વિઠલો વેઢાળો
આવું તે નામ શા માટે પડ્યું હશે? વેઢાળો એટલે વળી શું? એટલે એમ કે ગામ સમો એકલો વિઠલો જ હોશિયાર કે ગમે તેવા વેઢાવાળા લાકડા વિઠલો ફાડી દે.
લાકડામાં બાવળના લાકડા ફાડવા આકરા.અને એમાંય એના વેઢા ફાડવા એ તોબા ભગવાન ! એક એક વેઢો ફાડતં છાતી ઊંચી થઈ જાય ને હાથને ગોટલા બાઝે. વિઠલો નાનપણથી જ લાકડા ફાડવાનું કામ કરતો. એનો બાપ પણ લાકડા ફાડતો. એના બાપનો બાપે ય લાકડા ફાડતો. દાદાથી એ લોકો લાકડા ફાડવાનું કામ કરતા.
બિચારા બધા લાકડા ફાડી ફાડીને મરી ગયા ને એની પાછળ હથોડા અને છીણીઓ મૂકતા ગયા. વિઠલાના બાપે એની વાંસે વિઠલો મૂકયો ને સાથે બે હથોડા અને થોડીક છીણીઓ મૂકી.
દસ વરસથી વિઠલો કામ કરવા મંડયો. વિઠલો લાકડાની વખારે જાય અને નાના લાકડા ફાડે. મૂળજી સુથાર રોજ આનો બે આના આપે અને દિ' બધા કામ કરાવે. બાપે જિંદગી આખી લાકડા ફાડયા અને હાડકાની કોચકીઓ કરી નાખી ત્યારે વાંસે એક દિ'નું ખાવાનું ન નીકળ્યું. પછી નાની મોટી મૂડી તો શું નીકળે ! સાંજ પડયે માંડ રોટલો કમાય એમાં વિઠલાને ભણાવે પણ શું ? વિઠલો નાનપણમાં આથડયો અને દસ વરસનો દાડીએ ચડયો. દાડી ન કરે તો સાંજે માબાપનું શું ?
મા હતી પણ એ તો અપંગ જેવી હતી. બિચારી કોઈનાં દળણાં પાણી પણ કરી શકતી ન હતી. માંડ કરીને રોટલા ઘડી આપે ને કળશા વાસીદું કરે.
વિઠલો મોટો થયો ને હથોડો હાથ બેઠો. વિઠલો નાના લાકડામાંથી મોટા લાકડા ફાડવા લાગ્યો. વિઠલો બેને બદલે ચાર આના કમાવા લાગ્યો. વિઠલો અને એની મા રોટલા અને શાક ભેળા થયા.
વિઠલો સાંજે પાછો આવે ત્યારે ફાટેલા લાકડાના છોડિયાં લેતો આવે, માને ચૂલો સળગાવી દે.. રોટલાનો લોટ કાઢી આપે. શાક સુધારી આપે અને દે લે કરે.
મા રોટલા ઘડતી જાય ને વાતો કરતી જાય. 'બાપાવિઠલા, જેવી ભગવાને નાખી એવી ઉપાડવી. તારા બાપ લાકડા ફાડી ફાડીને મરી ગયા પણ આપણે બે પાંદડે ન થયા. જો છો ના, આ ઘરમાં શું છે ? ઘંટી, તાવડી ને પાણીના માટલા સિવાય શું ભાળે છે ? પણ, વિઠલા, તારા બાપે એક છોડિયાં સરખાની ચોરી કરેલી નહિ. છોડિયાં લાવે ઈ એ પુછીને લાવે. વિઠલા, જોજે બાપ, મારો પંડ તો આજ છે ને કાલ નથી પણ તારા બાપાને રસ્તે હાલ્યો જાજે. જોજે, કોઈ કામનો ચેાર થઈશ નહિ.”
વિઠલો આ બધું સાંભળતો અને મરચું ને રોટલો ખાતો જતો.
ડોશી તો મરી ગયાં ને વિઠલો એકલો રહ્યો. વિઠલો જુવાનજોધ થયો હતો. રોટલો ખાધેલો પણ એનાં કાંઈ બાંવડા ! અને એનું કાંઈ બળ ! પણ એવો બળીઓ વિઠલો એવો તો શોભે કે વાત કરો મા.
વિઠલો સવારે વહેલો ઊઠે. મોતીતળાવે નાહી આવે. શંકરને પાણી ચડાવે. ટાઢો રોટલો ને મરચું ખાઈ લે ને પછી લોઢાં લઈ બંધ બેસરાણે બેસે.
'કાં વિઠલા, વેઢા ફાડવા આવવું છે કે ? નકરા વેઢા છે.'
વિઠલો કહેશે : “વેઢા ને બેઢાં, જે કહો તે ફાડી આપું"
“વિઠલા, ત્રણ આના મળશે ત્રણ આના.” “ ના ભાઈ, મારે ત્રણ આનામાં ખાવું શું ને બાઈડીને ખવરાવવું શું ?”
“ત્યારે ચાર આના, પાંચ આના, છ આના.” વિઠલો છ આને લાકડા ફાડવા જાય.
બસ, વિઠલો કામ પર ચડ્યો એટલે ચડ્યો. એની માએ એને કાનમાં વાત કીધેલી. એના બાપને તો એણે નજરો નજર ભાળેલો. એના બાપે કોઈ દિ' હરામ હાડકાં કર્યાં હોય તો ને ? જેવા બાપ સાચક એવો જ એનો દીકરો સાચક.
વિઠલો હીંહ–હીંહ કરતો જાય ને છીણી ઉપર ઘણ પછાડતો જાય, વિઠલાને ડીલે પરસેવા પરસેવા વયા જાય પણ વિઠલો ખોટા પોરો ન ખાય. લાકડાના વેઢા પણ એવા કે છીણીની ધાર ભાંગે પણ એમાં લીંટો ન પડે, પણ એ તો વિઠલો વેઢાળો કે વેઢા તો શું, પણ એના બાપાનેય ફાડી નાખે. ખૂબ થાક લાગે ત્યારે વિઠલો પોરો લે, છાંયે બેસે અને હોકલી સળગાવે. એના બાપ જેમ વિઠલો પણ હોકલી પીતો.
વિઠલો ઘણ પછાડે ત્યારે ધરતી ધમધમે. છીણીની માથે હથોડા પડે તો જાણે લોઢું તૂટી જશે. અને હાથમાં જોર એવું કે ઘા આઘો પાછો ગયો તે ભેાંમાં પા હાથ ખાડો પડી જાય.
પણ વિઠલાના આવાં જોર કેટલા દિ' ચાલવાનાં ? આટલી મહેનત પાછળ ખાવાનું તો કે રોટલો ને મરચું, શાક ને છાશ, ઘી દૂધનું તો વિઠલાથી નામ ન લેવાય. વાર પરબે ભાળે ઈ ભાળે. મોટી વખારોની વખાર વિઠલો લાકડા ફાડીને ભરીદે ને લાકડાવાળો હજારો કમાય પણ વિઠલાના તો છ કે આઠ આના બ્રહ્માએ લખ્યા એ લખ્યા. બ્રહ્મા પણ જબરો !
વિઠલો એવડો ને એવડો થોડોક રહે છે ? જુવાનમાંથી આધેડ અને આધેડમાંથી ઘરડો થયો તોયે વિઠલો લાકડાના વેઢા ફાંડે છે. એના જેવો બીજો કોઈ વેઢા ફાડી જાણે નહિ. ઘરડો વિઠલો - દમ લેતો વિઠલો – એ પેલી છાપરી નીચે નીચે વેઢા ફાડે. હમણાં તે થાક ખાવા બેસશે. હોકલી પીશે ને વળી પાછો ખોં ખેાં કરતો લાકડા ફાડવા માંડશે. હવે તો એનો હાથ પાતળો પડી ગયો ગયો છે. નસેનસુ દેખાય છે ને હથોડો ઉપાડે છે, ત્યારે પેટ ને છાતી ઊંચા થઈ જાય છે ને વારે ઘડીએ વિઠલાને ઉધરસ આવે છે.
સાંજ પડશે ને વિઠલો ઘેર જશે. જતાં જતાં પાંચ છોડિયાં માગી લેશે. જિંદગીમાં એણે સમ ખાવા એક પણ છોડિયું નથી ચોર્યું.
હમણાં વિઠલો થાક્યો પાક્યો ઘેર જશે. ખાટલીએ બેસશે. દસ વરસના ગગાને અને ત્રણ વરસની ગગીને રમાડશે અને વાળુની વાટ જોશે.
વિઠલાની વહુ બહુ સારી છે. જેવા છે એવા ગરીબ સંસાર સંતોષથી ચલાવે છે ને મજા કરે છે.
વિઠલો ખાતો ખાતો એના બાપા અને એની બાની વાતો કરે છે અને છોકરાને કહે છે કે : “ભા, એક છોડિયું સરખું યે ચોરીશ નહિ અને 'કોઈ દિ' પણ કામનો ચોર થઈશ નહિ.