ન્યાયાધીશ
પૂના નગરની અંદર પેશ્વા વીર રઘુનાથરાવ રાજ કરે છે.
સિંહાસન ઉપરથી ઊઠીને એક દિવસ રઘુનાથે રાજસભાને હાકલ કરી : 'શૂરવીરો ! સજજ થાઓ. મૈસૂરના માલેક હૈદર અલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભાર બહુ વધી ગયો છે.'
જોતજોતામાં તો એંશી હજાર યોદ્ધાઓએ બખ્તર સજ્યાં. ગામેગામથી, નગરેનગરથી, જંગલોમાંથી અને પહાડો પરથી વીર પુરુષો ચાલ્યા આવે છે, કેમ જાણે શ્રાવણ માસના અખંડ ઝરાઓ વહી આવતા હોય !
આકાશની અંદર વિજય-પતાકા ઊડે છે, શંખ ફૂંકાય છે અને નગરની ૨મણીઓ વિદાયનાં વીર-ગાન ગાય છે. પૂના નગરી જાણે ગર્વથી ધણધણી ઊઠી છે.
ગગનમાં ધૂળની આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું. રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો. એંશી હજારની સેના યુદ્ધે ચડી. અકસ્માત આ માતેલી સેના કાં થભી ગઈ ? મહાસાગરનાં મેાજાં જાણે કેાઈ જળદેવતાની છડી અડકતાં ઊભા થઈ રહ્યાં ! નગરીના દરવાજાની અંદર આવતાં જ રાજાજી કાં નીચે ઊતર્યા ? અત્યંત વિનયભર્યે મોઢે એ કોને નમન કરે છે ?
એંશી હજારની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઊભો છે. એનું નામ ન્યાયાધીશ રામ શાસ્ત્રી. બે બાહુ ઊંંચા કરીને રામશાસ્ત્રી હાકલ પાડે છે : 'રાજા, તારા અપરાધનો ઈન્સાફ પામ્યા સિવાય તું શહેર બહાર કયાં નાસી જાય છે ?'
વિજયના નાદ બંધ પડયા. સમરાંગણની શરણાઈઓ શાંત બની. એંશી હજારની સેના શ્વાસ લે છે તેનો પણ એકતાલમાં ધબકારો બોલે છે.
રઘુનાથ બોલ્યોઃ 'હે ન્યાયપતિ ! આજ યવનનો સંહાર કરવા નીકળ્યો છું. આશાભેર અવનિનો ભાર ઉતારવા ચાલ્યો છું. એવે મંગળ સમયે આપ કાં આડો હાથ દઈને ઊભા ?'
રામશાસ્ત્રીના મોં ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો. એ બોલ્યાઃ 'રઘુપતિ ! તું રાજા, તારે હાથ એંશી હજારની સેના, પણ ન્યાયાસન આગળ તો તારે ય મસ્તક નમાવવું પડશે.'
રાજા માથું નમાવીને જવાબ વાળે છે : 'સાચું, પ્રભુ ! અપરાધી હોઉં તો દંડ આપો.'
ન્યાયમૂર્તિ બોલ્યાઃ 'તારા ભત્રિજાનું ખૂન કર્યાનો તારા પર આરેાપ છે, રઘુપતિ ! એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે. નગર છોડીને તારાથી નીકળાશે નહિ.'
હસીને રાજાએ જવાબ વાળ્યો: 'મહારાજ ! આજ સામ્રા જ્ય સ્થાપવા જાઉં છું તે વેળા એક ક્ષુદ્ર આરેાપ મૂકીને શું મશ્કરી કરી રહ્યા છે ?'
'મશ્કરી ? સામ્રાજ્ય સ્થાપનારની મશ્કરી હું ન કરૂં, વિધાતા કરી રહ્યો છે. ઘોર અપરાધ આજે તારે માથે તેોળાઈ રહ્યો છે. પ્રજા હાહાકાર કરીને રડી રહી છે, પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતાં તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું ને, એ વિચારીને આગળ કદમ ધરજે, પેશ્વા રઘુનાથરાવ !'
રોષ કરીને રઘુનાથ બોલ્યા : 'મહારાજ, રાજના ચાકર છો એ વાત ભૂલશો મા. જાઓ, આજ રણે ચડતી વેળા ન્યાય વિષેનું ભાષણ સાંભળવાની મને ફુરસદ નથી. જવાબ દેવા હમણાં નહિ આવું, આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું.'
રાજાએ અશ્વ ચલાવ્યો. એંશી હજારની સેના ઊપડી. શાસ્ત્રીજીએ કહ્યું :
'સિધાવો, રાજા, સિધાવો. યુદ્ધ કરો, અવનિના ભાર ઉતારો. એક દિવસે આત્માનો ભાર, પરાભવનો ભાર અને એ સામ્રાજ્યનો ભાર તને ચગદી નાંખશે. હું પણ હવે ન્યાયાસન પર નહિ બેસું. ઈન્સાફની અદાલતમાં ભલે હવે રાજસ્વચ્છંદની રમતો રમાતી.' શંખભેરીના નાદ ગાજ્યા. ડંકા વાગ્યા. નિશાનો | ગગને ચડ્યાં.
રાજા ધરતીનો ભાર ઉતારવા ગયા. ન્યાયાધીશે પણ ન્યાયદંડનો બેાજો નીચે ધર્યો, બધી બાદશાહી અંગ પરથી ઉતારી. મહારાષ્ટ્રનો શ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રી, રાજાનો પણ રાજાધિરાજ, ઉઘાડે પગે નગરબહાર નીકળીને, પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયો, દીન બ્રાહ્મણ બની ગયો.