પ્રકરણ ૫ મું.
તૈયારીની તક ગુમાવી.
પરરાજ્યોની ડખલ દૂર થઇ. પછી તો પ્રજાને તૈયાર કરવાનો વખત હતો. પણ કેટલી કેટલી પ્રજાઓએ એવી તૈયારી કરવાની તકો ગુમાવી નાખી છે ! કોરીયાના રાજ્ય–તંત્રમાં સડો પેઠો. સારા આદમીને એમાં સ્થાન નહોતું. પરદેશીઓની મદદ વિના જ દેશની દુર્દશા મંડાણી.
પ્રજાની આ દુર્દશા ઉપર દેશનો એક પ્રાણ ફિકર કરતો કરતો જાગતો હતો—એ જ્વાળામય દેશભક્ત જેઇસન. એના મનમાં ઉમેદ હતી કે સરકારમાં નોકરી મેળવીને માતૃભૂમિની સેવા કરીશ. પણ રાજવહીવટના એ પ્રાણહીન યંત્રમાં જેઇસને પોતાનું સ્થાન ક્યાંયે ન જોયું.
એણે બહાર રહીને દેશની નજર સામે આદર્શ ધરવા મનસૂબો કર્યો. બે વર્તમાનપત્રો કાઢ્યાં, ને એક
સ્વાતંત્ર્ય સભા.
કાઢી. એક દીવાની જ્યોતમાંથી અનેક દીવા પ્રગટાવાય, તેમ ત્રણ મહિનામાં તો સ્વાતંત્ર્ય–સભાને ચોપડે દસ હજાર વીરોનાં નામ નોંધાયાં. કોરીયા સરકારની કાળી કિતાબને પાને
પણ એ દસ હજાર નામ ચડી ચુક્યાં. પ્રજાનો આત્મા જાગે એ અધિકારીઓથી શી રીતે સાંખી શકાય ?
સ્વાતંત્ર્ય સભા માત્ર ભાષણોજ નહોતી દેતી. માત્ર ચર્ચાઓજ નહોતી કરતી. એણે શું કર્યું ? જ્યારે કોરીયાની સરકારે પોતાના સૈન્યને તાલીમ દેવાનું રૂશીઆને સુપ્રત કર્યું, ત્યારે એ દસહજાર સભાસદો રાજમહેલને ઓટે ખડા થયા, અને રાજાને અરજ ગુજારી કે રૂશીઆના અમલદારોને નિકાલો, કરારનામું ફાડી નાખો, ત્યાર પછીજ આંહીંથી અમે હટવાના. રાજાનો બીજો ઈલાજ નહોતો. દસહજારની ભુજાઓમાં નવું બળ આવ્યું. રાજાની આગળ એણે નવા સુધારાનો ખરડા ધર્યો.
૧. પરદેશી ડખલગીરી છોડો.
૨. વિદેશીઓને હક્કો આપવામાં વિવેક રાખો.
૩. રાજ્યદ્વારી ગુન્હેગારોનો છડેચોક ઇન્સાફ કરો.
૪. રાજ્ય ખરચની બદીઓ દૂર કરો.
૫. લોક–પ્રતિનિધિ મંડળ સ્થાપો.
રાજાજીને આ વાતો વસમી લાગી. એણે આજ્ઞા દીધી કે એ મંડળને જ વિખેરી નાખો.
દસ હજારે શું કર્યું ? જાલીમની સામે એણે શસ્ત્રો ન ઉગામ્યાં. અહિંસાના સિદ્ધાંતને બરાબર સમજનાર આ પ્રજાએ એક કાંકરી પણ ન ફેંકી. પોલીસ થાણાંઓની અંદર જઈને હાથ ધર્યા કે “પહેરાવો બેડી.”
દસ હજારને પૂરવાનાં જેલખાના ક્યાં ? શરમાતે મ્હોંયે પોલીસે ફક્ત સત્તર સરદારોને પકડ્યા. પાંચમા દિવસની પ્રભાતે તે બંદીખાનાં ખોલાયાં ને સુધારા મંજુર થયા.
જેવા લોકો ઘેર પહોંચ્યા તેવી જ સુધારાની વાત જ ઉડી ગઈ. ઠગાયેલી પ્રજા રોષે ભરાણી. ઠેર ઠેર ટોળાં મળ્યાં. સીપાહીઓને હુકમ મળ્યો કે ગોળીઓ ચલાવો.
એકે એક સોપાહીએ કમર પરથી પટા ખોલીને નીચે ફેંક્યા. ટોપી પરના બીલ્લા તોડી નાખ્યા. બંદુકો ભેાંય પર ધરીને બોલ્યા કે “માફ કરો, પ્રજાથી અમે નોખા નથી.”
સરકાર સમજી ગઈ કે સીપાહીઓની અંદર હુજુ થોડી ઘણી અનુકપ્પા રહી ગઈ છે. પછી એણે કાઢ્યા સોલ્જરોને સંગીનની અણીએ સોલ્જરોએ તે દિવસે તો લોકોનું દળ વિખેર્યું. બીજી પ્રભાતે આવીને જુએ તો હજારોની સંખ્યામાં પ્રજા રાજમહેલની સન્મુખ ખડી થઈ હતી. ચૌદ દિવસ ને ચૌદ રાત્રીઓ એ હજારોએ ત્યાંને ત્યાં ગુજારી. કોરીયાની પ્રજા દુભાય ત્યારે આવું તાગું કરે. રાજાઓના લોખંડી હૃદય બીજી શી રીતે પલળે ?
રાજાને નમવું પડ્યું. માગેલા સુધારા મંજુર થયા લોકોએ જય–ઘોષ કર્યો. પણ બહુ ઉતાવળ થઈ ગઈ. લોકોની અંદર અંદર જ ફાટફૂટ થઈ. સુધારાનો કાગળીયો ફરીવાર હવામાં ઉડ્યો. લોક નાયક સીંગમાન બંદીખાને પડ્યો. કારાવાસના જુલ્મોની કથા આપણાથી ક્યાં અજાણી છે ? એક રાત્રીએ સીંગમેનને સમાચાર મળ્યા કે “આવતી કાલે તારો પ્રાણ લેવાશે.” બંદીવાન આનંદમાં નાચવા મંડ્યો.
પણ સરકારની એક ન્હાની સરખી ભૂલ થઈ ગઈ ! સીંગમાનને બદલે એની પડખેની ઓરડીવાળા બીજા કોઇ કેદીનો ઘાત કરવામાં આવ્યો. સીંગમાન બચી ગયો. છ વરસના કારાવાસ પછી ૧૯૦૪ માં એ છુટ્યો.
રૂસ–જાપાનની લડાઈ જામી. કોરીયાનો કોળીયો કરી જવા આ બન્ને રાષ્ટ્રો રાહ જોતા બેઠેલા હતા. રૂશીઆનું પરિબળ કોરીઆ ઉપર વધ્યું. કોરીયાએ પણ રૂશીઆનો પક્ષ લીધો. જાપાને યુદ્ધ જાહેર કર્યું. કોરીયાને કિનારે ઉભેલાં રૂસ જહાજો ડુબાવ્યાં; કોરીઆ–નરેશનો મહેલ કબજે કર્યો, અને આખા દેશ ઉપર સૈન્ય છોડી મૂક્યું. આ રીતે એક સુંદર, સંસ્કૃતિશાળી, ને શાંતિમય રાષ્ટ્રની સ્વતંત્રતાનો અંત આવ્યો. જાપાનનો મનોરથ સફળ થયો.
આખા જગતની ઉઘાડી આંખ સામે એકદમ તો એક દેશ બીજા દેશને શી રીતે મોંમાં મૂકી શકે ? જાપાન કોરીયાને કહે કે તમારી સ્વતંત્રતા અમારે મંજૂર છે. અમે તો તમને એ કાગળ ઉપર પણ લખી આપ્યું છે. એથી વધુ શું ખાત્રી માગો છો ? માત્ર તમારે એના બદલામાં અમારી સલાહ લેવાનું રાખવું, અને રૂશીઆના પંજામાંથી તમને બચાવી લેવા માટે અમે જે યુદ્ધ આરંભ્યું છે, તેમાં અમારાં સૈન્યો પસાર થવા દેવા તમારે જરૂર પૂરતી સગવડ આપવી. આ જહેમત અમે કેવળ તમારે ખાતર ઉઠાવી છે.
કોરીયા–નરેશ કહે, “અફેશાન તમારો”
પછી ધીરે ધીરે તમાશો શરૂ થયો. કોરીયાના પરદેશ ખાતાના મંત્રીઓ તરીકે જાપાનીઓ નીમાયા. ટપાલખાતું ને તારખાતું જાપાને કેબ્જે કર્યું. જાપાની લશ્કરીઓ નીમાયા. જાપાની અધિકારીની રજા સિવાય રાજદ્વારી સભા ન ભરાય. આની સામે અવાજ ઉઠાવનાર કોરીયાવાસીને માટે કારાગ્રહ અગર કાળું પાણી જાપાની મજુરોથી દેશ ઉભરાઇ ગયો. એ મજુરોને કોરીયાનો કાયદો લાગે નહિ, એટલે મજુરો ચોરી કરી શકે, કોરીયાવાસી પર ચાબુકો ચલાવી શકે, ને શોખ થઇ આવે તો ખૂન પણ કરી શકે.
કોરીયન શહેરાનાં નામ પણ બદલીને જાપાની નામ રાખવામાં આવ્યાં ! લશ્કરી કાયદો ચાલ્યો; રેલ્વેની બન્ને બાજુની અપરંપાર જમીન પ્રજાની પાસેથી, ખરી કિમતના વીશમા ભાગની કિમતે ખંડી લેવામાં આવી. કારણ, લશ્કરી જરૂરીઆત !
લશ્કરી જરૂરીઆતને બ્હાને ઝુંટી લીધેલી આ જમીન ઉપર જાપાની દુકાનો ચણાઈ, જાપાની કારખાનાં ને જાપાની પરાં ખડાં થયા.