shabd-logo

હિમસાગરના બાળ >

17 June 2023

8 જોયું 8

હિમસાગરના બાળ


“ડાઉ...ઉ ! ડા...ઉ..ઉ !” એવા લાંબા લાંબા અવાજે કુત્તાઓ ભસવા લાગ્યા, અને બેસતા શિયાળાના પવન-સુસવાટામાં આઘે આઘેથી કોઈક પરગામવાસી કૂતરાઓના વિનવણી-સ્વરો આવતા સંભળાયા. દરિયામાંથી ઊઠતા હૂ.... હૂ નાદ એ સ્વરોમાં કોઈ ન સમજાય તેવા વિલાપની મેળવણી કરતા હતાં.

દરેક કૂબામાંથી લોકો બહાર નીકળ્યાં. અને મરદો, ઓરતો તેમ જ ચીબલાં ધિંગાં બાળકોનું જૂથ એકીનજરે નિહાળી રહ્યું.

ઢગેઢગ બરફમાં રસ્તો કરતી એક પૈડા વગરની ગાડીને ખેંચતા સાતેક જોરાવર કૂતરાં ‘ડાઉ..ડાઉ' ભસતાં દોડયા આવે છે. ગાડીને સમતોલ રાખીને પછવાડેથી પકડતો, ને સરખી સપાટીવાળી જમીનમાં થોડી વાર ગાડી પર ચડી બેસતો, એક મરદ છે; ગાડીમાં બેઠેલી બે ઓરતો એની સાથણો છે.

ગામડાના પાદરમાં આવીને ગાડી ઊભી રહી. કૂતરાં લાંબી જીભો કાઢીને હાંફતાં હતાં. દરિયો શાંત સ્વરે તાલબદ્ધ છોળો ગજાવતો હતો. ત્રણેય વટેમાર્ગુઓ ગામવાસીઓના આવકારની વાટ જોતાં ઊભાં થઈ રહ્યાં.

“માલા ! એઈ માલા !” ગામલોકોએ એક કુબા ભણી સાદ દીધો : "કોક પરોણો છે.”

“પરોણો છે તો એમાં પૂછવાનું શું ?" ઊંડા કૂબામાંથી ભાંખોડિયાંભર બહાર નીકળેલા એક લઠ, તેજસ્વી, હસમુખા જુવાને જવાબ દીધો : “લઈ આવો, ગામમાં લઈ આવો.”

એટલું કહીને એ માલા નામનો જુવાન મહેમાનોની સામે ચાલ્યો. “આવો આવો, ભલે આવ્યાં, માનવી ભલે આવ્યાં !” કહી એણે મહેમાનોને સત્કાર્યો ને એ ગાડીના કુત્તાને પોતાને જ હાથે દોરતો અંદર ખેંચી આવ્યો.

“આબા ! આબા !” માલાએ ધીરે સાદે બૂમ પાડી. એના ઊંડા કૂબામાંથી એની ઓરત આબા ઘૂંટણભર નીકળીને સામી આવી; પૂછ્યું : કેમ, માલા?

“આબા ! મહેમાન છે. જલદી મચ્છી ને બતકો શેકી નાખો, મહેમાન ભૂખ્યા હશે; થાક્યાપાક્યા હશે. જલદી ઉતારો કરી આપો.”

“રૂડી વાત, માલા ! મહેમાનની ગાડી છોડી નાખો, કુત્તાને બાંધી વાળો, ગોસ નીરો, ત્યાં તો હું મચ્છીમાંસ તૈયાર કરી નાખું છું.”

એમ કહીને પાતળી સોટા સરખી, મોટી મોટી આંખોવાળી, કૂણા ચામડાની સુરવાળ અને લાંબા પહેરણે શોભતી હાસ્યભરી આબા પાછી કૂબામાં ઊંડી ઊતરી ગઈ.

“અલ્યા જુવાનો ! અલ્યા છોકર્યો !” માલાએ ગામલોકોને હાક મારી : “જો...પેલો ભાંગેલો કૂબો રિયો. હાલો જોઉં, મારા ભાઈઓ ! બેલાં ચડાવીને મેમાનોને કુબો તૈયાર કરી આપો.”

માલાની જબાન કામ બતાવે તો તેથી પણ ફુલાઈ જતાં લોકો કૂબો ચણવાના કામે વળગ્યાં. બરફનાં સરખાં બેલાં ગોઠવાવા લાગ્યાં.

પરોણાની બેઉ સ્ત્રીઓ માલાના ભાવભર્યા આચરણથી અંતરમાં ભીંજાઈ ગઈ. મોટી હતી તેણે “ખી...ખી...ખી...ખી' હસવા માંડયું. નાનીએ માલાના મોં તરફ વારે વારે માયાભર્યા નયનો ઠેરવીને અહેસાન દર્શાવ્યો.

કુત્તાને છૂટા કરવામાં મદદ દેતાં દેતાં માલાએ મહેમાનને પૂછવા માંડયું: “ક્યાંથી આવે છે મોંઘાં માનવી?”

“...ગામડેથી.’

“કેમ ઉચાળા ભરીને નીકળવું પડ્યું ?”

“લોક એદી બન્યાં : ઉનાળે શિકારનો ને શીંગડાંનો સંઘરો કરે નહિ. સંપ તૂટી ગયો. આઠ મહિના દરિયો થીજે, એટલે ભૂખે મરવું !” “માનવીને આંહીં રેવું ગમશે?"

“માનવી રિયે તો રાજીખુશીથી : પણ માનવીને ભારે તો નહિ પડે ના ?

“ના રે ના, વા'લાં માનવી તરીકે ભારે નહિ પડે. આંહીં તો એકસંપીલાં લોક વસે છે. સામટા જણ શિકારે નીકળીએ છૈએ. દરિયો થીજે તે પે'લાં તો પૂરેપૂરો સંઘરો કરી લઈએ છૈએ, સારાં માણસું ભળે તો વધુ સારું. રતનાગર ક્યાં ખૂટી પડ્યો છે !”

મહેમાનની નાનેરી ઓરત આવા આદરભર્યા બોલ સાંભળીને માલા સામી અહેસાનભરી આંખો નોંધ્યા જ કરે છે. માલાને પાયે જાણે એ બે આંખો લાગણીભર્યા થાળ ધરે છે.

ઓતરાદી દુનિયાનો એ હિમાળો સાગરતીર હતો. સો-સો ગાઉના સીમાડામાં ઝાડનું તરણુંય ઊગતું નહોતું. આઠ મહિનાની લાંબી શિશિર દરિયાના પાણીને થિજાવી નાખી બસો-ચારસો ગાઉના વિસ્તારમાં પથ્થર જેવી ફરસબંધી કરી દેતી. કલેજાં ચીરી નાખનારા હિમાળા વાયરાઓ બરફના મોટા ડુંગરાઓને ઉપાડી, ફરી ફરી પછાડી દિવસ-રાત દટ્ટણની લીલા ખેલતા.

આવી કરાળ ધરતીમાં પણ માનવી જન્મતાં, ઝૂઝતાં, જીવતાં ને મરતાં, બરફમાં ઊંડી બખોલો ખોદીને એને પોતાનું ઘર કહેતાં. બખોલો ઉપર માળેલાં બરફનાં બેલાંને એ મુલ્કની બેપાર થંડક અણઓગળ્યાં અને અનામત રહેવા દેતી. ધાન્યના એક કોળિયાથી કે કણથી પણ વંચિત એ હિમવાસીને જીવનાધાર ત્રણ વાનાં હતાં : દરિયાની નાનીમોટી માછલીઓ, સાબરનાં હૃષ્ટપુષ્ટ ટોળાં અને આકાશનાં રંગબેરંગી પક્ષીઓ, જીવસટોસટનો જંગ ખેલીને માનવી ત્યાં પોતાનું જઠર ભરતો. જિંદગીના એક છાબડામાં પોતાનો જાન મૂકીને સામા છાબડામાંથી એ ખોરાકનો કોળિયો ઉઠાવતો. બરફનાં ખૂનખાર ધોળાં રીંછડાં, દીપડાં જેવડા નાર-વરૂઓ અને હાથી જેવડાં દરિયાઈ જળચરો એનાં વૈરીઓ હતાં. એવાં વૈરીઓથી વીંટળાયેલા એ એકલા-અટૂલા માનવજીવનમાં મૂંગી ઠંડી અનંત તાકાત સળગતી; અને પ્રમાણિક તાકાત હંમેશાં જે શુદ્ધ મીઠું સૌંદર્ય જન્માવે છે, તે આ સાગર સંતાનોના દેહ-મન પર ઝલકતું હતું.

એવા ભયાનક દરિયાતીરના આ ગામડામાં માલો આબાદી ને એકસંપીનો અવતાર હતો. વર્ષના બે-ત્રણ માસ ગામલોકોને એકસંપીલા ઉદ્યમે લગાડી, શિકારે લઈ જઈ, આઠ મહિના કરપીણ શિયાળાનો ખાનપાનનો સંઘરો એ ઘરેઘરમાં કરાવી નાખતો; કેમ કે પછી તો થીજેલી, કુદરત એક નાની-શી મચ્છી કે એક બતકું બગલું પણ મનુષ્યના હાથમાં આપતી નહોતી : આઠ-આઠ મહિના સુધી રત્નાકરને તાળાં દેવાઈ જતાં.

“આપણો ...ભાઈ એકલો કેમ ભટકે છે? ઉદાસ કેમ રહે છે? માલાએ પરગામથી આવેલ પોતાના એક જાતભાઈના સંબંધમાં ગામલોકોને સમાચાર પૂછ્યા.

લોકોએ જવાબ દીધો : “માલા ! એની ઓરતે તો નીંદરડી પી લીધી (મરી ગઈ).”

“નીંદરડી પીધી? અને માનવી શું સોબત વિનાનું થઈ પડયું છે ?'

“હા જ તો, માલા !”

“હેં ભાઈ !” માલાએ વિધુર બનેલા જાતભાઈને ખંભે હાથ મૂકીને પૂછ્યું : “માનવી એકલદશા ભોગવે છે? નીંદ કરી શકે છે. માનવી ?”

“માનવીને નીંદર નથી રહી, માલા !” એકલ જુવાને ગમગીન માથું ધુણાવ્યું.

“કેટલા રોજથી માનવી એકલ સૂવે છે ?

“બાવીસ રોજથી, માલા !"

“બાવીસ રાતની એકલ-પથારી ?

“માલાની આંખોમાં અનુકંપા છવાઈ ગઈ. પોતાની ઓરત આબા મોં નીચું નમાવીને ઊભી ઊભી આ વેદનાની વાત સાંભળતી હતી. એની મોટી. મોટી આંખો લજ્જાથી તીરછી નજરે માલાના મોં પરના ભાવ વાંચતી હતી.

આબાએ તીરછી આંખે એ ઓરતવિહોણા પુરુષની ફિક્કી, સૂકી મુખમુદ્રા નિહાળી, માલાએ આબાની દૃષ્ટિ સાથે દ્રષ્ટિ મિલાવી. માલાની આંખોમાં મૂંગો એક પ્રશ્ન હતો.

ધીરે ધીરે ડોકું હલાવી, આંખોની પાંપણો પટપટાવી, મોં પર આછો મલકાટ ચમકાવી ઓરતે હા ભણી.

- ને જાતભાઈના માથા પર પ્રેમભરપૂર પંજો ચાંપીને માલો ત્યાંથી ચાલ્યો ગયો. આબા એ પુરુષના કૂબામાં એની જોડે સlલજ્જ હાસ્ય વેરતી ઊતરી ગઈ.


(2)

આજે હાથ હાથની નાની માછલી પર, કાલે ઊંચાં ઊડતાં પંખીની આરપાર, તો પરમ દિવસે સાગરના હાથી જેવડી ચોપગી, જોડ દેતૂશળવાળી. ને લાંબા પૂંછડાનું ખડગ જેવું હથિયાર વીંઝતી સીલ માછલીઓના ટોળાની અંદર માલાનાં ભાલાં તથા તીર અચૂક નિશાન લઈને પેસી જતા. ઊંચી દેવ-ટેકરી પરથી કુત્તો ભસતો, કે તત્કાળ માલાની હાકલ પડતી : - પડકારો, ભાઈઓ ! હાથીઓનું ટોળું ખાડીમાં ઊતર્યું છે.”

એ હાકલ થતાંની વાર લાંબા કેશધારી ગામલોકો હાકલાાં કિકિયાટા કરી શરીર પર ચામડાના રૂંછાદાર ડગલા ચડાવતા, ઓરતો કિનારે પડેલી હોડીઓને ધકાવી ગીતો ગાતી ગાતી પાણીમાં હડસેલતી, અને ભાલાં, તીરકામઠાં, રાંઢવાં, છરીઓ વગેરે લઈને લોકો મછવા હંકારી મૂકતાં. મોખરે માલો બેસતો. જળ હાથીને કઈ જગ્યાએ સપાટામાં લઈ શકાશે તેનું ચોક્કસ અનુમાન બાંધતો, તે પ્રમાણે હોડીની ગતિ બદલવાના હુકમો આપતો, ને જળ-હાથીઓ ખડક પરથી જેવા જળમાં પડતા તેવું જ માલાનું ભાલું તેમના મર્મસ્થળમાં પરોવાઈ જતું. ખિજાયેલા સાગરની થપાટે થપાટે ગોથાં ખાતી હોડી ઉપર માલો ખૂબ આસાનીથી અસ્વારી રમતો હતો. જળચરોના મરણિયા ધસારા સામે પણ માલાની સમયસૂચકતા ડગમગી નહોતી જતી.

જળહાથીઓનાં તોતિંગ શબોને કોઈ ખડક પર ઘસડીને તેના ટુકડા કર્યા પછી જ હોડકામાં ભરી કિનારે લઈ જઈ શકાતાં.

એવા એક મોટા શિકારની સફર ઊજવાઈ રહી છે. કુત્તાઓ છલંગો મારી મારી હર્ષ બતાવે છે. દેશી ઢોલકાંને તાલે તાલે પુરુષો ને ઓરતો ગાંડું નૃત્ય કરે છે. છોકરાં પણ કૂદે છે અને દરિયેથી ચાલ્યા આવતા જુવાનો પણ એ કિનારા પરના નાચ-ગીતના સ્વરો સાંભળી, અધીર બની, જળમાં ને જળમાં પોતાની બલામડીઓને (નાનાં હોડકાંને) ગુલાટો ખવરાવતા, નાચતા આવે છે. દરેક જણ પોતાની છરી કાઢીને શેકેલા માંસમાંથી અક્કેક ટુકડો કાપતું કાપતું આખી પંગતમાં બેસીને ખાય છે. આ સમૃદ્ધિનો દાતાર માલો પણ ગરવે મોઢે સહુની વચ્ચે બેસી શાંત ગુલતાન કરે છે. માલાની બુઢ્‌ઢી મા પણ દીકરાની દિલાવરી તેમ જ બહાદુરી દેખી સંતોષભરી આંખો મીંચતી હતી.

ઊજવણું પૂરું કરીને સહુ વીખરાયાં ત્યારે પાછાં કૂતરાં ભસ્યાં, અને પરગામની કોઈ કુત્તાગાડી આવી હોય તેવો બોલાસ થયો.

“માલા !” લોકોએ ખબર દીધા : “...ભાઈ તો ગોરાને વા'ણે જઈને આવ્યો.”

બીજાએ કહ્યું : “અને ભારી ભારી જુગતીદાર ચીજો લઈ આવ્યો.”

ત્રીજે ખબર દીધા : “ગામ બધાને બતાવી રિયો છે.”

“જલમ ધરીને કેદીયે દીઠી નથી એવી એવી ચીજું.”

માલો અધીર બન્યા વિના પોતાની બખોલમાં બેઠો હતો. એક જુવાન ભાઈ, બે નાના છોકરા, અને મર્માળી ઓરત આબા, એમ આખું કુટુંબ રાતની ગોદમાં બેઠું બેઠું સૂઈ જવા પહેલાં પ્રભાતની શિકાર-સહેલગાહનો સરંજામ તૈયાર કરતું હતું. આબા માલાનાં બરફ ખૂંદી ખૂંદી ઊતરડાઈ ગયેલાં પગરખાંની વાધરીઓ તાણી દુરસ્ત કરતી હતી.

ત્યાં તો ગોરાને વહાણેથી પાછો આવેલ ભાઈબંધ પોતાની ઓરતને લઈ અંદર આવ્યો; ને કૂબામાં નવીનતા વ્યાપી ગઈ.

“માનવી ક્યાં જઈ આવ્યા?” માલાએ પૂછવા માંડયું.

“ગોરા માણસુંના દરિયાઈ ઘરમાં.”

“શું શું દીઠું?

“ઓહોહો ! ઝગઝગાટ બતીયું : ભાતભાતનાં ખાવાપીવાનાં; કાંઈ મોજ ! કાંઈ મોજ ! શું કહું, માલા! આ જો – આ દીઠી?” એમ કહી એણે એક સુંદર જડિત હાથાનું ધારદાર ચકચકિત ચપ્પુ કાઢ્યું.

“આ...હા...હા !” માલાએ હર્ષોદ્દગાર કાઢ્યો : “આવું સરસ ! આહા ! કેવી ધાર ! આબા ! જોઉં તારું નાક કાપે છે કે નહિ? - હા....હા...હા..હા !”

ભાઈબંધે રાઇફલ કાઢી : “જો, આ શિકાર કરવાનું.”

“એહ ! એહ ! કેવી સરસ !” કહેતાં માલાએ ઘોડો ચાંપ્યો. રાઇફલ ફૂટી. જીવનમાં પહેલી જ વાર આ ભડાકો સાંભળીને માલાનું છોકરું ભેંકડો પાડી ઊઠયું.

“અને ગોરાએ મને આ શિકાર કરવાનું આપ્યું. તેના બદલામાં મેં તો ફક્ત આટલાં જ –“એમ કહી એણે બંદૂકની ટોચ સુધી ખડકી આપેલ ચામડાંનું માપ બતાવ્યું.

દરમિયાન ગોરાને વહાણે જઈ આવેલી ઓરત આબાને ચકિત કરી રહી હતી : ફાટી ગયેલ કપડાં સાંધવાની સોય, મોં જોવાનું આભલું, માથું ઓળવાનો કાંસકો, મોં ધોવાના સુગંધી સાબુ, અને એવી તો કૈંક કૈક ચીજો : એક પછી એક ચીજ જોતી ગઈ, ને આબાની અધીરાઈ કલ્પના પ્રદેશમાં દોટ કાઢતી જાણે કે ગોરાને વહાણે ચડી બેઠી.

“અને, બહેન !” પાડોશણે કહ્યું, “આપણને તો આ બધું સાવ મફત આપે છે ગોરા. મને તો વા'ણનો ખાનસામો જ મળ્યો'તો; પણ જો વા'ણનો માલેક ભેટી જાય ને, તો તો..”

પુરુષે માલાને પાનો ચડાવ્યો : “માલો તો સહુથી વડો શિકારી કે'વાય. માલાને ચામડાંની ને રૂંછાંની ક્યાં ખોટ છે? ગોરાને જઈને આપીશ તો આવી બંદૂક ને આવા કારતૂસો મળશે. એથી આજ કરછ તે કરતાં કેટલા બધા વધુ શિકાર કરી શકાશે ! અરધા ગાઉ માથેથી પણ સાબરડાં ડૂ...ફ કરતાં ઊડી પડે.”

માલાની ડોશીએ કહ્યું : “માણસ જેવું માણસ શા સાટુ ગોરાને વા'ણે ન જાય? સૌ જાય છે ને આવો જણ ઘેર પડયો રહેશે ?”

“ક્યાં નાંગરેલ છે ગોરાનું વા'ણ ? માલાનું મન પીગળ્યું. “મોટે દરિયે – આંહીંથી આઠ દા'ડાનો રસ્તો. "

“માલાએ કુત્તાગાડી તૈયાર કરી. આબા પોતાનાં બે બચ્ચાને લઈને બખોલમાંથી નીકળી. ચામડાંની થપ્પીઓ તેમ જ સુંવાળા પશુપંખીના રુંછાનાં થેલા કુત્તાગાડીમાં ખડકીને પછી તે ઉપર માલાએ બે બાળકો સાથે આબાને બેસાડી. માલો ગાડીની પછવાડે ધરાળ કરતો ઊભો. માલાના નાનેરા ભાઈએ કુત્તાની રસી હલાવી કુત્તાને ડચકાર્યાં.

બરફનાં ડુંગરા ખૂંદતી જ્યારે ગાડી ગામડેથી અદશ્ય બની. ત્યારે ગામની બૈરીઓએ વાતો કરી, કે “જોજો ને ! આબાનાં રૂપ માથે વા'ણનો ખદ માલેક જ મોહી પડશે. આબા કોણ જાણે કેટલો ય માલ લઈને પાછી આવશે !”


(3)

ગોરા સોદાગરનું જંગી જહાજ કાળા ઓળાયા પાડતું ઊભું હતું. દૂરથી અને નજીકથી દેશી લોકોનાં ત્યાં જૂથ મળ્યાં હતાં. કિનારાનું ગામડું નવી વસ્તીથી છલોછલ ભરાઈ ગયું હતું. ગોરો સોદાગર દિવસ ને રાત જાજમાં જાતજાતનાં ચામડાં, રૂંછાં ને પીછાંની થપ્પીઓ ખડકાવી રહ્યો. હતો. દેશી જુવાનો આભલાં, ગલપટા કે બંદૂકોની લાલચે દિનભર શિકારે ચાલ્યા જતા હતા. ઓરતો જહાજના અફસરોને રીઝવવામાં રોકાઈ જતી.

દેશીઓની અને ગોરા સોદાગરની વચ્ચે દુભાષિયાનું કામ કરનાર એક કાણિયો દેશવાસી હતો. ગોરાઓની ભાંગીતૂટી બોલી એને આવડતી. હતી, પણ એની સાચી આવડત તો દેશવાસીઓનાં કલેજાંમાં ગોરાઓની મહત્તાનું કામણ રેડવામાં રહેલી હતી. આજ માલો લોભાઈ આવ્યો છે એ તો કાણિયાને આખો મુલક સર થઈ ગયા જેટલા સુખની વાત થઈ પડી હતી.

“માલા ગ્રેટેસ્ટ હન્ટર, સર, ઍન્ડ હિઝ વાઈફ ગ્રેટેસ્ટ બ્યૂટી, સર ! (માલા અજોડ શિકારી છે, ને એની બાયડી અમારી આખી કોમમાં સહુથી વધુ રૂપાળી છે.)

એમ કહીને એણે સોદાગરની કૅબિન સુધીનો સીધો રસ્તો માલાને માટે ખુલ્લો કરી આપ્યો. "કમ ઈન ! કમ ઇન ! સિટ ડાઉન ! સિટ ડાઉન !" (આવો ! આવો ! બેસો ! બેસો !) એવાં મીઠા સ્વાગત-વચનો કહીને, સૌદાગરે માલાને, આબાને અને નાના બચ્ચાને પોતાના ખાણાના મેજ પર બેસાડયાં; અને થીજી ગયેલ સ્વેત સાગ૨-સપાટી પ૨, પ્રભાતની ગુલાબી, ઝાંય પડે તેવી સોહામણી, મુખમુદ્રાવાળી, આબાને જ્યારે સોદાગરે નિહાળીને દીઠી, ત્યારે તો ‘લવલી ગર્લ, લવલી ગર્લ !' (કેવી ખૂબસૂરત છોકરી !) એવા ઉદ્‌ગાર સાથે એણે મેજ પ૨ની ૨કાબીઓ, મિષ્ટ વાનીઓથી છલોછલ ભરી દીધી.

માલાએ અવતાર ધરીને આજ પહેલી જ વાર વનસ્પતિનાં પકવાનો. ચાખ્યાં : લીલા વટાણા, માખણ, સપાટી ઉપર લીપેંલો સફરજનનો મુરબ્બો, બટેટાની, કાચરી, અને અહોહોહો – ગુલાબે તેમ જ કેવડે મહેકતો આઇસ્ક્રીમ ! જીભ ઉપર જાણે કરવત ચાલી રહ્યું એવી શંકા કરાવતી એની ઠંડકની પછવાડે જે પાછું ધીરે ધીરે મોંમાં, અમીઝરણાં વહાવતું દૂધલ માધુર્ય ! – ખાતાં ખાતાં માલો જાણે કે કોઈ ભુલભુલામણીમાં ભ્રમણ કરતો હતો, ને કાણિયો દેશભાઈ માલાની આ મીઠી મૂંઝવણ દેખી ખૂબ ખૂબ હસતો હતો.

પછી, માલાનો માલ તપાસવામાં આવ્યો. હિમપ્રદેશના સાબરોની રેશમ-શી સુંવાળી, ટીબકી, લેરિયાં, મગીઆ, પાંદડી વગેરે કંઈક કંઈક ભાત્યોથી શોભતી એકસો જેટલી ચામડીઓનો ખડકલો થયો ત્યારે માંડમાંડ રાઈફલનું ભરતર પૂરું થયું. કારતૂસોની પેટી આપીને ગોરા સોદાગરે માલાની કનેથી એક કોથળો ભરી સફેદ રૂંછાં પણ સેરવી લીધાં. બંદૂક અને કારતૂસોનો માલિક બનેલો માલો પ્રસન્ન મર્દાનગીનો અપરૂપ અવતા૨ દેખાયો. એની ભુજાઓનાં પેશીદાર લોહીમાંસ કોઈ અપૂર્વ વીરરસભર્યા છેદની છોળો મારવા લાગ્યાં. કંગાલ, જંગલી હિમપ્રદેશનાં જળચરોનાં ગંધાતાં ચામડાંઓની આટલી કીમત અંકાય છે તેની જાણ એને આજ પહેલી જ વાર પડી. વિદેશીઓનાં દિલભરી મહોબ્બતનો એ ગુલામ બની ગયો. દૂર પડેલી સભ્ય દુનિયાનાં નવાં નવાં રાચરચીલાં મેળવવા માટે માલો પાગલની પેઠે શિકારે ચડયો. ત્યાં જ એણે બખોલ બાંધી.*“મા-આ – લા ! મા – આ – આ – હા - લા ! મા – લા !" એવા વિચિત્ર સૂરો બોલતી, અને જીવનમાં કદી ન હસેલી એવું અજબ હાસ્ય કરતી આબા એક દિવસ જરા મોડી રાતે બખોલમાં દાખલ થઈ.

માલો વિસ્મય પામીને જોઈ રહ્યો : આબાને આ શું ચેન ઊપડયું છે? આબાની આંખો ઘનઘેરી, ચહેરો લાલચોળ, શરીર રગદોળાયેલ, ને આવા ખિલખિલાટ : આવા વિચિત્ર અવાજ: આવી નવીન ચેષ્ટાઓ : આ શું?

આબા ઢળી પડી. જાણે કોઈ સુખભરી મૂર્છામાં પડી.

માલાએ આબાને ઢંઢોળી : “આબા ! આબા ! ઘેલી આબા !”

આબા નથી જાગતી.

માલાએ આબાના માથાની એક લટ ખેંચી કાઢી. બીજી લટ ખેંચી ત્યારે માંડ આબા જાગી.

“હી – હી - હી – હી – મા – આ – લા! આમ તો જો, મા – લા !”

એવાં ગાંડાં કાઢતી આબાએ પોતાનાં કપડાંમાંથી એક ચીનાઈ પ્યાલો કાઢ્યો : જો, મા-લા ! કેવું મળ્યું ! કેવું સરસ ! કોણે દીધું, કહું ? નહિ કહું, નહિ કહું! આ-હા-હા-હા !

આબા હજી જાણે કોઈક માદક માનવસ્પર્શની કેફી લાગણી અનુભવતી હતી.

“ને જો, માલા ! મા...આ...આ...લા ! જો. છે તારે આવું? ...હી...હી..હી....હી!”

માલાએ નજર કરી : આબાના હાથમાં એક ચામડાનું પાકીટ હતું.

“કોણે દીધું? નહિ કહું ! નહિ કહું !”

ઓરતનું આવું બેભાન સ્વરૂપ માલાએ પહેલી જ વાર દીઠું. આબાના મોંમાંથી નીકળતી કોઈક ઘાટી દુર્ગધ બખોલને બહેકાવી રહી હતી.

માલાને કશી જ ગમ પડી નહિ કે આ શું થયું છે ! ફક્ત એટલું જ, કે આબાના આજ રાતના હવાલ એને ગમ્યા નહિ. આબા કોઈ ભૂતપલીતના ઓછાયામાં તો નહિ આવી ગઈ હોય? એથી અધિક કલ્પના એની ચાલી નહિ,

પણ ભોળો માલો પ્રભાતે આ વાત વીસરી ગયો, અને સોદાગરની પાસેથી નવું કશુંક મળવાની લાલચે એણે એક જબ્બર શિકારની સેલગાહે મછવો ઝુકાવ્યો, સાગરની મહારાણી વહેલ માછલીના શિકારનું એ પરિયાણ હતું. જેના પૂછડાની થપાટે દરિયો થરથરે, અને જેવું તેવું જહાજ ભુક્કો બની રસાતલ જાય, એવી લોખંડી, વિકરાળ અને કાળદ્દૂત જળ-ચુડેલને એના પચાસ ગજ લાંબા વજ્રમઢ્યા શરીરના કયા બારીક મર્મભાગમાં ભાલો ભોંકવાથી મહાત કરી શકાય તેનું જ્ઞાન માલાને બરાબર હતું. માલાનો નાનકડો ભાલો આજ એ અચૂક નિશાન લેવા માટે ચકચકતો હતો.

ઘણે દૂર જવું પડ્યું. સાંજે મછવો ઘેર આવ્યો નહિ. રાત પડી. આબાએ બાળને ઊંઘાડી દીધું.

રાતે આબા બખોલમાં નહોતી.

પરોઢ થયું ત્યારે કાળા પડછાયા પાડતા વિદેશી જહાજની એક કૅબિનમાંથી આબાને કોઈએ બહાર હડસેલી દીધી. જહાજના ગોરા ખલાસીઓના ખિખિયાટા વચ્ચે આબા લથડિયાં લેતી લેતી, પુલ પર પટકાતી, પાછી ઊઠતી ધરતી પર પગ ઠેરવવા મથન કરતી, અને ‘માલા ! માલા ! માલા !’ એવા રુદનભર્યા સાદ પાડતી એ ચાલી નીકળી, દૂર દૂર, જઈને એક ટેકરી ઉપર એનું કલેવર ઢગલો થઈ પડ્યું. એનું કાળું કુડતું દૂરથી એને દરિયાઈ માછલીનું સ્વરૂપ આપતું હતું. માદક ગંધ એના મોંમાંથી ભભૂકતી હતી. આંખોનાં પોપચાં ઉપ૨ જાણે અક્કેક મણની શિલાઓ ચંપાઈ ગઈ હતી. વખતોવખત એનાં મોંમાંથી ફક્ત આટલો જ બોલ સંભળાતો હતો : ‘માલા !’ ‘માલા !’ ‘માલા !’

તે પછી થોડે જ સમયે દૂરથી બે તીણા ગોળીબાર થયા. આબાનો દેહ વીંધાઈને ટેકરીની બીજી બાજુ ઢળી પડયો. પોતે કોઈક મોટું જાનવર માર્યું છે એવો હર્ષ પામતા ગોરાં શિકારીએ આવીને જોયું : એણે એક માનવીનો શિકાર કર્યો હતો. આંખો ઉપર હાથના પંજા ઢાંકીને એ નાસી છૂટ્યો; જહાજમાં ચડી ગયો.


બરાબર તે જ વખતે પચીસ કોસ ઉપરના ઊંડા દરિયામાં જળચરોની મહારાણી વહેલ માછલીનું પુચ્છ વજ્રની માફક પાણી પર વીંઝાતું હતું. બે મછવાની સાંપટમાં એ દરિયાઈ હડમ્બાને ભીડતો ભીડતો માલો નજીક ને નજીક વધતો હતો. વહેલના પછડાટા પાણીમાં મોભારા મોભારા સુધીની ઊંચી દેગ ચડાવતા હતા. બેઉ મછવા એ જળ-ડુંગરા ઉપર ચડતા, ને પાછા નીચે સરતા પેંતરા ભરતા હતા.

આખરે નજીક જઈ પહોંચી માલાએ જળ-રાક્ષસીને એક જ ભાલે પરોવી દીધી. એના મરણ-પછાડા શમી જતાં બપોર ચડયા. એને કિનારે લઈ જઈ કુહાડાથી કાપતાં દિન નમતો થયો. બેઉ મછવામાં માછલીના કલેવરના ભારા લાદી સાંજે જ્યારે માલો પાછો ગામડે પહોંચ્યો, ત્યારે એણે દેશભાઈઓને આજના મોટા વિજયની વધામણી પોકારી.

પરંતુ ગામલોકોએ આજે એના પ્રતિઘોષ પુકાર્યા નહિ. મરદો, સ્ત્રીઓ ને બાળકો, તમામ પીઠ ફેરવી ગયાં.

માલાએ ગામમાં મસાણની નીરવતા દીઠી. નક્કી કંઈક બન્યું છે : કોઈક નીંદર ગળી ગયું લાગે છે.

ઊપડતે પગલે એ પોતાની બખોલમાં ઊતર્યો. દીકરા ગમગીન ચુપકીદીમાં બેઠા હતા. ચોગમ ફરી વળ્યો. આજનું પરાક્રમ જેને સંભળાવવું હતું તે ક્યાં ગઈ ?

“ક્યાં ગયાં માનવી ? કોઈકનાં માનવી કેમ કળાતાં નથી !” માલાએ બહાર નીકળીને આ અબોલ ટોળાને પૂછ્યું.

ધીરેથી એક જણે જવાબ દીધો : “માલાનાં માનવી નીંદરમાં પડયા.”

માલો પાછો વળ્યો. બખોલમાં ઊતર્યો. બચ્ચાંની પાસે બેઠો. નીચે ઢળેલ નાના બાળકને તેડી લીધું. ગોદસરસું ચાંપ્યું. કોઈએ એકબીજાને કશું કહ્યું નહિ.

કૂબામાં ઊભો રહીને માલો પુકારી ઊઠ્યો : “આ…બા !”

કૂબાએ એનાં ચાંદુડિયાં પાડ્યાં. ફરીને એ બહાર નીકળ્યો. પૂછપરછ કરી :


“માનવી કેમ કરીને નીંદરમાં પડ્યાં ?"

“ગોરાની બંદૂકે માનવીના લમણામાં નીંદરું ભરી દીધી.”

પછી એણે આબાની બધી ખાનાખરાબી સાંભળી : એને જહાજના માલિકની કેબિનમાં દારૂ ઢીંચાવી, ભાન ભુલાવી, એના શરીરને રોળી નાખી પ્રભાતે બહાર ફગાવી; ને પછી એ ‘માલા! માલા !’ પોકારતી પશુવત્‌ હાલતમાં વગડે ગઈ, પશુની છેલ્લી દશાને પામી, તે બધી હકીકતે માલાના કલેજાનાં પાતાળ વલોવી નાખ્યાં. ચહેરા પર ખામોશ રાખીને એણે કુત્તાગાડી જોડી. ઘર ઉપાડી લીધું. બચ્ચાંને ગાડીમાં ભર્યાં. પાદરમાં ગાડી થોભાવીને એ એકલો જહાજ પર ચડ્યો.

સોદાગરની કેબિનમાં તે વખતે શબ્દોની ગરમ ટપાટપી ચાલી રહી હતી. એક હતો ખુદ સોદાગર, ને બીજો હતો એનો ગોરો નાવિક, કે જેની બંદૂકની ગોળીએ આબાના દેહ ઉપર થાપ ખાધી હતી.

“સાહેબ !” નાવિક માલિકને સમજાવી રહ્યો હતો : “ભૂલ ભૂલથી પણ આપણા હાથે અધમ કૃત્ય થઈ ગયું છે.”

“તારા હાથે.”

“મારી ભૂલનું મૂળ કારણ આપ છો. આપે જ એ ઓરતને બૂરી હાલતમાં આણી મૂકી હતી.”

“તે હવે શું છે ?”

“એનો ધણી ઝૂરે છે, એની આપણે ક્ષમા માગવી જોઈએ. એને નુકસાની ભરવી જોઈએ. એ રડતો ઊભો છે. એને એની ઓરત પર કેટલો પ્યાર…”

“પ્યાર !” સોદાગરે તિરસ્કારભર્યું અટ્ટહાસ્ય કર્યું : “આ જંગલી પશુને એની સ્ત્રી પર પ્યાર ! એકાદ કાંસકા માટે, અરીસા માટે ને કટોરા માટે ઓરતોને રાજીખુશીથી મોકલનારા આ ભડવાઓના દિલમાં પ્યાર ! ચાલ્યા જાઓ અહીંથી. એને અહીં ન લાવશો.”

સલામ કરીને ગોરો શિકારી બહાર નીકળ્યો – અને એ આવ્યો : કદાવર, ઠંડોગાર, જીવતોજાગતો જ્વાલામુખી દાખલ થયો : મક્કમ ડગલાં દેતો દેતો : આંખોના ખૂણામાં હાસ્યની જ્વાલા જલાવતો એ આવ્યો : વહેલ માછલીની ચીકણી ચરબીમાં ગઈ કાલે જ નહાયેલો ભાલો એના હાથમાં છે.

“કેમ ? શું કામ છે ?” સોદાગરે પ્રથમ પડછાયો દીઠો – પછી દીઠો માલાને : કાળમૂર્તિ સમો દીઠો : ઠંડીગાર બે આંખોમાં ઝનૂન જલતું દીઠું : દબાવેલા દાંત દીઠા.

“કંઈ નહિ, ફક્ત આ ભાલો પાછો સોંપવા આવ્યો છું.”

કાળમૂર્તિ માલો આગળ વધ્યો; સોદાગરની છાતી થડકી ઊઠી. માલાએ ભાલો ઉઠાવ્યો.

સોદાગરના હાથમાંથી છુરી છૂટી, માલાના ખભા ઉપર ખૂંચી ગઈ.

ત્યાં તો માલાએ ભાલો સહીસલામત સોંપી દીધો હતો. સોદાગરનો દેહ થોડી વાર તરફડીને શાંતિ પામ્યો.

પોતાના ખભામાંથી માલાએ છુરી ખેંચી કાઢી બહાર નીકળીને એણે કુત્તા-ગાડી હાંકી મૂકી, સોદાગરના કલેજામાં ભાલો પ્રશ્ન કરી રહ્યો હતો : ‘પ્યાર ! ઓરતોના વેપાર કરનારા આ ભાડખાયાઓને પ્યાર !’


[4]

આઠ દિવસ પછીની એક સાંજરે ગામના કુત્તાનું ‘ડા…ઉ ! ડા…ઉ !’ કલ્પાંત ઊઠ્યું. ગામલોકો બહાર નીકળ્યા.

આંખો ઉપર નેજવાં કરી કરીને સહુ એ નવી દોડી આવતી કુત્તાગાડીને ખોળવા મથતાં હતાં. ત્યાં તો –

“માલો ! નક્કી માલો આવ્યો !” એવો હર્ષોદ્‌ગાર નીકળ્યો.

“સાચો ! સાચો ! ઈવાએ ઓળખી કાઢ્યો !" ગાડી નજીક આવતાં લોકોએ ચસ્કા કર્યા.

ઇવા - બે ઓરતોવાળા આશ્રિત દોસ્તની નાનેરી બાયડી – એકીટશે નીરખી રહી : “માલો આવ્યો !”

“માલા ! માલા !” ગામલોકોનો ઘેરો બંધાઈ ગયો : “બહુ રોકાણા, માલા ! ગામ ભૂખે મરતું થઈ ગયું, માલા !”

“સમાચાર પોગ્યા’તા મને.” માલાએ ડોકું ધુણાવ્યું. સૂનકાર ચહેરે એ ઊભો રહ્યો.

“અરે, પણ ગાડીમાં માનવી કેમ ન મળે ?” લોકોએ ગાડીમાં એકલાં બાળકોને દેખીને પૂછ્યું.

“માનવીએ નીંદર પીધી.” માલો હજુ ઊભો હતો.

લોકોનાં મોં નીચે નમ્યાં.

“પણ – પણ – માનવીની બુઢ્‌ઢી મા કાં નથી આવી બેટાને સામે લેવાને ?” માલાએ પૂછ્યું.

“બુઢ્‌ઢીને તો બરફમાં સુવાડ્યાં આજ પંદર દી થઈ ગયા, માલા !”

લોકોએ પીઠ ફેરવી મૂંગો શોક દર્શાવ્યો.*

બચ્ચાં, સૂતાં છે, બરફ ખૂંદી ખૂંદીને ઊતરડી નાખેલ જોડાને સાંધવા માલો માથાકૂટ કરે છે, પણ જળ-દાનવોને ભાલો મારવા સરજાયેલી આંગળીઓ ઝીણી વાધરીઓને સૂયાના છેદમાં પરોવી શકતી નથી. જોડા સાંધનારી સાંભરે છે. જીવ જંપતો નથી.

સામે બેઠેલી એની કૂતરી કુરકુરિયાંને ધવરાવી રહી છે. અસહાય. ને અટૂલા માલિક પ્રત્યે મૂંગી કરુણતાની નજરે કુત્તી તાકી રહી છે.

“અરેરે, કુત્તીબાઈ ! પગરખાંને સાંધી ન શકે એવી ઓરત શા ખપની ?”

એટલું બોલીને ઊંડો નિઃશ્વાસ નાખતો માલો ઊઠ્યો. પાડોશીના કૂબાના દ્વાર કને જઈ એણે બહારથી સાદ પાડ્યો : “બાઈ ! માનવીને કોઈ પગરખાં સાંધી આપશો ?”

“માલા !” બહાર ઊભેલા પાડોશીએ ઉત્તર વાળ્યો : “માનવીને મરવાનુંય વેળુ ક્યાં રિયું છે ? આમ જો તો ખરો, ભાઈ !” એટલું કહીને કૂબાનો પડદો એણે ઊંચો કર્યો : અંદર તાજી સુવાવડ આવી હતી એની સાક્ષી પૂરતું બચ્ચું ‘ઉં-વાં ! ઉં-વાં’ કરતું હતું. ઓરત ઘાંઘી થઈને બેઠી હતી.

પગરખાં હાથમાં લઈને માલો ગૂમશાન જેવો પોતાના કૂબાની બહાર ઊભો થઈ રહ્યો, કાલે સવારે તો શિકારે નીકળ્યા વિના ચાલવાનું નહોતું, નહિ તો ગામ ભૂખે મરશે !

મિત્ર-પત્ની ઇવાએ પોતાના કૂબા પરથી માલાને દીઠો, એણે ધણીને સાદ પાડ્યો : કહ્યું “માલો તમારો આગેવાન શિકારી : ગામ બધાને બરકત કરાવનાર ? ને એનાં પગરખાં સાંધી દેનાર કોઈ માનવી ન મળે ? કેવી વાત !”

ભાઈબંધ માલાની પાસે ગયો, પૂછ્યું ? “માલા ! માનવી મૂંઝાઈને શીદ ઊભું છે ? પગરખાનું સાંધનાર જોવે છે ને ?”

જવાબમાં માલાની મોટી આંખો ભીની બની.

“ઈવા !” ભાઈબંધે પોતાને કૂબે સાદ કર્યો : “તમે બેય જણીઓ અહીં આવજો, તો !”

બેઉ આવીને ઊભી રહી : એક હી-હી-હી-હી હસ્યા કરનારી જાડીપાડી જૂની; ને બીજી નવી ઇવા, જેને ગાલે શરમના શેરડા પડતા હતા : આંખો જેની હંમેશાં છૂપું છૂપું જ જોવાનું ચોરી લેતી હતી.

“આમ જુઓ !” ધણીએ કહ્યું, “માલાને જોડા સાંધી દેના૨ કોઈ ન મળે. તમને બન્નેને દયા નથી આવતી ?”

“હી-હી-હી,-હી !” નિર્દોષ દુત્તું હાસ્ય કરતી મોટેરી ઓરત માલાનાં નેત્રોને પોતાના તરફ ખેંચવા મથી રહી.

પણ ધણીએ જોયું કે ઇવાની આંખોમાં માલા પ્રત્યે ઊંડો ઊંડો આત્મીય ભાવ ઊભરાઈ રહેલ છે.

“માલા !” એણે મોટેરીને ધકેલી દૂર રાખી, ઇવાને નજીક લઈ કહ્યું, “આ નવી શરીરે તો જાડીપાડી નથી, પણ એની સોય તો જોજે ! માછલીને વેગે ચાલશે !”

એટલું કહી, ૨ડવા જેવી થઈ ગયેલી જૂનીને લઈ એ પોતાના કૂબામાં ચાલ્યો ગયો.

પોતાના કૂબાના બાર પાસે માલો બેઠો. સામે ઇવા ઘૂંટણભર બેસીને માલાના જોડાને ટેભા લેવા લાગી. સાંધતાં સાંધતાં એની આંખો માલાના મનોભાવ તપાસ્યા જ કરતી હતી. પણ શિકારીના મોં પર ગંભીર શાંતિ પથરાયેલી હતી.

પગરખાં સાંધીને ઈવાએ માલાના પગ પાસે ધરી દીધાં - ભક્ત દેવતાને ચરણે પુષ્પો ધરે એવી અદાથી.

માલાએ પગરખાંની એ સુંદર સિલાઈ નિહાળી ફક્ત આટલું જ કહ્યું : “માવિહોણાં બચ્ચાંનો બાપ આ ગુણ કેમ ભૂલશે ?”

જવાબમાં ઇવા નીચું જોઈને બોલી : “બાળવિહોણી ઓરતનું અંતર ઠરીને કેવું હિમ થયું !”

છતાં હજુ માલો સળવળતો નથી.

ઇવા ઊઠીને માલાના કૂબામાં ઊતરી ગઈ. થોડી વાર વાટ જોતી બેઠી, છતાં માલો આવ્યો નથી.

એણે સાદ દીધો: “માલા !”

“ઇવા! બહાર આવ.” માલાએ હાક મારી.

બહાર આવીને ઈવાએ માલાના ઠંડાગાર મનોભાવ જોયા, પૂછ્યું : “માનવીને કો’ક માનવીની જોડે સૂવું બેસવું નથી ગમતું શું ?"

ગળામાં મૃત પત્ની આબાનું શંખલાંનું આભરણ પહેર્યું હતું, તેને પહેરણની નીચેથી બહાર ખેંચીને માલો પંપાળતો હતો. એણે દર્દભર્યો ઉતર વાળ્યો : “માનવીને સૂતેલાં માનવી સાંભરે છે.”

ભારે હૈયે ઇવાએ ત્યાંથી કદમો ભર્યા, પાછી ધણીને કૂબે ગઈ.

“કાં ? ખી-ખી-ખી-ખી !” જૂની હસતી જ હતી.

“કેમ પાછી આવી, ઇવા ?” ધણીએ તાજુબ બની પૂછ્યું.

“માનવીને માનવી નથી ગમતાં.” ઇવાએ ઉત્તર દીધો.

ધણી માલાની પાસે આવ્યો. દુભાયેલા સૂરે કહ્યું : “માલાએ અમારા શા અપરાધે અમારું અપમાન કર્યું ?”

શંખલાંની માળાને પંપાળતો બેઠેલ માલો કશો ઉત્તર આપી શક્યો નહિ. કોઈ અપરાધીના, કોઈ નગુણા મનુષ્યના દીદાર એના મોં પર તરવરતા હતો. એના હૃદયમાં જૂના પ્યારનાં સંભારણાં તથા નવા પ્યારના સમર્પણની ભવ્ય ભક્તિ વચ્ચે એકજંગી સંગ્રામ ચાલતો હતો. દુભાયેલો સ્નેહી ! ઊભો જ હતો; રાતો તાતો થઈને જવાબ માગતો હતો : “અમને અપમાન્યા શા માટે, માલા ?”

માલો એટલું જ બોલી શક્યો : “સૂતેલાં માનવી સાંભરે છે.”

એકાએક આકાશમાં પક્ષીના ઘેર ઊડયા. માલાની નજ૨ ઊંચે ગઈ, એણે પંખી ઓળખ્યાં. પાંખોના અને ચાંચોના રંગો પારખ્યા. જંગલી જીવનનો એ વિજ્ઞાનવેત્તા ઊઠીને હાકલ કરવા લાગ્યો : “હાલો, ભૈયા ! હાલો ઝટ ! આ પંખીડા નિશાની કરે છે કે સાબરનું એક જબરું ધણ ડુંગરાને પેલે પેટાળથી આણી મેર ચાલ્યું આવે છે. હાલો ! હાલો ! હાલો !”

“હાલો ! હો-હો ! હો-હો !” એવા ચસ્કા પાડતાં ગામલોકો ડગલા ચડાવી, તીરકામઠાં લઈ, હોડી ઉપર ચડી બેઠાં, ડુંગર ઉપર દોટાદોટ ને રીડેરીડ મચી રહી.


[5]

“આઠ મહિનાનું બળતણ સંઘરી લીધું ગામે. એ બધા પ્રતાપ, માલાના ! માલો થાવો છે ક્યાંય !”

આવી વાતો કરતા લોકો ઢોલક બજાવે છે. સાબરનાં શીંગડાં માથા પર પહેરીને નૃત્ય કરે છે. શરૂ થતા શિયાળાનો આઠ મહિના સુધીનો સામનો કરવા માટે સાબરનું છેલ્લું ધણ હાથ કરી શક્યા તે માલાની જ બુદ્ધિચાતુરીનો પ્રતાપ હતો. વનસ્પતિના એક તરણાથી પણ બેનસીબ એવા એ બરફમય મુલકમાં હાડકાં અને શીંગડાંનાં જ ઇંધણાં હતાં, ચોકમાં શીંગડાંનો ઢગ ચડયો હતો.

લોકોના ગુલતાનમાંથી એકલો પડીને માલો ઊભો છે. એની આંખો શીંગડાંના ઢગ ઉપર ચોંટી છે. એના મગજમાં કશાક ભણકારા ઊઠે છે. ધીરે ધીરે એ ખોપરીઓના ઢગલામાંથી જાણે કોઈક માનવીનું મોં પ્રગટ થાય છે. માલો એ ચહેરાને પારખે છે : જહાજના પોતે ખૂન કરેલા ગોરા સોદાગરનું જ એ પ્રેત છે જાણે.

માલાએ આંખો ચોળી, માથાના કેશ પંપાળ્યા, લલાટ પર હાથ ફેરવ્યો. તોયે પ્રેત દેખાયા કર્યું.

“અરે, અરે, માલા !” ભાઈબંધે આવીને આ ગભરાટ દેખી કહ્યું, “માલા જેવો બહાદુર બાણાવળી આમ ચમકે છે કોનાથી ?”

“ભાઈ ! જાનવર મને મનખ્યા રૂપ ધરતું દેખાયું. શું કરું ? તમે બુઢ્‌ઢા. માણસો મને આ પાતકમાંથી છૂટવાનો કોઈ ઇલાજ નહિ બતાવો ?"

“જો માલા ! દેવને ડુંગરે જઈ દેવ પાસે નવું નામ પડાવી આવ. દેવ નવું નામ દેશે તો તારો નવો અવતાર લેખાશે. પછી તને ગોરાનું પ્રેત નહિ સંતાપે.”

માલો દેવ ડુંગરે ચાલ્યો. પથ્થરોની ઊંચી બે દેરડી ઊભી કરી હતી. ત્યાં દેવતા હોંકારો દેવા ઊતરતા એવી દરિયાઈ લોકોની માન્યતા હતી.

દેરડી પાસે ઊભા રહી, બે હાથ વાદળ તરફ ઊંચા કરી માલાએ અરજ ગુજારી : “ભગવાન ! એઈ ભગવાન! હવે મારો કાંઈક છૂટકો કર ને, બાપ! મારું નવું નામ પાડ ને હવે! હું તો કાયર થઈ ગયો છું, હવે કાંઈક જવાબ દે, કાંઈક હોંકારો દે તારા બાળને; એઈ ભગવાન!”

દેરડીની ઓથે લપાઈને ઊભેલું એક માનવી માલાની આ આર્તવાણીમાં પોતાના હૈયાના મૂંગા કાકલૂદી-સ્વરો મિલાવી રહ્યું હતું. માલાને એ ખબર નહોતી.

“કાંઈક તો હોંકારો દે, ભગવાન?” માલો રાહ જોતો હતો.

‘કિરકી...ક! કિરકી...ક! કિરકી....ક’ એવા ચીંકાર કરતી એક ચીબરી એ નિર્જન સ્થાન પર ભમવા લાગી.

“શું ? શું કહ્યું? કિરપીક? માલાએ એ બિહામણા મોંવાળા ભેરવપંખીની ચીસમાં દેવવાણી કલ્પી.

ફરીને પંખીએ માથા ઉપર આંટા દીધા, ને ચીંકાર કર્યા : કિ-રકી-ક! કિ-રકી-ક!

“હાં, હાં, કિરપીક : કિરપીક! કિરપીક : મારું નવું નામ કિરપીક !" માલો હર્ષાવેશમાં આવી ગયો: “માલો મરી ગયો, કિરપીક જન્મી ચૂક્યો : હો-હો-હો-હો-હો !” ને નવજન્મનું નૃત્ય ચાલ્યું : ભુજાઓ લંબાવી લંબાવી, નવી તાકાત અને નવા રુધિર-પ્રવાહની છોળો અનુભવતો માલો જંગલ-નૃત્ય કરવા લાગ્યો : “ઝા...ઝ ઝા !ઝ ઝા ! ઝા...ઝ ઝા !” અને એની પછવાડે ઊભું ઊભું બીજું એક માનવી પણ દેહના કોમલ લહેકા કરતું એ ભૈરવી નૃત્યમાં, લાલિત્યભર્યો તાલ દેવા લાગ્યું.

ઓચિંતી માલાની નજર એ બીજા માનવી પર પડી, સંધ્યાના ભૂખરા અંધકારમાં એને પિછાન પડી. એ હતી રૂપાળી પ્રેયસી ઇવા.

બન્ને એકબીજાથી શરમીંદા બનીને ઊભાં થઈ રહ્યાં. ઇવાનું સોહામણું મોં નીચે નમ્યું. માલા ઇવાની નજીક ગયો.

“ઇવા, ઇવા ! તું ક્યારની આવી છો ? શા સારુ આવી ?"

“માનવીની પછવાડે પછવાડે : માનવીને સુખી કરવા.”

“ઇવા !” માલો નાચી ઊઠયો : “સુખનો મારગ મળી ગયો. માલો નીંદર કરવા ચાલ્યો ગયો. હવે તો આ માલો નથી, ઇવા ! કિરપીક છે ! ચાલો, ઇવા! હવે સૂતેલાં માનવી નહિ સાંભરે.”

હાથોહાથના આંકડા ભીડીને બેઉ જણાએ આથમતી વેળાના. અંધકારમાં દેવડુંગરો મેલ્યો. ટેકરીઓ ઉપર ઠેકતાં સાબર જેવાં એ બે માનવીને નિહાળી દિવસ દિવસને ઘેર ગયો. બેઉને રાત્રીએ પોતાના અંધારપછેડામાં લપેટી લીધાં. ઇવા માલાના કૂબામાં ઊતરી ગઈ ત્યારે ગામડા ઉપર નિદ્રાની ચાદર પથરાઈ ગઈ હતી. શિકારીઓના થાકેલાં બદન પોતપોતાનાં 'માનવી'ને હૈયે હૂંફાતાં હતાં. શિયાળો મીઠાશ ઝરતો હતો.

ફક્ત એક જ કૂબામાંથી જાગ્રત માનવીના જાણીતા 'ખી - ખી – ખી – ખી” અવાજો જાણે કે ઇવાની ચુગલી કરતા હતા.

‘ખી-ખી-ખી-ખી’ અવાજ નજીક આવ્યો. ઇવાની જાડીપાડી શોક્ય પણ માલાના કૂબામાં ઊતરી. માલા-ઇવાની આજની પહેલી મિલન-રાતનું ટિખળ કરતી એ ત્યાં બેસી ગઈ; કહે કે “નહિ જ બહાર નીકળું; થાય તે કરી લ્યો! ખી – ખી – ખી – ખી !"

માલાએ કહ્યું : “હવે બેય જણીઓ જાય અહીંથી. અત્યારે માનવી પોતપોતાના કૂબામાં જ રૂડાં લાગે."

ત્યાં તો બારણાનો પડદો ઊંચો થયો. બેઉ વહુઓનો ધણી દાખલ થયો. “માલા !” એણે પ્રસન્ન મુખથી કહ્યું. “નહિ. હવે તો બેય જણીઓ તારાં જ પગરખાં સીવશે. એક દી અમને જીવનદાન આપનાર ભેરુબંધને આજ હું આટલું અર્પણ કરીને ખૂબ સંતોષ પામું છું, ભાઈ !"

“અરે, અરે, ભાઈ ! એવું તે હોય? માનવી ઓરત વિનાનો શું કરશે ? ક્યાં જશે ?”

માનવી પોતાને અસલ ગામડે પોતાના કોમભાઈઓ ભેળો થઈ જશે; ને માલાને સુખી કર્યો એ વાતને સંભારી સંભારી સુખ પામશે, માલા !"

એટલું કહીને એણે પોતાની નવી-જૂની બન્ને ઓરતોને લલાટે લલાટ અડકાવી છેલ્લો પ્યાર દીધો: છેલ્લા બોલ કીધા કે –

“બેઉ જણીઓ માલાને સુખી કરજો : માલાનાં બચ્ચાં ઉછેરજો, ને માલાનાં પગરખાં સાંધજો. હું રજા લઉં છું.”


[8]

બરફનાં ઝાપટાં ઝીંકાઈ ઝીંકાઈને દટ્ટણપટ્ટણ કરે છે. માલો અને એનો નાનેરો ભાઈ ચામડાંની કુંચલીઓ ઓઢીને કુત્તા-ગાડી હાંકતાં હાંકતાં વગડામાં જાનવરોને ઝાલવાના જાળ-ફાંસલા ગોઠવેલા છે તેની તપાસે નીકળેલ છે.

“આ કોણ દફનાયું વળી ? કહેતો માલો થંભ્યો. નજીકમાં એક કુત્તાગાડી બરફનાં દાટણમાં ઊંચી દટાયેલી પડી હતી. કુત્તા-ગાડી ઊભી રાખીને બેઉ ભાઈઓ ત્યાં ગયા; બરફનાં ઢેફાં ઉખેડી ઉખેડીને દટાયેલાં માણસોનાં મુરદાં ખુલ્લાં કર્યા.

માલાએ નિહાળી નિહાળીને જોયું: બે શરીરો હતાં – દેશીભાઈઓનાં નહિ. ગોરાઓનાં.

“ચાલ, ભાઈ! ચાલ.” માલાએ તિરસ્કારથી ચાલવા માંડયું; દાંત ભીંસ્યા; કુત્તા-ગાડીની લગામ હાથમાં લીધી, કુત્તાને ડચકારવા જાય છે, ત્યાં નાનેરો ભાઈ બોલ્યો : “પણ, ભાઈ ! ગોરાઓમાં હજી જીવ છે, હો ! “એ જ મોકાણ છે ને ?” માલાએ મોં બગાડયું.

પોતાનો માનવધર્મ વિચારતો એ ઉભો થઈ રહ્યો. ગોરો : એની આબાને દારુ ઢીંચાવી આબાનું શરીર રગદોળનાર ગોરો ! જંગલી માછીમારોને પોતાની ઓરત પર પ્યાર હોય એ વાતની ક્રુર હાંસી કરનાર ગોરો : લોહી પીવાથી પણ વેરની તૃપ્તિ ન થાય તેવો ગોરો ! અધમ આખી જાત ગોરાની....

છતાં - છતાં - બ૨ફની જીવતી કબરમાં ગુંગળાઇને બે નિરાધાર માનવીઓ જાન હારી રહેલ છે, એનેય ઘેર આબા જેવી વ્હાલી ઓરત અને બચ્છાં વાટ જોઈ રહેશે.

માલાના ઇતની ભીંસ છૂટી પડી ગઈ, એના મોંની કરડી રેખાઓ પોચી પડી, ભાઈને એણે કહ્યું :“હાલ્ય, ભૈયા ! હાલ્ય, કાઢીએ એને બા'૨."

બેઉ જણાએ મહેનત કરીને અને મૂર્છિત શરીરોને કુત્તા-ગાડીમાં ચડાવ્યાં; ગાડી પાછી ગામ ભણી લીધી.

ગામલોકોએ દોટાદોટ આવી પહોંચી બેઉ શરીરોને માલાના કૂબામાં લીધાં. માલાની બન્ને ઓરતો એ બેહોશ મહેમાનોની શરીરોને મર્દન,શેક વગેરે ગરમી આપનારા ઉપચારોમાં લાગી ગઈ.


(9)

બીજે દિવસે પરોણા શુદ્ધિમાં આવીને બેઠા હતા. માલાની બરઉ ઓરતો ગરમાગરમ શેકેલ માંસના ટુકડાને જીભ વડે ચાટી ચાટી ઠંડા કરતી મહેમાનોને ખવરાવી રહી હતી.

માલો કરડી મુખમુદ્રા ધારણ કરી બાજુમાં બેઠો બેઠો છુરી ઘસતો હતો.

ગોરા જુવાનોને તાજુબી થાય છે : “આ માણસ શા માટે આપણી સામે કરડી નજર રાખી રહેલ છે ? આપણને બચાવનાર એ પોતે જ છે, છતાં એને આપણા પ્રત્યે અણગમો કેમ છે ?"

“પાછો છુરી સજી રહ્યો છે." બીજાએ કહ્યું.

“કાંઈક કુબુદ્ધિ તો નહિ હોય?"

માલાને બોલાવવાના પ્રયત્નો તેણે કર્યા; પણ પ્રયત્નો એળે ગયા. માલો. છુરી ઘસતો રહ્યો.

હસતી હસતી બેઉ ઓરતો મહેમાનોને ગરમાગરમ ખોરાક દેતી હતી, અને મહેમાનો આ મુલકની ઉદાર મહેમાનદારીનો થોડો પરિચય ધરાવતા હોઈ તેમણે પોતાની સરભરા કરનારી સુંદરીઓના શરીરો સાથે જરા વિશેષ છૂટ લેવાનું શરૂ કર્યું. ઓરતોને મન પણ એ સહજ બાબત હતી.

પરંતુ માલાને એ વાત મંજૂર નહોતી. દોસ્તોને તથા દુ:ખિતોને રાજીખુશીથી પત્નીઓ અર્પણ કરનાર આ સાગરબાળ દેશી ઓરતનું જીવન શરાબીમાં રોળનાર વિદેશીઓને માટે તો ભાલાનું જ આલિંગન મુનાસબ સમજતો હતો.

“હટો હટો અહીંથી, રંડાઓ !” એવી ત્રાડ નાખીને એણે બન્ને ઓરતોને દૂર ધકેલી નાખી. પછી એણે ગોરાઓ તરફ ભવાં ચડાવ્યાં; બોલ્યો: “અમારી ઓરતો ગોરાઓને સારુ નથી આવતી.”

બેઉ પરોણા સમજી ગયા; સમય વિચાર્યો; ભૂલ થઈ છે એવા દીન દીદાર રાખી કહ્યું : “અમે તમારી ઓરતો પર નજર નથી કરતા.”

માલાએ સામે જોયું. ગોરાએ કહ્યું : “બધા ગોરાઓ એવા નથી. ખરાબ ગોરાઓ જ એવું કરે.”

માલાને સમજ પડતી હતી. એના મુખભાવ સુંવાળા બનવા લાગ્યા. પરોણાએ ઉમેર્યું: “અમે કાંઈ ખરાબ ગોરા નથી.”

ગોરાની આ ભાંગીતૂટી દેશી બોલીને સમજેલ માલો થોડી વાર તાકી રહ્યો. વાણી માત્ર હંમેશાં દિલમાંથી જ વહે છે એવું એનું કુદરતી શિક્ષણ હતું. મહાસાગરે, પહાડોએ આસમાને અને પશુપક્ષીઓએ એને આ એક જ વસ્તુ કહ્યા કરી હતી : કે વાચા લાગણીમાંથી જ ઊઠે છે : વાચા સત્યની જ પુત્રી છે : માનવીને જબાન એક જ છે.

‘માત્ર ખરાબ ગોરા જ એવું કરે છે' એ શબ્દોએ માલાના ધિક્કારમય અંધારિયા હૃદયમાં દીવો ચેતાવ્યો. એ હતો ઇતબારનો અને માનવપ્રેમનો દીવો. ઘેર આવેલા પરોણી પ્રત્યેની જે ધિક્કારવૃત્તિ આજે જીવનમાં પહેલી જ વાર માલાને કોઈ લાય બળતી રોમવેદના જેવી થઈ પડી હતી. તેમાંથી જાણે એને ઓચિંતો કરાર વળ્યો. થીજી ગયેલા જળપ્રવાહ જેવું એનું હાસ્ય મોકળું થયું. ઊભરાતા બંધુભાવે એણે બેઉ ગોરાઓના હાથ પોતાના પંજામાં ચાંપી ચાંપી લગભગ હાડકાં ચગદી નાખ્યાં. અનોખું હાસ્ય ઢોળીને એણે આ ‘સારા ગોરાઓ'ની સરભરા કરી.


[10]

ગોરાએ કહ્યું: “જો ભાઈ ! મારું નામ હનઃ આનું નામ ટોમ. તારું નામ શું ?”

“કીરપીક !” માલાએ હસીને નામ કહ્યું.

"અહીં એક માલો હતો ને, માલો !”

“માલો તો દેવ-ડુંગરે ગાયબ થયો.”

ગોરા સમજ્યા કે માલો મરી ગયો. પરસ્પર એ બન્નેએ નિરાશાના. નિ:શ્વાસ નાખ્યા: ફેરો ફોગટ !

"બહુ થઈ !”

એ જ વખતે ગામના કુત્તા ભસી ઊઠયા. નવી ચાલી આવતી કુત્તાગાડીના ખખડાટ સંભળાયા. આવનાર ઓળખાયો; ગોરાઓ હર્ષથી બોલી ઊઠયા: “આપણો કાણિયો દુભાષિયો.”

માલાએ પણ ઓળખ્યો : “ઓહોહો - આવો આવો.”

કાણિયાએ પૂછ્યું : “સાહેબ ! તમને તો ગોતીગોતીને મારો ઠરડ જ નીકળી ગયો.”

“અરે, યાર ! અમે તો બરફનાં તોફાનમાં મૂવા પડયા હતા. આ કીરપીકની મહેરબાનીથી જ જીવતા રહ્યા.”

“કીરપીક !” કાણિયાએ માલા સામે નજર કરી : “કીરપીક કોણ ?”

ગોરાએ કહ્યું : “કેમ ? આ ભાઈ જ કરપીક છે ને?"

વિસ્મય પામેલા કાણિયા સામે માલો હસવા લાગ્યો. કાણિયો પણ હસવા લાગ્યો.

માલાનું હસવું ફક્ત એટલો જ સરળ અર્થ સૂચવતું હતું,કે દેવતાએ મને નવો જન્મ આપ્યો એ વાતની તને ખબર જ નથી ને, બેવકૂફ ! પણ કાણિયાનો હાસ્યમાં તો જૂદી જ કુટિલતા ભરી હતી. એણે ગોરાને કહ્યું : “આ પોતે જ માલો !”

“માલો | આપણો જેને હાથ કરવા આવેલ છીએ એ જ આ માલો ?”

કાણિયાએ ભયાનક રીતે ડોકું ધુણાવ્યું,[11]

કાણિયા દુભાષિયાની મારફત ગોરાની તથા માલાની વછ્છે આ પ્રમાણે વાતચીત ચાલી :

“તેં છ મહિના ઉપર એક જહાજના સોદાગરને જાનથી મારેલો ખરો ?”

“હા; એણે મારી આબાનું જીવત૨ રોળી નાખેલું.”

“એ સંબંધમાં તને થોડાક સવાલ પૂછવાના છે, તો અમારે થાણે એક આંટો આવવું જોશે."

“હું તો કાંઈ નથી આવતો, પૂછવું હોય તો અહીં પૂછો.”

“પણ પૂછનાર બીજા છે, ને એ ત્યાં વા’ણે આવવાના છે.”

“એ તો નહિ બને.”

“પણ અમારે તારું બીજું કાંઈ કામ નથી, સવાલો પૂછીને તને મોકળો કરશું.”

“પણ, ભાઈ ! તારાથી ના કેમ પડાય ? અમે તારા મહેમાન થયા. તો તારેય અમારે ગામડે અમારા મહેમાન બનવું જોઈએ જ ને !”

“હા, ભાઈ ! એ વાત ખરી. ચાલો, હું સહુને સાબદાં કરું.”

એમ કહેતો માલો પોતાની ઓરતો કને દોડ્યો. હોંશે હોંશે, અને કોઈ પરમ ધર્મભાવના ધારણ કરીને કહ્યું : “ઇવા ! જૂની ! તમે રાહુ સાબદાં થઈ જાવ. છોકરાંને સાબદાં કરો, આપણા ભાઈબંધો આપણને એને ગામડે તેડી જાય છે. આપણે જાવું જ જોઈએ ને ? એ અહીં રોકાણા ખરા ને !”

ગોરાએ કાણિયાને પૂછ્યું : “આ શું કરે છે ?”

"બાળબચ્ચાંને ભેળાં લ્યે છે.”


"નહિ નહિ. એણે એકલાએ જ આવવાનું છે.”

માલાને આ વાત ગમી નહિ. એણે કહ્યું : “તો પછી મારે નથી આવવું.”

"પણ, ભાઈ માલા !” કાણિયા દુભાષિયાએ માલાના હૃદયના મર્મભાગ પર ઘા કર્યો : “જો તું બચ્ચાંને ભેળાં લઈશ ને તો આ બચાડા બેય ભાઈબંધોની રોટી તૂટી જશે : એનો ઉપરી એને કાઢી મૂકશે."

“એમ....!” માલો વિચારમાં પડ્યો : “ત્યારે તો કાંઈ નહિ.” ફરીથી માલો કૂબામાં દોડ્યો; જઈને ઓરતોને કહ્યું : “ઇવા ! જૂની ! તમે હવે સાબદાં થાશો મા !”

"કેમ, માલા?

“બચાડા આપણા ભાઈબંધોની રોટી તૂટી જાય એવું છે; માટે હું એકલો જ જઈ આવું.”

ઇવા ગમગીન ચહેરે ઊભી થઈ રહી; એટલું જ બોલી: "માલા ! તુંને એકલો મૂકવાનું મારું દિલ ચાલતું નથી. આ ફેરા મને કાંઈ ગમ પડતી નથી.”

"ઇવા ! માલો ગિયો છે ત્યાંથી પાછો આવ્યા વિના કે'દી રિયો છે? એટલો ઇતબાર શું રહેતો નથી, ગાંડી ?

તૈયાર ઊભેલી કુત્તા-ગાડીમાં બાપુ સાથે જવા માટે ચડી બેસતાં નાનાં બચ્ચાંને ત્રણ વાર ઉતારી નાખી માલાએ રાશ હાથમાં લીધી; કુત્તાને ડચકાર્યા.[12]

છ મહિના ઉપર જ્યાં ગોરાનું જહાજ નાંગરીને એના કાળા ઓછાયા પાડી ગયું હતું, તે જ જગ્યાએ લાકડાની લાઈનબંધ કોટડીઓ ઊભી થઈ હતી; ઉપર વાવટો ઊડતો હતો. રાઇફલો, કારતૂસના પટ્ટાઓ, ચકચકિત ચાંદ-ચગદાં, ખાખી લેબાસ, પરેડ, પહેરેગીર, ઘોડેસવારી ઇત્યાદિ ચિહ્નો કોઈક નવા સ્થપાયેલા લશ્કરી મામલાનો ખ્યાલ કરાવી રહ્યાં હતાં. બ્યૂગલ બજતું, ઘોડા ડાબલા પછડાતા. ગોરા સોલ્જરો લશ્કરી સલામો ભરતા ને સલામો ઝીલતા. સ્થળે સ્થળે ત્રણ અક્ષરો અંકિત હતા : ‘સી. એમ. પી.’ અર્થાત 'કેનેડિયન માઉન્ટેડ પોલીસ'. બરફ-પ્રદેશની છેલ્લી સરહદ ઉપર માલાના નવા દોસ્તોએ નવેસર ઊભું કરેલું આ લશ્કરી થાણું હતું.

અહીં માલો અમનચમન ઉડાવી રહ્યો છે. પાંઉ, રોટી, ઇંડાં, મુરબ્બા અને પુડિંગ--તરકારીની વાનીઓ જમે છે. દિવસ બધો શિકારે નીકળી પડે છે. ગોરાઓની બંદૂકો વડે નિશાન લેતાં એને આવડી ગયું છે.

એક દિવસની સંધ્યાએ એક જહાજનો પાવો વાગ્યો.

જેની રાહ જોવાતી હતી તે મહેમાન આવી પહોંચ્યા : ઘૂંટણ સુધી ચકચકિત ચામડાના બૂટ હતા, રૂપેરી એડીઓ હતી; ગરમ સર્જનો ડગલો ને બ્રીચીઝ હતાં. છાતીએ, ખભે. માથા પર, બાંય ઉપર, કમ્મરે, ઠેર ઠેર પ્રત્યેક ચગદા પર ને બટન પર ‘તાજ' ચમકતો હતો : એક મહાન સામ્રાજ્યસત્તાની એ નિશાની હતી.

તીણી એની આંખો હતી : કપાળમાં ઠંડાગાર ભીષણ નિશ્ચયની કરચલીઓ હતી. એને સલામ કરીને માલાના બે દોસ્તો ઊભા રહ્યા.

"લઈ આવ્યા કેદીને ?

"જી હા; બરાબર.”

“ક્યાં છે?”

"શિકારે ગયો છે.”

"કેદીને છૂટો રાખ્યો? કાંઈ ભાન...?" હાકેમની ભાષા કડક બની.

“જી, કશો વાંધો નથી.”

“એટલે ?”

“એણે કોલ દીધો છે.”

“જંગલીએ કોલ દીધો છે." – એમ કે?”

“જી હા; અમારા શિર સાટે.”

"રાતે ક્યાં રાખો છો ?”

“આ પાછલી જ કૅબિનમાં. જોવું છે? પધારો.”

ખૂણામાં એક બિછાનું હતું : બાજુમાં લાકડાનો થાંભલો હતો. થાંભલા જોડે જડેલી સાંકળમાં એક હાથકડી લટકતી હતી.

“રાતે 'હેન્ડકફ’ કરો છો કે?

“હજુ સુધી નહિ.”

“આજે કરવાનો છે.”

“વારુ, સાહેબ.”

“આજે પાકો જાપ્તો રાખવાનો છે.”

"જી, અમે ત્રણ જણા જોડાજોડ જ સૂઈએ છીએ.”

"ગાફેલ ન રહેજો. કાલે સવારે કેદીને ફાંસી દેવાની તારીખ છે."

બહાર કૂતરા ભસ્યા.

"કેદી આવ્યો, સાહેબ !'

"થૅન્ક ગૉડ!”

“કાં, દોસ્તો ! જાગો છો હજુ?” એવા હાકલા કરતો માલો દાખલ થયો. રૂંછાંદાર ચામડાનો લાંબો ડગલો ઉતારી નાખીને ઉઘાડે શરીરે એ સૂવાની ઓરડી તરફ આવ્યો.

"યાર ! આજ તો એટલો થાક્યો છું, કે ઊંઘે લથડિયાં આવે છે,”

એટલું કહી અંદર આવે છે ત્યાં એણે ચકચકિત યુનિફોર્મમાં સજ્જિત નવો માનવી દીઠો.

"માલા !” ગોરા ભાઈબંધોએ કહ્યું. “આ અમારા ઉપરી તારા ઉપર જેને અતિશય ચાહ છે. બહાદુર માલાને જોવા એ સો ગાઉ દૂરથી આવેલ છે."

“અઈસા ! વાહવાહ !” કહેતો માલો અમલદાર તરફ આગળ વધ્યો; પોતાનો પંજો ધરીને તેણે હાથ મિલાવવા માટે મહેમાનનો પંજો પકડ્યો.

ને પછી પંજો દબાવતો, દબાવતો, હર્ષઘેલો બની બોલવા લાગ્યો:

“અરે, યાર ! કેવા તમે ! હું તો કેટલા રોજથી તમારી રાહ જોઈ બેઠો છું ! તમે તો ક્યાં રોકાણા હતા, દોસ્ત? આજ તો ભારી કામ થયું, કે તમે આવ્યા. મને તમારા ઉપર ભારી વહાલ આવે છે. યાર ! અને આ શું ?” ઑફિસરના લેબાસ પર, બટનો પર, બૂટ પર હાથ ફેરવતો ફેરવતો માલો કહેવા લાગ્યો : “એ…હે…હે…હે… ! યે તેરી ખૂબી : વાહ ! ટાટમટાટ ! કાઢ્યો ક્યાંથી આ ભપકો ? એહ ! બન્યો છે ને કાંઈ ! ભારી બંકડો મર્દ લાગે છે ! હાય હા…ય તારો રુઆબ ! આફ્રિન ! અચ્છા, દોસ્ત ! અત્યારે તો હવે મોડું થઈ ગયું; મને આવે છે ઊંઘ. તું પણ થાક્યો હોઈશ. જા, સૂઈ જા ! સવારે મળશું.”

એટલું કહી અમલદારની બાઘા જેવી સ્થિતિ કરી મૂકી, અંદરની કોટડીમાં ચાલ્યા જઈ માલાએ જોરથી બારણું ભીડી દીધું.

બન્ને તાબેદાર અમલદારો બીજી બાજુ મોં ફેરવી જઈ હસવાનું ખાળવા લાગ્યા. સામ્રાજ્યના એક માતબર અધિકારીનો આટલો રમૂજી તુચ્છકાર અગાઉ કદાપિ થયેલો નહોતો.

“એ શું લવલવી ગયો ?” હાકેમે પૂછ્યું.

“જી. એણે કહ્યું કે હવે આપ નિદ્રા કરો.”

ભડભડ બારણું ઊઘડ્યું, ને બિછાનામાં પડેલા માલાએ ડોકું કાઢ્યું; કહ્યું : “મારી નીંદરમાં ખલેલ ન કરો. મને વહેલા સૂવાની ટેવ છે, સમજ્યા ?”

બેવડા જોરથી પાછું બારણું બંધ કર્યું, સામ્રાજ્યના હાકેમે પોતે પણ હસવું ખાળવા માટે ખોંખારો ખાધો.

ફરીથી બારણું ઊઘડ્યું; માલાએ પૂછ્યું : “ગળામાં કાંઈ ભરાયું હોય તો તમારી કોટડીમાં જઈને ઇલાજ કરશો ?”

તમાચો મારતો હોય તેવા તોરથી ને જોરથી એણે ત્રીજી વાર બારણું ભીડ્યું.

ગોરાઓ થોડી વાર ચૂપ બેઠા. પ્રભાતના કાર્યની તૈયારી માટે મસલતો કરી.

દરમિયાન પાછલી કોટડીમાં બિછાના પર પડેલા માલાને કાણિયો દુભાષિયો ઠંડે કલેજે ખબર દેતો હતો : “માલા ! કાલે સવારે તને ફાંસી આપશે.”

“ફાંસી !!! ફાંસી શું ?”


“તારા ગળાને ફરતું દોરડું વીંટાળશે, તને ઊંચે લટકાવશે; તારા માથામાં નીંદર ભરી દેશે.”[14]

દુભાષિયો ગયો ને ગોરા ભાઈબંધો દાખલ થયા. ભાઈબંધ હન માલાની પાસે ગયો; લટકતી હાથકડી માલાના એક કાંડામાં પહેરાવવા લાગ્યો.

માલો જાગતો હતો; શાંતિથી હાથકડી પહેરી રહ્યો હતો. એ ફક્ત એટલું જ બોલ્યો : “માનવીએ જબાન દીધી હતી તે ભૂલી ગયાં, માનવી ?”

હન ગંભીર સ્વરે બોલ્યો : “લાચાર છું. માલા ! મારી જબાન કરતાં, વધુ જોરાવર એક જબાન બોલી ચૂકી છે.”

“કમજોર જબાન મર્દની મર્દાઈને હણે છે, ભાઈબંધ !”

માલાએ હિમસાગરના પ્રત્યેક સંતાનનો જીવનસિદ્ધાંત ઉચ્ચાર્યો.

હાથકડીની ચાંપ બિપાયાનો અવાજ થયો. ગોરાએ બત્તીની જ્યોત ઝાંખી કરી; ગરમ કામળની સોડ્યમાં પેસીને એણે આંખો મીંચી.

ધીરે ધીરે માલાને હાથકડી જડાયાનું ભાન પાકું થયું. ઇતબાર અને આતિથ્યભાવનાની દુનિયામાં વસનારો માલો દગલબાજીની, વચનભંગની ધરતીમાં પટકાઈ ગયો. સવારે એના ભેજામાં નીંદર ભરી દેવાના છે તે વાતની પાકી સમજ પડી. તેણે હાથકડીમાંથી હાથ ખેંચી જોયા. સત્ય વધુ ભયાનક બની ગયું.

હાથકડીની સામે એ તાકી રહ્યો..

હું…ઉ…ઉ…ઉ… એવે દર્દભર અવાજે કુત્તા રડતાં હતાં.

એ ક્યાંનાં કૂતરાં ? સો ગાઉ પર પડેલા પોતાના ગામડાનાં ?

મધરાત્રિનો આ દરિયાવ ક્યાં છોળો મારી રહેલ છે ?

આ ચંદ્રમાં ક્યાં ચાંદની રેલે છે ?

ઇવા ? તું ત્યાં કેમ ઊભી છે ?

મને છોડાવ ને, ઇવા !


વતનના આવા ભણકારા ઊઠ્યા. શિકારીની છાતી ફાટવા લાગી. આં-હાં-હાં-હાં ! નાના નમાયા બાળકની જેમ એ રડી પડ્યો. હાથકડીની સાંકળને એણે ઝટકો માર્યો.

“સૂઈ જા, માલા ! સૂઈ જા. નાહક શ્રમ લેતો નહિ !” એટલું કહીને હન પડખું ફેરવી ગયો.

પોતાની કરપીણતા નિર્જીવ લોઢાં-લાકડાને ભળાવીને માણસ સૂઈ શકે છે : ઘસઘસાટ સૂઈ શકે છે.

એ અંધકારમાં માલાએ હાથકડીની ચૂડ છોડાવવાનો મૃત્યુ-સંગ્રામ માંડ્યો.

લોખંડની નાની બંગડી-શી એ હાથકડીએ પોતાના મહાબાહુ કેદીનું જોર ઠંડે કલેજે માપવા માંડ્યું.

કાંડું, ભુજાઓ છાતીનાં પાટિયાં, પગની ઘૂંટણો : ગરદન અને માથું : દરિયાઈ દાનવોના આ મહાકાલ-સ્વરૂપ માનવીની નસેનસ સામટાં એકઠાં થયાં : રુધિરના ટીપેટીપામાંથી તાકાત ખેંચીને એકઠી કરી.

હાથકડીએ મચક દીધી નહિ.

પાંસળીઓના જાણે અબઘડી ચૂરેચૂરા થઈને ડોળા નીકળી પડશે, માથાની ખોપરીના કાછલાં ફાટશે – એટલું જોર અજમાવ્યું. શરીરની પ્રત્યેક પેશી ધુમાડા કાઢતી ઊપસી આવી : રોમરોમમાંથી પાણી ટપકી પડ્યાં.

આખરે કાંડું નીકળ્યું – સાથોસાથ કેદીના કલેજામાંથી લોહીનો કોગળો પણ નીકળી પડ્યો.

વેદના વિજય પામી.

લાય બળતો એ ઊઠ્યો. બહાર નીકળ્યો. કપડાં પહેર્યાં. પાંચેક બંદૂકો પડી હતી તેમાંથી પહેલી જે હાથમાં આવી તે ઉઠાવી. કારતૂસોનો પટો ઉપાડ્યો.

પોતાની કુત્તા-ગાડી જોડીને એ પલાયન થયો.


[15]

મોત ભયાનક છે. દગલબાજી અને મોત બેઉ ભેળાં થાય છે ત્યારે એની ભયાનકતા વર્ણવી નથી શકાતી : દિલની અંદર અનુભવવાની જ એ વાત છે.

માલાની તૂટું તૂટું થઈ રહેલી નસોએ રાતભર બરફના ડુંગરા ખૂંદ્યા. પલવાર પણ અટકવાનું નહોતું. મૃત્યુ એનું પગેરું લઈને પાછળ પાછળ ચાલ્યું આવતું હતું.

પ્રભાત પડ્યું : બપોર થયા, ભૂખે તમ્મર આવતાં હતાં. સાથે ખાવાનું નહોતું, કુત્તા પણ ભૂખ્યા ભૂખ્યા જ દોડતા હતા. એટલામાં માલાએ દૂર એક સાબરનું ધણ ચાલ્યું જતું જોયું. જોતાં જ હર્ષઘેલો બની ગયો; બંદૂક ઉપાડી.

બંદૂકની ચાંપ ઉપાડી અંદર કારતૂસ ચડાવવા જાય છે. ત્યાં તો એના રામ રમી ગયા : તમામ કારતૂસો બીજી જ બંદૂકના માપના નીકળ્યા.

સાબરનું ધણ દૂર દૂર ચાલ્યું જતું હતું.

બંદૂક અને કારતૂસો ફગાવી દઈને માલો ઊભો થયો; કુત્તા-ગાડી પાસે ગયો. સાતેય કુત્તા ખાવાનું મળવાની રાહ જોતા ગરીબડાં મોં કરી બેઠા હતા.

કમરબંધમાંથી માલાએ છરી ખેંચી. છરી સંતાડી રાખીને એ કુત્તાઓ પાસે ગયો. કુત્તાઓએ માલિકની સામે આશાભરી, આસ્થાભરી આંખો તાકી.

સાત જીવતા જીવનાં જઠર ભરે એવા એક કુત્તાને શોધવાનો હતો. ત્રીજા નંબરના કદાવર કુત્તાને ગળે માલાની છુરી ફરી વળી.

છ કુત્તાઓને એ ગોસનો સારો ભાગ ખવરાવીને માલો પોતે ફક્ત પાતળા પગનાં બટકાં ભરતો બેઠો હતો. જાણે એ પોતાના પેટના બચ્ચાને મારી ખાતો હોય એવી વેદનાભરી એની શકલ હતી.

બીજો દિવસ - અને છમાંથી પાંચ જ કુત્તા રહ્યા. ત્રીજે દિવસે પાંચમાંથી ચાર, ત્રણ, બે – અને આખરે ગાડી વગર એ શિયાળાના કાળબરફના ટેકરા ખૂંદતાં બે જ જીવ ચાલ્યા જાય છે : એક માલો ને એક કુતરો.

પાછળ ને પાછળ, પગલે પગલે, પવનના સુસવાટામાં શત્રુઓના ભણકારા બોલે છે; મૃત્યુના પડછાયા પડે છે.


વગડામાં એક પંખી પણ નથી બોલતું. ધોળો બરફ મૃત્યુના અનંત હાસ્ય જેવો ચુપચાપ પથરાયો છે.

આઠમે દિવસે માલો એકલો જ રહ્યો. એનું ક્લેવર એક ઠેકાણે ઢળી પડ્યું.

વછેરા ઘોડા જેવડો એક કદાવર વરુ શિકાર શોધવા નીકળ્યો છે. માલાના તૂટી પડેલા દેહ પર એણે વડછકું નાખ્યું.

મૃતપ્રાયઃ માલાએ ઝનૂની વરુની જોડે બાથંબાથ યુદ્ધ માંડ્યું. હથિયાર વગર મુક્કે મુક્કે એણે દુશ્મન સામે ટક્કર ઝીલી.*

બીજે દિવસે માલાના જ ગામડાના એક જાતભાઈએ ત્યાં ભટકતાં ભટકતાં ઓચિંતા એક વરુને અને માનવીને પડેલા જોયા : વરુ ખલાસ થયું હતું; માનવીના મોં પર જખમોનું ઢાંકણ થઈ ગયેલું હતું.

માંડ માંડ ઓળખાયો: “આ તો માલો ! વરુએ ચૂંથી નાખ્યો છે; પણ થોડો થોડો જીવ છે હજુ.”

કુત્તા ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા.


[16]

એના લોહીલોહાણ ચહેરા ઉપર ઇવાની અને જૂનીની અશ્રુધારાઓ રેડાઈ; ચુંબનોના મલમપટા થયા. બન્ને ઓરતોની ધીરી ધીરી ફૂંકે, ‘માલા ! માલા !’ એવા આર્તશબ્દોએ અને આંખોમાં આંસુની ધારા છતાં જૂનીના ખી-ખી-ખી-ખી હાસ્ય-સ્વરે આ સૂતેલા શિકારીને જાગૃત કર્યો : આંખોમાં દીવડા પેટાયા. ધીરું ધારું હસીને માલાએ પોતાના દેહ પર ઝળુંબેલી ઇવાને કહ્યું : “માનવીને જરા વધુ રોકાણ થઈ ગયું, ખરું !”

“ગામને બહુ વપત પડી, માલા !”

“શું કરું ! જરા વધુ રોકી પાડ્યો ભાઈબંધોએ. એ તો નીકળવા જ ક્યાં દેતા હતા ? ખેર ! આખરે તમારી બાથમાં પહોંચી ગયો ને ! હવે તો - હવે તો આજની રાત વિસામો મળી જશે. એટલે સવારે માલો દોટ કાઢશે શિકાર ગોતવા. આજની એક જ રાતનો આરામ મળી જાય ને, ઈવા, એટલે બસ !”

નાનાં બચ્ચાં બાપની છાતી પર બેસીને ગેલ કરવા લાગ્યાં.

સંધ્યા નમતી આવે છે, તેમ તેમ વગડાના બરફ ઉપર કુત્તા ગાડીના પછડાટ સંભળાય છે.

આખરે કત્તાઓના ‘ડાઉ, ડાઉ’ – સ્વરો પણ કાને પડ્યા.

“ઇવા ! જૂની !” માલાએ ઝીણી નજરે નિહાળીને જણાવ્યું : “ગોરા ભાઈબંધો પાછા પોગી ગયા.”

“માલાને પાછો લઈ જાવા ?”

“હા, ને નહિ તો બંદૂકે માલાના માથામાં નીંદર ભરી દેવા : આવી પોગ્યા !”

માલો હસ્યો.

“સબૂર, મૈયા !” પોતાના ભાઈને એ ચાલ્યા આવતા બંદૂકદાર શત્રુઓ સામે તીર ચડાવતો રોકીને માલાએ શાંતિથી કહ્યું, “તારા તીરને સાબરના ધણ સારુ સાચવી રાખ, ભાઈ ! ગામલોકોને ભૂખ્યાં સુવાડતો નહિ કદી. માલો તો શિકારીને શોભે તેવા જ મોતની ભેટ કરવા ચાલી નીકળે છે. કેમ કે હું જીવતો રહીશ ત્યાં સુધી ગોરાઓ આપણા આખા ગામનો દાટ વાળી દેશે. એની કને બંદૂકો-કારતૂસોનો પાર નથી.”

એમ કહીને એણે નાનાં બાળને હૈયા પર ઊંચકી લઈ બચીઓ ભરી, દુવા દીધી : “જલદી જુવાન બની જઈ તીર-ભાલાં નાખતાં થઈ જાઓ, મારાં બચ્ચાંઓ !”

પછી એ જૂની તરફ ફર્યો; ચુંબન લીધું : “જૂની ! બાળકોને સાચવીને મોટાં કરજે, હો! તેં ઘણી ચાકરી કરી છે. માનવીની.”

દડ દડ આંસુ ખેરતી જૂની હસી : ખી-ખી-ખી-ખી !

છેલ્લો વારો ઇવાને ભેટવાનો હતો. ઇવાના સુડોળ મુખને હડપચીથી ઊંચી કરી, એની આંખોની ભીનાશમાં માલો પોતાના આત્માને ઝબકોળી રહ્યો. એ આટલું જ બોલ્યો : “માનવી માનવીને વીસરી શકશે નહિ.”

સહુ સૂનસાન ઊભાં થઈ રહ્યાં. ધરતી પર માલાના બૂટ ચમચમતાં ગયાં.

સહુને જાણ હતી કે માલો ક્યાં જતો હતો.


[17]

સામે જ સાગર લાંબી નીંદરમાંથી સળવળતો હતો. એની ફરસબંધી તૂટી રહી હતી. થીજેલાં નીર બંધનમુક્ત બની રહ્યાં હતાં. ન સંભળાય તેવા કોઈ ઘણના ઘાએ ઘાએ બરફના પહાડો ભેદાતા હતા. પાતાળ પોતાનું મોં ફાડી ફાડીને શ્વેત હિમગિરિઓને હોઈયાં કરતું હતું. દરિયાઈ ધરતીકંપ ચાલી રહ્યો હતો. રસાતલ ઉલેચાતું હતું જાણે.

એ કાળ-ઘમસાણની દિશામાં માલાએ પગલાં માંડ્યાં. પાણીના જાગી ઊઠેલ ધોધ એને સાદ પાડતા હતા.

પછવાડે ચીસ પડી : “મા…લા ! મા…લા ! ઘડી વાર ! ઘડી વાર !”

ઇવા દોટ દેતી આવી પહોંચી.

માલો ઊભો રહ્યો : “કેમ ?”

“માલા ! મોટી નીંદરમાંય માનવીનાં કલેવરની સોડ ઇવાને મીઠી લાગશે. ઇવાને એકલી ન મેલીશ.”

“ચાલો ત્યારે, ઇવા !”

બેઉ ચાલ્યાં. દરિયો તૂટે ત્યારે પશુપંખી પણ ભાગે છે. આ બે માનવીઓ એ વિરાટનાં જડબાંમાં હોમાવા સામે હૈયે ચાલ્યાં જાય છે.

ખડકો પછી ખડકો કુદાવતાં જાય છે. થોડાંક ડગલાં – અને દરિયાના ઘમસાણમાં : જ્યાંથી પાછા ફરવાનું રહેશે નહિ.

પછવાડે ફરી વાર કોઈકના હાકલા થયા : “માલા ! ડોન્ટ ગો ! માલા ! સ્ટોપ ! સ્ટોપ !” (માલા ! જાઈશ મા ! માલા ! થોભ ! થોભી જા !)

યુગલ ઊભું રહ્યું : પાછળ દૃષ્ટિ કરી.

બેઉ જૂના ગોરા ભાઈબંધો દોડ્યા આવે છે. હાથમાં બંદૂકો છે. સાદ પાડે છે : “માલા ! પાછો વળ ! પાછો વળ !”

હસીને યુગલ આગળ ચાલે છે. સમુદ્રની શ્વેત ભીષણ આરામગાહ યુગલને સાદ દઈ રહી છે.


તરતી બરફ-શિલાઓ ઉપર પગ દેતાં દેતાં બેઉ આગળ ચાલ્યાં : આગળ ને આગળ. કદમ ઉપાડે છે ત્યાં જ એ પછવાડેનો બરફ ફાટીને પાતાળનાં દ્વાર ઉઘાડે છે : હ…ડુ…ડ…ડુ ! બરફના મોટા પહાડો ગરક થાય છે.

ગોરાઓની બૂમ પડી: “માલા ! ખડો રહે, ખડો રહો, નહિ તો હમણાં ઠાર થયો જાણજે !”

એવા હાકલા સાંભળીને યુગલ ફરી પાછું ઊભું રહે છે : માલો પછવાડે જુવે છે : ગોરા ભાઈબંધની બંદૂક એના ઉપર નિશાન લેતી દેખાય છે.

ઇવાને ખભે હાથ ઠેરવી માલો છાતી ધરી બંદૂકોની તાક સામે ઊભો રહે છે : હસે છે.

ગોરાના હાથમાં બંદૂક થંભી રહી; થોડો ન ચાંપી શકાયો. એણે પોતાના જોડીદારને કહ્યું : “નહિ ફોડી શકાય. મારા હાથ નથી ચાલતા. માલો હસે છે.”

યુગલ ઠેક્યું; પાણીમાં ઘસડાતા જતા એક બરફ-ડુંગર ઉપર ચડી ગયું.

તરતો પહાડ ચાલ્યો જાય છે. થોડે દૂર જ અતલ નીરની ઘૂમરીઓ ફરી રહી છે. હમણાં જ આ તરતો તરતો તણાયે જતો પહાડ ત્યાં પહોંચીને રસાતલમાં સમાઈ જવાનો છે.

“ગુડ બાય ! ગુડ લક, માલા ! (સલામ, માલા !)” કિનારેથી બંદૂકવાળાઓની બૂમ પડી.

કાળના શિખર પરથી માલાએ સામી શાંતિભરી સલામ કરી.

ઇવાનાં નેત્રો માલાના મોં સામે જ સ્થિર થઈ રહ્યાં.

જગતમાં એવું નેત્રનિર્વાણ બીજે ક્યાં હશે ?

બરફનો પહાડ હિમસાગરનાં બે બાળને લઈ એક પ્રચંડ ધોધના વહેણમાં લેવાયો.

થોડીક જ વાર પછી -




[૫૧]

[૫૨]

[૫૩]

[૫૪]

[૫૫]

[૫૬]

[૫૭]

[૫૮]

[૫૯]

[૬૦]

[૬૧]

[૬૨]

[૬૩]

[૬૪]

[૬૫]

[૬૬]

[૬૭]

[૬૮]

[૬૯]

[૭૦]

[૭૧]

[૭૨]

[૭૩]

[૭૪]

[૭૫]

[૭૬]

[૭૭]

[૭૮]

[૭૯]

[૮૦]

[૮૧]

[૮૨]

[૮૩]

[૮૪]

[૮૫]

[૮૬]
 

6
લેખ
પલકારા
0.0
‘નવલિકાના બહુરંગી ક્ષેત્રમાં આ તમારો પ્રદેશ નવી જ ભાત પાડનારો છે, માટે એને છોડી ન દેતા’ : ‘પ્રતિમાઓ’ના ઘણા વાચકો તરફથી આવી સલાહ પડી હતી. તેનું પરિણામ આ ‘પલકારા’ની છ નવી વાર્તાઓ. ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો, સો-હજારગણો મોટો, સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને માનવીને આપેલી એક અણમોલ ભેટનો અનાદર કરવા બરોબર છે. કરોડો સ્ત્રી-પુરુષો ને બાલકોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે તો ઝેરને જલદી કાઢી નાખો. એને ઉવેખો નહિ. યુરોપી ચિત્રપટો હવે તિજોરીફાડો, ધાડપાડુઓ ને જાસૂસી દુનિયાનાં યશોગાન છોડીને સાંસારિક વસ્તુઓને પકડી રહેલ છે. તેઓએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની ‘પ્રકાશ અને પ્રતિધ્વનિ’ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે. ત્યાંથી પકડેલી આ કથાઓ છે. મૂળ ચોપડીઓ મેં વાંચી નથી. આ વાર્તાઓમાં તો કેવળ છ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે : માસ્તર સાહેબ : ‘ટોપાઝ’ પરથી દીક્ષા : ‘ક્રેડલ સોંગ’ પરથી હિમસાગરનાં બાળ : ‘એસ્કિમો’ પરથી બદનામ : ‘ડિસઓનર્ડ’ પરથી જલ્લાદનું હૃદય : ‘હેચેટ મેન’ પરથી ધરતીનો સાદ : ‘વિવા વિલા’ પરથી ‘ટોપાઝ’માં એક ભોળા માસ્તરની કથા છે : ને એ કથામાં તમે ગમે
1

માસ્તર સાહેબ

17 June 2023
2
0
0

માસ્તર સાહેબ માસ્તર સાહેબ કાબરચીતરું પાટલૂન પહેરતા અને તે ઉપર સફેદ રંગનો કોટ ચડાવતા. પાટલૂનનાં પાંચ પૈકી બે બટન તો એમના વર્ગના રઝળુ નિશાળિયાઓની પેઠે ઘણુંખરું ગેરહાજર જ રહેતાં; અને કોટનાં બટનની હારમ

2

દીક્ષા !

17 June 2023
0
0
0

દીક્ષા “ધન્ય છે, ભાઈ! ધન્ય છે એના ભાવને ! આટલી બાળ અવસ્થામાં દીક્ષા ધારણ કરે છે!” “કેટલીક અવસ્થા ધારો છો એની?” “અઢાર-વીસ તો માંડ હશે. પરણી લાગતી નથી. ધન્ય છે બાળબ્રહ્મચારિણીને!” “હા-હા-હા-હા !

3

હિમસાગરના બાળ >

17 June 2023
0
0
0

હિમસાગરના બાળ “ડાઉ...ઉ ! ડા...ઉ..ઉ !” એવા લાંબા લાંબા અવાજે કુત્તાઓ ભસવા લાગ્યા, અને બેસતા શિયાળાના પવન-સુસવાટામાં આઘે આઘેથી કોઈક પરગામવાસી કૂતરાઓના વિનવણી-સ્વરો આવતા સંભળાયા. દરિયામાંથી ઊઠતા હૂ...

4

બદનામ

17 June 2023
0
0
0

બદનામ રાત પડી ગઈ હતી, વરસાદની ઝડીએ રસ્તા પરના દીવાને ઝાંખા પાડ્યા હતા. માર્ગે પાણી ભરાયો હતો. ભીંજાતી ભીંજાતી એ એકલી ઊભી હતી. ભીંજાતી સી વધારે રૂપાળી લાગે છે, એકલતા અને ગરીબી પણ જ્યારે સુંદરતાનો સંગા

5

જલ્લાદનું હૃદય

17 June 2023
0
0
0

જલ્લાદનું હૃદય શહેરની એ ભેદી ગલી હતી. કોઈ એને ડોકામરડી કહેતા : કોઈ ગળાકાટુ કહેતા. એનું પેટ અકળ હતું. ધોળે દિવસે પણ અજાણ્યા લોકો ત્યાં જતાં ડર ખાતાં. નાનાં છોકરાં ‘ભૂતખાનું’ શબ્દ સાંભળીને જે ધ્રાસકો

6

ધરતીનો સાદ

17 June 2023
0
0
0

ધરતીનો સાદ લાણી પૂરી થઈ હતી. ખળાવાડોમાં સોનાવરણા પાકના ઓઘા ખડકાઈ ગયા હતા. આજ વરસ દા’ડાનું મોટું પર્વ હતું. કોસ, સાંતી ને ખળાં છોડીને લોકો તહેવાર ઊજવતાં હતાં. તૂટી ગયેલાં શરણાઈ અને ત્રાંબાળુ ઢોલ ગામલો

---

એક પુસ્તક વાંચો