shabd-logo

ગંગાબાઈ અને જમનાબાઈની વાત

11 November 2023

2 જોયું 2

ગંગાબાઈ અને જમનાબાઈની વાત


આ વાર્તામાં ભોળાં માણસને સારી, તથા નરસી , સોબતની અસર વેહેલી થવાનો દાખલો છે.


દોહરો
ભોળા જન વિદ્યા ભણી, વેહેમ તજી વખણાય;
વેહેમીના સહવાસથી , વળિ તે વેહેમી થાય. ૧

એક શહેરમાં ઘણી વખણાયેલી ઉત્તમ નિશાળ હતી; તેમાં દુર્ગારામ મંછારામ જેવો વૃદ્ધ મેહેતાજી સઉને સારો અભ્યાસા કરાવતો હતો. નિશાળના એક ખંડમાં છોકરા ભણવા બેસતા હતા. બીજા ખંડમાં છોડીઓ, અને ત્રીજા ખંડમાં મોટી ઉમરની બાઈઓનો વર્ગ બેસતો હતો. અને દરરોજ ચાર વાગ્યા પછી છેલીવારે ભાષણ કરીને બોધ કરતો હતો, કે જેથી સહુના મનમાંથી છુમંત્ર વગેરેના વહેમો મટી જતા હતા. અને જેમ સુતાર વાંકાચુંકા અણઘડ લાકડાંને સુધારીને સુઘડ કરે, અને રોગાનના રસથી ચળકતાં કરે, તેમાં વગર કેળવણીવાળાં માણસોનાં વાંકાં અને અણઘડ અંત:કરણોને સુઘડ કરતો હતો. તથા ચોપડીમાંહિના નવરસથી ચળકતાં કરતો હતો.


નિશાળ અથવા સુતારની શાળા વિષે
મનહર છંદ
ઘડાતાં ઘડાતાં અણઘડ જ્યાં સુઘડ થાય,
કઠણનાં કાળ જ્યાં અભેદ તે ભેદાય છે;
વાંકાં માટી શીધાં થાય, મલીનતા મટી જાય,
ચોપડીને રસે તે ચળકતાં કરાય છે;
જુદી જુદી જાત એકબીજાથી જોડાઈ જાય,
અને જુઓ ખૂબ એના અંગમાં ખીલાય છે;
રથઘડા બીજે ઠામ રહે દલપતરામ,
આતો શાળા અરથ ઘડાની ઓળખાય છે. ૨ 

તે નિશાળમાં જુદા જુદા વાણીઆની બે દીકરીઓ ભણતી હતી, તેમાં એકનું નામ ગંગાબાઈ અને બીજીનું નામ જમાનાબાઈ હતું, તે જમાનાબાઈ જાતે ભોળા સ્વભાવની હતી. તે બંને જાણીઓએ સારી પઢે સરખો અભ્યાસ કર્યો, પણ ગંગાબાઈને વધારે વિદ્યાનો અનુભવ થયો. અને ઉમરા લાયક થતાં દેવનગરી નામના શેહેરનો રહેવાસી ​વર લાયક તેને મળ્યો. તે ગંગાબાઈ પરણીને સાસરે ચાલી, ત્યાં રસ્તામાં એક ગામને પાદર બપોરા કરવા બેઠાં હતાં; એવામાં એક ભાંગીઆઓનું ટોળું પોતાના ઉચાળા સુધાં આવ્યું. ત્યારે ગંગાબાઈએ પુછ્યું કે તમે ક્યાંથી આવ્યા , અને ક્યાં જશો ? ભંગીઆએ કહ્યું કે, અમે પશ્ચિમ દેશમાંથી આવ્યાં, અને પૂર્વ ગુજરાતમાં કોઈ સારા ગામમાં જ્યાં સારા રાજાનું રાજ્ય હશે ત્યાં જઈને રહેશું.

ગંગાબાઈ – તમારે પોતાનું વતન કેમાં છોડવું પડ્યું ?

ભંગીયા – અમારા દેશમાં કોગળીઆનો ઉપદ્રવ ચાલ્યો. તેથી ત્યાંના કરભારીએ અમારા ઉપર દોષ મુક્યો કે તમે મંત્રજંત્ર કરી કોગળિયું ચલાવ્યું છે. એમ કહીને અમને ફટકા માર્યા, અને ગામમાંથી જાકારો દીધો એમ કહીને વાંસામાં ફટકાના સળ ઉઠેલા તે દેખાડયા.

ગંગાબાઈ – અરે દૈવ, સુધરેલા રાજ્યથી વિદ્યાનો ફેલાવ થયા છતાં આવા બેવકુબ કારભારીઓ દેશમાં હજી છે ખરા !! એમ કહીને એક કવિત બોલી.


મનહર છંદ.

કોગળિયું ચાલ્યું તે તો ભંગીએ ચલાવ્યું કહે,
મોટા તો મૂર્ખ કારભારિયો કુઢંગિયા;
વાંક વિના ભંગીઆને મારીને ભગાડી મુકે,
પશુ જેવા પોતે કાંતો વડા છે વિહંગિયા,
સંહરવા શત્રુ શસ્ત્ર પોતાને સજાવાં પડે,
શસ્ત્ર વિના શત્રુ મારે ભંગિયા કે ફંગિયા;
સર્વ કારભાર એનો ભંગિયાને સોંપો ભાઈ,
ભોળા કારભારિયોથી ભલા ડાહ્યા ભંગિયા. ૩

પછી તે બાઈ પોતાને સાસરે દેવનગરી શેહેરમાં ગઈ. અને સ્વામીને, સાસુને, સસરાને, તથા બીજા લોકોને શી રીતે વશ કરવા ? તે વિષેનું એક કવિનું રચેલું પુસ્તક, તેણે વાંચ્યું હતું; તેમાં લખ્યા પ્રમાણે વિનયનાં વાક્યો, મધુર ભાષણ, યોગ્ય તાબેદારી વગેરે ગુણોથી તેણે સર્વને વશ કર્યાં. કેટલાએક મહિના ગયા પછી, પેલી જમનાબાઈનાં લગ્ન પણ દેવનગરીમાં થયાં, અને તેના સાસરાનું ઘર ગંગાબાઈના મેહેલામાં હતું. તેથી જમનાબાઈ પરણીને ગયાં પછી ગંગાબાઈ સાથે તેની પ્રીતિ તાજી થઈ. બંને જણીઓ વિદ્યાની ચરચા કરીને આનંદમાં દહાડા કાઢતી હતી. એક સમે જમનાબાઈએ ગંગાબાઈને પુછ્યું કે ધણી શી રીતે વશ થાય ? ત્યારે ગંગાબાઈએ કહ્યું કે, ​


મનહર છંદ.

સ્વામી વશ થતો નથી સોળ શણગાર સજે,
સ્વામી વશ થતો નથી અંગતણા રંગથી;
સ્વામી વશ થતો નથી પીયરના પૈસા થકી;
સ્વામી વશ થતો નથી સદા અંગસંગથી,
સ્વામી વશ થતો નથી પુત્રનો પ્રસવ થયે,
સ્વામી વશ થતો નથી ધૂર્ત જેવા ઢંગથી;
કામનીને વશ કંથે થાય દલપત કહે,
પ્રેમ ઉર આણી પાળ્યે આગના ઉમંગથી. ૪

"જ્ઞાનીને તો કરે વશ જ્ઞાનની ગાથાઓ ગાઈ,
માનીને તો કરે વશ નોત્ય નમ્રતાઈથી;
કૃપણને કરે વશ કરીને કસર કાંઈ,
ક્રોધીને તો કરે વશ ખામુંખા ક્ષમાઈથી;
મૂરખને કરે વશ મીઠી મીઠી વાતો કહી,
ફૂલણને કરે વશ ફૂલવા ફૂલાઈથી;
કહે દલપતરામ કામની ચતુર,
કંથ ચતુરને કરે વશ ચિત્ત ચતુરાઈથી." ૫

અગાઉથી વરનો સ્વભાવ ઓળખી પરખીને પછી પરણે, તેને ઝાઝી ફીકર નથી. પણ દેશના ચાલ પ્રમાણે અજાણ્યા વર સાથે લગ્ન થાય, તેને ઘણી ફીકર રાખવી પડે છે. માટે હરેક રીતે સ્વામીની મરજી સાચવીને તેની સાથે જીવ મેળવે તે જ ડાહી, અને તે જ સારા કુળની, તે જ ભણેલી, અને તે જ સંસારમાં સુખ તથા કીર્તિ પામે છે. અને એક વાર જીવ મળ્યો, એટલે પછી તેને જેમ વાળીએ તેમ વળે. એવી શિખામણ સાંભળીને જમનાબાઈએ પણ પોતાનાં સાસરીઆંની પ્રીતિ મેળવી.

એક સમે ગંગાબાઈએ જમનાબાઈને કહ્યું કે, અહીં એક કન્યાશાળા છે; તેમાં ભણાવનારી એક બાઈ છે. અને તેના હાથ નીચે આશીસ્ટન પણ બાઈઓ જ છે, તે નિશાળ જોવા જવાની મારી ઘણી મરજી છે. માટે તમે આવો તો આપણે બંને સાથે જઈએ. જમનાબાઈએ તે વાત કબુલ કરી. અને પોત પોતાની સાસુઓને કહી નિશાળ જોવા ગઈઓ. તે સમે છોડીઓના ઉપલા વર્ગમાં કવિતાનો પાઠ ચાલતો હતો. શિક્ષકબાઈએ આગલે દહાડે વર્ગમાં કહ્યું હતું કે જેને જેવું આવડે એવું ખુરશી વિષે એક એક કવિત સઉ કરી લાવજો. તેથી સઉ કરી લાવેલી હતી, તે શિક્ષકબાઈ તપાશી જોતી હતી. તેમાં સઉથી સરસ કવિત એકજણી કરી લાવી હતી, તે નીચે મુજબ. ​


ખુરશી વિષે. મનહર છંદ.

નેતરવાળી છે પણ એ કદી અનાજમાંથી,
કાંકરા ન કાઢે કે ન ઠાઠ માઠ ઠામની;
પગસાજા સારા પણ પતિને ન પાણી પાય,
ભુજાછતાં ભોજન ન ભુંજે આપે ભામની;
પ્રજા તો પ્રસવે નહિ જેથી વંશ વૃદ્ધિ થાય,
નાજુક દેખાય નેં લેખાય નારી નામની;
નાણુ નાંખી એવી લાવી રાખી દલપતરામ,
કેવળ કજાત ઘર શોભવાના કામની. ૬

એ કવિત સાંભળીને ગંગાબાઈ તથા જમનાબાઈ તો દંગ થઈ ગયાં. અને તેઓના શરીરમાં આનંદના ઉકરાંટા આવ્યા. અને એવું મનમાં આવ્યું કે જાણે આ વખતે આના અમારા દાગીના ઉતારીને બખશીશ કરીએ તોપણ કામી જ હિસાબમાં નથી.

પછી જમનાબાઈને એવો સંશય આવ્યો કે, આ શહેરમાં કોઈ કવિ હશે તેની પાસેથી આ બાઈ આ કવિતા કરાવી લાવી હશે. તેથી કહ્યું કે આ વખતે હું કહું તે ઉપર અહીં બેશીને કવિતા રચે તો ઘણું સારૂં. જેવી બની શકે તેવી કરે તેની કોઈ ફીકર નહિ. શોઇક્ષકબાઈએ કહ્યું કે ઠીક છે એમ કરો. અને તમારી મરજીમાં આવે તે વિષે કવિતા રચાવો.

જમનાબાઈએ જાણ્યું કે નિશાળમાં જે જે ચીજો છે, તેનું વરણન કદાપિ તેના ધ્યાનમાં હોય, માટે કશી બીજી વસ્તુ વિષે કહું તો ઠીક. એવું ધારીને નિશાળની બારીએથી બહાર નજર કરી. ત્યાં કોઇને ઘેર જમણ વાર હતી માટે ત્યાં તાંબાના મોટા ચરૂમાં ભાત રંધાતો હતો. તેમાં કડછો હતો અને સળગતા ચુલા ઉપર તે ચરૂ હતો. તે જોઈને ઉપલા વર્ગની બધી છોડીઓને કહ્યું કે આ ચરૂ વિષે એક એક કવિત સઉ બનાવો. પછી તે બધી છોડીઓએ અરધા કલાકની અંદર એક એક કવિત રચ્યું. તેમાં પણ જે છોડીએ ખુરશી વિષે કવિત રચ્યું હતું તેનું જ રચેલું કવિત સઉનાથી સરસ જોવામાં આવ્યું તે નીચે લખ્યું છે.


ચરૂ વિષે. મનહર છંદ.

ગાત્ર રૂડાં રાતે રંગ, ભુંશેલી વિભૂતી અંગ.
સળગતી ધુણી સંગ તેવો તપધારી છે;
કોઈ લઈ જાય તો ત્યાં જાય, ખવરાવ્યું ખાય,
નહિ તો સદાય સ્થિર રહે નિરાહારી છે;
છુટી જીભ છે તથાપિ મુનીવ્રત રાખે મુખ,


કુંડળ છે જોડ કાને નોળી ક્રિયાકારી છે;
એણે ઓકી કાઢેલું તે આરોગે અમીર લોક.
કહે દલપત બાવો બાળ બ્રહ્મચારી છે. ૭

એ કવિત વાંચીને જમનાબાઈની, તથા ગંગાબાઈની ખાતરી થઈ, કે ખુરશી વિષેનું કવિત પણ તેનું જ બનાવેલું ખરૂં. પછી ગંગાબાઈએ કહ્યું કે હવે બીજી રીતે અમારી ખાતરી થવી જોઈએ. શિક્ષકબાઈએ કહ્યું કે તમારી મરજીમાં આવે એવી રીતે પરીક્ષા લેઈને ખાતરી કરો. ગંગાબાઈએ કહ્યું કે એક કવિતનું ફક્ત અરધું ચરણ હું લખી આપું. તે કવિતમાં સઉથી છેલું આવવું જોઈએ. એમ કહી નીચે લખેલું અરધું ચરણ લખ્યું.

રઘુપતિ રામ નથી જો એતો હજામ છે

પછી ઉપલા વર્ગની બધી છોડીઓને એ કવિત પુરૂં કરવાનું કહ્યું. તે પણ એક કલાકની અંદર સઉએ જુદી જુદી રીતે કવિત પુરૂં કર્યું. તેમાં પણ પેલી બાઈનું રચેલું જ સઉથી સરસ થયું તે નીચે પ્રમાણે.



હજામ વિષે. મનહર છંદ.

ચાપ નથી ચીપીયો છે, નથી બાણ નરેણી છે,
ભાથો નથી ભાળ નકી કોથળી જ નામ છે;
ઉજ્વળ છે અસ્ત્રો શત્રુ કાપવાને કાજ નહિ,
શિરોરૂહ  કાપવાનું સદા એનું કામ છે;
સૂરજમુખી નથી શોભિતું દેખ દર્પણ છે,
ઢળકતી ઢાલ નથી ચળકતું ચામ  છે;
નથી મૃગછાળા છે રૂમાલ દલપતરામ,
રઘુપતિ રામ નથી જો એતો હજામ છે. ૮

એ કવિતથી તો તે બંને જણીઓ અત્યંત અચરજ પામીઓ. અને સો સો રુપૈયાની એક એક સોનાની કંઠી પોતાની કોટમાંથી કાઢીને બખશીશ આપી. ગંગાબાઈએ શિક્ષકબાઈને પૂછ્યું, કે આ બાઈ નું નામ શું છે?

શિક્ષક - એનું નામ ગૌરીબાઈ છે.

ગંગાબાઈ - ગૌરબાઈ, તમે કોઈ સમે મારે ઘર આવશો તો હું તમને કવિતાની સારી સારી ચોપડીઓ મારી પાસે છે તે દેખાડીશ.

ગૌવરીબાઈ - આપને કેઈ વખતે ફુરસદ હશે ? તે કહેશો તો હું આપને ઘેર આવીશ.

ગંગાબાઈ - હું તમને ચીઠી લખી જણાવીશ, તે સમે મેહેરબાની કરીને કરીને આવજો. ​ ગૌરીબાઈ - વારૂં સાહેબ, હું આપ લખશો ત્યારે હાજર થઈશ.

પછી ગંગાબાઈએ તથા જમનાબાઈએ, લખાણ, વંચાણ, હિસાબ, ઇતિહાસ , ભૂગોળ, ખગોળ અને વ્યાકરણ વગેરેમાં ઉપલા વર્ગની તથા બીજા વર્ગોની થોડી થોડી પરીક્ષા લીધી અને છોડીઓનો અભ્યાસ જોઈને ઘણો સંતોષ ઉપજ્યો. પછી રજા માગીને તે બંને જણીઓ પોતાને ઘેર ગઈઓ. ગંગાબાઈએ પોતાના સ્વામી આગળ વાત કરી કે, આજ તો હું અને જમનાબાઈ, નિશાળે ગયાં હતાં. ત્યાંની છોડીઓની અમે પરીક્ષા લીધી. અને કેટલીએક છોડીઓનો અભ્યાસ જોઈને અતિ આનંદ ઉપજ્યો. તેમાં એક ગૌરીબાઈ નામે તેર ચૌદ વર્ષની છોડી છે, તેણે લખાણ, વંચાણ, હિસાબ, વ્યાકરણ તથા ભૂગોળવિદ્યા વગેરેની પરીક્ષા તો સાધારણ આપી, પણ તેનો કવિતા રચવાનો અભ્યાસ જોઈને અમને અચરજ જેવો લાગ્યો. અને અમારાં મન પીંગળી ગયા, તેથી અમારી કોટમાંથી એકે એક સોનાની કંઠી અમે એને બખશીશ આપી.

ગંગાબાઈના વરનું નામ નરોત્તમદાસ હતું. તે બોલ્યો કે,

નરોત્તમ - તે ગૌરીબાઈને એક દિવસ આપણે ઘેર બોલાવો તો સારૂં.

ગંગાબાઈ - તેણે મને કહ્યું છે કે મને ચીઠી લખશો ત્યારે હું તમારે ઘેર આવીશ. માટે આવતે રવિવારે પાછલા પહોરે આપણે ઘેર બાઈઓની એક ખાનગી સભા ભરવી છે. અને જમનાબાઈ , તથા તેમની સાસુ, નણંદ તથા આપણા પડોસની બીજી કેટલીક બાઈઓને હું બોલાવીશ. પછી ગૌરીબાઈ પાસે કવિતા બોલાવીશું. એને ઘણાં કવિત મોઢે આવડે છે. અને ગીત, ગરબીઓ પણ આવડે છે. અને હું જાણું છું કે તે જોઈ તમારાં માજી પણ રાજી થશે.

નરોત્તમ- ઠીક છે એ પ્રમણે કરજો, અને હું પણ સાંભળવા બેશીશ.

પછી ગંગાબાઈએ પોતાની સાસુને વાત કરી, તેમને પણ એ વાત ગમી. પછી ગૌરીબાઈને એક ચીઠી લખી કે આવતે રવિવારે દિવસના બાર ઉપર ચાર વાગતાં મારે ઘેર ખાનગી સભા તમારી કવિતા સાંભળવા સારૂ ભરીશ, માટે તે વખતે મહેરબાની કરીને પધારવું. ગૌરીબાઈએ જવાબમાં લખ્યું કે હું તે વખતે આવીશ. પછી રવિવાર આવ્યો. એટલે જમનાબાઈનાં ઘરનાં સર્વેને, તથા પોતાના પડોસની કેટલીએક બાઈઓને સભામાં આવવાનું નિમંત્રણ કર્યું. તે સઉને એટલી તો કવિતા સાંભળવાની આતુરતા હતી કે, બપોરથી આવીને સઉ બેઠાં. અને વારે વારે ઘડીયાળ તપાસે, કે હવે ચાર ક્યારે વાગશે ? બાર ઉપર બે વાગ્યા એટલે સઉ ગંગાબાઈને કહેવા લાગ્યાં, કે હવે ગૌરીબાઈને બોલાવવા સારૂ કોઈને મોકલો. હવે બે કલાક થઈ જતાં કાંઈ વાર નહિ લાગે. બે ઉપર દશ મિન્યુટ તો થઈ ગયા છે.

ગંગાબાઈ - હજી ઘણીવાર છે. વેલા થશે ત્યારે કોઈને બોલાવવા મોકલીશ. એ રીતે ​પા, પા કલાકે ગૌરીબાઈને તેડાવવાનું કેટલી એક બાઈઓ આવી આવીને કહેવા લાગી. ત્યારે સાડા ત્રણ વાગતાં ગંગાબાઈએ ચીઠી લખી મોકલી. ચાર વાગવામાં ૧૦ મિન્યુટ ઓછા રહ્યા, ત્યાં ગૌરીબાઈ પોતાની ચાર પાંચ બહેનપણી સાથે લઈને ગંગાબાઈને ઘેર આવી. પછી ગંગાબાઈની સાસુએ હિસાબ વ્યાકરણ વિષે કેટલાએક પ્રશ્ન પુછ્યા, તેના ઉત્તર ગૌરીબાઈએ બરાબર આપ્યા. પછી ગીત, ગરબીઓ, તથા પદ ગવરાવ્યાં. પછી કવિત રચવાની વાત ચલાવી.

ગંગાબાઈ - પોતાની સાસુને કહે છે કે, આપની મરજીમાં આવે તે વિષે કવિઅ રચવાનું ફરમાવો, તો થોડી વારમાં ગૌરીબાઈ રચી આપશે.

સાસુજી - આ મોટો લાંબો પંખો અધર ટાંગેલો છે, કે જેની દોરી ખેંચવાથી આખા દીવાનખાનામાં બેઠેલા લોકોને પવવ પહોંચે છે. તે પંખા વિશે કવિતા રચી આપો.

પછી ગૌરીબાઈને સિલેટ અને પેન આપી. થોડીવારમાં તેણે કવિત તૈયાર કર્યું તેમાં નામ બીજા કવિનું નાખ્યું. તે કવિત નીચે મુજબ.


પંખવા વિષે. મનહર છંદ.

સીતા માટે સંગરામ રામના રિપુથી કર્યો,
જટાયુની જ્યાં અવધ આવી રહી આયુની;
પાંખો તોડી પાપીએ આકાશમાં ઉડાડી દીધી,
તે ફરે છે પ્રકૃતિ સુધારવા પ'રાયુની ;
ભાગ્યશાળી ભોગીના ભવનમાં ભરાઈ ભાઈ,
તાપ ટાળે વારે વારે કરે વૃષ્ટિ વાયુની;
એજ દીસે છે આ ઠામ કહે દલપતરામ,
પંખવો નથી આ પાંખ જુઓ રે જટાયુની. ૯ 

પછી જમનાં બાઈની નણંદે પોતાની ધૂપેલ ઘાલવાની ઉંચામાં ઊંચી જાતના સોનાની કટોરી દેખાડી; તે સારા ઘાટની, અને તેના સોનાનો રંગ પીળો નેં રાતો મળેલો હોય એવો ગોરો હતો. તેમાં ધૂપેલ હતું. પછી કહ્યું કે આ કટોરી વિષે એક કવિત રચી આપો. ગૌરીબાઈએ તે વિષે કવિત રચી આપ્યું તે નીચે મુજબ.


મનહર છંદ. વીક્ટોરીઆ મહારાણી વિષે.

સુઘડ છે, સરસ છે, નિર્મળ છે, નાજુક છે,
ગોરી જાતથી જનમી જુઓ જાતે ગોરી આ.


તે પનોતી પતિએ પ્રભુજીએ કૃપાથી આપી,
તેને પણ પ્યારીગણી જેવી જીવાદોરી આ.
જેનો મહીમા જગતમાં પૂરો પ્રસિદ્ધ થયો,
એવી તો અધિક છે સુભાગ્યની સજોરી આ.
દાખે દલપત રામદયાના દૈવતનો જો
દરીઓ નદીઠો હોય દેખવી કટોરી આ. ૧૦

દયાના તત્વનો દરીઓ દીઠો ન હોય તો. વીક્ટોરીઆને દેખ.

એવા પ્રસંગમાં નરોત્તમદાસનો ગુમાસ્તો નામે હાથીભાઈ ત્યાં આવ્યો. તેનું નાક લાંબુ હતું. અને દાંત દેખાતા હતા.

નરોત્તમ - આ હાથીભાઈનું એક કવિત રચી આપો જોઈએ.પછી ગૌરીબાઈએ તેનું કવિત રચ્યું તે નીચેમુજબ.


મનહર છંદ.  

અંબાડી ઉપાડી છે કે પેચદાર પાઘડી છે,
ખેસ છેડા લટકે કે ઘંટ સુધડાઈ છે;
નાક લાંબુ નવ વેંત છે કે સુંઢ સુંદર છે;
દંતુસર છે કે ડાઢો બાહાર દેખાઈ છે,
ચોખા કંકુ ચાંદલો કે શોભે છે સીંદૂર ભાલ,
પાછળ છે પુંછડું કે કાછડી વળાઈ છે;
દાખે દલપતરામ દેખો દુનીઆના લોકો,
હાથી હુલકરનો કે આતો હાથીભાઈ છે. ૧૧

એવામાં જમનાબાઈની સાથે એક બાઈ હતી, તેને બીજી બાઈને પૂછ્યું કે જમનાંબાઈ તમારે શી સગી થાય છે? તેણે જવાબ દીધો કે. 


દોહરો
સગપણ છે સાચું કહું, એ તું સાંભળ આપ;
તેનો સસરો નિત્ય કહે, મુજ સસરાનો બાપ. ૧૨

ગંગાબાઈએ પોતાની સાસુને કહ્યું કે, અમે નિશાળમાં સમશા પૂર્તિ પુછી હતી, તે ગંગાબાઈએ સારી રીતે પૂરી કરી આપી હતી. એમ વિષેનું પેલું હજામ વિષેનું કવિત સંભળાવ્યું. સાસુએ કહ્યું કે, તમને સમશા પુછતાં આવડી નહિ, કેમકે એ તો ઘણી સહેલી છે. પણ સમશા પૂર્તિ તો એવી પુછીએ કે, મહિના સુધી વિચારે તો પણ પૂરી થઈ શકે નહિ. ​ ગંગાબાઈ - તમે એક સમશા પૂછો,

સાસુ - "પુત્ર વર્ષ પાંચનો, નેં બાપ માસ બારનો." આ સમશા આજથી આઠ દહાડા સુધીમાં પૂરી કરી લાવશે, તો હું જાણીશ કે ગૌરીબાઈએ એ કવિતાનો અભ્યાસ સારો કરેલો છે.

ગૌરીબાઈ - એ સમશા મને કઠણ લાગતી નથી, કેમકે તેમાં જે શબ્દો છે તે અર્થવાલા છે. પણ કઠણ સમશા તો એવી રીતે પુછાય કે , મારા સિવાય આઠ જણાં અહીં બેઠાં છે, તે દરએક જણ પોતાની મરજીમાં આવે એવો એક એક અક્ષર લખે. તે આઠ અક્ષરોમાંથી કંઈ પણ અર્થ નિકળી શક્તો ન હોય તે, તે અક્ષરો એક પછી એક જેમ લખાયા હોય તેમ જ કવિત ની અંદર ગોઠવવા તે કઠણ સમશા કહેવા. એવી સમશાપૂર્ત્તિ કરવાનો મેં અભ્યાસ કરેલો છે.

નરોત્તમ - વારૂ તો હાલો માજીની સમશા પૂરી આપો. પછી હું એથી કઠણ પૂછીશ. ગૌરીબાઈએ તે સમશા પૂરી કરી, તે નીચે મુજબ


મનહર છંદ.

પેરંભના હિંદુ-પાદશાહ પાસે પોતે રહ્યો,
કછી રજપુત સુત સારા સરદારનો;
પિતા તેનો આવ્યો પછી સુતની સંભાળ લેવા,
વેઠી શક્યો ન સુતનો વિજોગ વર્ષ ચારનો;
એને પણ એક વર્ષ રાજાજીએ રોકી રાખ્યો,
દાખે દલપતરામ સોંપ્યો ભાર કારભારનો;
પછી તે સ્વદેશ જવા પોતાનો પગાર માગે,
પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો. ૧૨

તે જોઈ ને સર્વે જણાં ઘણાં રાજી થયાં, અને અચરજ પામ્યાં.

નરોત્તમ - હવે એથી પણ કઠણ સમશા હું પુછું તે પૂરી કરો ત્યારે તમે ખરાં.

ગૌરીબાઈ - આપની મરજીમાં આવે એવી સમશા બોલો.

નરોત્તમ - "મુંબઈમાં હતો તે લુટાઈ ગયો માળવો"

જમનાબાઈ - હા એ ઠીક પુછ્યું. મુંબઈમાં આખો માળવો દેશ સમાઈ શકે નહિ, અને વળી મુંબઈ આબાદ છતાં, તેમાં સમાઈ રહેલો માળવો શીરીતે લુટાઈ જાય ? એ તો સમશા ખરેખરી કઠણ છે.

ગૌરીબાઈ - તેમાંના શબ્દો અર્થવાળા છે માટે કાંઈ કઠણ નથી. પછી તે કવિત રચવા લાગી. અને ઊંડા વિચારમાં પડી. સીલેટ ઉપર એક, બે ચરણો લખ્યાં ત્યાં તો તેની આંખ્યોમાંથી આંસુ પડ્યાં, ત્યારે સઉએ જાણ્યું કે આ કવિત ​કરૂણ રસ ભરેલું હશે. ગૌરીબાઈએ કવિત પુરું કરીને સઉના આગળ, મુકીને કહ્યું કે તમે વાંચો મારાથી વાંચી શકાશે નહિ.


મનહર છંદ.

શાણા સુબા ફારબસે સ્વરગમાં કર્યો વાસ,
તેનો શોક તજે શા થકી સંતોષ વાળવો;
કવિતા જહાજનો તે ભાગી પડ્યો કુવાથંભ,
ખરે ખરો ખેદ તેતો કેમ કરી ટાળવો;
પંડિતોના પારેખની પૌઢ પેઢી ભાગી પડી,
હવે કહો વ્યવહાર શી રીતે સંભાળવો.
દાખે દપલતરામ, પામરનો પાળનાર;
મુંબઈમાં હતો તે લુટાઈ ગયો માળવો. ૧૩

નરોત્તમ - ખરી વાત છે. એ તો ખરેખરો ગરીબનો માળવો હતો. અને હવે કવિતાનો અભ્યાસ કરો કે , ન કરો, કોઈ ભાવ પુછનાર નથી. "ફારબસ વિરહબાવની" નાં બે ત્રણ કવિત હું શીખેલો છું. તેમાં પણ એમ જ કહેલું છું.


મનહર છંદ.

સમશાની પૂરતીને સારી રીતે સમજીને,
વાહ વાહ કહીને કિયો વખાણનાર છે;
અને રસ અલંકાર પેખીને રૂડા પ્રકાર,
અંતરમાં ઉમળકો કોણ આપનાર છે;
ઉત્તમ અધમ કાવ્ય તત્વથી તપાસ કરી,
મોજ આપીને મોજ કોણ માણનાર છે;
કહે દલપતરામ સાહેબ કિન્લાક વિના,
કાવ્યની કિંમત હવે કોણ જાણનાર છે. ૧૪

દુમેલા છંદ

ગુણ ગ્રાહક, વિક્રમ, ભોજ ગયા, કવિતાતણિ કીમત જે કરતા;
પ્રથિરાજ , અને ઈંદ્રજીત  ગયો, રખિદાસ ગયો રસનો ધરતા;
સરદાર ગયા શુભ ફાર્બસસાહેબ, જે સઘળા ગુણ સંઘરતા;
શુભનામિ જવાથકિ ખામિ પડી, કરવી શું નકામિ કવીશ્વરતા. ૧૫

હાથીભાઈ - આપણા રાજદરબારમાં એક મારવાડી કવિ આવેલો છે, તેની કવિતા ​સાંભળીને રાજા તથા સભા રંજન થાય છે અને તે કવિને રાજા પગાર આપે છે. માટે હું જાણું છું કે આ ગૌરીબાઈને રાજસભામાં તેડી જઈએ તો રાજાજી બહુ ખુશી થશે.

નરોત્તમ - રાજાનો દરબાર અહીંથી ઢુકડો છે માટે હું એક ચીઠી લખી આપું. તે તમે રાજાજીને આપીને જવાબ લાવશો ?

હાથીભાઈ - હા લખી આપો.

પછી નરોત્તમદાસે રાજાજી ઉપર એક પત્ર લખ્યો તેમાં ગૌરીબાઈની કવિતાના ચમતકાર વિષે લખીને લખ્યું જે આપની મરજી હશે તો તે બાઈને આપની હજુરમાં લાવીશું.

તે પત્ર લઈને હાથીભાઈ રાજસભામાં ગયા. ત્યાં રાજાજી તથા કુંવરજી સભામાં બિરાજ્યા હતા. હાથીભાઈએ જઈને રાજાને સલામ કરીને મોઢા આગળ પત્ર મુક્યો. રાજાએ કારભારીન કહ્યું કે પત્ર વાંચી સંભળાવો. પછી તેણે વાંચ્યો. તે રાજાએ તથા કુંવરજીએ સાંભળ્યો. રાજાએ હાથીભાઈને ઉત્તરમાં એટલું જ કહ્યું કે ઠીક છે. તે સાંભળીને હાથીભાઈ તરત પોતાના શેઠને ઘેર આવ્યો. પણ રાજાના સમજવામાં એવું હતું કે એ બાઈને કોઈ એક દહાડે તેડી લાવશે. તેથી તે તો ઉઠીને ગામ બહાર બાગમાં પધાર્યાં. અને હાથી ભાઈના સમજવામાં એવું હતું કે ગૌરીબાઈને હાલ દરબારમાં બોલાવ્યાં છે. તેથી તેણે શેઠને કહ્યું કે ચાલો, રાજાજી સભામાં બિરાજે છે, અને ગૌરીબાઈને બોલાવ્યાં છે.

પછી ગંગાબાઈ, જમનાબાઈ, તથા ગૌરીબાઈ, અને બીજી તેના જેવડી ચાર પાંચ બાઈઓ સુધાં, નરોત્તમદાસ તથા હાથીભાઈ દરબારમાં ગયા. તે સમે દહાડો બે ઘડી રહ્યો હતો. દરવાજામાં પેસતાં આગળ મોટું મેદાન હતું, અને તે મેદાન વચે કઠેરાબંધ મોટો ચોરો હતો, ત્યાં રાજકુંવર સભા કરીને બેઠો હતો. નાયકાઓ નાચતી હતી, વાજીત્ર વાગતાં હતાં, અને એક સુંદર શોભા બની હતી. કુંવરજીએ પેલાં સઉને આવતાં દીઠાં, એટલે એક હજુરના ચાકરને કહ્યું કે તું સામો જઈને એ સઉને અહીં બોલાવી લાવ. રાજાને સભામાં ન દેખવાથી, અને નાયકાઓને જોઈને, તે બધી બાઈઓના પગ પાછા હઠ્યા. ત્યાં પેલે ચાકરે જઈને કહ્યું કે ચાલો તમને સઉને કુંવરજી બોલાવે છે.

ગંગાબાઈ - (નરોત્તમદાસને કહે છે.) પાતરો નાએ છે ત્યાં અમે તો નહી આવીએ.

નરોત્તમ - કુંવરજી બોલાવે છે, અને નહીં જઈએ તો તેને દુખ લાગશે. માટે આપણે સઉ એક તરફ થોડીવાર બેશીને ઉઠી નિકળીશું.પછી સઉ ત્યાં ગયાં. કુંવરજી તેઓને એક તરફ બેસવાની જગા અપાવી. સલામ ​કરીને સઉ બેઠાં, નાચનારીઓ નાચે છે, અને વાજાં બજાવનારા બજાવે છે. અને કુંવરજી તેઓ પોતાની પાસે બેઠેલા લોકો સાથે વાતો કરતો હતો. તેણે નરોત્તમદાસને પુછ્યું કે ગૌરીબાઈ કેનું નામ ?

નરોત્તમ - આ બાઈનું નામ.

કુંવર - તેને કવિતા બહુ સારી જોડતાં આવડે છે.

નરોત્તમ - હા સાહેબ.

કુંવર - (ગૌરીબાઈને) જે વિષે કહું તેનું કવિત રચી આપશો ?

ગૌરીબાઈ - હા સાહેબ.

કુંવરજી - આ એક નાયકાના વરણનનું કવિત રચી આપો. એમ કહીને કાગળ કલમ આપી.

ગૌરીબાઈની ના કહેવાની મરજી થઈ. અને મનમાં ધાર્યું કે આ પાપમાં અમે ક્યાંથી આવી પડ્યાં ?

નરોત્તમ - (ગૌરીબાઈને) હવે આવી ફશાં તે ફશાં. માટે જેવું તેવું કવિત કરી આપો. પછી આપણે ઘેર જવાની રજા માગશું.

એવામાં દરબારની ગાયો બહાર ચરવા ગયેલી તે પાછી આવી. તેમાં એક ગોરા રંગની ગાય દરવાજામાં પેઠી. તેના પગમાં ઝાંઝર હતાં. તેને જોઈને તે ગાયના વરણનનું કવિત રચ્યું. તે નીચે મુજબ.


મનહર છંદ.

કાળા લાંબા કેશવાળી, રંગે તો રૂપાળી ભાળી,
ઝાંઝરના ઝમકાળી વડી વખણાય છે;
ઠમક ઠમક ચાલ, ચાલતી ચંચળતાથી,
સમિપ સકળ જન, સામુ જોતી જાય છે;
પતિવ્રતા નહિ પણ પ્રજા તો પ્રસવે પોતે
સ્વરોદયવાળી જાતે સુંદરી જણાય છે;
દાખે દલપતરામ દેખો દુનીઆના લોકો,
રાજદ્વારમાંહી ગોરી ગુણવંતી ગાય છે. ૧૬

તે કવિત લખી કુંવરજીના આગળ મુક્યું. કુંવરે બીજા માણસ પાસે વંચાવ્યું. પણ તે કવિતાનો ચમત્કાર કુંવરને કશો સમજાયો નહિ. તો પણ ગૌરીબાઈને સારૂં મનાવવા વાસ્તે કુંવરે કહ્યું કે, ઠીક કવિત રચ્યું. એ નાયકા એવી જ છે. અને તે બહુ સારૂં ગાય છે.

ગૌરીબાઈ - એ શું ગાય છે? અને તેમાં શો અર્થ ચમત્કારી છે. ​ કુંવર - અર્થ બરથમાં સમજીએ નહીં. એનો રાગ, વાજાંના સ્વરમાં ભળી જાય છે. વળી બોલ્યો કે, ગૌવરીબાઈ તેમ આવાં વાજાં સાથે લાવ્યાં છો?

ગૌરીબાઈ - ના સાહેબ.

કુંવર - ઓહો ! જુઓ તમારી કવિતા કરતાં આનાં વાજાંમાં, અને રાગમાં કેવી રમુજ છે?

ગૌરીબાઈ -(નરોત્તમને) હવે ઝટ રજા માગો.

નરોત્તમ - (કુંવરને) સાહેબ હવે અમને રજા આપો.

કુંવર - (ચાકરને ) આ સઉને પાનનાં બીડાં આપો. (ચાકરે આપ્યાં)

કુંવર - વળી કોઈ વખતે આવજો, આ દરબાર તમારો છે.

નરોત્તમ - સારૂ સાહેબ આવીશું.

સઉ ઉઠીને સલામ કરીને ચાલ્યાં. એ સભામાં પેલો મારવાડી કવિ બેઠો હતો, તેતો એ કવિતાનો વ્યંગાર્થ સમજીને બહુ અચરત પામ્યો, અને સભામાંથી ઉઠીને આઘે જઈ નરોત્તમદાસને પુછ્યું કે તમારે કેમ આંહીં પધારવું થયું હતું? નરોત્તમે થોડીઘણી વાત કહી. પછી કવિ બોલ્યો


ગીતી

સરસ નરસ રસ સમજે, કવિતારસ તો તહાં પ્રગટ કીજે;
પણ ઘુઘરો કે ઘંટા, બાળક તો તે બજાવતાં રીખે. ૧

નરોત્તમ - આપ કોણ છો ?

કવિ - હું એક કવિતા જાણનારો છું ?

નરોત્તમ - આ રાજાજી કવિતાના રસમાં કાંઈ સમજે છે કે, એ પણ આ કુંવરજી જેવા છે.

કવિ - રાજા પણ ગોળ નેં ખોળ સાખું કુટી મારે એવા છે. મેં સારી કવિતા સંભળાવીને તેનું મન રંજન કર્યું છે, તેથી મને પગાર આપવો કરીને રાખ્યો છે ખરો, પણ ઉત્તમ, મધ્યમ કવિતાની પરીક્ષા રાજા જાણતો નથી તેથી મારૂ મન આઠેકાણે સ્થિર નથી.

નરોત્તમ - વારૂ તમારીં રચેલું એક કવિત કહો જોઈએ એટલે અમારી ખાતરી થાયકે તમે કેવી કવિતા રચી જાણોઇ છો ?

કવિ - મેં ઘણા વિષયો ઉપર કવિતા રચેલી છે, માટે તમે કહો તેવા પ્રકરણનું કવિત કહું.

નરોત્તમ - હાલ આપણે રાજા સંબંધી વાતચીત કરીએ છૈએ માટે એ જ પ્રકરણનું કવિત કહો કે, આ સમયમાં કેવો રાજા હોય તે જશવાળો કહેવાય છે ? ​ કવિ - જેમ એક સમે વડોદરામાં ગણપતરાવ, ગોવિંદરાવ, ગોપાળપંથ, અને ગજરાંબાઈ, એવા ચાર પાંચ ગકાર મળીને ત્યાંનો વહિવટ ચલાવતા હતા; તેમજ જે રાજાની આગળ ગુણવાન, ગતિમાન, ગંભીર અને ગણિતજાણ એવા ભલા ભલા ગકાર તો કારભારી હોય. અને જે રાજા શા એટલે શાહુકાર લોકોને મળતાં તે સર્વ ઉપર રેહેમની નજર રાખે, અને જ્યાં સદા સંતોષ રૂપી સદ્ગુણની સારી સલાહ હોય, વળી જેને ૧ શૌર્ય, ૨ ધૈર્ય, ૩ સુવિચાર, ૪ દીર્ઘદ્રષ્ટિ, ૫ દયા અને ૬ દાન, એ ૬ ગુણોની સાથે હમેંશા દોસ્તી હોય. અને પ્રતિદિવસ નગરના લોકો જેના ઉપર પ્રીતિભાવ રાખતા હોય. એવો રાજા હોય તે જશવાળો અને જયકારી છે. 

નરોત્તમ - ખરી વાત પણ તમે કહ્યું એટલા જ અર્થનું કવિત હોય તો કહો. એવી ફક્ત વાતથી રસ ઉપજતો હોત તો કવિતાનો કોઈ ભાવ પુછત નહીં.

કવિ - એટલા જ અર્થનું મેં કવિત રચેલું છે તે સાંભળો/


મનહર છંદ.

ગુણવાન ગતિમાન ગંભીર ગણિતજાણ
એવા ભલા ગગા ભાઈ જેના કારભારી છે.
શા મળતાં સર્વપર રેમની નજર રાખે,
સદાકાળ જ્યાં સંતોકની સલાહ સારી છે
શૌર્ય, ધૈર્ય, સુવિચાર, દીર્ઘદૃષ્ટિ, દયા દાન,
છ-ગુનની સાથે તો સદૈવ દોસ્તદારી છે.
પ્રતિદિન પ્રીતિ ભાવ નગરના લોક રાખે,
એવો રાજા જશવંત અતિ જયકારી છે. ૧૭

એ કવિત સાંભળીને ગૌરીબાઈનું અભિમાન ઉતરી ગયું. અને સાંભળનારાં સઉ અચરજ પામ્યાં.

નરોત્તમ - સાબાશ છે, તમે સર્વ રાજાઓને લાગુ પડે એવું કવિત કહ્યું, પણ તેમાં જે વ્યંગાર્થ છે, તે હું બરાબર સમજ્યો, તેથી તે કવિત મારા અંતરમાં પાર ઉતરી ગયું. જો હું રાજા હોત, તો આ કવિતાની કિંમત તમને આપ્યા પછી અહીંથી ઘરભણી પગલું ભરત, વારૂ પણ કવિરાજ, મેહેરબાની કરીને આવતે રવિવારે પાછલા પહોરના અમારે ઘેર પધારજો.

કવિ - સારૂ શેઠજી, હું આપને ઘેર આવીશ, પણ આ ગૌરીબાઈની કવિતા સાંભળવાની મારી ઘણી મરજી છે.

નરોત્તમ - રવિવારે ગૌરીબાઈને પણ અમારે ઘેર બોલાવીશું ​ કવિ - સલામ કરીને પાછો રાજસભામાં ગયો.

નરોત્તમ - (ગૌરીબાઈને) આવતે રવિવારે મેહેરબાની કરીને અમારા ઘર સુધી પધારવાની તસદી લેશો તો ઘણું સારું કેટલાએક પુસ્તકો અને "મેજીકલાંટર્ન" વગેરે યંત્ર તમને દેખાડાવા છે.

ગૌરીબાઈ - સારૂં સાહેબ, જું, અને આ મારી બહેનપણીઓ સુધાં સઊ આવીશું એમ કહીને ગંગાબાઈ વગેરે સૌને પ્રણામ કરીને પોતપોતાને ઘેર ગઈઓ. અને ગંગાબાઈ, તહા નરોત્તમદાસ પણ પોતાને ઘેર ગયાં.

બીજે રવિવારે સભા મળવાનું સાંભળીને તે રમુજ જોવા સારૂં નરોત્તમદાસના ગુમાસ્તા હાથીભાઈ વગેરે સાત આઠ મશકરાની ટોળી બપોરથી આવીને બેઠી. તેમાંથી એક જણે કહ્યું કે, એ મારવાડી કવિ મગરૂરી બહુ રાખે છે, તે કહેતો હતો કે આ શહેરમાં મારા જેવો કોઈ નથી.

હાથીભાઈ - ત્યારે આપણામાંથી એક જણને કવિ બનાવો, અને પછી આપણે તેને જ કવિતા પ્રમાણે કરીને , તે મારવાડીને મશકરીમાં ઉડાવીશું.પછી એક જણ બોલ્યો કે હું કવિ બનું, અને તમે સઉ મારા પક્ષમાં રહેજો. તો પછી જુઓ કે હું તેને કેવો હરાવું છું. એવો ઠરાવ કરીને નરોત્તમદાસ ત્યાં ન છતાં, તેનું નામ લઈને પેલા કવિને બોલાવા સારૂ એક જણને મોકલ્યો તેણે જઈને કવિને કહ્યું કે, ચાલો તમને શેઠજી બોલાવે છે. પછી તે કવિ નરોત્તમદાસને ઘેર આવ્યો, અને પુછ્યું કે શેઠજી ક્યાં છે?

હાથીભાઈ - હમણાં આવે છે, અને કહ્યું છે કે તમે કાંઈ ચરચા ચાલવતા થહો, ત્યાં હું આવું છું.

કવિ - આ ભાઈ કોણ છે ? અને એમનું નામ શું છે ?

હાથી - અહો તમે હજી સુધી એમને નથી ઓળખતા ? એમનું નામ પ્રૌઢ કવિ છે. અને અમારા શેહેરમાં તે મોટો કવિ ગણાય છે. અમે ધારીએ છૈએ કે એના જેવો આજને સમે દુનિયામાં કોઈ નથી. 

કવિ - પરુઢકવિજી, તમે કવિતાના નિયમના કિયા કિયા ગ્રંથો ભણ્યા છો ? કવિપ્રિયા, રસરહસ્ય કે અલંકારત્નાકર ભણ્યા છો ?

પ્રૌઢકવિ - એ તો બધા ગ્રંથો દશ વર્ષની મારી ઉમર હતી ત્યારે મેં જોઈ લીધા છે; મારૂં અજાણ્યું કશું નથી. એવી વાત ચાલતી હતી ત્યાં ગૌરીબાઈ આવ્યાં.

હાથી - ગૌરીબાઈ, હાલ તમે તો એક કોરાણે બેસો, અને આ બંને મહા કવિયોની ચરચા સાંભળો. અને તમે એક શમશાપૂર્તિ તે બંનેને પૂછો, જોઈએ કોની ​કવિતા સારી બને છે ? વળી ગૌરીબાઈના કાનમાં કહે છે કે, સવૈયા, કે કવિત વગેરે જેમાંચાર ઠેકાણે એક જ રીતના અનુપ્રાસ મેળવવા પડે, એવું કઠમ પુછશો નહિ. જેમાં એક તરેહના ફક્ત બે મેળવવા પડે, એવું કઠમ પુછશો નહિ. જેમાં એક તરેહના પ્રાસ ફક્ત બે મેળવવા પડે એવા દોહા, કે સોરઠા જેવું અને સેહેલું પુછજો.

ગૌરી - (એક સોરઠાનું છેલું પદ રચી આપે છે.)"કીધાં ઢાંકણ કાચનાં"એ પદ છેલું આવે એવો એક સોરઠો બંને જણા રચી આપો.પછી બંને જણા શિલેટ ઉપર સોરઠો રચવા લાગ્યા.

હાથી - કેમ સોરઠો બનાવ્યો કે નહી ?બંને જણ બોલ્યા કે, હા બનાવ્યો.

પ્રૌઢ - પહેલો તમારો દેખાડો, પછી મારો સોરઠો દેખાડીશ.

કવિ - લો. જુઓ.


સોરઠો
ઘટમાં જે ઘુંટાય, છાનુ છેક રહે નહીં;
એ બાંકે દેખાય, દીધાં ઢાંકણ કાચનાં. ૧

હાથી - જુઓ ગપ માર્યું છે. ઘડાના બાંકાં ને કાચનાં ઢાંકણ કોણ કરે છે ? એ વાત કાંઈ સંભવતી નથી.પછી પ્રૌઢને પુછે છે, કે કેમ તમારો સોરઠો થયો કે નહિ ?

પ્રૌઢ - (કાનમાં કહે છે) ક્યારનો માથાકુટ કરૂ છું. પણ અનુપ્રાસ મેળવતાં અર્થ તુટી જાય છે, અને અર્થ મેળવતાં અનુપ્રાસ તુટી જાય છે, પણ જડતું આવતું નથી.

હાથી - અરે જડતું આવ્યાનું શું કામ છે ? આ કવિતા કાંઈ ભુજના રાવ સાહેબની પોશાળમાં પરખવા મોકલવાની નથી. જેવી હશે તેવી વખાણશું અને આંહી કવિતા સારી, નરશીમાં કોણ સમજે છે? લાવો જેવો થયો હોય તેવો. પછી વળી માથાકુટ કરતાં બે ચાર વર્ષ સુધીમાં એ જ સોરઠાના પ્રાસ મેળવી શકો તો મેળવી આપજો, વળી ફેરવીશું.


સોરઠો
જાતી ભેદ તોડો, બાકિ હવે એટલું છે,
બંગલા આ બારિઓ થઈ, દીધાં ઢાંકણ કાચનાં. ૧

હાથી - વાહ, વાહ, સાબાશ સાબાશ, એમ કહીને બધી ટોળીએ ખૂબ જોરમાં તાલિયો પાડી. અને કહ્યું કે, જુઓ કવિતા તો આનું નામ કહેવાય. ​ કવિ - સોરઠાના હરેક પદમાં કેટલી માત્રાઓ જોઈએ ? ક્યાં તાળ જોઈએ ? અને કિયે ઠેકાણે અનુપ્રાસ જોઈએ ?

પ્રૌઢ - પહેલા અને ત્રીજા પદોમાં ૧૧, અને બીજા અને ચોથા પદોમાં તેર તેર માત્રાઓ જોઈએ. માટે ગણી વાળો એટલી માત્રાઓ છે કે નહિ ?

કવિ - અને તાળ ક્યાં છે ?

પ્રૌઢ - વળી તાળની વાત કિયા ગ્રંથમાં છે ? માત્રાઓ પૂરી હોય એટલે બસ.

હાથી - અરે એક બે માત્રા કે અક્ષર વધી જાય તો શું અને ઘટે તો શું થયું. વેદની કવિતામાં જુઓ કે કોઈ ઠેકાણે એકાદ ઓછો કે અદકો અક્ષર હોય કે છે કે નહિ. અનુષ્ટુપ છંદના માપથી એક બે અક્ષરો ઓછા હોય તો તેનું નામ નિચૃદૃઅનુષ્ટુપ. અને એક બે વધતાં અક્ષરો હોય તો ભૂરિજઅનુષ્ટુપ. એ જ રીતે વેદના હરેક છંદમાં છે. અને તેમાં તાળ અનુપ્રાસ ક્યાં છે. એ તો કાળીદાસ, અને માઘ જેવા ભટાઓએ ગુરુ લઘુના માપથી તથા યમકાનુપ્રાસ વગેરે ઘાલીને ખરાબ કર્યું. વળી તુળશીદાસ, શુરદાસ, સુંદાદાસ અને પ્રેમાનંદ ભટે તથા શામળભટે છેલા અનુપ્રાસ ઘાલીને કવિતા બગાડી નાંખી, તે હવે અમે સુધારો કરીએ છૈએ.

પ્રૌઢ - કવિતામાં ઇડયમ જોઈએ કેમકે તે કવિતાનો જીવ છે. તે તમારા સોરઠામાં નથી. અને મારા સોરઠામાં છે.

કવિ - ઇડિયમને આપણા દેશી કવિયોએ શું નામ આપેલું છે ? અને ઇડયમનું એક ઉદાહરણ બતાવો. એટલે આ વાત જેના જાણવામાં આવે, તે ધણી પોતાની મેળે પરીક્ષા કરે, કે આમાં ઇડયમ છે અને આમાં નથી.

પ્રૌઢ - આપણા દેશીઓ શું કહે છે તે; અને ઇડયમ શેને કહેવાય, તે હું જાણતો હોત તો ઉદાહરણ બતાવ્યા વિના રહેત નહિ. પણ હું તો ફક્ત એટલું જાણું છું કે ઇડિયમ કવિતાનો જીવછે. અને તે કહેવતોમાં નથી.

કવિ - ભાઈ , એમ નથી. કવિતાના જીવને આપણા કવિયો વ્યંગ અથવા ધ્વનિ કહે છે. તેના અનેક ભેદ છે, તેનાં ઘણાં ઉદાહરણો કવિતા રચવાની રીતિના ગ્રંથો રસરહસ્ય વગેરે છે, તેમાં છે, કવિતામાં ત્રણ પ્રકારના અર્થો હોય છે શબ્દાર્થ, ભાવાર્થ અને તાત્પર્ત્યાર્થ. તે ભાવાર્થ તથા તાત્પર્ત્યાર્થનું નામ વ્યંગ, અને તે જેમાં મુખ્ય હોય તેનું નામ ધ્વનિ છે, તે કવિતાનો જીવ છે. શબ્દોમાંથી જ ફક્ત જેટલો અર્થ નીકળે, તેનું નામ શબ્દાર્થ. જેમ કે ઉપલા સોરઠામાં શબ્દાર્થ એટલો છે કે, ઘડામાં જે ઘુંટાતુ હોય, તે છેક છાનું ન રહે. કેમ કે તેનાં બે બાંકાને કાંચનાં ઢાંકણાં કરેલાં છે. હવે તેનો ​ભાવાર્થ એ છે કે, માણસના મનની વાત, છાની ન રહે, તેની આંખોમાંથી જણાઈ આવે. અને તેનો તાત્પર્ત્યાર્થ એ છે કે, આ સભાસદોના મનની વાત, એમની આંખોમાંથી મેં સમજી લીધી છે. 



બીજો દાખલો

કોઈ કહે કે "ફલાણાનું મોહો મોટું છે" તેનો ભાવાર્થ એ છે કે તે મોટી રકમો લે છે. તેમાં તાત્પર્યાર્થ એ છે કે તે બહુ લોભી છે. એ રીતે ધ્વનિ ઘણી ખરી કહેવતોમાં પણ બહુ છે. વાતચીતમાં પણ આવે છે. અને સંપલક્ષ્મીસંવાદ, રાજવિદ્યાભ્યાસ, હુનરખાનની ચઢાઈ વગેરેમાંથી ધ્વનિના દાખલા ઘણા મળી આવશે. રસધ્વનિ, ભાવધ્વનિ વગેરે તેના અનેક ભેદ છે. તે ધ્વનિ કવિતાનો જીવ છે. પણ તે ગ્રંથોમાં કહ્યું છે કે, જીવવાળી સ્ત્રીના પંડમાં પતનો રોગ હોય, તો તે કંટાળો ઉપજાવે છે. અને નજીવી કાચની પુતળી આનંદ ઉપજાવે છે. વળી વસ્ત્રાલંકાર વિનાની એટલે શબ્દાલંકાર. અર્થાલંકાર વિના નગ્ન કવિતા હોય તેના સામી દૃષ્ટિ માંડીને સમજુ માણસ જુવે નહિ.

સંસ્કૃત વ્યાકરણ વિષે જેવા મોટા મોટા ગ્રંથો છે, તેવા જ મોટા મોટા ગ્રંથો કવિતાની રીત શિખવાના છે, તે સંસ્કૃતમાં, તથા વ્રજભાષામાં છે. આનરએબલ એ.કે. ફારબસસાહેબનો વિચાર હતો, કે એવા ગ્રંથો ગુજરાતી સારી કવિતામાં કરાવવા પણ તે સાહેબનો વિચાર પાર પડ્યો નહિ.

હાથી - તાળ અને અનુપ્રાસ વેદની કવિતામાં ક્યાં છે ? કવિતામાં તો ઉંડો વિચાર જોઈએ.

કવિ - ઉંડો વિચાર શેને કહેતા હશે ?

હાથી - આ જોયો કે નહીં તારી કવિતામાં કાંઈ ઉંડો વિચાર નથી. અને આ પ્રૌઢ કવિની કવિતામાં કેવો ઉંડો વિચાર છે ?

કવિ - હવે મેહેરબાની કરીને આપ સાહેબ મને અહિંથી જવા દો.

હાથી - અરે જઈશ ક્યાં, હવે અમે તને છોડનાર નથી. ચારવાર માફ માગે તો જવા દઈએ.

કવિ - સાહેબ આપના મુખના ટુંકારા સાંભળીને ચારવાર તો શું પણ હજારવાર માફ માગું છું એમ કહીને એક કવિત બોલે છે.


મનહર છંદ.

હુંકારા ટુંકારા કરી બોલે જ્યાં નઠારા બોલ,
ભાળિ એવા ભુંડા લોક ભય પામી ભાગીએ;
દ્વેષ કે કલેશનો પ્રવેશ લેશ દેખીએ તો,
કરીને નીકાળ તતકાળ તેને ત્યાગીએ;


છેક જ્યાં વિવેક હીન ત્યાં થકી તો છૂટવાને,
લાખવાર તેને લળી લળી પગે લાગીએ;
કહે દલપત માફ મગાવેજો ચારવાર,
ચારવાર શું હજારવાર માફ માગીએ. ૧.

મેહેરબાન, આપસાહેબ સાથે હું ઝાઝી વાત કરીશ તો, હું જાણું છું કે આપના મુખારવિંદથી ઝાઝા ટુંકારા મારે સાંભળવા પડશે. એમ કહીને તે કવિ ત્યાંથી જવા સારુ ઉભો થયો. એવામાં નરોત્તમદાસ, ગંગાબાઈ, જમનાબાઈ વગેરે કેટલાંએકનું ટોળું આવ્યું.

નરોત્તમ - કેમ કવિરાજ ઉભા થયા ?

કવિ - મેં જાણ્યું કે અહીં વિદ્યા વિલાસનનું સ્થળ હશે, પણ આ તો વાદ-વિલાસનનું સ્થળ જણાય છે. આવું જાણ્યું હોત તો હું આવત જ નહિ.

નરોત્તમ - કેમ જાણ્યું કે આ વાદ વિલાસનનું સ્થળ છે ?કવિ - 


ઇંદ્રવિજય છંદ.
ભાળિયે ભૂતનેં ભાંગ વિભૂતિજ, આસન તે વૃષભાસનનું છે;
જ્યાં પરપત્નિ વિહાર વિવેચન, ગાયન તે ગરૂડાસનનું છે;
મુંમતિ ઉંજણિ દેખિને મંદિર જાણવું જે જિનશાસનનું છે;
જ્યાં પક્ષપાત પુરો દલપત, વડુંસ્થળ વાદ વિલાસનનું છે. ૧૮.

ભાઈ, વૈદકનો ભેદ જાણ્યા વિના વૈદું કરવા ચહાય, કે તુટેલી હોડીથી તરવા ચહાય તે કદી બને નહિ.


મનહર છંદ.
હોડી તુટી હોય તોય તેમાં લે ઉતારૂઓને,
એતે ખાડીમાં ઉંડા ઉતારવા કે તારવા;
વૈદક ભણ્યાવિનાનો વૈદ બની વૈદું કરે,
એતે એનું શરીર સમારવા કે મારવા;
દ્વેષનાં વિશેષ વેણ વદીને વિવાદ માંડે,
એતે આગ ભારેલી ઉભારવા કે ભારવા;
દાખે દલપત શસ્ત્ર વિના જૈ સંગ્રામ સજે,
એતે શત્રુ સૈન્યને સંહારવા કે હારવા. ૧૯.

નરોત્તમ - કેમ જાણ્યું કે આ વાદ વિલાસનનું સ્થળ છે ?

નરોત્તમ - કોને કોને વાદ થયો, અને કોણ હાર્યું, જીત્યું ? ​કવિ - 


દોહરો
ચકલે લડે ચુનારિયો, જુઓ તમાસો તે જ;
લાજે નિર્લજ બોલતાં, અવશ્ય હારે એ જ.
અપશબ્દો કહિ અન્યને, હું જાણે હુશિયાર;
પણ એ વિષે પ્રવીણ તો, ભૂપર ભાંડ અપાર. ૨
દુર્ભાષણ નેં દુષ્ટતા, શિક્ષક વિના શિખાય;
સદ્‌ભાષણ નેં સભ્યતા, પૂરણ શ્રમે પમાય. ૩
પત્ની જે નિજ પતિ થકી, બળવિ ક્ષમા ધરનાર.
હઈએ પામે હારે "તે, હાર નહીં" શણગાર. ૪

નરોત્તમ - તમારો અને તેઓનો કાંઈ ખાનગી વિચાર મળતો આવ્યો નહિ હોય, તેથી તેઓએ એમ કર્યું હશે.

કવિ - મારા ઉપર દ્વેષ રાખે, કે ધમકી બતાવે, તેથી હું મળતો આવું કે ? અને જો હું તેઓના મતને મળીશ, તો તેઓનાથી ઉલટા હશે તેઓ મારા ઉપર દ્વેષ રાખશે. એ તો એનું એ, નેં તેનુ તે.


મનહર છંદ
માનુ જ્યારે વેદમત જૈની જાણે મિથ્યાત્વી છે,
જૈની બન્યે બીજા જાણે નાસ્તિકનો ભાઈ છે;
પઢું જો પુરાણતો કુરાની કહે કાફર છે,
કુરાની બનું તો હિંદુ કહે કે મ્લેછાઈ છે;
દ્વેત માનું તો અદ્વેતવાદી કહે અજ્ઞાની છે,
અદ્વેત માનું તો દ્વૈતતણી અદેખાઈ છે;
સર્વને રીઝાવી કેમ શકું દલપત કહે,
સર્વ જન સાથે મારે મન તો મિત્રાઈ છે.

હાથી - નરોત્તમને એકાંતે લઈ જઈને કહે છે કે એ કવિ બહુ અભિમાન રાખે છે. માટે એનું ખૂબ અપમાન કરવું, અને જ્યાં આપણા આરતીઆ હોય, ત્યાં પત્રો મોકલવા કે એ કવિની કવિતા સરસ નથી. અને હરેક ઠેકાણે આપણા કવિની તારીફ કરવી.

નરોત્તમ - પણ સરસ કવિતાનાં પુસ્તકો છાનાં રહેવાનાં નથી.તે વાંચીને જેઓ કવિતામાં સમજતા હશે, તેઓ આપણા વિષે એવો વિચાર લાવશે કે તેઓને કવિતાનું જ્ઞાન નહિ હોય. અથવા અસત્યવાદી હશે. અને તેઓ સારી કે નરસી, લોકોના અંતઃકરણ કહી આપશે. આપણા કહેવાથી સારી ​કે નરસી ઠરવાની નથી.


આર્યા.
કવિતા તથા કુમારી, કહે પિયર જન નથી ખોડ ખામી;
તેથી ન સમજો સારી, પરઘર જો માન નવ પામી. ૨
અટન ન કર્યું યુરોપે, મન તેને મુંબઈ સ‌ઉથી મોટું;
પણ પારિસપુર પેખે, ખચિત પછી માનશે ખોટું. ૩.

માટે એમાંથી તો ઉલટી આપણી હલકાઈ જણાઈ આવે. અને તેની કવિતા સાંભળવાનો રસ આપણને મળે નહિ.

એમ કહીને પાછા આવીને નરોત્તમદાસે કવિને કહ્યું કે અહીં બીરાજો.

કવિ - જેવા જુસાથી હું અહીં આવ્યો હતો, તે મારો જુસો ભાંગી ગયો. તાતકાળિક. અને નવી નવી ચમત્કારી કવિતા રચીને આ સભાને મારે ખૂબ રંજન કરવી હતી. પણ મને ખાતરી થઈ કે, હવે હું ગમે તેવી સરસ કવિતા સંભળાવીશ, તો પણ આ સભા મારે વિષે ઉલટો જ વિચાર લેનારી છે. અને જેમે જેમ વધારે સારી કવિતા સંભળાવીશ, તેમ તેમના દીલમાં અસહનતાથી વધારે અદેખાઈ અને ઝેર ઉપજશે. એમ કહીને ભીંતે નટના ખેલનું ચિત્ર હતું તેમાં એકજણ વાંસ ઉપર ચઢેલો હતો, અને બીજો નીચે ઉભો ઉભો ન-બદું ન-બદું કહેતો હતો. અને ઢોલ વગાડતો હતો તેના સામું જોઈને કહે છે.


દુમિલા.
શુણરે નટ શુદ્ધ શિખામણ સારિ, કૃપાથિ તને સમજાવું કથી;
શિર સાત ઘડા ધરિ બાલક બે લઈ, દોર ચઢી ઉતર્યો દુઃખથી;
કરિ કોટિ કળા દલપત કહે, ખુબ ખેલ કરીશ મરીશ મથી;
નબદું કથવા નિરધાર કર્યો, નર તે તુજ બદનાર નથી. ૨૦

પછી હાથીભાઈએ નમ્રતાથી કહ્યું કે અમે તો સેહેજ રમુજ કરતા હતા. તમારે ઘુસો કરવો નહિ. તમે અમારા મિત્ર છો.

પીઢ - (હાથીભાઈના કનામાં કહે છે) હવે તમે એને માન આપશો, તો મારૂં માન ભંગ થશે કે નહિ ? અને તે દહાડે ઉજાણીમાં છેલો નવાલો લેતાં કહ્યું હતું કે, આપણે એક બીજાનું ભલું ઈછવું. તે તમે મારૂં શું ભલું ઈછ્યા ?

હાથી - નહિ નહિ. અમે હરેક ઠેકાણે જઈશું. ત્યાં તમારી કવિતાની તારીફ કરશું; પણ આ કવિ કોઈસમે આપણા ઉપયોગનો છે, માટે તેનું મન રાખવું જોઈએ.

પ્રોઢ - મારી કવિતા વિષે એક ભાટીઓ કહેતો હતો કે કવિતા ધારા પ્રમાણે ​તે કવિતા નથી, માટે એમાં કાંઈ માલ નથી.

હાથી - એ ભાટીઆને હું ઓળખું છું, માટે હું તેને કહીશ, કે આજ પછી તમારે એમ કહેવું નહિ. પણ એટલું તો ખરૂં કે તમે આ કવિના શિષ્ય થાઓ તો એક વરસની અંદર તમને કવિતા રચતાં શિખવે, અને તમારી મેળેતો, તમે દશ વર્ષે કદાપિ કવિતાને રસ્તે ચઢી શકશો.

પ્રોઢ - પ્રથમ મારો એ વિચાર હતો કે તેની પાસે છ મહિના અભ્યાસ કરવો પણ હવે એમ કરૂં તો મારી આબરૂ ઘટે.

પછી પેલા કવિને શાંત કરીને ત્યાં બેસાર્યો.

નરોત્તમ - કવિરાજ, હવે જો આપની મરજી હોય તો આપને એક સમશા પુછીએ.

કવિ - સુખેથી પુછો. મારી બુદ્ધિ પ્રમાણે હું પૂરી કરીશ.

નરોત્તમ - (ગૌરીબાઈને કહે છે) તમે કાંઈ પુછો.

ગૌરીબાઈ - (કવિને કહે છે) આ પાટિયા ઉપર અમારી મરજીમાં આવે તેવા સાત આઠ અક્ષરો લખી, તે એવી જ રીતે કવિતામાં આવે, એવું કવિત રચી આપશો ?

કવિ - આપની મરજીમાં આવે તેવા અક્ષરો લખો, તેમાં ફેરફાર કર્યા વિના તે અક્ષરો કવિતમાં ગોઠવી આપીશ.

ગંગાબાઈ - લાવો હું અક્ષરો લખું. એમ કહીને ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષ એ રીતે એક લીટી લખી.

ગૌરીબાઈ - અરે ક્ષ ઉપર તો ઘણા શબ્દો છે, એ સમશા તો લાવોને હું પૂરી કરી આપું. એમા શું છે ?

તમે તે દહાડે નિશાળમાં પણ મને સેહેલી સમશા પુછી હતી. એમ કેમ વારૂ ?

ગંગાબાઈ - એ તો આગલી રાતે અમે હજામ લોકોને નાટક કરતાં જોયા હતા તેમાં એક હજામ રામનો વેષ લાવ્યો હતો. ત્યારે મારા મનમાં એટલું ચરણ ઉત્પન્ન થયું હતું કે "રઘુપતિરામ નથી જો એ તો હજામ છે" પછી તે કવિત મારાથી પૂરૂં થઈ શક્યું નહોતું માટે મેં તમને પૂછ્યું હતું.

વારૂ, પણ હું પુછું છું તે સમશા પૂરી કરવા દો.

કવિ - સમશા પૂરી કરે છે.


ચોપાઈ.
દશ મુખને નિજ દૂત કહે છે.
લલ્લલ્લલક્ષ્મણ આવે છે,

રાવણ - છે લક્ષ્મણ શી જાત ગણત્રી ?

દૂત - ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષત્રી. ૧.

નરોત્તમ - એ ચોપાઈમાં ભાવાર્થ શો છે ? અને તાત્પર્યાર્થ શો છે ? ​ કવિ - એમાં કવિના મનનો ભાવ કહેવાનો એવો જણાય છે કે લંકા ઉપર રામની ફોજ આવી ત્યારે ત્યાંના લોકો હબક ખાઈ ગયા હતા માટે બોલતાં હાકાવાકા થઈ જતું હતું.

તાત્પર્યાર્થ કે રાવણના કરતાં રામનું જોર વધારે છે એવી ત્યાંના લોકોને ખાતરી હતી.

નરોત્તમ - કેમ ગૌરીબાઈ, તમારાથી આ સમશા આવી રીતે પૂરી શકાત કે ?

ગૌરીબાઈ - આ સમશા કઠણ હતી. માટે સ‌ઉ સમજી શકે એવી, આવી સફઈદાર મારાથી બનત નહીં. પણ શીખાઉ કવિની પઠે અધડુક શબ્દો તાણી મેળીને જોડી આપત. અથવા જેમ મનુષ્યને બદલે મનુ, શરદને બદલે શરૂદ એ રીતે આજ સુધીમાં કોઈ કવિએ લખેલા ન હોય, એવા શબ્દો બગાડીને કે ક્લિષ્ટાર્થ એટલે અર્થ સમજી શકાય નહીં, એવી ધુળધાણી જેવી કવિતા હું કરી શકત.

ગંગાબાઈ - હવે તમારાથી બની શકે નહિ, એવી કઠણ સમશા તમે પૂછો.

ગૌરીબાઈ - (પેલા અક્ષરો ભૂંશી નાખીને લખ્યું કે) ણણણણણણણ. લો આ સમશા પૂરી કરી આપો.

કવિ - વિચાર કરીને તે ઉપર કવિત રચી આપે છે.


મનહર છંદ ભ્રાંતિઅલંકાર.

ભૂપના ભવનમાં સુતો ગમાર ગામડીઓ,
ઘડી આળ-ઘોષ શુણી ભડકીને ભાગે છે;
બૂમ શુણી, બહુ લોકે કારણ પુછ્યું તો કહે,
છે તો ઘર ઠીક, પણ બીક બહુ લાગે છે;
નકી ભૂત થાય, મરી જાય જે નવા ઘરમાં,
આ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે;
રાત અરધીક જ્યારે જાય દલપતરામ,
ઘણણણ, ણણ, ણણ ઘંટડિયો વાગે છે. ૨૨

નરોત્તમ - આ કવિતાનો ભાવાર્થ, અથા તાત્પર્યાર્થ શો છે ?

કવિ - ભાવાર્થ એ છે કે, ગામડીઆ જેવા ભોળા લોકો તપાસ કર્યા વિના આવા કારણને ભૂત ઠરાવે છે, અને બીએ છે. અને તાત્પર્યાર્થ એ છે કે ભૂતની વાતો ચાલે છે તે તમામ વેહેમની છે અને જુઠી છે.

નરોત્તમ - એમાં નવ રસમાંનો કિયો રસ છે ?

કવિ - ભયાનક રસ છે. ​ નરોત્તમ - ભયનક રસ કેટલા પ્રકારના હોય છે ?

કવિ - કર્ત્રિમ, વૈત્રાસિક, અને સહેતુક એવા ત્રણ મુખ્ય ભેદ છે. અને તેમાં અવાંતર બીજા ઘણા ભેદ છે. પણ તે નવે રસના તમામ ભેદ બીજે પ્રસંગે કહીશ. હાલ ફુરસદ નથી.

એવામાં નરોત્તમનો નહાનો ભાઈ દેવચંદ ત્યાં બેઠો હતો, તેની ઉમર ગરીબાઈ કરતાં બે ત્રણ વર્ષની વધારે હતી. ગૌરીબાઈએ તેને વચન આપેલું હતું કે હું તમારી સાથે લગ્ન કરીશ. પણ આ સમે ગૌરીનું ઘણું ડહામણ જોઈને દેવચંદે જાણ્યું કે આવી ડહામણવાળી છે તે, મને પરણશે કે નહિ, એવો સંશય આવ્યો.

એવામાં નરોત્તમે કહ્યું કે હવે દેવચંદની અને ગૌરીબાઈની પરીક્ષા લઈએ.

પછી દેવચંદને કહ્યું કે એક દોહરો કે સોરઠો તું રચી આપ જોઈએ. તને કેવી કવિતા આવડે છે ?

દેવચંદ - શા વિષે રચું ? કસુંબાના રંગ વિષે રચું ?

નરોત્તમ - હા ઠીક છે.દેવચંદ - 


સોરઠો રચ્યો.
પ્રથમ સરસ પંકાય, જલે કસુંબાની જુઓ;
જલદી ઊડી જાય, કહો રંગ શા કામનો. ૧.

નરોત્તમ - ગૌરીબાઈ, તમે કસુંબાના રંગ વિષે કાંઈ કવિતા રચી આપો જોઈએ.

ગૌરીબાઈએ જાણ્યું કે, એ સોરઠો મારા ઉપર કહ્યો, અને મારા બોલ કોલનો તેને ભરૂંસો નથી એવું જણાય છે.

પછી તેણે આ નીચે લખ્યા પ્રમાણે કવિતા રચી.


અનુઢા વક્રવિદગ્ધા નાયકા ભેદ
મનહર છંદ.

આપણા કસુંબગર કસુંબો ચઢાવે છે તે,
થોડા જ દિવસ સુધી શોભા સારી ધારે છે;
વિલોકો વોલાયતી કરીગરોની કારીગરી,
પાકા રંગે કેવાં સારાં વસ્ત્ર શણગારે છે;
ટુક ટુક થાય તો શું થાય, રંગ જાય નહિ,
એવું કોણ છે કે એના રંગને ઉતારે છે;
પુરૂષોની પાઘડીમાં કસુંબાનો કાચો રંગ,
પાકા રંગવાળી અંગ ઓઢણી અમારે છે. ૨૩

એ કવિતાથી જણાવ્યું કે આપણા દેશી લોકો બોલીને ફરી જાય છે, તેવી હું ​નથી. હું તો વિલાયતી લોકોના જેવી એકવચની છું, અને તમારી પ્રીતિનો રંગ કાચો હશે પણ મારા મનની પ્રીતિનો રંગ કાચો નથી.


વળી એક દુમેલાછંદ રચ્યો.
રંગતણી ચટકી ચઢિ જે દિન, જ્યાં અટકાવ કરી અટકી;
પાણિ ઉકાળિ પખાળિ જુઓ, વળિ પથ્થર સાથ જુઓ પટકી;
તોડિ વછોડિ મરોડિ જુઓ, કદિ કાતરે કાપિ કરો કટકી;
કોટિ ઉપાય કિધે દલપત, નટાળિ ટળે ચઢિ તે ચટકી. ૨૪

નરોત્તમ - કવિરાજ, તમે આ સમાની કંપનીઓ અને શેરો વિષે હવે એકાદ કવિત સંભળાવો એટલે બસ.કવિ - 


દોહરો વિષમાલંકાર.
ગયા શિકારે  શેરને, શિકારના કરનાર;
ત્યાં સામો શેરે કર્યો, શિકારીનો શીકાર.

ઘનાક્ષરી છંદ રૂપકાલંકાર.
લેખણો નેં ચાકાં રૂપી શૂળ, નેં ખડગ લઈ,
ખાતાવહી ખપરમાં ખલકને ખાઈ ગઈ;
શેરની સવારી કરી ફરી સારા શેહેરોમાં,
ચાચરમાં તાળીઓ પડાવી ગીત ગાઈ ગઈ;
પ્રાણીઓનું લોહી પીવા પ્રથમ પ્રયાણ કરી,
દીવાના બનાવા મદપાન પણ પાઈ ગઈ;
કહે દલપતરામ કરવા પ્રલયકાળ;
કંપનીઓ રૂપે કાળી કાળિકા જણાઈ ગઈ. ૨૫.

એ કવિતાની ચરચા સાંભળીને નરોત્તમદાસ વગેરે બધી સભા બહુ રંજન થઈ. પછી તે શેઠે કવિને મોટો શિરપાવ આપ્યો. અને ગૌરીબાઈને પણ તેના યોગ્ય આપ્યું. અને સભા બરખાશ થઈ. નરોત્તમદાસે, તથા બીજા ગૃહસ્થોએ, તે કવિને મોટી મોટી બખશીશ આપી, ત્યારે પ્રૌઢની આંખમાં અદેખાઈ આવી. વળી રાજાએ રૂ. ૫૦૦)નું અને બીજું રૂ. ૧૦૦૦નું ઈનામ આપવાનું કહીને તે કવિ પાસે બે પુસ્તકો કરાવ્યાં, ત્યારે તો પ્રૌઢના મનમાં ઘણું ઝેર ઉપઝ્યું. તેથી તેણે બુમો પાડી કે, એ કવિ કવિતામાં કાંઈ નથી સમજતો, અને તેના કરતાં હું કવિતાના કામમાં, બહુ સમજું છું. માટે એને ઈનામ આપવાં નહીં. મને ઈનામ આપો, અને હું તે પુસ્તકો રચીશ. પણ તે બુમો પાડવાથી તેનું કાંઈ વળ્યું નહીં. ​ પછી ગંગાબાઈને આણું પહોંચ્યું તેથી પિયરનું તેડું આવ્યું, એટલે તે પીયર ગયાં. તે પછી જમનાબાઈને વેહેમી સ્ત્રિયોની ઘણી સોબત થવાથી, તથા મંદવાડ આવ્યાથી તે દોરા ચીઠી વગેરેની ભ્રમણામાં પડી. તે પછી ગંગાબાઈ પાછાં આવ્યાં ત્યારે તેણે ભ્રમણા મટાડી.

ગંગાબાઈ જ્યારે પીયર ગયાં હતાં ત્યારે ત્યાં પોતાની માનો ઉપકાર કેવી રીતે માન્યો ? તથા નહાનપણમાં મોજશોખ પડ્યો મુકીને કેવી મેહેનતથી તેણે વિદ્યાભ્યાસ કર્યો હતો ? અને તેથી અંતે કેવું સુખ પામી. તે બધાનું વરણન એક ગરબા છંદમાં લખું છું. આગળ ઉપર એક ભણેલી બાઈએ પણ એ જ રીતે પોતાની સ્તુતિ કરી હતી.


ગરબા છંદ

પુત્રિ કહે મા પાસ, હાસ કરી હેતેં મા;
અતિ સોંપ્યો અભ્યાસ, આશ પુરી એ તેં મા. ૧
ભણિ ભણતર ભલિ ભાત, વાત વિવિધ વાંચી મા;
પૂરણ થઈ પ્રખ્યાત, સાત સુખે સાચી મા. ૨
દિલમાં લઈ ઉપદેશ, બેશ ઉજેશ થયો મા;
હઈડે હરખ હમેશ, લેશ કલેશ ગયો મા. ૩
ધન ધન આ અવતાર, સાર લિધો સાચો મા;
ઈશ્વરનો ઉપકાર, વાર ઘણી વાંચ્યો મા. ૪
જ્ઞાન પદારથ પાન, કાન વડે કીધું મા;
લઈ વિદ્યાનૂ દાન, માન મહા લીધું મા. ૫
ન મળ્યો ઠપકો ઠેશ, બેશ ભૂગોળ ભણી મા;
વળિ થઈ વાત વિશેષ, દેશ સમગ્ર ગણી મા. ૬
પાકવિધી પરસિદ્ધ, સિદ્ધ કરી સારી મા;
આઠ સિદ્ધિ નવનિદ્ધ, દીધે દયા તારી મા. ૭
ગણતાં શિખી ગણીત, ગીત શબદ સાખી મા;
ચિત્ર ભરત દઈ ચિત્ત, રીત શિખી રાખી મા. ૮
દેખી અદ્‌ભુત દાવ, પાવ પ્રથમ દીધો મા;
ભણી ગણી ધરિ ભાવ, લાવ ભલો લીધો મા. ૯
ભટકે પણ નહિ ભાગ, લાગ જડે જેનો મા;
ઉંડો અરથ અથાગ, તાગ લિધો તેનો મા. ૧૦
પછિ બીજા પરચૂણ, ગુણ લીધા ધારી મા;
એ આટામાં લૂણ, શુણ માતા મારી મા. ૧૧​


પુરો શુરો રજપૂત, ભૂત થકી ભાગે મા;
મન મારૂં મજબૂત, તૂત ગણી ત્યાગે મા. ૧૨
હિમ્મત ધરૂં હજાર, બાર જઈ બેશી મા;
ભ્રમણાનો શો ભાર, પાર શકે પેશી મા. ૧૩
કિધો વેહેમનો હોય, રોમ નથી બીતી મા;
વાર ગણાયો ભોમ, સોમ ગયો વીતી મા. ૧૪
મેં આભે ભરિ બાથ, સાથ વિના સાથે મા;
દયા કરી દિનનાથ, હાથ ગ્રહ્યો હાથે મા. ૧૫
એ પ્રભુનો જે પાડ, ખાડ ખણી ડાટે મા;
તે જન મોટા તાડ, ઝાડ સુકા સાટે મા. ૧૬
*
અભણ વિષે.

વિદ્યા કળા વિહીન, ચીન ચડી જાશે મા;
પણ તે પર‌આધીન, દીન થઈ થાશે મા. ૧૭
નહિ વિદ્યા નવટાંક, રાંક જુઓ જેવા મા;
વળતી કાઢે વાંક, આંક કરમ એવા મા. ૧૮
ફાવે એવી ફોજ, હોજ ભર્યા પાણી મા;
જો નહિ જાણે ચોજ, રોજ ભણી રાણી મા. ૧૯
તો તેનો અવતાર, છાર પડી છૂટ્યો મા;
કહે કવી ધિક્કાર, તાર નશિબ તૂટ્યો મા. ૨૦

ભણવાના શ્રમ વિષે.

હું હોંશે કદિ હી, ચીર નહીં ચહાતી મા;
નહિ પામી કદિ નીર, ખીર કદી ખાતી મા. ૨૧
ઘડ્યા કનકના ઘાટ, કાટ ચડ્યા કીધા મા;
મેં ભણવાને માટ, ડાટ વળણ દીધા મા. ૨૨
ચાતુરતા હિર ચીર, ધીરજ જળ ધોયું મા;
શોભે તેથિ શરીર, જીરણ નવ જોયું મા. ૨૩
હરિગુણ હાર હજાર, ભાર નહીં ભાસે મા;
સદગુંઅના શણગાર, પાર વિના પાસે મા. ૨૪
કરતી પર ઉપકાર, ખાર તજી ખોટો મા;
પુસ્તક પઢી અપાર, સાર મળ્યો મોટો મા. ૨૫​



અરધું જમી અનાજ, કાજ લિધું સાધી મા;
લોક વિષે તો લાજ, આજ અધિક વાધી મા. ૨૬
ગણ્યા ભલા સુખ ભોગ, રોગ ગણે રોગી મા;
એમ કર્યો ઉદયોગ, જોગ જપે જોગી મા. ૨૭
સરસ નરસ કદિ શાક, પાક નહીં ગણતી મા;
હતી ન કોઈની હાક, થાક ભુલી ભણતી મા. ૨૮
કાય સૂકી કાંક ઠાઠ જતં થઈતી મા;
પણ નહિ પાડ્યો પાઠ, આઠ વરસ ગઈતી મા. ૨૯
આગળ તો ઉદમાત, રાત દિવસ કરતી મા;
પોઢી ઉઠી પ્રભાત, સાત સદન ફરતી મા. ૩૦
પણ મારાં મા બાપ, આપ અમુલ્ય થયાં મા;
ટળ્યા સરવ સંતાપ, પાપ પતાળ ગયાં મા. ૩૧
જે તું કથન કહીશ, શીશ ધરી સાંખૂં મા;
મનમાં ગુણ માનીશ, રીશ નહીં રાખું મા. ૩૨
નવજુગ રહેશે નામ, દામ વિના દીધે મા;
મળશે નિર્મળ ધામ, કામ સરસ કીધે મા. ૩૩
લઈ લઈ પેન શિલેટ, પેટતણી પાશે મા;
બહુ બહુ ચિતરૂં બેટ, ભેટ લિધી ભાસે મા. ૩૪
માગું ખુઅરશી મેજ, એજ ઇછા આણું મા;
આપું વાળિ અવેજ, તેજ હું હઠ તાણું મા. ૩૫
વળિ વેઠે જેમ વેઠ, શેઠ અનુચર મા;
શું શ્રાવણ, શું જેઠ, ઠેઠી નિશા અવસર મા. ૩૬
બેઠી કશિને કેદ, હેડ રહી બાકી મા;
છોડી નહિ છંછેડ, ખેડ ખરી પાકી મા. ૩૭
નીચાં રાખી નેણ, કહેણ શુણું કાને મા;
વળિ વાંચું સુખદેણ, વેણ પછી પાને મા. ૩૮
સિધ કરવા સંકેત, હેત સહિત હળતી મા;
રહે શરીર સચેત, વેત કરૂં વળતી મા. ૩૯
કોટિ પ્રકારે કેદ, ખેદ વિના ખમતી મા;
વિપ્ર ભણે જેમ વેદ, ભેદ લેવા ભમતી મા. ૪૦
તપસી તપમાં જેમ, તેમ ઠરાવ ઠર્યો મા;
પૂરો આણી પ્રેમ, એમ અભ્યાસ કર્યો મા. ૪૧​


ચુકથી ચેરાચેર, ફેર ફરક જોતી મા;
સૂકાતું લોહી શેર, ઘેર ઘણું રોતી મા. ૪૨
કુંવરીઓ કેટલીક, બીક નહીં ગણાતી મા;
આળસ આણિ અધીક, ઠીક નહી ભણતી મા. ૪૩
હસતી હૂકા હૂક, બૂક લઈ બોખી મા;
ઠાલું વલોવી થુંક, ચૂંક કરે ચોખી મા. ૪૪
ભણવાની નહિ ભૂખ, મુખગપ્પો ગાતી મા;
તે દેખી થઈ દુઃખ, સુખ શાંતી જાતી મા. ૪૫
છ ઘડી લેવા છૂટ, કૂટ કરી મરતી મા;
હૂંતો અર્થ અખૂટ લૂટ લઈ ભરતી મા. ૪૬
હોય ખરા જે હંસ, વંશ વિષે વળગ્યા મા;
નીરખીર નિસ્સંશ, અંશ કરે અળગા મા. ૪૭
સાચ વિષે જોઈ જૂઠ, પૂંઠ કરૂં પેહેલી મા;
રૂઠ ગમે તો તૂઠ, મુંઠ નહીં મેલી મા. ૪૮
ફરતું કરતું ફેલ, ખેલ તણું ખાતું મા;
રમતતણી રસ-રેલ, તેલ ગણ્યું તાતું મા. ૪૯
શિરો સુંવાળી સેવ, દેવ ચળે ભાળી મા;
તે ખાવા તતખેવ, ટેવ દિધી ટાળી મા. ૫૦
ચૌરે ચૌટે ચોક, લોક મળે કાલા મા;
દેખિ હલાવે ડોક, થોક વચે ઠાલા મા. ૫૧
શોધે નહીં સુગંધ, અંધ ઘણા એવા મા;
બોલે પણ નિર્બંધ, ધંધ ધરે તેવા મા. ૫૨
જુદ્ધ વિષે જઈ જોધ, બોધ કરે બળથી મા;
શત્રુતણો કરિ શોધ, ક્રોધ કરે કળથી મા. ૫૩
ગોપ કરી એમ કોપ, તોપ ભરી તંગે મા;
તો જશનો ધરિ ટોપ, ઓપ લિધો અંગે મા. ૫૪
જો ભણિ હું નહિ હોત, જોત નજર જાગી મા;
ખેલ ખરેખરિ ખોત, મોત લેત માગી મા. ૫૫
જડથી ન કરૂં જુદ્ધ, બુધ કરી આણું મા;
ઉજળું એટલું દૂધ, શુદ્ધ સરવ જાણું મા. ૫૬
ભમતો દેખું ભૂપ, રૂપ રંગે રૂડો મા;
ચેતી ચાલું ચૂપ, કૂપ ગણી કૂડો મા. ૫૭​


કરવા ફેલ ફિત્તૂર, ઉર ઇછા ઠરતી મા;
પાપતણું ગણિ પૂર, દૂરથકી ડરતી મા. ૫૮
ઉપજે સંકટ શૂળ, ધૂળ તહાં ધરતી મા;
છળનૂ છેદી મૂળ, કુળ ઉજવળ કરતી મા. ૫૯
આવ્યાં વિઘન અનેક, ટેક નહીં તૂટી મા;
ઈશ્વર પ્રીતી એક, છેક નહીં છૂટી મા. ૬૦
કરતી પૂરા કોડ, ખોડ નહીં ખાતી મા;
ઉગ્યા નશિબના છોડ, જોડ મળી જાતી મા. ૬૧
પામી પરમ પવિત્ર, મિત્ર સરસ સ્વામી મા;
વિદ્યાવંત વિચિત્ર, ચિત્રકળા જામી મા. ૬૨
કરિ કરૂણા કરતાર, પાર નહીં પુન્યે મા;
લઈ ઊચાર "લગાર, વાર" રહી મુન્યે મા. ૬૩

સમાપ્તિ વિષે

ગુણ ગણિ ગરબો આમ, ગામ ગાશે મા;
તે જન મન અભિરામ, કામ સુફળ થાશે મા. ૬૪

3
લેખ
દલપતરામના લખેલા નટકો
0.0
જેને ગૂજરાતી બોલી અથવા ચાલ ચલગત સારી પેઠે જાણવાની મરજી હોય, તેણે આવી ચોપડી ધ્યાન લગાડીને વાંચવી કેમકે એક દક્ષણી માણસ પોતાના મનમાં એવું ધારતો હતો કે હું ગૂજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગૂજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું; એવું કોઈ ગૂજરાતી માણસ આગળ તેણે કહ્યાથી, પેલા ગૂજરાતીએ દક્ષણીને કહ્યું કે, તમે ગૂજરાતીમાં સરકારી કામમાં રહેલા માટે જેટલા શબ્દો સરકારી કામમાં આવ્યા હશે, તેટાલા તમે જાણતા હશો. પણ અમારા ઘરમાં બાઇડિયો, છોકરાં, શી રીતે બોલે છે તે જ્યારે તમારા જાણવામાં હોય, ત્યારે તમે ગૂજરાતી ભાષા સારી પેઠે જાણો છો એમ કહેવાય. માટે તે તમે જાણતા હો તો કહો કે "ઘૂમણી ઘાલવી" એટલે શું ? પછી તેનો અર્થ પેલા દક્ષણીના સમજવામાં આવ્યો નહિ. માટે ગૂજરાતી ભાષા, તથા ચાલ વિષે જાણવા સારૂ સાહેબ મોસુફને વાસ્તે આ વર્ણન કલ્પના કરીને મેં બનાવ્યું છે.
1

સ્ત્રીસંભાષણ સંપૂર્ણ નાટક

10 November 2023
1
0
0

સ્ત્રીસંભાષણ કુટુંબ ૧.શેઠ હીરાચંદ, ઉમર વરસ૬૦.તેમની સ્ત્રી શેઠાણી પ્રેમકોરબાઈ, ઉમર વરસ૫૦.બીજી સ્ત્રી 'નવીબાઈ'[૧] , ઉમર વરસ૩૦.પ્રેમકોરનો દીકરો, ઝવેરચંદ, ઉમર વરસ૩૨.તેની વહુ નવલવહુ, ઉમર વ

2

લક્ષ્મી નાટક સંપૂર્ણ નાટક

10 November 2023
2
0
0

પ્રસ્તાવના વિક્રમાજીતના જન્મથી પેહેલાં આશરે સાડાત્રણસેં વર્ષ ઉપર ગ્રીક લોકના દેશમાં આથેનાઇ નામે મોટું નગર હતું અને સર્વે ઠેકાણે ગ્રીક લોકો ઘણા જ વિદ્યાવાળા હતા તો પણ આથેનાઇ નગરના લોક જેવા ડાહ્યા લોક

3

ગંગાબાઈ અને જમનાબાઈની વાત

11 November 2023
1
0
0

ગંગાબાઈ અને જમનાબાઈની વાત આ વાર્તામાં ભોળાં માણસને સારી, તથા નરસી , સોબતની અસર વેહેલી થવાનો દાખલો છે. દોહરો ભોળા જન વિદ્યા ભણી, વેહેમ તજી વખણાય; વેહેમીના સહવાસથી , વળિ તે વેહેમી થાય. ૧ એક શહે

---

એક પુસ્તક વાંચો