મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય :
મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય.
જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં
ઝબકીને જાગી જવાય;
આઘે આઘે આછા યુગનર કેરા
પડછાયા પથરાય રે :
મહાવીર દૂરે દરશાય. -મારી૦
આભ લગી એનાં મસ્તક ઊંચા ને
પગ અડતા પાતાળ;
જુગજુગના જેણે કાળ વલોવ્યા ને
ડોલાવી ડુંગરમાળ રે :
ફોડી જીવનરૂંધણ પાળ. -મારી૦
ઠપકા દેતી હસતી મૂરતી એ
ઝળહળાતી ચાલી જાય:
સ્વપ્ન સરે, મારે કાન પડે
મારા દેશની ઊંડેરી હાય રે:
એનાં બંધન ક્યારે કપાય ! - મારી૦
ઘન ઘન અંધારાં વીંધણહારો
જાગે ન કો ભડવીર;
ડરતાં ડરતાં ડગલાં ભરતાં આ તો
વામન સરખાં શરીર રે:
અણભીંજલ ઊભાં છે તીર. -મારી૦
જરીક જરીક ડગ માંડતાં મારી
જનનીને ના વળે જંપ,
આવો વિપ્લવ ! આવો જ્વાલામુખી !
આવો રૂડા ભૂમિકમ્પ રે :
ભેદો જીર્ણતા-દારુણ થંભ. - મારી૦
[૧૯૨૯]