવ્યા છે.”
"તમે ત્યાં સુખી થતાં હો તો ખુશીથી જાઓ.”
“ઠીક ત્યારે, આ પેટીની ચાવીઓ.”
"સારું."
“પેલી પેટીના તાળાને ચાવી ચડાવ્યા પછી જરી ખેંચજો. એમ ને એમ ઊઘડશે નહીં.”
“વારુ.”
"અને આ ઘોડા ઉપર મસાલાનાં ડબલાં છે. એમાં ધાણાજીરું નથી રહ્યું.”
"કંઈ નહીં. મને ધાણાજીરાની ગંધ ગમતી પણ નથી.”
"આ પેલો ઘઉંનો લોટ છે, તે આજે તો હું ચાળીને જાઉં છું; પરંતુ ચાર દિવસ પછી તમે ફરી ચાળીને જ વાપરજો. જીવાત પડી જશે.”
“ચાળીને વાપરીશ.”
“ઘઉં બીજા લાવવાના છે.”
“લઈ આવીશ.”
“તમારા ખમીસને થીગડાં બે ચોડી દીધાં છે. બહુ ઝીંકાવીન ન ધોતા.”
“સારું.”
બહાર દરવાજેથી બૂમ પડી: “બહેન, હવે આવતી રહે ને ! ચાલ, મોડું થાય છે.”
“એ... આ આવી ભાઈ !” કહેતી પત્ની બહાર નીકળી, છેલ્લી દ્રષ્ટિ એણે સાત વર્ષના જૂના આ મુસાફરખાના ઉપર ફેરવી લીધી. જયારે ભાઈઓની સાથે એ ચાલવા લાગી ત્યારે ભાઈઓ એકબીજા – કહી રહ્યા હતા કે ‘સાત વર્ષમાં તો બેનનું લોહી પી ગયો અભાગિયો !'
થોડાં પગલાં દૂર ગયા પછી બહેન ઊભી રહી. એણે કહ્યું: “ભાઈ, જરીક ઊભા રહેશો ?” "કેમ ?"
“એને ચા પાતી આવું."
ભાઈઓ આ બહેનની વેવલાઈ ઉપર તિરસ્કારથી હસ્યા. બહેન અંદર ગઈ. ટેબલ પર ચાનો સરંજામ જેમનો તેમ પડ્યો હતો. પુરુષ ટેબલ પર માથું ઢાળીને બેઠો હતો. સાત વર્ષોમાં એક દિવસ પણ એણે એકલાં ચા પીધી નહોતી. રાંધવાનો સમય કોઈક દિવસ આવ્યો હશે ત્યારે ભજિયાંઢોકળાંથી જ ચલાવી લીધું હતું.
સ્ત્રીએ અંદર આવીને આ માવિહોણા નાના બાળક જેવું દ્રશ્ય દીઠું. એ દ્રશ્યમાં અનંત કરુણતા હતી.
બારીમાં ઊભા રહીને એણે ભાઈઓને કહ્યું: “તમે તમારે જાઓ. મારાથી નહિ અવાય.”
"લો આ ચા” એણે પ્યાલો બનાવીને પતિની પાસે ધર્યો.
"તું હજુ નથી ગઈ?”
“શું જાય? તમે રઢિયાળા ચાનો પ્યાલો પણ હાથે બનાવતાં કે'દાડે શીખ્યા છો?”
બેઉ જણાંનાં આંસુ ચાના પ્યાલામાં ટપકવા લાગ્યાં.[8]
'શક્તિવર્ધક ઔષધ-ભંડાર'ના દરવાજા ઉપર પાટિયું ચોડ્યું હતું કે ‘જોઈએ છે ફેરિયાઓ. રૂબરૂ મળો. મળવાનો સમય 11 વાગતાં'.
હજુ નવ જ વાગ્યા હતા. દોઢસો-બસો માણસોની ગિર્દી જમા થઈ ગઈ હતી. ઘરડા હતા, દૂબળા રોગિયાઓ હતા, સ્ત્રીઓ પણ હતી. સહુ કોઈ દરવાજાને મોખરે ઊભવાને માટે ધક્કામુક્ત કરતાં હતાં.
અગિયાર બજે દરવાજા ઊઘડતાં જ કોલાહલ મચી રહ્યો. 'ઔષધભંડાર'નો મેનેજર ઊંચા મેજ ઉપર ચડીને પોકારી ઊઠ્યો: “અમસ્થા અમસ્થાં પાટિયાં નથી ફેરવવાનાં. બોલો, ગોળા ઉરાડતાં કોને આવડે છે?"
"મને આવડે છે, મને આવડે છે.” કહેતો એક જુવાન ધસીને ધક્કામુક્કી કરતો આગળ આવ્યો. “શાબાશ, આ લે જોઉં, ઉછાળી બતાવ.” મૅનેજરે લોઢાના ત્રણ ગોળા આગળ ધર્યા.
“લાવો.” કહેતો એ જુવાન ત્રણ ગોળાને એક સામટા સિફતથી ઉછાળવા લાગ્યો.
“સાલો!” ટોળું બબડી ઊઠ્યું. સહુનાં મોં ઝંખવાણાં પડી ગયાં.
“શાબાશ, લે, દોસ્ત, પહેરી લે આ પાટિયું. લે આ ગોળા. વેચીશ તેટલા માલ પર તારું પાંચ ટકા કમિશન.”
ગળામાં મોટું તોતિંગ પાટિયું પરોવીને જુવાન ચાલી નીકળ્યો. એના હાથમાં ત્રણ ગોળા ઊછળતા હતા. ઘડી વાર એ મદારી જેવો દેખાયો, ઘડી પછી કોઈ જાદુકપટના પ્રોફેસર જેવો.
‘હી-હી-હી-હી!' યુવાનને કાને અટ્ટહાસ્યના ધ્વનિ અથડાયા. એણે ઊંચે નજર કરી. બસ-ગાડીના ઉપલા માળ પરથી કોઈક મુસાફરો હસતાં હતાં.
'હો-હો-હો-હો!' પોતે પણ ગોળા ઉરાડતો ઉરાડતો સામો હસ્યો.
એ હાસ્ય લોકોના ટોળાંને મોંએ મોંએ ફરી વળ્યું.