પ્રકરણ ૧ લું.
અમર રહો માતા કોરીયા !
કોરીઆની રાજધાની શીઉલ શહેરની એક નિશાળમાં એક દિવસ મેલાવડો મળ્યો હતો. જાપાની બડેખાંઓએ બાળકોને રાજ–ભક્તિનાં ભાષણો દીધાં. શિક્ષકોએ પોતાના મહેમાનોને ગળે ફુલહાર પહેરાવ્યા. બધાં બાળકો સભા ખતમ થવાની આતુર હૃદયે રાહ જોતાં હતાં. એ શેની વાટ જોતાં હતાં ? મીઠાઈની ?
છેવટે એક તેર વરસનો કિશોર બાળક મોખરે આવ્યો, ને બહુજ વિનયભર્યું એક ભાષણ કર્યું. જાપાની અમલદારો ખુશ ખુશ થઈ જાય એવું રાજભક્તિથી તરબોળ એ ભાષણ. હતું. ભાષણનો અંત આવતો હતો. બોલનાર બાળકે શરીર ટટ્ટાર કર્યું, એની છાતી ધસીને બહાર આવી, ને એની આખોમાં કોઈ ઉંડા નિશ્ચયની કાંતિ ઝળકી રહી.
એ નિશ્ચય શાનો હતો ? મોતને ભેટવાનો. બાળક એવા શબ્દો ઉચ્ચારવા જતો હતો કે જે શબ્દોએ હજારોનાં માથા લીધાં હતાં. બાળકને આ વાતની ખબર હતી. એણે એ શબ્દો ઉચ્ચાર્યા. “હવે થોડુંકજ બોલવા દેજો. તમારી પાસે અમે એકજ વસ્તુ માગી લઇએ.”
આટલું કહેતાં, એનો હાથ છાતી ઉપર પડ્યો. એ સાથે તો ત્યાં બેઠેલા સેંકડો બાળકોના હાથ પોતપોતાની છાતીમાં પેઠા. જાપાનીઓ ઝબક્યા ! બાળકોએ પોતાના ડગલાની અંદર, છાતી ઉપર શું સંતાડ્યું હશે ? પિસ્તોલો, બોમ્બો કે ન્હાની ન્હાની કાતિલ છુરીઓ ?
બોલનાર બાળકનો હાથ બહાર આવ્યો; એ હાથમાં માતૃભૂમિનો એક નાજૂક વાવટો ! એણે હાકલ કરી, “અમારી મા અમને પાછી સોંપો ! અમર રહો માતા કોરીઆ.”
ચારસો હાથ આકાશ તરફ ઉંચા થયા; ચારસો ન્હાના વાવટા હવામાં ઉડવા લાગ્યા. ચારસો કંઠની અંદરથી ધ્વનિ ઉઠ્યો, “અમર રહો મા, અમર રહો મા, અમર રહો, માતા કોરીયા.”
ટપોટપ ગજવામાંથી સરકારી નિશાળોનાં સર્ટીફીકેટો ટુકડે ટુકડા થઈને જમીન ઉપર પડ્યાં. અને મીઠાઈ વહેંચવા આવેલા મહેમાનોને દિગ્મૂઢ હાલતમાં મૂકીને ચારસો રોષયુક્ત, ગર્વયુક્ત, ભયમુક્ત ચહેરાઓ મંડપમાંથી એકતાલે કદમ મૂકતા બહાર નીકળ્યા. પ્રવાહમાં જેમ પ્રવાહ મળે તેમ બાળક બાળિકાઓનાં ટોળાં એકઠાં થયાં, ને માતા કોરીયાનો જયઘોષ કરવા લાગ્યાં.
આ કાંઇ તમાશો નહોતો. કોરીયાનું પ્રત્યેક બાળક પણ જાણતું હતું કે જાપાની રાજ્ય, કોરીઆનો વાવટો ઉડાવનારનું માથું ઉડાવે છે; પછી તે માથું બાળકનું હો કે બાલિકાનું.
નાગી તલવારો લઈને સરકારી સીપાઈઓ એ બાળકોની સુંદર મેદિની ઉપર તૂટી પડ્યા. ચારસો બાલક બાલિકા પકડાયાં. ઘણાં યે ઘવાયાં. પાદરીઓની ઈસ્પીતાલોમાંથી પંદર રમણીઓ પિતા જીસસનાં પ્યારાં શિશુઓની સહાયે દોડી. એ પણ પકડાણી. કુમારીકાઓએ કસી કસીને પોતાનાં અંગ ઉપર ચોળીઓ ને ચડ્ડીઓ શીવી લીધેલી, તે ચીરીને સીપાઈઓએ બધીને નગ્ન કરી ભર બજારે ઉભી રાખી. માતા કોરીઆનાં સંતાનોની આંખમાથી આ દેખાવે લોહી ટપકાવ્યાં, છેડાયેલી જનતા તોફાન પર આવી. લોકો રાવ લઈને પોલીસના વડા પાસે દોડ્યા. જાપાની અધિકારીએ જવાબ વાળ્યો કે “રમણીઓને નગ્ન કરવાનું જાપાની કાયદામાં મંજુર છે.”
આ જાપાન કોણ ? આપણી માતાની એશિયાઈ બહેન ! જેણે સૈકાઓ સુધી જુલ્મની સાંકળો ઉચકીને આખરે એક દિવસ એ સાંકળોને તોડી નાખી; જેણે પોતાના શૌર્યથી, ને કળાકૌશલ્યથી આખા યુરોપને તેમજ અમેરીકાને ચકિત કર્યું; જેણે જગતમાં એશિયાની ઇજ્જત જાળવી.
આવું પ્રતાપી, ને સમૃદ્ધિશાળી, જાપાન કોરીયાને શા માટે સંતાપે છે ? બે કરોડ નિર્દોષ ને શૂરવીર મનુષ્યોએ એનો શો અપરાધ કર્યો છે ? દુનિયાના એક ખુણામાં પડ્યો પડ્યો એ પ્રાચીન દ્વીપકલ્પ ચાર હજાર વરસો થયાં સ્વતંત્રતા ભોગવતો હતો, પોતાનો કીર્તિવંત ને નિષ્કલંક ઇતિહાસ પોતાનાં બાલકોને ભણાવી રહ્યો હતો. એનાં સંતાનોને ગાવાની કવિતા હતી, પોતાના સુંદર મનોભાવો પ્રગટ કરવા એને શિલ્પકળા હતી. પોતાને આંગણે બેઠી બેઠી એ પ્રજા પેગોડા બાંધીને બુદ્ધ દેવની બંદગી કરતી હતી. આવી નિરપરાધી શાંતિપ્રિય પ્રજાએ જાપાનનું શું બગાડ્યું ?
સવાલનો જવાબ સવાલથી જ દઈએ. ઈજીપ્ત અને આયર્લાંડે ઈંગ્લાંડનું શું બગાડ્યું ? હંગેરીએ આસ્ટ્રીઆનું શું બગાડ્યું ? કોંગોવાસીઓએ બેલજીઅમનું શું બગાડ્યું ? અને ભારતવર્ષે બ્રીટાનીઆનો શો અપરાધ કર્યોં ?
કોરીયાનો અપરાધ એટલો કે એણે પોતાની ભૂમિ ઉપર જાપાનને પગ મેલવા દીધો; એણે જાપાનને નીતિ ને સાહિત્ય શીખવ્યાં; શિલ્પ અને ફિલ્સુફી શીખવ્યાં. વધુ અપરાધ એ કે કોરીયા ચીનને આશરે આનંદ કરી રહ્યું હતું. એથીયે વધુ અપરાધ એ કે એના કેટલાએક અણસમજુ સંતાનોએ જાપાની લોકોને પોતાની ભૂમિમાં દાખલ થતા અટકાવ્યા, ને થોડાકને ઠાર કર્યા. સહુથી મોટો અપરાધ તો એ કે કોરીયામાં વેપાર વાણિજ્ય બહુ કસદાર હતાં, એને બહુજ મોટાં મોટાં કિમતી બંદરો હતાં, પણ વેપાર ખીલવનારા વેપારીઓની કોરીયામાં ખેંચ હતી ! કોરીયાનો રાજવહીવટ ચાર હજાર વરસો થયાં ચાલતો પણ, એમાં જાપાનની નજરે ઘણા દોષો હતા ! કોરીઆમાં રેલ્વે હતી, પણ એની સુવ્યવસ્થા કરનારા જાપાની અમલદારો નહોતા ! રે ! કોરીઆમાં સોનાની ખાણો હતી !
પરદુઃખભંજન જાપાને આ નાનકડી તોફાની પ્રજાને શી રીતે, ને કેટલી કેટલી મુશીબતે ઠેકાણે આણી તેનો ટુંકો ઇતિહાસ તપાસીએ. સીતેર વરસનો ટુંકો આ ઇતિહાસ છે.