shabd-logo

આખરે

29 June 2023

4 જોયું 4

આખરે
મોટા શહેરની આ એક આલેશાન ઑફિસ હતી. સો-બસો મહેતાઓની કલમો ચીંચીંકાર કરતી કાગળો પર આંકડા-અક્ષરો પાડતી હતી. ટાઈપરાઈટરો પર ચાલીસ-પચાસ પંજા પછડાતા હતા. ટેલિફોનની ઘંટડીઓને જંપ નહોતો. બસો મનુષ્યોનું બાઘામંડળ કોઈક યંત્રમાળના સંચાઓ જેવું નિઃશબ્દ કામગરી ખેંચી રહ્યું હતું.

તે વખતે સંધ્યાના તેજમાંથી ઘડેલી પ્રતિમા જેવી એક જોબનવંતી સ્ત્રી ત્યાં દાખલ થઈ. વચલા રસ્તા પર ચાલતી, બન્ને બાજુએ હારબંધ ગોઠવાયેલા ચહેરાઓને તપાસતી તપાસતી પોતાના રૂપને દોરે આ બસો જણાઓની આંખોને પરોવતી પરોવતી, તાલબદ્ધ પગલે લાદીના પથ્થરોમાં પ્રાણ જગાડતી એ સ્ત્રી આગળ આગળ વધતી ગઈ. આખરે એને જ્યારે ભોમિયાએ એ વિશાળ ખંડને છેક બીજે છેડે એક ખૂણામાં લઈ જઈ ઊભી રાખી, ત્યારે એની છાયાએ એ છેલ્લા ટેબલ પર ઝૂકેલી એક ગરદનને ચમકાવી ઊંચી કરી. થાકેલી એ ગરદન નીચેથી એક નમણો ને સારી પેઠે સુકાયેલો ચહેરો ઊંચો થયો. એ બે તેજહારેલી આંખોએ આ મૂંગી ઊભેલ સ્ત્રી-મહેમાનનું મોં થોડી ક્ષણો તાકી રહ્યા પછી જ ઓળખ્યું. સુખદ, છતાં સજળ, કરુણ અને કંઈક ખસિયાણો પડી ગયેલો એ ચહેરો માંડ માંડ પૂછી શક્યો: “તમે અહીં કયાંથી?”

"ઓળખતાં કંઈ આટલી બધી વાર ?” મહેમાને મીઠાશથી સામે પૂછ્યું.

"ઘણાં વર્ષો થઈ ગયાં એટલે હું ખ્યાલ ચૂકી ગયો ખરો. પણ કહો, તમે અહીં ક્યાંથી?” "પછી કહું. પહેલાં તમે જ કહો, તમે અહીં કયાંથી? – આ કારકુનીમાં?”

"કેમ?” પોતાની કંગાલિયતનો ખરો આઘાત પુરુષને અત્યારે લાગ્યો.

“કવિતા અને સાહિત્ય તારાં ક્યાં ગયાં? એ ક્ષેત્ર છોડીને અહીં?" સ્ત્રીએ જૂની યાદ જાગ્રત કરી.

ઉત્તરમાં યુવાન જરા નીચું, વીલું મોં રાખીને ઊભો રહ્યો. પણ મહેમાનની આંખો હજુ ઉત્તર માગતી ચોંટી હતી. કારકુન જુવાનનો હાથ ધીરે ધીરે પોતાના ગજવા તરફ ગયો. અંદરથી નાની એક નોંધપોથી ખેંચીને એમાંથી એણે એક પતાકડું ઉપાડ્યું. મહેમાન તરફ લંબાવી કહ્યું: જોઈ લ્યો. કારકુની કરું છું શા માટે, તેનો જવાબ એ છબી આપશે.”

સ્ત્રી જેમ જેમ છબી નીરખતી ગઈ તેમ તેમ એના મોં પર દીપ્તિ ને હોઠ પર સ્મિત ફૂટ્યાં. “આ બધાં કોણ? એક, બે, ત્રણ, ચાર, પાંચ આ પાંચેય શું તમારાં...”

"મારાં છોકરાં." કારકુનને ભોંઠામણ આવતું હતું.

“વાહ રે!" છબી નિહાળતી સ્ત્રી હર્ષ પામી રહીઃ “કેવાં સુંદર છે પાંચેય જણાં: આ વચેટ બેઉ જોડકાં લાગે છે, નહીં?” પુરુષે એ પ્રશ્નમાં હાંસીના સૂર સમજી ફક્ત માથું જ ધુણાવ્યું.

"તમારે ઘેર હું આવું? તમારાં વહુને અને આ છોકરાને મળવાનું મને મન થાય છે.”

“ચાલો. પણ તમને ગમશે?”

“શા માટે નહીં ગમે?”

આવી એક સુઘડ, સંસ્કારવતી અને રસીલી સ્ત્રી, કે જેનો પોતે નવેક વર્ષ પહેલાંના કૉલેજજીવનમાં એક સન્માનિત વીર હતો, તે સ્ત્રીને પોતાના અત્યારના કુટુંબજીવનનું દર્શન કરાવવાની વાતથી એ યુવાન ખૂબ ખચકાયો. “મારું ઘર જોઈને તમે શું કરશો? નાહક તમારો જીવ બળશે.” એમ કહીને એણે આ અભ્યાસકાળની ભક્તહૃદય મિત્રનું અંતર અનુકમ્પિત બનાવવા માંડ્યું. બેઉ જ્યારે ઘર તરફ ચાલ્યા ત્યારે ચારસો આંખોનાં નેણમાંથી એ જોડલી ઉપર કટાક્ષોની ઝડી વરસી.[2]

એક ઓરડો, એક રસોડું ને એક નાની મેડી: એવું એ નાનું સાંકડું ઘર પાંચ છોકરાંની ધમાચકડી થકી પડું પડું થતું હતું. 'ઓ બા, બટુકને બાબુએ ઘુસ્તો માર્યો.' 'એં...એં ઓ બાડી ! બચુડીએ કીકાને ચીંટી ખણી.' 'મોટાભાઈએ મારો કાન આમળ્યો.' 'અમને ભૂખ લાગી છે.' 'બાપ કેમ ન આવ્યા?’ – એવા એવા ગૂંચવાઈ ગયેલા શોરની વચ્ચે ઊભેલી માતા કિકાને કાને પંપાળતી તો બટુકના વાળ સરખા કરતી, બચલીને ગાલે ધીરી ટાપલી લગાવતી તો બાબુડાના બરડા પરથી ધૂળ ખંખેરતી ઊભી હતી. “ચૂપ! ચૂપ! હવે એક પણ શબ્દ નહિઃ જો હમણાં તમારા બાપુ આવશે.” એટલું કહી, નાક પર આંગળી મૂકી તેણે સહુના શોર શાંત પાડ્યા “હવે જુઓ, થોડી વાર ડાહ્યાં થઈને રમો, હું હમણાં તમારે માટે ઊનાં ઊનાં મજાનાં ઢોકળાં ઉતારું છું. જે બોલશે તેને નહીં મળે, ચૂપ...! જો, તમારા બાપુને બિચારાને ત્રાસ પડે છે, એને સતાવશો તો આપણને ખાવા કરવાનું કોણ લઈ આવી દેશે? માટે બાપુ આવે ત્યાં સુધી ચૂ...પ !”

એટલું કહેતી માતા પાછી રસોડામાં દોડી ગઈ. બાળકો શાંતિ જાળવીને હારબંધ બેસી ગયાં. ધીરે ધીરે તેઓના પ્રખર સંયમની સીમા આવી ગઈ, બોબડો કીકો કશુંક ગણગણ્યો, તેની સામે બટુકે નાક પર આંગળી મૂકીને 'ચૂ...પ!' કહ્યું, એટલે બબલીએ 'એય બટુકભાઈ બોલ્યા ! કહી વ્રતખંડન કર્યું. ને ફરી પાછું ત્યાં નાક-કાનની ખેંચાખેંચનું સમરાંગણ જામવાની તૈયારી થતી હતી ત્યાં તો કમાડ ઊઘડ્યું અને એક સામટો શોર થયોઃ 'બાપુ ! હેઈ બાપુ આવ્યા ! બાપુ આવ્યા ! માલા બાપુ આવ્યા !'

પાંચેય છોકરાં દોડીને બાપને બાઝી પડ્યાં. ખભે, માથે, કમર, હાથે, ટીંગાઈ વળીને બાપાને ભોંય પર બેસાડ્યા, સુવાડ્યા, ને પછી નાનાં બાળકોએ બાપાના શરીર પર ઘોડો પલાણ્યો.

મહેમાન સ્ત્રી એકી ટશે આ દ્રશ્ય જોતી ત્યાં ને ત્યાં સ્તબ્ધ બની રહી હતી.

“ઊભાં રહો ! હું આવું કે વાંદરાઓ?” એવી મીઠી હાક મારતી છોકરાની માતા રસોડામાંથી ધસી આવી. પતિને દેખી હસી પડી. ત્યાં તો બારણા પાસે કોઈ અપરિચિત સ્ત્રીને દેખી એ સ્થિર બની. ઘોડો બનેલ બાપાએ ઊભા થઈ, કપડાં ખંખેરી, એક વાર મહેમાનને નિહાળ્યા પછી પત્નીને પરિચય આપ્યો: "આ બહેન કોલેજમાં અમારી જોડે ભણતાં'તાં. બહુ ભલાં છે. આજે સાત વરસે અમે ઓચિંતાં મળી ગયાં, તમને સહુને મળવા માટે જ ખાસ અહીં આવેલ છે.”

"એમ?" કહેતી પત્ની મહેમાન યુવતીની નજીક ગઈ. “આવો, આવો. ને અંદર."

પુરુષને બીક લાગી કે રખે કયાંક કીકાકીકીની બા એના હીંગમરચાંવાળા અજીઠા હાથે આ મહેમાનને શરીરે હેત કરવા લાગશે ! રખે એના નજીક જવાથી એનાં ધુમાડેલાં કપડાંની ને પસીનાની દુર્ગંધ એ સ્વચ્છ સુંદર અતિથિને અકળાવી મૂકશે. પરંતુ સારે નસીબે પત્નીએ સભ્યતા સાચવી. પતિની અને મહેમાનની જોડે પોતે પણ આછું આછું હસતી બેઠકમાં બેઠી. છોકરાં રસોડા તરફ ચાલ્યાં ગયાં. ત્યાંથી પાછા ધમાચકડીના શોર શરૂ થયા. થાકીને ઘેર આવતા ધણીની સાંજને શાંતિમય રાખવા ટેવાયેલી સ્ત્રીએ ઊઠીને કહ્યું: “હું હમણાં જ આવી, હો કે? ચૂલે રસોઈ છે, ઢોકળાં વધારીને આ આવી ! બેસજો; અહીં જમીને જ જજો.”

પલવારમાં તો એના તરવરિયા પગ એને રસોડામાં ઉપાડી ગયા. નીચાં ઢળેલાં નેત્રોને પુરુષે મુક્તપણે ફરી પાછાં મિત્ર સામે માંડ્યાં; અને રસ્તે થયેલી વાતચીતના અનુસંધાનમાં એ બોલ્યો: “આ જોયા હવાલ? આમાં છે ક્યાંય પ્રેરક કે પ્રોત્સાહક વાતાવરણ? આ હીંગ-મરચાંના વઘાર વચ્ચે તે હું શી રીતે એ પુસ્તક પૂરું કરું? ઘેર આવું છું ત્યાં જ જીવન થીજી જાય છે.”

"પણ તમે એ જૂનું લખાણ તો લાવો ! નવું જેટલું લખ્યું હોય તેટલું પણ મારે જોવું છે. એવી તેજસ્વી કલમ શું આમ મરી જશે? ના, ના, હું નહિ મરવા દઉં. લઈ આવો તો!”

‘હું નહીં મરવા દઉં !' એ અવાજના ભણકાર સાંભળતો પુરુષ મેડી પર ગયો. પોતાના લખવાના મેજ પર નજર કરતાં જ એનું પાશેર લોહી શોષાઈ ગયું. ટેબલ પર છોકરાંનાં હાથીઘોડાંનાં રમકડાં પડ્યાં છે: શાહીનો ખડિયો ઊંધો વળ્યો છે. હોલ્ડરોની ટાંકોને બદલે પૂંછડીઓ શાહીમાં બોળીબોળીને બાળકોએ બલાડાં ચીતર્યાં છે અને પોતાની સાત વર્ષોથી લખાતી એક નવલકથાની હસ્તપ્રત ઉપર એક મોટી કાતર પડી છે. કાતરને ઉપાડી અંદરથી પહેલું પાનું ઉપાડ્યું તો તેના ઉપર કોતરકામ થયેલું દીઠું: કાતરથી કાપેલાં કરકરિયાં, ફૂલો, ગધાડાં વગેરે વગેરે.

પુરુષનો શ્વાસ નીચે બેસી ગયો. થોડી વાર લમણે હાથ દઈને એ થંભી ગયો. પછી એ હસ્તપ્રત લઈને નીચે આવ્યો. પોતાની પત્ની પાછી આવીને બેઠેલી તેને બતાવીને કહ્યું: “આ દશા થાય છે ને?”

સ્ત્રીનું મોં પડી ગયું. એણે પાસે જઈ જોઈને અફસોસ બતાવ્યો: “લે અરર, આ ક્યારે કર્યું, પીટ્યાં –"

"કંઈ નહીં, કંઈ નહીં,” મહેમાન વચ્ચે પડી. “લો, કંઈક નવા પ્રકરણમાંથી વાંચી સંભળાવો જોઉં.”

બત્તી તેજ કરીને પુરુષે વાંચવાની શરૂઆત કરી ત્યાં તો ફરી પાછી રસોડામાં ધીંગામસ્તી મચી પડી. પુરુષનો ચહેરો ચિડાયા જેવો બની ગયો. એ પાનાં મૂકી દેવા જાય છે ત્યાં તો પત્ની ઊભી થઈ. “રહો, હું એ પાંચેય નખેદિયાને પથારી ભેગાં કરી આવું.” એમ કહી કંઈક હસતી ને કંઈક ગ્લાનિભરી એ પાછી ત્યાંથી દોડી ગઈ. પતિએ પોતાની નવલકથાનાં નવાં પ્રકરણો વાંચવા માંડ્યાં. એ વાચનની શાંતિને અખંડિત રાખવા સારુ મેડી ઉપર ઓરડાનાં બંધ દ્વારની પછવાડે બેઠી બેઠી માં એક પછી એક પાંચેય બચ્ચાંને પંપાળતી, ધમકાવતી, 'પ્રભાતે ખાઉખાઉ' ની લાલચ દેતી ધીરે સ્વરે વાર્તા કહેતી ઉંઘાડી રહી હતી. કેવાં ડાહ્યાં ! મારાં પાંચેય બચડિયાં કેવાં ડાહ્યાં ! પોતાના બાપુની શાંતિ ખાતર જલદી જલદી સૂઈ ગયાં,’ એવું ગણગણતી એ પ્રત્યેક બાળકને ચૂમતી હતી. પ્રત્યેકના વાળમાં આંગળીઓ સેરવીને માથાં ખજવાળતી હતી.

ત્યાં બેઠકમાં જેમ જેમ વાર્તાનું વાચન ચાલતું ગયું તેમ તેમ અતિથિ યૌવનાની આંખોમાં રોશની ઊભરાતી ચાલી.

"ઓહોહો!" એણે આખરે કહ્યું: “આટલું કુશળ પાત્રાલેખનઃ આવો. કલ્પનાવૈભવઃ ને આવી શૈલીઃ આ બધી વિભૂતિઓને તમે છ કલાકની કારકૂનીમાં દફનાવી દો છો? તમારે ખાતર તો ઠીક, પણ ભાવિ પ્રજાને ખાતર તો તમારે આ પુસ્તક પૂરું કરવું જ જોઈએ.”

“પણ હું શું કરું? આ વેજા વળગી છે તેના પેટના ખાડા હું કેમ કરી પૂરું?”

"અરે શું કહો છો? તમને આગળથી એડવાન્સ રકમ આપનારા પ્રકાશકો તૈયાર છે. હું શોધી આપું. આવી હતાશાની વાણી શું કાઢો છો? તમારી સર્જનશક્તિનું ભાન તમને નથી, પણ જગત તો આ વાંચીને ચકિત બનશે.”

પુરુષનો આત્મા કોઈ નવજન્મ પામતો હોય તેવી મંગલ સુખવેદના એની આંખોમાં પ્રગટી ઊઠી. પોતાને જીવનદ્વારે જાણે કોઈ સ્વર્ગદૂત ઊતર્યો હતો.

બચ્ચાંને સુવાડી, ધીરેથી ઓરડો બંધ કરી. મા નીચે આવી અને પછી બેઉને જમવાનું પીરસ્યું. પતિ અને અતિથિ વચ્ચે આખો વખત જે વાર્તાલાપ ચાલી રહ્યો તેમાં ભાગ લેવાની પોતાની સમજશક્તિ ન હોવાથી પોતાની હાજરી ત્યાંનું વાતાવરણ ખરેખરું ખીલવા નહોતી દેતી, એવી સમજને લીધે એને ઘણું દુઃખ થયું. છતાં એ બેઉનાં મોં સામે જોઈ જોઈ જ્યાં બન્ને હસે ત્યાં હસતી અને વિસ્મય બતાવે ત્યારે મોં ચમકાવતી બેસી રહી. આજે પતિના જીવનમાં ઘણે વર્ષે પ્રાણ આવ્યો જોઈ પોતે હરખાવા લાગી.

મોડી રાતે મહેમાને રજા લીધી. 'લાવો પેલી હસ્તપ્રત' કહી એણે નવલકથાનું પરબીડિયું બગલમાં દબાવ્યું. એને વિદાય દેતી ગૃહપત્નીએ કહ્યું કે “કોઈ કોઈ વાર અહીં જરૂર આવતાં રહેજો, હો ! એમને બહુ જ સુખ થશે.”

તે રાત્રિની નીંદમાં પુરુષે કૈં કૈં સ્વપ્ન દીઠાં. એક સુંદર મુખ જાણે એને અવાજ દેતું હતું: ‘બહાર નીકળ! તું આ અંધારા ઘરમાંથી બહાર આવ! વિશાળ દુનિયા તારો બોલ ઝીલવા ઝંખી રહી છે. તને હું જગતના શિખર પર બેસાડીશ.'[3]

વળતે જ દિવસે સાંજે ઑફિસમાંથી છૂટીને કારકુન બંધુ બારોબાર પોતાની નવી મિત્રને ઘેર ગયા; એની લાકડી, ટોપી ને કોટ એ મિત્રે સ્વહસ્તે જ ઉતરાવીને ખીંટી પર ગોઠવી દીધાં, પછી એને પોતે મકાનમાં ફેરવવા લાગી, ઠેરઠેર એ પુરુષે સાહિત્યરસની સાક્ષી પૂરતાં પુસ્તકો, કલાત્મક ચિત્રો વગેરે સામગ્રીના શણગાર દીઠા. ઘરની ચીજે ચીજ સુવ્યવસ્થિત; જરા પણ અવાજની અડચણ નહિ; આહાહા ! સાહિત્યનું સર્જન કરવા માટે કેવું પ્રેરક વાતાવરણ ! પુરુષને દરેક ઓરડો દેખાડતી એ મિત્ર પૂછતી હતી કે “અહીં તમને લખવાનું ન ફાવે? અહીં એકાદ-બે કલાક બેસો તો નવલકથા પૂરી ન કરી શકો? પૂરી કર્યા વિના તો નહીં જ ચાલે. એ પુસ્તકના હજાર રૂપિયા તો હું તમને અપાવ્યે જ રહીશ અને એની સાત આવૃત્તિ તો હું તમને ત્રણ વર્ષમાં બતાવી આપીશ. બોલો, અહીં બેસીને લખશો?”

"ને જુઓ,” એને ઉપલે માળે તેડી જતાં જતાં કહ્યું: “મારી બેઠક તો નીચે છે, ને તમે તમારી બેઠક આ કૅબીનમાં રાખી શકો.” એમ કહી એણે એક નાજુક ખંડનાં દ્વાર ખોલ્યાં. શો સુંદર સ્ટડીરૂમ ! પુરુષનું મનપંખી જાણે એ જીવન-માળામાં ગોઠવાઈ ગયું.

"હું –" સ્ત્રીએ ખાતરી આપી: “હું પણ તમને લેખનકામમાં અડચણ પાડવા જરીયે નહીં આવું. જુઓ, આજે એકાદ કલાક બેસીને અનુભવ કરો, ફાવે તો પછી કાલથી નિયમિત બબે કલાક આવીને લખજો.”– ને પુરુષે તે દિવસનો અનુભવ લઈ જોયો, ગમી ગયું, ખાતરી થઈ કે અહીં તો કલમ અને કલ્પનાશક્તિ બન્ને જાગી ઊઠશે.[4]

રાત પડી ગઈ છે. રાંધ્યુંચીંધ્યુ ક્યારનું તૈયાર છે. થોડું થોડું પીરસીને પણ ગોઠવી રાખ્યું છે. રોજ સાંજે બાપુની જોડે બેસીને જમવા ટેવાયેલ છોકરાં આજે બહુ મોડું થવાથી ઉપરાઉપરી બગાસાં આવવા છતાં બાપુ વગર જમવા બેસતાં નથી. ઓચિંતું માને યાદ આવ્યું પતિ રોજ જ્યાં લખવા જતો ત્યાં જ હશે, પણ લખવાનો પ્રવાહ વેગબંધ ચાલી રહ્યો હશે, સમયનું ભાન નહીં રહ્યું હોય, ટેલિફોન કરીએ.

પાડોશીને ઘેર ટેલિફોન પર એ દોડી ગઈ. પછવાડે પાંચેય છોકરાં પણ ગયાં. ટેલિફોનની આસપાસ પાંચેય જણાં વીંટળાઈ વળ્યાં. 'બા, મને બાપુ જોડે વાત કરવા દે' 'ના, બા, મારે બાપુનો સાદ સાંભળવો છે.' 'હેં બા, બાપુ એમાં સંતાઈ બેઠા છે?' – એવા એવા હર્ષોદ્‌ગાર કાઢતાં એ પાંચેયની વચ્ચે ઊભેલ માતાને સામો જવાબ મળ્યોઃ “હલ્લો ! હલ્લો ! આજ તો તમે સહુ જમી લેજો. મેં આંહીં જ જમી લીધું છે. મને અહીં લખવાનું બહુ ફાવી ગયું છે. હું કાલે સાંજે આવીશ.”

"પણ હલ્લો! હલ્લો!” એટલું બોલીને પત્ની અટકી ગઈ. કેમકે સામેથી પતિએ રિસીવર પડતું મૂકી દીધું હતું, અહીં માના હાથમાંથી રિસીવર ખૂંચવી લઈને એકબીજાની ઉપર પડતાં છોકરાં એ યંત્રમાં બૂમો પાડવા લાગ્યાં:

'હલ્લો ! હલ્લો બાપુ ! હલ્લો બાપુજી ! હું કીકો. મારું નામ બબલી. બાપુજી, જમવા ચાલો, અમે વાટ જોઈએ છીએ. અમને ભૂખ લાગી છે. હલ્લો: હલ્લો! હલ્લો!'

માએ ધીરેથી એ રિસીવર બબલીની મૂઠીમાંથી છોડાવીને ટેલિફોનની ઘોડી પર લટકાવી દીધું. પછી પોતે સ્તબ્ધ ઊભી રહી. દસ નાની નાની આતુર આંખો એની સામે તાકી રહી; માએ કહ્યું: “ચાલો.”

"બાપુએ શું કહ્યું, બા?” કીકો પૂછવા લાગ્યો.

"એણે જમી લીધું."

"ક્યાં? અમારા વિના" પાછાં છોકરાં ટેલિફોન પર ધસતાં હતાં, તેને રોકી લઈ માએ ઘરમાં લીધાં, સહુને ખવરાવી લીધું. સુવરાવ્યાં, પોતે જમ્યા વગર રસોઈ કાઢી નાખી, ઢાંકણઝૂંબણ કરી મોડી રાતે ઊંઘી ગઈ.[5]

બારણામાં એ દાખલ થયો ત્યારે એના પગલામાં જોશ હતું. ચહેરા પર ચમક હતી. આખા દેહમાં વિજયનો ઉમંગ ઉછાળા મારતો હતો. હાથમાં એક કાગળિયો હતો.

“ક્યાં ગઈ? તું ક્યાં છે?” એણે સાદ દીધો. ત્યાં તો પાંચ બચ્ચાંની મા બે સૂના દિવસો કોઈ કુસ્વપ્નાની માફક ઊડી ગયા હોય તેમ મેડી પરથી દોડતી આવી. એને પૂરી સીડી ઊતરવા દીધા પહેલાં તો પતિ સામે ધસ્યો, અને એના હાથમાં કાગળિયો ધરી દીધો.

"પાંચસો રૂપિયાનો ચેક ! મને પેલાં બહેનની મદદથી પ્રકાશકે આ પાંચસો રૂપિયાનો ચેક ઍડવાન્સમાં આપ્યો. આપણી નવલકથા પૂરી થયે હજાર રૂપિયા ચૂકવવાના છે. અદ્ભુત ! પ્રકાશકોએ મારી કૃતિને અદ્ભુત કહી. આપણાં દાળદર હવે ફીટી ગયાં. હવે તમે સહુ બસ છૂટથી મોજ કરો. તારે માટે સાડી-પોલકા ને છોકરાં સારુ નવાં કોટપાટલૂન સીવવા નાખો. હવે તારે જરાય મૂંઝાવાનું નથી, સમજી? હવે મારી કલમમાં નવું જોમ આવી ચૂક્યું છે. તું જોજે તો ખરી, એક વર્ષમાં તો હું જગતની ટોચે ચડી બેસીશ. હવે મારે 60 રૂપિયાની કારકુની શા માટે કરવી? આજે જ રાજીનામું ફગાવીને નીકળી ગયો છું. મને આજે મારી છૂપી શક્તિનું આત્મભાન થઈ ગયું છે. બસ, હવે લહેર કરો તમે બધાં, લહેર કરો.”

– ને એ પત્ની-હૃદયના સામા પડઘાની વાટ જોતો ઊભો રહ્યો. પત્ની દાદરના છેલ્લા પગથિયા પર અટકી ગઈ. એનાં આંગળાં પેલાં પાંચસો રૂપિયાના લીલાલીળા ચેકને યંત્રવતુ પકડી રહ્યાં હતાં. એ પાંચસો રૂપિયાની રકમની માલિકીએ એના આંગળાંમાં કેમ કશી વીજળી ન પ્રગટાવી? કેમ એનું મોં વેરાન સરખું સૂનકાર અને ઉજ્જડ જ રહ્યું? એની આંખોએ પતિના ઉલ્લાસનું એક કિરણ પણ કેમ ન ઝીલ્યું? સ્વામીનો આટલો ઊર્મિઉછાળ, સાગરની ધરતી છોળ ધરતીના કિનારા પર અથડાઈને વેરણછેરણ થઈ જાય તે રીતે પત્નીની જડતા સાથે ભટકાઈ ભાંગી ભુક્કો કાં થઈ ગયો?

"ઠીક ત્યારે.” પુરુષ પાછો વળવા લાગ્યોઃ “હું હવે જાઉં છું. જલદી ત્યાં બેસીને નવલકથા પૂરી કરી નાખું. ત્યાં એ બહેને બાપડાંએ મને અત્યંત લાગણીથી લખવાની સગવડ કરી આપી છે. હું હવે ત્યાં જ જમી લઈશ. એટલે નકામો સમય ન જાય.”

'નકામો સમય ન જાય !' એ શબ્દોએ સ્ત્રીને આરપાર વીંધી. એ ચૂપ ઊભી.

"કેમ કંઈ બોલતી નથી?”

“બોલું? દુઃખ નહીં લગાડો?”

“શું કહેવું છે? તારે સારુ હું આટલું સૌભાગ્ય કામી આવ્યો. પાંચસો રૂપિયા તારા હાથમાં મૂકું છું, તો પણ તને કેમ જરીકે ઉમળકો નથી આવતો?”

"પાંચસો રૂપિયાને – આવી રીતે રળેલા લાખ રૂપિયાને પણ – મારે શું કરવા છે?”

“ત્યારે?” પુરુષ કંઈક કંટાળ્યો.

"હું જાણું છું કે એ બહેનને અને તમારે સાહિત્યનો મેળ મળ્યો છે. સુખેથી એની સાથેના મેળામાં તમે તમારું સાહિત્ય સરજો, પણ મારી માગણી એક જ છે કેઃ તમે અહીં બેસીને જ લખો."

"અહીં બેસીને લખું? ઘરમાં ક્યાંય તસુ જેટલી પણ શાંતિની જગ્યા રહી છે ખરી? તું કેવી ખોટી જીદ કરે છે? અહીં આ વેજા મને એક અક્ષર પણ પાડવા દેશે કે?"

પત્ની નીચે ઊતરી. એણે પતિને ખભે હાથ મૂકી કરગરતે સ્વરે કહ્યું: “આજની રાત તમે અજમાવી જુઓ. હું પાંચેયને શાંત રાખવાનું વચન આપું છું. એ તો બાપડાં ડાહ્યાં છે. તમારા પર એને એટલું બધું વહાલ છે, કે ચુંકારી ય નહીં કરે. લ્યો, હું હમણાં જ મેડીમાં બધું ઠીકઠાક કરી આવું.”

એટલું કહેતી એ ઉપર દોડી. ઉપલી ભોંયમાં તો એવાં તોફાન મચ્યાં હતાં કે જીર્ણ ભાડૂતી મકાનનું ચણતર કાંકરીઓ વરસાવી રહ્યું હતું. એ કાંકરીઓની ઝડી ઝીલતો આ માજી કારકુન, આ ભાવી જગતના શિખર પર પોતાનું આસન લેનાર નવલ-સમ્રાટ ચૂપચાપ ટેલવા લાગ્યો. ટેલતાં ટેલતાં એના હાથની દાઝભરી ભીંસ વચ્ચે એની ટોપી ચંપાવા લાગી. હજુ એને જોડા ઉતારવાનું મન થતું નહોતું. પગનાં તળિયાં અને જોડાની સગળીઓ વચ્ચે એ જાણે આ સ્ત્રીના વહાલને ભીંસી ભીંસી છૂંદી નાખતો હોય ને, એવો ભાર દઈ આંટા મારવા લાગ્યો.

થોડી વારે એને ભાસ થયો કે બચ્ચાંના શોર મેડી પર શમતા હતા. આજ ઘરમાં પ્રસરતી શાંતિ એને પોતાની કટ્ટર વેરણ લાગી. પાંચેય બાળકોને નીચે ઉતારી આવેલી પત્નીએ મલકાતે મોંએ આજીજીસ્વરે કહ્યું: “હવે તમે ઉપર જઈને સુખેથી લખવા લાગી પડો. અમે પાસે નહીં આવીએ. તમને બોલાવશું પણ નહીં. જાઓ, ટેબલ પર મેં તમામ ગોઠવી દીધું છે.”

સ્વદેશે આવવા નીકળેલો મુસાફર બંદર પર પહોંચીને એક જ મિનિટ પહેલાં આગબોટ ઊપડી જતી જુએ ને જે લાગણી અનુભવે તે લાગણીનો ભોગ થઈ પડેલો આ લેખક મેડી પર ગયો. અંદરથી એણે દાઝભર્યો ધક્કો મારીને બારણું ભીડી દીધું.

નીચે માતાએ એક ખુરસી પર બેસીને પાંચેય બાળકોને ગોદમાં લીધાં. એકને ખોળામાં બેસારી, બેને પગની જાંઘો ઉપર ઘોડો પલાણાવી, ચોથાના વાળ પંપાળતી અને પાંચમી પુત્રીની પીઠ થાબડતી એ ધીરા ધીરા સ્વરે ફોસલાવવા લાગી. “જુઓ, માંડ માંડ તમારા બાપુજી આજે ઘેર આવ્યા છે. એ કહે છે કે તમે એમને નિરાંતે લખવા દેતા નથી તે માટે એ અહીં નથી જમવા-સૂવા આવતા. મેં માંડ માંડ આજ એમને રોક્યા છે. હવે તમે બસ, એવાં, મીની જેવાં ચૂપ બની જાઓ, કે એ આટલું બધું લખી નાખે, ને પછી આટલા બધા પૈસા તમારે માટે લઈ આવે, તેમાંથી આટલાં બધાં કપડાં-રમકડાં આપણે લઈશું, ખરું?”

આખું ઘર ચૂપચાપ બન્યું. મોટાં હતાં તે ઘર બહાર રમવા ઊપડી ગયાં. મા રસોડામાં ગઈ. પછવાડેથી કીકો ને બટુકો બે જણા કંઈક સંતલસ કરતા ઊભા: સિસકારા વતી બેઉ જણા વાતો કરતા હતાઃ

“બાપુ શું કરે છે મેડી ઉપર?"

“લખે છે!”

“શું લખે છે?”

“મોટું મોટું કંઈક."

“એવું મોટું શું? ચાલો આપણે છાનામાનાં જઈને જોશું?"

બિલ્લીપગલે બેઉ સીડી પર ચડ્યા. ચૂપ! ચૂપ! ચૂપ! એમ એકબીજાને ચૂપ રહેવા કોણી મારતા મારતા બારણા પાસે પહોંચ્યા.

કીકાએ કમાડની તરડમાંથી અંદર જોયું. જોતાં જ ચકિત બન્યો. બટુકની સામે જોઈ હસ્યો. બટુકે એને ખસેડી પોતાની આંખો તરડમાં તાકી. બને છોકરા વિસ્મયથી મોંની સિકલ બગાડતા એકબીજાની સામે જોતા ઊભા.

બાપુ શું કરતા હતા. ખુરસી પર બેસીને જીભના ટેરવા ઉપર અધરપધર પેન્સિલ ચકાવતા હતા. બાપુને લખવાનું સૂઝતું નહોતું. લેખિનીને પ્રેરણા પાનાર માનવી ત્યાં હાજર નહોતું. બાપુને શાંતિ ઉપરાંત પણ કંઈક જોઈતું હતું.

“બાપુ તો ખેલ કરે છે!”

“મને જોવા દે.”

બેઉ જણાએ આ મેડીના બંધ બારની પાછળ ભજવાઈ રહેલ તમાશો જોવાની ઉત્સુકતાને ઉત્સુકતામાં એકબીજાને તરડ પાસેથી ધકાવવા માંડ્યું. બેઉને ભાન થઈ ગયું હતું કે બાપુ તો નાહકના જ આપણને ચૂપ કરી એકલા તમાશો કરે છે. એ માટે તેઓને ગંભીરતા ભુલાવી ધક્કાધક્કીમાં બટુકે નાના કટકાને જરા વધુ પડતો આઘે ધકેલી દીધો. ધબ ધબ ધબ કરતું કીકાનું ગોળમટોળ શરીર દાદરનાં પગથિયાં ઉપર પછડાતું છેક નીચે જઈ પડ્યું અને એ ધબધબાટમાં કીકાના કંઠસ્વરે પુરવણી કરી બાપુના સમાધિભંગનાં ઢોલ-શરણાઈ ગજાવી મૂક્યાં. બાકીનાં ત્રણ પણ આ રડાપીટમાં સાથ આપવા આવી પહોંચ્યાં. અને રસોડામાંથી ધ્રાસકો પામેલી મા ચૂલો ફૂંકેલ મોંએ ને બળતી આંખે દોડી આવી.

“બા, ઓ બા!” એવા આર્તસ્વર કરતા કીકાને ‘મા, મા! મારા બાપ! શું થયું મારા પેટને?’ એવા લાલનસ્વર સંભળાવતી માએ તેડી લીધો. ખોળામાં સુવાડયો, કયાં ક્યાં વાગ્યું તે તપાસવા લાગી.

“બટુકાભાઈએ મને ધક્કો માર્યો.”

બટુકો કહે: “મેં કાંઈ જાણી કરીને માર્યો છે? અમને કેમ નો'તો જોવા દેતો

“શું જોવા?” માએ પૂછયું.

“બાપુ ખેલ કરતા'તા ઈ... ઈ!”

"શાનો ખેલ?” મોટાં છોકરાં પોતે મોડાં પડયાં એથી પશ્ચાત્તાપને સ્વરે પૂછી ઊઠાયાં.

બટુકાએ જીભ કાઢીને બાપ જે કરતા હતા તેનો અભિનય કરી બતાવ્યો.

"તો હવે રહે રહે, પાજી!” એટલું મા જ્યાં બોલી ત્યાં જ મેડીનું દ્વાર ઊઘડયું, ને બાપુની ચૂપચાપ કઠોર મુખમુદ્રા નીચે ઊતરી.

"બાપુનો તમાશો! બાપુનો તમાશો !” એવું બરાડતાં બીજાં ચારેય જણાં ઘરબહાર નાસી ગયાં, ને અહીં ભેંકડા કાઢતા કીકાને 'ખમા મારા બાપ, તને ખમા!' એમ પટાવતી માતાએ પતિની સામે લજ્જિત મોંએ નીરખ્યું; બોલી: “મને બહુ જ શોક થાય છે. તમને મેં શાંતિ જાળવવાની ખાતરી આપી, મેં છોકરાંને ઘણું ઘણું વારેલાં, પણ હું કઢી ઊભરાઈ જાય એ બીકે રસોડામાં ગઈ, ત્યાં આમ બની ગયું.”

પતિ હોઠ ભીંસીને ચૂપચાપ ટેલવા લાગ્યો. પત્નીના મોં પરની કાકલૂદી એણે દીઠી નહીં.

"અં... અં... અં!” કીકો પોતાના દુખતા અંગની રાવ કરતો બોલી ઊઠયોઃ “હું મરી ગિયો રે...!”

"ના, ના, ના, મારા વા'લા!” માએ એને છાતીએ ચાંપ્યો: “તું શીદ મરે, બાપ! તારા જેવા તો મારે એકને સાટે એકવીસ હોજો ને!” “એકવીસ !” એટલો જ શબ્દ સંભળાતાં પતિને અવસર જડયોઃ "એકવીસ!!! હજુ પાંચથી નથી ધરાઈ રહી! હજુ એકવીસના કોડ છે તારે? વાહ વાહ! ધન્ય છે આકાંક્ષાને!"

એટલું કહી, ઇચ્છિત મોકો મળતાંની વાર જ કોટ ખભે નાખી, ટોપી પહેરી, બાકીનો રોષ બારણા પર ઠાલવતો પુરુષ એ રાત્રિને પહેલે પહોરે બહાર નીકળી ગયો.

રાંધ્યાં ધાન ચૂલે રહ્યાં.[6]

દસ વર્ષો પછી:

સાચેસાચ એ કારકુનીના ટેબલ પરથી છલાંગો મારતો મારતો સ્વામી નવલસમ્રાટના સિંહાસન પર વિરાજી રહ્યો છે. એની લેખિનીમાંથી ટપકતા પ્રત્યેક શાહીના બિન્દુએ રૂપિયા વરસી રહેલ છેઃ બુલંદ પ્રકાશકો એના મકાનને પગથિયે મોટરો ઠહેરાવે છે એના ઓટોગ્રાફ મેળવવા માટે અનેક સાહિત્યરસિકોનાં ટોળા ભમે છે એના દેહની બહુવિધ તસવીરો એ દેશનાં અખબારોની વચ્ચે સ્પર્ધાનો વિષય બની રહી છેઃ ને એના આ દિગ્વિજયના એક જાજવલ્યમાન દાયકાની પાછળ એક વિભૂતિ પોતાની છાયા છવરાવતી ઊભી છે: તકદીરના શ્યાામ આસમાનને ચીરી ચંદ્રલેખા-શી આવી પડેલી એ મિત્ર તરુણી: પુરૂષની પામરતાના ઢગેઢગ રાફડામાંથી મહત્ત્વાકાંક્ષાનો ભુજંગ જગાડનારી એ માનુષી મોરલી: એણે જ આ કંગાલને કુટુંબસંસારના ભસ્મપુંજમાંથી ફૂંકી અંગાર પ્રગટાવ્યો, પોતાના જ ઘરમાં સંઘરીને એનું આવું ઉચ્ચ ઘડતર કર્યું.

આજ એ જીવનસખી એને પોતાનો કરી લઈ એની બાજુમાં ખડી છે, પોતાના ભુજપાશમાં એને સંઘરી રહી છે. મહત્તાને હીંચોળે એને ફંગોળી રહી છેઃ આજ એ પુરુષને જીવનમાં શી કમીના રહી છે?

ફતેહના દુંદુભિનાદે એના કાન પરથી જીવનના ઝીણા તંતુસ્વરને આગળ કરી દીધા છે. પોતાની હૃદયેશ્વરીનો દોર્યો એ દેશાટને નીકળ્યો છે. સ્થળે સ્થળમાં એને કોઈ સભાગૃહો કે પરિષદો-સંમેલનો શોભાવવાનાં નિમંત્રણો મળે છે. વર્તમાનપત્રો એની મુસાફરીઓનાં બયાનો ને એની ભાતભાતની તસવીરો પ્રગટ કરે છે.

એક દિવસ એક દૂર દૂરના નાના શહેરના હોટેલમાં આ પ્રતાપી યુગલનો મુકામ પડયો. વળતે દિવસે પ્રભાતે એને એક કાગળ મળ્યો. અક્ષરો પરિચિત નીકળ્યા. લખ્યું હતું: 'અમે અહીં છીએ. છોકરાંને મળવા માટે એક વખત આવી શકશો ?'

વાંચતાં જ વાત્સલ્યનો તીણો તંતુસ્વર એના હૃદયમાં સંભળાયો.

ચાલીસ વર્ષની આધેડ માતા એક નાના સાદા મકાનમાં પોતાનું જીવનસ્વર્ગ પાથરીને રહેતી હતી.

આજકાલ કરતાં એણે દસકાનો આયુષ્ય-પંથ પાંચેય બચ્ચાંને કપાવી દિધો છે. સહુથી મોટેરા પુત્રનો ભરડાયેલો કંઠ અને કદાવર દેહ-ઉઠાવ એણે યૌવનમાં પ્રવેશ કર્યો હોવાની યાદ આપી રહ્યો છે. પાડોશીની કન્યા માટે એનું માગું પણ આવી પડયું છે. ભવિષ્યની પુત્રવધૂ ઘરમાં આવ-જા કરે છે, પુત્રીને માટે પણ મન હરતા મુરતિયા આંટા ખાય છે. જોડકા પુત્રો પંદર વર્ષની કિશોર ઉમ્મરે અશ્વિનીકુમારો જેવા દીપે છે. ને કજિયાળો કીકો પણ ઠીક ઠીક કાઠું કાઢી રહ્યો છે.

બેઉ લમણાં અને તાળવાના ભાગ ધોળા બની ગયેલ અને પાંખા પડેલ વાળ માતાને વીતેલાં વીતકોના જીવનલેખ જેવા લાગે છે. એક દિવસ એ માથા પર કમ્મર સમાણી કાળી કેશ-લટો ઝૂલતી હતી. અત્યારે એ પાંખી શ્વેત લટો કિનારા પર પહોંચી રહેલ નૌકાની ધજાઓ-શી શોભે છે. પાંચ બચ્ચાં અને બે ભાવિ સંસારમાં ભળનારાં એમ સાતેયનાં મુખકલ્લોલ નીરખતી મા ધીરું ધીરું મલકાય છે. એ મલકાટની નીચે સંસારની કંઈક મૃતિઓ દટાયેલી પડી છે.

દ્વાર પર ટકોરા પડયા. ઉઘાડતાં જ પિતા આવી ઊભો રહ્યો. માતાએ નિહાળીને જોયો. અકથ્ય કોઈ લાગણીનો આવિર્ભાવ રોકવા માટે એણે આંખો મીંચી દીધી. પિતા તો આ કુટુંબને કોઈ સ્વપ્નની સુષ્ટિ જેવું જોઈ દિગ્મૂઢ બની ગયો. માએ સંયમ જાળવીને આંખો ઉઘાડી. "મિત્ર કયાં છે? કેમ છે?”

“સારી પેઠે છે. મારી જોડે જ છે.”

"ઓહો!” માએ ફરી આંખો બીડી.

પિતાને મા બચ્ચાં પાસે લઈ ગઈ. બોલીઃ “ઓળખો છો, અલ્યા! તમારા બાપુ.”

'બાપુ!' ચકિત બનેલાં છોકરાં દોડીને બાઝી ન પડી શકયાં. માત્ર છેટેથી જોઈ રહ્યાં.

પિતા નજીક આવ્યો. એક પછી એક સહુને મળ્યો. એના મોંમાંથી આપોઆપ ઉદ્દગાર નીકળતા ગયાઃ “તું કોણ? મોટો બચુ? આવડો ઊંચો થઈ ગયો તું ?"

“બાપુજી!” કહેતી પુત્રી સામે આવી

“ઓહો! આ કોણ ?” પિતા આભો બનીને તાકી રહ્યો.

"બબલી.” દૂર ઊભી ઊભી બા ઓળખાવતી હતી.

"બબલી? મારી દીકરી આવડી મોટી થઈ ગઈ?" પિતા જાણે કોઈ જાદુઈ સૃષ્ટિ નિહાળતો હતો.

“અને તમે બન્ને ” બાપ બેલડા પુત્રો કને પહોંચ્યોઃ “તમે તો બીજાં દસ વર્ષે પણ ઓળખાઈ જાઓ. વાહ મારાં બેલડાં : "

બેઉનાં માથાં પર હાથ ફેરવીને પિતાએ માતાની સામે તાકયું. બન્ને આંખો જાણે આ જોડકાંના જન્મ પછીનાં દોહ્યલાં દિવસ-રાત્રિઓનું સ્મરણ કરતી હતી. ત્યાં તો 'બાપુ, મને!' કહેતો કીકો આગળ આવ્યો.

દસ મિનિટના પરિચયે એવી તો વ્હાલસૃષ્ટિ સરજી મૂકી, એવું તો ભર્યું ભર્યું ઘર બનાવી નાખ્યું, બાપ-બચ્ચાંની વચ્ચે એવો મેળ નિપજાવ્યો, કે માતાનાં નેત્રો દૂર ઊભાં ઊભાં હર્ષાશ્રુજળે નહાવા લાગ્યાં. માના મુખમાં શબ્દ નહોતો. એનું હૈયું તો પતિ પાછો ઘેર આવ્યો છે ને બચ્ચાં સાથે જીવ જોડી રહ્યો છે એ જોઈને સુખસમાધિની લહેરમાં લહેરાતું હતું. એને આજ જીવનનો અંત આવી જાય એવી ભાવનાનાં ઘેન ઘેરાતાં હતાં. પાંચેય જણ્યાને હેમખેમ મોટાં કરીને પતિની સન્મુખ ધરવામાં એનો આત્મા નવખંડપૃથ્વીના વિજય જેવડો ગર્વ ધારણ કરી રહ્યો. જ્યાં ઊભી હતી ત્યાંથી હાલવાચાલવાનું મન એને નહોતું થતું.

છોકરાંએ સાંભળ્યું તો હતું જ કે બાપુ દેશના એક મહાન પુરુષ બન્યા છે. આજ એ મહાન પુરુષને પોતાના સગા બાપ તરીકે મળવા આવ્યો નિહાળી છોકરાંએ ઊંડું ઊંડું અભિમાન અનુભવ્યું. દેશભરના સિંહાસનધર વિદ્વાન પોતાનો પિતા છે એ વાત દસકો વીત્યે બાપને ભેટતાં બાળકોને મન જીવનના મહોત્સવ જેવી હતી.

"બાપુજી!” કીકાએ હાથ પકડયો. “અમારા ઓરડામાં તો ચાલો. કંઈક સરસ બતાવું.”

“હા, હા, ચાલો બાપુ!” કહેતી બબલીએ ભાંડુઓને ચેતાવ્યાં: “હમણાં બાપુજીને કોઈ કહેશો નહીં, હોં! આપણે શું બતાવવાનાં છીએ એ કોઈ ન બોલશો.”

પાંચેય છોકરાં પિતાને બીજા ખંડમાં ઘસડી ગયાં. કીકાએ કબાટમાંથી એક જાડી પહોળી ચિત્રપોથી કાઢી.

“બાપુ, હમણાં આંખો મીંચી જજો, હાં કે?”

બાપે આંખો બીડી, છોકરાંએ પોથી ખુલ્લી કરી. “હવે જુઓ.”

બાપે જોયું. પાને પાને બાપની તસવીરોઃ તસવીરોની નીચે પિતાના માન-સમારંભોના છાપામાં છપાયેલા અહેવાલોની કાપલીઓ ચોડેલી: દસ વર્ષોના પોતાના દિગ્વિજયનો ઇતિહાસઃ છોકરાંએ પિતાનો પરિચય આ રીતે જીવતો રાખ્યો હતો.

"બાપુજી!” કીકાએ હસીહસીને કહ્યું: “બા તો આ આલ્બમ જોઈ જોઈ રડયા જ કરતી.”

પાછાં બધાં બહાર આવ્યાં.

સમજણાં બાળકો ધીમે ધીમે ઘર બહાર ગયાં. વર વહુ બે જ ઘરમાં ઊભાં રહ્યાં. પત્ની પોતાના તમામ ભાવોને શમાવીને સ્થિર રહી. પણ પતિ પૂરેપૂરો પાસે ન આવ્યો. થોડે અંતરે ઊભાં ઊભાં એણે વિસ્મય બતાવી પૂછ્યું: “મેં તો તારો પત્તો મેળવવા બહુ બહુ પ્રયત્નો કર્યા પણ કોઈ તારી ભાળ મેળવી શક્યું નહીં. આપણે જૂને સરનામે હું તને મનીઓર્ડરો મોકલવા લાગ્યો, કે જેથી તારું સાચું સરનામું જડે, પણ મનીઑર્ડરો બધાં જ પાછાં વળ્યાં.”

પત્નીએ કશો જ ઉત્તર આપ્યા વગર પતિની સામે સહાસ્ય જોયા કર્યું.

"તેં શી રીતે આટલાં બધાંનું ગુજરાન કર્યું?”

એનો પણ ઉત્તર પત્ની તરફથી ન મળ્યો. બરાબર એ જ ક્ષણે એક સ્ત્રીએ ત્યાં આવીને પત્નીને પૂછ્યું: “મારા માપનું બદન તૈયાર હશે, બહેન ?”

સ્વામી સમજી ગયો; સ્ત્રીએ પરાયાં કપડાં સીવીસીવીને પેટ ભર્યા હતાં. દસ વર્ષો સુધી એણે રાત-દિવસ દરજીકામ કર્યું હતું. આંખોનાં હીર અને આંગળીઓના આ ટુકડા એણે વેચ્યાં હતાં. ઊંડા ગયેલ ગાલ અને બેસી ગયેલ લમણાં ઉપર એ કથા અંકિત હતી.

થોડી વાર બેઉ એની એ સ્થિતિમાં ઠરી રહ્યાં. ઘરમાં કોઈ નહોતું, પત્નીને આશા હતી કે નજીક આવી વહાલ દેખાડશે. ત્યાં તો પુરુષે રજા માગીઃ “હું હવે જઈશ.”

“ભલે.”

“કાલે પાછો છોકરાંને મળવા આવીશ.”

“સારું.”

મોટરને ચાલુ કરતા પિતા પ્રત્યે એક પછી એક પાંચ બાળકોએ રસ્તા પર હારબંધ ઊભા રહીને 'બાપુ, આવજો !' 'બાપુ, આવજો !' એવું બોલી નમન કર્યાં.

પાંચેય જણાંને ચકિત કરતો મહાપુરુષ ચાલ્યો ગયો.

ઘરની બારીમાં ઊભેલી માતા મોટરના ધુમાડા દેખાયા ત્યાં સુધી ખસી નહીં.

પછી એણે ધીમે ધીમે બારી પર પરદો સરકાવ્યો. બાળકોને ઘરમાં ‘બાપુ’ સિવાય બીજો કોઈ વાતચીતનો વિષય ન રહ્યો.

બીજે દિવસ પિતા પાછો મોટર લઈને આવ્યો. બાળકોને પૂછ્યું: “ફરવા ચાલશો?"

છલાંગો મારીમારીને પાંચેય છોકરાં બાપની મોટરમાં ચડી બેઠાં. રાત્રિએ પાછાં આવ્યાં ત્યારે મા રાંધણું કરીને બેઠી હતી. પતિનો રઝળુ -આત્મા ધીરે ધીરે સંતાનોની વહાલ-બેડીમાં બંધાઈ રહ્યો છે. એમાં એનો ઊંડો ઉલ્લાસ હતો. એક દિવસ ફરીને પાછો એ કુટુંબમાં બેસશે એ એનું સ્વપ્ન હતું. રખે સ્વપ્ન ભાંગી જાય, એ બીકે એનાં નેત્ર અર્ધમીંચેલાં જ રહેતાં. કોઈ ન દેખી જાય તેટલા ઊંડાણમાં આ સુખ પોતે સંઘરતી બેઠી હતી.

“બા ! ઓ બા !” છોકરાંએ ઘેર આવીને ઘરને ચકડોળે ચડાવ્યું: “બહુ મજા આવી. મોટરમાં બહુ મજા આવી. બાપુની જોડે પેલાં પણ હતાં; બાપુ તો એને ‘રાણી' કહી બોલાવે છે. બાપુએ તો અમારા પર કેટલું બધું વહાલ કર્યું ! અમને મો....ટા મોટા બનવાની વાતો કીધી.”

બા સાંભળી જ રહી. એના સુખસ્વપ્ન પર કોઈ વાદળીની છાંયડી પડી.

કીકાએ કહ્યું: “ને બા, બાપુ અમને અહીંથી નગરમાં લઈ જવા જ આવેલ છે. અમને ત્યાં મો...ટી મોટી નિશાળમાં ભણાવવાના છે.”

“ઓ...હો” બાની દ્રષ્ટિ હવે કશુંક સ્પષ્ટ જોવા માટે સ્થિર બની.

"હા, બા. સાચું,” બેલડા પુત્રોએ સાખ પૂરી: “ત્યાં અમને નિશાળે લેવા-મૂકવા મોટર જ આવવાની. ત્યાં અમારે આ કપડાં પહેરવાનાં નથી. નગરમાં જઈને એકદમ બાપુ નવાં કપડાં કરાવી આપવાના.”

કીકો બોલ્યો: "મને તો બાપુની 'રાણી' તારા કરતાંય વધુ વહાલી લાગે છે. તું તો અમને થીગડાંવાળાં કપડાં પેરાવે છે ને!”

"હો-હો-હો, બેટા કીકા ! તુંયે આમ બોલીશ!” કહેતી, હૃદયની આંકડી જેવું હાસ્ય કરતી એ કીકાને છાતીએ વળગાડી રહી. પણ કિકો બાના એ કઠોર બનેલા આલિંગનમાંથી છૂટવા મથતો હતો. મોટા પુત્રને બાએ પૂછ્યું: “આ છોકરા સાચી વાત કરે છે?"

“હા જ તો, બા !" મોટાએ ખાતરી આપી: “કાલે સવારમાં જ બાપુ અમને તેડવા આવશે. એણે અમને તૈયાર થઈ રહેવા કહ્યું છે.”

આખી રાત હર્ષઘેલાં છોકરાં ઊંધ્યાં નહીં પોતપોતાની નાની નાની એકએક ટ્રંક ભરવા લાગ્યા. તેઓના વાર્તાલાપમાં, બાપુ અને 'રાણી' શબ્દ પ્રત્યેકને કઠે વારંવાર ગહેકતો હતો.

માતાય જાગતી પડી રહીઃ પણ કારણ જુદું હતું.

વહેલી સવારે સહુની સંગાથે માએ જ્યારે નાના કીકાને પણ 'મારાં બૂટ, મોજાં, આ રમકડાં સાથે લેવાં છે', એવી વિદાયની તૈયારી કરતો દીઠો, ને જ્યારે માને ચોખ્ખી પ્રતીતિ થઈ કે આ તો સ્વપ્ન નથી, કઠોર સત્ય છે, ત્યારે એણે કીકાને જુદો તારવીને કહ્યું: “કીકા, બેટા, બીજાં છો જતાં. તું અહીં મારી પાસે જ રહેજે, હો!”

સાંભળતાં જ કીકાએ બરાડા માંડ્યા. હાથપગ પછાડી ઊઠ્યો. છાતીફટ રડવા લાગ્યોઃ “નહીં, મારે જવું જ છે, જવું જ છે, જવું જ છે.”

“પણ બેટા, મારા દા'ડા શે ખૂટે?” મા કરગરી.

“ન ખૂટે તો હું શું કરું એમાં?" કીકાએ ડૂસકાં ભરતાં જવાબ દીધો.

“હા, હા, કીકા !” બીજાં ચારેય કહેવા લાગ્યાં: “તારે તો બાની કને રહેવું જ જોઈએ ને? બાના દા'ડા શું ખૂટે ?”

"હં... એમ કરીને તમારે જતાં રહેવું છે; બાના દાડા ન ખૂટે તો અમે શું કરીએ?” કીકાના રુદને જોર પકડ્યું.

ત્યાં તો મોટરનું ભૂંગળું ગાજ્યું. પિતાએ પ્રવેશ કર્યો.

"બાપુ આવ્યા ! બાપુ આવ્યા !” કહેતાં બાળકો અને બાઝી પડ્યાં. "કેટલા વખતથી અમે બારીમાં વાટ જોઈ રહ્યાં હતાં, બાપુ ! તમારું ઘડિયાળ બહુ જ પાછળ હશે.”

"ના બચ્ચાં ! બરાબર વખતે હું આવ્યો છું. તમે તૈયાર છો?"

"હા, અમે સૌ તૈયાર છીએ, ફક્ત કીકો રડે છે.”

“કેમ?" "બા કહે છે કે એના દા'ડા શે ખૂટે માટે કીકો એક અહીં રહે.”

“ના, ના.” બાએ હસીને જવાબ દીધો: “હું ક્યાં એવું કહું છું! કીકો પણ ભલે સહુ જોડે આવે.”

કીકાએ પથારી ખૂંદવાનું છોડીને ઘેલા હર્ષે ભરી દોટાદોટ કરી મૂકી.

"ત્યારે હવે ?” પિતાએ મોઘમ પ્રશ્ન કર્યો.

“આમ જરા આવશો?” કહી મા પિતાને એક બાજુ પર લીધા. બોલી: “આખરે આમને સહુને ય ઉપાડી જશો? મારી કને કશું જ નહીં રહેવા દો શું?”

માના શબ્દો સાંભળી ગયેલાં છોકરાં ધસી આવ્યાં. બાપની બાજુએ જાણે સૈન્યના લડવૈયા હોય તેમ ઊભાં રહ્યાં. બાને કહેવા લાગ્યાં: “આમ શું કરે છે તું, બા ! અમારી આડે શીદ આવે છે ! અમને ભણવા કરવાનું ને આગળ વધવાનું મળે છે તે તારાથી કેમ નથી જોવાતું? તું આવી અદેખી કેમ થાય છે?"

"હં-હં!” માતાએ છોકરાંની દલીલ ગળે ઉતારી નાખી. “તેમના ઉત્કર્ષની વચ્ચે હું જનેતા આડખીલી બનું છું. ત્યારે તો કંઈ નહીં !”

માએ કહ્યું: “છોકરાંઓ, છેલ્લી વારનો ચા-નાસ્તો કરી લો.” માએ પ્યાલા, ચાહની કીટલી, ઢેબરાં, પેંડા, મોસંબી વગેરે સવારની નાસ્તા-સામ્રગી તૈયાર પીરસી રાખેલી. ટેબલ છલોછલ ભરેલું.

છોકરાં એક પછી બોલ્યાં: ‘મને તો ભૂખ જરીકે નથી લાગી.' 'મને ય નહીં.' 'મને પણ ઇચ્છા નથી.'

સહુને નિર્વિઘ્ને નીકળી જવાની તલપાપડ ઇચ્છા હતી.

બાળકના શબ્દો માના કલેજા પર કંકણાના પ્રહાર સમ પડી કોઈ નવીન નકશી કંડારતા હતા.

“ઠીક ત્યારે, રજા લઈ લો.”

એક પછી એક બાળકને માએ હસી હસી મળી લીધું. જાણે બધાં સાંજ સુધીની જ સેલગાહે જાય છે.

કીકાને વિદાયની બચ્ચી ભરતી ભરતી એ જોરથી હસી. વિદાયવિધિને બની શકે તેટલી ટૂંકી કરાવીને છોકરા પોતપોતાની પેટીઓ લઈ બહાર મોટરમાં ચડી બેઠાં, ગોઠવાઈ ગયાં. પરસ્પર વાતો કરવા લાગ્યાં: “બાપુ તે હવે કેટલીક વાર ઊભા રે'શો બા કને? કેટલું મોડું થઈ ગયું!”

ખાલી ઘરમાં બન્ને જણાં સામસામી મીટ માંડી ઊભાં રહ્યાં. પત્નીના હોઠ મલકી રહ્યા છે.

"અદ્ભુત ! અદ્ભુત ! અદૂભુત !" એ ત્રણેય શબ્દોમાં પોતાનો પરાજય ઉચ્ચારી પુરુષે ઘર બહાર પગલાં માંડ્યાં. નીકળી ગયો. રવાના થતી મોટરને નીરખવા આજે પત્નીએ બારીનો ચક ચડાવ્યો નહીં.

નિઃસ્તબ્ધ ઘરમાં એ એકાકિની ઊભી હતી. અવાજ આવ્યોઃ “મીં...યા...ઉં!”

ઘરની પાળેલી મીની સામે આવીને ઊભી હતી. પૂંછડી પટપટાવી આમતેમ દોડાદોડ કરીને પછી અવાજ કાઢતી મીની જાણે કરગરતી હતી.

શું કરગરે છે? માને સમજાયું. 'ઓહો, તારે પણ જવું છે ને? સુખેથી જા. બહેન, તુંયે સુખેથી જા.'

માએ બારી ઉઘાડી. મીની સડેડાટ બહાર સરકી ગઈ.

સૂનકાર પરિપૂર્ણ બન્યો.

એ નીરવતામાં એકાકાર બની જતી મા ઊભી રહી. જીવનનો સરવાળો નીકળી ચૂક્યો છે. હિસાબની પતાવટ થઈ ગઈ છે.

માએ બાજુમાં જોયું. સાત પ્યાલા, સાત રકાબી, દૂધનું વાસણ, મેવો અને ઢેબરાં, નીરવતામાં વૃદ્ધિ કરતાં પડ્યાં છે. પૂછે છે જાણેઃ તું કોની રાહ જુએ છે, મા?

કોની રાહ?

કોઈની નહીં. કોઈની નહીંઃ મીનીની યે નહીં.

મેજ ઉપર એ બેઠી, આજ પહેલી જ વાર એણે લાગણીઓ પરનો કાબૂ ખોયો. હવા સાથે મૂઠી અફળાવતી બોલી: “અદ્દભુત ! અદ્ભુત ! અદ્ભુત !” પછી એણે ઢેબરું ઉપાડયું. ઢેબરાને ચોવડું વાળીને ખાવા લાગી. જાણે એ હમણાં પોતાની આંગળીઓ ચાવી જશે ! દાઝ કાઢતી કાઢતી એ જાણે ખાય છે.

પોતાને સારુ એ ચા બનાવતી હતી: ચીનાઈ માટીનાં એ પ્યાલા- રકાબી, સાકર-પાત્ર, દૂધ-પાત્ર, કીટલી અને ચમચા, ઓરડાની ભયાનક નીરવતાને ઠણીંગ, ઠણીંગ, ઠણીંગ અવાજે ભેદતાં હતાં ! કે વધુ ભયાનક કરતાં હતાં ?

મા, પાંચ બચ્ચાંની મા, પાંચ જીવતાં બાળકોની જન્મદાત્રી જીવતર ધરીને પહેલી જ વાર એકલી નાસ્તો ખાતી હતી. પ્રભાત ઊઘડતું હતું.

એકલતા દીઠી છે જગતમાં? 

9
લેખ
પ્રતિમાઓ
0.0
જગતના કેટલાય કલાકારોની કલા પોતાના મર્મવાહક (“ઇન્ટરપ્રીટર') વિના નિષ્ફળ ઊભી છે; પોતાની પિછાન કરાવનારા આશકોની એને રાહ છે. ચિત્રપટના ડિરેક્ટરોએ પોતાની વિશિષ્ટ વાણીમાં નવી એક દુનિયાનું નિર્માણ કર્યું છે. તેઓને હું સર્જકો કહું છું. તેઓની સર્જેલી આ નવ પ્રતિમાઓના ખરા મર્મને જો હું પારખી શક્યો હોઉં એમ તમને ભાસે, તો હું આમાં નવસર્જનનો જ આનંદ પામીશ. મારું કેટલું છે ને કેટલું પારકું છે એ અલગ પાડીને બતાવવું સહેલ નથી, આવશ્યક નથી, તેમ ઈષ્ટ પણ નથી. એમાં મારો પ્રાણ નિચોવાયો છે, એટલું શું મારે માટે ઓછું છે? આ વાર્તાઓના સર્જન સાથે એક નવું નામ જોડાયેલું છે કે જેને સાહિત્ય, કલા અથવા ચિત્રપટની દુનિયામાં ભાગ્યે જ કોઈ સ્થાન આપે. (વસ્તૃત: ઘણુંખરું, મારો જીવનસંબંધ આવી કોઈ 'દ્વારકાની છાપ’ વગરના જ સ્નેહીઓમાં સંઘરાયો છે.) આ યુવાન વ્યાપારી સુહૃદે મારા જીવનની એક વિકટ રાત્રીને પહોરે એક દીવો ચેતાવ્યો: ચિત્રપટોના દર્શનમાં એણે મને ઊંડો રસ લેતો કર્યો. એક વિવેચકને છાજતી રીતે મને એણે પરદા પર ભજવાતી કથાઓના મર્મ પારખવામાં સહાય દીધી; અને છેવટે, મારાં થીજી ગયેલ આંગળાંને જીવતા મૃત્યુમાંથી ઉગારી લેવા માટે 'કંઈક લખ! હવે કંઈક લખ!” એવું ધીરૂં ધીરું પંપાળીને આ વાર્તાઓના લેખનમાં મને પ્રવૃત્ત કર્યો. લખાઈ તૈયાર થતી વાર્તાઓને તપાસી તપાસી, જ્યાં જ્યાં અમારી બેઉની સમજમાં ફેર પડતો હતો ત્યાં ત્યાં નવસંસ્કરણ કરાવ્યું. એ નામનો ઉલ્લેખ અહીં કરું છું તે એની નિપુણતાને પ્રસિદ્ધ કરવા માટે નહીં, પણ સ્નેહના ચિરસ્મરણને સારુ. એનું નામ શ્રી નાથાલાલ દોશી છે. મુંબઈમાં એ મોટર-સ્ટોર્સની પેઢી ચલાવે છે. સૌરાષ્ટ્ર સાહિત્યમંદિરના પ્રકાશન માટે તૈયાર થયેલી આ ચોપડીને ‘ફૂલછાબ'ના સંચાલકોએ પોતાનું ભેટપુસ્તક બનાવવા માગ્યું તે તેઓનું સૌજન્ય ગણું છું.
1

જનેતાનું પાપ

29 June 2023
0
0
0

જનેતાનું પાપ 'સાચેસાચ તું મને હમેશાં ચાહીશ ?' 'સાત જન્મો સુધી.' સ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્નઃ અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજરજવાબઃ ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબનઃ એવી ઇંદ્રજાળ વડે જગતભર

2

આખરે

29 June 2023
0
0
0

આખરે મોટા શહેરની આ એક આલેશાન ઑફિસ હતી. સો-બસો મહેતાઓની કલમો ચીંચીંકાર કરતી કાગળો પર આંકડા-અક્ષરો પાડતી હતી. ટાઈપરાઈટરો પર ચાલીસ-પચાસ પંજા પછડાતા હતા. ટેલિફોનની ઘંટડીઓને જંપ નહોતો. બસો મનુષ્યોનું બાઘા

3

પુત્રનો ખૂની

29 June 2023
0
0
0

પુત્રનો ખૂની દેવાલયોના મિનારા ઉપર મંગલ ઘંટારવ થાય છે. ભાગોળે તોપો વછૂટે છે. લોકો નૃત્યગીતમાં તલ્લીન છે. મહાયુદ્ધના વિરામની આજે બીજી વર્ષગાંઠ ઊજવાય છે. નગરના દેવળમાં લશ્કરી અફસરો, સૈનિકો અને સ્વયંસેવ

4

પાછલી ગલી

29 June 2023
0
0
0

પાછલી ગલી મનુષ્યના જીવનમાં પણ પાછલી ગલી હોય છે. એ ગલી અંધારી, સાંકડી અને અદીઠ છે. પાછલી ગલીને ગુપ્ત માર્ગે અનેક તત્ત્વો જીવનમાં આવજા કરે છે. માનવીનું સાચું જીવન એ પાછલી ગલીમાંથી જ, પાછલી બારી દ્વારા

5

આત્માનો અસુર

29 June 2023
0
0
0

આત્માનો અસુર રોમે રોમે ઉલ્લાસ રેડે એવું તેજોમય પ્રભાત હતું. અને ત્રીસ-બત્રીસ વર્ષના એક જુવાનની આંગળીઓ વાજિંત્રના પાસા ઉપર રમતી હતી. સામે સ્વરલિપિની ઉઘાડી પોથીમાંથી કોઈક પ્યારનું ગાન ઉકેલતી એની આંખો પ

6

એ આવશે !

29 June 2023
0
0
0

એ આવશે ! જળદેવીના લહેરિયા સાળુ ઉપર આથમતો સૂર્ય જ્યારે ચંપકરંગી ટીબકીઓ ભરતો ભરતો નીચે ઊતરતો હતો, ત્યારે એક નૌકા એ પાણી ઉપર પહોળો પટ્ટો પાડતી ઝૂલણગતિએ ચાલી આવતી હતી. એને દેખીને બંદરનું બારું જાણે જીવતુ

7

હાસ્યઃ પહેલું અને છેલ્લુંબેઉ જણાં હસી પડ્યાં

29 June 2023
0
0
0

હાસ્યઃ પહેલું અને છેલ્લુંબેઉ જણાં હસી પડ્યાં . આગલી સાંજે જ પરણીને બેઉ આનંદ કરવા નીકળ્યાં હતાં. ધમધમાટ વેગે વહી જતી મોટર-બસને ઉપલે માળે બેઉ બેઠાં હતાં. કેશની લટો અને કપડાંના છેડા પવનની લહેરોમાં ફરકતા

8

જીવન-પ્રદીપ

29 June 2023
0
0
0

જીવન-પ્રદીપ ભૈરવીના આલાપ શરૂ કરતી ગાયિકાના ગળામાં જેમ એકાદ માખી પેસી જાય, પૂર્ણિમાના રાસ ચગાવવા શણગાર સજતી સુંદરીઓના ઉલ્લાસને વરસાદની ઓચિંતી ઝડી ધૂળ મેળવી નાખે, અથવા તો, રસિયાં જનોની ભાષામાંથી ઉપમા શ

9

મવાલી

29 June 2023
0
0
0

મવાલી આગગાડીનો વેગ ધીમો પડ્યો. સેંટ્રલ જેલની અજગર સરખી લાંબી કાળી દીવાલ દેખાવા લાગી. એક ડબામાં ગુલતાન કરતો એક જુવાન હતો. એનો હાથ જો એક પોલીસના હાથ જોડે હાથકડીમાં ન બંધાયેલો હોત તો કોઈ એને કેદી ન માની

---

એક પુસ્તક વાંચો