પ્રકરણ સાતમું.
છુપાં શસ્ત્રો.
તલવારનું રાજ્ય કેવું ? ચાલો, થોડીક વીગતો તપાસીએ.
૧૯૧૬–૧૯૧૭ ની અંદર, સરકારી આંકડા પ્રમાણે ૮૨,૧૨૧ કોરીયાવાસીઓને લશ્કરી અધિકારીએ, કામ ચલાવ્યા વગર જ પરબારી સજા ઠોકી દીધી. ફક્ત છોકરાઓ, અને તંદુરસ્ત શરીરવાળા મરદોનેજ નહિ, પણ સ્ત્રીઓને અને વૃધ્ધોને પણ ફટકા લગાવેલા. રમખાણોમાં ઘાયલ થયેલા કોરીયાવાસીઓ શીઉલ–નગરની ઇસ્પીતાલોમાં સૂતા હતા. જાલીમો ફટકા મારવા આવ્યા. દાક્તર ને આયાઓ ના પાડતા રહ્યાં, અને ફટકાનો માર એ જખ્મી શરીરો ઉપર પડ્યો. તહોમતદારો પાસેથી બાતમી મેળવવા માટે કેવી કેવી કળાઓ વપરાતી ? પુરૂષોનાં અને બચ્ચાંનાં બાવડાં બાંધી ઉંચે ટીંગાડવામાં આવતાં, અને છેક બેશુદ્ધ બની જાય ત્યાંસુધી, એ બાંધેલી દોરી ખેંચાતી ને ઢીલી થતી ધગાવેલા સળીયા ઉપર એની આંગળીઓ ચાંપવામાં આવતી. એના શરીરના માંસમાં ધગધગતા ખીલા ઘોંચાતા. આંગળીના નખને ચીમટાથી ખેંચી કાઢવામાં આવતા.
વરસે વરસે ૭૫ હજાર કોરીયાવાસીઓ ઘરબાર છોડીને મંચુરીયા તરફ ચાલી નીકળવા લાગ્યાં. રસ્તે ભૂખમરો, કડકડતી ઠંડી, અને મૃત્યુ રાહ જોઇ રહ્યાં હતાં. પણ જાપાની જુલ્મની અંદર રહેલું અપમાન આ માર્ગના મૃત્યુમાં નહોતું.
દેશ છોડીને ચાલી જનારી નારીઓનાં અંગ ઉપર નગ્નતા ઢાંકવા જેટલાં પણ વસ્ત્રો નહોતાં. પીઠ ઉપર એનાં નાનાં બચ્ચાં બાંધેલાં હતાં, તેથી એક બીજાના શરીરની હુંફ મેળવીને તેઓ ચાલતાં. બાળકોનાં નાજૂક આંગળાં ઠંડીમાં એક બીજા સાથે ચોંટી જતાં. વૃદ્ધ સ્ત્રી પુરૂષો, વાંકી કેડ કરીને ગાઉના ગાઉ સુધી ચાલ્યા જતાં. આખરે એ જર્જરિત શરીર થાકી જાય, આગળ ચાલી ન શકે, અને માર્ગમાંજ પ્રાણ છોડે.
દેશના ઉકળેલ લોહીના કેટલાએ યુવાનોએ ‘ધર્મ સેના’ નામનું એક લશ્કર ખડું કર્યું. આ લશ્કર જાપાનીઓ ઉપર અચાનક હલ્લો કરે, જાનમાલની ખુવારી કરે, ને પાછું પહાડોમાં છુપાઈ જાય. જાપાનીઓએ વેરની વસુલાત નિર્દોષ લોકો ઉપર વાળી. ગામડાં બાળ્યાં, લોકોપર ગોળીબાર ચલાવ્યો, ને સ્ત્રીઓની લાજ લૂંટી. આ કતલની અંદર ખ્રીસ્તીઓનો પણ ભોગ લેવાયો. કતલનાં ચિત્રો કાંઈ બહુ વિવિધ નથી હોતાં. કારાગ્રહ, કોયડાના માર, સ્ત્રીઓપર અત્યાચાર, ગોળીબાર અને આગ–આ બધાં સુધરેલી પ્રજાના હાથમાં, રાજદ્રોહને ચાંપી દેવાનાં હથીઆરો. એનાં એ હથીઆરો ઘણી ઘણી રીતે વાપરી શકાય. જેવો વાપરનારો ! જાપાને એ તાલીમ પ્રથમ તો યુરોપની પાસેથી લીધી. પછી એણે પોતાની બુધ્ધિ અજમાવીને એ વિદ્યાને ખુબ કેળવી. કોરીયાનો ધ્વંસ એજ એનું પ્રમાણપત્ર !
ફરી એક વાર કોરીયાની નાડીમાં પ્રાણ આવ્યા. જગત આખાને સ્વતંત્રતા આપવા નીકળી પડેલા પેલા અમેરિકાના હાકેમ વિલ્સન કોને યાદ નથી ? એના પ્રજાસંઘમાં ન્હાની પ્રજાઓને પણ ખુરશી મળવાની ખૂબ વાતો વિલ્સન સાહેબે કરી નાખેલી. કોરીયાએ તો આશાતુર હૃદયે પોતાની હકીકત પારીસ કોન્ફરન્સમાં રજુ કરવા નક્કી કર્યું. કોરીયાની અંદરથી તો જાપાન કોઈને જવા જ શાનું આપે ? અમેરિકાની અંદરથી ત્રણ કોરીયાવાસીઓનાં નામ નક્કી થયાં. અમેરિકા કહે કે પાસપોર્ટ જ નહિ મળે !
ત્રણમાંનો એક ગમે તેમ કરીને પારીસ પહોંચ્યો. મિત્ર રાજ્યોના હાકેમો કહે કે “નહિ મળી શકીએ !”
હવે તો કોરીયાએ પારકી આશા છોડી. આખા દેશ ઉપર કેસરીયાં કરવાની વાતો ચાલી. ચતુર આગેવાનો ચેત્યા. માતા કોરીયાને નામે, એણે આણ ફેલાવી કે—
જે કાંઈ કરો તેમાં જાપાનીને અપમાન દેશો નહિ.
પત્થર ફેંકશો નહિ.
મુક્કાઓ મારશે નહિ.
કારણ, એ તો જંગલી પ્રજાનાં કામ છે.
જાપાન તો તાજ્જુબ બનીને જોતું રહ્યું કે આ બહાદૂર પ્રજાનો પ્રાણ તલવારથી નથી જવાનો. તલવાર ચલાવીને દુશ્મન ચાહે તેટલું લોહી ચૂસી શકે, વસ્તીની ગણતરીના આંકડા ઓછા કરી શકે; પણ એ લોહીના ઉંડાણમાં, ને એ આંકડાઓથી છેક અગમ્ય, પ્રજાને એક એવો પ્રાણ હોય છે કે જેને જાલીમનાં શસ્ત્રો સ્પર્શી જ ન શકે. એ પ્રાણ, તે પ્રજાની સંસ્કૃતિ, પ્રજાનું ચારિત્ર્ય. જાપાને કોરીયાની એ સંસ્કૃતિને ભ્રષ્ટ કરવાનું ને એ નીતિનો ધ્વંસ કરવાનું કામ આરંભ્યું.
પહેલું પગલું — કોરીયાના ઇતિહાસનાં તમામ પુસ્તકો ને જીવન–કથાઓ નિશાળોમાંથી, પુસ્તકાલયોમાંથી અને ખાનગી માણસોને ઘેરથી એકઠાં કરાવી બાળી નખાવ્યાં. મહામૂલું પુરાતન સાહિત્ય પલવારમાં તો બળીને ભસ્મ બન્યું. વર્તમાન પત્રો, પછી તે રાજ્યદ્રોહી હો કે વિજ્ઞાનને લગતાં, તદ્દન બંધ થયાં. છાપાને લગતા એવા કાયદા ઘડ્યા કે વર્તમાનપત્ર કાઢવું જ અશક્ય હતું. નીચે લખેલા પ્રસંગો ઉપર, અટ્ટહાસ કરવું કે આંસુ પાડવાં એ સમજાતું નથી.
કોરીયાનાં બાલકો માટે અંગ્રેજી ભાષામાંથી એક હાથીની વાર્તા કોરીયાની ભાષામાં ઉતારવામાં આવી. છાપાના અધિકારીએ એ વાર્તાને જપ્ત કરી. શા માટે ? વાર્તાની અંદરનો હાથી પોતાના નવા માલીકને કબ્જે થવા નાખુશ હતો, એ વાતને રાજ્યદ્વારી અર્થમાં ઘટાવી બાલકો એવું શીખી બેસે કે પોતાના નવા માલીક જાપાનને તાબે ન રહેવું. !
એક ધાર્મિક વર્તમાનપત્રે ‘વસંત’ ઉપર કાવ્ય છાપ્યું. એ કાવ્ય સત્તાએ દાબી દીધું. કારણ, એમાં ‘નૂતન વર્ષનો પુનર્જન્મ’ એ મિસાલનો ઉલ્લેખ, કોરીયાવાસીના મનમાં કદાચ “પ્રજાનો પુનર્–ઉદય” એવો અર્થ સૂચવી, સરકાર સામે પ્રજાને ઉશ્કેરી મૂકે !
કોલેજની એક કુમારિકાએ ‘સ્વતંત્રતા’ ઉપર એક ગીત જોડ્યું, તે બદલ તેને બે વરસની સજા પડી ! વર્તમાનપત્રનો ધ્વંસ થઈ ચુક્યો.
બીજું પગલું — સભા સમિતિઓ ગેરકાયદેસર જાહેર થયાં લોકોને મ્હોંયે પણ ડુચા દેવાયા, રાજ્યદ્વારી વિષયમાં પડવું એ કોરીયાવાસીઓને માટે મહાભયંકર ગુનો ગણાયો.
ત્રીજું પગલું — કોરીયા સ્વતંત્ર હતું ત્યારે એને ગામડે ગામડે લોકો શાળાઓ ચલાવતા. વિદ્વત્તા મેળવી મશહુર થવાનો પ્રત્યેક બાલકનો મહામનોરથ હતો. જાપાને આવીને એવા કાયદા કર્યા કે ખાનગી નિશાળો મરણને શરણ થઈ. મહાન્ વિદ્યાલયો જાપાને વીંખી નાખ્યાં. કેળવણી આપવા માટે કોરીયાની ભાષા કાઢીને જાપાની ભાષા દાખલ કરી. નિશાળોમાં શિક્ષકો જાપાની નીમાયા. જાપાની શિક્ષક ન સ્વીકારનાર શાળાનાં બારણાં બીજા દિવસથી બંધ થઇ જાય. પાઠ્ય–પુસ્તકો જાપાની સરકારની પસંદગીનાંજ ચલાવાય. યુરોપ કે અમેરિકાનો રે, ખુદ પોતાની માતા કોરીયાનો ઇતિહાસ બાલકોને કાને નજ પડી શકે. જાપાનનોજ ઇતિહાસ શીખવાય. એ ઇતિહાસમાં એવી વાતો ઘુસાડવામાં આવી છે કે જાણે જાપાનેજ કોરીયાને જંગલી હાલતમાંથી છોડાવ્યું, જાણે કોરીયાનો ઈતિહાસ ફક્ત બે હજાર વરસનોજ જુનો છે, અને જાપાનના છત્ર નીચેજ કોરીયા ફુલ્યું ફાલ્યું છે, અને છેલ્લી વાત–કોરીયા પોતાની ઇચ્છાએજ, પોતાની સલામતી ખાતરજ જાપાનને આધીન બન્યું છે ! જાપાનનાં પૂજારીઓ પેદા કરવાનાં આ કારખાનાંની અંદર એકેય સાધનની ઉણપ નથી. રે ! જાપાની શિક્ષકો કમ્મર પર તલવાર બાંધીને શાળામાં શીખવી રહ્યા છે. આઠ નવ વરસની ઉંમરનાં બાલકો આગળ એ ગુરૂદેવોની તલવારોના ખણખણાટ કેવી શોભા, કેવો પ્રતાપ, કેવો ભય ઉપજાવી રહ્યાં હશે !
પણ વીરાંગનાનાં સંતાનો એટલેથી યે વશ ન થાય. પોતાની માતાનું હૃદય વાંચવાની ભાષાનેજ શત્રુઓ ભૂંસી નાખે એ વાત બાલકોથી શે સંખાય ? કોરીયાનાં સંતાનો છાનાં છાનાં પોતાની માતાને મળે છે. નિશાળમાંથી છુટ્યા બાદ ચાર ચાર બાલકોની મંડળી એકઠી મળીને કોરીયાની ભાષા શીખે છે, અને માતૃભૂમિનાં છિન્ન ભિન્ન સ્મરણોમાંથી ચાર હજાર વરસોનો જુનો ઇતિહાસ ઉકેલે છે. અમર રહેવા સરજાયેલું એમ સ્હેલાઈથી શી રીતે મરે ?
ચોથું પગલું — શિક્ષણને પલટી નાખવાથી તો માત્ર મગજ ડોળાય. પણ જાપાનનો અભિલાષ તો કોરીયાના આત્માનેજ જલદી કલુષિત કરી નાખવાના હતો. જાપાન ચારિત્ર કે પવિત્રતા સરખી ચીજને જરીયે ઓળખતું નથી. જૂના કાળમાં, પોતાનાં માવતરની ગરીબી ટાળવા જુવાન દીકરી પોતાનું શિયળ વેચે, એ તો જાપાનમાં મહાપવિત્ર કાર્ય ગણાતું. અત્યારે પણ જાપાની અમલદારો, પ્રધાનો, ને શિક્ષકો છચોક વેશ્યાઓને ઘેર જાય, વ્યભિચાર સેવે, રખાતો રાખે. એક શાળાના અધ્યાપકે તે ખુલ્લેખુલ્લું કહેલું કે મ્હારા શિક્ષકોને હું વેશ્યાગારોમાં જવા દઉં છું, વેશ્યાનાં બીલો મ્હારી પાસે પરબારાં આવે છે, તે હું શિક્ષકોના પગારમાંથી પરબારાંજ ચુકવું છું.
આમ જાપાને કોરીયામાં વેશ્યાઓનાં પૂર છોડી મૂક્યાં. દેશના પ્રત્યેક શહેરમાં પરવાનાવાળાં વેશ્યાગારો ખોલાયાં, શહેરના ઉત્તમ લત્તાઓમાં વેશ્યાઓને મકાનો અપાયાં, એટલે કુલીન પાડોશીઓ પોતાનાં ઘરબાર જાપાનીઓને નામની જ કિંમતે વેચી મારીને ચાલી નીકળ્યા. કોરીયાની કુમારિકાઓને જાપાની ગીધડાં ચૂંથવા લાગ્યાં. વેશ્યાઓની અક્કેક મંડળી લઇને જાપાની સોદાગરો ગામડે ગામડે ભટકવા લાગ્યા.
એક બંડખોર કોરીયન કુમારીએ અદાલતના ઓરડામાં ન્યાયાધિકારીને ખુલ્લેખુલ્લું કહેલું કે “તમે અમારી ખાનગી નિશાળો ઝુંટવી લીધી, અને તેને બદલે જાહેર વેશ્યાવાડા આપ્યા. શિક્ષકને પરવાનો મળતાં મહા મુશીબત પડે, પણ વેશ્યાને તો સહેલાઇથી પરવાનો મળે છે, મહારાજ !” આજ કોરીયાની પુણ્યભૂમિ પર વેશ્યાઓએ એ ભયંકર ગુપ્ત રોગો ફેલાવી દીધા છે.
પાંચમું પગલું — કોરીયા જ્યારે સ્વતંત્ર હતું ત્યારે કોરીચાની અંદર અફીણનો પગ નહોતો. અફીણ લઈ આવનારો પકડાય તો તેનું માથું ધડથી જુદું થતું. પણ જાપાનને હાથ ગયા પછી કોરીયાની અંદર અફીણના વેપારીઓ આવી પહોંચ્યા. ખુદ જાપાનમાં તો અફીણનો ઉપયેાગ એક ભારે અપરાધ ગણાય છે, અફીણને કાઢવા ચાંપતા ઇલાજો લેવાય છે. એજ જાપાને ઇરાદાપૂર્વક કોરીયાની અંદર અફીણ પેસાડ્યું, રે ! અફીણના ડોડવાનાં વિશાળ વાવેતર કરાવ્યાં. સુધરેલી પ્રજાની દૃષ્ટિએ હલકા ન પડવા ખાતર, કાયદો તો અફીણ નિષેધનોજ રાખવો પડ્યો છે, પણ બીજી બાજુ ખુદ જાપાની સરકારેજ ખેડુઓને બીયાં પૂરાં પાડેલાં છે.
અફીણનો ધંધો આબાદ કરવામાં જાપાનને બે ફાયદા. (૧) રાજ્યને કમાણી. (૨) રીતસરના વિષ–પ્રયોગ વડે એ વીર–પ્રજાનો ધીરો ધીરો પણ ખાત્રીબંધ વિનાશ.
છઠું પગલું — સ્ત્રી પુરૂષોને સાથે ન્હાવાનાં જળાશયો બંધાયાં. જાપાનીઓ એ જળાશયમાં નિર્લજ્જ બની ક્રીડા કરે. પણ શિયળને પવિત્રતાનું પૂજક કોરીયા એ પિશાચી ક્રીડાથી અળગું જ રહ્યું.
આવા પદ્ધતિસરના અધઃપતનમાંથી એક પરવશ અને પરાજીત પ્રજા ક્યાંસુધી ઉગરે ?