સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશ દેશનાં વીરત્વ વચ્ચેની સમાનતાના સંદેશા ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રતિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલે – એટલી પહોળી ફૂલે, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય. પરંતુ એ વિશ્વદર્શન દીન મનોદશાના દાસોને નથી લાધતું. એ તો માગે છે ગર્વોન્નત મસ્તક; અને પોતાના પગ તળેની જ ધૂળ માટે જે મમત્વ પેદા ન થાય, તો એ ગર્વ ક્યાંથી નીપજે? ને આવા મુકાબલા વિના એ મમત્વ ક્યાંથી? આવી રીતની સરખામણી કર્યા પછી સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે. અને એટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફેલાવીને, મારા હક્ક તરીકે માગું છું. મુંબઈની યુનિવર્સિટીને પોતાની પ્રતિભા વડે શોભાવી રહેલા સંખ્યાબંધ સૌરાષ્ટ્રવાસીઓ પ્રત્યે આટલી આશા ધરીને વિદાય લેતાં લેતાં એક ખુલાસો કરવો રહે છે : 'સેનાપતિ'ની કથામાં લખી જવાયું છે, કે “રાણીએ મહારાજનાં મીઠડાં લીધાં.” 'દાદાજીની વાતો'માં પણ એ પ્રયોગ થયા છે તે તરફ મિત્રએ ધ્યાન ખેંચ્યું છે. ઓવારણાં લેવાની ક્રિયાના ગર્ભમાં એ લેનારની સામે માથું નમાવવાને સંકેત છે; પણ પુરુષ પોતાની નારીને નમતો નથી, તેથી પત્ની પતિનાં ઓવારણાં લે એવો રિવાજ આપણે ત્યાં નથી. એ સરતચુક માટે હું દિલગીર છું. સૌરાષ્ટ્ર કાર્યાલચ : અષાઢી પૂર્ણિમા, ૧૯૮૨
1 ફોલવર્સ
7 પુસ્તકો