shabd-logo

૧૩-૧૧-૯૧

2 June 2023

9 જોયું 9

તા. ૧૩-૧૧-૯૧ :- રાત આખી સગડીમાં ધૂમાડા વિનાનાં ચિનારના લાકડાં સળગ્યાં કર્યાં હતા. તેથી સવારના સાડા ચાર વાગે ઉઠી કપડાં પહેરી તાપવા બેશી ગયા. 



૨. ચા પીધો કે તુરત ગાડીમાં બેશી રસ્તે પડ્યા. કાશ્મીરના આ સુંદર દેખાવો વિશે હું શું લખું ? દરેક જગ્યા એ સરખી જ રમણીયતા દેખાય છે. જેલમ નદી પડખે ધસી આવતી હતી તેની આસપાસ ભવ્ય દેખાવો જોઈ દૃષ્ટિ કદી તૃપ્ત થતી જ નથી.

૩. આવા પ્રદેશોમાં આમતેમ સડક પર ચાલતાં અમો કોઇ કોઇ ઠેકાણે પ્રતિધ્વનિ સાંભળવા પીસ્તોલના અવાજ કરતા હતા. આ અવાજ દરેક ડુગરમાં અને ખાઈમાં ગાજી રહેતા. અવાજ સાંભળી કોઇ કોઇ વખતે ઉંડી ખીણમાં દીપડા જેવા કેટલાં જાનવર ઘીચ ઝાડીમાંથી બહાર નીકળી આવતા, દુરબીનથી અમે તેઓને જોયાં તો પણ ખાઈ એટલી ઉંડી છે કે અમે તેની જાત ઓળખી શક્યા નહિ. આમાંના કેટલાંક પીળાં અને વાંદરાના આકારના હતાં

૪. બપોરે અમે દુમેલ આવી પહોંચ્યા. આ જગ્યાએ એક પુલ છે. તેની નીચે જેલમ નદી વહે છે. તેનું પુર એટલું જોસવાળુ છે કે આ પુલની વચમાં એકે થાંભલો બની શક્યો નથી. આ ઝૂલાપુલની પાસે જ મુસાફરો માટે ત્રણચાર ઓરડીઓ છે. આ પૂલ અને ઓરડીઓ કાશ્મીરના સ્વર્ગવાસી મહરાજાની યાદગીરી માટે ચણાવેલાં છે.

૫. ઓરડીમાં ઊતરવાને બદલે અમે પુલ અને ઓરડીઓને પડખે એક ચણાવેલ ઓટો છે ત્યાંજ બેઠા, કેમકે એની પાસે એક નાજુક ગુલાબના પુષ્પોની વાડી છે. અને નીચે જ જેલમનું સ્વચ્છ અને શીતળ જળ વહેતું દેખાય છે. આ ગુલાબના ફુલ ઘણાં જ ખુશબોદાર અને મોટાં છે.

૬. અમને જોઇને એક સારંગી લ‌ઇને એક ગવૈયો ગાવા આવ્યો. આ શું ગાતો હતો તે અમે પુરૂં સમજી શક્યા નહિ. પણ જે ગાયનો અને વાજાં અમે શ્રીનગરમાં સાંભળ્યા અને જોયાં હતા તેથી આ જુદીજ તરેહનાં હતાં. કાશ્મીરની આબેહુબ રીતભાત બારામુલ્લાં છોડ્યા પછી નજરે પડતી નથી. આ ગવૈયો કાઠી લોકોના રાવળ જેવો હતો. તેઓના જેવો જ સૂર કાઢતો હતો અને સારંગી તેવી જ વગાડતો હતો. ખામી માત્ર રવાજ (એક કાઠિયાવાડી વાજું જે રાવળ લોકો હમેંશા સારંગીની સાથે રાખે છે.) ને જ હતી. થોડી વારમાં આંહીનો માળી કેટલાંક સફરજન અને નાખ લ‌ઇ આવ્યો. આ કાશ્મીરમાંજ ઉત્પન્ન થતાં સફરજન જેવાંજ નાખ અને કાશ્મીરી સફરજન ઘણાં સ્વાદિષ્ટ અને દાડમ જેવડાં મોટાં હોય છે. કાશ્મીરી લોકો નાખનું અથાણું પણ કરે છે. જમવાનું તૈયાર થયું તેથી રસોડાના તંબુમાં જઇ જમીને પાછા નદી આગળ આવી બેઠા.

૭. પૂલની એક બાજુએ આ ઓરડીઓ, ઓટો અને ફુલવાડી છે, અને બીજી બાજુએ ટ્રેનના સ્લિપર વહેરવાનું કારખાનું છે. આ કામ એન્જીન અને સાંચાથી થાય છે. આ પાટીયાં કાશ્મીરમાં કામ આવતા નથી પણ એકસોથી વધારે માઇલ દૂર મોકલી આપવાનાં છે. મજુર ગાડાં અથવા ખટારા પર, આ પાટીયાં તેટલે દૂર મોકલાવાતાં નથી, પણ પચાસ સાઠ પાટીયાં તૈયાર થયાં કે તુરતજ જેલમ નદીમાં ફેંકી દેવામાં આવે છે. તેથી વેન સાથે તણાતાં ચાલ્યાં જાય છે. નવાઇ જેવું એ જ છે કે આ પાટીયાં વેનમાં ઘણી વખત કીનારે ચડી જાય છે, છતાં કોઈ માણસ તેને ઉપાડી જતું નથી, પણ પાછાં નદીમાં ફેંકી દે છે. વળી કદાપિ કેટલાંક લાકડાં ખોવાતા પણ હશે તોપણ આ જગ્યાએ લાકડાની એટલી છત છે કે તે ખોટ કાંઇ નજરમાં લાવવા જેવી નથી.

૮. એક વાગ્યો. આ દીવાલ સાથે અથડાતું પાણી, જેલમ નદીને આ જગ્યાએ એક બીજી નદી મળે છે તેથી થતો મોટો અવાજ, ગુલાબનાં આ સુંદર પુષ્પ, અને આ ઝૂલાપૂલ છોડી ચાલવાનો વખત થ‌ઇ ગયો. "મે અને મેમાન કેટલા દિવસ" !

૯. કાશ્મીરની હદમાંથી ગાડી અથવા એક્કા ભાડે કર્યા હોય તેઓને માટે અહીં કાંઇક દાણ આપવું પડે છે. દાણ લેનારા માગવા આવ્યા પણ અમે ગાડી તેમજ એક્કા રાવલપિંડીથી ભાડે કરેલા હતા તેથી કાંઇ આપ્યા વિના ચાલી નીકળ્યા, એક્કાવાળાને પણ ચાલવાનું કહી દીધું અને લાલચુ દાણ ઉઘરાવનારને રગઝક કરતા ત્યાંજ રાખ્યા.

૧૦. અમારી સાથે જેલમના પાણી પર સેંકડો પાટીયાં તણાતાં આવતાં હતાં, ચક્કર ખાતાં હતાં, કોઇ ટાપુ પર અટકી પડતાં હતાં, કીનારા પર ઉછળી પડતાં હતાં અને પાછાં રસ્તે ચડતાં હતાં, આ પણ ખરેખાત જેલમના ગૌરવમાં કાંઇક વધારો કરતાં હતાં અને તેની ઝડપની મહત્ત્વની છાપ દીલ પર વધારે સજ્જડ બેસાડતાં હતાં.

૧૧. દુમેળ અને કોહાલાની વચમાં ચાર ભોંયરા (ટનેલ્સ) છે, તેની નીચે થ‌ઇને ઘોડાગાડીને અને દરેક વટેમાર્ગુને ચાલવું પડે છે. આમાંનું એક ઘણું મોટું છે, ભોંયરામાં ઉપરથી અને બન્ને બાજુમાં પાણી વહ્યા કરે છે. નીચે ચાલતી વખતે કોઇ કોઇ ટીપાં ઉપર પડે છે તેથી આ નાની જૂદીજ સૃષ્ટિમાં હમેશ વર્ષા ઋતુ વસતી હોય તેવું ભાસે છે. ઉપર ભારે પથ્થર ઝઝૂમી રહેલા છે તેથી કોઇના જીવની હાનિ થશે એવી ધાસ્તી રહે છે. આ ભોંયરાને પાડી નાખવાં અથવા અંદરથી ચણાવી લેવરાવવા જોઇએ, નહીં તો તે કોઇ નહીં ને કોઇ દિવસ અસલી કાળીકાની માફક કોઇ નિરપરાધી મનુષ્યપ્રાણીનો ભોગ લેશે.

૧૨. "દાણ ઉઘરાવનારા માણસોએ અમારા માણસોને કાંઇ હરકત તો નહિજ કરી હોય ને !" એવા વિચાર કરતા કોહાલે આવી પહોંચ્યા. અહીંના ડાકબંગલામાં અમારે રાત રહેવી હતી.

૧૩. કોહાલાગામ અર્ધું કાશ્મીરની હદમાં છે અને અર્ધું પંજાબની હદમાં આવેલું છે. વચમાં એક ઝૂલાપૂલ આવેલો છે. આ પૂલ ઉપર ઊભા રહી નીચે વહી જતું જેલમનું પાણી નીહાળવા જેવું છે. કાચનો રસ વહી જતો હોય તેવોજ આબેહૂબ આભાસ થાય છે. કેમકે આટલા ભાગમાં પથ્થર ન હોવાથી પાણી ઉછળતું નથી અને તેથી ફીણ દેખાતાં નથી, પણ નિર્મળ જળ એકસરખું સરખી સપાટીમાં ઝપાટાબંધ ચાલ્યું જાય છે; કાશ્મીર અને પંજાબની હદવચ્ચે પાટીયાં જાણે છોકરાંને રમવાનાં નાનાં વહાણ હોય અને જાણે ફૂંકથી ચાલ્યાં જતાં હોય અથવા કાચ પરથી લપસી પડતાં હોય તેવાં દેખાય છે. આ પૂલ પર એક વખતે એકથી વધારે ગાડી ચલાવવાનો હુકમ નથી અને દરેક ગાડી, એક્કા, ખચ્ચર , પોઠીયા અને કરાંચી માટે દાણ તરીકે અમુક રકમ આપવી પડે છે. પૂલને બન્ને છેડે અકેકી કોટડી છે તેમાં સીપાઇઓ દિવસ આખો રહે છે.

૧૪. આ પૂલ ઓળંગ્યો. કાશ્મીર છોડ્યું પણ તેનું સૌંદર્ય અને શીતલતા હજી તજ્યાં નહોતાં. તેની શીતલતા અને આંખ આગળથી સૌન્દર્ય પણ તજવાનો વખત હવે નજદીક આવી ગયો; પણ હૃદયમાં ચીતરાઇ, જડાઇ અને કોતરાઇ ગયેલી છાપ હૃદયમાંથી કદાપિ યાવત્‌ચંદ્રદિવાકરૌ જીવવાનું હોય તોપણ કદી ભુંસાઇ, ઉખડી અથવા ઘસાઈ જવાની નથી !

૧૫. સડક પર વેપારીઓની નાની દુકાનો, જ્યાં માત્ર લોટ, ઘી, મીઠાઇ, માંસ અને હાડકાં જ દેખાતાં હતાં, તેની પાસે ગાડી ઊભી રહી. અહિંથી એક મોટો કેડી જેવો સડકની માફક જ બંધાયેલો રસ્તો ઊપર ડાક બંગલે જાય છે. સામાન મજૂર પાસે ઉપડાવી અમે ડાક બંગલે ગયા. ડાક બંગલો સાચવનાર પાસે બે ઓરડા ઉઘડાવ્યા. અને ત્યાં સરસામાન મૂકાવ્યો.

૧૬. ડાક બંગલામાં દસ બાર કમરા છે અને સળંગ એક લાંબી ઓસરી છે. ફળી મોટું અને સ્વચ્છ છે. ફળીને છેડે લાકડાની રેલીંગ છે અને રેલીંગથી જ શરૂ થતી એક ઊંડી ખાઇ છે, જેમાં જેલમ નદી ઘુઘવ્યા કરે છે. તે ખાઇ અને નદીની પેલીગમ, બંગલાની પાછળ અને ચોપાસ પર્વતોની હારો આવેલી છે.

૧૭. આ ઓસરીમાં રાવળપિંડીના કમીશ્નર લખતા બેઠા હતા, તેણે અમને જોતાંવેંતજ કહ્યું કે , “ દુમેલમાં દાણ ઊઘરાવનાર સિપાઈઓએ મને અને મડમ સાહેબને ઘણી અડચણ કરી છે. તેથી તેઓની એવી વર્તણુંક વિશે હું કાશ્મીરના રેસીડેન્ટ પર એક ફરિયાદ લખું છું. તમને તેઓ કાંઈ નડયા હતા ?” અમે કહ્યું. “ તેઓએ દાણ લેવા માટે તકરાર કરી હતી પણ અમે તેઓને કાંઇ આપ્યું નથી. અમારો સામાન એકકા અને માણસો પાછળ છે, તેઓને જો તેઓએ હેરાન કર્યા હશે તો અમે પણ રેસીડંટને એક કાગળ લખી ખબર આપશું અને તે કાગળ આપના કાગળ સાથે આપજ મોકલજો.

૧૮. આમ કહી તેજ ઓસરીમાં અમે ટેબલ પર ઘરના કાગળ લખવા બેસી ગયા. થોડાક કાગળ લખ્યા તેટલામાં માણસો આવી પહોંચ્યા અને લુલા વશરામ ખવાસે કહ્યું : "ભેસાં દુમેલમાં હેરાન થયાને ?" અમે પૂછ્યું, "શું થયું ?" ડાક્ટરે કહ્યું : "આપની ગાડી ચાલી ત્યાર પછી અમે તુરત જ એક્કા ચલાવ્યા પણ એક્કા દાણવાળાએ અટકાવ્યા. એકે આવી મને કહ્યું કે, 'દશ રૂપિયા મને આપે તો તેમાંથી પાંચ તમારા અને રીસીટ તમને દશ રૂપીયાની પૂરેપૂરી આપું'. આથી મેં કહ્યું : 'છી: એક પાઇ પણ નહિ મળે,' એક્કા પરાણે ચલાવ્યા પણ એક એક્કો જરા પાછળ રહી ગયો તેથી તેના કોચમેનને તેઓએ સખત માર માર્યો, પણ તે તેઓના હાથમાંથી છૂટી એકદમ એક્કો દોડાવી ચાલ્યો આવ્યો. જો તે હરામખોરોએ આ પ્રમાણે ન કર્યું હોત તો તેઓની તકરારનીજ વાત અમે રેસીડંટને લખત નહિ, પણ આ પ્રમાણે થયું તેથી ઉપલી બધી હકીકત અને તેની સાથે કોહાલાના એક હવાલદારે અમને ઘણી સારી સગવડ કરી આપી હતી તે લખી, રાવળપિંડીના કમીશ્નરને કાશ્મીરના રેસીડંટ તરફ તે કાગળ રવાના કરવા આપી દીધો.

૧૯. અમે કમીશ્નર સાથે વાતચીત કરતા હતા અને સંધ્યા રાગથી અતિ રમણીય લાગતું તે અલૌકિક સૌંદર્ય આમતેમ આંખો ફેરવી આનંદ અને આશ્ચર્ય સહિત જોતા હતા તેટલામાં થાળી પીરસાઇ ગ‌ઇ તેથી જમવા ગયા.

૨૦. સવારે વહેલું ચાલવું હતું તેથી જમીને જલદી બીછાનાનો સંગ કર્યો.

૨૧. આ વખત તો કોહાલામાં શાન્તિથી આ પ્રમાણે સૂઇ રહ્યા, પણ કાશ્મીર જતી વખતે ત્યાં શું થયું તે હવે જરા લખું:

૨૨. મસુરી (મરીહીલ)થી નામનાજ જમીને બપોરે ચાલ્યા હતા. ખરેખાત જ 'નામનાજ જમીને', કેમકે, ઘીથી દરેક વસ્તુ વૈદરાજ ઝંડુભટના સુદર્શન અથવા હાવર્ડ ક્વિનાઇન જેવી કડવી થઇ ગઇ હતી ! આ ખાવાથી તાવ આવતો અટકવાનો નથી એમ ધારી કાંઇ મ્હોંમાં પણ નાખ્યું નહોતું. ચા પીધા પછી ચાલવાનું નક્કી કર્યું પણ તેપણ ઢોળાઇ ગયો અને વધારે દૂધ ન મળે; ઊનું પાણી પીવાની કોઇને ઇચ્છા થઈ નહિ. ઇશ્વરનીજ ઈચ્છા આજ અહિં પેટ ભરવા દેવાની નથી, તો બીજે ક્યાંઇ જમી લેશું એમ વિચારી અમે ગાડીમાં બેસી ભુખ્યા, મરીહીલ છોડ્યું. 'કાશ્મીરની મુસાફરીનો આ બીજોજ દિવસ હતો, તેથી ત્યાંના ગામડાં કેવાં છે, ત્યાં શું શું મળે છે અને શું શું મળતું નથી તેથી અજાણ્યા હતા. ડુંગરનો રસ્તો વિકટ હોવાથી ગાડી પડી જશે એવી ધાસ્તીથી કોઇ વખતે ખુશીથી અને કોઇ વખતે ઘોડા અટક્યાથી મરજી ઉપરાંત પગ ઘસડવા પડતા હતા. પેટમાં તો અગ્નિ બળે, ચક્કર અને અંધારા આવે, પણ કરવું શું ? આખરે ફગવાડી નામનું મોટું શહેર નજરે પડ્યું ! ત્યાં જમવાની વસ્તુ સીવાઇ બીજું બધું મળતું હતું.! શોધી શોધી થાક્યા ત્યારે ગોળની રેવડી અને મકાઈના ડોડા મળ્યા, પણ :ભુખ ન જાણે ઠંડો ભાત," આ કહેવત પ્રમાણે ઇશ્વરે આપેલાં તે ડોડા અને રેવડી અમને સુદામાના તાંદુલ જેવાં મીઠાં લાગ્યાં અને તે મળ્યાં તેટલાં ખાધાં. પેટમાં ખાડો રહેવાથી ચા માટે દૂધ ગોત્યું પણ તે ત્રણ ઝુંપડાંના શહેરમાં ક્યાંથી ? તેથી પાણી પી ટાઢું પેટ કરી અગાડી ચાલ્યા. ઠીક ! મરીહીલથી જમણની આશાએ મોડા ચાલ્યા, રસ્તામાં ચાલવું પડતું હતું અને ફગવાડીમાં ડોડા ફાક્યા તેથી કોહાલે અંધારી રાતે ઘણા મોડા પહોંચ્યા. જવું ક્યાં ? જમવું ક્યાં ? સૂવું ક્યાં ? ગાડી નીચે ઉતરી, લબાચા ગાડીમાં જ રાખી અમે વેપારીઓને પૂછતા પૂછતા અંધારામાં ઠેશો ખાતાં, લાકડીને ટેકે ટેકે, "ખાનસામા, ખાનસામા", એમ મોટેથી સાદ કરતા, ડાકબંગલે આવી પહોંચ્યા અને આરામખુરશી પર પડ્યા, " મામા, ખાવાનું ગોતો, પેટની પૂજા વિના ઊંઘ આવવાની નથી. " એમ મેં કહ્યું, એટલે "ઠીક બાપુ" કહી તે નીચે ઉતર્યા, થોડા વખતમાં પાછા આવ્યા અને કહ્યું કે, એક મોદી ગોત્યો છે તે રાંધે છે." તે પાછા ગયા અને અરધી કલાક પછી એક થાળીમાં જમવાનું લઈ આવ્યા. થાળીમાં શું હતું ? ઉધરસનાં માબાપ ! ખોરાં ભજીયાં, બીજું કડવી પણ સાકર જેવી રોટલીઓ, આલુ (પટેટા)નું કાચું શાક અને નાખનું ખારું અથાણું ખૂબ ખાધું ! "શાંતિ :" ! મામા વળી માંકડના લશ્કરો સહિત ત્રણ ખાટલા ઉપાડી લાવ્યા. "જો ભુખ ન જાણે ઠંડો ભાત તો ઉંધ ન જાણે તુટી (અને માંકડવાળી) ખાટ", ક્યાંથી જાણે ? ઘસઘસાટ ઊંઘી ગયા.

૨૩. સવાર થયું, ચાલવાની તૈયારી કરી. એકા અને ગાડીમાં સામાન ભર્યો., ચા પીધો, પણ આકાશ વાદળથી છવાઈ ગયું. જેલમના પાણીની સપાટી પર , ડુંગર ઉપર અને દરેક ખીણમાં કાળાં ઘટ વાદળાં આમતેમ દોડવાં લાગ્યાં, અંધારું વધારે ઘાડું થવા લાગ્યું, ડુંગર પર મયૂરો જલધરની ઘરઘર ગર્જના સાંભળી ટેહું ટેહું કરવા લાગ્યા, સૂર્ય ક્યાંઇ આકાશમાં સંતાઇ ગયો. અંધારી કોટડીમાં સગડીથી જ અજવાળું હતું, ઝાડની ઘટા શ્યામ થઇ ગઇ, પર્વતો બમણા રમણીય, શાંત અને ગંભીર દીસવા લાગ્યા. થોડાં જ વખતમાં ટપટપ ટપટપ વરસાદના મોટાં મોટાં બિંદુઓ પડવા લાગ્યાં, થોડાં જ વખતમાં મેઘવૃષ્ટિ વધારે જોસથી થવા લાગી, થોડાં જ વખતમાં વૃક્ષો અને નેવાંવરસવા લાગ્યાં, થોડાં જ વખતમાં પશુપક્ષીઓ અને માણસો શાંત થ‌ઇ જવાથી માત્ર આકાશમાંથી પડતી ધારાનો જ તડાતડાટ સંભળાવા લાગ્યો, અને આકાશ, પૃથ્વી અને વાદળ ફાડી નાખે તેવી ગર્જના અને મોટાં કડાકા થવા લાગ્યા પણ વરસાદ વધારે થતો હતો અને વાદળાં પણ વધારે જ ઘટ જામતાં હતાં. થોડા જ વખતમાં ડુંગર પરથી ખળખળીયા ચાલવા લાગ્યાં; અને થોડાં જ વખતમાં સૃષ્ટિ જલમય થઈ ગઈ. પાણીના ફોરાં પાણી પર જ પડવાથી તે પાછાં ઉછળતાં હતાં તેથી હજારો ભાલાની અણીઓ જાણે પૃથ્વીમાંથી બહાર નીકળી પાછી તેમાં સમાઈ જતી હોય તેમ દેખાવા લાગ્યું, પાણી આકાશમાંથી પડતું હતું, પહાડ પરથી ઉતરતું હતું, વૃક્ષો પરથી ખરતું હતું, છાપરા પરથી રડતું હતું, નેવાં પરથી ટપકતું હતું અને જાણે પૃથ્વીમાંથી પણ ઉછળતું અથવા બહાર બહાર નીસરી આવતું હોય તેમ દીસવા લાગ્યું. આ વરસાદની હેલી હવે સાત આઠ અથવા ત્રણ ચાર દિવસ સુધી અટકવાની નથી એમ ધારી ગાડી અને એક્કા છોડાવી ચાલવાની આશામાં નિરાશ થઇ પણ આવા સુંદર પ્રદેશમાં આવા સુંદર વરસાદનું અવલોકન કરવાનો વખત મળ્યો તેથી કૃતાર્થ થયેલા માની નિરાંત કરી, રામનું નામ લઈ, ઓસરીમાં આંટા મારવા લાગ્યા. અડધી કલાકમાં આકાશમાંથી પાણી પડતું બંધ થયું તેથી પવનની મંદ લહેરોથી જરા જરા હલતાં કુંજોનાં પાંદડાંમાંથી જ પાણી ટપકવા લાગ્યું. જરાવારમાં તે પણ બંધ થયું. જરાવારમાં અજવાળું થવા લાગ્યું, અને વાદળી વિખરાવા લાગ્યું. જરાવારમાં ફળી પરનું પાણી રડી ગયું, જરા વારમાં પશ્ચિમાં દિશામાં મોટું (અનેક) ચળકતા રંગવાળું ઇંદ્રધનુષ નજરે પડ્યું. જરા વારમાં તે ઝાંખું થયું, અને સૂર્યનાં લાંબાં કિરણો ભીની જમીન, ભીના પર્વતો , ભીની વેલી, ભીનાં ઝાડ, ભીનાં છાપરાં અને ભીની ખીણોમાં પ્રસરવા લાગ્યાં. સૃષ્ટિસૌંદર્ય ઓર જ થઈ રહ્યું. તિર્યગ્વર્ગમાં મહોત્સવ પ્રસરી રહ્યો. મેઘજલબિંદુને જરા જરા ધ્રુજી ખેરવી નાખતા એના નાજુકા રોપાની આસપાસ કાંઇક મધુરું લવતો પેલો ઘેલો ભોગી ભૃંગ ભમતો ભમતો વિસ્મિત કરતો મકરંદ ભર્યો રસદ્રવતા સુગંધી પુષ્પની સ્નિગ્ધ પાંખડીમાં શિથિલ થઈ ભરાઈ બેઠો, ચોંટી ગયો અને પેલી પોપટીઆ રંગની લાલચુ ચપળ ફુદડી એક બ્હેકી રહેલી વેલી લતામાં અટવાતી અટવાતી કોઇ કંપતા ફૂલડામાં લપાઈ ગઈ ! ફળિયામાં સૌ ફરવા લાગ્યા, કોઇ સિસોટી વગાડવા લાગ્યું, કોઇ એક જ પર્વતના કોઇ સુંદર ભાગપર દૃષ્ટિ અચલ રાખી ઉભું થઈ રહ્યું ; કોઈ ગાવા લાગ્યું, આ પ્રમાણે સૂર્યના એ ચળકાટથી દરેકનાં હૃદયમાં અજવાળું થઈ ગયું.

૨૪. આજ ચાલવાનું બંધ રાખ્યું. સાંજ પડી. પાછાં સવાર જેવાં જ વાદળ છવાઈ ગયાં. પાંચ વાગ્યા ત્યારે એટલું અંધારૂં થઇ ગયું કે અમે સૌ વાળુ કરી સુઇ ગયા. અડધી કલાક પછી ડાક બંગલાના એક માણસે આવી બાલુભાઈ (રૂપશંકરભાઈ)ને કહ્યું, "સાબ, કોઇ બહાર મત આવ, બાલુ (રીંછ) આયા હૈ." અમે તો સુતાજ હતા. રાત લાંબી થ‌ઇ પડી, ઊંઘ સવારે વહેલી ઊડી ગઈ, હવે સવારે ઉઠી અમે શ્રીનગર તરફ ચાલ્યા. 

15
લેખ
કાશ્મીરનો પ્રવાસ
5.0
૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા 'કાશ્મીરનો પ્રવાસ'નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં 'કાશ્મીરનો પ્રવાસ', કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું છે.
1

કાશ્મીર નું સ્વપ્ન : પ્રસ્તાવના

2 June 2023
12
0
0

પ્રકરણ ૧ કાશ્મીરનું સ્વપ્ન પ્રકરણ ૨ પત્રની શરૂઆત પ્રકરણ ૩ તા. ૧-૧૧-૯૧ પ્રકરણ ૪ તા. ૩-૧૧-૯૧ પ્રકરણ ૫ તા. ૫-૧૧-૯૧ પ્રકરણ ૬ તા. ૬-૧૧-૯૧ પ્રકરણ ૭ તા. ૭-૧૧-૯૧ પ્રકરણ ૮ તા. ૮-૧૧-૯૧

2

પત્ર ની શરૂઆત

2 June 2023
3
0
0

પ્રિય માસ્તર સાહેબ જોશીજી, આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈએક

3

૧-૧૧-૯૧

2 June 2023
0
0
0

૨. દીવાળી હોવાને લીધે આજ કાંઇક ગમત કરવાને અને અહિનું ગાયન કેવું હશે તે જીજ્ઞાસાથી આજ રાતે અમે ચાર ગવૈયા બોલાવ્યા. તેઓ આવ્યા ત્યાર પહેલાં અમે વાળુ કરી લીધું હતું. અમે એક ઢોલીઆ પર બેઠા અને તેઓ ગાવા લાગ્

4

૩-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૩-૧૧-૯૧ :- આજ મારી તબીઅત નાદુરસ્ત હતી તેથી અમે બહાર ફરવા જ‌ઇ શક્યા નહિ, તોપણ કેટલાક વેપારીઓ કાશ્મીરમાં બનાવેલાં કેટલાંક રૂપાનાં અને ત્રાંબાના વાસણૉ અમારે ઉતારે લઈ આવ્યા હતા તે જોયાં. નકશીનું કામ ઘ

5

૫-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૫-૧૧-૯૧ :- આજ સવારમાં રાવ બહાદૂરે ફૉરેન સેક્રેટરીને ચીઠી લખી વાઈસરૉયને મળવાનો વખ્ત પૂછાવ્યો. લાલા જયકિસનદાસની અઢી વાગે એક ચીઠી આવી તેમાં લખ્યું હતું કે : નામદાર વાઈસરૉય સાહેબ પોણાત્રણ વાગે તમારી મ

6

૬-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૬-૧૧-૯૧ ચકવાકની લાંબી ચીસો કાગાનીંદરમાં કોઇ કોઇ વખતે કાને પડવા લાગી. માંજી લોકોનાં બગાસાં, ટુંકાં ગાયનો અને અવાજ સંભળાવા લાગ્યા. દીપજ્યોતિ જરા નિસ્તેજ થવા લાગી. પડખું ફેરવતી વખતે ટાઢથી બિછાનું જરા

7

૭-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૭-૧૧-૯૧:- સવારે ઊઠ્યા. થાક ઊતરી ગયો હતો. આજ સવારના નવ અને પિસતાળીશ મિનીટે હીઝ એક્સેલન્સીને મળવા ગયા. પહેલાં એમના એડિકોંને મળ્યા. એડિકોં વાઈસરૉયને અમે આવ્યા છીએ, એ ખબર આપવા ગયા અને થોડીજ વારમાં એડિ

8

૮-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૮-૧૧-૯૧ :- આજ બપોરે અમે જમીને હરિ પર્વત જોવા ગયા. કિસ્તી એક જગ્યાએ બજારમાં ઉભી રાખી અને ત્યાંથી બાબુ કાલિદાસે ટટ્ટુ અને ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં તે પર સ્વાર થઈ ટેકરી તરફ ચાલ્યા. આ વખતે ડાકટર પુરુષ

9

૯-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૯-૧૧-૯૧ :- રાત્રે સારી નિદ્રા લેવાથી પ્રભાતે વહેલાં ચાલ્યા જવાનું શરૂ કીધું. કાગા નીંદરનાસુરસ્વપ્નો એક પછી એક ચાલ્યાં જવાં લાગ્યાં. કિસ્તી ચાલતી હતી. પાણીનો ખળખળાટ કાને પડતો હતો અને વળી કાંઇ સ્વપ્

10

૧0-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧0-૧૧-૯૧ :-સવારના છ વાગ્યા ત્યારે પથારીમાંથી ઊઠ્યા. પાણીનાં હલેસાં જોરથી કિસ્તી સાથે અથડાતાં હતાં અને જે કિસ્તી હમેશાં જેલમ નદીનાં શાંત, મંદગતિવાળા પાણીમાં સ્થિર ચાલી જતી હતી તે આજ આમતેમ ડોલતી હતી

11

૧૧-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૧-૧૧-૯૧ :- સવારે ઉઠ્યા, કિસ્તીમાંજ ચા પીધો. અમારૂં આ નાનું ઘર સંકેલ્યું, લબાચા ઉપાડ્યા, એકામાં અને ગાડીમાં સામાન ભર્યો.  ૨. ગરીબ, મહેનતુ અને આજ્ઞાંકિત માંજીઓને ઇનામ આપી સરટીફીકેટો લખી આપી, ખુશ

12

૧૨-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૨-૧૧-૧૮૯૧ :- સવારમાં ચા પીધા પછી આઠ વાગે ઉરી છોડ્યું. રસોડાના સામાન સાથે કેટલાંક માણસોને રસ્તામાં બપોરે જમવાનું તૈયાર રાખવા અગાડી મોકલી આપ્યાં હતાં. આ વળતી મુસાફરીમાં અમે હમેંશા આવી ગોઠવણ કરતા કે

13

૧૩-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૩-૧૧-૯૧ :- રાત આખી સગડીમાં ધૂમાડા વિનાનાં ચિનારના લાકડાં સળગ્યાં કર્યાં હતા. તેથી સવારના સાડા ચાર વાગે ઉઠી કપડાં પહેરી તાપવા બેશી ગયા.  ૨. ચા પીધો કે તુરત ગાડીમાં બેશી રસ્તે પડ્યા. કાશ્મીરના

14

૧૪-૧૧-૯૧

2 June 2023
0
0
0

તા. ૧૪-૧૧-૯૧ :-:- સવારમાં સૂર્યોદય પહેલાં કોહાલા છોડ્યું. રાતે જરાક વર્ષાદ આવી ગયો હતો તેથી અને ઝાકળથી પૃથ્વી ભીનાશવાળી હતી. શુક્રનો તારો પ્રભાતકાલ સૂચવતો ચળકી રહ્યો હતો, સપ્તઋષિ મંડલ પર્વતોની ખીણોમાં

15

૧૫ - ૧૧ - ૯૧ સમાપ્ત

2 June 2023
0
0
0

સવાર થયું, દરેક વસ્તુ ભીની થ‌ઇ ગ‌ઇ હતી, સૂર્યનાં કિરણો પડવાથી નવપલ્લવ ભીનાં વૃક્ષોની રમણીયતા વધારે રમણીય દીસતી હતી. પર્વતની ઝાડની ઘટાવાળી ખીણો સુંદર છતાં વધારે સુંદર દેખાતી હતી.પર્વત પરના બરફનો ચળકાટ

---

એક પુસ્તક વાંચો