shabd-logo

રંગ છે રવાભાઈને

9 October 2023

17 જોયું 17

રંગ છે રવાભાઈને


રતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદઝરતે સાદે ગાતી હતી —

કિયા ભાઈના કૂવા કરે કીચુડિયા રેકિયા ભાઈની વાડિયું લેરે જાયઆંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!


રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાશ નથી. ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પૉરો દીધો છે, અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકરદ્વારમાં રામજન્મનો ઉત્સવ કરે છે; આખી સીમ સૂની પડી છે.


એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછોવાળો ઘોડેસવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વરતેજનાં આંબાવડિયાંની સાખો ચાખતી કોયલો ડાળે ડાળે હીંચકે છે. આવું સોને મઢ્યું સવાર, આવાં મહેકતાં આંબેરણ, ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન, અને દેવપંખીના ટૌકાર : પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડેસવારનું મન નથી.

“હાંક્યે રાખો, ભાઈ! હાંકો ઝટ, બાપા! જોજો હોં , ક્યાંક રામનોમ રસ્તામાં નો કરવી પડે!” પોતાની સાથે ખોરડાં બાંધવાના કાટનાં બે ગાડાં હતાં, તેનાં હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડાં કડકડતાં ભર્યાં છે. એક ગાડું મૂળુ પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે.


વરતેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા અંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ-ત્રીસ ઉતારુ ભરીને બીજાં ત્રણચાર ગાડાં ચાલ્યાં જાય છે. સ્ત્રીપુરુષોનો આવડો મોટ સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્ય વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો.


આઘેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ; અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપશી શેઠ. 


ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો : “ઓહોહોહો! આ તો આપણા રવાભાઈ : આ તો બાપુ! આવો! તમે ક્યાંથી? જે સ્વામીનારાયણ!”


“જે સ્વામીનારાયણ, ગોરધન શેઠ! ચાંપશી શેઠ, જે સ્વામીનારાયણ!” રવાભાઈએ જવાબ વાળ્યો: “આપણા ઓરડા ચણાય છે તે એના સારુ કાટ લેવા હું ભાવનગર ગયો’તો”


“ઠીક થયું, ઠીક.” બે-ત્રણ શેઠિયા બોલ્યા: “અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા’તા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ. સાથે પાંચ-સાત હજારનું જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ થયો.”


“હા ભલે! જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું; પરંતુ મારે હોશિયારી રાખવી પડશે.” એમ કહી રવાભાઈએ પોતાના કાટનાં ગાડાં આગળ કર્યાં, વચમાં વાણિયાના ગાડાં રાખ્યાં અને પોતે ઘોડેસવાર થઈ પાછળ ચાલ્યા.


નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળિયે આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું: “કાં ભાઈઓ! તમે ક્યાં જાવ છો?”

 સિંધીઓ બોલ્યા: "આ સરહદનો અમારો જુંબો છે. કોઈ વટેમાર્ગુ સાથે જરજોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે."


આવો જવાબ મળ્યા છતાં રવાભાઈ ને શંકા તો રહી ગઈ. એણે કહ્યું: "તેમ હોય તો ભલે; પણ અમને તમારી જરૂર નથી. કારણ હું રજપૂત - ગરાસિયો છું અને સાથે છું, માટે તમે તમારે ખુશીથી પાછા વળો."


પણ વાણિયા બોલ્યા: "એક કરતાં બે ભલા; માટે, રવાભાઈ બાપુ, ભલેને ઈ યે સાથે આવે."


રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગલ ચાલવા માંડ્યું.૨


રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છેગામના દેવાણી ભયાત વડોદ (દેવાણી)ના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતાં કાળિયા આંબા આગળ સાથે થયા હતા.


રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાળીયા ગામ વચ્ચે કાળીસર નદી ઊતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો, એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી. ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયાર બંધ માણસો વિષે એને વહેમ હતો જ; અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરુ છે. ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી, તરવારની કોંટી છોડી, હોશિયાર થઈ, શું થાય છે તે જોતાં રવાભાઈ ચુપચાપ આગળ ચાલ્યા.


આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી ​સાથે ભળી ગયા અને ચારે જણાએ, જેવા ગાડાં ઢૂંકડાં આવ્યાં તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડાં ઊભા રખાવ્યાં અને કહ્યું: "અમને આમાં અફીણ હોવાનો શક છે; માટે આ ગાડાંઓની ઝડતી લેવા દ્યો."


ગાડાં અટક્યાં એટલે રવાભાઈ ચેતી ગયા. પોતે ઘોડી ઉપરથી ઊતરી, પોતાના બન્ને ગાડાંવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને બહાને ગાડાં અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું : "ભાઈઓ! આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો; પરંતુ આમ વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય. માટે કોરે ખસો અને ગાડાં હાલવા દ્યો."


આટલું કહેતાં કહેતાં જુંબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો: "દરબાર! તમારા કાટનાં ગાડાંની ઝડતી નથી લેવી; માટે તમે તમારાં ગાડાં હાંકીને હાલતા થાઓ. અને આ બીજાં ગાડાંઓની ઝડતી તો લેવી જ પડશે."


રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બન્ને આદમી જુંબેદાર નહિ પરંતુ આ લૂંટારુ ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે બોલ્યા: "ભાઈઓ, આ બધાંય ગાડાં મારાં છે. કાટનાં ગાડાં કાંઈ નોખાં નથી. તમારી મતલબ હું જાણી ચૂક્યો છું. પણ ભાવનગરની જમણી ભુજા ભા દેવાજીનું નામ તમે જાણો છો ને? તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહિ જ પડે. મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે. એટલે મારે તો આંહી ખપી ગયે જ છૂટકો છે. માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો, અને અમને જવા દ્યો. આજે રામનવમી છે; મારા મોંમાં નકોરડો અપવાસ છે, નાહક મારા જીવને ક્લેશ થશે માટે કોરે ખસી જાવ!"


લૂંટારાઓએ એકબીજાની સામે જોયું, પોતાની સિંધીભાષામાં એવું કાંઈ બોલ્યા કે 'આટલા બધામાં ફક્ત આ એક જ છે.' એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છુટ્ટો ઘા કર્યો; પણ સમયસૂચકતા ​વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા: "ભાઈઓ! હું એકલો છું; વળી ઉપવાસી છું; દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામીનારાયણ સહાય કરશે." એટલું બોલીને રવાભાઇ એ તલવાર ખેંચી.


વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા, સાથેના રજપૂતોમાંથીય રજપૂતાઈની રજ ઊડી ગઈ. પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું.


ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખિજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હઠી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાડાં ઉપર બીજો સખત ઘા પડ્યો.


એક તો પોતાનો નકોરડો ઉપવાસ હતો, તેમાં પાછા હઠતાં ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો; એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચુકાવી, પડતાં પડતાં, રવાભાઈએ જોરથી તલવારનો લેખણવઢ ઘા કરીને એકને જમીનદોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો, તે પોતાના માથામાં વાગ્યો; પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો; એટલે બાકીના દુશ્મનો નાહિંમત થઈ ગયા અને બન્ને લાશો ઉપાડી જીવ લઈ નાઠા. [૧]


રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ 'આડા' ઉપર ઝીલી લીધા હતા. તોય વાંસામાં તથા હાથે એમ બેત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલાં જ; છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને ​પકડી લીધા. કેટલીય વારે માંડમાંડ શૂરવીરતાનો ઊભરો શાંત થયો, ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી.


રવાભાઈ સ્વામીનારાયણના પાકા ભક્ત હતા. પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધેલું કે 'મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહિ.'


બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા.


મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા : રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચૂંકારો ન કાઢ્યો, પણ એણે તો એટલું જ કહ્યું :


"મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજું છું. અને મારી તો આજ રામનોમ સુધરી."


આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેવરાવ્યું કે 'રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો.' બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું, ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલું ભેટ મોકલ્યાં, ભારે શાબાશી આપી, શૂરવીરતાની કદર કરી.૩


આ વર્ષ પછી કેટલેક વર્ષે ભાલપ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબખાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણનાં બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસૂંબો લેતાં પહેલાં છાંટાનાખી 'રંગ છે રવાભાઈ રજપૂતને' એમ રંગ આપી કસૂંબો લીધો. સૌએ પૂછ્યું : "રવાભાઈ કોણ?"


જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી :


"ભાવનગર રાજના ભાલ-પંથક્નો હું જમાદાર હતો. રાજ્યનું ભરણું ​ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ પાંચસાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે છ જણાની ટોળીએ તેમનું હેરુ લીધું. બે જણા વાણિયા સાથે જુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવોભાઈ! ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસૂંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની તોબા પોકારું છું."


આ વાત બન્યાને આજે [૧૯૨૩માં] ૬૩ વર્ષ થયાં છે.

𓅨❀☘𓅨❀☘


 ચોર-લૂંટારુઓને, પોતે કોણ છે એ ઓળખાઈ ન જાય એટલા માટે પોતાના મરનાર સાથીઓના મુડદાં ઉપાડીને જ ભાગવું પડે, માટે જ તેઓ પોતાનાં વધુ માણસો મરવા ન દેતાં ભાગી નીકળે છે.







26
લેખ
રસધારની વાર્તા - ૧ ‘સૌરાષ્ટ્રની રસધાર’ ઝવેરચંદ મેઘાણી
0.0
મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?' એવું આકરું મેણું પામેલા કાઠિયાવાડની - આ સૌરાષ્ટ્રની - પૂરી તો નહિ, પણ બની તેટલી પિછાન આપવાનો 'રસધાર'નો અભિલાષ છે. સૌરાષ્ટ્રના મર્મભાવો આજે કાંઈ પહેલવહેલા પ્રકાશમાં આવે છે એવું નથી. દસદસ વરસ થયાં, કે કદાચ તેથી ય વધુ સમયથી, 'ગુજરાતી' પત્રના અંકોમાં સૌરાષ્ટ્રની પ્રાચીન કવિતાનો ઝરો ચાલુ જ રહ્યો છે. એનાં બિન્દુઓ ચાખ્યા પછી જ ઘણેભાગે એ રસ-માધુરીનો વધુ સ્વાદ બીજાઓને લાગ્યો હતો. ત્યાર પછી 'કાઠિયાવાડી જવાહિર'ના પ્રયોજક સદ્ગત ખીમજી વસનજીએ પણ એ પ્રવાહની અંદર પોતાની નાની-શી નીક મિલાવી હતી. પણ નવા સાહિત્યના પ્રચંડ વેગમાં તે વખતે આપણો લોકસમુદાય તણાતો હતો. પ્રાચીનતા પ્રત્યે અતિશય અણગમો વ્યાપેલો હતો. પુનરુત્થાનનો યુગ હજુ નહોતો બેઠો. ત્યાર પછી શ્રી કહાનજી ધર્મસિંહે 'કાઠિયાવાડી સાહિત્ય' નામના કાઠિયાવાડી દુહાઓના બે સંગ્રહો વાટે એ વહેણને જોશ દીધું. કમભાગ્યે એ સુંદર સંગ્રહની અંદર અર્થો સમજાવવનું રહી ગયું છે. ત્યાર પછી શ્રી હરગોવિંદ પ્રેમશંકરે 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ' પ્રગટ કરી. 'ગુજરાતી'માં પ્રસિદ્ધ થયેલી થોડીક વાર્તાઓ
1

નિવેદન

9 October 2023
2
0
0

પહેલી આવૃત્તિ મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?' એવું આકરું મેણું પામ

2

નવે અવતારે

9 October 2023
0
0
0

નવે અવતારે સાત વર્ષ વીતી ગયાં. તે દિવસે કલ્પના નહોતી, પણ આજે જ્યારે એ સાત વર્ષ પૂર્વે પ્રગટ થયેલી 'રસધાર:ધારા પહેલી'ની પ્રથમ આવૃત્તિ ઉપર દૃષ્ટિ પડે છે ત્યારે પ્રતીતિ થાય છે કે 'તરણા ઓથે ડુંગર રે, દ

3

રંગ છે રવાભાઈને

9 October 2023
0
0
0

રંગ છે રવાભાઈને ધરતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ આકરા તાપના દિવ

4

જટો હલકારો

9 October 2023
0
0
0

જટો હલકારો બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના

5

વાલીમામદ આરબ

9 October 2023
1
0
0

વાલીમામદ આરબ "જમાદાર સા'બ, ચલો રોટી ખાવા." "નહિ, હમ ખાયા." "ચલો ચલો, જે બટકું ભાવે તે, મેરા ગળાથ (સોગંદ)" ત્રણ ગમને ત્રિભેટે, આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી. એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથ

6

ગરાસણી

9 October 2023
2
0
0

ગરાસણી ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવાં જાવાં છે. તમે સાથે જશો ને?" "ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવ

7

આહીરની ઉદારતા

9 October 2023
0
0
0

આહીરની ઉદારતા "આમ તો જુવો, આયર!" "કાં? શું છે?" "આ જોડી તો જુવો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઇ. અરે, એની એકબીજાની માયા તો નરખો! મૂવું, મને તો આસુંડા આવી જાય છે." "આયરાણી! અતિ હરખઘેલી કાં થઈ જા અટા

8

ભાઈબંધી

10 October 2023
2
0
0

ભાઈબંધી બહોળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રો વરૂ નામનો ગરાસિયો હતો. માત્રા વરૂને આંગણે એક સો ભેંસો દૂઝતી હતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ ગીરના

9

ઘેલાશા

10 October 2023
0
0
0

ઘેલાશા [જન્મ: સં.૧૮૨૬ * મ્રુત્યુ: સં.૧૮૮૩] સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામ નો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો ત્રણસો ઘોડાં હાંકતો. એક રાતે ચાચરિયાની ડ

10

ભેંસોનાં દૂધ!

10 October 2023
0
0
0

ભેંસોનાં દૂધ! ડુંગરા અને વનરાઇ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ

11

ભોળો કાત્યાળ

10 October 2023
0
0
0

ભોળો કાત્યાળ ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઇશ્વરે એને ગઢપણમાં દુ:ખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તલવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં ગીરની અં

12

આહીર યુગલના કોલ

10 October 2023
0
0
0

આહીર યુગલના કોલ "આટલી બધી પ્રીત કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને ?" "એવું અમંગળ શું કામ ભાખો છો ?" "ના, ના, પણ ધાર્ય કે અચાનક મારું મોત નીપજે તો ?" "તો પછી તમારી વાંસે

13

આનું નામ તે ધણી

10 October 2023
0
0
0

આનું નામ તે ધણી દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા

14

દેપાળદે

10 October 2023
0
0
0

દેપાળદે ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસ

15

સેજકજી

10 October 2023
0
0
0

સેજકજી તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ. ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે : એવી ર

16

રાણજી ગોહિલ

10 October 2023
0
0
0

રાણજી ગોહિલ ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશા

17

મોખડોજી

10 October 2023
0
0
0

મોખડોજી ‘લેજે, મોખડા હડમાન, તારું દાણ!” પેરંભ બેટને પડખે જે જે વહાણ નીકળે, તેના ખારવાઓ આવી રીતે એ ટાપુને અક્કેક નાળિયેર ચડાવે છે. ટાપુના ધણી મોખડાજીને મૂઆં છસો વરસ વીતી ગયાં, પણ એની આણ દરિયા ઉપરથી હ

18

બોળો

11 October 2023
0
0
0

બોળો વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્વાર એક વાડીએ આવીને ઊતરી પડ્યો. પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યાં.

19

ભીમોરાની લડાઈ

11 October 2023
0
0
0

ભીમોરાની લડાઈ "કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું ! તમને જસદણના બા‘રવટિયાને હું શી રીતે સંઘરું ?" "આપા નાજા ખાચર ! મેં બા‘રવટું ખેડ્યું તે અધરમનું મહિ. માર

20

ઓઢો ખુમાણ

11 October 2023
0
0
0

ઓઢો ખુમાણ આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર ઓઠો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં 'કરણ મહારાજનો પહોર' ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઇ એક બાઇ પોતાની સાથે એક પંદર વરસના કિશોરને આંગળીએ વળગ

21

વાળાની હરણપૂજા

11 October 2023
0
0
0

વાળાની હરણપૂજા હરણાંનાં ટોળાં હાલ્યાં જાતાં હોય, પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુવાળાં પશુ નિર્ભયપણે ચારો કરે છે. એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્

22

ચાંપરાજ વાળો

11 October 2023
0
0
0

ચાંપરાજ વાળો મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ

23

આઈ કામબાઈ

11 October 2023
0
0
0

આઈ કામબાઈ જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસુ ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અ

24

કટારીનું કીર્તન

12 October 2023
0
0
0

કટારીનું કીર્તન 'રા'જકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પ

25

સાંઈ નેહડી

12 October 2023
0
0
0

સાંઈ નેહડી મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક

26

શૂરવીરની પહેલી મિલન-રાત

12 October 2023
0
0
0

શૂરવીરની પહેલી મિલન-રાત [દુહા] પેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ, પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. (૧) મીલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગં

---

એક પુસ્તક વાંચો