shabd-logo

દુશ્મનોની ખાનદાની.

18 October 2023

7 જોયું 7

દુશ્મનોની ખાનદાની.

“મુંજાસરને પાદર થઈને નીકળીએ અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?”

“આપા, રામ ખાચર ! કસૂંબો રખડી પડશે, હો ! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના સગા મશિયાઈ મામૈયા વાળાની લોથ ઢાળીને હાલ્યા આvo છો.”

“અરે ફિકર નહિ. ભોકાનેય ક્યાં મામૈયા હારે સારાસારી હતી ! એ તો ઊલટો રાજી થશે. બોલાવો એને.” 

સાતલ્લી નદીના કાંઠા પર પ્રભાતને પહોરે મુંજાસર ગામને સીમાડે પચીસ કાઠીઓનો પડાવ થઈ ગયો છે. એ પચીસ અસવારનો સરદાર ચોટીલાનો રામો ખાચર છે. ત્રણ દિવસના પંથ કાપતો રામો ખાચર જૂનાં વેર વાળવા પોતાનો નાનકડો મેલીકાર લઈને માલશીકું ગામ ભાંગવા ચડ્યો હતો. માલશીકાના માલ વાળીને રામો ખાચર વળી નીકળ્યા છે.

પચીસ કાઠીઓ પોતાનાં હથિયાર હેઠે મેલીને સાતલ્લીનાં તેલ જેવાં નીરમાં પોતાનાં રજભર્યા મોઢાં ધુએ છે અને ગળાં ફુલાવીને ઘોરતા નાદે ઊગતા સૂરજની સ્તુતિ લલકારે છે કે

ભલે ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીઅણ લગ માણ, રાખો કશ્યપરાઉત.

હે ભાનુ, તમે ભલે ઊગ્યા. તમારાં ઓવારણાં લઈએ છીએ; હે કશ્યપ ઋષિના કુંવર, મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજો.

સામસામા ભડ આફળે, ભાંગે કેતારા ભ્રમ્મ,
તણ વેળા કશ્યપ તણા, સૂરજ રાખો શરમ.​ 

સામસામાં જ્યારે શૂરવીરો યુદ્ધ કરતા હોય, જ્યારે કેટલાયે બહાદુરોની આબરૂ ધૂળ મળતી હોય, તે ટાણે હે કશ્યપના કુમાર, અમારી ઈજજત રાખજો.

કોઈ વળી ચલાળાના આપા દાનાને યાદ કરે છે, કોઈ પાળિયાદના આપા વિસામણને સંભારે છે, કોઈ એકલ પગે ઊભા રહી સૂરજદેવળનાં નામ રટે છે.

ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુંજાસરને કેડે મંડાઈ અને બીજાં બધાં દેવસ્થાનના જાપ છોડીને સહુ લલકાર કરી ઊઠ્યા, “એ ભણેં દૂધની તાંબડિયું ઝબકી ! એ ગોરસનાં દોણાં આદાં (આવ્યાં) ! એ ભાણેં રોટલાની થાળિયું આદી ! ભણેં ચોખાનાં હાંડલાં આદાં ! સાકરના ખૂમચા આદા !”

મુંજાસરનો કાઠી ગલઢેરો ભોકો વાળો રામા ખાચરના સમાચાર સાંભળીને શિરામણ ઉપડાવી મહેમાનને છાશ્યું પાવા હાલ્યો આવે છે. સાથે પચીસ-ત્રીસ કાઠીઓનો દાયરો લીધો છે. દૂધ-દહીંનાં દોણાં લેવરાવ્યાં છે. સાકર, ચોખા, રોટલા અને માખણના પિંડા લેવરાવ્યા છે. હજી માલશીકું ભાંગ્યાના એને ખબર નથી પડ્યા.

ચાલ્યા આવે છે. એમાં એક માનવી આઘેથી આડો ઊતરતો ભાળ્યો. “એલા! ગઢવી નાજભાઈ દાંતી તો નહિ? હા, હા, એ જ એલા ! બોલાવો — બોલાવો. એ ઊભા રો’, નાજભાઈ, ઊભા રો’ !”

પણ એ પુરુષ થંભતો નથી. ફરી વાર સાદ પાડ્યા.

“એ નાજભાઈ ! રામદુવાઈ છે તમને.” રામદુવાઈ દેવાયાથી નાજભાઈ ચારણ થંભી ગયો. પણ જેમ ભોકો વાળો નજીક આવ્યો, તેમ ચારણે પોતાની પછેડી માથા ઉપર નાખીને ઘૂમટો તાણી લીધો. વાંસો વાળીને ઊભો રહ્યો. ​“અરે નાજભાઈ ! આ લાજ આ કેની કરી ?”

“લાજ તો કરી જેઠની !” ચારણ બોલ્યો.

“જેઠ વળી કોણ?”

“ભોકો વાળો !” 

“ગઢવી ! કેમ અવળું બોલો છો? કાંઈ અપરાધ ?”

“ભોકા વાળા, મામૈયા વાળાના લોહીનો કસૂંબો પીવા જાઓ છો?”

“મામૈયાના લોહીનો?”

“હા, મામૈયાને મારી, માલશીકાનો માલ વાળીને આપો રામો ચાલ્યો આવે છે.”

“નાજભાઈ,” ભોકા વાળાએ ઘોડો વાળ્યો, “મને ખબર નહોતી, હવે તો —

ચડ્યે ઘોડે ચોટીલો લીઉં,
તે દી મુંજાસરનું પાણી પીઉં,
ચડ્યો ઘોડે ચોટીલો લીઉં,
તે દી પલંગ પથારી કરું.

“રોટલા પાછા લઈ જાઓ. કૂતરા-કાગડાને ખવરાવી દિયો.” એમ કહીને ભોકા વાળાએ ઘોડો પાછો લઈ લીધો.

સાતલ્લીને કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ-રોટલા અને સાકર-ચોખાની વાટ જોતાં જોતાં પાંચાળિયા કાઠીઓની ગરદન દુખવા આવી. ત્યાં તો રોટલાને સાટે અસવાર આવીને ઉભો રહ્યો અને રામા ખાચરને સંદેશો આપ્યો : “ભોકે વાળે કેવાર્યું છે કે તમારી તૈયારીમાં રે’જો. અમે ચોટીલાને માથે ચડી આવીએ છીએ.”

“ભણેં આપા રામા !” બીજા કાઠીઓ બોલી ઊઠ્યા. “અમે નહોતા ભણતા કે કસૂંબો ઝેર થઉ જાશે?”

રામો ખાચર કાસદ તરફ ફર્યા : ​ “ભાઈ અસવાર ! ભોકાભાઈને કહેજે કે કોઈ ફિકર નહિ. આવજે — ખુશીથી આવજે. ચોટીલે નો આવે એને દેવળ વાળાની દુહાઈ છે !”

ચોટીલાની ડેલીએ રકઝક થઈ રહી છે. રામા ખાચરને પેટ દીકરાનો વસ્તાર નથી. બે ભાઈ વચ્ચે એકનો એક દીકરો છે. ભત્રીજે આજ માથાં ઝીંકવા માંડ્યાં છે કે “ના, મોટા બાપુ ! આજ હું એકલો જ વાર લઈને ચડીશ. આજ તમે નહિ, બાપુ નહિ. હું એકલો. મારે ભોકા કાકાને જોવા છે.” 

“બાપ ! બાપ ! એવી હઠ ન હોય. તારું ગજું નહિ અને ભોકો કાકો રણસંગ્રામમાં જોવા જેવો નથી. બાપ ! હઠ કર મા.” પણ કુંવરે ન માન્યું.

બસો તેવતેવડી હેડીના અસવારોને લઈને એ ચોટીલાની બહાર નીકળ્યો. 

લાંબાધારની ટોચે મુંજાસરનાં પાંચસો ભાલાં ઝબકારા મારે છે. આપો ભોકો ચોટીલાના સામૈયાની વાટ જોતા બેઠા છે, ત્યાં ઘોડાં આવતાં ભાળ્યાં. આગલા અસવારે જાણે ભાલે આભ ઉપાડી લીધો છે. મૂછનો દોરોય ફૂટ્યો નથી એવા સરદારને દેખીને આપા ભોકાએ પૂછયુંઃ “બા, આ મોવડી કોણ ?” 

“આપા, એ રામા ખાચરનો ભત્રીજો. પરણીને મીંઢળ હજી છૂટ્યું નથી, હો ! બે ભાઈ વચ્ચે એક જ છે. વીણી લ્યો, એટલે રામા ખાચરના વંશનો દીવડો જ સંચોડો ઓલવાઈ જાય.”

ત્યાં તો ચોટીલાની વાર લગોલગમાં આવી પહોંચી.

ધાર ઉપરથી ભોકો ઊતર્યો. જાણે ડુંગર માથેથી ધોધ ચાલ્યો આવે છે. પોપટના ઘેરા ઉપર બાજ ઝપટ કરે એમ સોરઠના પંજાદાર કાઠીઓ ચોટીલાના જુવાનો ઉપર તૂટી પડ્યા. ​ રામા ખાચરના ભત્રીજાના શબ ઉપર પછેડી ઓઢાડીને ભોકો વાળો વળી નીકળ્યો. 

ધીંગાણું પૂરું થયે રામો ખાચર આવી પહોંચ્યા. જુએ ત્યાં લોથોના ઢગલા પડેલા. માથે ગરજાં ઊડે છે. પાંચ-પાંચ દસ-દસને ભેળા ખડકીને સામટા અગ્નિદાહ દીધા.

દાયરો ઝંખવાણો પડી ગયો હતો. રામો ખાચર બોલે છે : “એક જણો જઈને મુંજાસર આપા ભોકાને ખબર આપો કે અમેય આવીએ છીએ. એક તારો કાઠી ને એક મારો કાઠી : એમ સામસામો સરખો સંગ્રામ રમે. છેવટે તું અને હું બેમાંથી જે મરે એનાં દેન બેય દાયરા ભેળા બેસીને દે. સાચા મરદ હોય તે તો એ રીતે રણ ખેલે.”

ભોકા વાળાએ કાગળનો જવાબ વાળ્યો: “ભા, તમે ઘડપણના રે’વો દેજો. ફેરવણીમાં ઘસાઈ જાશો. અમે જ સામા હાલીને ફરી વાર આવીએ છીએ.”

“કાઠિયાણી !” રામા ખાચરે આઈને બોલાવ્યાં. "કાઠિયાણી, હવે જીવતરના ભરોસા ઓછા છે. આ વખત ભોકાની સાથે મોતનો મામલો મચવાનો છે. પાછા વળાશે નહિ.”

“તે તમારી શી મરજી છે?”

“બીજી તો કાંઈ નહિ, પણ ગીગીનો વિવા પતાવી લેવાની. તમે જાણો છો? મરણ પરણને ઠેલતું આવે છે."

“બહુ સારું, કાઠી, જેવી તમારી મરજી.” કહીને કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી. માંડછાંડ, ગારગોરમટી અને ભરતગૂંથણના આદર કરી દીધા.

ગીગીનાં બલોયાં ઉતરાવવાં છે. તે દિવસમાં હળવદ શહેરની દોમદોમ સાહેબી. હળવદના મણિયારો જેવા ચૂડલા પાંચાળનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહિ. હળવદમાં આપણા ​ગામના શેઠ છે, ત્યાં પરમાણું મોકલી આપો. અસલ હાથીદાંતનાં બલોયાં ઉતરાવીને મોકલાવી દેશે.

મોતીચંદ મૂળ તો ચોટીલાનો વાણિયો; પણ હળવદમાં એનો વેપાર ચાલે છે. પાસે બે પૈસાનો જીવ થઈ ગયેલો. રામા ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે. પરમાણા પ્રમાણે બલોયાંની જોડ ઉતરાવીને એણે મોકલી. બહેન પહેરવા મંડ્યાં, પણ બલોયાં હાથે ચડ્યાં નહિ. દોરાવા સાંકડાં પડ્યાં. બીજે દિવસ માણસો જઈને બે બીજાં બલોયાં ઉતરાવી લાવ્યાં, પણ ત્યાં તો વળી દેરાવા મોટાં થયાં.

હળવદથી શેઠે કહેરાવ્યું, “બે’નને જ અહીં તેડી લાવો. ઢાંઢા ઘરમાં ઊભા હશે ત્યાં જ સરખા માપનાં બલોયાં ચડાવી લેવાશે. સાંજ ટાણે પાછાં ચોટીલાં ભેળાં થઈ જાશે.”

વેલડું જોડીને કન્યા હળવદ ચાલી. સાથે પાંચ હથિયારબંધ કાઠીઓ લીધા છે. 

મોતીચંદ શેઠને ફળિયે વેલડું છોડીને બાઈ સામી જ બજારે મણિયારાનું હાટડું હતું, ત્યાં બેસીને બલોયાં ઉતરાવવા મંડ્યાં.

હાટડાની દીવાલે દીવાલે હાથીદાંતના ચૂડલા લટકે છે, કસૂંબલ રંગની ઝાંય આખા ઓરડામાં છવાઈ રહી છે. એની વચ્ચે બેઠી છે જુવાન કાઠી-કન્યા. એના દેહની ચંપકવરણી કાન્તિ જાણે રંગની છોળોમાં નાહી રહી છે. તૈયાર થયેલાં બલોયાં પહેરીને ઊઠવા જાય છે, ત્યાં તો ઓચિંતી કન્યા ઝબકી ઊઠી. એના ઉપર જાણે કોઈ ઓછાયો પડ્યો. મુખ રાતુંચોળ થઈ ગયું : “ઊઠો ઊઠો !” એનાથી બોલાઈ ગયું.

“શું થયું? બાને શું થયું? કેમ ગભરાઈ ગયાં” માણસો પૂછપરછ કરવા મંડ્યાં. બાઈ બોલીઃ “ઝટ ઊઠો, વેલડું જોડાવો.” ​ લોકોએ હાટમાંથી બહાર નીકળીને જોયું, સમજ પડી ગઈ. હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યા જાય છે. ડોક ફેરવીને પાછું વાળીને જોતો જાય છે. 

“શેઠ, ઓરા આવજો !” દરબારે મોતીચંદને હાટડીએ ઘોડો થંભાવીને હસતે મુખે શેઠને એકાંતે બોલાવ્યા.

હાથ જોડીને મોતીચંદ શેઠે હડી કાઢી. જઈને કહ્યું: “ફરમાવો, અન્નદાતા !”

“મોતીચંદ શેઠ !” દરબારે કરડી આંખ કરીને ઠંડો દમ દીધો, “મે’માન અમારાં છે. ગઢમાં માંડ્યું કરાવવી છે, માટે રોકવાં છે; જાશે તો તમારી પાસેથી લેશું ! રેઢાં મેલશો મા !”

એટલું બોલીને દરબારે ઘોડો હાંક્યો. મોતીચંદ શેઠ બાઘેલા જેવા ઘેર ગયા.

“મોતીચંદ મામા !” કાઠીની દીકરી બોલી, “હવે અમને ઝટ ઘર ભેળાં થાવા દો. મને અહીં અસુખ થાય છે.”

“બેન બા ! ભાણી બા ! બેટા ! હવે કાઠિયાણી બની જાવ. હવે વેલડું બહાર નીકળે નહિ, કાળ ઊભો થયો છે. અને એમ થાય તે દી મારે સોમલની વાટકી જેટલો આ સંસારમાં સવાદ રહે. માટે હવે તો આ ડેલીમાં બેસી રહો, બાપ ! આ બાયડી, છોકરાં અને છેલ્લો હું — એટલાં જીવતાં બેઠેલ છીએ ત્યાં સુધી તમારું રૂંવાડુંય ન ફરકે.”

દરવાનને એણે આજ્ઞા દીધી: “ડેલી બંધ કરો, તાળાં મારી દ્યો.”

ડેલીનાં બારણાં બંધ થયાં, અને એક અસવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો.

“આ તે શું કહેવાય? રામની મઢીએ કાગડા ઊડે એમ ચોટીલું ઉજ્જડ કાં કળાય ?” ​ “આપા ભોકા, રામા ખાચરને ગઢપણ છે ખરું ને, એટલે કાગળ લખ્યા પછી પાછું બે વરસ સંસારનો સવાદ લઈ લેવાનું મન થઈ ગયું હશે !"

"હોય નહિ. રામાને હું ઓળખું છું. આજ રામો જીવ ન બગાડે. નક્કી કાંઈક ભેદ છે. નાજભાઈ ! ગામમાં ડોકોઈ તો આવો. દાયરો શું કરે છે?”

નાજભાઈ ગઢવી ગામમાં ગયા. ગામને જાણે ચુડેલ ભરખી ગઈ હોય એવી ઝાંખપ ભરી છે. 

ડેલીએ આવે ત્યાં ઠાંસોઠાંસ દાયરો બેઠો છે, પણ કોઈના પર નૂરનો છાંટોય નથી રહ્યો. 

“આવો, નાજભાઈ !” એમ કહીને કાઠીઓ ઊભા થયા. ચારણને બાથમાં ઘાલીને મળ્યા, બેસાડ્યા, કસૂંબો લેવરાવ્યો. પણ કોઈ કશો ભેદ કહેતું નથી. ચારણે કહ્યું:

“રામા ખાચર, બાપ, ભોકો વાળો કયારુના તમારી વાટ જોઈને બેઠા છે."

“હા, ગઢવી, આ હવે ઘડી-બે ઘડીમાં જ અમારા બાકીના જુવાનો આવી પહોંચે એટલે ચડીએ છીએ. હવે ઝાઝી વાર નથી. ભોકાભાઈને વાટ જોવરાવવી પડી એનો એમનેય અફસોસ થાય છે.”

નાજભાઈ ગઢવીને કશું ન સમજાયું : આ ખાચર દાયરો આજ મરવા ટાણે કાં કાળાંમેશ મોઢાં લઈને બેઠો છે?

નાજભાઈ બાઈઓને ઓરડે ગયા, ત્યાંયે ઉદાસીના ઓછાયા.

“આઈ ! આજ આ શું થઈ રહ્યું છે?” એણે બાઈને પૂછ્યું.

“બે’ન હળવદ બલોયાં ઉતરાવવા ગઈ. એને હળવદ દરબારે માંડ્યું કરવા રાત રોકાવી છે. હવે ઘડિયું જાય છે; કાં દીકરીએ ​પેટ કટાર નાખી હશે ને કાં એને એક ભવમાં બે ભવ થયા હશે. અને વાણિયાના તે શા ભોરોંસા ! દોરીને દઈ દે એવા લાલચૂડા." એમ કહેતાં બાઈ રડી પડ્યાં. 

“એમાં ખાચર દાયરો મૂંઝાઈને બેઠો છે?”

“હા, માડી, એક કોર ભોકાભાઈને બીજી કોર હળવદનો રાજ – બેમાંથી પહેલું ક્યાં પહોંચવું?”

ચારણ ચાલી નીકળ્યો. સડેડાટ સીધો ડુંગરાની ધારે આવ્યો, આવીને આખી વાત કહી.

સાંભળીને ભોકો વાળો ઊંડા વિચારમાં પડ્યો. પછી એણે ગઢવીને કહ્યું: “નાજભાઈ, વેર કાંઈ થોડાં જૂનાં થઈ જાય છે?”

નાજભાઈ કહે, “ના, આપા !”

“તો પછી ચોટીલાના દાયરાને ખબર દ્યો કે અમે મળવા આવીએ છીએ.”

જઈને ભોકા વાળાએ કહ્યું:

“આપા રામા, ઊઠ ભાઈ ! ગીગીને ઊનો વાયે ન વાય. ઊઠ, પછી આપણો હિસાબ આપણે સમજી લેશું.”

પાંચસો ઘોડાંની હાવળે આભને ચીરી નાખ્યો. હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો.

હળવદમાં સાંજ પડી ગઈ છે. મોતીચંદ વાણિયો પોતાની પાછલી બારીએથી નદીએ આંટા ખાય છે. ત્યાં તો નદીકાંઠે ભૂરિયાં લટુરિયાં, રાખમાં રોળેલી પહાડી કાયાઓ, તુલસીના પારાવાળા બેરખા અને સિંદૂર આંજ્યો હોય એવી રાતીચોળ આંખેવાળા નાગડા બાવાની જમાતના પડાવ થાતા જોયા. સાથે ડંકા, નિશાન, હથિયાર અને ઘોડાં દેખ્યાં. વાણિયાએ પૂછ્યું :

“બાવાજી, ક્યાં રહેવું?” 

“ચિત્તોડ!” ​“કેની કોર જાશો ?”

“ચાકરી મિલે વહાં !”

“મારે ઘેર રહેશો ?” 

“તું બનિયા ક્યા દેગા ?” 

“બીજે શું મળશે ?” 

“પંદરા પંદરા રૂપૈયા.” 

“આપણા સોળ સોળ !”

નાગડાઓ ગામમાં દાખલ થયા. એ જ ટાણે તાતી ઘડીમાં વાણિયાએ નાગડાઓને પગાર ગણી દીધો. ચાર નાગડાઓની ચોકી વાણિયાના ઘર પર બેસી ગઈ.

દરબારની કચેરીમાં મશાલ થઈ ગઈ અમીરો વીખરાઈ ગયા, અને દરબારનો માનીતો જમાદાર વેલડું જોડીને કાઠિયાણીને બોલાવવા ચાલ્યો.

એ મોતીચંદ શેઠને ઘેર પહોંચ્યો ત્યારે નાગડાઓને સાચા ભેદની ખબર પડી. નાગડા ખરા રંગમાં આવી ગયા. એમણે જમાદારને મારી પાડ્યો.

ઝાલા રાજાએ જમાદારનું ખૂન સાંભળ્યું, અને વાણિયાએ તો પોતાની ડેલીએ નાગડાની પલટન બેસાડેલી છે એવા સમાચાર સાંભળ્યા. નગારે ઘાવ દઈને એણે ફોજને સજ્જ કરી.

“એકેય બાવો જીવતો ન રહેવા પામે !” એમ હાકલ થઈ. એવામાં તો “દોડજો ! કાઠી ! કાઠી ! કાઠી !” એવા અવાજ થયા. દરવાજે નગારાં વાગ્યાં.

પોણા ભાગની ફોજ લઈને રાજા દરવાજે દોડ્યો. જોયું ત્યાં તો દરવાનોની લોથો પડી છે. નદીના વેકરામાં પચીસ પચીસ કાઠી ઊભા છે. રાજાએ ફોજને કાઠીએાના કટક ઉપર હાંકી મૂકી. કાઠીઓ ભાગ્યા. પાછળ દરબારે ફોજનાં ઘોડાં લંબાવ્યાં. હળવદનો સીમાડો વળોટી ગયા. દરબાર જાણે છે કે ​હું કાઠીઓને તગડ્યે જાઉં છું, હમણાં ઘેરી લઈશ, હમણાં પોંખી નાખીશ.

ત્યાં તો તળાવડીમાંથી પાંચસેં ભાલાં ઝબક્યાં.

હળવદની સેનાને દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું. આવીને જોયું ત્યાં બાકીનું કામ બાવાઓએ પતાવ્યું હતું.

“આપા ભોકા, આપા રામા, હળવદનો દરબારગઢ રેઢો છે. આડે દેવા એકેય માટી નથી રહ્યો.” કાઠીઓ બોલી ઊઠ્યા.

“ના.” રામા ખાચરે ને ભોકા વાળાએ બેય જણે કહ્યું, “કાઠીનો દી માઠો બેઠો નથી. હળવદનો રાણીવાસ લૂંટાય નહિ — મર લાખુંની રિદ્ધિ ભરી હોય. હાલો, પે’લી તો મોતીચંદ શેઠની ખબર કાઢીએ.”,

ઓરડામાં મોતીચંદ શેઠની પથારી છે. ઘાયલ થયેલા મોતીચંદ પડ્યો પડ્યો કણસે છે.

રામા ખાચરે મોતીચંદના પગની રજ લઈને માથે ચડાવી. બોલ્યા, “ભાઈ ! વાણિયાની ખાનદાનીના આજ દર્શન થયાં. મોતીચંદ, તું ન હોત તો મારું મોત બગડત.”

મેતીચંદે આભ સામે આંગળી ચીંધીને કહ્યું: “ધણીની મરજી, આપા !”

દીકરીને લઈ બેય મેલીકાર ચાલી નીકળ્યા. સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે ચોટીલાને સીમાડે ભેાકા વાળાનું કટક નેાખું તરી રહ્યું.

“રામા ખાચર ! હવે બેનને ફેરા ફેરવીને વેલા પધારજો, અમે વાટ જોઈને બેઠા છીએ.”

“વેલડું થંભાવો !” બાઈએ અંદર બેઠાં બેઠાં અવાજ દીધો.

“કાં બાપ? કેમ ઊભું રાખ્યું ?” બાપુએ પૂછયું. 

“બાપુ ! હું ડાકણ છું.” ​ “કેમ, દીકરી?” 

“તમને સહુને કપાવી નાખીને મારે શો સવાદ લેવો છે?”

“શું કરીએ, દીકરી ? બોલે બંધાણા છીએ.”

પડદો ઊંચો કરીને બાઈએ સાદ કર્યો : “ભોકાકાકા !” 

“કાં, બાપ?” ભોકો વાળો પાસે આવ્યો. 

“તો પછી મને શીદ ઉગારી?”

“રામા ખાચર !” ભોકો વાળો બોલ્યા, “આ લે તલવાર. તારા ભત્રીજાના માથા સાટે ઉતારી લે મારું માથું !”

“આપા ભોકા, એવા સાત ભત્રીજાનાં માથાં તેં વાઢ્યાં હોત, તોય આજ તેં એનો હિસાબ ચૂકવી દીધો છે, ભાઈ!”

બેય શત્રુઓ ભેટ્યા. સાથે કસુંબા પીધા. રામા ખાચરની દીકરીને પરણાવી ભોકો વાળો મુંજાસર ગયો.

21
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૪
0.0
સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશ દેશનાં વીરત્વ વચ્ચેની સમાનતાના સંદેશા ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રતિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલે – એટલી પહોળી ફૂલે, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય. પરંતુ એ વિશ્વદર્શન દીન મનોદશાના દાસોને નથી લાધતું. એ તો માગે છે ગર્વોન્નત મસ્તક; અને પોતાના પગ તળેની જ ધૂળ માટે જે મમત્વ પેદા ન થાય, તો એ ગર્વ ક્યાંથી નીપજે? ને આવા મુકાબલા વિના એ મમત્વ ક્યાંથી? આવી રીતની સરખામણી કર્યા પછી સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે. અને એટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફેલાવીને, મારા હક્ક તરીકે માગું છું. ​ મુંબઈની યુનિવર્સિટીને પોતાની પ્રતિભા વડે શોભાવી રહેલા સંખ્યાબંધ સૌરાષ્ટ્રવાસીઓ પ્રત્યે આટલી આશા ધરીને વિદાય લેતાં લેતાં એક ખુલાસો કરવો રહે છે : 'સેનાપતિ'ની કથામાં લખી જવાયું છે, કે “રાણીએ મહારાજનાં મીઠડાં લીધાં.” 'દાદાજીની વાતો'માં પણ એ પ્રયોગ થયા છે તે તરફ મિત્રએ ધ્યાન ખેંચ્યું છે. ઓવારણાં લેવાની ક્રિયાના ગર્ભમાં એ લેનારની સામે માથું નમાવવાને સંકેત છે; પણ પુરુષ પોતાની નારીને નમતો નથી, તેથી પત્ની પતિનાં ઓવારણાં લે એવો રિવાજ આપણે ત્યાં નથી. એ સરતચુક માટે હું દિલગીર છું. સૌરાષ્ટ્ર કાર્યાલચ : અષાઢી પૂર્ણિમા, ૧૯૮૨
1

નિવેદન

17 October 2023
0
0
0

નિવેદન ત્રીજી આવૃત્તિ [ટૂંકાવીને] મારી કૃતિઓની પ્રત્યેક નવી આવૃત્તિને ટાણે હું એના સંસ્કરણમાં મારી આછરેલી અભિરુચિની તેમ જ બહારથી સાંપડેલ ટીકાની કસોટીને ઠીક ઠીક કામે લગાડું છું, નાની ત્રુટીઓ પણ

2

અણનમ માથાં

17 October 2023
0
0
0

અણનમ માથાં આસંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા, બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચાર સો વરસ ઉપર પાક્યા

3

હોથલ

17 October 2023
0
0
0

હોથલ [પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમત્રિવેણીસમી ને જગતમાં કોઈ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદ્મણી છૂટાછવાયા લેખમાં કે નાટકોમાં આલેખાઈ ગયાં છતાં એની કંઈક સબળ રેખાઓ

4

વરજાંગ ધાધલ

18 October 2023
0
0
0

વરજાંગ ધાધલ  અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ કાઠી

5

ઓળીપો

18 October 2023
0
0
0

ઓળીપો  પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે. બાપાદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પો

6

દસ્તાવેજ

18 October 2023
0
0
0

દસ્તાવેજ ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે ચાર ફેરા ફેરવી

7

સંઘજી કાવેઠિયો

18 October 2023
0
0
0

સંઘજી કાવેઠિયો “આવો, આવો, પટેલીઆવ ! કયું ગામ ?”  “અમે સરોડેથી આવીએ છીએ, બાપુ !” બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા: “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને ચખાડવા સારુ

8

સેનાપતિ

18 October 2023
0
0
0

સેનાપતિ તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતને પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી. એવે અંધારે વીંટાયલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્

9

દૂધ-ચોખા

18 October 2023
0
0
0

દૂધ-ચોખા [પાંચાળમાં ભીમોરા અને મેવાસા : બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લા : બેઉ એના વંશજો વચ્ચે વહેંચાયેલા. ભીમોરે નાજો ખાચર (જુઓ ‘રસધાર’ ભાગ ૧: ‘ભીમોરાની લડાઈ’) રાજ કરે અને મેવાસે શાદુળ ખાચર તથા ભોજ

10

સૂરજ-ચંદ્રની સાખે

18 October 2023
0
0
0

સૂરજ-ચંદ્રની સાખે [રા’ દેસળ ત્રીજાના સમયમાં] રા’ દેસળના જીવને તે દિવસ જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઊઠી ઊઠીને એક કાગળિયો હાથમાં ઝાલી, વિચારમાં ગરકાવ થઈ જાય છે. કાગળિયો એનો કોય

11

મરશિયાની મોજ

18 October 2023
0
0
0

મરશિયાની મોજ નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે ! કાંઈ મીઠા મરશિયા ગાય છે ! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ ! કોઈને મીઠે ગળે ધૂળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરત

12

તેગે અને દેગે

18 October 2023
0
0
0

તેગે અને દેગે જમનાજીના કિનારા ઉપર ધેનુનાં ધણ ચરાવતા ઊભેલા કૃષ્ણ બોલ્યા કે : “એલા ગોવાળિયાવ ! હાલો મારી હારે.” “ક્યાં?” “સોરઠમાં.” “કેમ?” “દ્વારકાનું રાજ અપાવું.”  રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળ

13

દુશ્મનોની ખાનદાની.

18 October 2023
0
0
0

દુશ્મનોની ખાનદાની. “મુંજાસરને પાદર થઈને નીકળીએ અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?” “આપા, રામ ખાચર ! કસૂંબો રખડી પડશે, હો ! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના સગા મશિયાઈ

14

ભાગીરથી

19 October 2023
0
0
0

ભાગીરથી [બાદશાહજાદીને પરણ્યા પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા-તીરે બેસીને કવિ જગન્નાથે ‘ગંગા-લહરી’ના શ્લોકે શ્લોકે માતા મંદાકિનીને ઘાટનાં પગથિયાં પર ચડાવ્યાં, અને પોતે માથાબોળ સ્નાન કીધું.

15

વાલેરા વાળો

19 October 2023
0
0
0

વાલેરા વાળો જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી. માખણ જેવા કુણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી પાથરી દીધેલી.

16

ચોટલાવાળી

19 October 2023
0
0
0

ચોટલાવાળી વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત ૧૯૫૫ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલ. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી : આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરા

17

વોળાવિયા

19 October 2023
0
0
0

વોળાવિયા બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે. હકીકત આમ હતી : ભગા દોશી નાહવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે ચાર ચાર ઊંડા વાટા પડે. નાહતાં

18

ખેાળામાં ખાંભી

19 October 2023
0
0
0

ખેાળામાં ખાંભી રાંડીરાંડ રજપૂતાણીનો સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ !” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. “બ

19

માણસિયો વાળો

19 October 2023
0
0
0

માણસિયો વાળો સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થર વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા

20

પરિશિષ્ટ ૧

19 October 2023
0
0
0

પરિશિષ્ટ ૧ માણસિયાનું મૃત્યુગીત [ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયા

21

પરિશિષ્ટ ૨

19 October 2023
0
0
0

પરિશિષ્ટ ૨ 'અણનમ માથાં'નું કથાગીત[જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું 'નિશાણી નામક પ્રાચીન કાવ્ય] ચૌદ સવંત પાંસઠ સરસ, પ્રસધ વખાણે પાત્ર, અણદન વીસળ અવતર્યો, ચારણ વ્રણ ક

---

એક પુસ્તક વાંચો