પ્રકરણ ૬ ઠું.
દાનવને ચરણે રક્તની ભેટ.
૧૯૦૫ ના નવેમ્બરની એક પ્રભાતે જગવિખ્યાત જાપાની અધિકારી ઈટો કોરીયાને કાંઠે ઉતયો, અને તેણે રાજાના હાથમાં એક કાગળીઓ મૂક્યો, મૂકીને કહ્યું કે “સહી કરો.”
કાગળીયામાં શું હતું ?
નીચે પ્રમાણે નવા કરારો હતા:—
કોરીયાના પરદેશી સંબંધો જાપાની પરદેશ ખાતાને હસ્તક રહેશે, કોરીયાના એલચી તરીકે જાપાનીઓ પરદેશમાં નીમાશે; કોરીયામાં જાપાની રેસીડેન્ટો બંદરે બંદરે બેસી જશે; બેશરમ જાપાનની છેલ્લી કલમ એ હતી કે “કોરીયાના રાજ્યકુટુંબનું માન તેમજ સલામતી જાળવવા જાપાન ખોળાધરી આપે છે !”
રાજા તો તાજ્જુબજ બની ગયો. એણે જણાવ્યું કે “અમારી સ્વતંત્રતા રક્ષવાનાં આ તમારાં વચનો કે ?”
ઈટોએ ઉત્તર વાળ્યો કે “હું તો ચિઠ્ઠીનો ચાકર છું . કબુલ કરી લેશો તો પૂર્વની શાંતિ સચવાઈ રહેશે. જલદી જવાબ આપો.”
રાજા — “પ્રધાનો અને પ્રજાજનોની સંમતિ વિના મ્હારાથી કંઈ ન કહેવાય.”
ઇટો — “બે રાજ્યોની દોસ્તી તૂટવાનું જોખમ હોય ત્યાં એવાં બ્હાનાં ન ચાલે.”
રાજા — “મ્હારા દેશનો વિનાશ નહિ કરાવું, ઝેર ખાઈને મરીશ, પણ સહી નહિ કરૂં.”
પાંચ કલાકની માથાફોડ પાણીમાં ગઇ. ઈટોની આંખના ખુણા લાલચોળ થયા. એ આંખોમાં જાપાની બંદુકો ને તોપો દેખાણી. રાજા ડગ્યો નહિ.
ઈટો પહોંચ્યો પ્રધાનોની પાસે. પશ્ચિમની નિશાળે બરાબર ભણેલો એ અધિકારી સમજાવે છે કે “જુઓ ભાઈઓ, પીળા રંગની બે પ્રજાઓ જો દોસ્તીમાં જોડાય તો આપણે એશિયાને ગોરી પ્રજાના મ્હોમાંથી બચાવી શકશું. અમારે કાંઈ બીજો સ્વાર્થ નથી.”
પ્રધાનોએ ડોકાં ધુણાવ્યાં ઈટો કહે કે “જાન લઇશ. માની જાઓ તો ખીસાં ભરી દઈશ.” પ્રધાનો અડગ રહ્યા.
ઈટાએ જાપાની લશ્કરને સાદ કર્યો. શેરીઓમાં તોપો મંડાણી. સરકારી અદાલતો ને રાજમહેલની ચોપાસ જાપાની સંગીતો ઝબુકી ઉઠ્યાં. રાજાને યાદ આવી ૧૮૯૫ ની પેલી ભયાનક રાત્રી, જે રાત્રીના અંધકારમાં જાપાને કોરીયાની બહાદુર રાણીનું લોહી રેડેલું. રાજાનું તેમજ પ્રધાનોનાં કાળજાં ફફડી ઉઠ્યાં.
જાપાની તોપો બંદુકોથી ઘેરાયેલા એ મહેલની અંદર રાત્રીએ પ્રધાન મંડળ મળ્યું. જાપાની તલવારોના ખણખણાટ પ્રધાનોની બેઠકમાં સંભળાતા હતા. ત્યાં તો જાપાની સેનાપતિની સાથે ઈટો આવી પહોંચ્યો. એણે રાજાજીની સાથે એકાંત મુલાકાતની માગણી કરી. જવાબ મળ્યો કે “નહિ બને.”
પ્રધાન મંડળની સાથે ઇટોને રકઝક ચાલી. કોપ કરીને જાપાની હાકેમ બોલ્યો કે “કબૂલ કરીને ખીસાં ભરી લ્યો, નહિ તો ના પાડીને ડોકાં નમાવો.”
જાપાની સેનાપતિએ તલવાર ખેંચી. કારીયાનો બહાદુર મુખ્ય પ્રધાન બોલ્યો કે “સુખેથી, હિમ્મત હોય તો માથાં ઉડાવી દયો.”
“જોવું છે ?” એમ બોલીને સેનાપતિ વડા પ્રધાનનો હાથ ઝાલી, બીજા ખંડમાં ઘસડી ગયો.
બાકીના પ્રધાનોના મનમાં થયું કે આપણાં માથાં ઉડવાનો પણ હમણાંજ વારો આવી પહોંચશે. આપણી વારે ધાવા કોઈ પરદેશી પ્રતિનિધિ નથી આવ્યો. કોઇ આવવાનું પણ નથી. મરવાથી કાંઈ વળવાનું નથી. એમ સમજીને આખી રાતની એ રકઝકને અંતે પ્રધાનોએ કરારનામા પર સહી કરી. અડગ રહ્યા બે જણા–એક રાજા અને બીજો મુખ્ય પ્રધાન.
કોરીઆની અંદર આંગણે આંગણે આક્રંદ ચાલ્યું. ઈજ્જતદાર પ્રજાજનો, મોટા અમલદારો, અને એક વખતનો યુદ્ધ ખાતાનો વૃદ્ધ સચીવ રાજા પાસે જઈને આજીજી કરવા લાગ્યા કે “કરારનામું રદ કરો.”
આંસુભરી આંખે રાજા કહે “મેં સહી નથી કરી. પણ એ રદ કરવાની તો મ્હારી તાકાત નથી.”
અરજદારો પાછા ગયા,ને ઘેર જઈ રાત્રીએ આપઘાત કરી મુવા.
રાજ મહેલને બારણે બેસી લાંઘણો ખેંચવી ને આખરે ઘેર જઈ જીવ કાઢી નાંખવો, એ કારીયાવાસીઓનો સત્યાગ્રહ.
રાજા તો રઘવાયો બન્યો હતો. પારકાની દયા ઉપર જીવનારને બીજુ શું સૂઝે ? એણે અમેરિકાના પ્રમુખ પાસે ૧૮૮૨ ની સંધિ યાદ દેવા એલચી મોકલ્યો. અમેરીકાધિપતિએ ઉત્તર દીધો, “હું નહિ મળી શકું.”
એશિયાના હૈયામાંથી આ વાત જુગ–જુગાન્તર સુધી નહિ ભૂંસાય. એક શરણાગત દેશની કથની સાંભળવા માટે અમેરિકાના હાકેમ પાસે પાંચ પળની પણ ફુરસદ નહોતી ! અને પેલો ૧૮૭ર નો પુરાણો કોલ ! “હા, હા,” અમેરિકાના હાકેમે પાછળથી ઉચ્ચારેલું, “સંધિ મુજબ તો કોરીઆની સ્વતંત્રતા રક્ષવી જોઇએ પરંતુ, શું એટલી પણ અક્કલ નથી કોરીયાને, કે પોતેજ લમણે હાથ દઇને બેસે ત્યાં પારકી પ્રજા આવીને શું કરી દેવાની હતી ?”
અમેરિકાએ ઈશ્વર–સાક્ષીએ આપેલો આ કોલ ! એશિયાના ગુલામોને કપાળે આવા પ્રહારો ન પડે તો બીજું શું ?
અને પરદુઃખ ભંજન ઈંગ્લાંડ કાં ન ધાયું ? રે ! એને તો ઘણીયે ગણતરીઓ કરવાની હતી, જર્મની સામે ટક્કર ઝીલવા માટે એને ઉત્તર સમુદ્રમાં કાફલો રાખવો હતો, પૂર્વની ભૂમિમાં પોતાનાં વેપાર વાણિજ્ય તેમજ મુલ્કો સુરક્ષિત રાખવા હતાં, ને હિન્દુસ્થાન સામે ટાંપી બેઠેલા રૂશીઅન રીંછને આગળ વધતું અટકાવવું હતું ! શી રીતે ઈંગ્લાંડ પોતાના એ પરમ ઉપયોગી મિત્રને માઠું લગાડવા જાય ! ઈંગ્લાંડની આંગળી ઊંચી થવાની સાથે તો પેલા કાફલાને જાપાન દરીયાને તળીએ પહોંચાડી દે, વેપારનાં વ્હાણો પાછાં વાળે, અને પેલા રીંછને ભારતવર્ષની લીલી ભૂમિ ઉપર છૂટું મેલી દે. રે ! ઈંગ્લાંડે તો જાપાનને રાજી ખુશીથી લખી આપ્યું કે, “કોરીયાની અંદર, તમે રાજ્યદ્વારી, લશ્કરી અને આર્થિક હિત પ્રથમ દરજ્જે ધરાવો છો, એ અમારે મજુર છે !?”
૧૯૦૫ ના તહનામા ઉપર રાજાએ સહી કરી જ નહિ. પોતાના રાજમહેલમાં એ આજ કેદી બન્યો હતો. એના મનમાં ઉદ્ગાર ઉઠ્યો, “જરૂર, કોઇક પ્રજા તો મારી વારે ધાશે. શું કોઈ નહિ આવે ?”
૧૯૦૭ ની હેગ કોન્ફરન્સમાં એણે એલચી મોકલ્યો. એની વાત સાંભળવાની જ કોન્ફરન્સે ના પાડી !
જાપાને પાદશાહને પદભ્રષ્ટ કર્યો. યુવરાજને પૂતળું બનાવી સિંહાસને બેસાડ્યો.
ધારાસભામાં સર્વોપરી સત્તાધારી જાપાની રેસીડન્ટ જન૨લ. એને હાથે જ બધા અધિકારીઓની નીમણુક, અને કોઈપણ પરદેશીને સરકારમાં જગ્યા આપવાની મનાઈ !
ધીરે ધીરે મોટા હોદ્દા પરથી કોરીયાવાસીઓને ખસેડવામાં આવ્યા; તેને બદલે જાપાનીઓની ભરતી થઈ. પણ પશ્ચિમના કોઇ મુસાફરને પોતાનું ન્યાયીપણું બતાવવા ખાતર કેટલાંક કોરીયાનાં પૂતળાંને મોટી જગ્યા ઉપર રખાયેલાં, તો તે દરેકની ઉપર અક્કેક જાપાની સલાહકાર નીમી દીધેલો. સલાહકારની સલાહ ઉથાપનારો કોરીયન અધિકારી બીજે દિવસેજ ઘેર બેસતો.
કોરીયાવાસીઓ માટે જુદાજ કાયદા બન્યા. આરોપીની ઉપર આરોપ સાબીત કરવો જોઇએ તેને બદલે આરોપીએ પોતાનું નિર્દોષપણું પુરવાર કરવું પડે એવા ધારા થયા. જાપાની ભાષા રાજભાષા બની. વારંટ વિના કેદ કરવાની પોલીસને સત્તા મળી. આરોપી બચાવના સાક્ષી આપે તે સ્વીકારવાની મુખત્યારી ન્યાયાધિકારીની રહી. ન્યાયાધિકારી કોણ ? લોહીનો તરસ્યો જાપાની.
૧૯૧૩
૧૯૧૪
વિના કામ ચાલ્યે સજા પામેલા.
૨૧,૪૮૩
૩૨,૩૩૩
કુલ તહોમતદારો,
૩૬,૯૫૩
૪૮,૭૬૩
૧૯૧૫
૧૯૧૬
૪૧,૨૩૬
૫૬,૦૧૩
૫૯,૪૩૬
૮૧,૧૩૯
નિદોષ ઠરેલા.
૧૯૧૩
૧૯૧૪
૧૯૧૫
૧૯૧૬
૮૦૦
૯૩
૪૭
૧૨૬
આંકડાઓ પોતાની મેળે જ બોલશે કે જાપાને બે કરોડ કોરીયાવાસીને કેવી કુશળતાથી ઠેકાણે આણ્યા ! બે કરોડ કંગાળ પ્રજાજનોના ગળામાં સત્તર હજાર અમલદારોનું લોખંડી ચોગઠું આજે લટકી રહ્યું છે.
જુલમ ન સહેવાય ત્યારે અજ્ઞાન પ્રજાજન શું કરે ? ને શું ન કરે ? એને જીવવું અસહ્ય લાગે. જાલીમોના લોહીને માટે એનો પ્રાણ પોકારી ઉઠે. એક નાદાન પ્રજાજનના અંતઃકરણમાં પોતાની માતાને માટે વેદનાની જ્વાળા મળે ત્યારે એ અજ્ઞાન જીવ બીજું શું કરે ? ૧૯૦૯ની સાલમાં રેસીડન્ટ જનરલ કુમાર ઈટોનું એક કોરીયાવાસીએ ખૂન કર્યું. જાપાની જુલ્મને જાગૃત કરવા આ એકજ માણસનો અપરાધ બસ હતો. લશ્કર છુટ્યું, ધરપકડ ચાલી, અખબારો જપ્ત થયાં, અને આખરે ચાર હજાર વરસનો પુરાતન એક સ્વતંત્ર દેશ જાપાનનો એક પ્રાંત બની ગયો. ચાલીસ સૈકાનો ઇતિહાસ એક પળમાં ભૂંસાઈ ગયો. કોઇ વિક્રાળ જાદુગરની છડી અડકતાં, કોરીયાની સૂરત એવી તો પલટી ગઈ કે પોતે પોતાને જ ન પિછાને !
પ્રજાજનો કહે, “કોરીયા માતા તો મરી ગઈ. આપણે જીવીને શું કરવું છે ?” એક પછી એક પ્રજાજન આપઘાત કરી મરવા લાગ્યા. જાપાની દાનવને દેવાલયે માતા કોરીયાએ એકવાર શિલ્પ, સંસ્કૃતિ, સાહિત્ય તેમજ ધર્મનાં પુષ્પો વેર્યાં હતાં. દાનવે ગર્જના કરી કે હવે હું ફુલોનો ભોગી નથી રહ્યો. હે નારી ! મારે રક્ત જોઈએ–સંપત્તિ જોઈએ. આજ કોરીયાએ એ અસૂરને ચરણે પોતાનાં સંતાનોનાં શબનો ગંજ ખડકી દીધો છે.