આઝાદ ફોજ વિશે થોકબંધ સાહિત્ય બહાર પડવાની તૈયારીઓ થઈ રહી છે. એની સત્યકથામાં જ બલિદાન અને મરણિયાપણાના એવા રાતા-કેસરિયા રંગો પડ્યા છે કે શબ્દચાતુરીની ગમે તેવી રંગપુરણી પણ કદાચ એની આગળ ફિકકી જ દેખાશે. એટલે આ પુસ્તિકામાં માત્ર હકીકત જ આપેલી છે. લશ્કરી અદાલતમાં લગભગ બે મહિના સુધી આઝાદ ફોજના ત્રણ અફસરો ઉપર ચાલેલા પ્રથમ મુકદ્દમાનો ટુંકાવેલો અહેવાલ અહીં આપ્યો છે. પૂરા અહેવાલના શબ્દ શબ્દમાં સામાન્ય વાચકને કાંઈ રસ ન હોય એટલે એમાંથી વીણી વીણીને અહીં આપ્યું છે. પુસ્તિકા પ્રથમ તો ૧૦૦ પાનાની જ કરવા ધારેલી. પણ અગત્યની કોઈ વાત આ સળંગ અને કડીબદ્ધ અહેવાલમાંથી રહી ન જાય તેથી એને એના અત્યારના કદ સુધી ન છૂટકે વધવા દેવી પડી છે.
આ અહેવાલ દૈનિક અંગ્રેજી અખબારની કટારામાંથી ભેગો કરી, વીણીને તેનો અનુવાદ કરવાનું કામ મહેન્દ્ર મેઘાણીએ કર્યું છે.દિલ્હીના 'હિંદુસ્તાન ટાઈમ્સ'ના અહેવાલને સૌથી વધુ જવાબદાર અને ઝીણવટભર્યો માનીને વિશેષતઃ એને જ એ વફાદાર રહ્યા છે.
જેને લીધે આ પુસ્તિકા શોભિતી બની છે તે ચિત્રોના બ્લોક વાપરવા દેવા બદલ અમદાવાદના 'ગુજરાત સમાચાર'ના અમે ઋણી છીએ.
પ્રકાશનમાળાનું સંપાદન-કાર્ય શ્રી ઝવેરચંદ મેઘાણીના હાથમાં છે. પરંતુ આ અથવા બીજી કોઇ પુસ્તિકા કે આખી પ્રકાશનમાળા અંગેના કોઈપણ સૂચનો ભારતી સાહિત્ય સંઘ લિ.ને જણાવવા વિનતિ છે. પ્રકાશનમાળાની હવે પછીની પુસ્તિકા જાવાને લગતી રાખવાની અને પહેલી માર્ચ સુધીમાં એને બહાર પાડવાની ધારણા છે. હવે પછીની પુસ્તિકાઓનું કદ સો-સવાસો પાનાનું રહેશે, અને કિંમત લગભગ રૂપિયો રહેશે.