મહાકાવ્ય રામાયણમાં રામ, રાવણ, હનુમાન જેવા તેજસ્વી પાત્રોની છાયા નીચે કદાચ થોડા ઢંકાઈ ગયેલા, પરંતુ દૃઢ મનોબળ અને વીરતા સાથે જગતભરની શોષિત, પીડિત ગુલામ જાતિઓ માટે આશાનું કિરણ બતાવી ગયેલા, બે ભાઈઓની આ કથા છે. સદીઓથી ઉત્તરવાસી દેવો અને દક્ષિણવાસી અસુરો વચ્ચે ચાલતા રહેલા નિરંતર યુદ્ધમાં વિના વાંકે પીસાયા કરતી વન નર પ્રજાતિમાં એમનો જન્મ થયો. બહારના લોકોએ જેમને વાનર ગણીને તુચ્છકારી કાઢ્યા, જરૂર પડી ત્યારે પોતાના ભવ્ય નગર અને મહાલયોમાં ગુલામ તરીકે બાંધી દીધા, એ વનવાસીઓએ તો ઉજ્જવળ ભવિષ્યની બધીયે આશા છોડી દીધેલી. પણ પછી એમની જ વચ્ચે અગ્નિશિખા જેવો પ્રગટ થયો એક વન નર બાલિ. એ અનાથ હતો, ગરીબ હતો, પણ ગુલામ તરીકે મરવું એને મંજુર નહોતું. પ્રાણપ્રિય ભાઈ સુગ્રીવ સાથે મળીને બાલિએ પોતાના લોકો માટે એક એવું નગર ઊભું કરવાનો સંકલ્પ લીધો, જેમાં જાતપાત, રંગરૂપ, ભાષાના કોઈ ભેદભાવ ન હોય. એ યુગમાં જેની કલ્પના પણ ન કરી શકાય એવી એ નગરી `કિષ્કિન્ધા’ના સર્જનની આ કથા છે. આ કથા જેટલી સુંદર, મનોહારી છે, એટલી જ કરૂણ પણ છે, કારણકે બાલિ અને સુગ્રીવ એક જ સ્ત્રી, તારાના પ્રેમમાં પડે છે. સંસ્કૃતિનો કદાચ આ પ્રથમ પ્રણય ત્રિકોણ છે. એકમેક માટે જીવ આપવા તૈયાર રહેતા ભાઈઓ વનવાસી વૈદ્યની બુદ્ધિશાળી, સુંદર પુત્રી તારા માટે એવા લડી પડ્યા કે ઇતિહાસ બદલાઈ ગયો. રામ રાવણની કથાનો જે અંત આવ્યો એમાં પણ બાલિ-સુગ્રીવ-તારાના સંબંધો મોટો ભાગ ભજવી ગયા. Read more
1 ફોલવર્સ
12 પુસ્તકો