shabd-logo

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

12 October 2023

1 જોયું 1

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

"તેદુ'ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !"

એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર વર્ષ પહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઊભાં ઊભાં એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટેગોટા ઊંચે ચડવા લાગ્યા. મેાં મલકાવી એણે કહ્યું:

"ઈ બધું આવું, ભાઈ ! આ ધુમાડા જેવું અમારા સોરઠમાં તો કૈંક ટાઢા પો'રના ગપાટા હાલે છે; પણ હું તો આ ઢાંકને ડુંગરે ડાંગને ટેકે લઈને જયારે ચલમ ચેતવું છું, ત્યારે મને તો ધૂંધળીનાથ-સિદ્ધનાથની જોડી જીવતીજાગતી લાગે છે. હજાર વરસ તે મારી અાંખના પલકારા જેટલાં જ બની જાય છે. આ ધૂંવાડાની ફૂંક જેવો ધૂંધળાવરણો ધૂંધળીનાથ અને આ આગની ઝાળ જેવો હેમવરણો રૂડો સિદ્ધનાથ હાજરાહજૂર લાગે છે."

"વાત તો કહો !"

"અરે વાત કેવી ? ઈ તો ટાઢા પો'રના ! બે ઘડી ગપાટા હાંકીને ડોબાં ચારીએ. થોડીક રાત ખૂટે ! આ તો ​વેલાંની વાતું, મોઢામોઢ હાલી આવે, એના કોઈ આંકડા થોડા માંડેલ છે ?"

એટલું બોલતાં એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો. આંખના ખૂણા લાલચટક બન્યા, અને ડાંગને ટેકે એણે અજવાળી રાતે વાત માંડી...


ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો; જાતને કોળી. આ વાંસાવડ દીમનો રે'તો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણો દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસે વરસ બજરનાં પડતલાં વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબગરબાંને ખવરાવી દ્યે, પાછે આવીને બજર વાવવા માંડે.

ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થાવા માંડયા. જેવું ધ્યાન તેવું દિલનું ગજું : જેવું અન્ન તેવો ઓડકાર: ધૂંધાને તે ગિરનારનું જ ધ્યાન રાત ને દી લાગી ગયું. એનો આતમો વધવા માંડયો. સંસારની ગાંઠ વછૂટી ગઈ. બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી દીધી. એમ બાર વરસે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે : "ધૂંધળીનાથ ! ધૂંધળીનાથ! નવ નાથ ભેળો દસમો નાથ તું ધૂંધો."

'અહાલેક ! ' શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તે જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનાથ, શાંતિનાથ, અવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા : "જોગંદરો, અાપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે નવ નાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં ​પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ, સાફી[૧] એને આપો."

જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ, બીજાને ચલમ આપે.પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછયું. નવ નાથોએ ખુલાસે કર્યો " ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કાળો કામો કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ."

અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે "ધૂંધળીનાથ ! બાર વરસ બીજા : આબુમાં જઈ ધૂણી પ્રગટો ! જાવ બાપ ! ચોરાસી સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે."

આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવ નાથને હાજર કર્યા. અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી. પણ નવે નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે : " આનાથી તપ જીરવાશે નહિ એ હલકું દૂધ છે; કોક દી ને કોક દી એ ન કરવાનો કામો કરી બેસશે."

તેજની જીવતજ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતાં ઘૂમતાં અરવલ્લીને ડુંગરે ચિતોડગઢમાં એનું આવવું થયું.

ચિતોડના રાણાએ ગુરુને ઝાઝાં માન દીધાં. ગુરુનાં ચરણુંમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભર્યા રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો. ​ ધૂંધળીનાથે ધ્યાન ધર્યું, રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખેલા વાંચ્યા: પણ એક જોગી, ને એક સંસારી. એણે કહ્યું : "રાણાજી ! બાર વરસે પાછે આવું છું. બે કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી આંસુ પાડવા બેસીશ મા. બાર વરસે પાછો આવું છું."

બાર વરસને જાતાં શી વાર ? જટાધારી જોગીએ ચિતોડને પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બેય રાજકુંવરને આંગળીએ લઈ બહાર નીકળ્યાં. બેમાંથી એક ઘરાણેલૂગડે ભાંગી પડતો, અને બીજો મેલેઘેલે પહેરવેશે. રાજારાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માગતાં હતાં. પણ તેજની વિભૂતિ કાંઈ મેલે લૂગડે ઢાંકી રહે ? ને એય ધૂંધળીનાથની નજર બહાર રહે ? મેલાઘેલાને જ જોગીએ ઉપાડી લીધો. બાર વરસનો બાળકો દોટ દઈને ગુરુને કાંડે બાઝી પડ્યો. માતાપિતા નજરે દેખે તેમ એ બાર વરસના બાળકને માથું મૂંડાવી ભગવાં પહેરાવ્યાં. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજારાણી ખોબે ખોબે આંસુ પાડતાં ચિતોડગઢ પાછાં વળ્યાં.


ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ફૂંકયો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ, ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દી નહોતું. અાંહી તો પ્રેહપાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું : " બાપ, હું આ ડુંગરામાં બાર વરસની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર ઝોળી ફેરવીને અાંહીં સદાવ્રત રાખજો, ભૂખ્યાંદુખ્યાં અને અપંગોને પોતાનાં ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઈ પૂરજો.” ​એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું.

વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઈ ગઈ? નગરીમાં ઝોળી ફેરવે, પણ કોઈએ ચપટી લોટ ન દીધો. દયામાનનો છાંટોય ન મળે એવાં લોક વસતાં'તાં. પણ સત્તર અઢાર વરસનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો: સમજુ હતો: એણે અક્કેક ચેલાને અક્કેક કુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડાં વાઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપમહેનતથી ઉદર ભરો ! જોગીનો ધરમ હરામનું ખાવાનો ન હોય. કોઠામાં જરે નહિ. જાઓ જંગલમાં.

બીજે દી, ત્રીજે દી, અને ચોથો દી થતાં તો કુહાડા મેલી-મેલીને બધા ચેલાએ મારગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ. રાણાકુળનું બીજ, એમાં ફેર ન પડે. પ્રભાતનો પહોર પ્રાગડના દોરા ફૂટ્યા પહેલાં તે આશ્રમને વાળીચોળી, ઝાડવાંને પાણી પાઈ, સિદ્ધનાથ વનમાં ઊપડી જાય. સાંજે બળતણની ભારી બાંધી શહેરમાં વેચી આવે. નાણું નહિ જેવું નીપજે. તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડેાશી એવી નીકળી કે જે એને રેાટલો ટીપી આપે. એ હતી કુંભારની ડેાશી. અઢાર વરસના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઈ ડેાશી લળી લળી હેત ઢોળે છે.

આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યાં. માથું છોલાઈને જીવાત પડી સુંવાળી કાયા ખરી ને ! કેટલુંક સહેવાય ? દુઃખ તો ચિતોડની મોલાતમાં કોઈ દિવસ દીઠું નહોતું. અને આંહીં એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યો ગયો. બાર વરસે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. અાંખે ઉઘાડીને ગુરુએ આશ્રમ નીરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ ​હાજર દેખ્યો. પૂછયું કે બીજા બધા કયાં છે? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખેાટો જવાબ વાળ્યો; ગુરુને પટાવી લીધા.

ઘણાં વરસનો થાકયો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયડે જંપી ગયો છે. શીળા વાયરાની લે'રેલે'રે એની ઉજાગરાભરી અાંખો મળી ગઈ છે. ગુરુજી ચેલાનાં અઢળક રૂપ નીરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું, માથા ઉપરનું ઓઢણુ સરી પડયું, માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઈને જોયું, માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડયું છે. ગંધ વછૂટે છે.

ગુરુએ ચેલાને જગાડયો. પૂછયું : "આ શું થયું, બચ્ચા ?"

"કાંઈ નહિ બાપુ ! ગૂમડું થયું છે." સમદરપેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું.

"સિદ્ધનાથ !" ગુરુની ભ્રકુટિ ચડી: "જોગ પહેર્યો છે એ ભૂલીશ મા. અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું, ગુરુદુહાઈ છે."

સિદ્ધનાથ ધીરે રહીને વાતો કહેતો ગયો, તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઊઠયું. અડતાલીસ વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતા હોય તેવું રૂપ બંધાઈ ગયું. હૈયામાંથી 'હાય! હાય! હાય !' એમ હાહાકાર નીકળી આભને અડવા માંડયા : "અરે હાય હાય ! જગતનાં માનવી ! દયા પરવારી રહ્યાં ! મારા બાળ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધીયે ભારિયું ખેંચે ! અને મારી તપસ્યા ! ભડકે ભડકે પ્રલેકાર મચાવી દઉં ! મારે તપસ્યાને શું કરવી છે ! ​સિદ્ધનાથ ! બચ્ચા ! દોડ, ઓલી કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું વાળીને ન જોવે હો : આજ હું પ્રેહપાટણને પલટાવું છું."

એટલું કહેતાં તો આશ્રમ કાંપ્યો. ઝાડવાં ધૂણ્યાં. અને ત્રાહિ !ત્રાહિ ! પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે "ગુરુદેવ !ગુરુદેવ ! તપસ્યાનાં પુણ્ય એમ નથી ખોંવાં. અરે બાપુ ! માનવીઓ તો બધાંય માટીનાં એનાં પેટ છીછરાં જ હોય. એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ.ગજબ કરો મા ! લાખ્ખોની હ યા, નિસાસા, કલ્પાંત : કેમ જોયાં ને સાંભળ્યાં જાશે, ગુરુદેવ ?"

પણ ગુરુ વાર્યા ન રહ્યા. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડયું; ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી, ડુંગર ડોલ્યા. દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું : "સિદ્ધનાથ ! હવે કમાનમાંથી તીર છૂટે છે, દોડ, દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહિ તો સૂકાં ભેળાં લીલાંય બળશે, બચ્ચા !"

સિદ્ધનાથે દોટ દીધી, પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી, છોકરાને આંગળીએ લઈ ડેોસી ભાગે છે, અને આંહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે : " ઓ ધરતી મૈયા !

પટ્ટણ સો દટ્ટણ ! અને માયા, સો મિટ્ટી !"

- એમ પોકારીને એણે ખપ્પર ઊંધુ વાળ્યું. વાળતાં જ વાયરા વછૂટ્યા, આંધી ચડી, વાદળાં તૂટી પડ્યાં, મોટા પહાડ મૂળમાંથી ઊપડી-ઊપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવતજાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. એક ​પ્રેહપાટણ નહિ, પણ એવાં ચોરાસી પાટણ તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યાં અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારદ થઈ ગઈ.

ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતાં એની ધીરજ ખુટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા ને છોકરાં ત્યાં ને ત્યાં પાણકા બની ગયાં. એ હજી ઊભાં, ઢાંકને સીમાડે !

આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવ નાથ અને ચારાસી સિદ્ધોએ અવાજ દીધો કે "આજથી એની ચલમસાફી બંધ કરો ! બંધ કરો ! " કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠા. સિદ્ધિઓ વિના એનો એ રાંક ધૂંધો કોળી થઈ ગયા. " ભાઈ ! ગમે તેવા તોય કેાળીનું દુધ ના !"


અાંહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું ? ડુંગરે ઉભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એના જીવ જંપ્યો નહિ. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાછત શી રીતે થાય એ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહિ. અરેરે ! ઘડી પહેલાં જ્યાં હજારો નરનારી ને નાનાં છોકરાં કલ્લોલ કરતાં હતાં ત્યાં અત્યારે કોઈ હોંકારો દેવા પણ હાજર નહિ ? હું સિદ્ધનાથ : ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઈક આ નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઈશ, મારાં તપ સંઘરીશ : એવું વિચારીને એ કંકુવરણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એનાં નેત્રોની અમૃતધારાઓ છંટાવા લાગી, બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું. ​એક દિવસ સાંજ નમતી હતી. એાછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર ખાવા ધાતું. એમાં બે જીવતાં માનવી ભટકે છે. ધૂળ ઉખેળી ઉખેળી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલાં પાણિયારાં, ખારણિયા ને મિટ્ટી થઈ ગયેલ ધાતુનાં વાસણો નીરખે છે. માને ધાવતાં બચ્ચાનાં મડદાં એમ ને એમ જામી ગયેલાં જુએ છે. જોઈ જોઈ ને બેય માનવી રોવે છે. જેગી સિદ્ધનાથે બેયને જોયાં, બોલાવ્યાં, પૂછયું : “ કોણ છો ?”

“આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારા બેટો નાગાજણ જેઠવો.”

“કેમ કરીને બચી નીકળ્યાં ?”

“રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હતો.”

“બચ્ચા નાગાજણ ! હું તારી જ વાટ જોતો હતો. તું આવ્યો, બાપ ? મારી દુવા છે તને કે :


જેસો લંકેશ તેસો ઢંકેશ,
દુશ્મન માર વસાવ દેશ.

જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંક- આ ઢંકાયેલી નગરી–નો સ્વામી બનીશ. તારી ઢક (ઢાંક)લંકા નગરીને તોલે આવશે. માટે બેટા, ફરી વાર આંહી આપણે નગર વસાવીએ.

ઢંકાયેલા પ્રેહપાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજાં નગરોને પોતાની રિદ્ધિસિદ્ધિમાં ઢાંકી દીધાં. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મુકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ: બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. એાલ્યોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહ્યલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થતો હતો. ​પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે, સરજવું દોહ્યલું છે, બાપ! સિદ્ધનાથે સરજી જાણ્યું.

પણ કાળનો આવવો છે ના ! એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડયા.

“કેમ બચ્ચા ?” જોગીએ પૂછયું.

“ગુરુદેવ ! એક જ બાબત બાકી રહે છે.”

"શી ?"

“આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ !”

"હા.”

“તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો.”

“નાગાજણ !” ગુરુએ નિસાસો નાખયે : “એવો અરથ લીધો ? આ સમૃદ્ધિ ઓછી લાગી, તે સોને લોભાણા, રાજ ?”

“આપનું વેણ છે.”

“વેણેવેણ સાચું કરવું છે ?”

"હા.”

“ તે પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે, રાજા! સોનાની લંકા રોળાણી હતી.”

"ફિકર નહિ.”

“તને ભાગ્ય ભુલાવે છે, રાજા ! પણ ખેર : હવે પૂરું કરીશ. નાગાજણ ! ઉગમણું મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવાણ (શાલિવાહન) ગોહિલ: એને ઘેર સોનદેવી રાણી : એ જોગમાયા આવીને જેટલી ગાર કરે, એટલું સોનું થઈ જાય. બેાલાવું ?”

“બેાલાવો.” ​“અધર્મ નહિ કર્ય ને ?”

“મા-જણી બોન માનીશ?”

“શાલિવાહન સાથે વેર પાલવશે ?”

“રે ગુરુદેવ ! હું નાગાજણ : હું જેઠવો : ઝૂઝી જાણું છું.”

પછી તે સિદ્ધનાથે તપોબળ છોડયાં. મુંગીપુરને મહેલેથી સતી સોનરાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઊતર્યો. સતી જાગી, જોગી આઘેરો ઊભે રહ્યો. નાગાજણે હાથ જોડ્યા : “બેન, મને તારો મા-જણ્યો ભાઈ માનજે. અધરમ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે, તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવવું છે. મારે કોટકાંગરે તારા હાથ ફેરવ, બાપ !”

રોજ બેાલાવે. રોજ ઓળીપો કરાવે. પાછી પહોંચાડે.

છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો : “ બેન, કંઈક કાપડાની કેાર માગી લે.”

“ટાણે માગીશ, ભાઈ !”

કહીને રાણી ચાલી ગઈ આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઠયો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંકયાં. કેાઈ કહે કે એ તો શાલિવાહન : એટલે કે શાળને દાણે દાણે એકેક ઘોડેસવાર ઊઠે એવો મંત્ર જાણનારો. કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે.

આંહીં તો ઢાંક લંકા જેવા ઝગારા કરે છે. છત્રીસ છત્રીસ તો એના કનકકોટ શોભે છે, ગુરુ સિદ્ધનાથ એ અક્કેક કોઠા ઉપર નાગાજણને લઈને ચડતો ગયે. ચડીચડીને એણે આગમ ભાખ્યાં, જુગજુગની ભવિષ્યવાણી કાઢી. ક્યારે શું શું બનશે, જેઠવા કુળની કેવી ચડતીપડતી થાશે ​એના કાળલેખ ઉકેલી-ઉકેલીને સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી.

"નાગાજણ ! હવે મને રજા દે, બચ્ચા ! ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઈને હું હવે મારે માર્ગે જાઉ છું. અમારા પંથ અઘોર છે, બાપ !તારી સન્મતિ થાજો ! તારો કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પથ ચૂકીશ મા ! બાકી તો તેં જીવી જાણ્યું. તને મોતનો ભો શો રહ્યો છે ?"

જુવાન સિદ્ધનાથ માર્ગે પડયા. એક તો ક્ષત્રી અને વળી ચિતોડગઢનું કુળ; તેમાં ભળ્યાં જોગનાં તેજ : વીરભદ્ર જેવો એ મહાજતિ મોકળી લટે અહાલેક ! અહાલેક ! બોલતો, દુનિયાને જગાડતો, કેાઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો.

નાગાજણનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની સમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઈને બેસી રહ્યો.

શાલિવાહનની ફોજે ઢાંક ફરતાં ડેરાતંબૂ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડયો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નથી; એક શિલા પણ ચસ દેતી નથી.

"કોઈ જઈને નાગાજણનું મસ્તક લાવી આપે ? હું એ એક માથું લઈને પાછો જાઉં."શાલિવાહન રાજાએ સાદ પાડયો.

એક ચારણને કુમત્ય સૂઝી, એણે હોકારો દીધો, ચારણ ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈએ ચાલતી હોય તોય ચારણ, ફકીર કે સાધુને કોઈ અટકાવતું નહોતું. ચારણ શત્રુપક્ષનો, તોપણ એ તો ચારણ : ​એનો એવો ભરોસો. ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો.

અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસોંદીને જગાડયો. "આવી જા, સોગઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ."

તે દિવસે તો, ભાઈ! રાજાનાં માથાં અને માન પણ ચારણને જ હાથ સચવાતાં ખરાં ને! કમતિયા દસોંદીએ ચોપાટમાં નાગાજણનું શીશ માંડયું. શાલિવાહનના કૂડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા, મનમાન્યા દાવ આણ્યા, જીત્યો, માટી થયો. કહે કે "લાવ તારા રાજાનું માથું."

દસોંદી શું મેાં લઈને જાય ! પણ નાગાજણને કાને વાત પહેાંચી અને લલકારી ઊઠયો : "અરે, મારો દસોંદી ! એનાં વેણ માથે તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચેય એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રી માથું મેલીને નિર્ભય બની સૂઈ જાય; બોલાવો એ ચારણને."

દસોંદી કાંપતે પગે નીચી મૂંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એણે ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી. "આજ મને રૂડો કરી દેખાડ્યો, ચારણ! તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે ?" દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો : "હવે તે આ માથા વગરનું ધડ ઉલ્કાપાત માંડશે, ચારણ! આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે કે ​નાગાજણના ધડ સામે મરદ હો તો ઝૂઝજે અને તારી જેગમાયા રાણીમાને – મારી બોનને – કહેજે કે ભાઈનું જુદ્ધ જોવા બહાર નીકળે."

એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઈ પડયું થાળીમાં લઈને દસેાંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો.

અાંહીં નાગાજણનું કબંધ (ધડ) ઊડયું. બે હાથમાં બે સમશેરો લીધી, અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડ્યો ફૂટતી આવે છે: માથે જાણે રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે.

વીર ચાલ્યો, તરવારો વીંઝી, શાલિવાહનના સૈન્યમાં ત્રાટકયો. ઘૂમવા લાગ્યો. શત્રુઓનાં માથાં છેદાવા લાગ્યાં, સૈન્ય ભાગ્યું. રાજા ભાગ્યો, પાછળ કબંધે દોટ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો, ઉગાર નહોતો.

એવી અણીને સમયે સોન રાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી, પાલવ પાથર્યો, તરવાર વીંઝતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય તેમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે : "બોન, માગી લે."

"વીરા મારા ! તે દી વેણ દીધું'તું કે કાપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારાં શૂરાતન શમાવી લે, ભાઈ !"

શબ્દ સાંભળીને ધડ ટાઢું પડયું. સમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.

હજારો લાશો રગદોળાઈ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા, અને નાગાજણના શબ ​પાસે બેસીને જોંગદરે આંસુડાં ટપકાવ્યાં. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.


*

"આવાં અમારાં માલધારિયુંનાં ગપ્પાં, ભાઈ! મોરુકી વાતું હાલી આવે છે. અમે તે રાતને ટાઢે પો'રે ડોબાં ચારીએ, અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ."

એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ, કેાઈ અવધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય એવો, વાદળીએ વીંટાતો હતેા. 

  1.  ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટુકડો , રાખવામા આવે તેને ' સાફી ' કહે છે
23
લેખ
સૈરાષ્ટ્રની રસધાર ભાગ ૨ ઝવેરચંદ મેઘાણી
0.0
'સૌરાષ્ટ્રની રસધાર'નો પહલો ભાગ સહુ પ્રથમ ૧૯૨૩માં બહાર પડ્યો હતો, અને પાંચમો ભાગ ૧૯૨૮માં. આમ ૧૯૭૮માં આ પુસ્તકોની સુવર્ણજયંતી હતી. આ સુલભ આવૃત્તિ બહાર પાડવાની અમારી ઈચ્છા કાગળની અછત અને મોંઘવારીને લીધે ત્યારે પાર ન પડી. અાજે, બે વરસ પછી, થોડી અનુકુળતા થઈ છે તેથી આ સસ્તી સુવર્ણજયંતી આવૃત્તિ પ્રગટ કરતાં લેખકનું કુટુંબ આનંદ અનુભવે છે. આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રફવાચનને કારણે ઉત્તરોઉત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠ જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રાહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવતી સરાણે ચડીને પાર ઊતર્યાં અને આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાએ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે 'રસધાર'ના ત્રીજા ભાગને છેડે ( અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે ) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયેાગોના અર્થો આપ્યા છે. આ કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયાગેાના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા; એનો ઉપયોગ કરીને આ અર્થ સારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીને લાભ મળ્યો છે. 'રસધાર' ની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડયા છે, એમાં એમનો 'રસધાર' અને તેના લેખક પ્રત્યેને ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારે આભાર વ્યક્ત કરીએ છીએ.
1

લેખકનું નિવેદન

12 October 2023
2
0
0

લેખકનું નિવેદન [ બીજી આવૃત્તિ ] સાત વર્ષ પર લખાયેલી પહેલી આવૃત્તિમાં ઘણો કૃથો હતો તે કાઢી નાખ્યો છે. લખાવટ બીજી 'રસધારો'ની કક્ષામાં આણી છે. સુધારાવધારા કર્યા છે. પહેલી બે કથાઓનાં ૪૨ પાનાં નવીન ઉ

2

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

12 October 2023
0
0
0

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ "તેદુ'ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !" એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર

3

રા' નવઘણ

12 October 2023
0
0
0

રા' નવઘણ "લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર." એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયેા અને અક્કેક થાનેલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છા

4

એક તેતરને કારણે

12 October 2023
0
0
0

એક તેતરને કારણે પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવત

5

એક અબળાને કારણે

12 October 2023
0
0
0

એક અબળાને કારણે સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કા

6

સિંહનું દાન

12 October 2023
0
0
0

સિંહનું દાન મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબ

7

વર્ણવો પરમાર

13 October 2023
1
0
0

વર્ણવો પરમાર સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાં

8

આલમભાઈ પરમાર

13 October 2023
0
0
0

આલમભાઈ પરમાર રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના

9

દીકરો !

13 October 2023
0
0
0

દીકરો ! "આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શેાભે.” એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ

10

ઢેઢ કન્યાની દુવા

13 October 2023
0
0
0

ઢેઢ કન્યાની દુવા શિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપદીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજજી એનું

11

આઈ જાસલ

13 October 2023
0
0
0

આઈ જાસલ "આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” (આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન?) “ભલેં, નાખાંસ, ભાઈ !” તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી

12

કામળીનો કોલ"

13 October 2023
0
0
0

કામળીનો કોલ"  આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે'વાં ?” “રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “ હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહી

13

આંચળ તાણનારા !

14 October 2023
0
0
0

આંચળ તાણનારા ! "હાંકો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે." એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીએાની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્ર

14

મોત સાથે પ્રીતડી

14 October 2023
0
0
0

મોત સાથે પ્રીતડી આ શરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, 'મને મરવા દે

15

કરપડાની શૌર્યકથાઓ

14 October 2023
0
0
0

૧૪ કરપડાની શૌર્યકથાઓ ૧. 'સમે માથે સુદામડા ?' પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ,પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ. જુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો

16

ફકીરો કરપડો

14 October 2023
0
0
0

 ર. ફકીરો કરપડો સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું એને વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખા ખાચર હતેા એમ બેાલાય છે.

17

વિસામણ કરપડો

14 October 2023
0
0
0

૩. વિસામણ કરપડો ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પ

18

કાળો મરમલ

14 October 2023
0
0
0

કાળો મરમલ "હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું ; એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં; એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ સતી બહેન સારુ પોતપોતાન

19

કાંધલજી મેર

14 October 2023
0
0
0

કાંધલજી મેર ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી. રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતેા. કાંઈક કારણથી કાંધલજીનું મન

20

કાળુજી મેર

14 October 2023
0
0
0

કાળુજી મેર કીધી તેં જે કાળવા, લાખા વાળી લી, સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી. મેરની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી

21

મૂળુ મેર

14 October 2023
0
0
0

મૂળુ મેર ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી”[૧]પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જો

22

ચારણની ખોળાધરી

14 October 2023
1
0
0

ચારણની ખોળાધરી વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : “ મારો રાણો કયાં ?”

23

પરણેતર

14 October 2023
0
0
0

પરણેતર સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. “રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જે

---

એક પુસ્તક વાંચો