shabd-logo

સેનાપતિ

18 October 2023

5 જોયું 5

સેનાપતિ

ળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતને પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી.

એવે અંધારે વીંટાયલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્ગ સેનાપતિ ભા’ દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે. એની આંખ મળતી નથી. આટલા દિવસથી ગોહિલ તળાજું ઘેરીને પડ્યા છે, તોયે ગઢ તૂટતો નથી. ધોળિયા કોઠા ઉપર નૂરુદ્દીનનો લીલો નેજો જેમ ફડાકા કરે છે, તેમ તેમ ભા’ દેવાણીનું કલેજું તરફડિયાં મારે છે.

સિત્તેર હજાર કોરી રોકડી ગણીને આપીને ખંભાતના નવાબ પાસેથી લીધેલું તળાજું દગલબાજ નૂરુદ્દીનને હાથ પડી ગયું છે. ગઢની અંદરથી દારૂગોળાની હારમઠોર બોલે છે. ઠાકોર આતાભાઈ પોતે જ ભા’ની જોડે ચડ્યા છે. તોય શત્રુની સામે ભાવનગરની કારી ફાવતી નથી.

“બાપુ!” એવો અવાજ દઈને ચાકરે ભા’ને એમના ધ્યાનમાંથી જગાડ્યા.

ઊંચું જોઈને ભા’એ પૂછ્યું : “કેમ અટાણે?”

“બાપુ, ઠાકોરે કે’વાર્યું છે કે ભલા થઈને ભા’ બે રાત્યુંની રજા આપે.”

“આવે ટાણે રજા ! અને બે રાત્યુંની રજા ! ઠાકોર ગાંડા થઈ ગયા? કે શું ભાવનગરથી કોઈ જરૂરી તેડું આવ્યું છે? ​શું છે તે ઘરણ ટાણે સાપ કાઢ્યો છે?”

“બાપુ,” ચાકરે ધરતીઢાળું જોઈને જવાબ દીધો. “ઠાકોરને રણવાસ સાંભર્યો છે. આખી રાત ઊંઘતા નથી.”

“એમ? આતાભાઈને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભર્યો !” આટલું બેલીને ભા’ ખડખડ હસવા મંડ્યા. 

"જાવા દો, ભલે આંટો મારી આવે. બીજું કાંઈ કામ હોત તો હું ના પાડત. પણ આ બાબતમાં તો... અમેય એક દી જુવાન હતા.”

પચાસ વરસની અવસ્થાએ પહોંચેલ બુઝુર્ગ ભા’ દેવાણી વહેલે પરોઢિયે ઠાકોર આતાભાઈને વળાવવા ગયા. આતાભાઈની ધરતી ખોતરવા મંડી. ભા’ના મોં સામે એનાથી મીટ મંડાણી નહિ. ગાલે શરમના શેરડા પડી ગયા. ભા’ ફકત એટલું જ બોલ્યા : 

“જોજો, હો ઠાકોર ! બે ઉપર ત્રીજી રાત થાય નહિ. આમ જુઓ, નૂરુદ્દીનની જંજાળ્યોના ચંભા છૂટે છે.”

ઘૂમતા પારેવાના જેવી મહારાજાની ઘેરી આંખો તારલાને અજવાળે ચમકવા મંડી. એણે જવાબ ન વાળ્યો. ભા’ને રામ રામ કરીને એણે અંધારામાં ઘોડી દોડાવી મેલી.

વણાવાળાં ઠકરાણીની મેડીએ સાવજ જેવા આતાભાઈને ગળે સાંકળો પડી ગઈ છે. રાણીની મોરલી જેવી મીઠી બોલી ઉપર મોહેલો એ ફણીધર પ્રેમના કરંડિયામાં પુરાઈ ગયો છે. ક્યાં તળાજું ! ક્યાં ભા’ દેવાણી ! ક્યાં લડાઈ ! ક્યાં કોલ ! ક્યાં લાજ-આબરૂ ! કાંઈયે આતાભાઈને યાદ ન રહ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ : એમ દિવસ પછી દિવસ ઊગી ઊગીને આથમવા મંડ્યા.

અહીં ભા’ દેવાણી આંખો ખેંચી ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઈને ગોતે છે. ધણી વિનાની ફોજ કાયર બનીને ​બેઠી છે. લડવયા ગુલતાનમાં ચડી ગયા છે. આખરે લાજ-મરજાદને છોડીને એણે આતાભાઈને કાગળ લખ્યો. 

રાજમહેલમાં ઠાકોર અને રાણી હીંડોળાખાટે હીંચકે છે. આસમાનમાં આદમની ચાંદની છોળે છોળે રેલી રહી છે. સુગંધી સુરાની પ્યાલીઓ ભરી ભરીને ‘મારા સમ – જીવના સમ’ દેતી રાણી ઠાકોરને પિવાડે છે. તે વખતે દરવાજે આવીને ખેપિયાએ સાંઢ ઝોકારી, બાનડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી.

ચિઠ્ઠીમાં એક જ વેણ લખેલું :

'એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ?’ 

ઠાકોર રોષે ભરાણા. આટલી હદે ! ભા' ગમે તેવો તોયે મારો ચાકર. એણે રાણીને મે'ણું દીધું.

પતિના મોંનો રંગબદલો રાણી પારખી ગઈ. એણે પૂછ્યું : “શું છે?”

“વાંચો આ કાગળ.” 

રાણીએ વાંચ્યું : 'એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ?’ વાંચતાં જ રાણીને ભાન આવ્યું.

ઠાકોરનો હાથ ઝાલી કહ્યું: “ઊઠો ઊઠો ઠાકોર ! શું બેઠા છો? ભા'નો કાગળ વાંચ્યા પછીયે બેસવું કેમ ગમે છે? ઊઠો, હથિયાર બાંધો, ઘોડે ચડો અને ઝટ તળાજા ભેગા થાઓ.”

"પણ રાણી, ભા' આવું લખે?”

"હા, હા, એવું જ લખે. એનો અક્ષરેઅક્ષર સાચો. હું તો અફળ ઝાડવું: મારે પેટ સવાશેર માટી સરજાણી નથી. ઊઠો, ઠાકોર !”

નોમને પ્રભાતે સૂરજદેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો. ઠાકોર આવવાની ​આશા છોડીને ભા’એ ગઢના દરવાજાને માટે છેવટનો હલ્લો કર્યો છે. નૂરુદ્દીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાળીને હાકલ દીધી કે “હાં, હવે દરવાજો ખોલી નાખો. ખબરદાર, ગોહેલનો દીકરો એકેય જીવતો જાય નહિ.” 

ખોરાસાની અને મુગલાઈ જોદ્ધાઓ તળાજાના ગઢમાંથી 'ઇલઇલાહી' કરતા વછૂટ્યા. સામે પોતાના લશ્કરની મોખરે ભા’એ ‘જે ખોડિયાર’ના લલકાર કરીને ખડગ ખેંચ્યું. ઝૂઝતો ઝૂઝતોયે ભા' ભાવનગરના કેડાને માથે મીટ માંડતો જાય છે કે ક્યાંય આતોભાઈ કળાય ! ક્યાંય ઠાકોર દેખાય ! માથે તલવારના મે વરસતા આવે છે, પણ ગોહિલોનો કુળઉજાળણ ભા’ મોખરાની જગ્યા મેલતો નથી. એમાં ‘ઊભો રે'જે, બુઢ્ઢા !’ — એવી હાકલ મારતો નૂરુદ્દીન પોતાના પહાડી અશ્વ ઉપર બેઠેલ, કાળભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજામાંથી ઊતર્યો. એના હાથમાં સાંગ તોળાઈ રહી છે. પચીસ ખોરાસાનીઓના કુંડાળામાં પડી ગયેલા ભા’ની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નૂરુદ્દીન સાંગ નાખવા જાય છે તે ઘડીએ આખી ફોજને ચીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને બરાબર દરવાજામાં નૂરુદ્દીનને તલવારનો પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીંકી દીધો. કડેડાટ કરતું કોઈ મોટું ઝાડવું પટકાય તેમ નૂરુદીનનું ડિલ ઢળી પડ્યું. અને અણીના મામલામાંથી અચાનક ઊગરી ગયેલ ભા’ દેવાણી વાંસે નજર કરે ત્યાં... કોણ ઊભું છે?

તાજણનો અસવાર આતાભાઈ : ભાલાને માથે દેવચકલી ચક્કર ચક્કર આંટા મારી રહી છે.

“વાહ રે, ભાંગ્યા દળના ભેડવણ ! આવી પહોંચ્યો !”

“હા ભા’ ! આવી પહોંચ્યો છું. હવે પાછા હઠવાનું હોય નહિ તળાજું લીધે છૂટકો. ઘેર તો દરવાજા દેવાઈ ગયા છે.”

"દરવાજા દેવાઈ ગયા? કોણે દીધા ?” ​ “રજપૂતાણીએ.”

“શાબાશ દીકરી ! મારા રાજાને સાવજ બનાવીને મોકલ્યો. મોરલીધરનું નામ લઈને લડો – ફતેહ આપણી છે.”

"ભા’, આજ તો તમે જુઓ, ને હું ઝૂઝું. આજ પારખું લ્યો” એટલું બોલીને આતોભાઈ ખાંડાના ખેલ માથે મંડાણો.

સૂરજ મહારાજની રૂંઝો વળી, ધૂળિયા કોઠા ઉપર ‘ખોડિયાર’નો નેજો ચડી ગયો.*

ભા’ દેવાણીને મંદવાડ છે. દરદ ભેળાતું જાય છે. ભાવનગરના વૈદો-હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પહોર-બે પહોર સુધી ભા’ની પથારી પાસે બેસે છે.

એમ કરતાં આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા’ સહુને ભળભળામણ દેવા મંડ્યા.

“ભા,” ચાકરે આવીને સમાચાર દીધા. “વણાવાળાં મા મળવા પધાર્યા છે.”

નબળાઈને લીધે ઢગલો થઈ પડેલા તેમ છતાંયે ભા’ બેઠા થયા. દીકરાઓના ટેકણ કરીને આસન વાળ્યું.

“માને પધરાવો. આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો.”

વણાવાળાં રાણી આવીને પલંગની પાટી આડાં બેઠાં. ખબર-અંતર પૂછ્યા.

“માતાજી!” ભા’એ બોલવા માંડ્યું. “તમે તો મારી માવડી છો. મારે તમારી માફી માગવાની રહી છે.”

“માફી શેની ભા’ ?”

"યાદ નથી, માડી? તળાજું ભાંગ્યું તે વખતના ઠાકોરના કાગળમાં મેં તમને એબ આપેલી.” ​ "ભા’, તમે તો મને હતી તેવી કહી બતાવી. . . . .” એટલું બોલીને રાણી રહી ગયાં. 

“માડી ! મારી દીકરી !” ભા’નો સાદ ભારે થઈ ગયો. “પૃથ્વીરાજને કહેનારા તો તે દી ઘણા હતા. સંયોક્તાને તારા સરખી સમી મત્ય ન સૂઝી. તું જોગમાયા તે દી દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રજપૂતકુળનો આવો પ્રલય ન થઈ જાત.” એટલું બોલીને ભા’એ આરામ લીધો. ફરી કહ્યું :

"અને માડી, જો ભાવનગરના ભલા સારુ મેં લખ્યું હોય તો ઊગી સરજો; ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંયે પાપનો છાંટો હોય તો આ મરણસજાઈને માથે મારી છેવટની ઘડી બગડી જજો.” 

રાણીએ જવાબ વાળ્યો: “ભા’! તમે મારા બાપને ઠેકાણે છો. તમારા તે દિવસના એક વેણે ઠાકોરને અને મને નવો અવતાર દીધો હતો. ભા’ તે દી તમે અમને બેને નહિ, પણ આખા ભાવનગર રાજને ડૂબતું બચાવ્યું. તમતમારે સુખેથી સ્વર્ગાપુરીમાં સિધાવો; તમારી પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાવનો રોટલો મારી થાળીમાં જ સમજો.”

“બસ, માતાજી, હવે રામ રામ છે.” 

પોતાનાં ઘરવાળાંને ભા’ ભલામણ દેવા મંડ્યાઃ “રજપૂતાણી ! જોજે હોં, ભાવનગરનું અનાજ આપણા ઉદરમાં ભર્યું છે. તારાં છોકરાંને ભાવનગરના ભલા સારુ જ જીવવા-મરવાનું ભણતર પહેલું ભણાવજે.”

“તમે આ ભલામણ કોને કરો છો ?” વહુએ પૂછ્યું. 

“તને, કાં ?”

“હું તો તમારા રોટલા ઘડવા આ હાલી તમારી આગળ અને તમે હવે વહેલા આવજો.”

એમ બોલીને રજપૂતાણી બીજા ઓરડામાં ગયાં. તાંસળી ​ભરીને અફીણ ગટગટાવી ગયાં. પાંચ ઘડી ભા’ની આગળ પ્રાણ છાંડ્યા. અને ભા’એ પણ બે હાથ જોડીને સહુને રામ રામ કરતાં કરતાં દેહનું પીંજરું છોડી દીધું.

બેઉ જણાંની દેરી રૂવાપરીને દરવાજે ઊભી છે.*

એક દિવસ કોઈક કારણે દેવાણીના ખોરડા ઉપર આતાભાઈની આંખ રાતી થઈ છે. દુભાઈને દેવાણી કુટુંબ રિસામણે જાય છે. ઉચાળા ભરીને બાયડી, છોકરાં, મરદ હાલી નીકળ્યાં છે.

વણાવાળાં રાણીને ખબર પડી. એણે હુકમ કર્યો: “મારું વેલડું જોડો.”

રાણીજી હાલી નીકળ્યાં. દેવાણીઓના ઉચાળાને આંબી લીધો. ત્યાં તો વાંસે દોડાદોડ થઈ રહી. રાણીએ જવાબ દીધો:

“મારા દીકરા જાય, ને હું કોની પાસે રહું?”

મનામણાં કરીને આખા દેવાણી-દાયરાને ઠાકોરે પાછો વાળ્યો.

21
લેખ
સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૪
0.0
સોરઠી ઇતિહાસનો પ્રત્યેક આશક આ એક એક ઘટનામાં કેવળ પોતાના પ્રતાપી ભૂતકાળને વાંચશે એટલું જ નહીં, પણ દેશ દેશનાં વીરત્વ વચ્ચેની સમાનતાના સંદેશા ઉકેલી વિશ્વપ્રેમનો ઉત્સવ માણી શકશે. એ માણવાની દૃષ્ટિ ખીલવવામાં જ આ યત્નની સાર્થકતા છે. અન્યને ઉતારી પાડનારું પ્રતિક મિથ્યાભિમાન આપણને ખપતું નથી. ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિમત જ નથી. સૌરાષ્ટ્રના તરુણોની છાતી ફૂલે – એટલી પહોળી ફૂલે, કે એમાં વિશ્વભરના લોકજીવનનું માહાત્મ્ય સમાય. પરંતુ એ વિશ્વદર્શન દીન મનોદશાના દાસોને નથી લાધતું. એ તો માગે છે ગર્વોન્નત મસ્તક; અને પોતાના પગ તળેની જ ધૂળ માટે જે મમત્વ પેદા ન થાય, તો એ ગર્વ ક્યાંથી નીપજે? ને આવા મુકાબલા વિના એ મમત્વ ક્યાંથી? આવી રીતની સરખામણી કર્યા પછી સૌરાષ્ટ્રનો નિવાસી હરકોઈ સંસ્કૃતિના ભક્તોની વચ્ચે જઈને હિંમતથી બોલી શકશે, કે ઈંગ્લેન્ડ, ગ્રીસ અને રોમની તવારીખની જોડમાં બેસે તેવી ઘટનાઓ મારી ભૂમિ પર બનેલી છે. અને એટલા માટે મારાં નાનાં ભાંડુઓના અભ્યાસક્રમમાં હું એ પ્રતાપી ભૂતકાળનું સ્થાન માગું છું – દૈન્યની વાણીમાં નહિ, પણ ગળું ફેલાવીને, મારા હક્ક તરીકે માગું છું. ​ મુંબઈની યુનિવર્સિટીને પોતાની પ્રતિભા વડે શોભાવી રહેલા સંખ્યાબંધ સૌરાષ્ટ્રવાસીઓ પ્રત્યે આટલી આશા ધરીને વિદાય લેતાં લેતાં એક ખુલાસો કરવો રહે છે : 'સેનાપતિ'ની કથામાં લખી જવાયું છે, કે “રાણીએ મહારાજનાં મીઠડાં લીધાં.” 'દાદાજીની વાતો'માં પણ એ પ્રયોગ થયા છે તે તરફ મિત્રએ ધ્યાન ખેંચ્યું છે. ઓવારણાં લેવાની ક્રિયાના ગર્ભમાં એ લેનારની સામે માથું નમાવવાને સંકેત છે; પણ પુરુષ પોતાની નારીને નમતો નથી, તેથી પત્ની પતિનાં ઓવારણાં લે એવો રિવાજ આપણે ત્યાં નથી. એ સરતચુક માટે હું દિલગીર છું. સૌરાષ્ટ્ર કાર્યાલચ : અષાઢી પૂર્ણિમા, ૧૯૮૨
1

નિવેદન

17 October 2023
0
0
0

નિવેદન ત્રીજી આવૃત્તિ [ટૂંકાવીને] મારી કૃતિઓની પ્રત્યેક નવી આવૃત્તિને ટાણે હું એના સંસ્કરણમાં મારી આછરેલી અભિરુચિની તેમ જ બહારથી સાંપડેલ ટીકાની કસોટીને ઠીક ઠીક કામે લગાડું છું, નાની ત્રુટીઓ પણ

2

અણનમ માથાં

17 October 2023
0
0
0

અણનમ માથાં આસંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા, બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચાર સો વરસ ઉપર પાક્યા

3

હોથલ

17 October 2023
0
0
0

હોથલ [પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમત્રિવેણીસમી ને જગતમાં કોઈ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદ્મણી છૂટાછવાયા લેખમાં કે નાટકોમાં આલેખાઈ ગયાં છતાં એની કંઈક સબળ રેખાઓ

4

વરજાંગ ધાધલ

18 October 2023
0
0
0

વરજાંગ ધાધલ  અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ કાઠી

5

ઓળીપો

18 October 2023
0
0
0

ઓળીપો  પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ એક જ રઢ લાગી ગઈ છે. બાપાદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી ધોળી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પો

6

દસ્તાવેજ

18 October 2023
0
0
0

દસ્તાવેજ ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે ચાર ફેરા ફેરવી

7

સંઘજી કાવેઠિયો

18 October 2023
0
0
0

સંઘજી કાવેઠિયો “આવો, આવો, પટેલીઆવ ! કયું ગામ ?”  “અમે સરોડેથી આવીએ છીએ, બાપુ !” બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા: “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને ચખાડવા સારુ

8

સેનાપતિ

18 October 2023
0
0
0

સેનાપતિ તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતને પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી. એવે અંધારે વીંટાયલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્

9

દૂધ-ચોખા

18 October 2023
0
0
0

દૂધ-ચોખા [પાંચાળમાં ભીમોરા અને મેવાસા : બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લા : બેઉ એના વંશજો વચ્ચે વહેંચાયેલા. ભીમોરે નાજો ખાચર (જુઓ ‘રસધાર’ ભાગ ૧: ‘ભીમોરાની લડાઈ’) રાજ કરે અને મેવાસે શાદુળ ખાચર તથા ભોજ

10

સૂરજ-ચંદ્રની સાખે

18 October 2023
0
0
0

સૂરજ-ચંદ્રની સાખે [રા’ દેસળ ત્રીજાના સમયમાં] રા’ દેસળના જીવને તે દિવસ જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઊઠી ઊઠીને એક કાગળિયો હાથમાં ઝાલી, વિચારમાં ગરકાવ થઈ જાય છે. કાગળિયો એનો કોય

11

મરશિયાની મોજ

18 October 2023
0
0
0

મરશિયાની મોજ નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે ! કાંઈ મીઠા મરશિયા ગાય છે ! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ ! કોઈને મીઠે ગળે ધૂળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરત

12

તેગે અને દેગે

18 October 2023
0
0
0

તેગે અને દેગે જમનાજીના કિનારા ઉપર ધેનુનાં ધણ ચરાવતા ઊભેલા કૃષ્ણ બોલ્યા કે : “એલા ગોવાળિયાવ ! હાલો મારી હારે.” “ક્યાં?” “સોરઠમાં.” “કેમ?” “દ્વારકાનું રાજ અપાવું.”  રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળ

13

દુશ્મનોની ખાનદાની.

18 October 2023
0
0
0

દુશ્મનોની ખાનદાની. “મુંજાસરને પાદર થઈને નીકળીએ અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય?” “આપા, રામ ખાચર ! કસૂંબો રખડી પડશે, હો ! અને ઝાટકા ઊડશે. રે’વા દ્યો. વાત કરવા જેવી નથી. તમે એના સગા મશિયાઈ

14

ભાગીરથી

19 October 2023
0
0
0

ભાગીરથી [બાદશાહજાદીને પરણ્યા પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા-તીરે બેસીને કવિ જગન્નાથે ‘ગંગા-લહરી’ના શ્લોકે શ્લોકે માતા મંદાકિનીને ઘાટનાં પગથિયાં પર ચડાવ્યાં, અને પોતે માથાબોળ સ્નાન કીધું.

15

વાલેરા વાળો

19 October 2023
0
0
0

વાલેરા વાળો જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી. માખણ જેવા કુણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી પાથરી દીધેલી.

16

ચોટલાવાળી

19 October 2023
0
0
0

ચોટલાવાળી વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત ૧૯૫૫ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલ. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી : આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરા

17

વોળાવિયા

19 October 2023
0
0
0

વોળાવિયા બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે. હકીકત આમ હતી : ભગા દોશી નાહવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે ચાર ચાર ઊંડા વાટા પડે. નાહતાં

18

ખેાળામાં ખાંભી

19 October 2023
0
0
0

ખેાળામાં ખાંભી રાંડીરાંડ રજપૂતાણીનો સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ !” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. “બ

19

માણસિયો વાળો

19 October 2023
0
0
0

માણસિયો વાળો સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થર વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા

20

પરિશિષ્ટ ૧

19 October 2023
0
0
0

પરિશિષ્ટ ૧ માણસિયાનું મૃત્યુગીત [ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયા

21

પરિશિષ્ટ ૨

19 October 2023
0
0
0

પરિશિષ્ટ ૨ 'અણનમ માથાં'નું કથાગીત[જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું 'નિશાણી નામક પ્રાચીન કાવ્ય] ચૌદ સવંત પાંસઠ સરસ, પ્રસધ વખાણે પાત્ર, અણદન વીસળ અવતર્યો, ચારણ વ્રણ ક

---

એક પુસ્તક વાંચો