નથુ પિંજારો
“કાં, નથુકાકા. હવે રૂ પીંજવા ક્યારે આવશો ? પાંચ ગાદલાં ભરવાં છે તે હવે આવોને !"
નથુ કહે: 'ભાઈ, કાલ આવું કાલ સવારે જરૂર !'
પણ , નથુની કાલ પડે નહિ અને નથુ ગાદલા ભરે નહિ.
નથુ ગામ સમ એક જ પીંજરો, એક પીંજારો તે પીંજરો પણ કામનો ઉસ્તાદ પીંજારો. ઉસ્તાદ તો ખરો પણ હાથનો પૂરેપૂરો ચોખો. રૂનું એક પુમડૂયે ન બગડે તો ! નથુકાકાને કામનો પાર નહિ ને દિ'ને દુકાળ. પણ નથુકાકા જીભના મીઠા અને કામે ઉતાવળા. 'કાલ્ય આવીશ, કાલ્ય આવીશ ' એમ કહેતા જાય અને એમ કરતાં એક સવારે આવીને ઊભા પણ રહે.
એક દિ' નથુકાકા આવ્યા ને આંગણામાં આવી ઊભા રહ્યા. 'એ આવ્યો છું બેન, ગાદલાં, ગોદડાં, ઓશીકાં જે ભરાવવું હોય ઈ ભરાવી લ્યો. ઘરેય નથી જાવું ને બારેય નથી જાવું. રમજુડાની મા ગઈ છે બહારગામ. બે ત્રણ દિ' હાથોહાથ છે. આ અહીં જ બપોર કરી લઈશ ને પાછો કામે વળગીશ.”
બાપા કહેશે: 'એલા નથુ, ડાહ્યો તો ખરો. આવું કરે તો અમને બહુ ગમે.'
બાપા કહેશે: 'એ ચાલો ક્યાં ગયા? હવે જ પીંજાવવું હોય, ભરાવવું હોય, ઈભરાવેા. એાલીએારડી ખાલી કરો ને ઈ નથુભાઈને સોંપી દ્યો.'
નથુ એારડીમાં તાંત ઉતારે. માથે બંધણું મૂકે ને જુનાં ગાદલાં ઉખેડવા માંડે. નથુ વચ્ચે વચ્ચે બોલતો જાય. આના કરતાં તો નવું રૂ નાખો તો સોંઘુ પડે. ઓંણ રૂ ના ભાવ સાવ સોંઘા છે. આ તો સોના કરતાં ઘડામણ મોંઘુ થશે. રૂ જેટલું તો મારું પીંજામણ થશે.
બા કહેશે: 'હવે એાંણ તો થયું તે થયું. તમ તમારે વરસે વરસ કરો છો એમ કરોને !'
નથુકાકા જુના રૂનો મોટો બધો ઢગલો કરે. પછી કાથીના ખાટલા ઉપર નાખે અને પછી એને વાંસની લાંબી સેટીઓ વડે સબોડે. રૂને એવું ગસિવાડે એવું સબોડે કે રૂમાંથી બધી કીટી ખરી જાય અને રૂ હલકું હલકું થાય.
કાકા અમને કહેશે: “ તમે એારડીમાંથી વયા જાઓ, નકર કીટી ગળામાં જાશે અને ગળું રહી જશે.” પોતે તો નાક અને મોઢા આગળ બોકીનું બાંધે અને પછી રૂ ને ધમધમાવે.
પછી નથુકાકા પીંજણ લે. ઢ્રેં ઢ્રફ, ઢ્રેં, ઢ્રફ, ટ્રેં ટ્રફ, ટ્રેં ટ્રફ થવા માંડે. નથુકાકા એક હાથે પીંજણ પકડે, બીજે હાથે ધોકો હલાવે ને તાંત ઉપર રૂ ચઢાવે. પીંજણ ટ્રેં ટફ થવા માંડે ને રૂ તાંત ઉપર ચડી ચડી ને ચોખ્ખું થવા માંડે.
નથુકાકાનો કાંઈ હાથ! એવો તો મજબૂત અને એની તે કાંઈ ફાળ! ઘડીકમાં તો કેટલું બધું રૂ પીંજી નાંખે. પીંજી પીંજીને રૂ નો મોટો ઢગલો કરે. રૂ ધેાળું મજાનું બાસ્તા જેવું થઈ જાય. નથુકાકા કહે: 'એ જુએ હવે આ રૂ ? કેવું હતું ને કેવું થયું ? છે કાંઈ કે'વા વારો ? ધોળું દૂધ જેવું થયું છે ના ?
ત્યાં તો બપોર થાય ને નથુકાકા તાંત હેઠી મૂકે. નથુકાકા કેમ જાણે ઘરનું માણસ હોય તેમ બાને સાદ પાડીને કહે: 'એ બેન, લાવજે હવે ખાવાનું, બપોર તો ક્યારની પડી ગઈ.'
નથુકાકા હાથ, મોઢું, કપાળ, દાઢી ધૂએ. દાઢીમાં જરા જરા રૂ ભરાયું હોય એ તો એમ ને એમ રહે. કાકા કાંઈ કાચમાં જોવા નવરા ન હોય કે દાઢીએ ભરાએલ રૂના ખુંભણ કાઢવા બેસે. નથુકાકા કોણી સુધી હાથ ધૂએ, ગોઠણ સુધી પગ ધોઈને પછી હાશ કરી પલાંઠીવાળી જમવા બેસે. એમ તો બા સારાં હતાં. ઘરમાં જે રાંધ્યું હોય તે બધું નથુકાકાના ભાણામાં પીરસે. કશો ભેદભાવ ન રાખે.
નથુકાકા નિરાંતે ખાય. પછી જરા આડે પડખે થાય ને વળી પાછા કામે લાગે. નથુકાકાનું ઈ ભારે. નથુકાકા નકામી એક પળ પણ ન ગાળે. કામ સાથે કામ. ખોટી બડાઈઓ નહિ ને અલકમલકનાં ગપ્પાંએ નહિ.
નથુકાકા ખોળીયામાં રૂ ભરવા માંડે. ગાદલાં ભરે, ગોદડાં ભરે, એાશીકાં ભરે. બધુ ઝટપટ ભરી નાંખે. કાકા ભરવામાં હોશિયાર. એકલે પંડે કામ કરે પણ મોળા નહિ. રૂ ભરતા જાય, સોટીથી સરખું કરતા જાય અને ગાદલું મજાનું ભરતા જાય.
ગાદલું ભરાઈ જાય, ગોદડું ભરાઈ જાય, પછી નથુકાકા દોરી કાઢે ને ફીટિયા લે. ફાંટીએ ફાંટીએ ફૂદડી મૂકતા જાય ને દાબીને ફાંટાઓ લેતા જાય. એમ કરતાં કેટલું બધું ભરી નાખે.
એમ કરતા સાંજ પડે નથુકાકા ખભે ખેશિયું નાંખે, માથે ફેંટિયું મૂકે ને ઘર ભણી હાલે. હાલતાં હાલતાં કહેતા જાય: 'એ કાલે ય આવીશ. કામ ભેળું કામ, વળી વરસ દિ'ની વાટ. જેટલું કાઢવું હોય તેટલું કાઢી રાખજો.'
નથુકાકા હાથમાં તાંત લઈ ઘેર જાય ને અમે નવા ગાદલામાં આળોટીએ.