પ્રકરણ ૬.
રાજેશ્વરમાં રાજ-ખટપટ.
॥ तटस्थ: स्वानर्थान् घटयति च मौनं च भजते ॥
સુવર્ણપુરનું રાજતંત્ર ઘેનમાં પડ્યું હોય તેમ પોતાની મેળે ચાલ્યું જતું દેખાતું હતું અને રાણો તથા અમાત્ય બે શિવાય સર્વ મંડળ ખરેખર ઘેનમાં જ હતું. જોનારને મન એમ જ વિચાર થતો કે આ ઘેન સ્વાભાવિક રીતે આવ્યું હશે અને તેના મન ઉપર અસર થાય એ પણ જાગનારને ઇષ્ટાપત્તિ જ હતી.
આ સર્વે નાટકનો સૂત્રધાર બુદ્ધિધન હજી પડદામાં જ હતો અને વેશધારીયો પણ તેને પોતાના જેવો જ સમઝતા હતા. અમાત્યનું રાણા પાસે ચાલે છે એ શિવાય બુદ્ધિધનને વાસ્તે બીજો અભિપ્રાય કોઈને હતો નહી, પરંતુ આ કુંચીને બળે રાણો જરાપણ–ચાલે-ચલવે-છે-કાંઈ ૫ણ કરે છે એમ કોઈના મનમાં પણ આભાસ થવા પામ્યો ન હતો. સર્વ એમ કલ્પતાં હતાં કે આપણે આપણી મેળે જ ચાલીયે છીયે. પરંતુ આ સર્વ શાંતિનો પણ સૂત્રધાર હતો. પોતાની રંક અવસ્થામાં સળગેલા વૈરનો તનખો તેના મનમાંથી કજળી ગયો ન હતો. પરંતુ તેની હયાતી ભૂપસિંહને પણ ખબર ન હતી. રાણો એમ જ સમઝતો કે બુદ્ધિધન મ્હારી ઈચ્છાઓનો સેવક જ છે અને તેમ ગણી તેના ઉપર નિર્મળ પ્રીતિ ૨ાખતો. પરંતુ બુદ્ધિધને તો ભૂપસિંહને અને તેના સર્વ રાજ્યતંત્રને પોતાના ઉંડા વૈરને સફળ કરવાનું સાધન કરી દીધું હતું. હળવે હળવે એ વૈરભાવની વચ્ચોવચ્ચ નિ:સ્વાર્થ રાજભક્તિ અને મિત્રતા, મહત્તાને અભિલાષ, અને એવા એવા બીજા રમણીય વૃક્ષ ઉત્પન્ન થતા હતા એ ખરું. તો પણ વેરભાવ શાંત થયો ન હતો અને વૈરીયોનાં નિત્ય દર્શનથી તે દૃઢ થતો હતો. ભૂપસિંહનો વૈરભાવ એ પોતાના વૈરભાવનું માત્ર સાધન હતું, જાતે કાંઈ પણ કરવું નહી-કશામાં દેખાવું નહી, પરંતુ સર્વ ફળ સાધન દ્વારા લેવાં; પોતાનો હાથ કોઈ ઠેકાણે દેખાય નહી પરંતુ સર્વના હાથ પોતાના જ ચલાવ્યા ચાલે - ટુંકામાં સૂર્યચંદ્રની પેઠે પોતે આાઘાં ઉભાં રહી અદૃષ્ટ રીતે આખા સમુદ્રની પાસે પછાડા મરાવવા અને પોતે તો માત્ર સર્વ જોયાં કરવું અને ધાર્યું થયું જેવું એ ભૂપસિંહના અમાત્યની પ્રકૃતિ-નીતિ હતી. આમ સ્વાભાવિક રીતે અદૃષ્ટ સાધનો
- *પૃષ્ઠ ૨૧ સાથે અનુસંધાન.
ન જોઈ શકનાર સાધનભૂત ભૂપસિંહ અધીરો બની નિષ્કર્મ જેવા દેખાતા અમાત્યની નીતિનો વેગ અને તેનાં નિર્માણ પામેલાં ફળ ચચ્ચાર વર્ષ સુધી ન દેખાતાં જેઈ ધુંધવાતો હતો અને તે જોઈ અમાત્ય પોતાનું એક સાધન દૃઢ થયું માનતો હતો.
સોનેરી ગલીચા ઉપર મહાદેવનું બાણું દેખાય એમ ભૂપસિંહ એક તકીયાનું અઠીંગણ દેઈ બેઠો હતો; જુની અવસ્થાના કરતાં આજે સ્વાભાવિક રીતે તેનાં વસ્ત્રમાં, શરીરમાં, મ્હોંમાં, અને સ્વભાવમાં ફેર પડી ગયો હતો. જડસિંહના કારભારીથી કંટાળેલા ગરાસીયાને ક્ષુદ્ર મુત્સદ્દીની ગરજ પડી હતી તેમ જ પોતાના કારભારીથી કંટાળેલા રાણાને અમાત્યની ગરજ હતી. પણ એ ગરજનો દેખાવ પ્હેલાં જુદા હતો અને આજ જુદો હતો. ભાઈબાપા, સમાનભાવ, દેખીતી એક પાસની ગરજ, અને સ્વાર્થ દેખાડી જોરથી કરવામાં આવતી મિત્રતા; તેને ઠેકાણે આજ અધીરાપણું, હુકમ, અને રાજા પ્રધાનનો અરસપરસ સ્નેહ અને ધર્મભાવ, એ સર્વે સ્પષ્ટ દેખાતાં હતાં અને વચ્ચે વચ્ચે જુના સંબંધના ફુવારા ફુટતા હતા.
“બુદ્ધિધન, તમે આજસુધી કાંઈ ન કર્યું. આ ત્રણ ટકાનો શઠરાય જેણે મને આટલું આટલું દુ:ખ દીધેલું તેને આામ મ્હારી પાસે આવી બેસતો જોઉં, મ્હારો કારભારી કહું, મ્હારું રાજય સોંપું - એવું એવું હું કેટલા દિવસ ખમી શકું ? મ્હારા ગરાસમાંથી ખાઈ જનારને ગરદન ન મારવા જોઈયે ? તમે જયાંસુધી એની બાબત કાંઈ કરશો નહી ત્યાંસુધી મને સંતોષ નથી:” એમ કહી બોલતાં બોલતાં ઉંચો થયલો રાણો પાછો તકીયા પર પડ્યો અને અમાત્ય સામી આંખો ક્હાડી જોઈ રહ્યો.
બુદ્ધિધન રાણા સામે ઉંધે પગે બેઠો હતો તે જરીક હસ્યો અને બોલ્યો : "રાણાજી જરા ક્ષમા રાખો. આપને ગાદી મળે તેમાં આપના શત્રુને એટલો લાભ ન મળે ? અપકારને બદલે ઉપકાર ઘટે." કહી પાઘડી હેઠું મુકી નિરાંતે બેઠો.
રાણો મ્હોટે સાદે હસી પડ્યો. “વાહ વાહ ! વાહ વાહ ! એ તો આજ જ જાણ્યું. પણ અપકારને બદલે ઉપકાર અને ઉપકારનો બદલો અપકા૨ એમ ઉલટ સુલટ કરવાનું તો તમને મુત્સદ્દીયોને જ સોંપ્યું, હોં ! અમે તો એક વટવાળા. જીવાડતાને જીવ આપીયે ને મારતાને તો મારીયે જ. તમે મિત્ર અને એ શત્રુ–બેને એક અસ્ત્રે ન–, ખાજું ને ભાજી ને ટકે શેર થાય તે તો અંધેરી નગરીમાં જ. નિશાળીયાએ એ તો જાણે !”
“બહુ સારું, ત્યારે હવે હુકમ ! કારભારીને કાલે બરતરફ કરવો હોય તો તે આપના જ હાથમાં છે. ” “હવે એ મશ્કરી જવા દ્યો. શું ધાર્યું તે ક્હો.” બન્ને જણ શાંત અને ગંભીર બની ગયા અને બુદ્ધિધને ભાષણ આરંભ્યું.
“રાણાજી ! ઇચ્છાઓ ઉતાવળથી અને ધીરે ધીરે બે રીતે પાર પડે છે. પરંતુ ઉતાવળથી ફાલેલી વનસ્પતિ તરત સુકાઈ જાય છે. અને ધીરે ધીરે ઉગતા વૃક્ષનાં મૂળ જમીનમાં ઉંડાં ઉંડાં પેસે છે. દાખલો જુવો. શઠરાયનાં મૂળ કેટલાં ઉંડાં છે ? આપ ગાદીએ બેઠા ત્યારે સર્વે અધિકારી મંડળ એનું હતું. રાજ મહેલનાં માણસો એનાં જ હતાં. એજંસીમાં અને મુંબાઈ સરકારમાં તે પંકાયેલો છે. છાપાંઓમાં તેની કીર્ત્તિ ઘણી છે. બાસ્કિન સાહેબને ઠેકાણે રસલ સાહેબ આવ્યા તેમનો એના ઉપર વિશ્વાસ જણાય છે. મને પણ પોતાનો કરવા એણે કેટલી યુક્તિયો કરી છે ? જો એને આપણે એકદમ ક્હાડ્યો હત તો એ કોચેલું ગુમડું ભરનીંગળ થઈ જાત. હજારો તરકટ રચત, ખટપટો ઉભી કરત, રાજ્યમાં અને સરકારમાં શક્તિ અજમાવી વિધ્નો નાંખત ! તમારી પ્રતિષ્ઠાનો ઉગતી અવસ્થામાં નાશ ક૨ત. એમ શું શું ન થાત ! એ સઉ ઉતાવળથી થાત.”
“ હાસ્તો ? ખરી વાતઃ ” નરમ બની ભૂપસિંહ બોલ્યો, અને ફુંફાડા મારતો ૨જપુતનો મીજાજ સાંડસામાં અાવ્યો જોઈ તેને યોગ્ય ઠેકાણે આણવા ચતુર પકડનાર ધીરજથી યત્ન કરવા લાગ્યો.
“ત્યારે એનાં ઉંડાં ગયેલાં મૂળ પૂરેપુરાં ઉખાડી નાંખી આપણાં મૂળ ઉંડાં નાંખવાં એમાં બહુ વખત જોઈયે, અને બહુ ધીરજ જોઈયે.”
રાણો જરાક નિરાશ દેખાયો અને નરમ બની તકીયા પર પડ્યો.
“પણ હવે અડચણ નથી. આપણું કર્ત્તવ્ય કામ ઘણું ખરું થઈ ગયું છે. ઈમારતનું ખોખું તૈયાર થઈ ગયું છે અને ઈંટો ચણાઈ ગઈ છે. હવે તો ઉપરઉપરનું કામ બાકી છે–માત્ર 'પલાસ્ત૨' કરવું અને એવું એવું કરવાનું રહ્યું છે.”
ભૂપસિંહ પાછો ટટાર બેઠો અને બરોબર ધ્યાન આપવા તત્પર થયો અને બોલ્યો, “ ઠીક, ચાલો.”
બુદ્ધિધને અલંકારશાસ્ત્ર પડતું મુક્યું અને સ્વાર્થ-વાર્ત્તાના ૨સમાં ડુબતા રાણાની આંખ આાગળ હકીકતની કાયા ઉઘાડી કરવા માંડી.
“મ્હારો અને આપનો સંબંધ એ હવે ઢાંકી શકાય એમ નથી. હું આપની સાથે આવ્યો ત્યારથી એ વાત સઉ જાણે છે. શઠરાયને સ્વાભાવિક રીતે મ્હારાઉપર વિશ્વાસ નથી પરંતુ તે મીઠા બોલો છે અને આપણા તરફથી એના ઉપર દેખીતો ઘા થયો નથી ત્યાંસુધી એને અવિશ્વાસ સંપૂર્ણ નથી. અને એ વાત સારી છે. હું એના કારભારમાં વચ્ચે પડતો નથી દેખાતો એથી એની સર્વ ખટપટ આજસુધી શાંત રહી છે પણ સદા કાળ એમ નહી રહે. અને એ ખટપટ કરવા પ્રયત્ન કરે ત્યારે તે લુલી થાય એના ઉપાય આપણે કરેલા જ છે. નરભેરામને એના સેક્રેટરીની જગા આપેલી છે. એ એના સ્વભાવ પ્રમાણે મ્હારી પણ ચેષ્ટા કરે છે અને મ્હારી નિંદા થતી હોય છે ત્યારે સામીલ રહે છે. આથી કારભારીને વિશ્વાસ એના ઉપર સજડ ચ્હોંટી ગયો છે. પરંતુ આપને ખબર છે કે એ આપણો જ માણસ છે. એણે મેરુલા સાથે દોસ્તી કરી છે અને દુષ્ટરાય પોતાની અને પોતાના બાપની જે જે બડાશો અને છાની વાતો રુપાળીપાસે કરે છે તે આપણી પાસે ચાલી આવે છે. ન્યાયાધીશ કરવતરાય અને કારભારી, બે ભાઈયો અને ત્રીજો ફોજદાર દુષ્ટરાય મળી ગરીબ પ્રજા ઉપર જે જે જુલમ કરે છે તેના આપણે આજ આંખ આડા કાન કરીયે છીયે એટલે એ લોક વધારે વધારે નિરંકુશ થાય છે એટલે એ સઉના પાપનો ઘડો એની મેળે નહીં ફુટે તો જ્યારે ઇચ્છા હશે ત્યારે એક ટકોરો માર્યે ફુટશે. ટકોરો ક્યારે મારવો એ આપણી ઈચ્છાની વાત છે. એના નિરંકુશ બનવાથી પ્રજા બળી ૨હી છે. રાજા સારા પણ પ્રધાન ખોટો - એ સઉનો વિચાર થઈ ગયો છે, અને તેમના પોકારનો ભડકો ફુંક મારતાં સળગી ઉઠશે. કારભારીને ક્હાડવાનું જગતની અને સાહેબની આંખે આ એક સબળ કારણ થશે. આપનો કોઈ દોષ નહી ક્હાડે અને પડેલા ઉપર પ્રજા પાટુ મારવાની.”
“હાથી પાછળ કુતરાં ઘણાં ભસે એ આપણી શીખામણ કારભારીને ગમી જવાથી તે દિવસે મુંબાઈનાં છાપાવાળાંઓ રુપીઆ માગતા હતા ત્યારે તેણે આપ્યા નહી. કારભારી મુંબાઈ ગયો હતો ત્યારે એક બે છાપાવાળાઓ આવ્યા હતા તેને નરભેરામની ઉશકેરણીથી મેરુલાએ કારભારીને નામે અપમાન આપ્યું. પ્રજામાંથી કેટલાંક માણસો મુંબાઈ રહે છે તેને આપણી તરફથી આવકાર મળે છે. પણ શઠરાયને રાવણના જેટલું અભિમાન છે અને આવાં માણસો સાથે ભારેખમ રહે છે એટલે તેને મળી પાછા જતાં તેઓ તેને ધિક્કારે છે અને કેટલીક વાર તો નરભેરામ તેમનો અને કારભારીનો મેળાપ પણ થવા નથી દેતો. બીજા સીપાઈયો તેનું અનુકરણ કરે છે. આ સઉની અસર જોવી હોય તો આ છાપું વાંચજો. એમાં છપાયું એટલે જુઠામાંથી સાચું ચાળી ક્હાડવા કોઈ બેસતું નથી. પરંતુ તેના લખાણનું વજન સરકાર અને લોકમાં કેવું રહે છે તે પ્રસંગ પડ્યે બતાવીશ.”
"રસલ સાહેબ લશકરી માણસ નથી. બાસ્કિન્ સાહેબની પેઠે તેમનું અંત:કરણ સમઝાય એમ નથી. કોઈને નકામું અપમાન આપવું અથવા નઠારાને નઠારો ક્હેવો એ એમની પ્રકૃતિ નથી. શઠરાયના ઉપર એમનો વિશ્વાસ છે એમ આપની અને જગતની જાણમાં છે પણ સાહેબ ઉંડા છે. તરકડીના છોકરા બાબતનો ઠરાવ ખાસ દફતરમાં છે. તે સાહેબના જાણવામાં છે. એ બાબત આ લીલાપુરથી કાગળ આવ્યો છે તે નિરાંતે વાંચજો.”
"પ્રજાનો પોકાર સાહેબ પાસે કાંઈક ગયો છે. આપ જશો ત્યારે સાહેબ એ વાત ક્હાડશે. કારભારીની નિંદા કર્યા સિવાય ખરી વાત કેમ કરવી તે હું કાલ વિચારી ક્હાડીશ. હાલના સર્વ કારભાર બાબત જુમ્મો કારભારીને શિર છે.”
“પેલા વાણીયાના કામમાં કરવતરાયે જુલમ કર્યો તે બાબત વાણીયાને સાહેબ પાસે મોકલવા યુક્તિ કરી છે, વાણીયાને લાભ કાંઈ નહી થાય પરંતુ એ કામ સરકાર મારફતે આપની પાસે આવશે એ ઠીક પડશે.”
“હળવે હળવે દરબાર અને મ્હેલમાંથી સઉ જુનાં માણસોને વધારે પગારે દૂર ક્હાડ્યાં છે અને નવાં માણસ આપણાં છે એ આપને ખબર છે. શઠરાય તેમને પોતાનાં કરવા મથે છે અને જો એ સઉ વાત એમની જ મારફત આપણી પાસે આવે છે.”
“ગરબડદાસનો કેવો ઉપયોગ થવાનો છે તે આપને ખબર છે. એ ઉપયોગ કરવાનો વખત હવે આપની ઈચ્છા છે તો આવે છે. તમે સાહેબને મળી આવો એટલે સઉ વાત ઉપાડીયે.”
'રીપોર્ટ' પુરો થઈ રહ્યો એટલે રાણાએ આળસ મરડ્યું અને મ્હોં મલકાવી ઉભો થયો. બુદ્ધિધન પણ ઉભો થયો અને ઉઠતાં ઉઠતાં બોલ્યો “આપણી પાસે ખેલનાં બધાં સાધન છે. ખામીમાં એક ઈંગ્રેજી ભણેલો અને ગણેલો માણસ જોઈયે.”
“ઠીક, ઠીક, એ તો હવે જોજો. સરત રાખજો કે શઠરાયને બીજાં બે ચાર વરસ ન મળે.”
“રાણાજી, ધીરજ રાખો. વખત આવ્યે પ્રસવ એકદમ થાય છે અને જગત જાણે છે, પણ માના પેટમાં ગર્ભ પાકતાં નવ માસ લાગે છે અને તે ક્રિયા શી રીતે થાય છે તે કોઈથી સમઝાતું નથી. લીલાપુરમાં કેટલાં વર્ષ થયાં ત્યારે ગાદી મળી ? ” “ હા, એ ઈશ્વર અધીન વાત હતી.”
“ શઠરાયે પર્વતસિંહનું કરાવ્યું એમ તમે જડસિંહનું કરાવ્યું હત તો તમારા હાથમાં હતું.”
૨ાણો મ્હાત થયો.
“ઠીક, ભાઈ પ્રસવકાળ અાણો. પણ એ યે પ્હેલથી જણાય છે હોં ! છોકરાવાળું પેટ ઢાંકયું નથી ર્હેતું. ”
“પણ આ તો વગર પેટે છોકરું આવવાનું છે.”
રાણો ફરી મ્હાત થયો.
"બહુ સારું. તમે કહો-કરો તે ખરું. ”
આગળ રાણો અને પાછળ અમાત્ય એમ બે જણ ચાલ્યા. પાછળ ચાલતાં ચાલતાં બુદ્ધિધન બોલ્યો, “ રાણાજી ! હવે થોડા દિવસમાં સઉ જણાશે. ” ફરી પાસે જઈ કાનમાં કેટલીક વાત કરી.
ભૂપસિંહ ખુશ થયો, પાછો ફર્યો, પ્રધાનનો વાંસો થાબડ્યો, અને મંદિર બહાર નીકળ્યો.
“નીઘા રખો, મ્હેરબાન ”– બુમ પડી. ગાડીમાં બેસી, ગાડીનાં ચક્ર, ઘોડાઓની ખરીઓ, અને સવારોની તરવારોના ખડખડાટ ભડભડાટ સાથે સવારી ચાલી. ગાડી નજર બહાર થઈ જોઈ બુદ્ધિધન પાછો અંદર ચાલ્યો. મંદિરનાં પગથીયાં પર ઉભો ૨હી, દાઢીયે હાથ મુકી, વિચા૨માં પડી, બોલ્યો: “ઈશ્વર ! હું કાંઈ કરતો નથી. અા સઉ તું જ કરે છે.”
છાતી પર હાથ મુકી બોલ્યો, “ ઈશ્વર, મ્હેં કોઈનું નુકસાન – વગર - કા૨ણ નુકસાન – કર્યું નથી – ક૨ના૨ નથી. યોગ્ય કારણસર નુકસાન કરવું – તે તો તું એ ક્યાં નથી કરતો ? અંતઃકરણને દીલાસો મળ્યો. તેમાંથી ખુંચ નીકળી ગઈ તે સાફ થતાં જાગ્યો હોય તેવો બની ચારે પાસ નજ૨ કરી બુમ પાડી, “ દત્ત ! દત્ત !”
મૂર્ખદત્ત ઉતાવળો ઉતાવળો આવ્યો. તે રસોઈ કરી રહ્યો હતો અને રાણો કલાક બેઠો હતો એટલે મૂર્ખદત્તને પણ અંદર ભરાઈ રહેવું પડ્યું હતું. અંદર ગયા પછી સાંભર્યું કે નવીનચંદ્ર પણ વાડામાં છે અને અમાત્ય કુટુંબ પણ ત્યાં ગયું. ગભરાયલો ગભરાયઓ ઉઠયો અને રસોઈની ઓરડીમાંથી એક જાળીયું બ્હાર તળાવમાં પડતું હતું ત્યાંથી અંગુઠાપર ઉભો ૨હી બે હાથે જાળીના સળીયા ઝાલી જોવા લાગ્યો. સારે ભાગ્યે નવીનચંદ્ર વાડામાં ઝાઝી વાર ન રહેતાં તળાવમાં ન્હાવા પડ્યો હતો અને ન્હાઈ રહી ઓટલા પર ઉભો રહી દીલ ૯હોતો હતો. બુમ ન પાડવી ઠીક કરી દત્તે ઝપ લઈ ભોંય ઉપરથી લીંપણુના પોપડા ઉખાડીન નવીન ચંદ્ર પર ફેંક્યા. જાળી બહાર હાથ નીકળતો ન હતો એટલે પોપડા ખરેખર વાગ્યા નહી. આખરે એક પોપડો બરોબર ન્હાયેલા નવીનચંદ્રના વાંસા પર પડી, વાગી, ભાંગી ગયો. નવીનચંદ્ર ચમક્યો અને પાછળ ફરી ઉંચે અાંખો ચ્હડાવી જુવે છે તો દત્તને દીઠો અને જાળીયા પાસે ગયો. દત્તે રાણો તથા અમાત્ય અને એનું કુટુંબ આવ્યાના સમાચાર ધીમે સાદે કહ્યા અને સૂચના આપી કે “ સઉ જાય ત્યાં સુધી વાડામાંએ ન જશો અને મંદિ૨માંએ ન અાવશો. રાણાને જોવા હોય તો પેલી પાસ થઈ દરવાજા આગળ ઉભા રહેજો” એમ કહ્યું. નવીનચંદ્રે વખત ગાળવા ગાંસડી છોડાવી એક ચોપડી માગી. દત્ત ચમક્યો અને આ વળી પંડિતની પેઠે ચોપડી માગે છે તે શું એમ વિચાર કરતાં કરતાં અાપી. ઝાડની ડાળીમાં પોતાનું ભીનું પોતીયું ધોઈ નચોવી મ્હોંપર છાંયડો આવે એમ નવીનચંદ્રે સુકવ્યું. અને શીયાળાની સવારનો તડકો સારો લાગવાથી ધડ તડકામાં રાખી ચોપડી વાંચતો બેઠો અને વચમાં વચમાં આસપાસનો દેખાવ જોવા લાગ્યો. મૂર્ખદત્ત રસોઈમાં પડ્યો, પરવાર્યો, અને અમાત્યે બોલાવ્યો તે સાંભળી બહાર આવ્યો. ડોકું ઉંચું કરી બોલ્યો, “ જી !” ઘુમટામા જીકારના પડઘા થયા.
બુદ્ધિધન:“કેમ ? કેમ આજ કોઈ આવ્યું નથી કે ?”
મૂર્ખદત્તઃ “અલકબ્હેન અને ભાભીસાહેબ આવ્યાં છે ને.”
" કયાં છે ?"
“ વાડામાં પધારો. રાણાજી અાવ્યા હતા એટલે તાળું વાસ્યું હતું.” અાગળ તપોધન દોડ્યો અને પાછળ અમાત્યે ચાલવા માંડ્યું.
“ હાલ કોઈ ઉતારુ નથી કે ધર્મશાળામાં ? ”
“ હાજી, એક જણ છે તળાવ પર કે ઓટલે બેઠા હશે.” તાળું ઉઘાડ્યું અને બારણું ઉઘાડ્યું.