૨. દીવાળી હોવાને લીધે આજ કાંઇક ગમત કરવાને અને અહિનું ગાયન કેવું હશે તે જીજ્ઞાસાથી આજ રાતે અમે ચાર ગવૈયા બોલાવ્યા. તેઓ આવ્યા ત્યાર પહેલાં અમે વાળુ કરી લીધું હતું. અમે એક ઢોલીઆ પર બેઠા અને તેઓ ગાવા લાગ્યા. તેઓ શું ગાય છે તે અમે જરા પણ સમજી શક્યા નહિ. તેઓની પાસે તીવ્ર અને ઝીણા અવાજનાં રાવણહથ્થા જેવાં વાજાં હતાં. તેઓ મોટે સાદે ગાતા હતા. તે વખતે, યમરાજના દૂતોનું ભાન થતું હતું, કેમકે, તેઓ ઘણાજ કદાવર હતા અને તેઓનો અવાજ ઘેરો હતો. થોડો વખત આ કાશ્મીરી ગાયન સાંભળી અમે સૂઇ રહ્યા.
તા. ૨-૧૧-૯૧:- આજ બેસતા વર્ષનો તહેવાર હતો તેથી અમે સૌ વહેલા ઊઠ્યા. ગંગરી અથવા ન્હાની સગડી છાતી આગળ રાખી ઊતાવળથી નિત્ય કર્મ કરવા લાગી ગયા.
૨. અગિયાર વાગે કાશ્મીરના રેસીડંટ કર્નલ પ્લિડોને મળવા ગયા. તે ઘણાજ વૃધ્ધ ને ભલા માણસ છે. અમને શ્રીનગરની કેટલીક સુંદર જગ્યાઓ બતાવવામાં રેસિડન્સી વકીલ લાલા જયકિસનદાસ મદદ આપશે એમ રેસીડન્ટે કહ્યું. વાઇસરૉય પાંચમી તારીખે શ્રીનગર આવવાના હતા, તેથી એમની મુલાકાત લેવા અમારો વિચાર થયો. રેસીડંટને અમારી આ ઇચ્છા જણાવી તેથી તેણે કહ્યું કે વાઇસરૉયના ફોરિન સેક્રેટરી સર ડ્યુરરૅંડ તે ગોઠવણ કરી આપશે. રેસિડંટની રજા લઇ તુરત જ લાલા જયકિસનદાસ મારફત સર ડ્યુરૅંડને મળવાનો વખત પૂછાવ્યો. અમે અમારી કિસ્તી સુધી નહોતા પહોંચ્યા તેટલા વખતમાં લાલા જયકિસનદાસે આવી કહ્યું કેઃ સર ડ્યુરૅન્ડ સાહેબ હમણાંજ મુલાકાત લેશે. તેથી અમે જ્યાં તેઓ ઉતર્યા હતા ત્યાં ગયા. થોડાજ વખતમાં તેઓ આવ્યા. વાઈસરૉયની મુલાકાત વિષે પુછતાં એમણે કહ્યું કે : હું એઓ સાહેબને પૂછી જોઈશ. પછી કેટલીક વાતચીત કરી અમે રજા લીધી, ઉતારે આવ્યા અને જમ્યા.
૩. અમે દૂધ લેવા એક માણસ મોકલતા હતા. તે માણસ દૂધ દોવરાવતી વખતે ગાય પાસે જ રહેતો હતો છતાં દૂધ પાતળું આવતું. આમ થવાનું કારણ થોડો વખત અમે સમજી શક્યા નહિ. પણ પછી માલુમ પડ્યું કે, ગૌલી દોતી વખત એક ચામડાની નળી જભ્ભા નીચે રાખે છે. તેમાં પાણી ભરી રાખે છે અને દોતી વખત આ નળીના મ્હોંમાંથી થોડું થોડું પાણી ઠામમાં જવા દે છે. અહો ! અસંતોષ અને લોભ માણસને કેવાં નીચ કૃત્યો શીખવે છે ! લાલચી માણસની બુધ્ધિ કેવી ભ્રષ્ટ થઇ જાય છે ! દ્રવ્યની લાલસા મનુષ્યના બ્રહ્મતુલ્ય શુધ્ધ ચેતન આત્માને કેવો તુચ્છ બનાવી દે છે ! સ્વાર્થ અંતઃકરણને કેવું અશુધ્ધ કરી નાખે છે. હૃદય અનીતિથી કેવું ભ્રષ્ટ અને અવિચારી બની જાય છે ! નીતિનો માર્ગ એક વખતજ જરા પણ ઉલ્લંઘન કર્યા પછી માણસની કેવી પશુવત્ સ્થિતિ થઇ જાય છે !એક દુષ્ટ કૃત્ય સિધ્ધ કરવા બીજાં હજાર પાપ કરવાં પડે છે. આ ક્ષણભંગુર દેહને બહુજ થોડું જોઇએ છીએ, છતાં ઈન્દ્રિય સુખની તૃષ્ણામાં લપટાઈ જઈ માણસ શું શું કૃત્ય ન કરે ! આ એક ધન લોભી માણસ શું નહિ સમજતો હોય કે બીજાને છેતરવા જતાં હું જ છેતરાઉં છું ! ઈશ્વરનો ગુનેહગાર થાઊં છું ! મારી સાખ હલકી થવાથી મને અતિશય નુકસાન થાય છે ! તેની ચોરી પકડાઇ ત્યારે પણ તેને પોતાનાં આવાં કપટી કર્મનો ત્યાગ કરવાની શું ઈચ્છા નહિ થઇ હોય ? ખરેખાત, તેને પણ સ્મશાન વૈરાગ્ય થયો હશેજ, પણ એ ક્યાં સુધી ? દુરાચરણથી પેટ ભરનારા ક્ષુદ્ર જનોને વળી કર્તવ્ય શું અને અકર્તવ્ય શું !
૪. સાંજે અમે બહારશાહ અને સમદશાહની દુકાને કાશ્મીરી પસ્મિના અને શાલો જોવા ગયા. આ શાલો એવી તો ટકાઉ અને સુંદર બને છે કે તેની જોડ સૃષ્ટિમાં બીજે ક્યાંઈ છેજ નહિ. ક્યાં આ જંગલી દેશ અને ક્યાં આ અલૌકિક કારીગિરી ! ઉદ્યોગ શું ન કરે ! પ્રયત્નથી પશુ પક્ષીઓ પણ સારૂં કામ કરે છે તો આ જંગલી કાશ્મીરનાં માણસો આવું કામ કરે તેમાં શી નવાઈ ! હે હિન્દુસ્તાન ! તારી કારીગિરીને તું શામાટે ઉત્તેજન નથી આપતો ? તારાં બચ્ચાંને તું કુશલ શામાટે નથી બનાવતો ? કુદરત તો તારા પર પૂર્ણ કૃપા વર્ષાવી રહી છે. તેનો ઉપયોગ કેમ કરવો એજ શીખવાનું બાકી રહ્યું છે. જુલ્મની અંધારી રાત્રિ તો ગઇ છે. શત્રુઓનાં વાદળાં અદ્રશ્ય થઇ ગયાં છે. ઘાણ વાળતી તરવાર, રુધિરની નદીઓ ચલાવનારી સાંગો અને બરછીઓ હવે દિવાલ પરજ દેખાય છે ! તેતો હવે તારાં રમકડાં બની ગયાં છે, હવે તેનાથી ધાસ્તી રાખવાનું કાંઈ કારણ નથી. દુઃસ્વપ્નો દૂર થયાં છે, પ્રભાત થયું છે, પ્રહર એક સૂર્ય ચડી ગયો છે, અંધકારનો નાશ થયો છે, સોનાનાં નળિયાં થઇ ગયાં છે : હવે આંખ ઉઘાડ, ઊભો થા, કામે લાગ, તારા જે ભાઈઓ તને મદદ આપે છે તેઓનો આભાર માનીને તેની બરાબર થવા કોશીશ કર. બ્રહ્માંડચક્ર પણ એક નિશાળ જેવું છે. ચડતી પડતી ઘટમાળની માફક થયાજ કરે છે. તારા સોબતીઓમાં તું સર્વોત્તમ હતો. હવે નીચો પડ્યો છે તેથી આંસુ પાડવાનું નથી. તેમ કરીશ તો વધારે નીચો જઈશ. તને ઊંચો કરવા તારા ભાઈઓ કોશિશ કર્યા જ કરે છે, પણ જ્યાં સુધી તું જરા પણ જોર નહિ કરે ત્યાં સુધી કાંઈ ફાયદો થવાનો નથી. પૂછલેલ બળદ પણ મદદ મળે ત્યારે બળ કરી ઊભો થાય છે. તારાં કળા કૌશલ્યનો લય નથી થયો, તેનું તેજ હજી ક્યાંક ક્યાંક ચળકી રહે છે. તેને મૂલ રૂપ પકડતાં વધારે વખત લાગશે નહિ. આ બાબતમાં વધારે લખવું એ હાલ જરૂરનું નથી. આટલું લખવાનું એજ કારણ છે કે, એક વસ્તુ જોઇ મારા મનમાં શું અસર થઇ તે આપ જાણો.
૫. આ દુકાનો જોઇ અમે કિસ્તીમાં બેઠા અને પાછા અમારે ઉતારે આવ્યા. ઉતારાની ગોઠવણ મહારાજા તરફથી થઇ હતી, અમારા સાંભળવા પ્રમાણે અમારો ઉતારો બીજા બધા ઉતારા કરતાં સારો હતો, તોપણ તેમાં સેંકડો ઊંદરનાં દર હતાં. આ ઉપરથી આ ઉતારાથી ઊતરતા દરજ્જાનાં ઘર કેવાં હશે તેની સહજ કલ્પના થઇ શકશે.