shabd-logo

લક્ષ્મી નાટક સંપૂર્ણ નાટક

10 November 2023

7 જોયું 7

પ્રસ્તાવના

વિક્રમાજીતના જન્મથી પેહેલાં આશરે સાડાત્રણસેં વર્ષ ઉપર ગ્રીક લોકના દેશમાં આથેનાઇ નામે મોટું નગર હતું અને સર્વે ઠેકાણે ગ્રીક લોકો ઘણા જ વિદ્યાવાળા હતા તો પણ આથેનાઇ નગરના લોક જેવા ડાહ્યા લોક કોઈ ઠેકાણે નહોતા. તે નગરમાં કવિ વગેરે સારા સારા ગ્રંથ બનાવવાવાળા ઘણા, અને આટલાં વર્ષ વહી ગયાં છે, તોપણ આજ દિવસ સુધી વિલાયતના તથા બીજા ફીરંગી લોકના દેશના તમામ નિશાળોમાંના બાળકો એ મોટા નામીચા કવિયોના ગ્રંથ ભણે છે, તે ઉપરથી લોક કહે છે કે આથેનાઇ રૂપી સ્ત્રી પોતે નાશ પામી છે; પણ વિદ્યા રૂપી જીવનથી, આજ સુધી દુનિયાને જીવાડે છે. તે સમે તે દેશમાં લોક ઘણાએક દેવોને માનતા હતા, અને વળી તેમની મૂર્ત્તિયો બનાવીને સારા સારા દેરાંમાં રાખી હતી; તે મૂર્ત્તિયો ઘણી જ શોભાવાળી ને તેમનાં દેરાં પણ જોવા જેવાં હતાં. તે દેરાંમાંના કેટલાંએક દેરાં આજ સુધી ઉભાં છે પણ તેમના દેવની માનતા બીલકુલ બંધ થયેલી છે, અને દેવની મૂર્ત્તિયો વિલાયત આદિક દેશોમાં લોક લેઈ ગયા છે.

તે સમે આથેનાઇ નગરમાં અરીસ્તોફનીસ નામે એક કવિરાજ હતો, તેણે ઘણા ગુણ ભરેલાં નાટક બનાવ્યાં, તેમાંના એક નાટક ઉપરથી અમે આ લક્ષ્મીનાટક બનાવ્યું છે, પણ ગુજરાતી લોકોના સમજ્યા બરાબર આવે એટલા સારૂં આ ગ્રીક લોકની ચાલ છોડીને હિંદુ લોકની ચાલ લીધી છે, આ મૂળ નાટકનું નામ પ્લાતસ છે તે પ્લોતસ તેમનામાં ધનનો દેવ હતો, માટે અમે અમારા નાટકને લક્ષ્મી નામ આપ્યું છે.

ઉપર લખેલી વાત વાંચ્યાથી સૌ લોકોને માલુમ પડશે કે આ ચોપડીમાં લક્ષ્મીની કાંઈ સ્તુતિ નથી, પણ નાટકની ચાલ પ્રમાણે વાત બનાવી છે.

અસલ આ નાટક બનાવનારનો વિચાર એવો હતો કે પોતાના દેશમાં લોકો અન્યાયથી જુઠપણાથી તથા કોઈ પાપમાર્ગથી ધન ભેળું કરતા હતા; માટે તેઓની મશ્કરી કરવા ઇચ્છતા હતા. તે કારણથી એક ગરાશિયો ધીરસિંહજી બનાવ્યો તે વૃદ્ધ તથા ધર્મવાળો અને સારા કુળવાળો હતો. પણ તેની પાસે ધન થોડું હતું; તે ગરાશિયો તિર્થવાસ થઈને મહાદેવ પાસે આવ્યો તેની સાથે એક ચાકર ભીમડો હતો, તે વગર ભણેલો અને નિર્લજ હતો, તે ગરાશિયાના જોવામાં આવ્યું, કે જે માણસ દુષ્ટ આચરણ કરે છે તે જ ધનવંત થાય છે અને જે સારે માર્ગે ચાલે છે, તે દરિદ્રી થાય છે. તે ઉપર મહાદેવજીને પુછ્યું કે મારા દીકરાને કીએ માર્ગે ચલાવું કે જેથી એનું કલ્યાણ થાય ? ત્યારે દેવે કાંઈ પ્રગટ ઉત્તર આપ્યો નહીં પણ એટલું કહ્યું કે આ દેવળમાંથી નિસરતાં જે માણસ પહેલું નજરે આવે, તેનો કેડો મેલશો નહીં, પછી દેવળમાંથી નિસરતાં એક ડોશી નજરે પડી ત્યારે દેવના કહ્યાથી તે ડોશીને પછવાડે બંને જણ ​ચાલ્યા, પણ એ ચાકર કાંઈ સમજ્યો નહીં; તેથી રાજાને પુછ્યું કે દેવે તમને કશું કહ્યું ? ત્યારે રાજાએ જેમ થઈ તેમ વાત કહી, ત્યાર પછી ડોશીના કહ્યાથી જાણ્યું કે એ ડોશી તે લક્ષ્મી છે, અને ઇન્દ્રે ફલાણા કારણથી એની આંખ્યો ફોડી છે. તે વાત સાંભળીને બંને જણા પ્રસન થયા, તાર પછી વિચાર કીધો કે; ધનવંતરી પાસે જઈને આંખ્યો સારી કરાવવી; પછી આંખ્યો સારી કરવાથી બંને જણને તથા સર્વે સારા લોકને ધનની પ્રાપ્તિ થઈ. અને દુષ્ટ લોકો દરિદ્રી થયા.

આ નાટક વાંચીને સજ્જન લોકો સારાંશ એટલો લેશે કે અન્યાયથી, અધર્મથી તથા ચાડિયાપણાથી ધન પેદા કરવું નહીં.

હવે ધીરસિંહજી મહાદેવજીના કહ્યાથી આંધળી ડોશીને પછવાડે ચાલ્યા તે જોઈને ભીમડો બોલ્યો. ત્યાંથી વાત ચલાવીએ છીએ

લક્ષ્મી નાટક

ભવાસ ભીમડો: અરે મહાદેવ તમે આ શું કર્યું છે કે અમારો રાજા તમને કાંઈ વિચાર પુછવા આવ્યો હતો ત્યારે તમે એટલી જ આજ્ઞા કરી કે તમારે આ આંધળી ડોશીની કેડે જવું, એ વાત ન્યાયથી પણ ઘણી ઉલટી છે. કેમ કે દેખતું માણસ આંધળાને સદાય માર્ગે ચઢાવે છે પણ અમને એ આંધળી ડોશી માર્ગ શો દેખાડશે ?

હે રાજા મારાથી બોલ્યા વિના રહેવાશે નહીં અને તેથી તમે મારા ઉપર રીસ કરશો નહીં કેમકે હું તિર્થવાસી છું અને આ કાવડ મારી પાસે છે માટે મારા ઉપર રીસ કરશો તો તમને પાપ લાગશે.

ધીરસિંહજી: અરે રામ મારા સાથે વાદ કરીશ તો મને રીસ તો ચઢશે અને તારી કાવડ તોડી નાંખીશ વળી તને સારી પેઠે મારીશ.

ભીમડો: એ વાત કાંઈ હોય નહીં. અને એ આંધળી ડોશી કોણ છે, જેને વિશ્વાસે તમે ચાલો છો ? તે મને બતાવશો નહીં, ત્યાં સુધી હું બોલીશ. કેમ જે તમારૂ કલ્યાણ ઇચ્છનાર હું છું.

ધીર૦: ત્યારે ઠીક હું તારાથી કાંઈ છાની વાત રાખનાર નથી શાથી કે મને તારો વિશ્વાસ છે કે તું મારો ચાકર ઘણો ડાહ્યો છું.

આ હું ધર્મવાળો તથા મોટા કુળનો છું પણ આ સમે મારી પાસે પૈસો મુદ્દલ નથી, અને ઘરનું ખરચ ચલાવવું પણ કઠણ પડે છે.

ભીમ૦: હા ઠાકોર એ તો હું જાણું છું.

ધીર૦: અને બીજા અધર્મવાળા ચાડિયા, ફિતુરી, વળી સર્વે દુષ્ટ માણસો પાસે ધન વધતું થાય છે.

ભીમ૦: એ તો સાચું જ કહો છો.

ધીર૦: એટલા સારૂં જ હું મહાદેવજી પાસે ગયો હતો. અને વળી હું જાતે વૃદ્ધ છું ને મારે દીકરો એક જ છે તે પણ સારી રીતે ચાલે છે, તે સારૂં મેં મહાદેવજીને પુછ્યું કે મારા દીકરાને તે હું સારે માર્ગે ચઢાવું કે આ સમા પ્રમાણે અન્યાયને માર્ગે ચઢાવું તો તેનું કલ્યાણ થાય.

ભીમ૦: પછી બળદ ઉપર બેસનાર માધેવડે શો ઉત્તર આપ્યો ?

ધીર૦: હે ભાઈ તે વાત હું તને કહું છું. શિવજીએ મને આજ્ઞા આપી છે કે જ્યારે તમે આ મંદિરમાંથી બહાર નિસરો ત્યારે પેહેલું જે માણસ નજરે આવે તેનો તમે કેડ મુકશો નહીં. જરૂર તેને તમારે ઘેર તેડી જજો.

ભીમ૦: પછી તમારી નજરે પેહેલું કોણ આવ્યું ? ​ ધીર૦: આ ડોશી.

ભીમડો: અરે ભોળા ઠાકોર તમને એટલી સમજણ નથી કે દેવે તો એમ કહ્યું કે જગતની ચાલ પ્રમાણે તમારા દીકરાને ચલાવવો.

ધીર૦: એ વાત તું શા ઉપરથી કેહે છે ?

ભીમડો: હે ઘેલા રાજા એમાં શું એ તો પ્રગટ છે, તે આંધળા માણસને પણ દેખાય કે, આ સમામાં કાંઈ પુન્ય કરવાનું ફળ નથી.

ધીર૦: ના, ના, એમતો નહીં હોય કાંઈક વાત તો ઊંડી હશે પણ આ ડોશીને આપણે ઓળખીએ કે એ કોણ છે અને શા માટે અહિં આવી હશે, ત્યારે દેવનો મરમ સમજાશે.

ભીમડો: અલી આંધળી ડોશી તું કોણ છું અને શો વિચાર કરે છે, ને શા સારૂં અહિ આવી છું ? તુરત બોલ નહીં તો માર ખાઈશ.

ડોશી: અરે ચંડાળ એ તું શું બોલે છે ?

ભીમડો: હે રાજા એ આંધળી ડોશી તમને શું કેહે છે ?

રાજા: મને નથી કેહેતી એ તો તને કેહે છે કેમ કે તેં નિર્લજની રીતે એને પુછ્યું તે સારૂ.

રાજા: હે ડોશીમા તમારી ધર્મવાળા ઉપર સારી દૃષ્ટિ હશે. તે માટે કૃપા કરીને મને ઉત્તર આપો.

ડોશી: તને શું ફાંસીએ દેવો છે ?

ભીમડો: હે રાજા એ માધેવડો તથા આંધળી ડોશી બંને તમને સોંપ્યા મારે એકેનું કામ નથી.

રાજા: અરે ડોશી તમને શિક્ષા થયા વિના અમારી પાસેથી તમો છૂટનાર નથી.

ભીમડો: એ વાત સાચી છે જો ઉત્તર આપીશ નહીં તો ચાંચડની પેઠે ચોળી નાખીશ.

ડોશી: અરે ભલા માણસો મને જવા દો.

રાજા: હા જરૂર એમ જ કરવું છે.

ભીમડો: હે રાજા હું કહું તે સાંભળો. આ આંધળીને હું ભુંડા હાલથી મારીશ, તે એવી રીતે કે શેહેરના કોટ ઉપર લેઈ જઈને ઉભી રાખીશ. ત્યાંથી પછડાઈને મરી જશે.

રાજા: ઠીક ઠીક, એમ જ કરો.

ડોશી: ના ના ભાઈસાહેબે મને મારશો નહીં.

રાજા: ત્યારે કહીશ ?

ડોશી: હું જાણું છું કે તમે મને ઓળખશો ત્યાર પછી છોડનાર નથી. કાંઈ દુખ દેશો. ​ રાજા: તારા સમ જો તને ઝાલી રાખવાતો.

ડોશી: ત્યારે તમારા હાથ કોરે લ્યો.

રાજા: લે ત્યારે (એમ કહીને હાથ કોરે લે છે.)

ડોશી: સાંભળો જે વાત નથી કહેવાની તે કહેવી પડે છે. હું તો લક્ષ્મી છું.

રાજા: અરે માતાજી તમે જ લક્ષ્મી છો ? ત્યારે ત્યારનાં બોલતાં શું નથી.

ભીમ૦: ભુંડી તું જ લક્ષ્મી છું. ત્યારે તારા આવા હાલ કેમ છે ?

રાજા: અરે રામક્રષ્ણ હરિહર તમે જ લક્ષ્મી છો ?

લક્ષ્મી: હા.

રાજા: તમો આપે જ લક્ષ્મી ?

લક્ષ્મી: હા, હું આપે જ લક્ષ્મી.

રાજા: ત્યારે તમે અહિ ક્યાંથી પધાર્યાં અને આવાં મેલાં કેમ છો ?

લક્ષ્મી: શ્રાવકલોકોના ઘરમાં રહું છું અને ત્યાંથી આવી.

રાજા: અરે તમારી એવી અવસ્થા કેમ ?

લક્ષ્મી: મેં બાળપણામાં નિશ્ચે કરયો હતો કે હું સારાં માણસોને ઘેર જ જઈશ પણ તે સારા માણસો ઉપર ઇંન્દ્રની [૧] કૃપા નહોતી તેથી મારી આંખ્યો ઇંન્દ્રે ફોડી નાંખી એટલે હવે સારાં માણસો કે નરસાં માણસોની વિગત પડતી નથી એ ઇંન્દ્રની ભૂલ છે.

રાજા: ત્યારે એમ કેમ હશે કે સારાં માણસો ઇંન્દ્રની પૂજા કરે છે પણ દુષ્ટ માણસો તો કાંઈ કરતા નથી.

લક્ષ્મી: ભાઈ એ વાત મોટી વિચારવા જેવી છે.

રાજા: વારૂં તમારી આંખ્યો સારી થાય તો પછી દુષ્ટ માણસથી દૂર રેહેશો ?

લક્ષ્મી: ભાઈ મારે તો એવો વિચાર ઘણો જ છે.

રાજા: પછી સારાં માણસોનો જ પ્રસંગ કરશો ?

લક્ષ્મી: હા ભાઈ એમ જ કરીશ, સારાં માણસો ઘણા દહાડા થયાં, મારા જોવામાં આવ્યાં નથી; હું જેને ઘેર જાઊં છું; તે દુષ્ટ માણસ હોય છે.

રાજા: એમાં શું અચરત છે, અમે પણ ઘણા દહાડા થયા સારા લોકો દીઠા જ નથી.

લક્ષ્મી: હવે મને જવા દો, મેં તમને સર્વે વાત કહી.

રાજા: અરે દૈવ હવે જવા કેમ દેવાય, હવે તો રાખવાં પડશે.

લક્ષ્મી: ભાઈ હું તમને કેહેતી હતી, કે તમે મને ઓળખશો તો પછી નહીં છોડો.

રાજા: હું તમને પગે લાગીને કહું છું, કે તમારે મારે ઘેર રેહેવું જગતમાં મારા જેવો ધર્મવાળો કોઈ નથી. ​ લક્ષ્મી: એ તો સર્વે લોકો એમ જ બોલે છે, પણ હું જ્યારે કોઈના ઘરમાં રહું છું ત્યારે તે ધનવંત પણાના મદથી તુરત ધર્મની ચાલ છોડી મુકે છે.

રાજા: માતાજી તમે કોહો છો તે ખરૂં. પણ સર્વે લોકો સરખા ન હોય.

લક્ષ્મી: સૌ સરખા જ છે, કોઈ જગતમાં સારૂં માણસ નથી.

ભીમ૦: ઉભી રહે ભુંડી સૌ લોકોને સરખા કેહે છે, હમણાં એક સોટી લગાવું છું.

રાજા: ચુપ એવું બોલ માં.

રાજા: માતાજી મારે ઘેર રહેવામાં તમારે મોટો લાભ થશે, તમારી આંખ્યો હું સારી કરાવીશ, તે જરૂર કરાવીશ.

લક્ષ્મી: મારે સારી આંખ્યો થવામાં કાંઈ લાભ નથી.

રાજા: એ શું બોલ્યાં ?

ભીમ૦: એના કરમમાં જ દૈવે અંધાપો લખેલો.

લક્ષ્મી: ભાઈ હું સારી આંખ્યો થવાની આશા રાખું તો ઇંન્દ્ર મને આથી પણ કાંઈ બીજું મોટું દુખ આપે.

રાજા: આથી પછી ઇંન્દ્ર શું મોટું દુખ આપશે ? જે પડતાં આખડતાં માંડ ચાલો છો.

લક્ષ્મી: એ તો હું જાણતી નથી, પણ મને એની બીક બહુ લાગે છે.

રાજા: એમ કેમ તમે સર્વ દેવોમાં કાયર છો, પણ તમે જાણતાં નથી કે તમારી આંખ્યો સારી થાય ત્યારે ઇંન્દ્ર કે ઇંન્દ્રના વજરની ચૌટામાં એક કોડીની પણ કિંમત નથી.

લક્ષ્મી: અરે બોલોમાં ઇંન્દ્ર સાંભળશે.

રાજા: અમારે તો બોલવું છે, કેમ જે હું નક્કી કરી આપીશ કે ઇંન્દ્રથી તમારૂ બળ ઘણું જ વધતું છે.

લક્ષ્મી: મારૂં બળ કહો છો ?

રાજા: હા તે વાતના સમ ખાઉ છું. જુવો એક વાર ઇંન્દ્ર કેની સહાયતાથી દેવ લોકનું રાજ કરે છે.

ભીમ૦: પૈસાથી, કેમકે એની પાસે પૈસા ગદબદ છે.

રાજા: વારૂં એને પૈસા કોણ આપે છે ?

ભીમ૦: આ આંધળી ડોશી.

રાજા: ત્યારે ઇંન્દ્રનો જગન કરે છે તે શા માટે, લક્ષ્મી સારૂં કે બીજા સારૂં ?

ભીમ૦: એ જ સારૂં સૌ પૈસાને ચહાય છે, એ વાત કાંઈ છાની નથી.

રાજા: ત્યારે એ જગન કરાવનારી લક્ષ્મી જ કે. બીજું કોઈ ? ​ લક્ષ્મી: ભાઈસાહેબ એવું શું બોલો છો ?

રાજા: સૌ જાણે છે કે, લક્ષ્મી વિના જગનનો સામાન ક્યાંથી મળે ?

લક્ષ્મી: કેમ ?

રાજા: કેમ શું, જુઓને પૈસા વિના કાંઈ વસ્તુ મળતી નથી, ત્યારે તમારે ને ઇંન્દ્રને ટંટો હોય, ત્યારે એનું જોર કેટલુંક છે ?

લક્ષ્મી: શું કહો છો ! મારી સહાયતાથી જગન થાય છે, એ વાત ખરી છે ?

રાજા: ખરી જ છે તો, અને વળી જગતમાં કાંઈ સારી વસ્તુ કે સભામાં સનમાન તે પણ લક્ષ્મીથી જ મળે છે કે નહીં ? કહ્યું છે કે,सर्वेगुणाकांचनमाश्रयंति

માટે સર્વે ગુણ લક્ષ્મીમાં રહ્યા છે.

ભીમ૦: હા. ઠાકોર તમને પણ સાંભરતું હશે, તમે મને થોડા પૈસામાં વેચાતો લીધો છે, તે દહાડે હું તમારાથી પણ ગરીબ હતો.

રાજા: વળી અમે સાંભળ્યું છે કે, ગુણકાને ઘેર કોઈ ગરીબ માણસ જાય છે, તેને તુરત કહાડી મેલે છે, અને કોઈ પૈસાવાળો જાય છે, તેનું સનમાન કરે છે.

ભીમ૦: વળી જુઓ કે, પૈસા વિના કેટલાએક વડનગરા નાગર વાંઢા મરી જાય છે, તેનું એક ભજન બોલું છું.(પ્રભાતી) શીદને સરજાડ્યાં પ્રભુ નાગરની નાતે;
સામી વળગણિયે સાલ્લો ન ભાળ્યો રાતીરે ભાતે.

રાજા: આપણા જાડેજા રજપુત દીકરિયોને જન્મતાં જ કશુંબો પાઇ દે છે. તે લક્ષ્મીની જ કસરથી કે નહીં ?

ભીમ૦: હા, ઠાકોર આપણાં ઠકરાળાંને કેવળ પીતળનાં ઘરેણાં કરાવીને ઉપર સોનાનો ગલેફ લગાવવો પડે છે તે પણ એટલા જ સારૂ.

રાજા: વળી લક્ષ્મી જ સારૂં દરજી તથા વણકર લુગડાં બનાવે છે, અને ખેડુત ખેડ કરે છે. સુતાર, મોચી, ઘાંચી, સૌ પોત પોતાનો ધંધો કરે છે; અને માતાજી તમારી જ સહાયતા ન હોય તો સૌ લોકો નાગા ભુખ્યા રહે.

ભીમ૦: એ વાત ખરી છે; તારા સારૂં જ ચોર વાટ પાડે છે ખાતર પાડે છે. અને કેટલા એક વ્યાજ ખોર લોકો બમણું વ્યાજ ખાય છે, ગાંમડાં ઉપર રૂપીઆ ધીરીને રાજાઓને ભીખ માગતા કરે છે, સોલ પંચાં બ્યાંશી અને બે છુટના એટલે એશી રૂપીયા ખાતે માંડે છે.

લક્ષ્મી: મને બીચારીને આટલી ખબર નોહોતી કે, મારૂં આટલું સામર્થ્ય છે. ​ ભીમ૦: આ ગાયકવાડ શિવાજી મહારાજનો દીકરો પંડિતોનું દરિદ્ર કાપવાના અભિમાનમાં ચાલે છે; એ તારૂં જ કામ છે તો.

રાજા: માતાજી તમારી જ પ્રસન્નતાથી સરકાર ફોજ રાખી શકે છે.

ભીમ૦: આ કારભારી લોકો સરકારને ડંડ ભરવાની કાંઈ ફિકર રાખતા નથી, એ પણ તારૂં જ કામ છે.

લક્ષ્મી: એમ હશે ?

ભીમ૦: વળી અમદાવાદમાં ઇંન્ન્જનેર સાહેબે ઘડિયાળ સારૂં મોટો બુરજો બનાવ્યો તે તારી જ મદદથી.

રાજા: તે તારા ઊપર પડે તો ઠીક.

ભીમ૦: આ સરકારમાં પૈસાવાળા કજીઓ જીતે છે, અને ગરીબ લોકો માર્‍યા જાય છે; તે પણ તારૂં જ કામ છે, અને આ પાળીતાણા ઉપર પારસનાથનાં મોટાં દેરાં બંધાયાં છે તે તારી જ સહાયતાથી, નહીં તો પારસનાથને પેહેરવા લુગડાં પણ ક્યાં મળે છે ?

લક્ષ્મી: એ કાંઈ હોય કે, હું એકલી જ એટલાં કામ કરી શકું ?

રાજા: હોવે. એમ જ છે, અને વળી તમારાં કામ તો એથી પણ મોટાં છે, જુઓ જગતમાં લક્ષ્મીથી તૃપ્ત કોઈ થતું નથી, બીજી સર્વે વસ્તુથી થાય છે. જુવો મિત્રપણાથી ધરાઈ જાય છે.

ભીમ૦: રોટલાથી.

રાજા: કવિતાથી.

ભીમ૦: ગાંઠિયાથી.

રાજા: ટેકથી.

ભીમ૦: દાળીઆથી.

રાજા: પુન્યથી.

ભીમ૦: ડુંગળીથી.

રાજા: મોટપણાથી.

ભીમ૦: દુધપાકથી.

રાજા: શુરવીરપણાથી.

ભીમ૦: તાંદલજાની ભાજીથી.

રાજા: માતાજી તમારાથી કોઈ આજ સુધી તૃપ્ત થયો નથી. દશ મળે તો વીશને ચહાય છે અને વીશ મળે તો ચાળીશને ઇચ્છે છે. અને ન મળે તો મરવા તૈયાર થાય છે.

લક્ષ્મી: ઠીક ભાઈ તમે મને સારી શિખામણ આપો છો પણ મારા મનમાં એક ​વાતની બીક રહે છે.

રાજા: તે શી બીક મને કહો.

લક્ષ્મી: મારી આંખ્યો હવે સારી થાય એવો મને વિશ્વાસ આવતો નથી.

રાજા: અરે રામ રામ આ શું બોલો છો ? લોકો મને કેતાજ હતા કે લક્ષ્મી મોટી કાયર છે.

લક્ષ્મી: ના ના એમ તો કાંઈ નથી પણ એક ચોર મારા ઘરમાં ખાતર પાડીને પેઠો હતો પણ મેં ઠાઊંકું મેલ્યું હતું તેથી એના હાથમાં કાંઈ આવ્યું નહીં માટે તેણે મારા ઊપર એવું તુત નાંખ્યું છે.

રાજા: તમે કાંઈ ચિંતા રાખશો નહીં, તમારી આંખ્યો હું દીવા જેવી કરાવીશ.

લક્ષ્મી: તમે માણસ છો ને એવું કામ શી રીતે કરી સકશો ?

રાજા: અમારા ઉપર મહાદેવજી પ્રસન્ન છે તેથી આશા છે કે જરૂર આંખ્યો સારી કરીશું.

ભીમ૦: નહીં તો પેલા નથુડા હજામ પાસે લેઈ જઈને ખોતરાવીશું એટલે આંખ્યો સારી થશે કોડા જેવી.

લક્ષ્મી: મહાદેવે તમને એ વાતનો કાંઈ અભિપ્રાય આપ્યો છે ?

ભીમડો: અરે માંહી મરચાં ભરશું, એટલે તરત સારી થશે.

રાજા: તમારે તેનું શું કામ છે, તમારે આંખ્યોનું કામ છે કે બીજું કાંઈ ?

લક્ષ્મી: સાંભળો ત્યારે.

રાજા: અરે માજી તમારે એ વાતની કાંઈ ચિંતા રાખવી નહીં એ કામ કરવું અમારા માથાસાટે છે.

ભીમડો: કહેશો તો હું પણ એ કામમાં કાંઈ કરવા લાગીશ. અને આંખ્યો કરાવીશું રૂપાળી ઘુડના જેવી.

રાજા: વળી જગતમાં અન્યાયની કમાણી ન કરનારા દરિદ્રી થયા છે તે લોકો પણ સૌ સહાય કરશે.

લક્ષ્મી: એ બિચારા શી સહાય કરશે ?

રાજા: તે લોકોને ધન મળશે, એટલે ગરીબે છે, તે તુરત મોટા થશે, અરે ભીમડા તું ઊતાવળો જા.

ભીમડો: શું કરવા સારૂં ?

રાજા: દાજીભાઈ મુખીને બોલાવ એને પણ હમણાં દીકરો પરણાવા સારૂ ઘર ફુલચંદશેઠને ઘેર ડુલ થાય છે માટે તેને પણ દયાળુ માતાજી ભાગ આપશે.

ભીમડો: હું જાઊં છું ત્યારે તમે અને એ ડોશી મારો આ રોટલો ઝાલી રાખજો.

રાજા: સારૂં જા. પણ દોડતો જજે (પછી ભીમડો ગયો.) ​રાજા: માતાજી તમો ભલાં થઈને આપણા ઘરમાં પધારો, આજ આ ઘરમાં ગમે તેમ કરીને પણ ધન મેળવવું છે.

લક્ષ્મી: હે દૈવ મારા કરમનો કાંઈ પાર આવ્યો નહીં, મારે પારકા ઘરમાં જઈને રેહેવું પડે છે, વળી કોઈ લોભિયાને ઘેર જાઊં છું ત્યારે મને પ્રથ્વીમાં ખોદી ઘાલે છે; ને તેને ઘેર કોઈ સજ્જન લોક માગવા આવે તો કેહેશે કે અમે તો કોઈ દહાડે લક્ષ્મી નજરે દેખતા નથી, અને હું કોઈ દેવાળિયાને ઘેર જઊં છું તો મને કશબણને ઘેર સુંપે છે અથવા જુગટું રમવામાં નાંખી દે છે.

રાજા: પણ માતાજી તમે અમ જેવા લોકોને ઘેર આજ સુધી ગયાં નથી, અમે તમને કશબણને ઘેર આપનાર નહીં પ્રથ્વીમાં ડાટનાર નહીં, અમે તો સારે માર્ગે વાવરનારા, હમણાં ચાલો અમારા ઠકરાલાંને તથા કુંવરજીને તમે મળો, પ્રથમ અમારાં વાલેશરી તમે છો, અને પછી તે છે.

લક્ષ્મી: તે હશે.

રાજા: હશે નહીતો અહિ જુઠું બોલવામાં શો લાભ છે.

લક્ષ્મી: હું જાણું છું કે, લાભ વિના તમે જરૂર જુઠું નહીં બોલો.

સ્વાંગ ૧ લો. સંપુર્ણ.




દાજી૦: અલ્યા, મસ્તાઈમાં બોલે છે, પણ મને સરકારે મુખીપણાનો લેખ આલ્યો છે. હું તને શિક્ષા કરીશ.

ભીમ૦: તમને નરકમાં જવાનો લેખ મળ્યો હશે, અને તમને જમના દૂત તેડવા આવ્યા હતા, પણ તમે કેમ જતા નથી ?

દાજી૦: જા, જા, ગધેડીના લુચ્ચા મારૂં કામ મુકીને હું આટલે સુધી આવ્યો પણ હજી તું બોલતો નથી કે ત્યાં મારૂં શું પ્રયોજન છે. અને અહિયાં મારો કોશ કોણ ચલાવશે ?

ભીમ૦: કાકા હવે હું કપટ મુકીને કહું છું, કે મારા ઠાકોરને લક્ષમીજી મળ્યાં છે, તે તમને પણ રૂપિયા આપશે.

દાજી૦: હેં શું બોલે છે, તે રૂપિયા આપશે ?

ભીમ૦: હા, રૂપિયા આપીને રાવણના જેવા શ્રિમંત કરશે, પણ રાક્ષ સના જેવું કાળું મોઢું કરવું પડશે.

દાજી૦: અરે ભાઈ ન્યાલ થયાને તારી વાત સાચી હશે તો હું આનંદથી નાચીશ.

ભીમ૦: હું મહાદેવજીની રીતે નૃત્ય કરૂં તમે ભૂતની પેઠે મારી પછવાડે નાચતા આવો.

દાજી૦: અરે ઊભો રહેને માધેવ હમણાં તારી જટા બટા ચુંથી નાંખીશ.

ભીમ૦: હું હનુમાનજીની પેઠે કુદીને હમણાં મારા ઠાકોર પાસે જઈશ.

દાજી૦: હું તારૂં પુંછડું પકડીને ઊડીશ.

ભીમ૦: અરે મારૂં પુંછડું પકડશોમાં ચાલો હું એક કામ કરી લેઉં, આ અમારા ઠાકોરનો રોટલો છે, તે ખાઈ લેઉ એટલે પછી તાજો થઈને આવું.

દાજી૦: મેર મુવા ધણીનો રોટલો ચોરી ખવાય ?

ભીમ૦: એમાં શું રોટલો ઠાકોરનો છે, અને હું પણ ઠાકોરનો છું. એ તો જેમ ધણીના ઘરમાં ધણીનું નાણું મેલિયે એવું છે.

સ્વાંગ બીજો સંપુર્ણ



સ્વાંગ ૩ જો

રાજા: આવો, દાજીભાઈ તમને રામ રામ કરવાને સાટે હું તમારે પગે લાગુ છું. જે તમે આળસ છોડીને મારી સહાયતા કરવા આવ્યા, હવે તમારે એટલું કરવું કે, આપણે કાંઈ કામ છે તેનો વિચાર કરવો ને આ દેવીની રક્ષા મેહેનત લેઈને કરવી.

દાજી: ભાઈ આ કામમાં હું બુઢાપણ મુકીને મહાભારતમાં ભીમના જેટલી મેહેનત



​કરીશ, જુઓને એક પૈસાનું ઘી લેવા જઈએ છિયે ત્યાં કેટલી માથાકુટ કરિયેછિયે ત્યારે સાક્ષાત લક્ષ્મી હાથમાં આવી તે હવે કેમ છોડીશું. 

રાજા: અરે અરે પેલો ઊતાવળો ઊતાવળો ચાલ્યો કોણ આવે છે, ભાઈચંદ વકીલ જેવો ?

દાજી: એ તો એ જ હશે એને કાંઈ ખબર પડી હશે નહી તો કાંઈ આવો ઊતાવળો ચાલે નહી.

ભાઈ૦: ઠાકોર તમે કારમાક દોલતવાળા શી રીતે થયા, હું તો એ વાત કાંઈ માનતો નથી, પણ ચઊટામાં એ વાતનું ગપ બહુ ચાલે છે. વળી સંભળાય છે કે, તમે તમારા મિત્રને ભાગ આપવા સારૂ બોલાવ્યો છે, પણ તેથી એ વાત હું મુદ્દલ માંનતો નથી. જગતમાં કોઈને ધન જડે તે બીજા કોઈને બોલાવીને ભાગ આપે નહી.

રાજા: ભાઈચંદભાઈ તમારૂં નામ જ ભાઈચંદ તેના અજવાળામાં કાંઈ છાની વાત રહે નહી વાસ્તે કહું છું જે ગઈકાલથી અમારા ઊપર પરમેશ્વરે કાંઈ દયા કરી છે ખરી.

ભાઈ૦: પણ તમે મોટા આશામી થઈ બેઠા એ ગપ સાચી છે ?

રાજા: ભાઈ આશામી તો શું દૈવ કરે તો થાય પણ હજી દોલતવાળા તો થઈયે ત્યારે જાણિયે જે થયા.

ભાઈ૦: થઈયે ત્યારે થયા એમ કેમ ?

રાજા: ભાઈ થઈયે ત્યારે જ થયા કહેવાય તો, હજી કાંઈ અમારા હાથમાં આવી ગયું.

ભાઈ૦: પણ મને કહો તો ખરા.

રાજા: કહું છું; જો એ કામ થાય તો ઘણું સારૂ નહી તો ફજેતી થાય; ને શહેરમાં મોઢું શું દેખાડિયે.

ભાઈ૦: ત્યારે એ કામ કાંઈ ઠીક નહીં હોય, જે પેહેલા આશામી થતાં જ તમે બીઓછો ? જુવોને આ સોની લોકો ચોરી ચોરીને પૈસા ભેળા કરે છે, પણ કાંઈ આશામી થવામાં શરમાતા નથી; પણ તમે કાંઈ સરકારનો ગુનો કર્યો હશે.

રાજા: શું કોહો છો ! વળી ગુનો શેનો ?

ભાઈ૦: શેનો તે શું, કોઈના ઘરમાં ખાતર પાડી આવ્યા હશો, તે હવે પસ્તાવો થતો હશે.

રાજા: પ્રભુ પ્રભુ ભજ, અમે એવું કામ કરિયે નહી.

ભાઈ૦: હવે નામુકર શીદ જાઓ છો આખા શેહેરમાં બુમ ચાલે છે જે; ​ રાજા: અમારા ઉપર એવો ભરમ શીદ રાખો છો, કોઈ દહાડે રજપુત લોક એવું કામ કરે ?

ભાઈ૦: રજપુત તો શું પણ અમે વકીલ લોક તો સૌની વાતો જાણીએ, આપણું શેહેર બધું પૈસાનું ગુલામ છે. પાંચશેર મગદળ વાસ્તે જુઠા સમ ખાઈને ગીતા ઉપાડે છે તેનો ધણી કોઈનો માલ હાથમાં આવે તો છોડે ? 

રાજા: અરે રામ રામ તારો જીવ ફર્‍યો છે કે શું ? 

ભાઈ૦: વાહ ! કેવા લોકો આ શેહેરમાં રહે છે, પહેલી ચોરી કરીને પછી વળી પસ્તાવો શો કરવો.

રાજા: અરે કાંઈ ભાંગ્ય પીધી છે કે શું ? એવું બોલે છે.

ભાઈ૦: વારૂ ઠીક છે, આ રીતે તમે એક બે વાર કોઈના ઘરમાં ઘા દઈ આવશો એટલે પછી પસ્તાવો નહી થાય ! હજી તમે કાચા છો તેથી પસ્તાઓ છો.

રાજા: અરે બકવા શી કરે છે; તું જાણે છે કે, આ ચોરી કરી આવ્યા છે, તે મને માંહેથી ભાગ આપે.

ભાઈ૦: ભાગ તો આપવો જ પડશે તો.

રાજા: ના, ના, એમ તો નથી, બીજી વાત છે.

ભાઈ૦: શું કર્‍યું છે ? કોઈનો દગો કરીને ધન લાવ્યા છો ?

રાજા: અરે તને ભૂત વળગ્યું છે કે શું ?

ભાઈ૦: ત્યારે મને કહો તો ખરા, તમે કેની મિલ્કત લાવ્યા છો ?

રાજા: મેર મૂરખા મિલ્કત કોની લાવે.

ભાઈ૦: હે ગણપતી, આ રજપુત વકીલનું કામ પોતે જ લેશે કે શું ? ને સાચું તો બોલતા જ નથી, પંડે રાજા એવાં કામ કરશે ત્યારે વાણિયાનાં છોકરાં શું હજામત કરશે ?

રાજા: ભાઈ અમે હજી કોઈ દહાડો અદાલતમાં આવ્યા નથી જે જુઠું બોલતાં આવડે.

ભાઈ૦: અરે એમાં શીદ બીહો છો, છોને શેહેરમાં બુમ ચાલી પણ કરભીરી લોકોને થોડીક ભુરશી દક્ષણા આપીશું એટલે કાંઈ ફીકર નથી.

રાજા: ભાઈ તમે અમારા સારા મિત્ર દેખાઓ છો, જાણિયેછિયે કે ત્રણ આપીને બાર અમારી પાસેથી લેશો.

ભાઈ૦: ઠીક છે, જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે. પણ અમે જાણિયેછિયે કે, અમારા મિત્રને બાઇડી છોકરાં સહિત અદાલતના પાંજરામાં ઉભું રહેવું પડશે, તે વખત ફતુ જમાદારના જેવું થશે.

રાજા: જાને લુચ્ચા અમને કાંઈ થનાર નથી અને એવું થશે કે આજથી હવે સારા ​ધર્મવાળા લોકોને જ ઘેર ધન અપાવીશું.

ભાઈ૦: તમે સૌને ધનવાળા કરશો. ત્યારે તમને ઘણું ધન ચોરીનું મળ્યું હશે ?

રાજા: તારૂં મોત આવ્યું છે હો.

ભાઈ૦: મારૂં તો કાંઈ આવ્યું નથી, પણ ઠાકોર તમારૂં તો આવી બન્યું છે.

રાજા: મૂર્ખા અમને તો કાંઈ થનાર નથી. અમારે ઘેર તો આપોઆપ લક્ષમીજી પધારયાં છે.

ભાઈ૦: હે, લક્ષ્મી. તે લક્ષ્મી કેવી ?

રાજા: સાક્ષાત માતાજી.

ભાઈ૦: ક્યાં છે ?

રાજા: અહીં.

ભાઈ૦: ક્યાં ?

રાજા: ઘરમાં.

ભાઈ૦: તમારા ?

રાજા: હા.

ભાઈ૦: જાઓ જાઓ મશ્કરી કરો છો, લક્ષ્મી તમારા ઘરમાં ?

રાજા: હા રામદુહાઈ.

ભાઈ૦: સાચું કહો છો ?

રાજા: સાચું જ કહું છું.

ભાઈ૦: મારા સમખાઓ.

રાજા: તારા સમ.

ભાઈ૦: ભાઈના સમ ખાઓ.

રાજા: ભાઈ કીયો ?

ભાઈ૦: જે હોય તે.

રાજા: ત્યારે ભાઈના સમ.

ભાઈ૦: ત્યારે ઠીક, પણ મહારા જેવા તમારા મિત્રને લક્ષ્મી દેખાડશો ?

રાજા: હાજી દેખાડવા જેવું તૈયાર કામ થયું નથી.

ભાઈ૦: કેમ કોઈને દેખાડશો નહી ?

રાજા: અરે રામ હવડાં તો નહી.

ભાઈ૦: શું છે ?

રાજા: આંખ્યો સારી કરાવવી છે.

ભાઈ૦: કેંની ?

રાજા: એ લક્ષ્મીની. ​ ભાઈ૦: આંધળી છે ?

રાજા: હા.

ભાઈ૦: ત્યારે કોઈક વૈદને બોલાવીએ.

રાજા: ક્યાંથી વૈદ લાવીએ. શેહેરમાં વૈદનો વંશ ગયો છે, કોઈને પોતાની વિદ્યા પૈશા વિના ભણાવી નહી તેથી.

ભાઈ૦: લ્યો. હું તપાસ કરૂં એ દાજીભાઈ, દાજીભાઈ.

દાજી: અલ્યા હાજી ભાઈ કેને કહે છે શું મુસલમાન દીઠા.

ભાઈ૦: અરે આપણા શેહેરમાં કોઈ વૈદ છે ?

દાજી: હશે પણ મેં તો સાંભળ્યો નથી.

ભાઈ૦: વૈદ વિના આ માંદા લોકોને કોણ મારી નાંખતું હશે ?

દાજી: અરે આ શેહેરમાં નથુડો હજામ બરાબર વઈદું જાણે છે. તે તેની નાડ ઝાલે છે તે તુરત દુધેશ્વર પહોંચે છે.

રાજા: હું જાંણું છું કે ધનવંતરીના દેવળમાં એને લેઈ જઈને શુવારીએ.

ભાઈ૦: ઠીક છે કાંઈ વિલંબ કરવી નહી. એ જ કરવું.

રાજા: ચાલો ત્યારે.

ઝાંપડો૦: અરે લુચ્ચાઓ શો અન્યાય, અધર્મ, ન કરવાનું કામ કરો છો ઉભા રહો, ઉભા રહો જશો નહી, ક્યાં જાઓ છો ?

ભાઈ૦: અરે પારશનાથ, વળી આ કોણ આવે છે ?

ઝાંપડો: અરે દુષ્ટ તમારૂં મોત ભુંડે હાલે હું કરાવીશ, તમે જે કામનો વિચાર કરો છો, એવું પરમેશ્વર પણ આજ સુધી કરી શક્યો નથી તો તમોથી શું થશે, એ ઇંન્દ્ર નહીં સાંખે અને કોઈ માણસ પણ નહીં સાંખે તમારૂં જરૂર મોત આવ્યું છે.

રાજા: એ તો બધુંય ઠીક છે, પણ તું કોણ છું જે ઉતાવળો ઉતાવળો બોલે છે, પણ પાસે લુગડું તો પેરવા નથી જણાતું.

ભાઈ૦: અરે ઝાંપડો હશે.

રાજા: એને પકડી લ્યો.

ઝાંપડો: પકડી શું લેશો, તમે મને ઓળખો છો ?

રાજા: તું કોઈ નીચ વરણ છું નહીં તો અમારા સામો બકવા કરત નહીં.

ઝાંપડો: બોલુ નહીં કેમ ? તમે મને દુનિયાં ત્યાગ કાઢવા ને મંડ્યા છો ને.

રાજા: ત્યારે તારે સારૂ નરકમાં જગા છે કે નહીં. તું બોલ તો ખરો તું છે કોણ ?

ઝાંપડો: હું એવો છું કે જે મને જગતમાંથી કાઢવા ચહાય તેને શિક્ષા કરૂં.

ભાઈ૦: અરે એ તો એ જ હશે તો જે તુરંગમાં ફાંશી દેવાનું કામ કરે છે. ​ ઝાંપડો: ઠાકોર હું દરિદ્ર છું ને તમારા ઘરમાં સદાય રહું છું.

ભાઈ૦: હાય હાય, હવે ક્યાં નાશી જઈશું ?

રાજા: અરે જનાવર ઉભો રહે તો ખરો.

ભાઈ૦: આપણાથી તો ઉભું નહીં રહેવાય.

રાજા: ભુંડા હવે નાશી જવાય ?

ભાઈ૦: એ લઢવાનું કામ અમારૂં વાણીઆનું નહીં એ તો રજપૂતોનું અને આ તો સૌનું ધન ખાનાર છે, પણ એની પાસેથી કોઈને કોડી એક પણ મળે નહીં.

રાજા: એ તો ઠીક પણ આપણે નાશીને સાક્ષાત લક્ષ્મી એના હાથમાં સોંપીશું ઉભો રહે એ સાથે લઢશું.

ભાઈ૦: પણ સાથી લઢશું ? સૌનાં હથિયાર તો એ દરિદ્ર ઘરેણે મુકાવે છે.

રાજા: ભાઈ હીંમત રાખો, હું જાણું છું કે, આ લક્ષ્મી જ એને જીતીને જશનો ડંકો બજાવશે.

દરિદ્ર: અરે, ગુલામો શું મોઢું લઈને બોલો છો, દુષ્ટ કામના કરનારાઓ.

રાજા: અરે ચંડાળ તું અમારી સાથે લઢીશ તો, માર્‍યો જઈશ, તું તારે માર્ગે ચાલ્યો જા, અમે તારૂં કાંઈ બિગાડિયે છીએ.

દરિદ્ર: શું બોલો છો ! એ લક્ષ્મીની આંખ્યો સારી કરો છો ? એ જ મારૂં કામ બિગાડ્યું નહીં કે શું !

રાજા: સર્વ સારા લોકોનો ઉપકાર કરીએ છીએ તેમાં તારૂં શું બિગડે છે ?

દરિદ્ર: શો ઉપકાર કરો છો ?

રાજા: પહેલો તો એ જે તને જગતમાંથી કાઢવો.

દરિદ્ર: મને કાઢી મુકશો ત્યારે એથી જગતમાં બીજી મોતી હાંણ શી છે ?

રાજા: જગતમાં એ જ મોતી હાંણ છે કે, તને રાખવો.

દરિદ્ર: અરે પણ તે બાબત મારે વાદ કરવો છે, જ્યારે હું નકી કરી આપું કે, મારાથી તમારૂં સારૂં થાય છે તો ઠીક, નહીં તો પછી તમારી મરજી પરમાને કરજો.

રાજા: અરે ચંડાળ એવી ઉલટી વાત હોય ?

દરિદ્ર: સાંભળો એ વાત કોઈ કઠણ નથી, હું નક્કી કરી આપીશ કે, સારા માણસોને રૂપીઆ આપવા એ ખોટું કામ છે.

રાજા: તને અવળે મોડે ગધેડા ઉપર બેસારવો પડશે, અને જેમ ફાંશીએ દેવા લેઈ જાય છે, આગળ ભુંગળ વાગતે વળી જુડીશિયાલને લાવતાં આગલ ભુંગળું બજાવે છે, તેમજ તારો વરઘોડો કરવો પડશે.

દરિદ્ર: અમારી વાત સાંભળ્યા વિના રીસ શા માટે કરો છો ? ​ રાજા: તારા જેવી વાત કોણ સાંખી શકે ? 

દરિદ્ર: જેનો જીવ ફર્‍યો નહીં હોય તે.

રાજા: તું જુઠો પડે તો શેની હોડ વદે છે ?

દરિદ્ર: તમે કહો એટલી હોડ વદું. 

રાજા: વારૂં ઠીક છે.

દરિદ્ર: વળી તમે હારશો તો તમારે પણ એવું જ ભોગવવું પડશે.

રાજા: અરે ભાઈચંદ હારે તેને વીશવાર મરવું ઠરાવશું.

ભાઈ૦: એને તો વીશ વાર મરવું તે ઠીક છે પણ ઠાકોર આપણ બંને જણ વચે બે વાર મરવું તે જ ઘણું છે.

દાજી: ઠાકોર આ સમે તમારૂં પરાક્રમ દેખાડવું પડશે, કેમકે હું તો તમારા બોલાવવાથી આવ્યો છું.

રાજા: હું જાણું છું કે એમ તો સૌ જાણતા હશે જે સારા લોકો દેવાદાર મટે, ભ્રષ્ટ લોકો હેરાન થાય ત્યારે ઠીક, માટે તેનો વિચાર કરીને અમે એક ઉપાય શોધી કહાડ્યો છે તે એવો છે કે તે કર્યાથી મોટો લાભ થાય તથા આબરૂ વધે તે એવી રીતે કે હાલ લક્ષ્મી આંધળી છે તેથી હેવાનની રીતે જ્યાં ત્યાં ફરતી હીંડે છે, પણ તે દેખતી થાય ત્યારે અમો જેવા તેવાની સોબત નહીં કરે સારા લોકની સોબતમાં જ રહેશે, વળી તેથી પછી લોકો પણ સૌ સારા થશે. લક્ષ્મીની આશાથી પરમેશ્વરની મરજાદામાં પણ રહેશે હવે. એથી જગતનો ઉપકાર થવાનો બીજો સારો વિચાર કિયો છે ! તે કહો. 

ભાઈ૦: નથી. હું કહું છું પણ તેને શું કરવા પુછો છો ?

દરિદ્ર: અરે મૂર્ખ પાજી માણસો એવો ઊંધો વિચાર શો કરો છો તેમાં તમારૂં કાંઈ સારૂં થવાનું નથી જુઓ જ્યારે સૌને ઘેર લક્ષ્મી સરખી રહેશે ત્યારે પછી વિદ્યા કોણ ભણશે પોત પોતાનો કીસબ કોણ કરશે અને એમ થશે ત્યારે લુવારનાં કામ, દરજી, મોચી, કુંભાર, ચમાર તેઓનાં કામ કોણ કરશે, ખેતરમાં હળ હાંકવા કોણ જશે અને પછી અનાજ વિના આપણા હિંદુલોકો સર્વે શું ખાશે ?

રાજા: અરે તું કાંઈ સમજતો નથી. એ કામ સર્વે અમારા ચાકર લોકો કરશે.

દરિદ્ર: પણ ચાકર ક્યાંથી મળશે ?

રાજા: પૈશાથી ઘણાય મલશે.

દરિદ્ર: પૈશા વડે રહેનાર કોન મળશે પૈશાવાળા સૌ હશે ત્યારે ?

રાજા: પરદેશથી સિંધી લોકો વેચાતા મંગાવીશું તે કામ કરશે.

દરિદ્ર: તે પરદેશમાં મોત આગમીને લેવા સારૂં કોણ જશે ? પણ બીજું કાંઈ ​નહીં હું જાણું છું કે કશુંબા પાણી છોડી મુકીને તમારે પંડેજ હળ ચલાવવું પડશે અને એ સઘળા કીસબ કરવા પડશે, ને આથી પણ તમારી અવસ્થા નરશી થશે.

રાજા: તારા મોઢામાં ધૂળ.

દરિદ્ર: પછી તમને ઢોલીઓ સુવા મલશે નહીં કેમ જે તેનો બનાવનાર નહીં મળે અને તળાઈ પણ નહીં મળે સુતર કરવા સારૂં રેંટીઆ પણ કોણ ફેરવશે અને કુંવરીજીને પરણાવશો ત્યારે ચુડો પાનેતર ક્યાંથી મલશે અને એવું થશે ત્યારે રૂપીઆજ કેવળ પેહેરશો, ઓઢશો કે રૂપીઆના ફાકડા ભરશો ? માટે હું જ સર્વ લોકોને સુખ ઉપજાવું છું કેમ જે જેને ઘેર હું જાઉં છું તે લોક ભુખને મારે પોતાનો કીસબ બનાવે છે.

રાજા: તારાથી શું સારૂં થાય છે ? શરીરે અજીરણ થાય છે. અને ઘણાં છોકરાં ભુખે મરતાં રડે છે, અને ડોશીઓ મલીન થઈને બેશી રહે છે, અને જુઓ ચાંચડ પેદા થાય છે અને મચ્છર તો એટલા થાય છે કે, સોરબકોર કરી રહે છે, અને કહે છે કે તું ભુખ્યો હતો પણ ઊઠ ઊંઘીશમાં વળી તારા દુખથી ફાટલકંથા ઓઢવી પડે છે, અને ગોદડીમાં માંકડ તો એટલા થાય છે કે, ચાય તેટલો કશુંબો પીધો હોય, તોય પણ તે ઉપર ઊંઘ આવે નહીં, અને ઓશીકાને ઠેકાણે પથરો મેલવો પડે છે, અને ઓઢવાને ફાટલ કાંબળી મળે છે, અને ઘીને સાટે તેલ ખાવું પડે છે, ચોખા સાટે જવાર ખાવી પડે છે, અને ઘોડીઆ વિના ઝોળી બાંધવી પડે છે, તપેલા સાટે હાંડલી તે પણ ફુટેલી મળે છે, કળશીઆ સાટે તુંબડું, થાળી, વાટકા સાટે સાનક, રામપાત્રમાં ખાવું પડે છે, તે પણ ફુટેલ હોય છે, નળીઆ સાટે ઘર ઉપર છાજ નાંખવું પડે.

દરિદ્ર: ભાઈસાહેબ એ અમારી અવસ્થા નહીં એતો સર્વે કાળ વર્ષના મઉઓની અવસ્થા તમે કહી.

રાજા: પણ લોકમાં કહેવાય છે કે નહીં જે મઉનો ભાઈ દરિદ્ર.

દરિદ્ર: અરે લોક તો કહે છે કે "પંડ્યો, પાડો ને કુતરો એ ત્રણે એક જાત" પણ એ વાત કાંઈ સાચી છે, અને અમારી અવસ્થા એ નથી ને કોઈ સમે એવી થનાર પણ નથી ને હા મઉની અવસ્થા એવી છે, પણ ગરીબ લોકોને તો ઝાઝૂં ખાવા નથી મળતું તો થોડું જ પણ મહેનત મજુરી કરીને ગુજરાણ ચલાવે છે. એથી શી નરશી અવસ્થા છે ?

રાજા: અરે રામ એથી પછી શી નરશી અવસ્થા કહેવાય જે જીવે ત્યાં સુધી તો મજુરી કરી કરીને મરી જાય, અને મરે ત્યારે પારકે લાકડે બળે. ​ દરિદ્ર: એ તો તમે ઉપરથી મશ્કરીમાં બોલો છો, પણ મનમાં વિચાર કરી જુવો તો ખબર પડે કે, લક્ષ્મીના ચાકરોથી અમારા ચાકરો દિલમાં તથા શરીરમાં સારા રહે છે, જુવો તેમના ચાકરને પગે હાથે ખરજવાં થાય છે, શરીરે ઘાણીના થડ જેવા વધી જાય છે, તે બેસે ત્યાંથી ઉઠી શકતા પણ નથી અને અમારા ચાકરો શરીરે પાતળા અને કોઈ સાથે બાથો બાથ આવવાને પણ હુંશિયાર અને એક દિવસમાં વીશ ગાઉ જવું હોય તો પણ જઈ શકે.

રાજા: એમાં શું એ તો સૌ જાણે છે કે ખાવા પુરૂં મળે નહીં એટલે શરીરે પાતળા જ રહે તો.

દરિદ્ર: વળી જુઓ અમારી પાસે લાજ શરમ રહે છે. અને લક્ષ્મીને ઘેર મગરૂરપણું રહે છે.

રાજા: હા, એમ હશે. એમ જાણીએ છીએ કે, ચોરી કરવી, ખાતર પાડવું એ મોટી લાજની વાત હશે.

ભાઈ૦: અરે દૈવ હા. એ તો સાચું, ચોરીનું કામ ઘણું છાનું રાખવું પડે છે. માટે એ તો અદબની વાત છે.

દરિદ્ર: જુવોને એ કારભારી લોકો પણ પેહેલા ગરીબ હોય ત્યારે રૈયતને પણ નમ્રતાથી બોલાવે, અને સરકારનું કામ પણ બરાબર ચલાવે, અને જ્યારે તેના પાસે ભુરશી દક્ષણાની પુંજી જામી એટલે પછી રૈયતને પણ હેરાન કરે અને સરકારનું કામ પણ બગાડે છે.

રાજા: અરે એવું બોલીશ તો આ ભાઈચંદ ભાઈ પાસે જ ઉભા છે, તે તને સરકારમાં કેદી ઠરાવશે. સાચું બોલનાર છું, તો પણ અમે તને શિક્ષા કરયા વિના તો આજ છોડનાર નથી. બીજો ગુનો નહીં હોય તો, આ દોલતથી દરિદ્રની બડાઈ કહી દેખાડે છે તે જ કારણથી.

દરિદ્ર: અરે તમે ન્યાયની વાતે તો મારાથી જીત્યા નહીં, એટલે હવે આડું બોલો છો ?

રાજા: એટલા જ સારૂં કે હું સર્વેનું સારૂં ચાહું છું પણ જેમ બાપ સાથે દીકરો વૈર બાંધે છે, બાપ સારૂ ચહાય છે. તોપણ આજના લોકો હેતુ શત્રુની વિગતી સમજતા જ નથી અજ્ઞાનથી.

રાજા: ત્યારે ઇંન્દ્રને પણ હેતુ શત્રુની વિગતી નહીં હોય ? જે સદાય લક્ષ્મીને પોતાને ઘેર રાખે છે ?

ભાઈ૦: અને દરિદ્રને આપણા જુના નગરશેઠને ઘેર મોકલે છે.

દરિદ્ર: અરે તમો બંને મુર્ખા છો. કાંઈ અંતરદૃષ્ટિથી તપાસી શકતા નથી. જુવો ઇંન્દ્ર તો જગતમાં સર્વેથી ગરીબ છે; એ વાત હું પ્રમાણ કરી આપીશ. ​જુવો ઇંન્દ્ર ગરીબ ન હોય તો, દધીચી રૂષિના હાડકાં માગવા સારૂં જાય અને વળી જ્યારે જગત ઉપર ઇંન્દ્ર ઘણી મેહેરબાની કરે છે, ત્યારે ઉપરથી ફક્ત પાણીનો વર્ષાદ કરે છે પણ સોના રૂપાનો કેમ વર્ષાદ કરતો નથી ?

ભાઈ૦: એથી જ ઇંન્દ્રનું કરમીપણું જણાઈ આવે છે, જે જગતમાં પૈસાવાળા છે, તે ચહાયતેવા પ્રસન્ન થાય તો આપણ વગર વિચાર્‍યો જૈં ખરચવો માથા સાટે કરે છે.

દરિદ્ર: એમ હોય ત્યારે તો ગરીબથી પણ ઇંન્દ્રની આબરૂ ઓછી જે પૈસાવાળા થઈને એવડો લોભ રાખે છે.

રાજા: અરે લુચ્ચા તાર ઉપર તો ઇંન્દ્ર અગ્નિ વરશાવે ત્યારે ઠીક.

દરિદ્ર: વારૂ તમે હારીને જવાબ એટલો જ આપો છો કે ?

રાજા: ચાલો ત્યારે આપણે આ ખેત્રપાલ દેવને પુછીએ જે પૈસાવાળા થવું તે સારૂં કે ભુખે મરવું તે સારૂં, કેમ જે એ પૈસાવાળા લોકો ખેત્રપાલ સારૂં ચકલામાં ઉતાર મુકે છે, તે મુકતાં પેહેલાં જ ભુખે મરતા લોકો ઝડપી જાય છે; માટે તુંતો વગર બોલ્યો જ રેહે તારી વાત હું માનનાર નથી.

દરિદ્ર: અરે કોઈ ચુંવાળના રહેનારા હોયતો આ રાજાની વાત સાંભલજો.

રાજા: અરે અમારા મિત્ર રાહુ તું આ દુષ્ટ માણસને મોઢે બેશ.

દરિદ્ર: અરે હું કેવો નીરભાગી છું મારૂં શું થશે હવે ?

રાજા: મોત, જાઓ.

દરિદ્ર: ક્યાં જાઊં.

રાજા: તોપને મોઢે અસુડર થાય છે.

દરિદ્ર: પણ ઠાકોર તમારે મારૂં કામ પડશે 

રાજા: પાછું કામ પડશે તો તેડું મોકલશું પણ હાલ તો હતો નોતો થા, એટલે ન્યાલ થઈએ (પછી દરિદ્ર ગયો.)

ભાઈ૦: હે દૈવ હવે તો એવી હુંશ છે કે, તુરત પૈસાવાળા થઈને બાઈડી, છોકરાંને ઘરેણાં ગાંઠાથી શણગારીને પછી ગરીબ લોકોની તથા કારીગર લોકોની મશ્કરી કરવી.

રાજા: અરે ભાઈચંદ એ પેલો દુષ્ટ ગયો પણ હવે તુરત આપણે એટલું કરવું જોઈએ કે, આ દેવીને ધનંતરવૈદના દેરામાં લેઈ જઈને બેસાડવી.

ભાઈ: હા, હવે વાર લગાડવી નહીં, વળી કોઈ દેખે તો કાંઈ હરકત થાય.

રાજા: અલ્યા ભીમડા તું એ દેવીનો હાથ ઝાલીને એના બેસવાના કામળા સોત અહિ લેઈ આવ.

ભીમ૦: અરે ઉઠ ડોશી તારો કામળો બેસવાનો લાવ્ય રાજાએ મગાવ્યો છે.

સ્વાંગ ત્રીજો સંપુર્ણ


સ્વાંગ ૪ થો


ભીમડો: અલી લવીંગા સાંભળ તો ખરી જે, સારા લોકોની દીવાળીને દહાડે પણ ઘેંસ ખાવી પડતી તેનો કેવો ચઢતો દહાડો થયો છે કે, હવેથી રોજ લાવશી ચુરમાં કરીને પેટ ભરીને ખાશે.

લવીંગા: શું કહો છો ! ભીમભાઈ ક્યાં થકી વધામણી આવી છે કે શું ?

ભીમ૦: આપણા ધણીને આ મોટો લાભ થયો નહીં નહીં લક્ષ્મીજી જે આંધળી હતી તેને ઓષડ કરવા સારું ધનવંતર વૈદને દેરે લેઈ ગયા છે.

લ૦: હો ! ત્યારે તો આજ વિવાથી રળિયામણું ઘીનાં આંધણ મુકવાં અને ગીત ગાવાં.

ભીમ૦: ત્યારે તમને ગીત આવડતાં હોય તો ગાઓ.

લ૦: વીરા વઇદ ધનંતર વીનવું, પ્રથ્વીમાં રે તારો મોટો પ્રકાશ.

રાણી૦: અરે છાની રેહે, શો પોકાર કરે છે કુવરજીને ક્યાંઇથી નાળિયેર આવ્યું છે કે શું હું ઘણા દહાડા થયે એ જ વાટ જોઉં છું.

ભીમ૦: રાણીજી કશુંબો ઘોળીને તઇયાર લાવો તમારે પણ પીવો પડશે કેમ જે તમને ઘણો ભાવે છે અને હું એક મોટી બરકતની ગાંઠડી બાંધીને લાવ્યો છું.

રાણીજી: તે ક્યાં છે ?

ભીમ૦: હું કહું છું ને.

રાણી૦: તુરત કહીને એ કામ કરવા લાગો.

ભીમ૦: એ સરવે વાત તમારા માથા ઉપર લાવીશ.

રાણી૦: અરે મુરખા મને ભાર લાગે નહીં.

ભીમ૦: આ બરકતનું ફળ થાય તે તમારા માથા ઉપર નહીં.

રાણી૦: ફળ થાય તે ખરૂં પણ હરકત બરકત નહીં.

ભીમ૦: જ્યારે હું દેવી પાસે ગયો ત્યારે તો તે મોટા દુઃખમાં હતી પણ હવે તો તાજી માજી થઈ છે. પેહેલો હું તેને સમુદ્ર પાસે લઈ ગયો અને સરવે તીરથનું ફળ અપાવ્યું.

રાણી૦: અરે ઘયડી ડોશીને સમુદ્રના તાઢા પાણીમાં બોળાવી તેનું ફળ તો તાઢ છે.

ભીમ૦: પછી અમે ધનવંતરને દેહેરે લઈ ગયા ત્યાં પુજારા બ્રાહ્મણો હતા તેણે દેવતામાં ખીરને ખાંડ બળાવ્યાં અને તે દેરામાં જેટલા જેટલા દેવો હતા તેની પૂજા કરાવી તે દેવો પાસે પૈસા ને સોપારિયો ને ખાવાની જણશો કેટલી એક મુકાવી ને પછી લક્ષ્મીને એક પાટ્ય ઉપર સુવારી અમે સર્વે પણ સુતા. ​ રાણી૦: તે દેરામાં તમે જ હતા કે બીજા લોકો દેવીની પૂજા કરવા આવ્યા હતા ?

ભીમ૦: ગૌતમને ઘેર ઇંન્દ્ર ગયો હતો, તે ગૌતમ સાથે લઢાઈ થઈ હશે, તેથી ઇંન્દ્રને શરીરે ઘણું વાગ્યું હતું, તે પણ ત્યાં ઓષડ કરાવા આવ્યો હતો, અને આપણા શેહેરનો કામદાર પણ હતો જે આંખ્યે આંધળો છે, પણ લોકની લાંચ ખાવામાં મોટો હુંશિયાર છે.

રાણી૦: પછી તમે શું કર્યું ?

ભીમ૦: પછી તો અમે સુતા પણ એક દેવ પાસે પુજારાઓએ સુખડી મુકાવી હતી, તે જોઈને મારૂં મન તો તેમાં જ હતું, તેથી ઊંઘ આવી નહીં, અને પછી પુજારાઓએ કહ્યું જે કાંઈ શબ્દ સાંભળો તો કાનમાં આંગળિયો ઘાલજો. નહીં તો બેહેરા થશો, એમ કહીને દીવા ઓલવી નાંખીને દેવોની પાસેથી ખાવાની જણશો લઈ લઈને પોતે ખાવા લાગ્યા એટલે મેં પણ જાણ્યું જે આ ખાવાથી મોટું ધરમ થતું હશે. પછી મારા પાસે દેવ હતો તેની પાસેથી એ પુજારો લેવા આવ્યો એટલામાં તુરત હું લેઈને ખાઈ ગયો.

રાણીજી: અરે મુરખા દેવનું ખાતાં તને કાંઈ બીક લાગતી નહોતી.

ભીમ૦: હા, બીક તો એટલી બહુ લાગતી હતી જે હું નહીં પોહોંચું તો એ બ્રાહ્મણ મારા પેહેલાં લઈને ખાઈ જશે. પહેલું ગોરેજ મુને એ કામ શીખવ્યું હતું અને મારા પગના સંચલ સાંભળીને એ પુજારો લેવા દોડ્યો. પણ જેમ બિલાડી ઊંદરને ઝડપ નાખીને પકડે એમ મેં તુરત લેઈ લીધું તે ખાઈ પેટ ટાઢું કરીને પછી હું નીરાંતે સુતો.

રાણી૦: પછી રાતમાં તે ધનવંતરી તમારી પાસે આવ્યા હતા ?

ભીમ૦: હા આવ્યા હતા, પણ હુંતો બીનો તે મોં ઉપર ઓઢીને સુઈ રહ્યો પછીતે વૈદદેવ સરવે માણસ પાસે પાસે ફરતો હતો, વળી તેની કેડે કેડે એક ચાકર હાથમાં ઓષડની ખરલ લઈને ચાલતો હતો.

રાણી૦: મૂરખા તેં મોં ઊપર ઓઢ્યું હતું અને શી રીતે દીઠું ?

ભીમ૦: મારૂ ઓઢવાનું લુઘડું ચાયણી જેવું હતું તેથી દીઠું તે વૈદદેવ પહેલો આપણા ગામના કારભારી પાસે જઈને તેની આંખ્ય ઊપર ડામ દીધો એટલે એતો ઊઠીને નાઠો ત્યારે દેવે કહ્યું જે ઊભો રહે, તને એવું ઓષડ આપું જે કચેરીમાં જવું જ બંધ થાય, એટલે ગરીબ લોકો બીચારાં રાજી થશે.

રાણી૦: વાહ ! વાહ ! ધનવંતરી ડાહ્યો ખરો એ કામ ઠીક કર્યું.

ભીમ૦: પછી લક્ષ્મી પાસે વૈદદેવ આવીને તેની આંખ્યો, માથું જોઈને સારે લુગડેથી આંખ્યો લુઈયો, પછી મોં ઊપર એક ચુંદડી ઓઢાડીને સરપના જેવો શબ્દ ​ બોલ્યો એટલે દેરામાંથી બે મોટા ભોરીંગ નાગ આવ્યા.

રાણી૦: અરે રામ રામ પછી ?

ભીમ૦: તે લક્ષ્મીના ઘુઘટામાં પેશીને આંખ્યો જીભે વતી ચાટીઓ એટલે તુરત તમે ડુંગળીના કાંદા શેર ૧ ઊભાં ઊભાં ચાવી જાઓ છો તેટલી જ વખતમાં લક્ષ્મી બેઠી થઈ, એટલે મેં તુરત ઠાકોરને જગાડ્યા, ને તાળિયો પાડીને નાચવા લાગ્યો, પછી વૈદદેવતો અગ્નીનો ભડકો થઈને જતો રહ્યો, અને સરપ દેરામાં અલોપ થઈ ગયા, પછી જેટલા લોકો ત્યાં હતા તે સરવે લક્ષ્મીને વળગી પડ્યા અને રાત આખી આનંદ વારતા કરી કોઈ ઊંઘ્યા નહીં ને હું તો બહુ જ રાજી થયો હતો. ધનવંતરી વૈદનાં વખાણ કરતો હતો જે લક્ષ્મીને દેખતી કરીને કારભારીને આંધળો કર્‍યો.

રાણી: ત્યારે આપણા દેશના રાજાની આંખ્યોનું ઓષડ એ ધનવંતરી પાસે કરાવે તો ઘણું સારૂં.

ભીમ૦: એ ક્યાં આંધળો છે ? એ તો આંખ્યે દેખે છે.

રાણી૦: દેખતો હોય તો આ કારભારી લોકો રૈયતને ધોળે દહાડે લુટી શકે. અહો ! એ ધનવંતરી કેવા સમરથ છે, અરે પણ લક્ષ્મી ક્યાં છે હવે ?

ભીમ૦: આવે છે તો ખરાં પણ બીચારા સારા લોકો દરિદ્ર થઈ ગયા હશે. તે સરવે ભેળાં થઈને કોઈ લક્ષ્મીને પગે લાગે છે, ને કોઈ હાથે લાગે છે, અને લુચ્ચા તાલેવંત લોકો લમણે હાથ દેઈને ઊદાસ થઈને બેઠા છે, જે આપણે અધર્મનો પૈસો એકઠો કર્યો છે, તે હવે રહેશે નહીં, એમ ધારે છે, અને કેટલાએક લોકો રાજી થઈને પગે ઘુઘરા બાંધીને નાચે છે, અને ઘયડા લોકોના પગના ધમકારા વાગતા હોત, માટે રાણીજી તમારે પણ આ ઠેકાણે રાજી થઈને નાચવું જોઈએ, હવે તમારે કોઈ દહાડે ઊચાટ કરવો નહીં પડે જે માટલીમાં લોટ થઈ રહેશે તો શું કરીશું ?

રાણીજી: અરે વીરા તારાં દુખડાં લેઊ તારા મોઢામાં સાકર.

ભીમ૦: ઠીક ત્યારે લાવો નહીં તો પછી બીજા લોકો તુરત આવશે.

રાણી૦: ઊભો રહે, હું ઘરમાં જઈને સાકર લાવું. હાલ લક્ષ્મીની આંખ્યો સારી કરાવી છે, માટે તેમાં ભરવી જોઈશું.

ભીમ૦: ચાલો ચાલો આપણે સામેયું લેઈને જઈએ. (એમ જતાં હતાં ત્યાં લક્ષ્મી ઠાકોર સર્વે આવ્યાં.)

લક્ષ્મી: અરે ભાઈયો, આ સુરજ દેવને તથા આ ગુજરાતના અધિપતિ શ્રી ડાકોરનાથને અને વળી તેના સારા ગુજરાત દેશને હું પગે લાગું છું. જેના ઉપકારથી મારી આંખ્યો સારી થઈ, અને અરે પ્રથમ હુંમાં મોટી ભુલ્યો ​આવી, કે દુષ્ટ લોકોની સોબતમાં રહી, અને સારાં લોકોથી છેટે રહી, એ અજ્ઞાનપણાથી થયું, પણ હવે એ ચાલ સર્વે ફેરવીને મારી સારી ચાલ તમને સઊને દેખાડીશ, હવે હું દુષ્ટ માણસના કામમાં ઊભી રહેનાર નહીં.

લક્ષ્મી: ઠાકોર ઠાકોર, વેહ પૈસા સાચવીને રાખવાનું એક મોટું ઠેકાણું સોધી કહાડો.

ધનપાળ: એક દેવનું દેરૂં બનાવીને તેના ભોંયરામાં પૈસા ભરો તો ઠીક સચવાશે.

ગુલામ દોલતખાં: અબ બીબીસાહેબકું બંદાકે મુકાંમપર કબ લેકર આઓગી.

રાજા: અરે એ તો જાણ્યા તમને, હવે તમે સર્વે છેટે ઊભા રહો. આ જગતનો કેવો ચાલ છે જે કોઈ ખાતોપીતો થાય તો તેના હજાર મિત્ર થવા આવીને શિખામણો દેવા લાગે છે, હું કેટલાએકને જવાબ આપું. મારા તો પગ પણ ખુંદી નાખ્યા અને મને કુંણિયો વાગે છે, આજ દીન સુધી હું બજારમાં નીસરતો ત્યારે આમાં કોણ મારા પાસે માગણા પૈસાની ઊઘરાણી કર્‍યા વિના રહેતો ?

રાણી: પધારો માતાજી તમારી આંખ્યોમાં બેક‘ [૧] સાકર ભરીએ એટલે થંડક થાય.

લક્ષ્મી: મારી આંખ્યો સારી થઈને તુરત તમો ગરીબ લોકોને કાંઈ આપવું તો રહ્યું ને ઊલટું લેવું, તે કાંઈ ઠીક નહીં.

રાણી: હા માજી, એ તો સાચું કહો છો પણ અમો તો એમ જાણિયે છિએ કે કાંઈક અમારા ઘરનું આપના કામમાં લેશો તો પછી અમારા ઊપર સંપુર્ણ મેહેરબાની થશે.

લક્ષ્મી: વારૂં તે ઘરમાં જઈને લેશું પણ લોક દેખતાં લેવું ત્યારે જગતમાં કહેવાય કે લક્ષ્મી પણ પ્રથમ લાંચ ખાઈને કામ શુંધારે છે, ત્યારે બીચારા ગરીબ લોકોનો શો ઊપાય ?

રાણી૦: હા માજી, એ તો સાચું કહો છો જુઓને આ પીટ્યો ભાઈચંદ વકીલ અમારી પાસેથી બંને હાથે રૂપૈયા લેવા ઊભો થયો છે.

સ્વાંગ ૪થો સંપૂર્ણ

સ્વાંગ ૫ મો

ભીમડો: અરે ભાઈ જે માણસના ઘરમાં એક દિવસનું પણ ખાવા નહોતું તેને તુરત પૈસાવાળું થઈ બેસવું તે મોટી આનંદની વાત છે, અને વળી હાલ અમે કાંઈ લુચાઈ કર્યા વિના પૈસાવાળા થયા છીએ, કોઠીમાં અનાજ ભર્યું રહે છે, ઘી તેલનાં કુલ્લાં ભર્યા રહે છે. અને સોનું રૂપુ તો પગે ખુંદાય છે, ​અને આગળ તો રાણીજી ઘર સાચવીને બાહાર જતાં એટલે જારના રોટલા સંતાડી મુક્યા હોય ત્યાંથી ચોરીને હું ખાઈ જતો પણ હવે તો ઘઊંના રોટલા, ઘી, ગોળ, પેટ ભરીને ખાઈએ છિયે અને હવે લુગડાં પણ સાંધવાં નથી પડતાં. વળી આગળ એક રાજા મેં દીઠો હતો તે સોનાની પાલખીમાં બેશીને જતો હતો, પણ હવે અમારા રાજાને સોનું તો શા લેખામાં છે, પણ રાવગોલની પાલખી કરાવશે તોપણ થશે, પણ માંહેથી ખાતો જાય અને ચાલતો જાય. અને આગળ અમે કચુકા કાંકરાથી રમતા. હવે પૈસા રૂપૈયાથી રમિયે છિયે અને શરીરે ઘણો તડકો લાગ્યાની બળતરા થતી ત્યારે ભેંશોની પેઠે સારી માટી લગાડતા, તે હવે મળિયાગર ચંદન લગાવિયે છીયે અને સરપ ઝાલવાના સાંણસા તે પણ હાથી દાંતના કરાવ્યા. હાલ અમારો રાજા મોટા આનંદથી હવન કરાવે છે, તે ભારે મુલવાળું પીતાંબર પહેરીને બેઠા છે, અને રાણીજી શણઘરાઈને જોડે બેઠાં છે, ત્યાં બ્રાહ્મણો વેદ ભણે છે અને દેવતામાં ઘીનાં તો આખાં કુલ્લાં ઠલવી દીધાં પણ ત્યાં ધુમાડો બહુ થયો છે તેથી હું તો બહાર આવતો રહ્યો, ત્યાં રહેવાયું નહીં.

શાસ્ત્રી૦: ચાલો દીકરા અમારે દેવી પાસે જવું છે.

ભીમ૦: અરે એ કોણ આવે છે ?

શા૦: ભાઈ એ તો હું છું, જે પહેલો મહા દુખમાં હતો, પણ હાલ સુખ પાંમ્યો છું તે.

ભીમ૦: એ તો હું સમજ્યો તમો કોઈ સાલસ માણસ હશો ?

શા૦: એ જ.

ભીમ૦: ઠીક તારે હવે તમારે શું જોઈએ છિયે ?

શા૦: આ, દેવી અમારા ઉપર પ્રસન્ન થયાં છે વાસ્તે અમે દરસન કરવા આવિયે છિયે. અમારા બાપનાથી આજ અમારી લાજ મોટી થઈ છે, ભાઈ પહેલો અમારે વિચાર હતો જે અમારા મિત્રોની કાંઈ બરદાસ રાખીશું તો આગળ સારૂં ફળ પામીશું.

ભીમ૦: મહારાજ તારે તો તમારા રૂપૈયા તુરત ખુટી ગયા હશે ?

શા૦: હોવે તુરત.

ભીમ૦: પછી તમે દરિદ્રપણાના દુઃખમાં પડ્યા હતા ?

શા૦: હા ભઈ, બહુ દુઃખમાં હતા, અને વળી હું જાણતો હતો જે આ લોકો અમારી સહાયતા કરશે, પણ તે તો ઊલટા અમે બોલાવિયે ત્યારે આડું જોઈને ચાલતા હતા.

ભીમ૦: હા. શાસ્ત્રીજી તે તમારી મશ્કરી પણ સારી પેઠે કરતા હશે ? ​ શા૦: ભાઈ, ભાઈ, મશકરી તો કરેજ તો અમારે ઘેર કોઈ દિવસ ભોજન પામે નહીં તે.

ભીમ૦: હવે એમ નહીં હોય ?

શા૦: ના, ના, હવે તો તે પાછા અમારા મિત્ર થવા આવે છે. એટલા જ સારૂં અમે આ દેવીનું દરસન કરવા આવિયે છિયે જે એ મોટી પગે લાગવા યોગ્ય છે.

ભીમ૦: ઠીક, પણ તમારા હાથમાં આ જુના ફાટલાં લુગડાં શા વાસ્તે લાવ્યા છો ? એ દેવીને કાંઈ કામમાં આવશે ?

શા૦: આ અમે દેવીને ભેટ મુકીશું.

ભીમ૦: કેમ એ તમારા જનમ શમે છઠીના દહડાનું લુગડું છે.

શા૦: ના, એમ તો કાંઈ નથી પણ આ લુગડાથી અમે બાર શિયાળા કહાડ્યા છે.

ભીમ૦: અને આ તમારા જોડા ?

શા૦: તે પણ એટલાં જ વર્ષ થયાં અમારા પગ સાથે ઘસાય છે, અને તે જોડાએ કેટલાએક તો દેશ જોયા હશે.

ભીમ૦: તારે તે પણ દેવીજીને આપવાં છે ?

શા૦: હા તારા સમ.

ભીમ૦: અહો ! તારે તો દેવીનાં નશીબ ઉઘડ્યાં.

ચાડિયા૦: હાય હાય, અમારાં નશીબ કેવાં ઉલટાં થયાં.

દેસાઈભા૦: આ વખતમાં અમારે માથે આભ ટુટી પડ્યો.

ભીમ૦: અરે દૈવ, હે પરમેશ્વર, હે દીનાનાથ, આ માણસને માથે આવો શો આપદકાળ આવ્યો હશે ?

દે૦: અરે ભાઈ, આ દેવિયે અમને હાલ ખાવાપીવા ટાળ્યા, ભીખ માગતા કીધા, પણ કાંઈ ફિકર નથી જો સરકારી કાયદાની એક કલંમ લાગુ થશે તો એ દેવીને પાછી અમે આંધળી કરાવીશું કેમ જે પડોશની રજા વિના એવું કામ થાય નહીં.

શા૦: આ માણસ આવો ઘભરાટમાં કેમ છે ? કોઈ લુચ્ચો માણસ હશે ?

ભી૦: લુચ્ચો ખરો અને એના ભુંડા જ હાલ થવા જોઈએ.

દે૦: પણ પેલો માણસ ક્યાં ગયો જે આગળથી બોલતો હતો કે અમે સૌ લોકોને પૈસાવાળા કરીશું અને હવે ઉલટો કેટલા એક લોકોની ખરાબી કરે છે, પણ શું કરિયે અમારામાં ચુક આવી, નહીંતો એની પાસેથી સરકારી કાગળમાં લખાવી લીધું હોત તો ઘણું ઠીક થાત.

ભી૦: અરે કેની ખરાબી કરી છે ? ​ દે૦: મારી જ.

ભી૦: કેમ તમે લુચા અને હરામખોરની ટોળીમાં હતા કે શું ?

દે૦: હું જાણું છું કે તમે બંને જણ કાંઈ સારાં મનુષ્ય નથી, અને અમારી મિલકત તમે જ દબાવી રાખી હશે.

ભી૦: અરે આ ચાડિયો આવડો આકળો કેમ બોલે છે, હડકાયો થયો છે કે શું ?

દે૦: કાંઈ ફિકર રાખશો નહીં, તમે નક્કી જાણજો કે હું તમને છોડનાર નથી, ફોજદારીમાં લઈ જઈને બેસાડી મુકાવીને કબુલત કરાવી લેઈશ.

ભી૦: લીધું, લીધું, મોત.

શા૦: હે દુઃખ આ દેવીનું તો મોટું મહાત્મ જાણવું જોઈએ જે આવા પાપીશ્ટ લોકોને પીડા કરવાનો સ્વાભિપ્રાય જણાય છે.

દેશાઈ: અરે તમે પણ આ કામ કરવામાં છો કે, એમ જ હશે, નહીંતો કાલે તમે ફાટાં મેલાં લુગડાં પેહેરયાં હતાં, અને આજ આવા જાનઇયા જેવા શાથી થયા ?

શા૦: અમે કાંઈ તારાથી બીતા નથી. આ ઘંટાકરણનો જંત્ર માદળિયામાં મારી પાસે છે. વિશ્વંભર જોશી પાસેથી મને મળ્યો છે, તેથી સરપ તથા વાઘનો ભય પણ અમારે નથી.

ભી૦: શાસ્ત્રીબાવા, સરપ વાઘનો ભય તો નહીં, પણ ચાડિયા લોકોનો ભય તો ખરો એ તો કાંઈ એવા જંત્રને માને નહીં.

દેશાઈ: અરે તમે અમારી મશકરી કરો છો ? હસવું હોય એટલું હશી લ્યો. પણ આ કામ બાબત તમારે સાફ જવાબ આપવો પડશે જે તમે મોટા પૈસાવાળા શાથી થયા ? અને બીજા લોકોને કેમ હેરાન કરો છો ? એ કામ કાંઈ સારૂં નથી.

ભીમ૦: હા. તારે તો સારૂં નથી.

દેશાઈ: તે શેનું સારૂં હોય અમારી મિલકત ધુળધાણી કરીને આ ઘરને ખુંણે પેશીને તરેહ તરેહના પાક બનાવો છો તે.

ભીમ૦: ઠીક તારે, પાકમાંથી તમને ખાવાનું મળે ત્યાં સુધી તમે એને તમારી સહાયદી પુરનારાઓ પતરાળીઓ, પડિયા, લેઈને બેસો.

દે૦: કેમ પાક નથી બનતો, ત્યારે આ દુધપાક શીરાપુરી માલપુડાની બાસ ક્યાંથી આવે છે ?

ભીમ૦: હા, તે બાસ તમારા મોંમાં આવી, ત્યારે હવે તમારે શું જોઈએ ?

શાસ્ત્રી: અરે ભાઈ તું જાણતો નથી કે, ચાડિયા લોકોનું એ જ કામ છે, જે કાંઈ ન હોય, તોપણ જુઠ્ઠું તોમત ઊભું કરીને પણ તેની પાસેથી કાંઈ લેવું. ​ દે૦: અમે જન્મથી જ જેજે કામ કીધાં હશે તે સરકારના ફાયદા વાસ્તે અને લોકોના કલ્યાણ વાસ્તે હશે, પણ કહેવત છે કે, ગણનો ભાઈ દોષ. આ લોકો આજ અમારી મશકરી કરે છે.

ભીમ૦: તમે ફાયદો અને કલ્યાણ કીધાં ?

દે૦: હા, હા, અમારા જેવાં બીજા કોઈયે પણ નથી કીધાં.

ભીમ૦: ત્યારે હું પુછું તેનો જવાબ આપ્ય.

દે૦: શું કેહે છે ?

ભીમ૦: તમે ખેડુત છો ઘણું અનાજ પકવીને જગતને ફાયદો કીધો ?

દે૦: અમને તું હળખેડુ જેવા જાણે છે ?

ભીમ૦: ત્યારે તમે દેશાવરની મુલકગીરી કરીને લોકોનો ઉપકાર કીધો છે ?

દે૦: ના એ તો કાંઈ નથી કર્યું, પણ અમે કોઈ વખત કાંધાંખત ભરયાં છે ખરાં.

ભીમ૦: ત્યારે તો એમાં લોકોને ફાયદો ખરો દીવાની તુરંગમાં છે, એટલો પણ તમે કાંઈ નવો કીસબ બજાવ્યો છે ?

દે૦: નવા કીસબનું શું જરૂર છે, અશલથી જે કરતા હઇયે, તે કરવું.

ભીમ૦: તે અશલથી તમારો શો ધંધો છે ?

દે૦: અમે અદાલતમાં બેશીને સરકારનું કામ અને લોકોનું કામ બજાવિયે છિયે.

ભીમ૦: હરેક લોકને ટંટામાં નાખવા એ ઉપકારનું કામ છે ?

દે૦: પણ શીધે રસ્તે ચાલે નહીં તેને શિક્ષા કરાવવી એ શું સારૂં કામ નથી ?

ભીમ૦: તેનો તપાસ રાખનારા અમલદાર લોકો નથી ? તમારે શા ઊચાટ છે ?

દે૦: પણ અમલદારને જાહેર કરનાર કોણ ?

ભીમ૦: જેની મરજી.

દે૦: તે હું છું તારે જુવો એ સરકારના ફાયદાનું કામ ખરૂં કે નહીં ?

ભીમ૦: વાહ ! વાહ ! એ તો મોટો ફાયદો. પણ એવું કામ કરવાથી ઘરમાં સુખે બેશી રહેવું અજગરની પેઠે એ સારૂં છે કે નહીં ? અને એથી બીજું સારૂં કામ કાંઈ તમને શુજતું નથી ?

દે૦: અમારે અજગર જેવા થવું નથી.

ભીમ૦: તારૂં અંગરખું ઊતાર.

શાસ્ત્રી: અલ્યા સાંભળતો નથી કે શું ?

ભીમ૦: પાઘડી પણ લાવ્ય.

શાસ્ત્રી: તને જ કહે છે.

દે૦: મને લુટનાર કોણ છે.

ભીમ૦: તે હું છું. ​દે૦: હાય, હાય, ભરયા શેહેરમાં ખરે બપોરે લુટી લે છે.

ભીમ૦: તમે નિરંતર બીજા લોકોના કામમાં હાથ નાંખતા પણ હાલ અમે તમારા કામમાં હાથ નાંખીએ છીએ.

દે૦: ક્યાં ગયો ? અલ્યા કપુરચંદ તું શાહેદી રહેજે.

ભીમ૦: અહિ કોઈ તારી શાહેદી પુરે એવો નથી, એતો સરવે નાશી ગયા.

દે૦: જુવો જુવો ભાઈ મને વગર વશીલાવાળા ગરીબને લુટી લે છે.

ભીમ૦: અરે હળવે બોલ.

દે૦: હાય, હાય.

ભીમ૦: શાસ્ત્રીબાવા તમારાં જુનાં લુગડાં લાવો આ ચાડિયાને આપીએ.

શાસ્ત્રી: પ્રભુ પ્રભુ ભજ, એ તો અમે ઘણાં વર્ષ થયાં બાધા રાખી છે, જે આ લુગડાં માતાજીના ધ્વજદંડ ઊપર મેલવાં.

ભીમ૦: આ લુચ્ચા ચાડિયા જેવો બીજો ધ્વજદંડ ક્યાંથી મળશે. અને માતાજીના ધ્વજદંડ ઊપર તો જરી પટકા જોઈએ એવાં લુગડાં હોય નહીં.

શાસ્ત્રી: તું એની પાઘડી લેઈને શું કરીશ ?

ભીમ૦: એ લુચ્ચાના હાથ પાછેવાહી બાંધીશ.

દે૦: ભાઈ અમારે તારી સાથે લઢવાની તરેવડ નથી, હું તો આ ચાલ્યો, પણ જો મારા સોબતી કોઈ બે જણ મળશે તો એ દેવીની આંખ્યો તો હું જરૂર ફોડાવીશ, પંચને પુછ્યા વિના જુનો સિરસ્તો લોપ્યો છે, પણ.

શા૦: તમે અમારો પોશાક લેઈને જાઓ છો વાસ્તે જાનકીદાસ બાવાની ધુણી પાસે જજો કેમજે અમે એ ધુણી પાસે રહીને ઘણા વર્ષના શિયાળામાં સુખ પામ્યા છીએ.

ભી૦: પણ જાનકીદાસ બાવાને એનું મહો જોઈને તુરત માલુમ થશે કે આ લુચ્ચો માણસ છે, એટલે મારી કાઢશે. શાસ્ત્રી બાવા હવે આપણ બંને ચાલો. માંહેલી તરફ જઈએ. અને તમારી માનતા પુરી કરીએ.

સ્વાંગ પાંચમો સંપુર્ણ



સ્વાંગ ૬ ઠ્ઠો

બીબી ફાતમા અને જુવાન મદરખાન

ફાતમાઃ ઓ ભાઈ લખમીકા મુકામ ઈધર હે, હમ રસ્તા ચુક ગયે?

ભી.: આવો રૂપાળાં લેરખડાં લખમીજીનું દેવળ એ જ છે. તમે ભુલાં નથી પડ્યા પણ તમે પુછો છો તે તમારાં વચન અમને ઘણાં પ્યારાં લાગે છે. ​ ફા: નહીં તુમ દગાબાજ હો હમ અંદરશે કોઈકું બોલા દેગી.

ભી: કેમ હું હમણાં અંદરથી જ આવ્યો છું અને તમારે શું કામ છે. દેવીનું તે તો કહો?

ફા.: ક્યા કહું મેં બડી અપશોશમેં ડુબી હું ઓ દેવીકી આંખ્ય ખુલ્લી હુઈ ઉસ બખતશે અમારા બુરા હાલ હુવા.

ભીઃ તમને તમાકુ પીવા મળતી નથી કે શું?

ફા: તુમકુ હાંશી હોતી હે. મેરા જાન જાતા હે, મેરે કલેજામાં આગ લગી હે.

ભી: તમારા કલેજામાં કિયે ઠેકાણે આગ્ય લાગી છે?

ફા.: સુનો મેરે પાસ એક જુવાન મરદ થા. સો, થા તો ગરીબ ઓર બડી મુંછાવાળા અછા આદમી થા. હમકું કુછ ચૈયેસો જલદી લા દેતા ઓર ઇનકુ ચૈયસો હમેરી પાસભી માગ લેતા.

ભી.: તમારી પાસેથી શું માગી લેતો?

ફા.: બડી અદબ વાળા થા. હમેરી પાસ જાસ્તી નહીં માંગતા,કબી બેઠને કે વાસ્તે ટટું મંગતા, તલવારકું મિયાંન ન હોય તો મેરે પાસ પૈસા મંગતા; ઓરસકા દિન હોય તબ અછા કપડાં માંગ લે ઉનકી ભેંણકે વાસ્તે દો ઘઘરીઆં ઓરતકે વાસ્તે સાડી ન હોય તો માંગ લેતા, ઓર કબી દોમણ અનાજ મેરે પાસ માંગ લેતા.

ભી: તારે તો મોટી અદબવાળો હશે બીજું કાંઈ?

ફા.: ઓર હમકું બોલતા કે લાલકે બાસ્તે નહીં મંગતા. તુમેરી યાદીકે બાસ્તે મંગતા હું.

ભી.: ત્યારે એ તો તમારો ઘણો સ્નેહી હશે?

ફા: પન અબી ઉસકા દીલ ફીર ગયા ઓર બડા લુચ્ચા હો ગયા.

ભી.: લુચ્ચા શી રીતે?

ફા.: હમને કલકે રોજ શકર, બદામ, મેવા ઉસકે ઘરકું ભેજા થા સો પીછે ભેજકર જાસ્તી મેવા મેરેકું ભેજા ઓર મેં હવાલ કહેવાયાથા. સાંજકી બખત હમેરા મુકામ પર આવનાંતો ઉન્નેં જવાબ ભેજા કે ઓતો જલ વહી ગયા.

ભીઃ ત્યારે તો એ ડાહ્યો હશે, જ્યાં સુધી ગરીબપણામાં હતો ત્યાં સુધી ધુળ ખાવી પડી. પણ હાલ દોલતવાળો થયો એટલે એવો ખોરાક છોડી દીધો.

ફા: હમ સોગન ખાકર સચ કહેતે હૈં, ઓ આગે રોજ રોજ હમારે મકાન પર આતે.

ભી.: તમને ડફણાવી દેવા લઈ જવા સારૂ?

ફા: નહીં, નહીં, હમશે પ્યારી બાતચીત કરનેકુ. ​ ભીઃ કાંઈ જોઇતું હશે ત્યારે આવતો હશે?

ફા.: કોઇ વખત મેરેકુ દિલગિર જાનકર જેસે મીનાંકુ પડાવે એસા એસા સવાલ હમકુ સુનાતા.

ભી.: અને કેટલાક રૂપૈયા લેઈને જતો?

ફા.: એક વખત બડી ઇદમેં ગાડીમેં બેઠકર મેં જાતીથી સો મેરેકું દેખકર કેતા ઘુસ્સા હુઆ ઓર દુસરે દન હમકું ઉસ સબબ મારા દેખો ઉસકી આંખોમેં કીતના ઝેર આયા.

ભીઃ એનો વિચાર હશે કે પોતાના ભાણામાં બીજા કોઈને હાથ પડવા દેવો નહીં.

ફાઃ મેરેકુ બોલતા તુમારા હાથ ખુબ સુરત ભરેલા હે.

ભીઃ તે હા. જે સમે પૈસા હાથમાં હતા તે સમે.

ફાઃ બોલતા તુમેરી ખસબોઈ બોત અછી હે.

ભીઃ તે હા. તમે અતરની શીશીઓ એના ઉપર ઢોળતાં હશો તે સમે.

ફા.: હમકુ બોલતા તુમેરી આંખાં બડી બડી અછી હે, હરણ કે માફક.

ભી.: તારે તે તમારો દોસ્ત એવો મુરખ નહીં હોય કે એવી વિષય ભરેલી ડોશીને ફોસલાવી સકે નહીં.

ફાઃ ઓ દેવીકું લાયક નહીં હે, જો એસા ફાયદા દુનિયાકા કરના.

ભીઃ હવે તમારે દેવી પાસેથી શું લેવું છે?

ફાઃ વાજબી બાતાંતો ઓઈ હે જીને હમેરા એતા એતા લીયા ખાયા સૌકુ હમેરી નોકરીમેં રખના.

ભી.: પણ તે રાતની વખતે હિસાબ ચુકવી દેતો કે, નહીં.

ફા.: પણ એ તો બોલતાથા તુમારી ઉમ્મર તલક હમ તુમકું નહીં છોડેંગે.

ભી.: એણે જાણ્યું હશે કે, હવે તમારી ઉમ્મર પુરી થઇ.

ફા.: ક્યા ઉમ્મર પુરી હોય મેરા તો દિલગીરી કે સબબસે એસા બદન સુક ગયા.

ભી.: તમે સુકાઈ તો કાંઈ ગયાં નથી. પણ તમારું શરીર સડી ગયું લાગે છે.

ફા.: અરે મેં તો એસી સુક ગઈ જો મેરા બદન અંગુઠીમાં સોંસરા નીકલ જાય.

ભી.: હા અંગુઠી પૈ જેવડી હોયતો એમ થાય.

ફા.: દેખો મેં જો જુવાનખાંકી બાત બોલતી હું સો ઓ ચલા આતે હૈ. સીરપર ફુલ રખા હે, બડા બડા કપડાં પેહેરયાં હે, જેસે સાદીકી વખતમાં ખાનેકુ જતા હોય.

જુવાન.: હાં, બીબી સાહેબ, તુમારી મીજાજ કેસી હે? ​ ફાઃ ક્યા બોલતે હે?

જુઃ ઓ મેરી જુંની પ્યારી અલ્લા અલ્લા તુમેરા બાલ જલદી શફેદ હો ગયા.

ફાઃ દેખો દેખો મેરેકું બે અદબી કરતા હે.

ભીઃ તમારે ને તેમને આજ ઘણે દહાડે મેલાપ થયો હશે?

ફાઃ એરા પીટા તું ક્યા જાણતા હે ઓતો ગએકાલ મેરી પાસ આયા થા.

ભી.: ત્યારે એનો ચાલ એવો હશે કે કેફ કરે ત્યારે જ આંખ્યો ઉઘડતી હશે. તેથી હાલ સફેત વાળ દીઠા?

ફા.: નહીં,નહી, એસા હમેસ મગરુર રહેતા હે ઓતો.

જુ.: ઓ પીરાનપીર ઓ બુઢીકે મોં પર કેતની કરચલીયાં પડી હે દેખો.

ફા.: અરે હમેરી પાસ મસાલ મત લાવો.

ભી.: ઠીક કહે છે, એને ઝાળ લાગશે તો જુનાં તોરણની પેઠે બળી જશે.

જુ.: બુઢી થેં હમારી સાથે ખેલેગી?

ફા.: લુચ્ચા કોનસી જગો પર?

જુ.: ઈસ જગોપર દેખો, ઓ પાસા લો.

ફા.: ક્યા ખેલેંગે?

જુ.: તુમેરે કીતને દાંત હે?

ભી.: હું પણ ખેલીશ. હું કહું છું, કે ત્રણ અથવા ચાર.

જુ.: તુમ હાર ચુકા મેં કહેત હું એકૈ દાંત હે.

ફા.: ઓ લુચ્ચા શીરદાર તુમ દીવાના હુવા કે ક્યા મેરેકું નીછારે નખતે હો.

જુ.: તેરેકું ધોવાયકર સાફ બનાઈ હોય તો અછી હોય.

ભી.: ના.ના. એને ધોવરાવે તો આ હરીયાલ લગાવી છે તે ઊતરી જાય તો ઊલટી ખરાબ દેખાય.

ફા.: તેરા કલેજા કાટ ખાઊં તેરી બડી ઊમ્મર હોઈને કુછ અક્કલ તો હે નહીં.

જુ.: અરે ક્યા ઊસકે સાથ ખેલતી હે મેં સબ દેખતા હું.

ફા.: હે ખોદા દેખો હમેરે શીર તોમત નાંખતા હે ઊને હમકું હાય તો નહીં લગાયા હે.

ભી.: અરે રામ અમારો જીવ ફરયો હોત તો અમે એવું કામ કરત પણ તમારે આવી કન્યાને છોડી મુકવી એ કાંઈ ઠીક નથી.

જુવાનઃ નહીં હમારા દીલ ઊસકે પર બહોત આશક હે.

ભી.: તોય પણ તમારે માથે તોમત નાંખે છે?

જુ.: ક્યા તોમત? ​ભી.: કહે છે, કે એ તો ઘણો મગરૂર છે, અને કહે છે કે, એ તો નીર વહી ગયાં.

જુ.: હમ ઊસકી બાબત તુમારે સાથ તકરાર નહીં કરતા હે.

ભી.: શું કહો છો?

જુ.: દુસરા કોઈ ઊનકી પર હરામ નજર કરે તો હમ માર ડાલે, ઓર તુમારે પર હમારી બોત ખુશી હે. તુમારે ચૈયેતો એ જોરૂંકો લે જાના.

ભી: ત્યારે એમ જ કહેને જે તમારે એને રાખવાની મરજી નથી.

ફા.: એસી બાત કોન સાંખેગી?

જુ.: સુનો બુઢ્ઢી એક બાત હે તુમ તેરે હજાર વર્ષ હુઆ ખરાબ કામ કરતે હો ઊસ વાસ્તે તુમેરી સાથ બોલના ભી અછા નહીં.

ભી.: તમે શેલડીનો રશ ચુસી લીધો છે તે હવે તેના કુચા પણ ચાવવા પડશે.

જુ.: થુ, થુ ઓતો કુચા બોત જુના ઓર સડેલા હે, ચલો હમેરી અંદર જાનેકી મરજી હે દેવીકું ઓ ફુલ ચડાનેકું.

ફા.: હમેરેબી ઓ કામ કે બાસ્તે અંદર જાના હે.

જુ.: એસા હોયતો હમેરે જાના નહીં હે.

ભી.: હે ભાઈ હીમત રાખો આ ભર્યા શેહેરમાં એ ડોશી તમારી લાજ નહીં લૈ શકે.

જુ.: હમ અબી કોઈકી બાત નહીં માનેગા હમકું બોત રોજ હુએ ગુલામકી માફક રખતી હે. 

ફા.: જાઓતો હમ પીછે આયગે.

ભી.: વાહ! વાહ! જેમ ચમકની લારે લોઢું ચાલે તેમ આ ડોશી જુવાન મરદની લારે કેવી ચાલે છે.

સ્વાંગ છઠ્ઠો સપૂર્ણ



સ્વાંગ ૭ મો

હનુમાન દરવાજાને ઠોકવા લાગ્યો.


ભીમડોઃ અરે કોણ બારણાં ઠોકે છે. આંઇ તો કોઇ જણાતું નથી ને બારણાં એની મેળે બોલતાં હતાં કે શું?

હનુમાનઃ ચાલો તમને સઊને બોલાવવા આવ્યો છું.

ભી.: અરે જાને તું વળી કોણ છું મોટા પુંછડાવાળો?

હનુમાનઃ હું હનુમાન છું અને તમે તુરત ચાલો તમારો રાજા, રાણી, કુંવર, કુંવરી,  ​ગાય, બળદ, ઘોડા, ઘોડી સરવે સાથે લેવાં.

ભી.: શું કામ છે કહે તો ખરો?

હનુ.: અરે લુચ્ચાઓ રામજીની ઇછા એવી છે કે તમને સર્વેને એક ગાંસડીમાં બાંધીને પતાળમાં નાંખી દેવાં.

ભી.: અરે તારું મહો કાળું થાય. એવો મહેલો ક્યાંથી લાવ્યો અને કહેને ભાઈ શા માટે રામજીની એવી ખોટી નજર અમારા ઊપર થઇ છે?

હનુ.: તમે મોટું પપ કર્યું છે, જે દહાડેથી એ દેવીની આંખ્યો સારી કરી તે દહાડાથી અમારા દેવલોકના દેવને ધુપ, દીવો, બળીદાન કોઈ માણસ આપતું નથી.

ભિ.: અરે દૈવ, એ તો હવે કોઈ આપનાર નથી કેમ જે અમે જ્યારે આપતા હતા ત્યારે એનું ફળ કાંઈ અમને મળ્યું નહોતું.

હનુ: બીજા દેવની વાત તો તે દેવ જાણે પણ હું તો દેરામાં બેઠો ભૂખે મરૂં છું.

ભીમ: હા તે ભૂખે મરતા હશો.

હનુ.: મહોરે કેટલીક બાયડીઓ સવારના પહોરમાં આવીને ખીર, વડાં, બાકળા તમારી આગળ મૂકી જતીઓ અને હવે તો ભુખમાં બેઠા બેઠા બગાસાં ખાવાં પડે છે.

ભીમ: તમે એ જ લાગના છો, આગળ કેટલાએક ચોર લોકોની માનગ તો આઈ ગયા અને બીચારાઓના ભુંડા હાલ કર્યા એવા હતા.

હનુ.: અરે મારા રામ હવે મુને કાળીચઉદશને દહાડે બાકળા કોણ આપશે?

ભી.: અતીદુર્લભ વસ્તુ ચહે ǁ થાય અધીક ઉદાશ ǁ તે નર ઉભા શુકશે ǁ થાય ન પુરી આશ ǁ ૧

હનુ.: અરે હાય. હાય.હવે મને શીંદુર તેલ પણ મળશે કે નહીં મળે?

ભી.: તમારા પેટમાં કાંઈ દરદ હોત તો લ્યો. આટલું તેલ પીયો (પછી પીધું) હવે જાઓ છો?

હનુ.: પણ તમે મારા ઉપર સારી નજર રાખશો તો?

ભી.: તો શું.

હનુ.: મને કાંઈ દેવીની પાસેથી ખાવાનું લાવી આપો તો.

ભી.: બહાર ન લવાય. એ તો શીવનિર્માલ્ય જેવું છે.

હનુ.: પણ ભાઈ સાહેબ, આ વખતમાં મારી બરદાસ તમારે રાખી જોઈએ. આગળ તમે તમારા ઠાકોરના ઘરમાંથી કાંઇ ધા દઈને લેઈ આવતા ત્યારે હું તમારી લાજ રાખતો. ​ ભી.: અરે લુચ્ચા, પણ તેમાંથી તમે ભાગ પડાવતા કે નહીં, તમારા પેટમાં તો હમેશ એટલી ભુખ રહે છે.

હ.: ભાગ તો આપતા હતા ખરા પણ ઘણું કરીને તમે ખાઈ જતા હતા.

ભી.: શા વાસ્તે ન ખાઈએ કોઈ વખત અમે પકડાઈએ ત્યારે ગેરબંધના માર ખાવા પડતા તેમાંથી તમે બરાબર ભાગ રાખતા નહીં.

હનુ.: ભાઈ હાલ, તમારો દહાડો ચડિયાતો થયો છે વાસ્તે એ ગઇ ગુજરી વાત કાંઇ સંભારવી ના જોઈએ અને મારી વિનતી ધ્યાનમાં લાવીને મને અહિ કોઈ જગો આપવી જોઈએ કે જ્યાં મારૂં ગુજરાન ચાલે.

ભી.: કેમ તમે સ્વર્ગ છોડીને અહિ નિવાસ કરશો?

હ.: હા. એમ જ કરીશું, એ સ્વર્ગ કરતાં અહિંયાં અમારૂં ગુજરાન સારૂં ચાલે છે.

ભી.: તમે તો બડાં હુંશિયાર જણાઓ છો કે પોતાના નાતજાતવાળા આપદકાળમાં પડે તો તેઓની સોબત છોડીને જુદા પડવાનું ધારો છો.

હ.: તમે શું એતો આખો વિશ્વ કહે છે કે એ હુંશિયારીનું કામ છે.

ભી.: પણ તમે અહિ, શી ચાકરી ઉપર રહેશો?

હ.: હું માતાજીનો દવારપાલ થઈશ.

ભી.: હવે જગતમાં કોઈ ચોરી કરનાર રહ્યો નથી એટલે દવારપાલનો શો ખપ છે?

હ.: હું તમારા રૂપિયા પરખનાર થઈશ.

ભી.: અરે હવે સારો ખોટો રૂપૈયો કોણ જોવા રહે છે, માપી માપીને લઈયે દેઈયે છીએ.

હ.: હું તમારો વકીલ થઈશ તે કોરટમાં ચહાય તેવો જુઠો મુકરદમો હોય તે સાચો કરી આપીશ.

ભી.: આ માતાજીની આંખ્યો સારી થઈ તે દિવસથી લોકો કોરટનું તો નામ જ ભુલી ગયા છે, તો હવે વકીલ શું કરવો?

હ.: હું તમને રસ્તો દેખાડીશ.

ભી.: આંખ્યો ઉધડી એટલે સારો રસ્તો એની મેળે સુજશે. દેખાડનારનું શું કામ છે?

હ.: હું તમારી દેવી આગળ નિરંતર નૃત્ય કરીશ પૈસાવાળાની શોભા છે કે સારા નૃત્ય કરનાર રાખવા.

ભી.: સારૂં ત્યારે એમ જ કરજો. પણ હમણાં તો અમારે રસોઈ કરનાર કોઈ નથી. વાસ્તે રસોઈયા બનો તો ઠીક. ​ હ.: ઠીક છે એ કામ કરવાની, પણ મારી ઇચ્છા છે. હું હાલ ભુખ્યો છું તેથી.(એવામાં ગોસાઈ અને ઠાકોર માંહોમાંહે વાદ કરતા આવ્યા.)

રાજા.: બાવાજી શી રીતે ખોટું છે?

ગોસાંઈઃ સુનો બાબુ, ખોટો નહીં તો ક્યા જબસે ઓ દેવી દેખતી થઇ તબસે હમકું એક આનાબી મીલા નહીં નીલકંઠ મહાદેવકી પૂજા કરેતે હે તોબી.

રાજાઃ તેનું કારણ શું? તે કહેવું જોઈએ.

ગો.: કારણ ઓઈ હે, જો કોઈ પૂજા કરનેકુ આતા નહીં.

રાજાઃ શા વાસ્તે આવતા નથી?

ગો.: સબ પૈસાવાળા હો ગયા. અબ પૂજાકી ગરજ કુંનકુ રહી.આગે કોઈ બંદી ખાંનેસે છૂટતા તો મહાદેવજીસે કુછ માનતા કરતા. કોઈ શાહુકાર ધંધે રોજગારમેં મહાદેવજીકા ભાગ રખતા. અબ કોઈ દેવળ સામાબી દેખતા નહીં, જબ જળ સુક ગયા તબ બગ કહાં જાય? મહાદેવકુ છોડકર અબ મહાદેવીકી ચાકરીમેં હમેરે રહેના હોયગા. પેસા મીલે નહીં તો, અબ ક્યા કરે?

રાજા.: મહારાજ તમારે પૈસા શું કરવા છે?

ગો.: દેખો બડચોદ કેસા બોલતા હે હમેરે બેટા બેટીકા લગ્ન કિયા ચઇતા હે કે નહીં? ફરજ હોતા હે તબ રંડી ખાના પીના કપડાં મંગતી હે કે નહીં, રંડી હમકુ છોડતી હે?

રાજાઃ મહારાજ તમારે વળી બેટા-બેટી છે?

ગો.: હમેરે પરતો પરમેશ્વરકી બડી મહેરબાની હે, બેટે સાત, ઓર બેટી તીન હે.

રાજાઃ તમારા દીકરા કાંઈ વિદ્યા ભણેલા છે?

ગો.: કાય પઢે બાબુ, સાલે કીસીકાય મૂતકા હે એતના બેટા ભય તોબી મહાદેવજીકા પાપ મેરે સીરસેં ઉતરા નહીં.

રાજાઃ મહાદેવજીનું પાપ શું?

ગો.: પાપ નહીં તો ક્યા રોજ ઉઠકર ઝાડુ કાઢના, પખાલ કરના, એતની શિવકી પૂજાબી કોઈ લડકા શીખતા નહીં.

રાજાઃ બાવાજી ધીરજ રાખો અહિ તો સાક્ષાત મહાદેવી આપની ખુશીથી પધાર્યાં છે.

ગો.: બાબુ તુમ અછી બાત બોલતે હો.

રાજાઃ હવે એટલું કરવું રહ્યું છે કે દેવીનો અભિષેક કરવો. અરે ભીમડા એક મશાલ પકડનાર હજામને બોલાવ્યા. વાજાં બજાવનારો અભિષેક કરનાર ​બ્રાહ્મણો, ગીત ગાનારીઓ સર્વેને બોલાવો.

(ભીમડો ગયો)

રાજાઃ તમે માતાજીને અહિ તેડી લાવીને રથમાં પધરાવો.

ફા.: અરે હમકું કુછ કામ સોંપતે નહીં.

રાજાઃતમે સારાં લુગડાં પહેરીને આવ્યાં છો વાસ્તે માથે મોહોડ ઘાલીને આ અભિષેક કરવાની ઝારી માથે લ્યો.

ફા.: હમ જીસ બાસ્તે આઇ હું ઇસકુ કયા બોલતે હો.

રાજાઃ ચલો, ચાલો, એ ઉઠાવો, સાંજે જુવાનખાંને તમારી પાસે મોકલીશું. 

ફા.: ઉસબાતકા સોગન કરો તો હમ ઉઠાવે. નહીં તો નહીં ઉઠાયેંગે.

રાજાઃ ચાલો, ચાલો, સોગન છે. બીજી ઝારીઓમાં કચરો ઉપર તરી આવ્યો છે, અને આ ઝારીને તળે બેઠો છે.(પછી ગોસાંઇએ દેવીને રથમાં પધરાવ્યાં. ભીમડો મશાલ પકડનાર વગેરેને તેડી લાવ્યો.)વરઘોડો ચાલ્યો ભીમડો ગીત ગાવા લાગ્યો.

ગીત


ભમરો ઉડે રંગ મોહોલમાં રે,
ગડેડે નગારાની ઠોર;
⁠લખમીબાઈની જાનમાં રે. ૧

દાદા વીના કેમ ચાલશે રે?
દાદોજી ધીરસિંહ હોય;
⁠લખમીબાઈની જાનમાં રે. ૨

કાકા વીના કેમ ચાલશે રે?
કાકો દાજીભાઈ સાથે;
⁠લખમીબાઈની જાનમાં રે. ૩

કાકી વીના કેમ ચાલશે રે?
કાકી ફાતમાબાઈ હોઅ;
⁠લખમી બાઈની જાનમાં રે ૪

ગોરજી વીના કેમ ચાલશે રે?
ગોરજી શાસ્ત્રી બાવો સાથ;
⁠લખમીબાઈની જાનમાં રે ૫​


વિકલ વીના કેમ ચાલશે રે ?
વિકલ ભાઈચંદભાઈ સાથ;
⁠લખમીબાઈની જાનમાં રે. ૬

ચાડીયા વીના કેમ ચાલશે રે ?
ચાડીયા દેસાઈભાઈ હોય;
⁠લખમીબાઈની જાનમાં રે. ૭

કળદેવ વીના કેમ ચાલશે રે ?
કળદેવ હમાનભાઈ હોય;
⁠લખમીબાઈની જાનમાં રે. ૮

ભંગીઆ વીના કેમ ચાલશેરે, ?
ભંગીઓ દરિદ્રભાઈ હોય;
⁠લખમીબાઈની જાનમાં રે. ૯

સમાપ્ત

❄⁠❄⁠❄


સવૈયા


માનવનુંમન તેનટવો. તનમાં રહિ નૃત્યકરે ત્રયકાળ;
વેશ કદાપિ નરેશતણો ધરિદેશ અશેષ કરે પ્રતિ પાળા;
રંક બની દિ શંક ધરે ળિ વૃદ્ધ જુવાન બને દિ બાળા;
પંડિતલોક અખંડ જુવે નર પીંડ મનોહર નાટકશાળા, ૧

3
લેખ
દલપતરામના લખેલા નટકો
0.0
જેને ગૂજરાતી બોલી અથવા ચાલ ચલગત સારી પેઠે જાણવાની મરજી હોય, તેણે આવી ચોપડી ધ્યાન લગાડીને વાંચવી કેમકે એક દક્ષણી માણસ પોતાના મનમાં એવું ધારતો હતો કે હું ગૂજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગૂજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું; એવું કોઈ ગૂજરાતી માણસ આગળ તેણે કહ્યાથી, પેલા ગૂજરાતીએ દક્ષણીને કહ્યું કે, તમે ગૂજરાતીમાં સરકારી કામમાં રહેલા માટે જેટલા શબ્દો સરકારી કામમાં આવ્યા હશે, તેટાલા તમે જાણતા હશો. પણ અમારા ઘરમાં બાઇડિયો, છોકરાં, શી રીતે બોલે છે તે જ્યારે તમારા જાણવામાં હોય, ત્યારે તમે ગૂજરાતી ભાષા સારી પેઠે જાણો છો એમ કહેવાય. માટે તે તમે જાણતા હો તો કહો કે "ઘૂમણી ઘાલવી" એટલે શું ? પછી તેનો અર્થ પેલા દક્ષણીના સમજવામાં આવ્યો નહિ. માટે ગૂજરાતી ભાષા, તથા ચાલ વિષે જાણવા સારૂ સાહેબ મોસુફને વાસ્તે આ વર્ણન કલ્પના કરીને મેં બનાવ્યું છે.
1

સ્ત્રીસંભાષણ સંપૂર્ણ નાટક

10 November 2023
1
0
0

સ્ત્રીસંભાષણ કુટુંબ ૧.શેઠ હીરાચંદ, ઉમર વરસ૬૦.તેમની સ્ત્રી શેઠાણી પ્રેમકોરબાઈ, ઉમર વરસ૫૦.બીજી સ્ત્રી 'નવીબાઈ'[૧] , ઉમર વરસ૩૦.પ્રેમકોરનો દીકરો, ઝવેરચંદ, ઉમર વરસ૩૨.તેની વહુ નવલવહુ, ઉમર વ

2

લક્ષ્મી નાટક સંપૂર્ણ નાટક

10 November 2023
2
0
0

પ્રસ્તાવના વિક્રમાજીતના જન્મથી પેહેલાં આશરે સાડાત્રણસેં વર્ષ ઉપર ગ્રીક લોકના દેશમાં આથેનાઇ નામે મોટું નગર હતું અને સર્વે ઠેકાણે ગ્રીક લોકો ઘણા જ વિદ્યાવાળા હતા તો પણ આથેનાઇ નગરના લોક જેવા ડાહ્યા લોક

3

ગંગાબાઈ અને જમનાબાઈની વાત

11 November 2023
1
0
0

ગંગાબાઈ અને જમનાબાઈની વાત આ વાર્તામાં ભોળાં માણસને સારી, તથા નરસી , સોબતની અસર વેહેલી થવાનો દાખલો છે. દોહરો ભોળા જન વિદ્યા ભણી, વેહેમ તજી વખણાય; વેહેમીના સહવાસથી , વળિ તે વેહેમી થાય. ૧ એક શહે

---

એક પુસ્તક વાંચો