નરેન્દ્રનાથે સન ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો.[૧૩] સને ૧૮૮૧માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને ૧૮૮૪માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.[૧૫][૧૬]
તેમના પ્રોફેસરોના કહેવા મુજબ વિદ્યાર્થી તરીકે નરેન્દ્રનાથ મેઘાવી હતા. તેઓ સને ૧૮૮૧-૮૪ દરમિયાન સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં ભણ્યા હતા. તેના આચાર્ય ડૉ. વિલીયમ હેસ્ટીએ લખ્યુ છે કે "નરેન્દ્ર ખરેખર એક પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા. હું દુનિયા ફર્યો છુ પરંતુ જર્મન યુનિવર્સિટિઓના તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પણ મને તેના જેવો પ્રતિભાસંપન્ન અને સંભાવના વાળો યુવક જોવા મળ્યો નથી"[૧૭] તેમને શ્રુતિધર કહેવામાં આવતા, એક એવી વ્યક્તિ જેની યાદશક્તિ વિલક્ષણ હોય,[૧૮][૧૯] જાણવા મળ્યા મુજબ નરેન્દ્રનાથ સાથે ચર્ચા થયા બાદ ડૉ. મહેન્દ્રલાલ સરકારે કહ્યુ હતું કે , "આટલી નાની ઉમ્મરે કોઇ યુવાને આટલુ બધુ વાંચન કર્યુ હોય તેવું મેં કદી વિચાર્યુ પણ નહોતું!"[૨૦]
બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો, મૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિક સુધારાને સમર્પિત હતો. [૨૧] તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.[૨૨][૨૩]
કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું.[૧૭][૨૪] નરેન્દ્ર હર્બર્ટ સ્પેંસરના ઉત્ક્રાંતિવાદથી પ્રભાવિત થયા હતા તથા સ્પેંસરના શિક્ષણ પરના પુસ્તકનો પોતાના પ્રકાશક ગુરુદાસ ચટ્ટોપાધ્યાયમાટે બંગાળીમાં અનુવાદ પણ કર્યો હતો. નરેન્દ્રએ થોડો સમય માટે સ્પેંસર સાથે પત્રવ્યવ્હાર પણ કર્યો હતો.[૨૫][૨૬] તેમના પાશ્ચાત્ય તત્વજ્ઞાનના અભ્યાસની સાથોસાથ તેઓ ભારતીય સંસ્કૃત પવિત્ર ધર્મગ્રંથોથી અને બંગાળી રચનાઓથી પણ સુપેરે પરિચિત હતા.