પઢાવાયેલા સાક્ષીઓ ?વીસમા સાક્ષી તોપચી બહાલસીંધ ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં આ૦ હિં૦ ફો૦મા જોડાયા ત્યાં સુધી મલાયાની જુદી જુદી નજરકેદ છાવણીમાં હતા. બરમામાં પોપા ટેકરીને મોરચે ગયેલી આ૦ હિં૦ ફો૦ની ટુકડીએામાં એ પણ શામિલ હતા. ઊલટ તપાસમાં ભુલાભાઈએ એમને પૂછ્યું : આ૦ હિં૦ ફો૦ હિંંદની સ્વાધીનતા ખાતર લડવા માટે ઊભી કરવામાં આવી હતી એ તમે જાણતા હતા ?
સાક્ષી : ના.
ભુ૦ : તમે આ૦ હિં૦ ફો૦ માં જોડાયા હતા, ખરું કે નહિ ?
સા૦ : હા.
ભુ૦ : એમાં કોણ કોણ હતું ?
સા૦ : હિંદીઓ અને મલાયાવાસીઓ.
ભુ૦ : એમનું કામ લડવાનું હતું ?
સા૦ : હા.
ભુ૦ : શેને ખાતર લડવાનું ?
સા૦ : મારામાં મર્યાદિત બુદ્ધિશક્તિ છે અને મને સવાલ સમજાતો નથી.
ભુ૦ : ઠીક, ત્યારે તમને હું એટલેથી જવા દઉ છું
એકવીસમા સાક્ષી હતા જાટ રેજિમેન્ટના સિપાહી સૈયદુલ્લાખાન. ૧૯૪૦ની ૧૨મી ડીસેંબરે હિંદી લશ્કરમાં એ જોડાયેલા. અને ૧૯૪રની બીજી જાન્યુઆરીએ મલાયા પહોંચેલા સિંગાપુરના પતન પછી ૧૯૪૩ના સપ્ટેંબર કે ઑકટોબરમાં એ આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. ૧૯૪૫ના માર્ચ મહિનામાં એમની ટુકડી બરમામાં પોપા ટેકરીના વિસ્તારમાં ચોકિયાતી-કામગરી બજાવતી હતી. અમેરિકનો અને અંગ્રેજોનું સ્થાન શોધવાનો એ પ્રયાસ કરતી હતી...એમની ટુકડી જાપાનીઓ સાથે એક ગામમાંથી પસાર થતી હતી ત્યારે એની ઉપર તાપમારો થયો. એ દોડીને એક હવાઈ હુમલામાં રક્ષણ આપતી ખાઈમાં ઊતરી પડ્યા. તોપમારો બંધ થયા પછી બહાર નીકળીને એમણે જોયું તો ન મળે જાપાનીઓ કે ન મળે હિંદીઓ. પછી એ હિંદી લશ્કરની એક ગુરખા બેટેલિયનને શરણે થઈ ગયા.
સવાલ : તમે કાંઈ રોજનીશી રાખો છો ખરા ?
સાક્ષી : હું અભણ માણસ છું અને રોજનીશી રાખતો નથી.
ભુ૦ : ત્યારે તમે પટપટ બોલી ગયા એ બધી તારીખો તમે યાદ કેવી રીતે રાખી ? બે ડઝન જેટલી તારીખે મેં સાંભળી છે.( એનો કાંઈ જવાબ ન મળ્યો. )
શ્રી ભુલાભાઈએ પોતાનો સવાલ ફરીથી પૂછ્યો અને કહ્યું : 'તમે કાંઈ રોજનીશી રાખતા નથી. તો એક પછી એક આ તારીખો તમે કઈ રીતે આપી તે હું જાણવા માગું છું.
સાક્ષી હજી ગળચવાં ગળતો હતો એટલે શ્રી. ભુલાભાઈ બોલ્યા: 'તમને હું સીધો સવાલ જ પૂછું : આ અદાલતમાં આવતાં પહેલાં આ બધી જુબાની તમને શીખવવામાં આવી છે ? 'હા' કે 'ના'માં જવાબ આપો.
સા૦ : શી જુબાની આપવી તે મને કહેવામાં આવેલું.
ભુ૦ : એને કારણે જ તમને આ તારીખો યાદ રહી હતી ને ?
સા૦ : હા.
ભુ૦ : તમને આ બધી તારીખો ગોખાવવામાં આવેલી ?
સા૦ : હા.
બાવીસમા સાક્ષી લાન્સ–નાયક મહમ્મદ સૈયદ ૧૯૪૩માં આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. ૧૯૪૪ની આખરમાં કે ૧૯૪૫ની શરૂઆતમાં એમની રેજિમેન્ટ બરમામાં હતી ત્યારે એની સમક્ષ ભાષણ કરતાં લે૦ કર્નલ સેહગલે કહેલું કે –
“મોરચા પર લડી રહેલી કોઈ ટુકડીનું નેતૃત્વ લેવાની લાંબા કાળની મારી ઇચ્છા હતી. એવી કોઈ ટુકડીનું નેતૃત્વ મને સોંપવાની વિનતિ મેં નેતાજી સુભાષચંદ્ર બોઝને કરેલી. જે ગેરીલા રેજિમેન્ટ એના ઉજળાના નામ માટે જાણીતી છે તેની લગામ સંભાળી શકવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. બેટેલિયનના કમાન્ડરોથી જે દૂર ન થઈ શકે એવી ફરિયાદ કે મુશ્કેલી કોઇને જો હોય તો એમણે મારી પાસે આવવું અને હું તે નિવારવા પ્રયત્ન કરીશ.”
બરમામાં પાપા ટેકરીને મોરચે લડતાં લડતાં હું નાસીને અંગ્રેજો સાથે મળી ગયેલો.
ઊલટતપાસમાં સાક્ષીએ કહ્યું કે પોપા ટેકરી ઉપર લે૦ ક૦ સેહગલે કરેલા ભાષણમાં કહેલું કે -
“આ લડાઈની મુસીબતો જે ન ખમી શકતા હોય એમણે એમનાં નામ મને આપવાં અને એમને મોરચાની પાછળના વિસ્તારમાં મૂકવામાં આવશે. કોઈ અફસરોને કે સૈનિકાને સામા પક્ષે જતા રહેવું હોય તો તે જઈ શકે છે.”
નેતાજી બોઝનું એક લાંબુ ભાષણ મેં સાંભળેલું. હિંદની આઝાદી કાજે લડવાનો એમણે અમને આગ્રહ કર્યો હતો. એમણે કહેલું કે, “હિંદુસ્તાનના કરોડો કંગાલોના આપણે પ્રતિનિધિઓ છીએ અને ખિસ્સાખર્ચની નાની રેકમોથી અને સરકારની મર્યાદિત શક્તિથી મળી શકે તેટલા ખોરાકથી સંતોષ માનવો જોઈએ. ઘણા જ થોડા સમયમાં આ રેજિમેન્ટ મોરચા પર પહોંચશે. આપણે જ્યાં જન્મ લીધો છે એ દેશ પ્રત્યેની ફરજ આપણે બજાવવી જોઇએ,”
: ૧૦ :૨૯મી નવેંબર:ગુરુવાર
ત્રેવીસમા સાક્ષી સરહદી હવાલદાર ગુલામ મહમદ ૧૯૪૨ના ઑકટોબરમાં આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. ૧૯૪૫ના જાન્યુઆરીમાં બર્મામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની રેજિમેન્ટની મુલાકાતે આવેલા ત્યારે સિપાહીઓ સમક્ષ એમણે ભાષણ કરેલું કે -
'ગયે વરસે આ૦ હિં૦ ફો૦એ પહેલીજ વાર રણમેદાનમાં દુશ્મનનો સામનો કર્યો હતો. આ૦ હિં૦ ફો૦નાં કાર્યો અદ્ભુત હતાં, મારી ધારણા બહારનાં હતાં, અને દોસ્ત તથા દુશ્મન બેઉની પ્રશંસા એણે મેળવી હતી. જ્યાં જ્યાં આપણે એની સાથે લડ્યા ત્યાં ત્યાં દુશ્મનને આપણે સખત હાર ખવરાવી છે. ખરાબ હવામાન અને બીજી મુશ્કેલીઓને કારણે પરાજય પામ્યા વિના – એક વ્યુહના પગલા તરીકે આપણાં દળો આપણે ઇમ્ફાલ મોરચેથી પાછાં ખેંચી લેવાં પડ્યાં હતાં. હવે આપણે એ મુશ્કેલીઓ પાર કરવાનો પ્રયાસ કર્યો છે. પણ સૌએ યાદ રાખવું જોઈએ કે આપણી ફોજ તો એક ક્રાન્તિકારી સેના છે. માનવશક્તિથી જેટલા સુસજજ આપણા દુશ્મનો છે એટલા આપણે નથી. આપણા દુશ્મનોએ નક્કી કર્યું છે કે હિંદુસ્તાન રક્ષણની પહેલી લડાઈ એ આસામમાં લડશે અને એ વિસ્તારને એમણે હિંદનું સ્ટાલિનગ્રાડ બનાવ્યો છે.
આ વરસ લડાઈનું નિર્ણયાત્મક વર્ષ હશે. હિંદની આઝાદીનું ભાવિ ઇમ્ફાલની ટેકરીઓ નજીક અને ચિત્તાગોંગનાં મેદાનો ઉપર નક્કી થઇ જશે. ગયે વર્ષે આપણા કેટલાક સિપાહીઓ દુશ્મન સાથે ભળી ગયેલા. આ વખતે આપણે મોરચા ઉપર જઈએ ત્યારે એક પણ માણસ દુશ્મનપક્ષે ચાલ્યા જાય એ હું નથી ઈચ્છતો. એટલે, નબળાઇ, નામરદાઇ કે બીજા કોઇ કારણસર પોતે મોરચા પર જઇ શકે તેમ નથી એમ કોઇને લાગે તો એણે એની રેજિમેન્ટના કમાન્ડરને એ ખબર આપવા, અને એને પાછળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.
હું તમારી સામે કોઈ અત્યંત ગુલાબી ચિત્ર દોરવા માગતો નથી, ભૂખ તરસ અને બીજી મુસીબતો ઉપરાંત મોરચા પર જાવ ત્યારે મોતનો પણ તમારે સામનો કરવો પડશે. દુશ્મને તમામ તૈયારીઓ કરી છે એટલે આપણે પણ આપણી બધી શક્તિઓ એકત્રિત કરવી પડશે.
આ૦ હિં૦ ફો૦ના અત્યારના પોકાર “ચલો દિલ્હી” ઉપરાંત આજથી એક બીજો પોકાર પણ શરૂ કરવામાં આવશે. એ છે : ખૂન, ખૂન, ખૂન એટલે કે હિંદુસ્તાનની ૪૦ કરોડની પ્રજા માટે આપણે આપણું ખૂન વહાવશું, એજ રીતે એ ધ્યેય માટે દુશ્મનનું લોહી પણ આપણે વહેવડાવશું દક્ષિણમાંના હિંદી નાગરિકોનો પોકાર આ હશે ; નિચ્છાવર સબ કરો, બનો સબ ફકીર.' 'ઈન્કિલાબ ઝીંદાબાદ ! ચલો દિલ્હી ! ખૂન, ખૂન, હજી વધુ ખૂન !”
માર્ચ મહિનામાં પ્યીનબિન ઉપર હલ્લો કરવા બેટેલિયન નં. ર ની બે કંપનીઓ મોકલવામાં આવી હતી. એ રવાના થાય તે પહેલાં કૅ. શાહનવાઝખાન એને મળવા આવ્યા. એમણે કહ્યું: 'બેટેલિયન નં ર ના સિપાહીઓ ઉપર અમારી નજર મંડાયેલી છે. એ બેટેલિયનની બે કંપનીઓ આજે પહેલી જ વાર મોરચા ઉપર જઇ રહી છે. ગયા વર્ષની લડાઈ દરમિયાન મેળવેલા અનુભવ ઉપરથી હું કહી શકું છું કે દુશ્મન બાયલો છે. તમારી પાસેથી હું આશા રાખું છું કે હિંદુસ્તાનનું નામ તમે કોઈ રીતે નીચું નહિ પાડો. તમારે માટે હું પ્રાર્થના કરુ છું.'
તે પછી સાક્ષીએ એ મોરચા પરના એક પ્રસંગની વાત કરી, જેમાં આ૦ હિં૦ ફો૦ના અફસરના તાબા હેઠળની એક ટૂકડીમાંના જાપાનીઓ દુશ્મનના ગોળીબારનો અવાજ સાંભળીને ભાગી ગયા હતા. બરમાને મોરચે દુશ્મનની ટૂકડીએ સાથે આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓને થયેલી અથડામણો, આ૦ હિં૦ ફો૦એ ભગાડેલા દુશ્મન સૈનિકો, આ૦ હિં૦ ફો૦ ઉપર એક સ્થળે બાર બ્રિટિશ વિમાનોએ ૩-૪ કલાક સુધી કરેલો બોંબમારો, વ.નું વર્ણન કર્યા બાદ સાક્ષીએ જણાવ્યું કે ૧૯૪૫ના એપ્રિલની આખરમાં કૅ૦ સેહલગ એને તેમના માણસો ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા. પોતાના માણસોને ભેગા કરીને કૅ૦ સેહલગે એમને કહ્યું, “આપણી સામે હવે ત્રણ રસ્તા ખુલ્લા છે: એક તો અગાઉની માફક લડતાં લડતાં દુશ્મનની હરોળ વીંધીને જતા રહેવાનો, બીજો નાગરિક-વેશમાં ભાગી નીકળવાનો અને ત્રીજો યુદ્ધકેદીઓ બની જવાનો.” એક કલાકની વિચારણા બાદ બધા અફસરો એ યુદ્ધકેદીઓ બની જવાનું નક્કી કર્યું.
તે પછી કૅ. સેહગલે મિત્રદળોના કમાન્ડરને એક ચિઠ્ઠી મોકલી. એમણે સાક્ષીને કહેલું કે પોતે યુદ્ધકેદી બનવા માગે છે એવું એમણે એ ચિઠ્ઠીમાં લખ્યું હતું. કૅ૦ સેહગલે પોતાના અફસરોને કહેલું કે, યુદ્ધકેદીઓ બનાવવાની આપણી માગણી નહિ સ્વીકારાય તો આપણે લડવાનું ચાલુ રાખશું.
શરણાગતિ પૂર્વેના દિવસેાની વાત કરતાં સાક્ષીએ કહ્યું કે, ૧૯૪૫ના માર્ચમાં અમારી રેજિમેન્ટ પોપા પહોંચી ત્યારે કૅ૦ સેહગલે એમને કહેલું કે, “જેમને આ૦ હિં૦ ફો૦માં ન રહેવું હોય અને દુશ્મનપક્ષે જતા રહેવું હોય તેમણે મને એ વાત કરી દેવી. એટલે એ બધાને એક ટૂકડીરૂપે દુશ્મનની છાવણીમાં મોકલી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે. પણ પોતાની સાથે હથિયારો કે કાગળિયાં લઇ જવાની રજા આ લોકોને મળશે નહિ, હું એમ ઈચ્છું છું કે એક એક અને બબ્બે માણસો નાસી ન જાય.”
સાક્ષીએ થોડા કિસ્સા વર્ણવ્યા: જેમાં ફોજમાંથી નાસી છૂટનારાઓ અને નાસી છૂટવાની કોશિશ કરનારાઓએ પોતાની ભૂલ કબૂલ કર્યાથી અને માફી માગ્યાથી કૅ૦ સેહગલે તેમની સજા માફ કરી હતી. હુકમપાલનની ના પાડવા બદલ મોતની સજા પામેલા એક હવાલદાર ગંગાસરણને પણ કૅ૦ સેહગલે માફી બક્ષ્યાની વાત સાક્ષીએ જણાવી.
ઑગસ્ટ ૧૯૪૩માં પોતે સિંગાપુરની એક છાવણીમાં હતા ત્યારે સાક્ષી અને બીજાઓની સમક્ષ ભાષણ કરતાં કર્નલ શાહનવાઝે કહેલું કે, “ આ૦ હિં૦ ફો૦ હિંદની સ્વાધીનતા માટે ઊભી કરવામાં આવી છે. બ્રિટિશ શાહીવાદ સામેજ નહિ, પણ હિંદની આઝાદીના માર્ગમાં અંતરાય કરનારાઓ અને હિંદને ગુલામ બનાવવા માગનારી બીજી કોઈ પણ સત્તા સામે પણ એ લડશે. જેણે બ્રિટિશ સરકારની ઘણી સેવા કરી છે એવા કુટુંબમાંથી હું આવું છું. પણ જેમ હઝરત ઈમામે સત્ય અને ઈન્સાફ માટે યુદ્ધ ચડવાનું નક્કી કર્યું હતું તેમ મેં પણ હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે મારી જિંદગીને ફના કરી દેવાનું નક્કી કર્યું છે. આઝાદી માટે ઝંખવું અને તેને માટે લડવું એ દરેક હિંદુસ્તાનીનો હક્ક છે.”
૧૯૪૫ના જાન્યુઆરીમાં પોપામાંના હિંદીઓની એક સભામાં કર્નલ શાહનવાઝે ભાષણ કરેલું કે, “ ચોથી ગેરીલા રેજિમેન્ટના કેટલાક માણસો નાસીને દુશ્મન સાથે મળી ગયા. આથી નેતાજીને ઘણું ઘણું દુ:ખ થયું છે. નેતાજી પોતે જ અહીં આવવા માગતા હતા પણ મેં નેતાજીને ખાતરી આપી છે કે હું જાતે આ બાબતમાં તપાસ કરીશ. આજે દુનિયાની આંખો આ૦ હિં૦ ફો૦ ઉપર મંડાયેલી છે. આ વખતે જો આપણે આઝાદી નહિ મેળવી શકીએ તો એકસો વર્ષ સુધી એ નહિ પામીએ. એટલે, નેતાજીની આગેવાની નીચે પોતાની જિંદગીનો ભોગ આપવાની સો એ સે ટકા તૈયારી તમારામાંથી કોની કોની છે એ મને કહો.”
ફોજમાંથી નાસી છૂટવાની કોશિશ કરવા માટે સાક્ષીને મોરચા પરથી કેદ પકડીને બીજા સોળની સાથે હથિયારબંધ પહેરા નીચે પગપાળા રંગુન મોકલવામાં આવેલ. રસ્તામાં માંગ્વે ગામે ૧૯૪૫ના એપ્રિલની ૧૯ મીએ અંગ્રેજોએ એમની ઉપર હુમલો કર્યો. પહેરેગીરો નાસી ગયા અને સાક્ષી જઈને અંગ્રેજો સમક્ષ રજૂ થયા.
તે પછીના સાક્ષી સિપાહી જાગીરીરામ સિંગાપુરના પતન પછીના આકટોબર માસમાં આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા. મહમમ્મદ હુસેનની સાથે ફોજમાંથી નાસી જવાની કેાશિશ કરવા બદલ મહમ્મદ હુસેનને અપાયેલી મોતની સજાનો અમલ કરવાનું કામ એને બળજબરીથી સોંપાયેલું એમ સાક્ષીએ કહ્યું. સાક્ષી હિંદી લશ્કરમાં તબીબી ખાતામાં હતા અને પાટાપીંડી કરવાનું અને પથારીઓ પાથરવાનું કામ એ કરતા. એમણે કદી કેાઈ હથિયાર વાપર્યું નહોતું. છતાં મહમ્મદ હુસેન ઉપર ગોળીબાર કરનારા ત્રણમાંના એક તરીકે એમને ઊભા રાખવામાં આવેલા. એમના હાથમાં જબરદસ્તીથી રાયફલ પકડાવાયેલી અને જો એ રાયફલ ન ચલાવે તો મહમદ હુસેનની સાથે એને પણ ઠાર મારવાની ધમકી અપાયેલી. પરિણામે સાક્ષીએ મહમમદ હુસેન ઉપર રાયફલ ચલાવેલી.
: ૧૧ :૩૦ મી નવેંબર : શુક્રવાર
મહમ્મદ હુસેન એક મુસલમાન હતા તેથી વિશેષ એમને વિષે સાક્ષીને કાંઈ માહિતી નથી એમ એણે કહ્યું. એ સાવ અભણ છે અને રોમન લિપિમાં માત્ર પોતાનું નામ લખી જાણે છે. તારીખિયાની, સાલની, મહિનામી કે બીજી કશી જ એમને ખબર નથી. મહમ્મદ હુસેનને ગોળીએ દેનારા એની સાથેના બે બંધૂકધારીએામાંનો એક શીખ હતો અને એક તામીલ હતો. એથી વિશેષ એમને વિશે સાક્ષી કાંઈ કહી શકે તેમ નહોતા.
પછી આવ્યા ફરિયાદપક્ષના પચ્ચીસમા સાક્ષી લાન્સ–નાયક સલાર મહમ્મદ. સિંગાપુરના પતન પછી આ૦ હિ૦ ફો૦માં જોડાઈને અાખરે ૧૯૪૫ના એપ્રિલમાં બરમા મોરચે અંગ્રેજો સાથે એ ભળી ગયેલ. મહમ્મદ હુસેનને ઠાર મારવામાં આવ્યા ત્યારે પોતે ત્યાં હાજર હતા, એના મૃતદેહમાં ત્રણ ગોળીઓ વાગેલી પોતે જોઈ હતી, પણ અંધારું થઈ જવા આવ્યું હોવાથી એ શરીરમાંથી કાંઈ લોહી નીકળતું જોયું નહોતું એમ એમણે કહ્યું.
તે પછીના સાક્ષી હતા તબીબી ઓર્ડરલી અબ્દુલ હાફિઝખાન. એક દરદીને એ પોપા વિસ્તારમાંની ઇસ્પિતાલમાં લઈ જતા હતા ત્યારે એક નાળામાં મેજર ધિલન અને બીજા કેટલાક માણસોને એણે જોયેલા. એમની સાથેના ચાર માણસો ખાઈમાં ઊભા હતા. ઇસ્પિતાલમાંથી નીકળ્યા બાદ એ જગ્યાએ સાક્ષી ગયા ત્યારે એમણે મેજર ધિલનને ખાઈમાંના માણસોમાંના એક પછી એકને બોલાવતા જોયા. એમને ઠાર મારવા માટે મેજર ધિલને માણસોને બોલાવ્યા. શેરસીંઘ, કાલુરામ અને હિદાયતુલ્લા નામના માણસો આગળ આવ્યા. મેજર ધિલને એક કેદીને બોલાવ્યો અને હાજર રહેલા સૌને કહ્યું કે આ ચાર માણસો નાસીને દુશ્મનની છાવણીમાં જતા રહેતા પકડાયા છે. એટલે એમને મોતની સજા આપવાની છે. મેજર ધિલનના હુકમથી વારાફરતી ચારેય કેદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તે પછી સાક્ષીએ એ ચારને જોયા હતા, પણ એ હજી મરી ગયા નહોતા, કારણ કે એ હલતાચાલતા હતા. તે પછી મેજર ધિલનના હુકમથી શેરસીંઘે એમાંના દરેક કેદી ઉપર એક-બે ગાળીઓ છોડી, અને પછી એક દાક્તરે જાહેર કર્યું કે એમનું મોત નીપજ્યું છે. ગોળીએ દેવાયેલા ચાર માણસો જાટ હતા, તેથી વિશેષ સાક્ષીને કાંઈ માહિતી છે નહિ. આખો બનાવ અરધા કલાકમાં ખતમ થયેા હતેા. એ બનાવ ક્યારે બન્યો તેની તારીખ, અઠવાડિયું કે મહિનો સાક્ષી કહી શકે તેમ નથી. એ બનાવ પછી પંદરેક દિવસે સાક્ષી હિંદી લશ્કરની એક ગુરખારેજિમેન્ટ સાથે મળી ગયેલ.
: ૧૨ :૭મી ડીસેંબર : શુક્રવાર
જાવાની લડાઈમાં એ ભાગ લઈ રહેલા ત્યાંથી તેડાવાયેલા ફરિયાદપક્ષના છેલ્લા સાક્ષી લે૦ કર્નલ કિટસને કૅ૦ સેહગલ અને તેમના માણસોની શરણાગતિવાળો બનાવ વર્ણવ્યો. એમણે જણાવ્યું કે–
'૧૯૪૫ના એપ્રિલમાં મારી ટૂકડી ઇરાવદી નદીને ડાબે કાંઠે આગળ વધી રહી હતી. મેગીગામ નજીક અમે પહોંચ્યા ત્યારે અમારી આગલી કંપનીના કમાન્ડર કૅ૦ સેહગલ અને આ૦ હિં૦ ફો૦ના સોએક માણસોને મારી પાસે લઈ આવ્યા. બ્રિટિશ દળોના કમાન્ડરને ઉદ્દેશીને લખાયેલી યુદ્ધકેદીઓ તરીકેની શરણાગતિની એક ચિઠ્ઠી એ કમાન્ડરે મને આપી. એ ચિઠ્ઠીમાં લખેલું હતું કે આ૦ હિં૦ ફો૦ના ત્રીસેય અફસરો અને પાંચસોએક સિપાહીઓ બ્રિટિશ દળોને શરણે આવવા માગતા હતા. એ ચિઠ્ઠી મેં સાચવી નથી. બેએક મહિના પછી મેં એનો નાશ કરેલો. પાછળથી મેં કૅ. સેહગલ સાથે વાત કરી અને એમણે મને કહ્યું કે આ૦ હિં૦ ફો૦ની એક રેજિમેન્ટના એ આગેવાન હતા.
તે પછી મેં કૅ. સેહગલને કેટલાક પ્રશ્નો પૂછેલા. આ૦ હિં૦ ફો૦ માં એ શા માટે જોડાયા એમ મેં પૂછેલું, પણ એ વિષયની ચર્ચા કરવાની કૅ. સેહગલની ઇચ્છા નહોતી. કૅ. સેહગલે કહેલું કે બ્રિટિશ અફસરોમાંના બે-ત્રણ એમના ખાસ મિત્ર હતા. એમણે એમ પણ કહેલું કે હિંદમાં બ્રિટિશ શાહીવાદની હયાતી એમને નાપસંદ છે. કૅ. સહગલે મને એમ કહ્યું હતું કે પોતે જેને સાચું માન્યું તેને માટે એ લડેલા; અને હવે એ હારી ગયા એટલે એનાં પરિણામ ભોગવવા તૈયાર હતા.'