shabd-logo

રખાવટ

23 October 2023

7 જોયું 7

રખાવટ

કુંકાવાવ ગામના અવેડા ઉપર પચીસ ઘોડાં ચહક ચહક પાણી પીએ છે. અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાનાં શરીર પરસેવે રેબઝેબ છે, તેમ જ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયાં છે. આખી વહાર કોઈ પંદર-વીસ ગાઉનો લાંબો પંથ કરીને ચાલી આવતી લાગે છે. પ્રાગડના દોરા ફૂટતા હોવાથી કુંકાવાવ ગામના ખેડુઓ સાંતી જોડી વૈશાખ મહિનાને ટાઢે પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ઉતાવળ ચાલ્યા જાય છે.

“આંહીંથી દેરડી હજી કેટલી રહી ?” અસવારોમાં જે મોવડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું.

“બાપુ, દેરડી હજી ત્રણ ગાઉ આવી રહી.” પાસવાનોએ જવાબ દીધો. દેરડી ગોંડળ રાજનું ગામ છે.

“ઓહોહો ! હજી ત્રણ ગાઉ !”

“બાપુ, ઘોડાં દબાવ્યાં એટલે દેરડી આવ્યું સમજો ! ને જરા ચોંપથી લીધ્યે જશું.”

“પણ, ભાઈ, મને તો ચાર દિ’ની લાંઘણ હોય એવી ભૂખ લાગી છે. હવે રગું ત્રુટે છે.” ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું. એની આંખમાં અંધારાં આવી ગયાં.

“ખમા બાપુને ! હવે દેરડી ઢૂકડી જ છે બાપુ વાટ જ જોતા હશે. જાતાવેંત શિરામણી ઉપર બેસી જઈએ. અહીં અંતરિયાળ તો બીજું શું થાય ?”

આમ વાતો થાય છે અને ઘોડાં પાણી ચસકાવી ચસકાવીને લાદ કરે છે ત્યાં એક ખેડૂતે પોતાનું સાંતી ઊભું રાખ્યું. પાછલા અસવારને પૂછી ​લીધું કે “કયા ગામના દરબાર છે ?”

“ગોંડળ-ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભા છે.”

“તે શું છે ?”

“ભાઈ ભૂખ્યા થયા છે.”

એટલું જાણીને તુરત જ પટેલ કુંવર તરફ ફર્યો; રામ રામ કરીને કહ્યું કે “બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડળનું જ ગામ છે ને ! આંહીં ક્યાં વગડો છે ? સહુને ઘેર ગોંડળનો જ પ્રતાપ છે. પધારો ગામમાં.”

“પણ બાપુ વાટ જોઈ રહેશે”

“અરે, બાપુ, ધુબાકે રોટલા થઈ જાશે. નાડા-વા સૂરજ ચડે એટલે ચડી નીકળજો ને ?”

“સારું, ચાલો ત્યારે.”

તરત પટેલે સાંતી પાછું વાળ્યું. મોખરે પોતે ને પાછળ પચીસ અસવારોનો રસાલો : એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી. ચોપાટમાં ઢોલિયા ઢાળી, માથે ધડકીઓ પાથરી, ગોંડળના કુંવરને બેસાડ્યા. ચૂલો ચાલતો થયો. ભેંસો દોવાઈ ગઈ. દળેલી સાકરની ડબરીઓ ભરાઈ ગઈ. ગોંડળના કુંવરે બે બગાસાં ખાધાં ત્યાં તો પટેલે સાદ કર્યો કે “લ્યો, પધારો બાપુ, બાજઠ માથે.”

કણબીએ ઊલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરની મીઠપભરેલી મહેમાની માણીને કુંવર ઊભા થયા. કોઠો ઠરીને હિમ થઈ ગયો. પોતાની વસ્તીને આવી. હેતાળ અને આવી રસકસભરી જોઈ પોતાને મનમાં મોટી મૉજ આવી ગઈ. મનમાં થયું : “અરે, હું આવતી કાલનો ગોંડળનાં બારસો પાદરનો ધણી આજ જેને ઘરે હાથ એઠા કરું, એની સાત પેઢીનું દાળદર ભુક્કા ન થઈ જાય તો ગોંડળનું બેસણું લાજે ને !’

“પટેલ, ગામના તળાટીને બોલાવો.”

તળાટી વાણિયો આવ્યો.

“તળાટી, દોત, કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો.”

તળાટી કાગળિયો લાવ્યો.

“હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા તે પટેલને ઘેર ​આજરોજ શિરામણ કરવા ગયા તે બદલ કુંકાવાવ ગામને ઓતરાદે પડખે ચાર વાડીના કોસ ચાંદો-સૂરજ તપે ત્યાં સુધીને માટે માંડી દીધાં છે અને તે અમારા વંશવારસોએ પેઢી દર પેઢી પાળવાના છે. ન પાળે એને માથે ચાર હત્યા.”

તળાટી તો લખાવ્યું તેમ લખતો જાય છે. વચ્ચે વચ્ચે માથું ઊંચું કરીને પોતાનાં ભાંગેલ ડાંડલીવાળા ચશ્માંની અંદરથી પટેલની સામે આંખના મિચકારા મારતો જાય છે. પટેલનું મોં આ બધી મશ્કરી દેખીને ઝંખવાણું પડતું જાય છે. એમ કરતાં દસ્તાવેજ પૂરો થયો. તળાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી છાંટી ખોંખારો ખાઈ, આગળ ધર્યો અને કહ્યું : “લ્યો બાપુ, મારો મતું.”

પથુભા કુંવરે પોતાની સહી કરી. દાઢ ભીંસીને તળાટી બોલવા લાગ્યો કે “વાહ ! રંગ છે ગોંડળના ખોરડાને ! એ તો એમ જ છાજે ને ! જેને પાણીએ બાપુ હાથ વીછળે એનાં દાળદર તો દરિયાને કાંઠે જ વયાં જાય, ને ! રંગ છે બાપુને !”

વાણિયો બોલે છે અને એને વેણે વેણે પટેલના મુખ પરની અક્કેક કળા સંકેલાતી જાય છે. કુંવરની ભ્રમણા ભાંગવા માટે પટેલ તલપાપડ થઈ રહ્યો છે, પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારી ભોંઠામણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો. થોડી વાર રહીને કુંવર ઘોડે ચડ્યા. પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કરી દેરડી ઉપર ઘોડાં હાંકી મૂક્યાં.

“લ્યો, પટેલ, આ ચાર વાડીનો દસ્તાવેજ ઘોળીને પી જજો.” એમ કહીને તળાટીએ સરખી ઘડ્ય વાળી કાગળિયો પટેલને આપ્યો. “લ્યો, સમજ્યા ને, પટેલ, આ દસ્તાવેજ દૂધમાં ડોઈને શિરાવી જાજો.”

પટેલ શું બોલે ? પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મૂંગા રહ્યા એટલે તળાટીને વધુ શૂરાતન ચડ્યું.

“ડોઈને પી જાજો, સમજ્યા ને? સાત પેઢી સુધી ચાર વાડિયુંના ઘઉં ચાવજો; સમજ્યા ને ? હા...હા...હા...! જોજો, ગગો ચાર વાડિયુંના કોસ દઈ ગયો ! જાણે બાપાની કુંકાવાવ હશે, ખરું ને ? બાપુ જગા વાળાનું ગામ, ​અને એની ચાર વાડિયું ગગો ઇનામ દેતો ગયો ! લાજ્યો નહિ ?”

“અરે પણ, શેઠ, તમે તો આ શું લવરી કરો છો ? એને બાપડાને ખબર નહોતી અને ભૂલ કરી તો શું થઈ ગયું ? તમે પોતે કેવા મૂરખ કે એને વાતનો ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને મંડ્યા દસ્તાવેજ ઢરડવા !”

“હં....! પટેલ ! હું સમજું છું. શેર ચોખા વાવર્યા, ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે !”

“અરે માળા લબાડ ! તું તે શું રાળી રહ્યો છો ? આપણા ગામને પાદરથી અઢાર વરણનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહિ, તો પછી આ તો ગોંડળનો ગાદીવારસ હતો ! એમાં મને શું લાલચ હતી ? જરાક ભગવાનનો તો ભો રાખ !”

“હં... અં ! અમે સમજીએં છીએં, પટલ, તમારે ગામ જોતું’તું, તે લ્યો. આ દસ્તાવેજ ડોઈને શિરાવી જાજો, કોઠો ઠરશે, સમજ્યા ને !”

કાળજું કાપી નાખે તેવાં મર્મનાં વચનો કાઢતો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો, અને પટેલ પણ પેટમાં કશા દુઃખધોખા વગર પાછો સાંતીડું જોડીને કામે વળગ્યો. પરંતુ વાત તો વાએ જેતપુર પહોંચી ગઈ. જેતપુરના ભાગીદાર જગા વાળાને જાણ થઈ કે આપણી કુંકાવાવની અંદર ગોંડળના પાટવી કુંવર પથુભાએ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલભૂલથી ચાર વાડીઓ પટેલને ‘જાવચ્ચંદ્ર દિવાકરૌ’ માંડી દીધી. અને તે પછી બાપડા પટેલને માથે ગામના તળાટીએ માછલાં ધોયાં.

ખડ ! ખડ ! ખડ ! ખડ ! આખો દાયરો ગોંડળના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગા વાળાએ પણ જરાક હોઠ મરકાવ્યા.

“પણ, બાપુ, તળાટીએ પટેલને બહુ બનાવ્યા. ગામ આખાને ભારે સુવાણ કરાવી.”

“એમ કે, બા ! ઠીક, ત્યારે તો આપણેય રમોજ લઈએં. આંઈ બોલાવો ઈ પટેલને અને તળાટીને. ઓલ્યો દસ્તાવેજ પણ સાથે લાવવાનું લખજો.”

આ રીતે દરબારે હુકમ દીધો. દરબારના મન ઉપર કાંઈક કોચવણ ​પણ દેખાણી.

માણસ કુંકાવાવ ગયો. તળાટીને કહે છે કે બાપુ તેડાવે છે.”

“કાં ?”

“ઓલ્યો દસ્તાવેજવાળો સુગલો કરવા.”

તળાટી હરખમાં આવી ગયો. પોતાની ગમ્મત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાની વાત સાંભળીને તરત જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે ? ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું. રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો.

દાયરામાં જઈને બેય જણા ઊભા રહ્યા ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો. પટેલ નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ.

બાપુએ પૂછ્યું કે “કાં તળાટી, શી હકીકત બની ગઈ ?”

“બીજું શું, બાપુ ! પટેલને આપણા ગામની ચાર વાડિયું ઇનામમાં મળી.”

“કોના તરફથી ?”

“ગોંડળના પાટવીકુમાર તરફથી.”

“તે હવે શું ?”

“હવે પટેલ દસ્તાવેજને ડોઈને શિરાવી જાય, બીજું વળી શું ? ક્યાં લીલાંછમ માથાં વાઢીને કુંકાવાવ લેવા પથુભાનો દાદો આવ્યો'તો ? માટે, પટલ ! ડોઈને પી જાઓ, સમજ્યા ને ?”

“જોઉં કાગળિયો !” એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો, વાંચ્યો. એની મૂછો ફરકવા મંડી, કહ્યું : “ઠીક, લાવો. એક ત્રાંબાનું પતરું.”

પતરું હાજર થયું.

“આ દસ્તાવેજનું વેણેવેણ એ પતરામાં કોતરી કાઢો, અને નીચે. ઉમેરો કે કુંવર પથુભાએ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢીએ જેતપુરની ગાદી તપે ત્યાં સુધી પાળવો છે. ન પાળે એને માથે ચાર હત્યાઉં.”

તળાટી કાળો ધબ થઈ ગયો. મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યા : ​ “પથુભા કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, ઈ મારોય દીકરો. તું દેતાં ભૂલ્યો. આખી કુંકાવાવ માંડી દીધી હોત તો પણ હું પાળત. ન પાળું તો કાઠીના પેટનો નહિ.”

“અને તળાટી ! તુંને હિંગતોળને શું કહું ? મારા લાખ રૂપિયાના કણબીનું માથું વઢાવવા ઊભો થ્યો છો ? યાદ રાખજે, પગ ઝાલીને બે ઊભા ચીરા કરી નાખીશ ! એલા, પાદર નીકળેલ પરોણાને એણે રોટલો નીર્યો એમાં તારો ગુનો કરી નાખ્યો એણે ? ખબરદાર જો હવે કાંઈ બોલ્યો છો તો !”

ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગા વાળાનો કાગળ પહોંચ્યો. કુંવરને પોતાની ભૂલ માલુમ પડી. એણે સામો કાગળ લખ્યો : “શાબાશ, કાકા ! રખાવટ તે આનું નામ ! બાપુએ લખાવ્યું છે કે પેડલા ગામમાં આપણે જમીનનો કજિયો છે તેનો આજથી અંત આવે છે. પેડલા ગામનો ગોંડળનો ત્રીજો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ.”

કુંકાવાવના એ કણબીના વારસો હજુ ઘણાં વર્ષો સુધી એ ચાર વાડીનો કપાળ-ગરાસ ભોગવતા હતા. પણ એજન્સીની મૅનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી કહેવાય છે.



🐦🙕❀🐦🙕❀🐦

15
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ભાગ 5
0.0
આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણ વખતે શિથિલ પ્રૂફવાચનને કારણે ઉત્તરોત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠો જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી ​સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રોહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવંતી સરાણે ચડીને પાર ઊતર્યા એ આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાઓ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે. રસધારના ત્રીજા ભાગને છેડે (અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આપ્યા છે. કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા એનો ઉપયોગ કરીને આ અર્થસારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીનો લાભ મળ્યો છે. રસધારની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડ્યા છે. એમાં એમનો ‘રસધાર’ અને તેના લેખક પ્રત્યેનો ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારો આભાર વ્યક્ત કરીએ છીએ. 28 ઑગસ્ટ 1980: 84મી મેઘાણી-જયન્તીજયંત મેઘાણી ‘સોરઠી બોલીનો કોશ’ અને ‘કાઠી અને ચારણી બોલીની ખાસિયતો’ એ બેઉ પરિશિષ્ટો સૌરાષ્ટ્રની રસધારની અગાઉની આવૃત્તિઓમાં ત્રીજા ભાગમાં હતા. એ સામગ્રી હવે પાંચમા ભાગના અંતમાં મૂકી છે. પાંચેય ભાગની કથાઓની સંકલિત સૂચિ પણ હવે પાંચમા ભાગમાં ઉમેરી છે. 2003જયંત મેઘાણી
1

ભલેં ઊગા ભાણ!

19 October 2023
1
0
0

ભલેં ઊગા ભાણ! [સૂર્યસ્તવન] નિત્ય પ્રભાતે નદીને તીરે ઊભા રહી, ઉગમણી દિશાએ ઉદય પામતા સૂર્યદેવનાં વારણાં લેતા લેતા, ભુજાઓ અને મસ્તક લડાવતા લડાવતા ચારણો એની કાલી મીઠી વાણીમાં નીચેના દુહાથી સૂર્યદેવને સં

2

કરિયાવર

19 October 2023
0
0
0

કરિયાવર “આ માંડ્યું-છાંડ્યું ને ચાકળા-ચંદરવા કોના સારુ રાખી જાછ , બેટા હીરબાઈ? બધુંય ઉતારીને તારા ઘર ભેળું કરી દે, બાપ!” "ના, બાપુ, ભીંત્યું અડવી ન કરાય.” "અરે બેટા, હવે વળી મારે ભીંત્યું અડવી શું

3

બાપનું નામ

23 October 2023
0
0
0

બાપનું નામ ગોહિલવાડમાં બગડાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીંથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળા કચકચાવતો જાય છે. મોંએથી બડબડાટ પણ

4

બહારવટિયો

23 October 2023
0
0
0

બહારવટિયો ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો. બાહ્મણ આવ્યો. અને મહારાજે

5

દીકરાનો મારનાર

23 October 2023
0
0
0

દીકરાનો મારનાર અંબા મોરિયા જી, કે કેસું કોરિયા, ચિત્ત ચકોરિયા જી, કે ફાગણ ફોરિયા. ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા, ધણ રાગ ગાવે ફાગ ઘરઘર, ઝટે પવ્વન જોરિયા, ગુલ્લાલ ઝોળી રંગ હોળી રમત ગ

6

હીપો ખુમાણ

23 October 2023
1
0
0

હીપો ખુમાણ કોરી જગન્નાથી જેવા રંગની બે મની ઘોડીઓ ઉપર ચડેલા બે અસવારો ઠેઠ ચોરા સુધી ચડીને ચાલ્યા આવે છે એ જોઈને કરિયાણા ગામને ચોરે બેઠેલ આખા દાયરાને અચંબાનો પાર રહેતો નથી. જીવા ખાચર જેવા આબરૂદાર ગલઢેર

7

ભીમો ગરણિયો

23 October 2023
0
0
0

ભીમો ગરણિયો મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂડિયું વરણ : ઘોડે ચડીને ફોજ ભેળો હાલે

8

રખાવટ

23 October 2023
0
0
0

રખાવટ કુંકાવાવ ગામના અવેડા ઉપર પચીસ ઘોડાં ચહક ચહક પાણી પીએ છે. અસવારે ઢીલી મેલી દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાનાં શરીર પરસેવે રેબઝેબ છે, તેમ જ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયાં છે. આખી વહાર કોઈ પં

9

શેત્રુંજીને કાંઠે

23 October 2023
0
0
0

શેત્રુંજીને કાંઠે શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચું ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને તોડી નાખે તેવાં જાજરમાન માથાં હલાવી,

10

રતન ગિયું રોળ !

23 October 2023
0
0
0

રતન ગિયું રોળ ! “ભણેં ચારણ્ય! જોઈ લે, આપડા મલકને માથે આષાઢની રીંછડિયું નીકળીયું ! જો, જો, મોળો વાલોજી સાચાં મોતીડાં જ વરસેં છે હો ! ખમા મોળી આઈને ! હવે તો ભીંસું હાથણિયું થાશે, ચારણ્યા હાલો આપડે દેશ.

11

બાળાપણની પ્રીત

23 October 2023
0
0
0

બાળાપણની પ્રીત વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત, પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. માવતરે નાનપણમાંથી મૂકેલો એક અનાથ છોકરો પરાયો માલ ચારી ચારીને પેટવડિયે ઊછરતો હતો. ગીરના ડુંગરામાં આથડતાં

12

દેહના ચૂરા

23 October 2023
0
0
0

દેહના ચૂરા નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં : અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ : એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ થાય છે. અને ત્યાંથ

13

ભૂત રૂવે ભેંકાર

24 October 2023
0
0
0

ભૂત રૂવે ભેંકાર નેસડામાં રાતે વાળુ કરીને સહુ માલધારી બેઠા હતા. આઘેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી ઝાંખો પડી જતો હતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ ! ઠમ ! ઠમ !

14

સુહિણી-મેહાર

24 October 2023
0
0
0

અન્ય પ્રાંતોની પ્રેમકથાઓ સોરઠી લોકસાહિત્યની જે પ્રેમકથાઓ આપી છે, તેના જેવી જ કથાઓ અન્ય પ્રાંતોના લોકસાહિત્યમાં કંઠપરંપરા વડે જીવતી રહી ચાલી આવે છે. પ્રાંતપ્રાંત વચ્ચેની એ સુવર્ણ-કડીઓ જેવી જણાય છે. આં

15

મલુવા

24 October 2023
0
0
0

મલુવા [કલકત્તા યુનિવર્સિટીના બંગ સાહિત્યના અધ્યાપક શ્રી દિનેશચંદ્ર સેને, ચંદ્રકુમાર દે નામના એક સંગ્રાહકની સહાયથી પૂર્વ બંગાળની પ્રાચીન લોકકથાઓ એકઠી કરાવી, એનાં ઘટના-સ્થળો, ઘટના બન્યાનો સમય, ઈત્યાદિ

---

એક પુસ્તક વાંચો