રાજા સામેના યુદ્ધનું અને ખૂનોનું
ત હો મ ત ના મું'
આરોપીઓ હિંદી લશ્કરી અફસરો છે અને તેથી હિંદી લશ્કરી કાનૂનને તેએા આધીન છે.
કૅપ્ટન શાહનવાઝખાનનો જન્મ રાવલપીંડીમાં ૧૯૧૪ની ૨૪મી જાન્યુઆરીએ થયો હતો. દેહરાદૂનની હિંદી લશ્કરી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યા પછી ૧૯૩૭ના ફેબુઆરીમાં એમને ૧૪મી પંજાબ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા.
કૅપ્ટન પ્રેમકુમાર સેહગલનો જન્મ ૧૯૧૭ની ૨૫ મી જાન્યુઆરીએ હોશિયારપુરમાં થયો હતો. એમણે પણ દહેરાદૂનની લશ્કરી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો અને પછી ૧૯૪૦ના ફેબ્રુઆરીમાં એમને ૧૦મી બલુચ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા.
લેફ્ટનન્ટ ગુરૂબક્ષસીંઘ ધિલન લાહોર જિલ્લાના આલ્ગુ ગામે ૧૯૧૫ની ૪થી એપ્રિલે જન્મયા હતા. દહેરાદૂનમાં અભ્યાસ કર્યા પછી એમને પણ ૧૯૪૦મા ૧૪મી પંજાબ રેજિમેન્ટમાં મૂકવામાં આાવ્યા હતા.
શહેનશાહ સામે યુદ્ધ ચલાવવાના આરોપને હું પહેલાં લઈશ.
હિંદી લશ્કરી કાનૂનની ૪૧મી કલમ પ્રમાણે આ કાનૂન જેને લાગુ પડતો હોય તેવો કોઈ પણ માણસ બ્રિટિશ હિંદની અંદર કે બહાર કોઈપણ નાગરિક ગુનો કરે તો તેને માટે લશ્કરી અદાલતમાં તેની ઉપર કામ ચલાવી શકાય. નાગરિક ગુનો એટલે એવો ગુનો કે જે બ્રિટિશ હિંદમાં થયો હોય, તો ફોજદારી કાયદા પ્રમાણે તેનો ખટલો થઈ શકે.
કયા ઉદ્દેશથી યુદ્ધ ચલાવાયું હતું તે મુદ્દો અપ્રસ્તુત છે. આરોપીએાએ આ કામ તેમના મત પ્રમાણે દેશપ્રેમી ઈરાદાથી કર્યું હોય કે પગારદારી ઈરાદાથી, કાયદા મુજબ ગુનો તો કરવામાં આવ્યો છે જ. વફાદારીની ફરજ સામે આ ગુનો કરવામાં આવ્યો છે. આ વફાદારી તાજને દર્શાવવા આરોપીઓ સદાકાળને માટે અને ગમે તે સંજોગોની અંદર બંધાયેલા છે. તેઓ ચાહે ત્યાં હોય આ વફાદારી એમને માથે હતી જ; અને તેઓ યુદ્ધકેદી બન્યા ત્યારે પણ આ વફાદારીથી બંધાયેલા હતા.
જેને આઝાદ હિંદ ફોજ કહેવામાં આવતી હતી તેના અફસરો તરીકે લડીને આરોપીઓએ શહેનશાહ સામે યુદ્ધ ચલાવ્યું હતું. આઝાદ હિંદ ફોજ મુખ્યત્વે હિંદી લશ્કરના અફસરો અને સૈનિકોની બનેલી હતી. તેમાં નીચેનાનો સમાવેશ થતો હતો:(क) વડું મથક (હેડ ક્વાર્ટર્સ)(ख) હિંદુસ્તાની મેદાન દળ (હિંદુસ્તાની ફીલ્ડ ગ્રૂપ)(ग) શેરદિલ ગેરીલા દળ (શેરદિલ ગેરીલા ગ્રૂપ)(घ) ખાસ કામગરી દળ (સ્પેશિય સર્વિસ ગ્રૂપ)(च) જાસૂસ દળ (ઈન્ટેલિજન્સ ગ્રૂપ)(छ) પુનઃભરતી દળ (રી-ઈન્ફોર્સમેન્ટ ગ્રુપ)
શેરદિલ ગેરીલા દળમાં ગાંધી ગેરીલા રેજિમેન્ટ, આઝાદ ગેરીલા રેજીમેન્ટ અને નહેરુ ગેરીલા રેજિમેન્ટનો સમાવેશ થતો હતો.
૧૯૪૩ના નવેંબરની આસપાસ, એટલે કે સુભાષચંદ્ર બોઝ સિંગાપુર આવ્યા તે પછી બે-ત્રણ મહિને નં. ૧ ગેરીલા રેજિમેન્ટને નામે ઓળખાતી વધુ એક ગેરીલા રેજિમેન્ટ ઊભી કરવામાં આવી હતી. એ સુભાષ રેજિમેન્ટને નામે પણ ઓળખાતી હતી.
શાહનવાઝખાનને એના કમાન્ડર નિમવામાં આવ્યા હતા. આ ચારેય રેજિમેન્ટનો સમાવેશ ડિવિઝન નં. ૧ માં કરાયો હતો. આગળ ઉપર બીજું અને ત્રીજું ડિવિઝન ઊભું કરવામાં આવ્યું હતું. ડિવિઝન નં. ર માં અમુક હિંદી લશ્કરી યુદ્ધકેદીઓ હતા અને અમુક નાગરિકો હતા. ડિવિઝન નં. ૩ માં લગભગ બધા નાગરિકો જ હતા. આ નાગરિકોની ભરતી મોટે ભાગે મલાયામાં હિંદી સ્વાતંત્ર્ય સંધે કરી હતી,
૧૯૪૨ની ૧૫મી ફેબ્રુઆરીએ સિંગાપુર જાપાનીઓને શરણે થયું. ૧૭ મી ફેબ્રુઆરીએ યુદ્ધકેદીઓની એક મોટી સંખ્યાને સિંગાપુરના ફેરર પાર્કમાં લઈ જવાઈ હતી. મેજર ફ્યુજીવારા નામના એક જાપાની અફસરે યુદ્ધકેદીઓ સામે ભાષણ કર્યું. હિંદી લશ્કરના કેટલાક અફસરો પણ ત્યાં હાજર હતા. એમાંના એક હતા પંજાબ રેજિમેન્ટના કૅ. મોહનસીંઘ. આમાંના કેટલાંક હિંદી અફસરોની બાંય ઉપર 'ફ' અક્ષરવાળો એક બિલ્લો હતો. 'ફ' એટલે ફ્યુજીવારા નામના જાપાની અફસર કે જેમને હિંદી સૈનિકોને જાપાનીઓને પક્ષે લલચાવી લેવાનું કામ જાપાની સરકારે સોંપ્યું હતું. સિંગાપુર પડ્યું તે અગાઉ પણ ઠીકઠીક વખતથી મેજર ફ્યુજીવારા આ કામ કરી રહ્યા હતા. એમના ભાષણ પછી કૅ. મોહનસીંઘનો વારો આવ્યો. એમણે કહ્યું: "આપણે એક આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવાના છીએ અને હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે આપણે લડવાના છીએ. તમારે બધાએ એમાં જોડાવું જોઈએ.”
સત્તાવાર રીતે આઝાદ હિંદ ફોજનો જન્મ ૧૯૪૨ ની ૧ લી આક્ટોબરે થયો. નીસૂનની યુદ્ધકેદીઓની છાવણીના કમાન્ડર તરીકે કૅ. શાહનવાઝખાને ૨૦૦-૩૦૦ નાના મોટા અફસર-યુદ્ધકેદીઓ સામે ભાષણ કર્યું એમણે કહ્યું કે કૅપ્ટન મોહનસીંગના વડા મથકે મળેલી એક સભામાં એવો ઠરાવ થયો છે કે, આપણા ધર્મો જુદા જુદા હોવા છતાં આપણે સહુ હિંદીઓ છીએ અને આપણે બધાએ હિંદની આઝાદી માટે લડવું જોઈએ આ ઠરાવ યુદ્ધકેદીઓને સમજાવવાનું કૅ. શાહનવાઝે હાજર રહેલા સૌને કહ્યું. તેમણે એ કબૂલ કર્યું. ૧૯૪ર ના જૂનમાં બેંગકોકમાં એક પરિષદ મળેલી. એના પ્રતિનિધિઓમાં હિંદી લશ્કરની જુદી જુદી રેજિમેન્ટના પ્રતિનિધિઓ તેમજ કૅ. મોહનસીંઘ પણ હાજર હતા. પરિષદના પ્રમુખ રાશબિહારી બોઝ જાપાનથી આવેલા એક હિંદી નાગરિક હતા. પરિષદમાં કેટલાક એવા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા કે દૂર પૂર્વમાંના લશ્કરી અને નાગરિક હિંદીજનોમાંથી કૅ. મોહનસીંઘના સેનાપતિપદ નીચે આઝાદ હિંદ ફોજ ઊભી કરવી અને એ આઝાદ હિંદ ફોજે હિંદની આઝાદી માટે લડવું. બીજા ઠરાવો એવા અર્થના હતા કે હિંદી સ્વાતંત્ર્ય સંઘ તરફથી આ૦ હિં૦ ફો૦ને રંગરૂટો, નાણાં, ખોરાકી, અને કપડાં પૂરાં પડાશે, અને જાપાની સરકાર તરફથી જરૂરી હથિયારો અને દારૂગોળા પૂરાં પડાશે.
હિંદી યુદ્ધકેદીઓને જે સતામણી અને યાતનાઓ વેઠવી પડતી હતી. અને જ્યાંસુધી આ૦હિં૦ ફો૦માં તેઓ નહિ જોડાય ત્યાંસુધી એ તેમને વેઠવી પડશે એવી જાહેરાત કરાઈ હતી, તેમાંથી છટકવા માટે જ તેમનો મોટો ભાગ આ૦ હિં૦ ફો૦ માં જોડાયો હતો. હિંદી યુદ્ધકેદીઓની છાવણીઓમાં લાલચ અને જબરદસ્તીથી તેમને આ૦ હિં૦ ફો૦માં જોડવાના પ્રયત્નો થયા હતા. એની સામે ટકી રહેનારાઓને કેદ છાવણીઓમાં ખસેડવામાં આવતા હતા, દિવસો સુધી તેમને કાંઈ ખોરાક આપવામાં આવતો નહોતો અને જે કાંઈ ખોરાક અપાતો તે ઘણો ખરાબ હતો. તબીબી મદદ તો જરા પણ નહોતી અપાતી. એમને જમીન ઉપર સૂવડાવીને પાંચ ફીટ લાંબી તથા બે ઈંચ જાડી લાકડીથી મારવામાં આવ્યા હતા. તેમની પાસે મજૂરી કરાવવામાં આવી હતી. એમને કોથળાઓ અપાતા અને તેમાં માટી ભરીને એક વાંસડાને બે છેડે લટકાવીને ઉપાડી જવા પડતા હતા, આવી મજૂરી દિવસના બાર કલાક સુધી એમની પાસે કરાવતી. કેટલીક વાર તો એમને ધોકાથી મારવામાં આવતા. કેટલાક સિતમગરોને એમણે કહ્યું કે, 'અમને ગોળીએ દઈ દો.' જવાબમાં એમને કહેવાયું કે, “અમે તમને ઠાર નથી મારવાના. જો તમે આ૦ હિં૦ ફેા૦ માં જોડાશો તો આ યાતનામાંથી બચશો, નહિ તો આ રીતે જ તમે મરી જશો.” કીડીઓથી છવાયેલી જગ્યા ઉપર એમને કપડાં કે બિસ્તર વિના સૂવાડવામાં આવતા.
યુદ્ધકેદીઓ ઉપરના આ સિતમ કરનારાઓ ખુદ હિંદી યુદ્ધકેદીઓ જ હતા, પણ તેઓ આ૦ હિં૦ ફેા૦ માં જોડાયેલા હતા. આ છાવણીનો કબજો સંભાળનારાઓમાં પંજાબ રેજિમેન્ટવાળા સુબેદાર શીંગારાસીંઘ, કૅ. અબ્દુલ રશીદ અને જમાદાર ફત્તેહખાન હતા. ૧૯૪૨ના ઑગસ્ટમાં એક દિવસ ચાદ હથિયારબંધ શીખોને લઈને શીગારાસીંઘ અને ફત્તેહખાન છાવણી ઉપર આવ્યા ફત્તેહખાને કહ્યું કે એ કેદીઓને આ૦ હિં૦ ફો૦ માં લઈ જવા માટે આવ્યા હતા. જે છાવણીમાં આ બન્યું તેમાં ત્રણસો એક મુસલમાન યુદ્ધકેદીઓ હતા. તેમણે તેની સાથે જવાની ના પાડી અને કહ્યું કે, અમે વફાદારીના સોંગદનો ભંગ નહિ કરીએ. તેમને આ૦ હિં૦ફો૦ માં જોડાવા માટે લઈ જવાતા હતા તેનો એમણે સામનેા કર્યો. એમની ઉપર ગોળીબાર થયા અને કેટલાક માર્યા ગયા. શીંગારાસીંઘ અને ફત્તેહખાનની સાથે આવેલા શીખેામાંનો એક માર્યો ગયો. એમના ગયા પછી ત્રણ જાપાની અફસરો અને આ૦ હિં૦ ફો૦ ના ત્રણ અફસરો ત્યાં આવ્યા. જાપાની અફસરોએ કહ્યું કે આ૦ હિં૦ ફો૦ માં જોડાવાનો હુકમ જાપાની સરકાર તરફથી કરવામાં આવ્યો હતોતા. અને તેનું પાલન કરવાનું જ હતું; અને જો આવો બનાવ ફરીવાર બનશે તો જાપાનીઓ એનો બદલો મોતથી લેશે. ત્યારપછી એ મુસલમાન સૈનિકોને નજરકેદ– છાવણીમાં લઈ ગયા. ત્યાં તેમની ઉપર સિતમ થયા, માર પડ્યો અને એમની પાસે મજૂરી કરાવવામાં આવી. એ છાવણીમાં મોહનસીંધે આવીને એમને ભાષણ સંભળાવ્યું કે, મુશ્કેલીઓમાંથી બચવા માટે તમારે ભરતી થઈ જવું જોઈએ. એટલે આ રીતે કેટલાકને આ૦ હિં૦ ફો૦માં જોડાવું પડ્યું. સપ્ટેંબર ૧૯૪૨ માં, એક બીજી છાવણીમાં આવો જ બનાવ બન્યો. એમાં 'ગુરખા રાયફલ્સ' ના અફસરો અને સિપાહીઓ હતા. પુરનસીંઘ અને આ૦ હિં૦ ફેા૦ માં જોડાયેલા બીજાઓ એમની સામે ભાષણો કરતા અને આ૦ હિં૦ ફો૦ માં જોડાવાનું કહેતા. પણ એમણે ના પાડી. પરિણામે એમના અફસરોને બીજી નજરકેદ-છાવણીમાં લઈ જવાયા પછી સિપાહીઓને કહેવાયું કે, જો નહિ જોડાવ તો તમારી ઉપર ગોળીબાર થશે. ૨૩ મી સપ્ટેંબરે જમાદાર પુરનસીંઘે સિપાહીઓને કહ્યું: “તમે હિંદુસ્તાનીઓ નથી ? શા માટે તમે આ૦ હિં૦ ફો૦ માં ભાગ લેતા નથી ?” તેમ છતાં પણ એમણે ના પાડી, એટલે એમાંના કેટલાકને એક પછી એક મારવામાં આવ્યા. એમને કહેવાયું કે, 'વારંવાર તમને ચેતવણી આપવામાં આવી હતી; અમારા હુકમ ન માનવાનું આ ફળ છે.' સિપાહીઓએ બુમ પાડીને કહ્યું : 'અમને આ રીતે માર ન મારો ! અમે જાપાનીઓના યુદ્ધકેદીઓ છીએ અને અમે મજૂરી કરીશું પણ આ૦ હિં૦ ફો૦ માં નહિ જોડાઈએ.” તે પછી સિપાહીઓ ઊભા થઈ ગયા. પુરનસીંઘે એમને પૂછ્યું કે, 'તમને ઊભા થવાનો હુકમ કોણે આપ્યો છે ? તમે હુકમનું પાલન કરતા નથી અને બધું અમારી વિરૂદ્ધ જ કરો છો. એટલે અમે તમારી ઉપર બંદૂક ચલાવીશું.”
ગોળી ચલાવવાનો હુકમ જમાદાર પુરનસીંઘે ચોકીદારોને આપ્યો, અને એમણે એમ કર્યું. ગુરખા યુદ્ધકેદીઓ પાસે કોઈ હથિયાર નહોતાં એટલે ચોકીદારો અને ભાષણકર્તાઓ ઉપર ચંપલ ફેંકવા અને તેમની ઉપર ધસી જવા સિવાય બીજું કાંઈ તેઓ કરી શક્યા નહિ. પુરનસીંઘના ફરમાન મુજબ ચોકીદારો એ બંદૂકને સંગીન ચડાવીને એમની ઉપર હલ્લો કર્યો. કેટલાક ગુરખાઓ ઘવાયા. તેમને ઇસ્પિતાલમાં લઈ જવાયા. ઇસ્પિતાલમાં પણ એમને આ૦ હિં૦ ફો૦ માં જોડાવાનું કહેવામાં આવ્યું, પણ એમણે ના પાડી. 'ગુરખા રાયફલ્સ'ના હવાલદાર વોલેતબહાદુર, કે જે આ યુદ્ધકેદીઓમાંના એક હતા અને જખ્મી બન્યા હતા તે, આ બનાવની સાક્ષી પૂરશે.
૧૯૪૨ના ડીસેંબરમાં મોહનસીંઘ અને જાપાનીઓ વચ્ચે ટંટો થયો. જાપાનીઓએ મોહનસીંઘની ધરપકડ કરી અને આ૦ હિં૦ ફો૦ માં જોડાયેલા યુદ્ધકેદીઓમાં ઘણાએ પોતાના બિલ્લા ઉતારી નાખ્યા. જોકે વડા મથકના કેટલાક અફસરોએ પોતાના બિલ્લા રાખેલા. મોહનસીંઘની ધરપકડ પછી વહીવટી સમિતિના પ્રયત્નો છતાં આ૦ હિં૦ ફો૦ ના મોટા ભાગના અફસરોની એમાં રહેવાની મરજી નહોતી. ૧૦મી ફેબ્રુઆરી ૧૯૪૩ના દિવસે વહીવટી સમિતિએ તમામ હિંદી અફસરોની એક સભા બોલાવી અને તેમાં એમની સમક્ષ એક પ્રશ્નાવલિ મૂકી. એક પ્રશ્ન એ હતો કે, આ૦ હિં૦ ફો૦માં ચાલુ રહેવાની તમારી મરજી છે કે નહિ ? જે અફસરોએ ના પાડી તેમને ૧૩મી ફેબ્રુઆરીએ રાશબિહારી બોઝ સમક્ષ હાજર કરવામાં આવ્યા. હાજર કરાતાં પહેલાં અફસરોને એક છાપેલું ચેાપાનિયું આપવામાં આવ્યું હતું, તેમાં હિંદી સ્વાતંત્ર્ય સંઘની કારોબારી સમિતિના પ્રમુખ તરીકેની રાશબિહારી બોઝની છાપેલી સહી હતી.
ચોપાનિયામાં લખ્યું હતું કે, 'અત્યારના સંજોગોમાં જેઓ આ૦ હિં૦ ફો૦માં ન રહેવા માગતા હોય તેમને વિષે હું તો એટલું જ કહી શકું કે ફોજના અત્યારના સંજોગો વિશે મારો દોષ ભાગ્યે જ કાઢી શકાશે...... તમે જાણો છો તેમ બ્રિટન સામેની હિંદની લડત હવે કટોકટીએ પહોંચી ગઈ છે. અંગ્રેજો ઉપર હિંદ છોડી જવાનું હજી વધુ દબાણ લાવવા માટે મહાત્મા ગાંધીજીએ ત્રણ અઠવાડિયાના ઉપવાસ આદર્યા છે. આ રીતે સમાધાનની કોઈ પણ તક રહેતી નથી. આપણી ફરજ હવે સ્પષ્ટ છે. આ૦ હિં૦ ફો૦માંથી નીકળી જનારાઓનું શું થશે એ જાણવા તમારામાંના કેટલાક કદાચ આતુર હશે. કમનસીબે, અત્યારની ઘડીએ જાણી બુઝીને આ૦ હિં૦ ફો૦ છોડી જનારાઓ ઉપર મારો કાંઈ પણ અંકુશ નહિ રહે. જાપાનીઓ વતી હું બોલી શકું નહિ. જે સત્તાના કેદીઓ થવાનું તેઓ પસંદ કરે તે એમને કેવી રીતે કે કયે સ્થળે રાખશે તે હું કહી શકું નહિ. જે અફસરો પોતાના નિર્ણયની પુન:વિચારણા ન કરવા માગતા હોય તેમને હું તેમના સિપાહીઓથી જુદા પાડું તે પૂર્વે તેમનાં કારણો જણાવવા મારી સમક્ષ આજે સાડા અગિયાર વાગે હાજર થવું પડશે.”
૧૯૪૩ ના જાન્યુઆરી પછી આ૦ હિં૦ ફો૦ માટે ફરીથી ભરતી થતી હતી. ઘણા યુદ્ધકેદીઓ એમાં જોડાયા અને તેથીય વધારેને જોડવામાં આવ્યા હતા.
યુદ્ધકેદીઓ ઉપરના સિતમો અને યાતનાઓ તેમની છાવણીઓમાં અને નજરકેદ-છાવણીઓમાં ખુલ્લેખુલ્લાં અને જાહેર રીતે લાદવામાં આવતાં. આરેાપીઓ યુદ્ધકેદીઓની અને કેદીઓની છાવણીઓમાં જતા. ૧૯૪૨ના ડીસેંબર પહેલાં અને પછી આરોપીઓ પોતે જ કેટલીય યુદ્ધકેદી–છાવણીઓમાં વખતો વખત,ભાષણો કરતા હતા. હું તેમાનાં થોડાક પ્રસંગો ટાંકીશ:
૧૯૪૩ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કૅ. શાહનવાઝ પોર્ટ ડિકસનમાં હતા અને યુદ્ધકેદી-અફસરો, સુબેદારો અને જમાદારો સમક્ષ એમણે ભાષણ કરેલું. એમણે કહ્યું હતું કે, “મોહનસીંધ વાળી આ૦ હિં૦ ફો૦ વિખેરી નાખવામાં આવી છે. અને એક નવી આ૦ હિં૦ ફેા૦ ઊભી થઈ રહી છે. કોઈ યુદ્ધકેદીને એમાં જોડાવું હોય તો તે જોડાઇ શકે છે. અહીં તમને કેટલી ખરાબ રીતે રાખવામાં આવે છે ! પણ જો આ૦ હિં૦ ફો૦માં જોડાશો તો તમારી સારી સંભાળ રખાશે અને ખોરાક બરાબર અપાશે. યુદ્ધકેદીઓને આ સમજાવજો અને ભરતી થવા માગનારાઓનાં નામ સિંગાપુરમાંના આ૦ હિં૦ ફો૦ના વડા મથકે મોકલી આપવા આ છાવણીના નાયકને આપજો.' કેાઈ ભરતી થવા આગળ આવ્યું નહિ.
૧૯૪૩ ના એપ્રિલ-મેમાં કૅ. શાહનવાઝ પોર્ટ સ્વેટનહામમાં હતા. એ પ્રસંગે એમની સમક્ષ પરેડ કરવા લવાયેલા તમામ યુદ્ધકેદીઓ સામે તેમણે એક ભાષણ કર્યું. અંગ્રેજોને હિંદમાંથી હાંકી કાઢવા ભરતી થવાની હાકલ તેમણે કરી. એમણે કહ્યું, 'તમારે આ૦ હિં૦ફો૦ માં જોડાવું જોઈએ. જે એમ કરશો તો તમને સારો ખેારાક મળશે અને થોડા વખતમાં બરમા મોકલવામાં આવશે. આ૦ હિં૦ ફેા૦માં તમારો પગાર એ તો માત્ર ખિસ્સાખર્ચ જેવો રહેશે, પણ હિંદની આઝાદી મળશે ત્યારે તમારા પગારનો જૂનો દર ફરી ચાલુ કરાશે.”
એ પ્રસંગે પણ કોઈ ભરતી થવા આવ્યું નહિ.
જાન્યુઆરી ૧૯૪૩ માં, એક છાવણીમાંના યુદ્ધકેદીઓ સમક્ષ ઈવાકુરુ નામના એક જાપાની અફસરે અને રાશબિહારી બોઝે ભાષણ કર્યું ત્યારે એમની ભાષણ-મંડળીમાંના એક તરીકે લે૦ ધિલન ત્યાં હાજર હતા. ભાષણ પછી લે૦ ધિલન ભોજનગૃહમાં ગયા અને કહ્યું કે ત્યાં હાજર રહેલા માણસો સાથે એમને વાત કરવી હતી. એમણે કહ્યું કે તમામ અફસરોએ આ૦ હિં૦ ફો૦માં જોડાવું જોઈએ. પંજાબ રેજિમેન્ટવાળા સુબેદાર-મેજર બાબુરામ અને સુબેદાર ચનાનસીંઘે એમને કહ્યું કે એ જાતની વાત કરવા એ ત્યાં આવ્યા હોય તો એમણે એજ ઘડીએ બહાર ચાલ્યા જવું. તે ગુસ્સે થઈ ગયા અને ચાલ્યા ગયા.
૧૯૪૩ ના માર્ચમાં મે. ધારા સાથે લે. ધિલન જિત્રા ગયા અને ત્યાંના યુદ્ધકેદીઓ સમક્ષ ભાષણો કર્યાં. પ્રથમ મે.ધારાએ પોતાના ભાષણમાં કહ્યું કે, “આ૦ હિં૦ ફો૦ની સ્થાપના થઇ ગઈ છે અને એ માત્ર હિંદુસ્તાનમાં જ લડશે અને હિંદની સ્વતંત્રા મેળવશે. એ જાપાનીઓની સાથે રહીને લડશે ખરી, પણ જો જાપાનીઓ તરફથી કાંઈ લુચ્ચાઈ થશે તો પછી એકવાર હિંદમાં પહોંચ્યા પછી તો આ૦ હિં૦ ફો૦ પાસે પોતાનાં હથિયાર હશે, અને જાપાનીઓ સામે પણ એ લડશે. તમારે આ૦ હિં૦ ફો૦માં જોડાઈ જવું જોઈએ કારણ કે એ જ સારામાં સારી તક છે અને મોટા ભાગના યુદ્ધકેદીઓ તે અત્યારસુધીમાં જોડાઈ પણ ચૂક્યા છે.' પછી લે. ધિલને ભાષણ કર્યું કે, મે. ધારાના ભાષણ પછી યુદ્ધકેદીઓએ શું કરવું જેઈએ તેની કોઈ શંકા ન હોઈ શકે. આ૦ હિં૦ ફો૦ માત્ર હિંદુસ્તાનમાં જ લડશે અને હિંદની સ્વતંત્રા મેળવશે. જાપાનીઓ પાસેથી એને મદદ મળશે.
એજ માસમાં લે. ધિલન તાઈપીંપ ગયેલા. આ૦ હિં૦ ફો૦માં ન જોડાયેલા ત્યાંના યુદ્ધકેદીઓ સામે તેમણે ભાષણ કર્યું, સિંગાપુર અને જિત્રામાં યુદ્ધકેદીઓ સામે મેં ભાષણો કર્યાં હતાં અને એ સહુ આ૦ હિં૦ ફો૦માં જોડાઈ ગયા છે. તમારે પણ જોડાવું જોઈએ. અંગ્રેજોને હિંદમાંથી હાંકી કાઢવા આ૦ હિં૦ ફો૦ લડવાની છે. નહિ જોડાવ તો તમે મુશ્કેલીમાં મૂકાશો. આ૦ હિં૦ ફો૦ નિષ્ફળ જાય તો પણ તમારે કશો જ ડર રાખવાનો નથી; કારણ કે ઉચ્ચ અસફરો ઉપર બધો વાંક આવશે અને સામાન્ય સિપાહીઓને સજા કરાશે નહિ.'
આરોપીઓએ જે કહ્યું અને કર્યું તેના પરિણામને તે વખતના સંજોગોને લક્ષમાં રાખીને વિચારવાનું છે. મલાયા અને સિંગાપુરમાંનાં બ્રિટિશ દળો ભાંગી પડ્યાં હતાં. યુદ્ધકેદીઓ સાથે યુદ્ધકેદી છાવણીઓ અને નજરકેદ-છાવણીઓમાં ઉપર કહ્યું તેવું વર્તન ચલાવવામાં આવતું હતું. પોતાના અફસરના હુકમનું મૂંગુ પાલન કરવાની તાલીમ હિંદી સિપાહીને અપાતી આવી છે. આરોપીઓ આ૦ હિ૦ ફો૦ માટે માણસોની ભરતી કરતા હતા અને સારા વર્તાવનાં વચનો અને ગર્ભિત ધમકીઓ આપતા હતા. આ૦ હિં૦ ફો૦માં ન જોડાનાર માટે બાકી રહેતાં હતાં માત્ર ભૂખમરો અને સિતમો. એટલે હિંદી લશકરનાં ઘણાં માણસો આ૦ હિં૦ ફો૦માં જોડાયા તેની કોઈ નવાઈ નથી - ખાસ તો એટલા માટે કે આ૦ હિં૦ ફો૦માં જોડાયેલ એમના ઉચ્ચ અફસરોનો દાખલો એમની નજર સામે જ હતો. પુરાવાઓમાંથી દેખાશે કે આરોપીએાએ આ૦ હિં૦ ફો૦માં સિપાહીઓની ભરતી કરી છે, આ૦ હિં૦ ફો૦ના સંચાલનમાં ભાગ લીધો છે, નામદાર શહેનશાહનાં દળો સામે લડવાનાં સૂચનો અને ફરમાનો આપ્યાં છે, અને ખુદ પોતે પણ એ દળો સામે લડ્યા છે. એમ કરીને એમણે અગાઉથી ઘડેલી યોજનાઓનો અમલ કર્યો છે અને બીજાઓ સાથે મળીને યુદ્ધ ચલાવવાના સંયુક્ત ઇરાદાનો અમલ કર્યો છે.
જાપાનીઓએ કબજે કરેલાં બ્રિટિશ શસ્ત્રો વડે એ તાલીમ પામતા અને લડાઇ લડતા હતા. સિપાહીઓ અને અફસરોએ હિંદી લશ્કરના પોતાના ગણવેશ પહેરવા ચાલુ રાખ્યા હતા અને વધુમાં આ૦ હિં ૦ફો૦ ના બિલ્લાઓ એમણે લગાડ્યા હતા. આવા કેટલાક બિલ્લાઓ પુરાવા તરીકે રજૂ કરાશે.
આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા લે. નાગને લગભગ ઑગસ્ટ ૧૯૪ર માં કહેવાતો આ૦ હિં૦ ફો૦ કાનૂન ઘડવાનું કહેવામાં આવ્યું હતું. તેણે તે પ્રમાણે કર્યું. આ કાનૂન મોટે ભાગે તો હિંદી લશ્કરી કાનૂનને મળતો આવે છે, પણ ફટકાની સજાનો એક મહત્વનો ઉમેરો એમાં કરાયો હતો. શરૂઆતમાં એમાં અઠવાડિયે ૬ ફટકા અને બધા મળીને વધુમાં વધુ ૨૪ ફટકાનો પ્રબંધ હતો. સિપાહીઓ અને અફસરોમાં ગંભીર શિસ્તભંગના કિસ્સાઓમાં ફટકાની સજા ફરમાવવાની સત્તા ૧૯૪૩ ના જુનમાં લશ્કરી કમાન્ડરો અને 'ડાયરેક્ટોરેટ ઑફ મિલિટરી બ્યૂરો'ને આપવામાં આવી હતી. ઑગસ્ટ ૧૯૪૪ માં વધુમાં વધુ ફટકાની સંખ્યા–મર્યાદા વધારીને ૪૫ કે ૫૦ ની બનાવીને એનો અમલ કરવાની સત્તા ડિવિઝનોના, રેજિમેન્ટોના અને બેટેલિયનોના કમાન્ડરોને પણ અપાઈ હતી.
૧૯૪૩ ના જાન્યુઆરીના અરસામાં, યુદ્ધકેદીઓની વહીવટી જરૂરિયાતો માટે એક વહીવટી-સમિતિ સ્થાપવામાં આવી હતી. પ્રચારનાં ભાષણો ગોઠવવાનું કામ આ જ સમિતિ કરતી હતી. ૧૯૪૩ ના મે ના અરસામાં “ડાયરેક્ટોરેટ ઑફ મિલિટરી બ્યૂરો'ની સ્થાપના થઈ. સેહગલ લશ્કરી મંત્રી હતા અને શાહનવાઝ હતા 'ચીફ ઑફ જનરલ સ્ટાફ.'
૧૯૪૩ ની ૨૧ મી ઑક્ટોબરે સિંગાપુરમાં આ૦ હિં૦ ફો૦ ના માણસો અને નાગરિકોની એક જંગી સભા થઈ હતી. સુભાષચંદ્ર બોઝે ત્યાં ભાષણ કરેલું. આ૦ હિં૦ ફો૦એ કબજે કરેલા વિસ્તારોના વહીવટ માટે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કર્યાની તેમણે જાહેરાત કરી. તેના પ્રધાનોના નામની પણ એમણે જાહેરાત કરી; અને એમાં કૅ. શાહનવાઝખાનનું નામ શામિલ હતું. ૧૯૪૪ ની ૩૦ મી ઑક્ટોબરે કામચલાઉ સરકારની એક યુદ્ધસમિતિ ઊભી કરવામાં આવી હતી. આ માહિતીની જાહેરાત કરવા માટે કૅ. સેહગલે તેની એક નકલ લે. નાગને મોકલી હતી.
૧૯૪૫ના માર્ચ સુધીમાં આ૦ હિં૦ ફેા૦ ના ઘણા અફસરો અને સિપાહીઓ ના. શહેનશાહના દળો સાથે ભળી જવા લાગ્યાં. આ અટકાવવા માટે સુભાષચંદ્ર બોઝે એક ફરમાન બહાર પાડ્યું કે આ૦ હિં૦ ફો૦નો કોઈ પણ સભ્ય, તેનો ચાહે તે હોદ્દો હોય પણ, જો બાયલી વર્તણૂક દેખાડે તે તેને કેદ પકડવાનો અને જો દગાખેરી કરે તો ઠાર મારવાનો અધિકાર હવેથી આ૦ હિં૦ ફો૦ના તમામ સભ્યો નાના મોટા અફસરો તેમજ સિપાહીઓને આપવામાં આવે છે.
આ ખટલામાંના પુરાવાઓ મૌખિક તેમજ દસ્તાવેજી બેઉ હશે. બરમામાંના બ્રિટિશ લશ્કરના હાથમાં વખતોવખત જુદા જુદા દસ્તાવેજો આવતા. ફરિયાદપક્ષ તેમને રજૂ કરી શકે તેમ છે. છતાં તેમાંના થોડાકનો ઉલ્લેખ હું અહીં કરીશ. આ દસ્તાવેજો નીચે આરોપીઓની સહી છે.
કૅ. શાહનવાઝખાનની સહીવાળા અથવા તેમના હસ્તાક્ષરોવાળા દસ્તાવેજોમાંના કેટલાક નીચે મુજબ છે: ૧૯૪૩ ની ૮ મી ઑગસ્ટે ડિવિઝન નં. ૧ના વડા મથકને એમણે એક કાગળ લખ્યો અને બર્મામાં હિંદી સૈનિકોની સ્વાગત અને સંચાલનની યોજનાની એક નકલ મોકલી. આ કાગળમાં તારીખ છે, ૮ મી ઑગસ્ટ, '૦૩ '૦૩' એટલે ૨૬૦૩ની જાપાની સાલ. ૧૯૪૩ની ૧૪મી મેએ એક જાહેરાત થઈ હતી કે તે દિવસથી જાપાની પંચાંગને અપનાવવામાં આવશે. એટલે કે ૧૯૪૩ ને બદલે ર૬૦૩, અને એ પ્રમાણે આગળ યોજનામાં જણાવાયું હતું કે હિંદ–બરમા સરહદ ઉપર લડાઇ ચાલુ થશે ત્યારે અમુક હિંદી સૈનિકો એમને પક્ષે ભળી જશે અને બીજા કેટલાકને લડાઈમાં શરણે થવું પડશે એવી ધારણા રખાય છે. ભાષાની અને બીજી મુશ્કેલીઓના કારણે એવા સિપાહીઓને તારવવાનું જાપાની લશ્કર માટે કપરું બની જશે. એ સિપાહીઓના ત્રણ વિભાગ પાડી નાખવા જોઈએ એમ એમાં જણાવાયું હતું. (क) જેમને ચળવળની જાણ હોય અને તેમાં જોડાવાના ઇરાદાથી આવ્યા હોય. (ख) જેમને કાંઈ ખબર ન હોય પણ તેમાં જોડાવા તૈયાર હોય (ग) જેઓ આ૦ હિં૦ ફો૦માં જોડાવા કબૂલ ન થતા હોય. (क) અને (ख) વિભાગોને વ્યવસ્થિત કરીને તેમને શસ્ત્રસજ્જ કરવાના હતા. જ્યારે (ग) વિભાગને યુદ્ધકેદીઓ તરીકે રાખવા જાપાની સત્તાવાળાઓને સોંપી દેવાના હતા. આ યોજનાનો અમલ થાય તે પૂર્વે જ હિંદુસ્તાન તરફની, આ૦ હિં૦ ફો૦ તરફની તેમજ તેમને પક્ષે ભળી જતા હિંદી સૈનિકો તરફની જાપાન સરકારની નીતિથી સહુ જાપાની અફસરો અને સૈનિક જાણકાર થઈ જાય. આ૦ હિં૦ ફો૦ ને મદદ કરવા અને તેની સાથે સહકાર કરવા તેઓ તૈયાર રહે અને યોજનાના સરળ સંચાલન માટે શક્ય તેટલી બધી સગવડો આપે એટલી ખાતરી કરી લેવાની વિનંતિ હિકારી–કિકાનને એમાં કરવામાં આવી હતી.
૧૯૪૪ ની પ મી સપ્ટેંબરે આ૦ હિં૦ ફો૦ નો એક હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. લશ્કરી મંત્રી તરીકેની કૅ. સેહગલની સૂચના મુજબ એની જાહેરાત થયેલી. આઝાદ હિંદની કામચલાઉ સરકાર તરફથી આ૦ હિં૦ ફો૦ના માણસોને અપાનારા માનચાંદની એક યાદી એમાં અપાયેલી. એમાંનો એક હતો 'તમઘા-એ-શત્રુનાશ.' કોઈપણ બ્રિટિશ કે અમેરિકન અફસરને મારી નાખવામાં કે જીવતો પકડવામાં બહાદુરી અને કર્તવ્યનિષ્ટા દેખાડનાર આ૦ હિં૦ ફેા૦ના સિપાહીને એ એનાયત કરવામાં આવનાર હતો.
૧૯૪૫ની ૧૦મી એપ્રિલે કૅ. શાહનવાઝે યુનિટ નં. ૬૦૫, ૭૪૭ અને ૮૦૧ ને એક હુકમ મોકલીને જણાવ્યું કે એ રેજિમેન્ટેાને વિશાળ ક્ષેત્રમાં ફેલાઈ જવું પડશે. અને વડા મથક સાથેનો સંદેશ વ્યવહાર સરળ નહિ રહે; તેથી સર્વોચ્ચ કમાન્ડરની રજાથી ડિવિઝનના કમાન્ડર તમામ રેજિમેન્ટોના કમાન્ડરને સત્તા આપે છે કે ગંભીર શિસ્તભંગ, નિમકહરામી, ભાગેડુપણા કે બીજા કોઈ ગંભીર અપરાધ માટે કોઈ પણ માણસને એ મોતની સુદ્ધાં ગમે તે સજા ફરમાવી શકે છે.
૧૯૪૪ અને ૧૯૪૫ની સાલની કૅ. શાહનવાઝખાનની રોજનીશી પણ ફરિયાદપક્ષના હાથમાં આવી છે. તા. ૩૦ મી માર્ચ નીચેની એક નોંધ આ પ્રમાણે છે: 'બૂબી કેનેડી પીકથી પાછો ફર્યો. એને અહેવાલ દુઃખકર છે, આ૦ હિં૦ ફો૦ ની ચુનંદી રેજિમેન્ટને જાપાનીઓ મજૂરો તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ બારામાં કિમેવારીને મળવા હું આજે હાક જવાનો છું. મને થાય છે કે આ બધી એકપક્ષી સંયુકત-આબાદીનો અંજામ શું આવવાને હશે !'
૧૯૪૪ ની ૪ થી એપ્રિલની નીચેની બીજી એક નોંધ કહે છે કે એલ. ઈ. ટી. ડિવિઝનના કમાન્ડરને કૅ. શાહનવાઝ મળેલા. કમાન્ડરે આવતી લશ્કરી હિલચાલમાં પોતાનો ભાગ મુકરર કરવાની તક કૅ. શાહનવાઝને આપી હતી એમ નેાંધ કહે છે. એમની પસંદગી ઈમ્ફાલ ઉપર હુમલો કરવા પર ઊતરી. ૧૯૪૪ની ૭ મી જુલાઈની નોંધ નીચે પ્રમાણે છે : “સિપાહીઓને કાંઈ રેશન મળ્યું નથી. ચાર ગઢવાલીઓ ભૂખમરાથી મરણ પામ્યા છે. રેશન વિશે કાંઈક કરવાનું કહેવા હું અને રામસરૂપ હિકારી–કિકાનને મળ્યા. તેઓ તો એની પ્રત્યે જરા ય ધ્યાન આપતા લાગતા નથી. મારા માણસો ને આમ જાણીબુઝીને ભૂખે મારવાનો શો હેતુ હશે તેની મને ખબર પડતી નથી.'
૧૯૪૪ ની ૧૫ મી જુલાઈની નોંધ કહે છે કે ભૂખમરાને કારણે માણસો માખીની જેમ મરી રહ્યા છે અને કેટલાક તો આપઘાત કરી રહ્યા છે, પણ જાપાનીઓ જરાય મદદ કરતા નથી.
૧૯૪૪ ની ૮ મી ઑગસ્ટની નોંધ : “ યુવાથી કિમેવારીનો જવાબ લઈને પિયાકા પાછો ફર્યો છે. પૈસાની સગવડ કે બીજી મદદ માટે તેના તરફથી કોઈ સગવડ થઈ શકી નથી. એણે સૂચવ્યું છે કે તારાઉન ખાતેના આપણુ બીમાર સિપાહીએાએ આપધાત કરવો જોઈએ.”
૧૯૪૫ ની રોજનીશી પણ એટલી જ મહત્વની છે. ૨૧ મી ફેબ્રુઆરી ૧૯૪૫ ની તારીખ નીચેની નોંધ કહે છે કે એ રાતે કૅ. શાહનવાઝ મોરચા ભણી રવાના થયા હતા, મધરાતે એ પાપા જવા ઊ૫ડી ગયા, એમને વિદાય આપવા નેતાજી આવ્યા હતા અને એમને બધી જ સૂચનાઓ આપી હતી. નેતાજી એટલે સુભાષ બોઝ.
૧પ માર્ચ : તા. ૧૫-૧૬ ની મધરાતે સેહગલ અને તેમના સિપાહીઓએ પિનબિનમાં દુશ્મન ઉપર હુમલો કર્યો.
માર્ચ ૨૯ : લેગી આગળ તેમની કૂચ થંભી. ત્યાં ખબર મળ્યા કૅ. સેહગલ અને બીજા ગૂમ થયેલા અફસરો આવી પહોંચ્યા છે.
એપ્રિલ ૨ : દુ:ખદ આંચકાઓથી દિવસ શરૂ થયો. કેટલાક અફસરો ફોજમાંથી નાસી છૂટ્યા. એપ્રિલ ૩ : સેહગલ તરફથી સમાચાર સાંપડે છે કે દુશમનની બે બેટેલિયનો સહિત ૧૨ ટેન્કો એમની ઉપર ચડાઇ લાવી રહી છે.
એપ્રિલ ૪ : સેહગલે ખબર મોકલ્યા કે મોટા ભાગના સિપાહીઓ ફોજ છોડી ભાગી ગયા છે, અને એમ લાગે છે કે ખેલ ખતમ થયો છે. એપ્રિલ ૫ : કિયાક પાડોંગ અને પોપાનું રક્ષણ સંભાળી લેવાનું ધિલન અને સેહગલને સોંપ્યું. એપ્રિલ ૭ : બચાવની હરોળોનો કબજો સંભાળી લેવાનો હુકમ ગુરૂબક્ષ અને સેહગલને કર્યો.
એપ્રિલ ૧૮ : અંગ્રેજોએ ટોંગવિંગીનો કબજો લઈ લીધો છે. જાપાનીઓ અને આ૦ હિં૦ ફો૦ વળતા હુમલા કરી રહ્યા છે. એપ્રિલ ૧૯ : માગ્વે પાસેની બચાવની હરોળો બ્રિટિશ ટેન્કોએ તોડી પાડી છે અને વ્યવસ્થિત સામનો મુદ્દલેય થઈ શકે તેમ નથી.
મે ૪ : 'એક નાના ઝૂંપડામાં દિવસ ગાળ્યો. આખો દિવસ વરસાદ વરસતો હતો. અમને રઝળતા મૂકીને જાપાનીઓ ભાગી નીકળ્યા છે. તેઓ પોતે નાસી રહ્યા છે અને અમારી કાંઈ ફિકર કરતા નથી.” મે પ: જાપાનીઓને આ૦ હિં૦ ફો૦ ની હવે વધુ કાંઈ જરૂર રહી નથી. એ બે વચ્ચેના સંપર્ક ખાતામાંથી પોતાના અમલદારોને એમણે પ્રોમ શહેરમાંથી પાછા તેડાવી લીધા છે. ફોજનાં શિસ્ત અને જુસ્સો બગડતાં જાય છે.
કોઈનો કાંઈ કાબૂ રહ્યો નથી અને સિપાહીઓને છોડી છોડીને અફસરો જતા રહે છે.
મે ૧૩ : બ્રિટિશ દળો વિશેની પૂરી માહિતી મેળવી. મને લાગે છે કે અમે સંપૂર્ણપણે વિખુટા પડી ગયા છીએ. છટકવાનો કોઈ માર્ગ નથી. સાંજના સાત વાગે ગામ છોડીને જંગલમાં ગયા. ત્યાં સિપાહીઓને મેં બધી જ વિગતો જણાવી. બહુમતીએ નક્કી કર્યું કે યુદ્ધકેદી બની જવું, પણ હજી હું શરણે જવા તૈયાર નથી. બરમાના જંગલોમાં થોડો વધુ રઝળપાટ મને વધુ ગમશે. મે ૧૪ : મેજર જાગીર અને 'એ. બી.' ના અંકુશ હેઠળ યુદ્ધકેદીઓની ટુકડી સવારના દસ વાગે ચાલી નીકળી. કર્નલ ધિલન, મેજર મેહરદાસ અને ૮૦ સિપાહીઓવાળી મારી ટુકડી પાછળ રહી. જોઈએ કે વિધાતાએ અમારે માટે શેનું નિર્માણ કર્યું છે ! સાંજના ચાર વાગે પેગુથી પશ્ચિમે સાત માઈલ પરના લેગા ગામે પહોંચ્યો. જંગલમાં સપડાઈ ગયેલા ઘણા જાપાનીઓ પણ અહી છે. બધાં રહેવાસીઓ બહુ જ બ્રિટિશપક્ષી છે, અમારું સંખ્યાબળ માત્ર ૪૯ માણસેનું છે.
છેલ્લી નિત્યનેાંધ ૧૭મી મે, ૧૯૪૫ની તારીખ નીચે છે ; 'તા. ૧૬-૧૭ ની મધરાત સુમારે ને સિતાપિનઝીક્સ ગામમાં દાખલ થતાં જ પંદર વારને છેટેથી પંજાબ રેજિમેન્ટના માણસોએ અમારી ઉપર ભારે ગોળીબાર કર્યા. અમારો નાગરિક ભોમિયો માર્યો ગયો. મેં મારી બેગ ખેાઇ. એ રાત જંગલમાં ગાળી, સવારના આઠ વાગે ઊભો થયો પણ તમામ રસ્તા બંધ થઇ ચૂક્યાની જાણ થઇ. સાંજના છ વાગે પંજાબ રેજિમેન્ટે મને કેદ પકડ્યો અને પેગુના ડિવિઝનના વડા મથકે, અને આખરે જેલમાં પહોંચાડ્યો.”
કે. સેહગલની સહીવાળા અથવા એમના અક્ષરો વાળા લખાણોમાં નીચે મુજબના શામિલ છે: આ૦ હિં૦ ફો૦ ના સર્વોચ્ચ સેનાપતિ તરીકે ૧૯૪૪ ની ૯ મી ફેબ્રુઆરીએ સુભાષ બોઝે કાઢેલા એક રોજિંદા ફરમાનને કૅ. સેહગલે તમામ એકમો ઉપર મોકલી આપ્યું. એમાં કહેવાયું હતું કે પ્રત્યેક એકમ-કમાન્ડરે પોતાના અંકુશ નીચેના સૈનિકોની પરેડ ગોઠવવી અને આરાકાન મોરચા પરની હિલચાલની મળી હોય તેટલી બધી વીગતો તેમને જણાવવી. આ ખાસ ફરમાનમાં કહેવાયું હતું કે લાંબા કાળથી જેની વાટ જોવાતી હતી તે દિલ્હી ભણીની કૂચ શરૂ થઈ છે. આરાકાન પર્વત ઉપર ફરકી રહેલો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ વાઈસરોયના મહેલ ઉપર ન ફરકે અને દિલ્હીના પુરાણા લાલ કિલ્લામાં એમની વિજય-કૂચ ન નીકળે ત્યાંસુધી એ કૂચ કાળા નિશ્ચય સાધે ચાલુ રાખવી જોઈએ 'ચલો દિલ્હી'નો પોકાર ઉપાડી લેવાનું એમને કહેવાયું હતું.
૧૯૪૫ ની છઠ્ઠી એપ્રિલે આઝાદ ફોજની ટૂકડી નં. ૫૯૯ ઉપર કૅ. સેહગલે એક અહેવાલ મોકલેલો. તેમાં જણાવેલું કે લેફ. યાસિન-ખાન અને બીજા અફસરો તથા સૈનિકોમાં ખૂબ ગભરાટ અને નિરાશા ફેલાયાં છે. લેફ૦ ખાઝિમશાહની માનસિક હાલત સારી ન હોવાથી ટુકડીનું નેતાપદ તે સંભાળી શકે તેમ નથી. તેથી 'એ' કંપનીના કમાન્ડર ઉપર નજર રાખવા એને મોકલ્યા છે, અને લડાઇનું સંચાલન કૅ. સેહગલે પોતાના હાથમાં લીધું છે. લડાઇ દરમિયાન બે પાયદળ ટૂકડીઓ દુશ્મન સાથે ભળી ગઇ અને આગળ ઉપર પોતાની બેટેલિયનના આખા વડા મથક સાથે લેફ૦ ખાઝિમશાહ અને 'એ' કંપનીની એક પાયદળ ટુકડી ફોજમાંથી ભાગી છૂટ્યાં.
ફોજમાંથી નાસી છૂટવાના વધુ કિસ્સાઓ પણ અહેવાલમાં જણાવાયા હતા કે તેઓ ચારે બાજુથી ઘેરાઇ ગયા હતા, ટૂકડીનો જુસ્સો ઓસરી ગયો હતો; અને એમાંના થોડા દુશ્મનપક્ષે ભળી જશે એવું લાગતું હતું. દુશ્મનપક્ષે ભળી જતા અફસરો એમના હાથ નીચેના માણસોને પણ પોતાની સાથે આવવાનો હુકમ કરતા જતા.
કૅ. સેહગલના હસ્તાક્ષરોમાં લખાયેલી એમની રોજનીશી પણ મોજુદ છે અને તે રજૂ કરાશે. ૮મી ફેબ્રુઆરી ૧૯૪૫ની તારીખ નીચેની નોંધ કહે છે કે પાપા ટેકરીનું રક્ષણનું કામ તેમણે બજાવવાનું હતું. ૧૭મી ફેબ્રુઆરીએ એમણે લખ્યું છે કે કૅ૦ ધિલનના મોરચા સામેની ઈરાવદી નદી દુશમને પાર કરી હતી; અને તેની રેજિમેન્ટ લગભગ ખતમ થઈ ચૂકી હતી. (૧૯મીઃ) રેજિમેન્ટની હાલત વિશે ધિલન ઘણા નિરાશ હતા. એમાં જરાય શિસ્ત નહોતી, જુસ્સો એાસરી ગયેા હતેા. (૧૯મી માર્ચ:) 'મોરચા ઉપર જવાની ના પાડવા બદલ એક અફસરને મારે મોતની સજા ફરમાવવી પડી હતી. અફસોસ, માનવ જીવનનો આ કેવો વ્યય થાય છે !” ( ૨ જી: ) 'આ અફસરો હજી સુધી પાછા ફર્યા નથી. મને ખાતરી છે કે એ દગાખોર સૂવરો દુશ્મનપક્ષે ભળી ગયા છે. હવેથી હું બિલકુલ નિર્દય થવાનો છું. કોઈ પણ માણસ શંકાજનક હિલચાલ કરતો માલૂમ પડે કે તરત તેને ઠાર મારવાનો હુકમ મેં આપી દીધો છે. ( ૧૧મીઃ ) 'ધિલને આજે હુમલો શરૂ કર્યો છે. હું ઈચ્છું છું કે એ સાચે જ કાંઇક સારું કરી બતાવે. આ દગાખોરોએ લગાડેલું કલંક આપણે ધોઇ નાખવાનું છે.' (૨૦મી:) 'આક્રમણમાં અમને પણ ભાગીદાર બનાવવાનું, શાહનવાઝે જાપાનીઓને કહ્યું છે. એની સાથે હું સંમત થાઉ છું, પણ મને નથી લાગતું કે અમને એ તક મળે.'
૧૯૪૫ની ૨૮મી એપ્રિલે કૅ. સેહગલ શરણે થયા હતા.
પુરાવાઓમાંથી સાબિત કરાશે કે ૧૯૪૩ જુલાઈમાં સુભાષ બોઝ સિંગાપુર આવ્યા પછી સ્થપાયેલી ગેરીલા રેજિમેન્ટ નં. ૧ ના કમાન્ડર તરીકે શાહનવાઝ ખાનની નિમણુંક થઈ હતી. પોતાની રેજિમેન્ટને લઈને બર્મા જવા તેઓ ઑકટેબર ૧૯૪૩માં રવાના થયા.
૧૯૪૩મા એપ્રિલમાં કૅ. સેહગલ લશ્કરી મંત્રી બન્યા. ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં એ સિંગાપુરથી રંગુન આવી પહોંચ્યા.
૧૯૪૪ના સપ્ટેંબરના અરસામાં લેફ. ધિલન બરમા આવી પહોંચ્યા. રંગુન પહોંચ્યા પછી તરત જ એમને ચોથી ગેરીલા રેજિમેન્ટ (નેહરુ બ્રિગેડ)ના ઉપરી અફસર નીમવામાં આવ્યા; અને પોતાનો હોદ્દો સંભાળી લેવા તેઓ માંડલે ગયા. ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં આઝાદ ફેાજનું મુખ્ય વડું મથક રંગુન પહેાંચ્યું. પાછલું વડું મથક સિંગાપુરમાં હતું. એ વર્ષના એપ્રિલમાં ગેરીલા રેજિમેન્ટ નં. ૧, ૨ અને ૩ મણિપુર અને આરાકાનના આક્રમણની તૈયારી કરતી મોરચા ઉપર પડી હતી. એ વખતે ચોથી ગેરીલા રેજિમેન્ટ માંડલેમાં હતી.
આરોપીઓને લાગેવળગે છે ત્યાં સુધી યુદ્ધ ચલાવવાનો આખરી તબક્કો ન્યાયુક પોડૉંગ અને પૉપાની આસપાસમાં હતો. બધા આરોપીઓ એ વિસ્તારમાં જ હતા; અને નામદાર શહેનશાહનાં લશ્કરો સામે લડાઈ ચલાવતા હતા અને ખુદ પોતે પણ લડી રહ્યા હતા.
૧૯૪૫ ની ૧૬મી માર્ચે લે. ધિલનના કાબૂ હેઠળની ચોથી ગેરીલા રેજિમેન્ટની ૯૦-૧૦૦ માણસોની એક કંપની અને લે. કર્નલ મેક્કોનાશીના કાબૂ હેઠળની ગુરખા રાયફલ્સ-ટૂકડી વચ્ચે ક્યાયુક પાડૉંગની નજીકમાં અથડામણ થઈ હતી. ૧૮મી માર્ચ ૧૯૪૫ના એક 'યુદ્ધ–અહેવાલ'માં લે. ધિલને આ માહિતી આપી છે.'
શહેનશાહ સામે યુદ્ધ ચલાવવાના આરોપ સંબંધમાં આટલું જણાવ્યા બાદ ફરિયાદપક્ષના વકીલે ત્રણેય આરોપીઓ ઉપર ખૂન કરવાના અને કરાવવાના આરોપો અંગે વિગતો આપતાં કેટલાક કિસ્સાનું વર્ણન કયું હતું. આ આરોપના ટેકારૂપ સાબિતિઓ અમુક અંશે દસ્તાવેજી અને અમુક અંશે મૌખિક રહેશે એમ તેમણે જણાવ્યું. છેલ્લે તેમણે ઉમેર્યું કે-
'પોતે જે કાંઈ કર્યું છે તે આઝાદ હિંદ ફોજ કાનૂનને અનુસરીને કર્યું છે. એમ કહીને આરોપીઓ પોતાના પગલાંને વાજબી ઠરાવી શકે નહિ. એ કાનૂન નીચે અપાયેલી કહેવાતી કોઈપણ સત્તાને આ અદાલત કે આ દેશમાંની બીજી કોઈપણ અદાલત મંજૂર રાખી શકે નહિ.'
પોણા વાગે અદાલત વિરામ માટે ઊઠી પ્રેક્ષકવર્ગમાંથી ન્યાયમૂર્તિ અચ્છુરામ આગળ આવ્યા અને પોતાના પુત્ર કૅ. સેહગલને ભેટ્યા.