પુત્રનો ખૂની
દેવાલયોના મિનારા ઉપર મંગલ ઘંટારવ થાય છે. ભાગોળે તોપો વછૂટે છે. લોકો નૃત્યગીતમાં તલ્લીન છે. મહાયુદ્ધના વિરામની આજે બીજી વર્ષગાંઠ ઊજવાય છે.
નગરના દેવળમાં લશ્કરી અફસરો, સૈનિકો અને સ્વયંસેવકોનો એક જબ્બર સમુદાય પ્રાર્થના કરવા એકત્ર થયો છે. એ હતું પ્રભુમંદિરઃ કાર્યક્રમ હતો જગત-શાંતિની બંદગી કરવાનો પણ એ નગર હતું. મહાયુદ્ધના વિજેતાઓનું. સમુદાયનો એકેએક આદમી પગથી મસ્તક સુધી યુદ્ધના પોશાકમાં જ સજિજત બની બેઠો હતો. લોખંડી ટોપથી ચમકતાં માથાં: છાતી પર ખણખણતી કડીઓ ને ચકચકિત પટ્ટાઃ કમર પર રિવૉલ્વરો અને સમશેરોઃ પગના બૂટ ઉપર લોઢાની એડીઓઃ એ મેદનીને હરકોઈ ખૂણેથી જુઓ, હથિયાર અને લશ્કરી દમામનું જ એ પ્રદર્શન હતું. પ્રાર્થના અને હથિયાર બેઉ એક સાથે ત્યાં ગોઠવાયાં હતાં. અને સામસામી મશ્કરી કરતાં હતાં. પ્રાર્થના સાચી કે મારવાની શક્તિ સાચી, એ બે વાતની ત્યાં મૂક સ્પર્ધા ચાલતી હતી.
ટૂંકી એક બંદગી પતાવીને પ્રાર્થના વિસર્જન થઈ. અને જ્યારે એ બુલંદ પ્રાર્થનામંદિર એક છેડાથી બીજા છેડા સુધી નિઃસ્તબ્ધ જનશૂન્ય બની ગયું, ત્યારે એ બાંકડાની સેંકડો હારો માહેલી એક હારમાં, એક ઠેકાણે, એક ચોરની માફક લપાઈ રહેલો માનવી બેઠકની નીચેથી બીતો બીતો ઊંચો થયો.
એના શરીર પર સાદાં કપડાં હતાં. તેનું પણ ઠેકાણું નહોતું. એના મોં ઉપર કોઈ ઉત્સવનો ઉલ્લાસ નહોતો. વેદનાનું ચિતરામણ હતું. વિરાટ દેહની અંદરથી ઊઠતા ઝીણા આત્માના અવાજ જેવો દેખાતો એ વીસ- બાવીસ વર્ષનો પીડાતો જુવાન એ ખાલી મંદિરમાં હળવે પગે ચાલીને ગર્ભાગાર સુધી પહોંચ્યો અને એને ધર્મગુરુએ અવાજ દીધો.
“તું કોણ છે, ભાઈ?" એ ભય પમાડે તેવી એકાન્તમાં આ મવાલી જેવા જુવાનને જોઈ ધર્મગુરુએ વિહ્વળ સ્વરે પૂછ્યું.
“હું – હું ખૂની છું. મેં મારા સગા હાથે હત્યા કરી છે. બહુ ભયાનક હત્યા કરી છે. બહુ ભયાનક હત્યા કરી છે, ગુરુદેવ ! હું એ પાપનો એકરાર કરવા અને એનું પ્રાયશ્ચિત લેવા અહીં આવ્યો છું. મેં હત્યા કરી છે." યુવક આંત:તાપમાં તરફડતો હતો.
"હત્યા! કોની હત્યા ? ક્યાં ?” ધર્મગુરુએ પૂછ્યું.
“બે વર્ષ ઉપર. મહાયુદ્ધની રણભૂમિમાં. એક મારા જ જેવડા જુવાનને મેં મારી બંદૂકથી ઠાર માર્યો છે. એણે મારું કંઈ જ નહોતું બગાડયું."
"ભાઈ, હું તારા આ પ્રલાપમાં કશું જ સ્પષ્ટ સમજી શકતો નથી.” ધર્મગુરુનું વિસ્મય વધતું જતું હતું, અને વધુ વધુ વ્યગ્ર બનતો જતો એ જુવાન પોતાની સગી આંખો સામે એક અતિ કરુણ શબ્દચિત્ર આંકતો આંકતો વલોવાયે જતો હતો.
"ગુરુદેવ ! હું યે આપણા વિદ્યાલયમાંથી અભ્યાસ છોડી, સ્વદેશની રક્ષાનો સાદ પડતાં સૈન્યમાં ભરતી થઈને લડવા ગયો હતો. એ એક દિવસ અમારી ટુકડીએ ઓચિંતો આપણા શત્રુદળની ખાઈઓ ઉપર છાપો માર્યો. હુકમ સાંભળતાં મેં પણ મારી બંદુક છોડી અને મારી ગોળીથી વીંધાઈને એક આદમી ઠાર થયો છે એ દેખી હું પણ હર્ષોન્માદમાં રણકિકિયારી કરતો ધસી ગયો. જતાં મેં ત્યાં શું જોયું ? છેલ્લાં ડચકાં ભરતો એક જર્મન જુવાન: મારા જેવડી જ ઉંમર હતી એની: એની બંદુક આઘે પડી હતી. એની કને એક પણ હથિયાર નહોતું. એની સન્મુખ બે જ ચીજો પડી હતીઃ જર્મનીના જગત-વંદ્ય સંગીતકાર બીથોવનનાં સંદર ગીતોની સ્વરલિપિનું પુસ્તક: એ પુસ્તકમાંના એક પ્રેમગીતવાળા પાના ઉપર એક અધૂરો લખાયેલો પ્રેમપત્ર: અને એક શાહીભરી કલમ. “કાગળ એ પોતાની વિવાહિત કન્યા ઉપર લખી રહ્યો હશે. કાગળમાં યુદ્ધની કારમી હિંસા અને કરુણતા ઉપર ઉદ્ગારો ટપક્યા હતા. લખ્યું હતું કે આ ફ્રેન્ચ જુવાનોને અમે શા સારુ સંહારી રહ્યા છીએ તેની મને ગમ નથી પડતી. એના શ્વાસ ખૂટતા હતા. એની આંખો મારી સામે ગરીબડી દષ્ટિ નોંધીને તાકી રહી. મેં એના હાથમાં કલમ પકડાવી. એ કાગળને છેડે સહી કરવા માટે હાથ મુકાવ્યો. એણે પોતાના નામના અક્ષરો પાડવા માંડયાઃ Walte – આમ પાંચમે અક્ષરે આવતાં તો એનો દેહ ઢગલો થઈ ગયો ને પછી છેલ્લો અક્ષર r મારે હાથે ઉમેરીને મેં એનું 'વૉલ્ટર' એવું નામ પૂરું કર્યું. ને એ કાગળ એના ગામની ટપાલમાં નાખ્યો. આજ બે વર્ષે પણ એ હત્યાની છબી મારા મન પરથી જતી નથી. બહુ દારુણ કૃત્ય મેં કર્યું છે, ગુરુદેવ ! હું એના અનુતાપમાંથી ઊગરવા આજે અહીં આ વધસ્થંભ પર ચડેલી ઈસુની મૂર્તિ સામે આવી ઊભો છું. મને મુક્તિનો માર્ગ બતાવો.”
રાજની જિવાઈ ઉપર જીવતા એ રાજમંદિરના પુરોહિત પાસે આ વાતને સમજવાની બુદ્ધિ નહોતી. દેવળ દેવળે તે દિવસોમાં પોતાના દેશપક્ષનો જ વિજય પ્રાર્થવાામાં આવતો, બંદગીઓમાં હમેશાં સામા દળનો નાશ જ ઈચ્છાતો. ઈશ્વરને પોતાના જ દળના દારૂગોળા અખૂટ રાખવાનું વિનવવામાં આવતું. એવા રાષ્ટ્રધર્મમાં રંગાયેલા ધર્મગુરુએ એને સાંત્વન દીધું કે “એમાં શું, બેટા ? તે તો તારો ધર્મ બજાવ્યો છે.”
"ધર્મ મારો ધર્મ !” યુવાન ચીસ પાડી ઊઠયો. ધર્મગુરુ સામે તાકી રહ્યો: "માણસ માણસની હત્યા કરે એ અમારો ધર્મ ! આ ઈશ્વરના ધામની અંદર શું હું આ ઉત્તરની આશા કરીને આવ્યો હતો!” એની હૃદય-યાતનાએ એનો સાદ ફાડી નાખ્યો.[2]
“હાં, જો બચ્ચા ! તને આ ફક્કડ દવા આપું છું. તને જલદી આરામ આવી જશે. પણ જોજે હો, મોટો થાય ત્યારે કોઈ ફ્રેંચ બચ્ચાને દીઠ્યે મેલીશ શા મા, હો ! જેટલા બને તેટલા ફ્રેંચોને ઠાર કરજે, હો કે બેટા ?”
“હોવે હોવે, દાક્તર દાદા ! ફ્રેંચ બચ્ચાનું તો હું ખૂન પી જઉં.” “વાહ, શાબાશ ! શાબાશ ! સલામ !"
"સલામ, દાક્તર દાદા !”
પ્રભાતને એક સુંદર પહોરે જર્મનીના એક નાના-શા શહેરના એક ખાનગી દવાખાનામાં એક બુઢા દાક્તરની અને બાળક દર્દીઓની વચ્ચે આ પ્રમાણે વાતો થઈ ગઈ. હાજર હતાં તે તમામ દર્દીઓ હસતાં હસતાં આ દાક્તરનો તોર અને બાળકના શૂરભર્યા શબ્દો ઉપર ફિદા થઈ રહ્યાં હતાં. બાળકના આવા કટ્ટર પ્રત્યુત્તર પ્રસન્ન બનીને દાક્તર બેવડી તાકાત અનુભવતા હતા, એની કલમ નવાં દર્દીઓનાં નામો ટપકાવતી હતી. શહેરના એ પૂજનીય પુરુષ હતા. ફ્રેંચ તરફની એમની આ ધિક્કારવૃત્તિએ એમને પ્રજાની નજરમાં વધુ માનનીય બનાવ્યા હતા.
મા એક દયાવંત વૃદ્ધ દાક્તરના મેજ સામે પડેલું આ વાતાવરણ, ફ્રેંચો અને જર્મનો વચ્ચેની દુશ્મનાવટ કેટલી કટ્ટર બની હતી તે બતાવવા માટે બસ થઈ પડતું હતું.
થોડી વારે ફૂલોના ધીંગા ધીંગા હારતોરા લઈને દાક્તરના ઘરમાંથી એક જુવાન કન્યા બહાર નીકળી. “દાદા! કબ્રસ્તાને જાઉં છું.” કહીને એણે દાક્તરની સામે મોં મલકાવ્યું. “હા બચ્ચા, જઈ આવ. આજે એની ત્રીજી સંવત્સરી, ખરું કે ?" જવાબ દેતાં એની આંખો ભીની થઈ.
સ્વસ્તિક આકારની ખાંભીઓનું એક વિશાળ વન જાણે કે ગામની સ્મશાનભૂમિમાં પથરાઈ ગયું હતું. મૃત્યુએ મનુષ્યનાં શબો વાવીને પોતાની ફૂલવાડી ઉગાડી હતી. મહાયુધ્ધે ભોગ લીધેલા હજારો યુવાનો અહીં સૂતા હતા. કોણ કોનો બેટો ને કોનો પતિ ક્યાં સૂતો છે તેની નામનોંધ આ તમામ ખાંભીઓ ઉપર કોતરાયેલી હતી. એ બહોળા કબ્રસ્તાનની એક દિશામાંથી હૈયાફાટ છતાં રૂંધાયેલા રુદનના સ્વરો સંભળાતા હતા. નખશિખ શ્યામ પોશાકે ઊભેલી એક પચાસ વર્ષની બુઢ્ઢી માં એના દીકરાની ખાંભી ઉપર ફૂલહાર મૂકીને રોતી હતી.
એક ડોશી, બીજી ડોશી, બેઉ કાળા પોશાકમાં. રડે તો છે બન્ને પણ એકબીજાને દિલાસો ય દેતી જાય છે. બેઉ સમદુઃખી કાળા ઓળાયા સંસારની વાતોએ ચડીને કબ્રસ્તાન સોંસરવા ચાલ્યા જાય છે.
બીજા એક ખૂણામાં એક ખાંભી ઉપર હાર પધરાવીને એક યુવાન આંખો મીંચી, હાથ જોડી, અદબથી ઊભો હતો. એની આંખો વહેતી હતી. થોડે દૂર ઠ..ક ક! ઠ.. ક ક ! કોદાળીના ઘા પડતા હતા. ઘોરખોદિયો એક નવી કબર ખોદી રહ્યો હતો. એની ટાંપ આ ધ્યાનસ્થ ઊભેલા યુવક તરફ જ હતી. વારંવાર ઘોરખોદુની કોદાળી થંભતી ને એની આંખો કોઈ ભયસૂચક આશ્ચર્યથી ભરાઈને તાકી રહેતી. ગામમાં આવેલો એ નવો મુસાફર કોણ હતો?
દાક્તરને ઘેરથી નીકળેલી એ યુવાન કુમારિકા પણ ખાંભીઓના આ વનને વીંધતી વધતી આખરે એ જ આરામગાહ ઉપર આવીને થંભી ગઈ. પણ જ્યાં ફૂલહાર ધરવા જાય છે ત્યાં તો એણે અજબ દ્રશ્ય દેખ્યું. પોતાના સ્વજનની ખાંભી ઉપર એક અજાણ્યા પરદેશીને – ચહેરામહોરા પરથી પરખાતા એક ફ્રાન્સવાસીને – ભાળી આ યુવતી આશ્ચર્ય પામી. એને આવેલી દેખતાં જ યુવાન પ્રાર્થના કરવી છોડી દઈ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યો.
કુમારી જ્યારે ફૂલો ચડાવીને પાછી ફરતી હતી ત્યારે ઘોરખોદુએ એને સાદ પાડ્યો. છાની વાત કહેતો હોય તેવે અવાજે એણે કહ્યું: “દીઠો એને? એણે મને તારા વૉલ્ટરની ખાંભી દેખાડવાના દસ રૂપિયા દીધાઃ ખબર છે? નવી નવાઈનો ફ્રેંચમેન ! એક ફ્રેંચમેને ઊઠીને મને એક જર્મન બચ્ચાની ખાંભી બતાવવાના દસ રૂપિયા દીધા ! જો, આ રહ્યા. ઈ મને એણે દીધા. તારા વરની ખાંભી દેખાડવાના.”[3]
ખાંભી પાસેથી ચાલી નીકળેલો એ જુવાન શહેરમાં દાખલ થયો. અને પોતાની મુખમુદ્રા કોઈની નજરે ન ચડે તેટલી ત્વરાથી ગલીઓ વટાવીને દાક્તરના દ્વાર પર આવી પહોંચ્યો. દર્દીઓ બધાં ચાલ્યા ગયાં હતાં. પણ દાક્તરની ઇસ્પિતાલે કોઈ પણ દર્દી માટે કદાપિ વેળાકળાનો પ્રશ્ન નહોતો. બારણા પર ટકોરા પડતાંની વાર જ એણે જવાબ દીધો: “અંદર આવો.” ચિંતાગ્રસ્ત અને તપ્ત યુવાને પ્રવેશ કર્યો. માથું ઊંધું ઘાલીને દાક્તર પોતાના રજિસ્ટરમાં તે દિવસના દર્દીઓની નોંધ કરતા હતા. એમણે ઊંચે જોયા વગર હંમેશની આદત મુજબ પ્રશ્નો પૂછ્યા: નામ? ઉંમર? સરનામું?
યુવકે તે શહેરનું પોતાનું ઊતરવાનું ઠેકાણું આપ્યું.
“હં... ફ્રેન્ચ હોટલ કે?” વૃદ્ધ વરુની માફક ઘુરકાટ કર્યો. હજુ એની આંખો અને એની કલમ તો રજિસ્ટરમાં જ ખૂતેલાં હતાં. એણે છેલ્લો પ્રશ્ન પૂછ્યો: “વતન?"
વતન તરીકે એક ફ્રેંચ ગામનું નામ કાને પડતાંની વાર જ વૃદ્ધે ઊંચે જોયું. એ ખુરસી પરથી ખડો થઈ ગયો. આવેલ યુવાનની સામે એણે ભવાં ખેંચીને ડોળા તાક્યા: “તું ફ્રેંચ બચ્ચો અહીં જર્મન આકાશની નીચે? અને અહીં ખુદ મારા જ ઘરના ઉંબરામાં? જીવતો ઊભો છે?”
યુવક ચૂપ રહ્યો. એણે દાક્તરના ટેબલ પર એક છબી પડેલી દીઠી. ત્યાં તાકી રહ્યો.
"બહાર નીકળ.” વૃદ્ધ બરાડ્યો: “મારા ઘરને ભ્રષ્ટ કરવા એક પળ પણ ન ઊભો રહે, ચાલ્યો જા, કહું છું. ફ્રાન્સનો એકોએક વતની મારી નજરમાં ખૂની છે. જોઈ આ છબી? એકેએક ફ્રાન્સવાસી આ મારા એકના એક લાડકવાયા પુત્રનો પ્રાણ લેનાર ઘાતક છે. અહીંથી સત્વર બહાર નીકળી જા. મારું ધૈર્ય તૂટું તૂટું થાય છે.”
"નહીં જાઉં.” કહીને યુવકે એક ખુરસી પર ઢગલો થઈ પડ્યો. “હું નહીં જાઉં, નહીં જાઉં, તમે મારી નાખો, કટકા કરી નાખો તો પણ નહીં જાઉં.” એમ કહેતાં એનો સ્વર ફાટી ગયો. “હું કંઈક કહેવા આવ્યો છું. મારે મારું દિલ ખોલવું છે. હું નહીં જાઉં.”
દીવાના જેવા આ યુવકની સૂરત સામે બુઢ્ઢા દાક્તર ટીકી રહ્યા છે. ત્યાં તો દ્વાર ઊઘડ્યું અને પેલી કબર પરથી પાછી ફરનારી કુમારી અંદર આવી: “બાપુજી! બાપુજી! આજે એક કૌતુક થયું –” એટલું કહે છે ત્યાં એની નજર એ યુવાન ઉપર પડી. ઓળખ્યો. “બાપુજી, એ જ!”
"કોણ? શું છે? આજે આટલી ગાભરી તું કેમ છે, બચ્ચા ?” વૃદ્ધ વિસ્મયમાં પડી ગયો. કુમારિકાની અને યુવાનની આંખો વચ્ચે વિસ્મયના દોર બંધાઈ ગયા હતા.
“બાપુજી, આમણે આજે વોલ્ટરની ખાંભી ખોળવા માટે ઘોરખોદુને દસ રૂપિયા દીધા. ખાંભી પર ફૂલો ચડાવ્યાં. ને હું ગઈ ત્યારે એ બંદગી કરતા ત્યાં ઊભા હતા. રડતા હતા.”
વૃદ્ધનાં ભવાં નીચાં નમ્યાં. એની આંખોમાં અમૃત છવાયું. એણે. યુવકને ખભે હાથ મૂકીને પૂછ્યું: “તું કોણ છે? તું મારા વૉલ્ટરને ઓળખતો હતો? એને દીઠો હતો?”
યુવાને હકાર સૂચવતું ડોકું ધીરે ધીરે હલાવ્યું.
"ખરેખર?” ડોસો હર્ષઘેલો થવા લાગ્યો.
"ખરે જ શું તમે એને ઓળખતા હતા ?" છોકરીનાં નેત્રો કાકલૂદી કરતાં તાકી રહ્યાં.
"ચાલો ચાલો, ઘરમાં ચાલો.” એમ કહી વૃદ્ધે આ યુવાનને બથમાં ઝાલી અંદર ઉપાડ્યો. “કયાં છે તું? અહીં આવ.” એમ કહી એણે પોતાની વૃદ્ધ પત્નીને બોલાવી. “આમ તો જો ! આ જુવાન આપણા વૉલ્ટરને ઓળખતા હતા. એ અહીં વૉલ્ટરની કબર પર હાર ચડાવવા આવેલ છે. સાભળ્યું હો-હો-હો-હો!”
ડોસી પણ એની ઝાંખી પડેલી આંખો ઉપર હાથની છાજલી કરીને તાકી રહી: “તે હેં માડી, તેં મારા વૉલ્ટરને દીઠો હતો? તું એને ઓળખતો હતો? હેં, મારા બાપ!”
“આવ, આવ ! આંહીં બેસ તો ખરો, ભાઈ !” એમ કહીને ડોસાએ પરોણાને સુંવાળા સોફા ઉપર બેસાર્યો, ને એની બેઉ બાજુ બુઢ્ઢો-બુઢ્ઢી બેઠાં, યુવતી એની સામે ઊભી રહી. મહેમાનને ખભે હાથ મૂકીને એને પંપાળતાં પંપાળતાં ડોસા પૂછવા લાગ્યાઃ “તેં એને છેલ્લો ક્યાં દીઠેલો? હેં ભાઈ, કહે તો ખરો, છેલ્લો ક્યાં દીઠેલો ?”
“સંગ્રામ ક્ષેત્રમાં. ખાઈઓના મોરચામાં.”
“એ...મ? આહાહા! ને ત્યાં એ મજામાં હતો કે ?" “બડી મજામાં ! બડી લહેરમાં ! અમે બેઉ ગુલતાન કરતા હતા ત્યાં ખાઈમાં. હો-હો-હો-હો !” જુવાન જાણે કોઈક બીજા અવાજનું ગળું ગૂંગળાવા મથતો હોય તેમ ખડખડાટ હસી પડ્યો.
"હો-હો-હો-હો! વાહવા! વાહવા! બડી મોજમાં? બડી લહેરમાં? બસ બસ. હો-હો-હો-હો.” ડોસાનો કંઠ ઠેકાઠેક કરી રહ્યો. ડોસી તો આ સંદેશો સાંભળી રડવું જ ન ખાળી શકી. છોકરીનું નીરવ મોં અતિથિની, સામે લળી પડ્યું હતું.
"બડી મજા ! બડી લહેર !” ડોસા કરતાં બેવડો મોટો ઘાંટો કાઢીને આ જુવાન એ સ્પ્રિંગવાળા સોફા ઉપર ઊછળતો હતો. એ ઉછાળા નીચે કશુંક દબાવી છુપાવી રાખવાના એના પ્રયત્નો હતા. આ ત્રણે વિયોગીઓએ પોતાના પ્રિયજનના આટલા જૂના સુખસમાચાર લાવનાર અતિથિને પણ જાણે કે સદેહે પાછો ફરેલો ખુદ વૉલ્ટર જ કલ્પી લીધો.[4]
શેરીઓનાં ઘરોની ખડકીઓ એક પછી એક ઊઘડે છે, ને નાનાંમોટાં તમામ બહાર આવીને કૌતુકનેત્રે નિહાળી રહે છે.
'અલી ઓ ! આ પેલાં નીકળ્યાં !' એમ એક જોનારી પડખેની પડોશણને ટહુકો કરે છે.
‘ઓ કાકા! જોવું હોય તો.' એક પડોશી અન્યને સાદ પાડે છે.
ચાંપ દાબતાં દીવા પ્રગટ થાય તેમ આ સંદેશા ચાલતાં પોળના માળાની ઊંચા-નીચી બારી પછી બારી ઊઘડી પડે છે. સેંકડો ચહેરા શેરીના માર્ગ પર ડોકિયાં કરે છે, અનેક આંખોનાં ભવાં ચડે છે, કૈં કૈં મોઢાં મચકોડાય છે. મશ્કરી અને તિરસ્કારની મેળવણીવાળા સિસોટી-સ્વરોની આપ-લે થઈ રહી છે.
ગામલોકોની ચેષ્ટાનાં બે પાત્રો શેરીઓમાં થઈને ચાલ્યા જતાં હતાં. મહોલ્લે મહોલ્લાની એકેએક બારીને, રવેશને, અટારીને સજીવન કરનાર એ બે જણામાં એક હતી દાક્તરના મૃત પુત્રની એ જુવાન વિવાહિત પ્રિયા, ને બીજો હતો એના ઘરનો ફ્રેન્ચ પરોણો. હાથમાં હાથ પરોવી, પથ્થરની પગથી ઉપર એકતાલ પગલાં પાડતી એ જોડલી લોકોનાં ચાળાચેષ્ટની ઝડીઓમાં લહેરથી ભીંજાતી ચાલતી હતી.
પોતાની ગ્રામકન્યાને શત્રુ-દેશના એક યુવાન સાથે ફરતી જોઈ ઘરઘરનાં લોકોની આંખમાં આગ ઊઠતી હતી. રોજ ઊઠીને એ ભ્રષ્ટ દૃશ્ય લોકોને જોવું પડતું. છોકરાં હૂડિયો હૂડિયો કરતાં, બૈરાં દાંત કચકચાવતાં, ને બુઢ્ઢાઓ ચોરેચૌટે અને આરામખાનામાં બેસી આ અત્યાચાર સામે ઉગ્ર મત કેળવતા હતા. બન્ને જણાં કંઈ ખરીદી કરવાને સારુ જો કોઈ દુકાનમાં જઈ ઊભાં રહેતાં ને અમુક કાપડબાપડનો ભાવ પૂછતાં તો દુકાનદાર જાણીબૂઝીને બે નમૂના રજૂ કરતો, પછી બોલતોઃ “આ કરતાં આ સુંદર છે. સસ્તું ય છે – પણપણ એ તો દુશ્મનોના દેશ ફ્રાન્સનું બનેલું છે, બાઈ!”
એક દિવસ એ લોકલાગણીએ બેહદ જોર પકડી લીધું. બુઢ્ઢા દાક્તરની પ્રેક્ટિસ નબળી પડી ગઈ. એની ડોસી કે પુત્રવધૂ ચીજવસ્તુ ખરીદવા જતાં ત્યારે દુકાનદાર એની સામે પીઠ દેતા થયા; ને હરરોજના નિયમ મુજબ જ્યારે દાક્તરે એ સંધ્યાએ પોતાના વર્ષોજૂના લંગોટિયા દોસ્તોની મંડળીમાં બેસવા સારુ ક્લબમાં પ્રવેશ કરી દોસ્તોને અવાજ દીધો કે 'સાહેબ મહેરબાનો મુરબ્બીઓ ! જય જય !' ત્યારે આખી મિત્રમંડળીમાંથી એક પણ મોં એની સલામ ઝીલવા તૈયાર થયું નહીં.
પોતાના કયા દેશદ્રોહ બદલ પોતાના બહિષ્કારની આ મસલત ચાલી રહી છે, એની કશી જ ગમ વગરનો એ બુઢ્ઢો સામો ધ્વનિ ન ઊઠ્યાની કે સલામ ન ઝિલાયાની ખાસ પરવા ન કરતાં સર્વની જોડે ખુરશી પર બેસી ગયો. એના હૃદયમાં મૂએલો બેટો પાછો મળ્યા જેવો મહોત્સવ જાગ્યો હતો. પુત્રની પછવાડે ઝૂરી ઝૂરી દેહને જલાવી રહેલી એ જુવાન પુત્રવધૂનું અંતર આ ફ્રેન્ચ પરોણાની ઉપર ઢળ્યું છે એ દેખી ડોસો સુખની છોળોમાં નહાઈ રહ્યો હતો. એના સૂનકાર ઘરમાં સઘળું ભર્યું ભર્યું બની ગયું હતું. દુશ્મન દેશ પ્રત્યેના એના દાંતના કચકચાટ અટકી ગયાથી હૈયું ફૂલ જેવું હળવું હતું. આવા સ્વર્ગીય આનંદની માનસિક લહેરમાં ચકચૂર બનેલ એ બુઢ્ઢા દાક્તરે આસન લઈને ત્યાં બેઠેલ દોસ્તોનાં માથાં ગણ્યાં: એક બે ત્રણ... નવ.
“છોકરા !” એણે નોકરને હાક મારી. “નવ કટોરા શરબત લાવ.”
"આઠ જ મગાવજો ને, દાક્તર!” એક ભાઈબંધે એ મૂંગી બેઠેલ ટોળીમાંથી પોતાના પ્યાલો ન મગાવવાની ખાતર સૂચના કરી.
“વારુ! છોકરા, આઠ કટોરા શરબત લાવ!”
ભોળિયા દાક્તરને ખાસ કશો વહેમ હજુ નથી પડ્યો, ત્યાં તો બીજા એકે પણ રાજીનામું પોકાર્યું: “દાક્તર સાહેબ, સાત જ મગાવજો ને ! નાહક બગડશે.”
હવે દાક્તર સાવધાન બન્યા. મામલો કળી ગયા. ધીરી ધીરીને, ટીકીટીકીને, નીરખીનીરખીને એણે એ આઠ જણાના મૂંગા, ચડેલા ચહેરાની રેખાઓ તપાસી અને પછી ક્લબના છોકરાને હુકમ દીધો: “હં... છોકરા. એક જ કટોરો શરબત લાવ.”
આઠેય જણાનો ઘા ખાલી ગયો. એકે વાત ઉચ્ચારીઃ “દુશ્મન દેશના છોકરાને ઘરમાં સંઘરવાનો શો સબબ છે, દાક્તર?”
બીજાએ ટાપસી પૂરીઃ “શત્રુઓના જાસૂસોને ઠીક સરળતા કરી આપવામાં આવે છે. મારા જુવાનજોધ દીકરાને એ દુષ્ટોએ જ રેં'સી નાખ્યો.”
“અને મારા બે પુત્રોને મારનાર પણ એ જ શયતાનો છે.”
"મારો એકનો એક દીકરો તેઓએ જ હણ્યો.”
આમ એક પછી એક બુઢ્ઢો એ મેજ ઉપર પોતાના દિલની આહ ઠાલવતો તેમ જ કટ્ટર વૈર પુકારતો ગયો. અને એકે ઉમેર્યું: “આપણા આટઆટલા પુત્રોની હત્યા કરનાર એ ફ્રેન્ચોને દાક્તર આશરો આપે છે. પોતાની દીકરા-વહુને એ અસુરની બગલમાં હાથ નાખી ફરવા-હરવા આપે છે."
"અરે ભાઈ, કોને ખબર છે, દાક્તર તો કાલે બેઉનાં લગ્ન સુધ્ધાં કરી આપશે.” "ને છતાં શું દાક્તરની સાથે આપણી પ્રજા વ્યવહાર ચાલુ રાખશે? આપણી તે કંઈ સૂધબૂધ ઠેકાણે છે કે નહીં!”
"ઓ હો હો હો!” દાક્તરનો ઉગ્ર, હાસ્યમિશ્રિત, કરવત સરખો સ્વર નીકળ્યો: “શરબતના કટોરા ન સ્વીકારવાનું કારણ તો આ પેટશૂળ છે, એમ કે? મને એ ખબર નહીં. હું આવડો મોટો દેશદ્રોહી છું એ મને અત્યારે જ ભાન થયું. રહો, સબૂર કરો.”
એટલું કહીને એની કરડી આંખોએ ફરી એક વાર સહુને નિહાળી લીધા. માપી જોયા. પછી અક્કેકની સામે આંગળી બતાવીને એ બોલ્યાઃ
“તારા દીકરાને, તારા બે દીકરાને, તારા એકના એક દીકરાને, તારા જમાઈને - અને યાદ છે ને? – મારા પણ એકના એક પુત્રને, તમામને, ફ્રેન્ચોએ સંહાર્યા છે. વારુ ! ભાઈસાહેબો ! તમારી માફક હું પણ આજ સુધી એ આખી પ્રજાને જ જલ્લાદ ગણી મારા અંતરના ઘોર અભિશાપ પોકારતો હતો. પ્રભાતે પ્રભાતે હું વૈરની ઝોળીમાં ઘી હોમતો હતો. એકેએક ફ્રેન્ચ મારી દ્રષ્ટિમાં મારા પુત્રનો ખૂની હતો. પણ આજ? આજ મને સત્યનું દર્શન થયું છે. કહો મને જવાબ આપો, આ કતલ થયેલા આપણા પુત્રોને રેંસનાર તો પેલા ફ્રેન્ચ, પણ એને એ કતલખાને મોકલનાર કોણ? આપણે સહુ આપણે પોતે, વારુ ! પૂછો તમારા આત્માને. આપણે શા સારુ આપણા પુત્રોને ત્યાં મોકલ્યા? પારકા ઘરના લાડકવાયા છોકરાઓની મહોબત કરવા? કે હત્યા કરવા? આપણે બુઢ્ઢા કેમ ન ગયા? આપણે લડવા-સંહારવા સશક્ત નહોતા માટે જ કે? ને આપણે ઘેર બેસીને શું કર્યું, ભાઈ? આપણે લડી ન શકયા, પણ ધિક્કારી તો શકતા હતા ! આપણાં હૈયાંની હિંસાવૃત્તિ શું કમ હતી? આપણા બે હજાર બચ્ચાની કતલ થયાના ખબર ત્યાં પહોંચે ત્યારે તેઓ ધજાપતાકા ફરકાવીને વિજયોત્સવ કરે, તો શું તેઓના બે હજાર પુત્રો આપણા પુત્રોને હાથે ખલ્લાસ થયાના ખબરનું ઉજવણું કરવામાં આપણે કંઈ ઓછા ઊતરતા'તા? બોલો, બોલો, પોતપોતાનાં અંતર તપાસો.”
આઠેય જણાનાં મોં સિવાઈ ગયાં હતાં. તેઓનાં માથા ઢળેલાં હતાં. દાક્તરનો ઊભરો શમતો નહોતો. એણે ચલાવ્યું: “આંહીં આપણા બેટાનો, ને ત્યાં તેઓના પુત્રોનો તમામનો હત્યાકાંડ કરનાર આપણે ઘેર બેઠા બુઢ્ઢાઓ જ છીએ. ને એક બનાવટી વૈરનું વિષ આપણે પ્રજાના મોંમાં પિવડાવી રહ્યા છીએ. મારી તો આંખ ઊઘડી ગઈ છે, ભાઈઓ ! મારા પુત્રની ખાંભી પર ફૂલો ચડાવવા આવનાર અને મારા વૉલ્ટરના આખરી ખુશખબર લાવનાર એ જુવાન પરદેશીને હું ખૂની શા સારુ કહું? મારો પ્રાણ તો આજથી જગતના નવજવાનોની સાથે પ્રયાણે ચડે છે. એ કોઈ કોઈના શત્રુઓ નથી. એ તમામ વિશ્વબાંધવો છે. મારો આત્મા દેશ-દેશ વચ્ચેના સીમાડા લોપીને સારી દુનિયાના જુવાનોને ચૂમવા, ભેટવા ચાલ્યો છે. લ્યો મહેરબાનો, સાહેબજી!”શરબતનો કટોરો અણસ્પર્શ્યો જ છોડી દઈને જ્યારે આ સ્વયંબહિષ્કૃત ડોસો ક્લબમાંથી ચાલતો થયો, ત્યારે એ ખંડના એક ખૂણામાંથી એક યુવાન ઊભો થયો. ઊભા થતાં એને મહેનત પડતી હતી. કેમકે એના બેઉ પગ સલામત નહોતા. મહાયુદ્ધની તોપો એના એક પગને ચાવી ગઈ હતી. બગલમાં લાકડાની ઘોડી દબાવીને એણે ખોડંગતા પગની દોટ દીધી. દરવાજા પાસે પહોંચેલા દાક્તરને એણે આંબી લીધા. એણે પોતાના હાથનો પંજો લંબાવ્યો. ડોસાએ એ પંજામાં પોતાનો પંજો મિલાવ્યો. ખૂબ પ્રેમથી દબાવ્યો. યુવાનની આંખો ડોસાના નેત્રનું અમીપાન કરતી ઠરી ગઈ. બન્ને પંજાનાં રુધિરો જાણે ધબકીધબકીને પરસ્પર કહેતાં હતાં કે આપણા તો એક પ્રાણ છે. એ એક યુવાનના પંજા વાટે પ્રજાનું સમગ્ર યૌવન દાક્તરને ધન્યવાદ દેતું હતું. એક પણ શબ્દોચ્ચારથી એ મિલનની મુક પવિત્રતાને કલુષિત કર્યા વગર યુવક પાછો ફર્યો અને ક્લબની બહાર નીકળી જે વેળા એ વૃદ્ધ પગથી ઉપર ઊભો રહ્યો, તે વેળા તેની મીંચાયેલી આંખો સામે પ્યારા પુત્ર વૉલ્ટરની મૃત્યુ-છબી સરતી હતી, ને પુત્રના મૃતદેહ ઉપર છેલ્લી ક્ષણે ઝૂકતો ફ્રેન્ચ જુવાન ખડો થતો હતો. થીજી ગયેલ જળસમૂહ જેવું એનું વૈરભરપૂર હૈયું, શત્રુદેશના એક જ બાળકના પ્રેમકિરણે ઓગળી પડતું હતું.[6]
'ભાઈ આવ્યો?' 'ભાઈને આવવાનો સમય થયો કે નહીં?' 'આ ઘડિયાળ બરાબર તો છે ને?' એવા એવા પ્રશ્નો પૂછતા દાક્તર ઘડીઘડીમાં બિછાનામાં બેઠા થતા હતા અને એના જર્જરિત દેહને હાંફ ચડી આવતી હતી. અતિથિ યુવાન એને ઉતારેથી આવવામાં આજે કંઈક મોડો પડ્યો હતો.
જરા દ્વારનો ભભડાટ થયો એટલે ડોસો જાગીને બેઠો થયો: “કોણ, ભાઈ આવ્યો?”
"હવે, કહું છું કે તમે ભલા થઈને શાંત પડ્યા રહેશો નહીં તો પછી મારે...”
એટલું બબડીને વૃદ્ધ દાક્તર-પત્નીએ બુઢ્ઢા પતિને એક માતાના વાત્સલ્યથી પથારીમાં પાછો સુવાડી દીધો, ને પોતે સામી બેસીને ભાંગલાં ચશ્માં ચડાવેલી ઝાંખી આંખે પુત્રવધૂના નવા વસ્ત્રનું સીવણ કરતી બેઠી. અતિથિ યુવકની વાટ જોવામાં એની ઉત્સુકતા ઓછી નહોતી, પણ એનો ઉદ્યમી સ્ત્રી-સ્વભાવ અને ધૈર્ય દેતો હતો.
કદાચ એ નવું વસ્ત્ર વહુના નવા વિવાહ સારુ જ સિવાઈ રહેલ હશે.
મોડો મોડો મહેમાન આવ્યો. પણ આજે એના મોં ઉપર ગમગીનીની છાયા છવાઈ ગઈ હતી. બુઢ્ઢા-બુઢ્ઢીના મીઠા આગ્રહથી વહુ એને બગીચામાં ફેરવવા તેડી ગઈ, પણ મહેમાનના મોં પરની નિસ્તેજી નહોતી ઊતરતી. યુવતીના હાસ્ય-છંટકાવની અસર ઉલટી જ થતી હતી.
પછી એણે પરોણાને તે દિવસે પહેલો જ વહેલી ઘરના એક સુંદર ખંડમાં લીધો. ઓળખાણ આપીઃ “આ એમનો ઓરડો. અહીં એ સૂતાબેસતા.”
એ ખંડને અતિથિએ ધારી ધારી નિહાળ્યો. અભ્યાસનાં પુસ્તકોના છલોછલ કબાટો, સંગીતની પોથીઓ, આલ્બમો વગેરે એક એક સામગ્રીમાં એ મૂએલા યુવાનનો આત્મા મહેકતો લાગ્યો. યુવતીએ મેજ પર પડેલી એક પેટી ખોલીને એક ઈસરાજ બતાવી કહ્યું: “જુઓ, આ એમનું ઈસરાજ, આના ઉપર એ બીથોવનની બધી રાગણીઓ બજાવતા. મને તો ખાસ સંભળાવતા. એ જ્યારે ઇસરાજ બજાવતા ત્યારે હું યે એની સાથે સૂર મિલાવી મારો પિયાનો વગાડતી. તમને આ ઈસરાજ ફાવે કે નહીં?"
ઓરડાની બારીમાંથી આકાશે ચડેલો ચંદ્ર ડોકાતો હતો. આ ભોળી બાળાનો એક એક બોલ અતિથિનું હૃદય ભેદતો હતો. એ પોતાના આત્માને પૂછતો હતો કે 'હું કયાં ઊભો છું? આ ઈસરાજમાં મારા શ્વાસોચ્છવાસથી હજુ ચિરાડ કાં નથી પડતી?'
યુવકને રીઝવવાના એવા પ્રયત્નો કરતી કરતી એ સ્ત્રી ત્યાંથી એને પોતાના ઓરડામાં તેડી ગઈ. ત્યાં જઈને એણે પોતાના ટેબલના ખાનામાંથી જીવનની એક અણમૂલ વસ્તુ કાઢી. “જુઓ, આ એનો છેલ્લો કાગળ. રણક્ષેત્રમાંથી એણે લખેલો. સાંભળો, હું વાંચું.”
જેમ જેમ કાગળ વંચાતો જતો હતો તેમ તેમ મહેમાનની વિહ્વળતા વધતી હતી. કાગળ પૂરો થતાં જ એણે કહ્યું: “હું આજે વિદાય લેવા આવ્યો છું."
"વિદાય !” સ્ત્રી હેબતાઈ ગઈ.
“હા, હું પાછો મારે દેશ ચાલ્યો જાઉં છું.”
"શા માટે? આ શું બોલો છો ? આપણે... આપણે.... આપણે...” યુવતીથી વધુ બોલાયું નહીં.
"મને ક્ષમા આપો. મારાથી અહીં હવે જિવાતું નથી. મારું પાપ મને અંદરથી કોરી રહ્યું છે. હું આવ્યો હતો તમારી પાસે એ પાપનો એકરાર કરી તમારી ક્ષમા મેળવવા, પણ મારી જીભ ઊપડતી નથી. હું કાયરોનો પણ કાયર બની ગયો. મને ક્ષમા કરો.”
બોલતો બોલતો એ યુવતીના પગ પાસે ઘૂંટણભર થઈ ગયો. યુવતીએ એના હાથ ઝાલી લઈને પૂછ્યું: “પણ શું છે? શાનું પાપ?”
“તમારા વરનો ખૂની હું પોતે જ છું.”
“તમે પોતે ?”
“હા, મારી ગોળીથી જ એ પડ્યા. ને આ છેલ્લો કાગળ એની કલમમાંથી ટપકતો હતો તે જ વખતે મેં એને ઠાર કર્યા. એના હાથમાં કલમ ઝલાવીને મેં છેલ્લી સહી કરાવી. પણ પૂરું નામ લખવાનો સમય મૃત્યુએ ન રહેવા દીધો. છેલ્લો અક્ષર મેં ઉમેર્યો. કાગળ ટપાલમાં નાખનાર પણ હું જ. મારી કાયરતાએ જ આટલા દિવસો સુધી આ ઘરમાં છલ ચલાવ્યું છે. હવે હું વધુ સહી શકું તેમ નથી. મને ક્ષમા આપો. હું જાઉં છું.”
પોતાના ખોળામાં ઢળી પડેલાં એ પાપી મસ્તક ઉપર યુવતી સુંવાળા હાથ ફેરવતી હતી. ત્યાં તો બહાર બુઢ્ઢાાનો સાદ સંભળાયોઃ “કાં છોકરાંઓ! હજુ કેમ તમે આવતાં નથી? હું તો બહુ વારથી વાટ જોઈ બેઠો છું. મને એકલાં ગમતું નથી.”
બેઉ જણાં બહાર આવ્યાં. યુવતીએ કહ્યું: “બાપુજી, આ તો આજે ૨જા લેવા આવ્યા છે.”
"રજા ! શાની રજા ?"
"એને તો પાછા પોતાને દેશ જવું છે.”
“વાહવા આવી મશ્કરી !” ડોસો હસી પડ્યો. “એમ કંઈ દેશ નાસી જવાશે તારાથી, બેટા ? તું જાય તો અમારું કોણ ?” વૃદ્ધની ધોળી પાંપણો ભીની બનતી હતી.
“દાક્તર સાહેબ ! મને – યુવક એટલું બોલવા જાય છે ત્યાં તો એને ચૂપ કરવા માટે સ્ત્રીએ પોતાના નાક પર આંગળી મૂકી. પોતે જ વચ્ચે બોલી ઊઠીઃ “બાપુજી, એમને શહેરમાં બધાં પજવે છે ખરાં ને, એટલે એ ત્રાસીને નાસવા માગે છે.”
"હો-હો-હો-હો !" ડોસા ખડખડ હસ્યા. એ બધા પજવનારાઓને તો મેં બરાબર પાધરા કરી દીધા છે. બેસ બેસ, અમને બુઢ્ઢાંને અને આ ગરીબ છોકરીને રઝળાવી હવે તું કયાં જવાનો હતો, ભાઈ?”
બુઢ્ઢાએ યુવકને ખભા દબાવીને બેઠક પર બેસાર્યો. સ્થિર સજળ નેત્રે વૃદ્ધ એની સામે તાકી રહ્યા. એ નજરમાં મીઠી, હલાવી નાખનારી, યાચના દ્રવતી હતી.
"હું આવ્યો, હાં કે?” કહેતો ડોસો ડગમગ પગલે ત્યાંથી ચાલ્યો. હૃદયમાં પુરાઈ રહેશે. એ હવે તમારા કબજાની વાત નથી. ખબરદાર હવે એનો ઉચ્ચાર સુધ્ધાં કર્યો છે તો.”
યુવકની લાગણીમાં કેટલા કેટલા સામટા મનોભાવ રમતા હતા તે કહેવું કઠિન હતું. એને કોઈ જાણે અપરૂપ અસત્ય સૃષ્ટિમાં ખેંચી જતું હતું.
ડોસો આવ્યો. એના હાથમાં મૃત પુત્રનું પ્યારું ઇસરાજ હતું. ઈસરાજ લઈને નીરવ પગલે ચૂપચાપ જીભે એ અતિથિની પાસે ગયો. બે હાથોમાં તેડેલું બાળક સુપરત કરતો હોય તે રીતે એણે ઈસરાજ એની સામે ધર્યું. 'લઈ લે': એ યાચના એની આંખોમાં હતી.
ગભરાટમાં ઘેરાઈ ગયેલા પરોણાએ વાજિંત્રને હાથમાં લીધું. તરત જ વૃદ્ધ એની સામે કામઠી ધરી.
'લઈ લે ! લઈ લે !' એવી મૂક વાણી ઉચ્ચારતી પેલી બે કોમળ આંખો પણ પાસે જ બેઠી હતી.
યુવકે યંત્રવત્ કામઠી ઝાલી. બુઢ્ઢાાના મોં પર દીપ્તિ ખીલતી જતી હતી. હજુ એનાં નેત્રો ત્યાં ને ત્યાં જ યાચના કરતાં ઠર્યા હતાં. એ કોઈ ભિક્ષુક જેવો ઊભો જ રહ્યો.
યુવકે ઇસરાજને ડાબી બાજુની છાતી કે જ્યાં હૃદયનું સ્થાન કહેવાય છે સાથે ટેકવીને આંગળીઓનાં ટેરવાં તાર ઉપર ફેરવી જોયાં. એના જમણા હાથે કામઠીને તાર ઉપર ઘસી. એની આંખો વૃદ્ધના મોં પરથી ઊતરીને ઈસરાજ પર એકાગ્ર બની. સૂરો નીકળ્યા, ને એને આશા, શ્રદ્ધા આવી ગઈ. ગીત વહેવા લાગ્યું.
'હાશ !' એવા શાંત ઉચ્ચાર સાથે વૃદ્ધ સોફા પર બેસી ગયો. ડોસીએ પણ મૂંગાં મૂંગાં એની બાજુમાં આસન લીધું. જેમ જેમ ઇસરાજ બજતું ગયું, ને જૂના પરિચિત સૂર નીકળતા ગયા તેમ તેમ બેઉ બુઢ્ઢાાંની આંખો મીંચાઈ. એ સુખસમાધિ સ્થિર બની ગઈ.
કન્યા હજુ યુવકની કને બેઠી હતી. ઇસરાજના સૂર હવે પૂરા તોરથી પ્રવાહબદ્ધ બની ગયા હતા. યુવતી ધીરે ધીરે ઊઠી. સામી દીવાલે પહોંચી. ત્યાં પોતાનો પિયાનો પડ્યો હતો. ચાવી ચડાવીને એણે પિયાનો ખોલ્યો. પોતે બેઠક લીધી. પિયાનોના પાસા પર એનાં ટેરવાં રમવા લાગ્યાં. ઇસરાજના સૂરોમાં પિયાનોનાં સૂરોએ મેળ સાંધી દીધો.
ડોસાની આંખો ઊઘડી ગઈ. એણે ઇસરાજ તરફ જોયું. ઇસરાજે એની આંખોને સામી દીવાલે જોવા કહ્યું. ડોસાએ દીકરીને પિયાનો બજાવતી દીઠી, બે વાદ્યો વચ્ચેનું એ સંગીત-લગ્ન બે આત્માઓની એકરસતા ગાતું હતું. ન હતો ત્યાં ધર્મગુરુ, ન હતું દેવાલય કે દેવદીપક, છતાં ત્યાં શું નહોતું એ સ્વરમિલાપમાં ડોસાએ સાચા હસ્તમિલાપ પારખ્યા. એની સુખસમાધિ પરિપૂર્ણ જામી. એનાં નેત્રો ફરી વાર બિડાયાં.