પ્રકરણ ૧૦મું.
વેદનાની મીઠાશ.
અદાલતમાં મુકર્દમો ચાલે છે. અપરાધીના પાંજરામાં ઉભેલી એક કોરીયન બાલિકાને જાપાની ન્યાયાધીશ સવાલ પૂછેછે કે “સ્વતંત્રતા શું છે એ તું જાણે છે, તોફાની છોકરી ?”
“સ્વતંત્રતા !” એ ઉદ્ગાર કાઢતી બાલિકાની આંખો ઝળહળી ઉઠી, એની નજર એ અંધારી કચેરીની દિવાલ વીંધીને આઘે આઘે આસમાનમાં મંડાણી.
“સ્વતંત્રતા શુ છે એમ તમે પૂછ્યું ? આહા ! સ્વતંત્રતા એ એક કેવો સુખમય ભાવ !”
એ કુમારિકા બીજું કશું યે ન સમજાવી શકી. નિર્જીવ કાયદાઓની વ્યાખ્યાઓ કરતો એ ન્યાયાધીશ પણ એ બાલિકાની તરફડતી જીભ તરફ, ને ઝળકતી ગગનસ્પર્શી આંખો તરફ નિહાળી રહ્યો, આજ જાણે આખી કોરીયાની સ્ત્રી જાતિ એક ન્હાની બાલિકાનું રૂપ ધરી સામે આવીને એ ન્યાયાધીશને, એના ન્યાયાસનને, જાપાની લશ્કરને, કે જાપાની સરકારને પડકારતી હોય ને કે “મ્હારા શરીરને કાપી નાંખો, પણ તમારી એ તલવાર કે બંદુકની ગોળી ત્યાં નહિ પહોંચે— ત્યાં, મ્હારા અંતરતમ પ્રાણમાં, જે પ્રાણ પળે પળે પોકારી ઉઠે છે કે “અમર રહો, મા કોરીયા !”
સ્વાધીનતાના સંદેશને બીજેજ પ્રભાતે કોરીયા માતાએ પોતાની શેરીએ શેરીએ પોતાનાં લોહી લોહાણ, ચગદાયેલાં સંતાનો જોયાં, બંદીખાનામાંથી અત્યાચારની કરૂણ બૂમો સંભળાણી, પોતાની બેટીઓનાં પવિત્ર અંગો ઉઘાડાં થતાં ને ચીરાતાં જોયાં. માતાના એ ત્રીશ દેશનાયકોએ એક હાકલ કરી હોત તો ઘરેઘરમાંથી બે કરોડ બહાદૂરો ડાંગો લઈને, અને પત્થર લઈને બહાર આવત, એકેએક જાપાનીને છુંદી નાખત, સીઉલ શહેરનું એકેએક જાપાની ઘર સળગાવી મૂકત; પછીથી થનારી સજાનો વિચાર એને ડરાવત નહિ. કારણ કે, માતાનો નામોચ્ચાર કર્યાની જે સજા જાપાની કાયદા પાસે હતી તેનાથી તો બીજી એક પણ વધુ ભયંકર સજા ખુદ સેતાનના દરબારમાંયે ન સંભવે.
પરંતુ, ના ! માતાનો આદેશ હતો કે “કોઈને ન મારતા, કંઇ ભાંગફોડ ન કરતા, આપણો સિદ્ધાંત નિર્મળ રાખજો, આપણા પક્ષમાં ધર્મ છે.”
એ ધર્મને ખાતર,–નહિ કે હાથમાં શસ્ત્રો નહોતાં તે ખાતર–લોકોની મોખરે ઉભેલી મેદની જ્યાં જાપાની ઘોડેસ્વારોનાં સંગીનોથી વીંધાઈ જાય, ત્યાં પાછળ બીજું ટોળું “મા, મા,” કરતુ છાતી ધરી ઉભું રહે. બીજું ટોળું કપાઈ જાય, એટલે ત્રીજું તૈયાર ખડું હોય.
પ્રભુની અદૃશ્ય ને શસ્ત્રહીન સેના જાણે ઝબકીને દેખાવા લાગે.
એક દયાળુ પરદેશીએ એક કોરીયન કુમારિકાને રસ્તામાં ચેતાવી, “સાવધાન, ઝુમ્બેશમાં ભળીશ ના. લશ્કર ચાલ્યું આવે છે.” બાલિકાનું મ્હોં મલક્યું, પરદેશી સજ્જનનો આભાર માન્યો, ને “અમર રહો મા” પોકારતી ચાલી નીકળી.
કાળાં આછાં નેણવાળી આ એશીયાની રમણીઓ ! જેની આંખોમાં સ્વપ્ન છવાયાં છે, જેનાં અંગેઅંગમાં સૌંદર્ય ઉભરાય છે, જેનાં તરૂણ હૈયાંની અંદર જુવાનીના મીઠા મનોરથો હીંચે છે. લીલી કુંજોમાં કે સાગરને કિનારે બેસીને પ્રીતિ કરવાની ઉમ્મર આવે ત્યાં તો બંદીખાનાનાં બારણાં દેખાય, સોલ્જરોનાં સંગીનો ઝબૂકે, દારાગાઓના ક્રુર હાથ એ રમ્ય શરીરને નગ્ન કરવા ધસી આવે ! પુરૂષ જાતને શું ખબર પડશે કે આ રમણીયોનાં બલિદાનનું કેટલું મૂલ ! એ નારીહૃદયનો હુતાશ કેવો ભડભડી રહ્યો હશે કોઈ નહિ–જગતમાં કોઈ નહિ જાણે.
અને બાલકોનાં મનમાં શું શું થતું હતું ? છ વરસના એક બાલકે પોતાના બાપને કહ્યુ, “બાપુ, તમને જેલમાં ઉપાડી જશે ?”
“ઉપાડી યે જાય” બાપે જવાબ દીધો.
“જો ઉપાડી જાયને, તે તમે સહી કરશો મા, હો બાપુ !” બાલક જાણતો હતો કે કોઈ નિર્દોષ દેશબંધુની સામે કાવતરાં જગવવા જેલવાળા કંઇક કબૂલાત લખાવી લ્યે છે.
થોડા રોજમાંજ બાપ બંદીખાને ઘસડાયો, પણ આખરે છુટ્યો. જ્યારે એ ઘેર આવ્યો, ત્યારે બાલકે પહેલવહેલું શું પૂછ્યું ?
“બાપુ, તમે સહી નથી કરીને ?”
“ના બેટા. મેં ક્યાંય સહી નથી કરી.”
બાલક રાજી થયો.
પણ આ લડતમાં ખેડુ ક્યાં ઉભો હતો ? એની લાગણી બતાવનારૂં એક દૃષ્ટાંત : એક નિર્દોષ જુવાન ખેડુને જાપાની સૈનિકે બંદુકથી વીંધી નાખ્યો. ગામના લોકોએ મારનારને પકડ્યો, ને એનો પ્રાણ લેવાની તૈયારી હતી, ત્યાં તો એ જુવાનનો વૃદ્ધ કાકો દોડતો આવ્યો, આડા હાથ દીધા, ને બોલ્યો, “છોડી મેલો, એના પ્રાણ લઈને જગતમાં ગુન્હો કાં વધારો ?” ઘવાયેલા ખેડુને લઈ બધા ઇસ્પીતાલે આવ્યા, એ બધાને જાપાની સોલ્જરે ગોળીથી, ને સંગીનથી વીંધી નાખ્યા.
શહેરથી દૂર દૂર રહેનારો કોરીયન ખેડુ રાજ્યખટપટમાં ઉંડુ કંઈ યે ન જાણે એના માથામાં બીજી કશીયે વિદ્યા નથી, સ્વતંત્રતાનાં સૂક્ષ્મ રહસ્યો એણે નથી સાંભળ્યાં. પ્રભુ બુદ્ધે શીખવેલા પાંચજ જીવનસૂત્રો એ જાણે છે. પણ એના અંતરમાં ઝીણો ઝીણો એક અવાજ ઉઠેલો છે કે “મને વિચાર કરવાનો હક્ક છે, બોલવાનો હક્ક છે. રે ! મને બંદગી કરવાનો હક્ક છે.” આજ એણે જોયું કે એની બંદગીને જાપાની બંદુક અધવચ્ચેથી ઝડપી જાય છે. એ જાગ્યો. એણે જોયું કે “માતાનું નામ લઇશ તો નેવું ટકા પામીશ, પાછો વળીને હળ પણ નહિ ઝાલી શકુ ?” પણ એતો ઉપડે છે, ને ગોળીની વૃષ્ટિમાં મલકાતે મુખે ન્હાઈને લોહીથી તરબોળ થાય છે.
અને ક્યાં ઉભો છે પેલો અમીર વર્ગ ? માતૃભૂમિનાં માનીતાં એ ધનુર્ધારી સંતાનોના લોહીમાં આજ કાંઈયે આતશ શું નથી ઉઠી ? એ વિચાર કરતાં તો યાદ આવે છે એક યશસ્વી નામ–યી–સેંગ–જય. લોર્ડકીચનરની સાથેજ એ જન્મેલો. પણ એની કમરે કદી તલવાર નથી લટકી. લાખો કોરીયાવાસીઓ એની હાકલ સાંભળીને હાજર થાય. જાપાની સરકારનાં કાળજાં એ વીરનું નામ સાંભળી થરથરી ઉઠે છે.
જાપાની પોલીસે એક દિવસ એને ઘેર આવી પૂછ્યું, “આ તોફાનની પાછળ કોણ ઉભું છે તે કહેશો ?”
“મને એ પૂછવાનું શું પ્રયોજન ?”
“અમને લાગે છે કે તમને માલૂમ હશે.”
“હા, મને માલૂમ છે. આ ઝુમ્બેશ ઉઠાવનાર મંડળીના પ્રમુખનું નામ પૂછો છો ને ?”
“હા.”
“વારૂ ! એનું નામ તો હું ખુશીથી કહીશ. એનું નામ સર્વશક્તિમાન પ્રભુ ! આ ઝુમ્બેશની પાછળ એ પોતે છે.”
“સીધો જવાબ આપોને ! કયા મનુષ્યોએ આ હોળી જગાવી છે ? તમે જાણો છો ?”
“હા, હા, હું એમાંના એકેએકને જાણું છું.”
“બોલો, ત્યારે.” એમ કહી એણે ગજવામાંથી ડાયરી કાઢી.
“લખો ત્યારે, ફુસનથી માંડીને સદા–શ્વેત પ્હાડો પર્વતનો, રે ! એની યે પેલી પાર સુધીનો પ્રત્યેક કોરીયાવાસી આ યુદ્ધની પાછળ ખડો છે.”
યીના મુખ ઉપર ભયાનક કોપ છવાયો. જાપાનીઓથી એ પ્રતાપ ન સ્હેવાણો. ડાયરી ખીસ્સામાં મેલીને અમલદારો ચાલ્યા ગયા.
એક અંગ્રેજ મુસાફર લખે છે:– “વીશ વરસની અમારી બન્નેની પિછાન દરમ્યાન મેં યીના મુખ ઉપર મધુર હાસ્ય સિવાય બીજું કશું નહોતું જોયું. ચાહે તેવી આફતમાં પણ એના મ્હોંમાંથી તો આનંદમય સખૂન જ ઝરે. પણ છેલ્લે હું એને મળ્યો ત્યારે એ સીત્તર વરસના વૃદ્ધની આંખોમાં આંસુ ઉભરાયાં. ગિરફતાર થવાના ડરથી એ રડતો હતો ? ના, ના. એ આંસુ ન્યારાં હતાં. એ બોલ્યો કે, “આ આફતને ટાણે. શુ મ્હોં લઇને હું બુઢ્ઢો બંદીખાનાની બ્હાર મ્હાલું છું ? હાયરે ! .
૧. વાઇકાઉન્ટ કીમ. [પા. ૬૯]૨. યી–સેંગ–જય. [પા. ૭૯]૩. કોરીયન કુમારિકા. [પા.૭૫]
અમારી કુમારિકાઓ ને યુવતીઓ આજ અમાનુષી જંગલીઓના પંજામાં પડી છે.” ચોથે દિવસે વૃદ્ધના પગમાં જંજીરો પડી.
સીત્તેર વરસનો બુઢ્ઢો એ યી નહોતો રડતો, પણ એ તો ચાર હજાર વરસનો વૃદ્ધ એક દેશ રડતા હતા, કેમ ન રડે ? જાપાની સોલ્જરો રસ્તે ચુપચાપ ચાલી જતી રમણીયોના સ્તન ઉપર મુક્કા મારે, ગમ્મતને ખાતર બંદુકના કુંદા લગાવે, બંદીખાનાની કડકડતી ઠંડીમાં સ્ત્રી પુરૂષોને નગ્ન બનાવી દોડાવે, વસ્ત્રો ઉતારવાની કોઈ શરમાળ નારી ના પાડે તો ઝોંટીને એ વસ્ત્રો ને ચીરી નાખે—આવાં વીતકો ઉપર ન રડે એવો કોઈ દેશ છે ?
અને અત્યાચારના આ આખા રાજ્ય દરમ્યાન કોઈ પણ કોરીયાવાસીએ મારપીટ કરી નથી. માત્ર એકજ અપવાદરૂપ બનાવ બની ગયો.
જાહેરનામાને ચોથે દિવસે સીઉલ નગરની એક કોલેજમાંથી એક તરૂણ ચાલ્યો આવતો હતો. એણે શું જોયું ? શેરીની અંદર એક કોરીયન કુમારિકાનો ચોટલો ઝાલીને એક જાપાની–સોલજર નહિ, સિવીલીઅન–ઘસડતો હતો, ને મારતો હતો. એ બાલિકાનો ઘોર અપરાધ એટલોજ કે એણે “અમર રહો મા” ની બૂમ પાડેલી. જુવાન કાલેજીઅનને આ અત્યાચારે ઉશ્કેરી મૂક્યો. એને યાદ આવ્યા પેલા ત્રીશ નાયકોના ત્રણ ફરમાનો–પણ એનાથી રહેવાયું નહિ. એણે જોયું કે, સામે ઉભેલો અત્યાચારી કે અણસમજુ જંગલી લશ્કરી આદમી નહોતો, પણ ભણેલો ગણેલો સમજણો સિવીલીઅન હતો. કોરીયન જુવાન દોડ્યો, અત્યાચારીને એણે પકડ્યો, પટક્યો, ને પેટ ભરીને પીટ્યો. તેટલામાં તો સૈનિકો આવી પહોંચ્યા, એ વીર યુવાનના બન્ને હાથ કાપી લીધા, ને એને બંદીખાને ઉપાડી ગયા. બીજે દિવસે એક પાદરી આ યુવકના પિતા પાસે આવી આશ્વાસન દેવા લાગ્યો. આંસુભરી આંખે વૃદ્ધે જવાબ વાળ્યો, કે “મારા દીકરાના હાથ ગયા, પણ આવા કાર્યમાં કદાચ એના પ્રાણ જાય, તોયે મને દુઃખ નહિ થાય.
આખી લડતની અંદર મારપીટનો આ એકજ અપવાદ !