'સૌરાષ્ટ્રની રસધાર'નો પહલો ભાગ સહુ પ્રથમ ૧૯૨૩માં બહાર પડ્યો હતો, અને પાંચમો ભાગ ૧૯૨૮માં. આમ ૧૯૭૮માં આ પુસ્તકોની સુવર્ણજયંતી હતી. આ સુલભ આવૃત્તિ બહાર પાડવાની અમારી ઈચ્છા કાગળની અછત અને મોંઘવારીને લીધે ત્યારે પાર ન પડી. અાજે, બે વરસ પછી, થોડી અનુકુળતા થઈ છે તેથી આ સસ્તી સુવર્ણજયંતી આવૃત્તિ પ્રગટ કરતાં લેખકનું કુટુંબ આનંદ અનુભવે છે. આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રફવાચનને કારણે ઉત્તરોઉત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠ જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રાહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવતી સરાણે ચડીને પાર ઊતર્યાં અને આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાએ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે 'રસધાર'ના ત્રીજા ભાગને છેડે ( અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે ) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયેાગોના અર્થો આપ્યા છે. આ કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયાગેાના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા; એનો ઉપયોગ કરીને આ અર્થ સારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીને લાભ મળ્યો છે. 'રસધાર' ની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડયા છે, એમાં એમનો 'રસધાર' અને તેના લેખક પ્રત્યેને ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારે આભાર વ્યક્ત કરીએ છીએ.
1 ફોલવર્સ
7 પુસ્તકો