રા' નવઘણ
"લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર." એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયેા અને અક્કેક થાનેલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંકયો. ધણીના હાથમાં પાંભરીએ વીંટેલ નવા બાળકને એ નીરખી રહી. પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતાં સાંભળીને એને અચંબો થયો. એણે પૂછયું : " કોણ આ ?"
આયર ઢૂંકડો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું : " મોદળનો રા' – જૂનાણાનો ધણી."
" આંહી કયાંથી ? "
" એ... જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી સેાળંકીનાં કટક ઊતર્યાં, ને તે દી સેાળંકીની રાણિયું જાત્રાએ આવેલી, તેને દાણ લીધા વિના રા' ડિયાસે દામેકંડ નાવા નો'તી દીધી ખરી ને, અપમાન કરીને પાછી કાઢી'તી ને, તેનું વેર વાળ્યું આજ ગુજરાતના સોળંકીએાએ. રાજા દુર્લભસેનનાં દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રા'ને રસાલા સોતો જમવા નોતર્યો, હથિયાર પડિયાર ડેલીએ મેલાવી દીધાં. પછે પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો. વણથળી અને જૂનોગઢ બેય જીતી લીધાં." "આ ફૂલ કયાંથી બચી નીકળ્યું ?" દીકરાદીકરીને ઘૂંટડેઘૂંટડા ભરાવતી આહીરાણી માતા પોતાને ખોળે આવનાર એ રાજબાળ ઉપર માયાભરી મીટ માંડી રહી.
" બીજી રાણિયું તો બળી મૂઈ, પણ આ સોમલદેને ખેાળે રાજબાળ ધાવણો હતો ખરો ના, એટલે એને જીવતી બહાર સેરવી દીધી. મા તો રખડીરવડીને મરી ગઈ, પણ આ બેટડાને એક વડારણે અાંહી પહોંચતો કર્યો છે. આપણે આશરે ફગાવ્યો છે."
" અહોહો ! ત્યારે તો મા વિનાનો બાળ ભૂખ્યો તરસ્યો હશે. ઝટ લાવો એને, આયર !" એમ કહીને આહીરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી. બોલી : "બાપ જાહલ ! મારગ કર અા અાપણા અાશરા લેનાર સારુ. તું હવે ઘણું ધાવી, ને તું તો દીકરીની જાત : પા'ણા ખાઈનેય મોટી થાઈશ; માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ."
એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગૂઠે મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા મંડયો. અમીના કુંભ જેવા આહીરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઊઠયો. પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઊભરાયું.
દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું : "તમતમારે હવે ઉચાટ કરશે મા. મારે તે એક થાનોલે આ વાહણ અને બીજે થાનોલે આ આશ્રિત બેયને સગા દીકરાની જેમ સરખા ઉછેરીશ. જાહલ તો વાટ્યમાં પડીપડીય વધશે. એનો વાંધો નહિ." " પણ તું હજી સમજતી નથી લાગતી."
" કાં ? "
"વાંસે દા બળે છે, ખબર છે ને? સોળંકીએાએ જૂનાને માથે થાણું બેસાર્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વશબીજ આપણા ઘરમાં છે, એવી જો જાણ થાશે તો આપણું જડામૂળ કાઢશે."
"ફકર નહિ, મોરલીધરનાં રખવાળાં. તમતમારે છાનામાના કામે લાગી જાવ. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ન હોય. તમારી સોડ્ય સેવનારીના પેટનું પાણી નહિ મરે ભલે સોળકિંયુંને થાણદાર જીવતું ચામડું ઉતારતો."
દેવાયત ડેલીએ ચાલ્યો ગયો અને આંહીં આહીરાણી માતા એના નવા બાળને અંગેઅંગે હાથ ફેરવતી, મેલના ગેાળા ઉતારતી ને પંપાળતી વહાલ કરવા લાગી :
"બાપા ! તું તો આઈ ખોડિયારનો, ગળધરાવાળીનો દીધેલો. તારી વાત મેં સાંભળી છે. તું તો રા' ડિયાસના ગઢનું રતન; તારાં વાંઝિયાં માવતરને ઘરે નવ સરઠુંનાં રાજપાટ હતાં. છતાં ચકલાંયે એના ઘરની ચણ્ય નો'તાં ચાખતાં. તારી માવડી અડવાણે પગે હાલીને અયાવેજ ગામે આઈખોડિયારને એારડે પહેાંચી'તી. ત્યાં એને માતાએ તું ખોળાનો ખૂંદતલ દીધેલો. દેવીનાં વરદાનથી તારાં ઓધાન રિયાં'તાં, અને મારા ફૂલ ! તારી માને તો તું જરાપણમાં જડેલો : મા તારી માગતી'તી કે :
દેવી દેને દીકરો, ( હું ) ખાંતે ખેલાવું,
જોબન જાતે નો જડ્યો, ( હવે ) જરપણે ઝુલાવું.
"ને તારાં તો એાધાન પણ કેવાં દોયલાં હતાં ! તું તો માનો દુશ્મન હતો, ડાયલા !" એમ કહીને આહીરાણીએ લાડથી બાળકની દાઢી ખેંચી. ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહીરાણી માના મલકતા મોં સામે જોઈ રહ્યો. "તું તો માના ઓદરમાંથી નીકળતો'તો જ કયાં ! તુંને ખબર છે ? તારી અપરમાયુંએ કામણટૂમણ કરાવેલાં. જતિએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બા'ર નીકળ ને ! પૂતળું ભેાંમાં ભંડારેલ, ત્યાં સુધી તું યે માના પેટમાં પુરાયલ : પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ. એણેય સામાં કપટ કર્યા. ખોટેખેાટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયાફૂટી અપરમાયું તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભેામાં ભડારેલ માટલી ઉપાડીને જોયું, ત્યાં તો હે દોંગા ! એના મંતરજંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચેસાચ અવતરી ચૂકયો. સાંભળ્યું મારા મેાભી ? "
કેાઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલીકાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથપગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીરપુત્ર વાહણને ધાવતા દીઠો. ઝોંટાઈને સામે પડેલી ધાવવા સારુ પાછી વલખાં મારતી આહીરની દીકરીને દીઠી. ત્રણે છોકરાં એકબીજા સામે ટીકી રહ્યાં. ત્રણે જણાં ઘુઘવાટા ક૨તાં લાગ્યાં.
૨
પાંચેક વરસની અવધ વટી ગઈ હતી. વાહણ, નવઘણ અને જાહલ માને ખોળે મૂકીને ફળીમાં રમતાં થયાં છે. ત્રણે છોકરાં શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણનાં નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવાં ચડી રહ્યાં છે. એમાં એક દિવસ સાંજે આલિદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવે વાટ્યો ચડી ત્યાં તો જૂનાગઢ-વણથલીથી સોલંકીઓનું દળકટક આલિદરને ઝાંપે દાખલ થયું. થાણદારે ગામફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલુંય ફરકી ન શકે. ઉતારામાં એણે એક પછી એક આહીર કોમના પટેલિયાએાને તેડાવી ઝરડકી દેવા માંડી : "બોલો, દેવાયત, બેાદડના ઘરમાં ડિયાસનો બાળ છે એ વાત સાચી ?"
તમામ આહીરેએ માથાં ધુણાવીને ના પાડી : "હોય, તો રામ જાણે; અમને ખબર નથી."
" બોલો, નીકર હું જીવતી ખેાળ ઉતરડી દઈશ. હાથેપગે નાગફણિયું જડીશ."
આહીરાણીનું ધાવણ ધાવેલા-એકવચની મુછાળાઓમાં આ દમદાટીથી ફરક ન પડયો.
પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂકાઈ ગયું હતું. લાલચના માર્યા, કે અદાવતની દાઝે એક પંચોળી આહીરે ખુટામણ કર્યું હતું. થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે. એને સોલંકીએ પૂછયું : "આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઊઝરે છે એ વાત સાચી ?"
રૂપેરી હોકાની ઘૂંટ લેતાં દોંગું મોઢું કરીને દેવાયતે ઉત્તર દીધો : " સાચી વાત, બાપા ! સહુ જાણે છે. મલક છતરાયો જ નવઘણ મારે ઘેર ઊઝરે છે."
આલિદર-બોડીદરના આહીર ડાયરાનાં મોઢાં ઉપર મશ ઢળી ગઈ, સહુને લાગ્યું કે દેવાયતના પેટમાં પાપ જાગ્યું. દેવાયત હમણાં જ નવઘણને દોરીને દઈ દેશે.
"આપા દેવાયત !" થાણદારે મે'ણું દીધું : " રાજાના શત્રુને દુધ પાએ છો કે ? રાજનું વેર શીદ વહોર્યું ? સોંલકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઊઠીને કાવતરાં માંડયાં છે કે ? "
" કાવતરું હોત તો સાચું શા સારુ કહી દેત ?"
" ત્યારે ?"
" મારે તો રાજભક્તિ દેખાડવી હતી, ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી, પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકિયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી."
આહીર ડાયરાને મનથી આજ ઉલ્કાપાત થઈ ગયેા લાગ્યો. કંઈકને દેવાયતના દેહના કટકેકટકા કરવાનું મન થયું. પણ ચોગરદમ સોલંકીએાની સમશેરો વીંટાઈ વળી હતી. ત્યાંથી કેાઈ ચસ દઈ શકે તેમ નહોતું.
"ત્યારે તો ઝાઝા રંગ તમને, આપા દેવાયત ! રાજ તમારી ભક્તિને ભૂલશે નહિ. નવઘણને તેડાવીને અમારે હવાલે કરો."
" ભલે બાપ ! અબઘડી ! લાવો દોતકલમ ! ઘર ઉપર કાગળ લખી દઉં."
દેવાયતે અક્ષરે પાડયા કે, "આયરાણી, નવઘણને બનાવીઠનાવી રાજની રીતે અહીં આ આવેલા આદમી હારે રવાના કરજે." વધુમાં ઉમેર્યું કે "રા' રખતી વાત કરજે."
" રા' રખતી વાત કરજે !" એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડી નહિ. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાના ધણીના બાળશત્રુનો કબજો કરવા દોડયા. જઈને આહીરાણીને આહીરનો સંદેશો દીધો. વાહણની મા બધું છલ વરતી ગઈ.
" હં-અ બાપુ ! અમે તો ઈ જ વાટ જોઈને બેઠાં'તાં; ઈ લાલચે તો છેકરાને ઉઝેર્યો છે. લ્યો, તૈયાર કરીને લાવું છું."
એમ ડેલીએ કહેવરાવીને આહીરાણીએ અંદરના ઊંંડા ઊંડા ઓરડામાં રમત રમતા વાહણને, નવઘણને ને જાહલને ત્રણે બચ્ચાંને દીઠાં. " વાહણ ! દીકરા ! ઊઠ્ય, અાંહી આવ ! તને તારો બાપ કચેરીમાં તેડાવે છે. લે, નવાં લૂગડાંઘરેણાં પહેરાવું;" એમ કહી સાદ દબાવી, આંખો લૂછી, એણે પેટના પુત્રનું શરીર શણગારવા માંડયું. ત્યાં બાકીનાં બન્ને છોકરાં દોડયાં આવ્યાં : " મા, મને નહિ ? માડી, મને નહિ? મારેય જાવું છે ભાઈ ભેળું." એવું બોલતો નવઘણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજ એને પહેલી જ વાર દુઃખ લાગ્યું, બાળહૈયાને ઓછું આવ્યું. આજ સુધી તે મા ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી, અને આજ મને કાં તારવે છે? વાહણભાઈને હથિયાર પડિયાર સજાવી માએ એના ગાલે ચાર ચાર બચ્ચીઓ લઈ, ચોખા ચોડેલા ચાંદલા સાતે જયારે વળાવ્યો, ત્યારે નવઘણ ઓશિયાળે મોંએ ઊભો. "બેટા વાહણ ! વે'લો આવજે." એટલું બોલી મા એારડે થંભી રહી. એણે દીકરાને જીવતોજાગતો હત્યારાના હાથમાં દીધો. એના હૈયામાં હજારો ધા સંભળાઈઃ "વાહણને છેતરીને વળાવ્યો : આશરા-ધર્મના પાલન સાટુ.'
" લ્યો, બાપા ! આ ડિયાસ વંશના છેલ્લો દીવો સંભાળી લ્યો !" એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આળોટી પડનાર સગા પુત્રની ઓળખ આપી. એને એક કેારે આહીરાણી સાંભરતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટડો હૈયે બાઝતો હતો. "આયરાણી! ઝાઝા રંગ છે તને, જનેતા ! તેં તો ખોળિયાનો પ્રાણ કાઢી દીધો." આહીર ડાયરાએ છોકરાને એાળખ્યો. દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી નથી, એ દેખીને આહીરોનાં હૈયાં ફાટુંફાટું થઈ રહ્યાં. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખો સામે દીકરાનો વધ દીઠો; પણ એની મુખમુદ્રામાં કયાંયે ઝાંખપ ન દેખાઈ.
ત્યાં તો ખૂટલ આહીરોએ સોલંકી થાણદારના કાન ફૂંકયા કે : "તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવઘણને સંતાડયો છે."
"ત્યારે આ હત્યા કોની થઈ ?"
"એના પોતાના છોકરાની."
"જૂઠી વાત, દેવાયત તો હસતો ઊભો હતો."
"દેવાયતને એવા સાત દીકરા હોત તો એ સાતેયને પણ સગે હાથે એ રેંસી નાખે. પોતાના ધર્મને ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે."
"ત્યારે હવે શી રીતે ખાતરી કરીશું ?"
"બોલાવો દેવાયતની ધણિયાણીને, અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટના જણ્યો મર્યો હશે, તે એ માતાની અાંખોમાં પાણી આવશે. પુત્રની અાંખો ઉપર પગ મૂકતાં જનેતા ચીસ પાડશે."
આહીરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું : " જો આ તારો બાળક ન હોય તો એની અાંખેા પર પગ મૂક."
દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાતે આકાશ જાણે તૂટી પડ્યા.
પણ આહીરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી, એ ખબર આજે પડી; હસતે મોંએ આહીરાણીએ વાહણની અાંખો ચગદી. સૂબેદારને ખાતરી થઈ કે બસ. છેલ્લો દુશમન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજના વફાદાર પટેલ તરીકે સાતગણી ઊંચે ચડી.
૩
પાંચ વરસનો નવઘણ જેતજોતામાં તો પંદર વરસની. વયે પહોંચ્યો. એ રાજબાળનું ફાટફાટ થતું બળ તો ભેાંયરામાંથી બહાર નીકળવા ચાહતું હતું, પણ દેવાયત. એને નીકળવા કેમ દે !
એક વખત તો નવઘણ જબરદસ્તી કરીને ગાડા પર ચડી બેઠો. ખેતરમાં ગયો. દેવાયત ઘેર નહોતો. ખેતરે હતો. નવઘણને જોઈને એને બહુ ફાળ પડી. પણ પછી તો ઈલાજ ન રહ્યો.
સામે જ સાંતી ઊભું હતું; નવઘણ ત્યાં પહોંચ્યો. સાંતી હાંકવા લાગ્યો. થોડે આઘે ચાલતાં જ સાંતીના દંતાળની અંદર જમીનમાં કાંઈક ભરાયું. બળદ કેમેય કરતાં ચાલ્યા નહિ. નવઘણ માટી ઉખેળીને જુએ ત્યાં તે દંતાળની અંદર એક પિત્તળનું કડું ભરાઈ ગયેલું, ઊંચકાતાં ઊંચકાતું નથી. જમીનમાં બહુ ઊંડું એ કડું કોઈ ચીજની સાથે ચાંટયું હોય એમ લાગ્યું.
અબુધ બાળકે દેવાયતને બોલાવીને બતાવ્યું, દેવાયત સમજી ગયા. તે વખતે તે સાંતી હાંકી બધાં ઘેર ગયાં, પણ રાતે ત્યાં આવીને દેવાયતે ખોદાવ્યું. અંદરથી સોનામહોરભર્યા સાત ચરુ નીકળ્યા. દેવાયતે જાણ્યું કે, 'બસ ! હવે આ બાળકનો સમો આવી પહોંરયો.'
દેવાયતે દીકરી જાહલના વિવાહ આદર્યા. ગામેગામના આહીરોને કંકોતરી મોકલી કે, 'જેટલા મરદ હો તેટલા આવી પહોંચજો, સાથે અક્કેક હથિયાર લેતા આવજો.'
પહાડ સમાં અડીખમ શરીરવાળા, ગીરના સિંહોની સાથે જુદ્ધ ખેલનારા હજારો આહીરોની દેવાયતને અાંગણે જમાવટ થઈ સહુની પાસે ચકચકતાં ઢાલ, તલવાર, કટારી, ભાલાં એમ અક્કેક જોડ્ય હથિયાર રહી ગયાં છે. કાટેલી કે બૂઠી તલવારને ઘાએ પણ સેંકડોને કાપી નાખે એવી એ લોઢાની ભેાગળ સમી ભુજાઓ હતી. આખી નાત આલિદર-બોડીદરને પાદર ઠલવાઈ ગઈ. આપા દેવાયતની એકની એક દીકરીના વિવાહ હતા, આજે એ નાતના પટેલને ઘર આંગણે પહેલો જ અવસર હતો, એમ સમજીને મહેમાનોનાં જૂથ ઊતરી પડયાં. દેવાયતે તેડું મોકલેલું કે, 'પાઘડીને અાંટો લઈ જાણનાર એકેએક આયર આ સમો સાચવવા આવી પહોંચજો.' આહીરની આખી જાત હૂકળી.
દેવાયતે આખો ડાયરો ભરીને કહ્યું : "આ મારે પહેલવહેલો સમો છે. વળી હું સોળંકીરાજનો સ્વામીભક્તિ છું. આજે મારે ઉંબરે સોરઠના રાજાનાં પગલાં કરાવવાં છે, ભાઈઓ ! એટલે આપણે સહુએ મળીને જૂનેગઢ તેડું કરવા જાવું છે."
ઘેાડે-સાંઢિયે રાંગ વાળીને હજારો આહીરો ગિરનારને માથે ચાલી નીકળ્યા. આપા દેવાયતની ઘોડીને એક પડખે જુવાનજોધ નવઘણનો ઘોડલો પણ ચાલ્યો આવે છે. રસ્તામાં ગામેગામથી નવા નવા જુવાનો જોડાય છે. ગઢ જૂના લગી જાણ થઈ ગઈ કે દેવાયત એની દીકરીના વિવાહ ઉપર સોલંકીઓને તેડું કરવા આવે છે. સોલંકીઓ પણ આ આહીર વર્ણનો વિવાહ માણવા તલપાપડ થઈ રહ્યા. સોલંકી ઓનાં ઠાણમાં ઘેાડાંએ ખૂંદણ મચાવી. જૂનાગઢને સીમાડે જ્યારે અસવારો આવી પહોંચ્યા, ત્યારે મહારાજ મેર બેસતા હતા. ગામેગામની ઝાલરો સંભળાતી હતી. ગરવા ગિરનારની ટૂંકેટૂંકે દીવા તબકતા હતા.
દેવાયતનું વેણ ફરી વળ્યું : " ભાઈઓ, ઘેાડાં લાદ કરી લ્યો એટલી વાર સહુ હેઠા ઊતરો. સહુ પોતપોતાનાં ઘેાડાં-સાંઢિયાના ઊગટા બરાબર ખેંચી વાળો. અને હૈયાની એક વાત કહેવી છે તેને કાન દઈને સાંભળી લ્યો."
સોય પડે તોયે સંભળાય એવી મૂંગપ ધરીને આહીર ડાયરો ઠાંસોઠાંસ બેસી ગયો. પછી દેવાયતે પોતાની પડખે બેઠેલ દીકરા નવઘણને માથે હાથ મેલીને પૂછયું : "આને તમે એાળખો છો ?"
સહુ ચૂપ રહ્યા.
"આ પંડે જ ડિયાસને દીકરો નવઘણ, તે દી એને સાટે કપાયો, એ તો હતો નકલી નવઘણ. મારો વાહણ હતો એ. જોઈ લ્યો સહુ, આ જૂનાણાના ધણીને."
ડાયરો ગરવા ગિરનારના પાણકા જેવો જ થીજી ગયેા હતેા.
દેવાયતે કહ્યું : "આહીર ભાઈઓ ! આજ આપણે સેાળંકી રાજને આવવાનું તેડું કરવા નથી જતા, પણ તેગની ધાર ઉપર કાળને નોતરું દેવા જઈએ છીએ. પાછા આવશું કે નહિ તેની ખાતરી નથી. દીકરી જાહલનો વિવાહ કરવા હું આજ બેઠો છું એ તો એક અવસર છે. જાહલને હું અટાણે કઈ ઠારકે પરણાવું ? આની મા -- મારી ધર્મની માનેલ બોન – મને રોજ સોણે આવીને પૂછે છે કે હવે કેટલી વાર છે ?"
દેવાયત નવઘણની પીઠ ઉપર હાથ થાબડ્યો : "જુવાન ! તું મોદળને ધણી છો. આજ તારે હાથે રાજપલટો કરાવવો છે. ઉપરકોટના દરબારમાં એક કાળજૂનું નગારું પડયું છે. જ્યારે જ્યારે ગરવા ગિરનારની ગાદી પલટી છે ત્યારે ત્યારે એ નગારાના નાદ થયા છે. કૈંક જુગનું એ પડયું છે. સોળ વરસથી એ અબોલ બેઠું છે આજ તારી ભુજાએાથી એને દાંડીના ઘાવ દેજે, એકોએક આયર બચ્ચો તારી ભેરે છે."
નવઘણનાં નેત્રો એ અંધારામાં ઝળેળી રહ્યાં. આજ એણે પહેલી પ્રથમ પૂરી વાત જાણી. જુવાનના રોમેરોમમાંથી દૈવતની ધારાઓ ફૂટવા લાગી. એણે પોતાની તેગ ઉપર હાથ મૂકયો. વહાલો ભાઈ વાહણ તે દિવસે પોતાને સાટે કપાયેા હતો, તેનું વેર રાતનાં અંધારાંમાંથી જાણે પોકારી ઊઠયું.
"ત્યારે શું ? જે મોરલીધર !" દેવાયતે સવાલ પૂછયો.
" જે મોરલીધર !" ડાયરાએ બોલ ઝીલ્યો.
કટક ઊપડ્યું. દેવાયતે ઘોડી તારવીને નવઘણનો ઘેાડો આગળ કરાવ્યો. પોતે પછવાડે હાંકતો હાલ્યો.
ગીરકાંઠાણો આહીર ડાયરો આજે તેડે આવે છે : ઉપરકોટના દરવાજા ઉઘાડા ફટાક મેલાયા. સાલંકીએાના મોવડીઓ ગીરના રાજભક્ત સાવજોને ઝાઝાં આદરમાન દેવા સારૂ ખડા હતા. હજાર આહીરો ઉપરકોટમાં હૂકળી રહ્યા, અને મોટા કોઈ અગ્નિકુંડ જેવડું નગારું સહુની નજર પડયું.
" આપા ! આવડું મોટું આ શું છે ? " નવઘણે શીખવ્યા મુજબ સવાલ કર્યો.
"બાપ ! ઈ રાજનગારું. ઈ વાગે ત્યારે રાજપલટો થાય. " " એમ ? તઈં તો ઠીક !" કહી નવઘણ ઠેકી પડયો. દાંડી ઉપાડીને મંડ્યો ધડૂસવા : રડીબામ ! રડીબામ ! રડીબામ! ઉપરકોટના ગુંબજો ગાજ્યા. ગરવો ધણધણી ઊઠયો, અડીકડી વાવમાંથી સામો અવાજ ઊઠયા: દીવાલે-દીવાલ બોલી કે, ' આવ્યો ! આવ્યો ! કાળદૂત આવી પહેાંચ્યો !'
– અને પછી દેકારો બોલ્યો. હજાર આહીરોની દૂધમલ ભુજાઓ તેગભાલે તૂટી પડી. અંધારી રાતે ઉપરકોટમાં સોલંકીએાના લેાહીની નદીમાં પાશેર પાશેરનો પા'ણો તણાયો.
પ્રભાતને પહોર નવઘણને કપાળે રાજતિલક ચોડાયું. આહીરેાનાં થાણાં ઠેર ઠેર બેસી ગયાં.
"હાં ! હવે મારી જાહલ દીકરીનો વિવાહ રૂડો લાગશે. મારી જાહલના કન્યાદાનમાં હવે મને સ્વાદ આવશે. દીકરીનો પસલિયાત વીર વઢાણો ને એમાં દીકરી કયે સુખે સંસાર માંડત! બાપ, સોરઠના ધણી ! હવે તો બોનના હાથે તિલક લેવા આલિદર પધારો."
જાહલબહેન સંસતિયા નામના જુવાન આહીરની સાથે ચાર ફેરા ફરી. લીલુડે માંડવે સોરઠનો ધણી ઊઠીને લગન માણવા બેઠો. જાહલે ભાઈને ટિલાવ્યો. ભાઈએ હાથ લાંબો કર્યો : " બે'ન ! કાપડાની કેાર આપવી છે."
જાહલ બોલી : " આજ નહિ, વીરા મારા ! ટાણું આવ્ય માગીશ. તારું કાપડું આજ કાંઈ હોય ! તારા કાપડાનું શું એવડું જ માત્યમ છે મારે ?"
નવઘણ સમજી ગયો, બહેનનાં વારણાં પામીને એજૂનાગઢ ગયો. જોતજોતામાં સોરઠ કડે કરી.