shabd-logo

માસ્તર સાહેબ

17 June 2023

18 જોયું 18


માસ્તર સાહેબ

માસ્તર સાહેબ કાબરચીતરું પાટલૂન પહેરતા અને તે ઉપર સફેદ રંગનો કોટ ચડાવતા. પાટલૂનનાં પાંચ પૈકી બે બટન તો એમના વર્ગના રઝળુ નિશાળિયાઓની પેઠે ઘણુંખરું ગેરહાજર જ રહેતાં; અને કોટનાં બટનની હારમાં કચકડાની, સૂતરની તથા ટિનની, એવી ત્રણ પ્રકારની ભાત પડતી. મોજાંને ‘સસ્પેન્ડર’ના અભાવે પગની ઘૂંટી સુધી ઊતરીને પડ્યા રહેવાનું ગમતું. એક ગલપટો ત્રણેય ઋતુઓમાં માસ્તર સાહેબના શરદીપ્રિય ગળાનો સંગાથી હતો. હાથે હજામત કરતાં આવડતું ન હોવાથી, અને હજામોને માસ્તર સાહેબની હાડકાં નીકળી પડેલી દાઢી બોડવી ગમતી ન હોવાથી, અઠવાડિયામાં બે-ત્રણ દિવસ માસ્તર સાહેબ અર્ધઋષિ અથવા અર્ધઇસ્લામી દેખાતા. હાઇસ્કૂલમાં એ વિજ્ઞાન શીખવતા. કેમિસ્ટ્રી એમનો ખાસ વિષય હતો.

“કેમ છો, માસ્તર ?” શિયાળાને એક દિવસે સ્કૂલનાં પગથિયાં ચડતાં જ ત્યાં ઊભેલા સ્કૂલના પ્રોપ્રાયટર સાહેબે માસ્તર સાહેબની સલામ ઝીલીને સહેજ મોં મલકાવ્યું.

“સારું છે, સાહેબ !” ઘણા દિવસે આજે માલિકના મોં પર સ્મિત ભાળીને માસ્તર સાહેબને પ્રમોશનની આશા પ્રગટી. સહેજ થોભવા પ્રયત્ન કર્યો.

“યુનિવર્સિટીની સેનેટમાં તમારો પેલો પેપર, ‘સૂર્યનાં કિરણો’ ઉપરનો, બહુ પ્રશંસા પામ્યો. તમને એ ખુશખબર આપવા જ હું અહીં ઊભો હતો આજે.”

“બહુ આભાર થયો આપનો.” માસ્તર સાહેબે ફરીને હાથ જોડ્યા. ગલપટો સરખો કર્યો, ને માલિકને હજુ વિશેષ કશુંક કહેવાનું હશે એમ ધારી આશાભર્યું મોં કરી ઊભા રહ્યા. થોડી વાર સુધી પ્રોપ્રાયટરે કંઈ ન કહ્યું ત્યારે માસ્તર સાહેબે એક ખાંસીનું ઠસકુ ખાઈને બીતાં બીતાં પૂછ્યું : “કંઈ – કંઈ - આ વખતે કંઈ પરીક્ષક નિમાવા આશા ખરી ?”

“એ તો હવે જુઓ ને, માસ્તર ! જાણે કે તમારો ‘પેપર’ વખણાયો. ખરો, પણ તે તો વિદ્વત્તાની દૃષ્ટિએ, કહો કે આધ્યાત્મિકતાની દૃષ્ટિએ; વ્યાવહારિકતાની બાજુમાં તો ઘણાએ ઘણી ઘણી શંકાઓ ઉઠાવી. પણ ઠીક છે, જોઈશું એ તો. ક્યાં ઉતાવળ છે ?”

હાઇસ્કૂલના તરવરિયા માલિકે એટલું કહીને આંખો પરથી, રોલ્ડગોલ્ડનાં ચશ્માં ઉતારી રેશમી રૂમાલે લૂછવા માંડ્યાં. નિશાળનો ઘંટ થયો તત્ક્ષણે જ માસ્તર સાહેબે, ‘જે જે સાહેબ !’ કહી ક્લાસ તરફ ચાલવા માંડ્યું.

“અરે, માસ્તર !” માલિકને કશુંક યાદ આવ્યું.

“જી.” માસ્તર પાછા ફર્યા.

“તમે ‘ફિફ્‌થ બી’નો ક્લાસ ભણાવો છો કે ?”

“જી હા,” માસ્તરને કશીક નવી વધાઈની આશા આવી.

“કાલે સાંજે તમારા ક્લાસની બત્તીની સ્વિચ બંધ કર્યા વગર જ તમે ચાલ્યા ગયા હતા. બત્તી આખી રાત બળતી રહેલી.”

માસ્તર સાહેબ ખસિયાણા પડી ગયા. હાથમાં હાથ ચોળવા લાગ્યા. એના મોં ઉપર એક ગંભીર ભૂલ થઈ ગયાની શરમ છવરાઈ.

માલિકની આંખોમાં ને વાણીમાં કડકાઈ તપી : “આ તમારી ચોથી વારની બેપરવાઈ થઈ. આ વખતની નુકસાનીના આઠ આના તમારા આ મહિનાના પગારમાંથી કાપવામાં આવશે. ને હવે જો કસૂર થશે તો તમારી રેકર્ડ-બુકમાં ખરાબ રિમાર્ક લખાશે.”

“વારુ, સાહેબ ! દરગુજર ચાહું છું.”

આટલી ગંભીર કસૂર આઠ આનાથી પતી ગઈ માની રેકર્ડ બુકની કારકિર્દી પર છાંટો ન પડવાથી અગ્નિની આરપાર નીકળી ચૂકેલ એક સતી સ્ત્રીની માફક માસ્તર સાહેબ પોતાના ક્લાસમાં પહોંચી ગયા.

હાઇસ્કૂલનું મકાન અસલી બાંધણીનું હતું. મૂળ તો એ પ્રોપ્રાયટરના દાદાના જાહોજલાલીના કાળમાં કુટુંબને રહેવાની હવેલી હતી. એટલે અમુક ઓરડાઓ, કે જે અસલ સ્ત્રીઓના આવાસના હતા, તેમાં અજવાળું પ્રવેશ કરી શકતું નહોતું. સાઠેક વર્ષ પૂર્વેનાં એ પરલોકગત દાદીમાના ભરયૌવન સતીત્વની બાકી રહેલી પ્રતિભાથી હજુ પણ જાણે સૂર્ય ત્યાં પેસતાં ગભરાતો હતો. આવું મકાન નિશાળને માટે ન ચાલી શકે; પરંતુ પ્રોપ્રાયટર પોતે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચૅરમૅન હોવાને કારણે એવું નક્કી કરાવી શક્યા હતા કે પ્રાચીન સ્થાપત્યકલાના અવશેષ સમી આ ઇમારતને ખંડિત ન કરતાં વિદ્યાર્થીઓને કલાના એ જીવતા નમૂનાનો લાભ આપવો, ને એમ કરવા જતાં અજવાળાની ત્રુટી જણાય તો ઇલેક્ટ્રિક લાઇટ સાંજનો એકાદ કલાક બાળવામાં વાંધો નથી.

મ્યુનિસિપાલિટીના પ્રમુખે આ વાતને બહાલી આપી હતી, કેમ કે એમના કારખાનાનું મકાન પણ શહેરી વસવાટના લત્તામાં આવી ગયેલું હતું ને ફેરવવાના પ્રસ્તાવને તોડી પડાવવામાં હાઇસ્કૂલના પ્રોપ્રાયટરે તનતોડ મહેનત લીધેલી – એટલે સુધી કે ખુદ એ લત્તાનાં જ રહીશોએ હાજર થઈ કમિશનરની સામે જુબાની આપી હતી કે કારખાનાના થડકારથી અમારાં ઘરોને કશી જ જફા લાગવાની નથી, ઊલટાનું કારખાનું નજીક હોવાથી ત્યાંની આખી રાત બળતી પેટ્રોમેક્સ બત્તીનો પ્રકાશ અમારી ઓસરીઓને અજવાળે છે તથા કારખાનાનાં પઠાણ ચોકીદારો તેમ જ શિકારી કૂતરાઓ પોતાના સારી રાતના ખોંખારાથી તથા ‘ડાઉ ડાઉ’ અવાજોથી અમને ચોરડાકુના ત્રાસમાંથી બચાવે છે.

શહેરની આવી આવી અનેક દિશાઓની એકસંપીને પ્રભાવે માસ્તર સાહેબના ધોરણ ‘ફિફ્‌થ બી’નો ખંડ ઠંડા સુંવાળા અજવાસ વડે શોભતો. ને મકાનની પ્રાચીન કારીગરીની આસપાસ એ ધીરું અજવાળું એક અદ્‌ભુતરંગી વાતાવરણ પાથરતું. માસ્તર સાહેબની ઝાંખી પડતી જતી આંખોને આ અજવાળું અનુકૂળ લાગતું ? કે પછી એ અજવાળાએ જ માસ્તર સાહેબની આંખોની જ્યોત ક્રમે ક્રમે ઠંડી પાતળી પાડી હતી ? તે કહેવું કઠિન હતું. ઉપરાંત ચશ્માંનો નંબર ચડે છે કે ઊતરે છે એ નક્કી કરવાની માથાફોડમાં માસ્તરસાહેબ નહોતા ઊતરતા. એ કરતાં તો ચશ્માં પોતાના નાકની દાંડી ઉપર ઊંચા નીચાં કરી લઈ, કોઈ એક ગવૈયો સારંગીના પડદાને જેમ બંધબેસતા કરે તેવી અદાથી માસ્તર સાહેબ પણ છેલ્લાં છ વર્ષોથી એ-નાં એ ચશ્માંને ચલાવ્યા કરતા. જ્યારે જ્યારે વાંચવા-લખવામાં અડચણ નડતી ત્યારે એ પોતાની આંખોનો જ દોષ ગણી લેતા – ઓરડાનો કે ચશ્માંનો નહિ; અને સાંજના વખતમાં વીજળીની બત્તી ચેતાવતા.

ક્લાસમાં માસ્તર સાહેબના આવવા સાથે જ તેર-તેર વર્ષના પચાસ છોકરાઓનો સમૂહ પ્રગટ ગડદાપાટુ બંધ કરીને ગુપ્ત ઠોંસાબાજીમાં સરી પડયો; અને બંધ થયેલી જીભોનું જોર બાંકડા નીચે ઊતરી જઈ પગની મસ્તીમાં ભરાયું. સહુ ડાહ્યાડમરા બની બેસી ગયા.

ઊંચી વ્યાસપીઠ પર ચડીને માસ્તર સાહેબે ટેબલ પર ચોપડીઓનો ખડકલો મૂક્યો. ટોપી ઉતારી, ને એમના રૂમાલે આંખો, નાક, મોં તથા ચશ્માં લૂછ્યાં. અને ગામડાનો પશુપાલક માલિક જેમ ઘેર આવીને તુરત જ કારણ હોવા-ન હોવા છતાં ગમાણમાં કે કોઢમાં આંટો મારી આવે તેવી મમતાથી માસ્તર સાહેબે મોટા બ્લેકબૉર્ડ પર જઈ નજર કરી.

છોકરાઓમાં ખીખિયાટા ચાલ્યા. માસ્તર સાહેબે ચશ્માં જરા દૂર રાખીને નિહાળ્યું. કોઈએ ગધેડો ચીતર્યો હતો. શરીર ગધેડાનું, મોં માસ્તર સાહેબનું.

માસ્તર સાહેબે ઉગ્ર બની ક્લાસની સામે નજર કરી. ક્લાસના 49 છોકરાઓએ ક્લાસને છેડે છેલ્લી પાટલી પર બેઠેલા એક છોકરા તરફ નજર નાખી. એ છેલ્લા બેઠેલા છોકરાના મોં પર વિનય, શાંતિ ને ડહાપણ તરવરતાં હતાં.

“વેલ, વેલ, વેલ, છોકરાઓ !” કહીને લાચાર હાસ્ય કરતા માસ્તર સાહેબે ધીરે ધીરે ધીરે પાટિયા પરનો ગધેડો ભૂંસી નાખ્યો. પછી પોતે ખુરસી પર બેસવા ગયા. પૂરું બેઠા-ન બેઠા ત્યાં તો સિસકારો કરીને ખડા થઈ ગયા. ચશ્માંને આઘાંપાછાં કરીને ખુરસી પર ઝીણી દૃષ્ટિ ફેરવી, ખુરસીની ગાદી પરથી એક ટાંકણી ખેંચી કાઢીને મહાન શોધ કરી હોય તેવે ચહેરે ટાંકણી વિદ્યાર્થીઓ સન્મુખ ધરી.

ફરી વાર 49 છોકરાઓએ છેલ્લી બેન્ચ પર તીરછી નજર કરી. ત્યાં બેઠેલા બાળકના મોં પર કોઈ અજબ ભોળપ, નરમાશ અને વિનય નીતરતાં હતાં.

“વેલ, વેલ, વેલ, છોકરાઓ !” માસ્તર સાહેબે ટાંકણી ટેબલ પર મૂકીને કોઈ મોટું કાવતરું પકડી પાડનાર સરકારી સી. આઈ. ડી.ના જેવો તોર મોં પર ધારણ કર્યો. પણ હાલ તુરત પોતે એ વાતને જાણીબૂજીને દબાવી રાખવા ઇચ્છે છે એવું બતાવીને એમણે વર્ગનું કાર્ય ચાલુ કર્યું.

“વિદ્યાર્થીઓ ! આજે તો આપણે કેમિસ્ટ્રી બંધ રાખશું. તેને બદલે આ દીવાલો ઉપર જે નીતિ-સૂત્રો લખ્યાં છે તેનો વિચાર કરીએ.”

એમ કહીને માસ્તર સાહેબે પોતાની નેતરની સોટી ઉપાડી સોટીને હાથમાં લેતી વખતે પોતે સમશેર વીંઝતા ઘોડેસવાર શિવાજીના ચિત્રમાં જે ગૌરવ રહેલું છે તે ગૌરવનો અનુભવ કરતા હતા. સોટાના છેડા વતી ક્લાસની ભીંતો ઉપર લટકતી તખ્તીઓ એમણે બતાવવા માંડી (શાળાના ધર્મપ્રેમી પ્રોપ્રાયટરે દરેક વર્ગમાં આ સૂત્રશણગાર કરેલો હતો) :


सत्यमेव जयते

“વિદ્યાર્થીઓ ! સંસારમાં પ્રવેશ કરો ત્યારે આ સૂત્ર વીસરશો નહિ. શું લખ્યું છે ? सत्यमेवૐ…”

‘‘जयते” આખો વર્ગ ગાજી ઊઠ્યો.

“શાબાશ ! એનો શો અર્થ ? શો અર્થ ? શો અર્થ ?…” માસ્તર સાહેબની સોટી એક પછી એક વિદ્યાર્થી તરફ તાકવા માંડી. એટલામાં –

“મીં…યાં…ઉ…ઉ !” – એવો એક બિલ્લીસ્વર ઊઠયો, માસ્તર સાહેબ ચમક્યા. વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. પાછલી બેન્ચ પરનો ગરવો છોકરો હજુ પણ એવો ને એવો સૌમ્ય બની બેસી રહ્યો હતો.


“વેલ, વેલ, વેલ !” માસ્તર સાહેબે આગળ ચલાવ્યું : “ભાઈઓ , જગતમાં સત્ય જ સદા જીતે છે. કોણ જીતે છે ? કોણ ? કોણ ? સ… !”

“…ત્ય !” સામટો અવાજ થયો.

“નહિ, ચાલાકી.” એક અવાજ જુદો પડ્યો.

“એકલી ચાલાકી ન જીતે, કદી ન જીતે.” માસ્તર સાહેબે એ પરિચિત અવાજ કરનારને જવાબ દીધો. છેલ્લી બેન્ચ પરનો ડાહ્યો ડમરો બેઠેલો એ છોકરો હતો.

“મી…યાં…ઉ !” પુનઃ કોઈએ બિલ્લી બોલાવી. ક્લાસ સ્તબ્ધ બન્યો. સહુએ પછવાડે જોયું.

“વેલ, વેલ, વેલ !” માસ્તર સાહેબે બીજું સૂત્ર વાંચ્યું : “ઇન ધિસ વર્લ્ડ, વર્‌ચ્યુ ઇઝ ઑલ્વેઇઝ રિવૉર્ડેડ ઍન્ડ વાઇસ પનિશ્ડ.” (આ જગતમાં સદ્‌ગુણીને હંમેશાં લાભ મળે છે, દુર્ગુણીને દંડ પડે છે.)

“શું સમજ્યા ? વાઈસ ઇઝ, વાઇસ ઇઝ પનિ…”

“પનિશ્ડ.” સામટો શ્રદ્ધાભર્યો ઘોષ ઊઠ્યો.

“હાં, શાબાશ ! શાબાશ ! તમે મિસ્તર.” છેલ્લી બેન્ચવાળા વિનીત દેખાતા છોકરા તરફ માસ્તર સાહેબે નેતર ચીંધી : “તમે કહો જોઉં કેવી રીતે સદ્‌ગુણી મનુષ્ય લાભ પામે છે ને દુર્ગુણીને દંડ મળે છે ?”

“લાભ તો, સાહેબ, પૈસાથી મળે છે !” છોકરાએ નવું સત્ય કહ્યું.

“નહિ નહિ !”

“ઘણા પૈસાવાળા દુર્ગણી હોય છે, સાહેબ ! છતાં એ મજા કરે છે.”

“નહિ, નહિ, નહિ, મિસ્તર !” માસ્તર સાહેબે જુસ્સાભેર વિરોધ ચલાવ્યો : “એને પૈસા હશે, પણ સુખ નહિ હોય, હી વિલ ઑલ્લેઇઝ બી ટ્રબલ્ડ બાઇ હિઝ ઓન કોન - કોન – શું ? કહો તો કોઈ, કોન-”

“કૉન્સ્ટિપેશન, સાહેબ !” એ છેલ્લી બેન્ચના છોકરાએ જવાબ દીધો. (“કૉન્ટિપેશન” એટલે બદહજમી.)

આખો ક્લાસ હસી પડ્યો. માસ્તર સાહેબ બાપડા હાસ્ય અને રોષની વચ્ચે લટકી પડ્યા.


“છત – છત - છત – જૂઠું !” બીજાઓ પ્રત્યે નેતર ચીંધી : “મેં કેટલી વાર ગોખાવ્યું તોપણ ભૂલી ગયા ? કહો જોઉં, કોન… ?”

“કોન્શિયન્સ !” સામટો ઘોષ ઊઠ્યો.

“હા, હી વિલ બી ટ્રબલ્ડ બાઇ હિઝ ઓન કોન્શિયન્સ (એને એનો પોતાનો અંતરાત્મા જ ડંખ્યા કરશે), એને સુખ હોય જ નહિ.”

ત્યાં તો “મીં…યાં…ઉ !’ બિલ્લીસૂર બોલ્યા. આ વખતે એ સૂરથી ચમક્યા વગર માસ્તર સાહેબ ક્લાસમાં ઊતર્યા; ચાલ્યા. સહુને સમજાવવા લાગ્યા : “સદ્‌ગુણી મનુષ્યને હંમેશાં જગત લાભ આપે છે. સમજ્યા ? સમજ્યા ? શું સમજ્યા ?”

- અને ફરીવાર જ્યારે ‘મીંયાંઉ’ સ્વર નીકળ્યો ત્યારે માસ્તર સાહેબ છેલ્લી બેન્ચ સુધી પહોંચી ગયા હતા.

તુરત એમણે જોયું કે એ સૌમ્ય દેખાતા છોકરાનો એક હાથ દફતરની પેટીની અંદર હતો. હાથ એ સેરવી લે તે પહેલાં તો માસ્તર સાહેબે દફતર ખોલ્યું. અંદરથી દબાવવાનું રમકડું નીકળ્યું. ‘મીંયાઉં’ સ્વર એ રમકડું કરતું હતું.

“અહં, આંહીં આવો, મિસ્તર મીંયાઉં !” માસ્તર સાહેબે એ છોકરાને ખુરસી પાસે લીધો. એનું રજિસ્ટર તપાસ્યું. “તમે પૈસાદારના છોકરા છો, ખરું ? દુર્ગુણીને દંડ નથી મળતો એમ માનો છો, ખરું ? શ્રીમંતને ‘કોન્શિયન્સ’ (અંતરાત્મા)ની નહિ પણ ‘કૉન્સ્ટિપેશન’ (બદહજમી)ની મુશ્કેલી હોય છે, ખરું ? તમને હું આજના આખા દા’ડાની ચોકડી ચોકડી ચોકડી જ આપું છું. જાઓ !”

પોતાનું જ કથન સાચું છે, ને એનો પરચો તત્કાલ જ માસ્તર સાહેબને મળવાનો છે, એવી મૂક શ્રદ્ધાથી મોં મલકાવતો એ છોકરો પાછો છેલ્લી બેન્ચ પર બેસી ગયો; અને માસ્તર સાહેબે દીવાલ પરની ત્રીજી તખ્તી તરફ નેતર નોંધી, મોટે અવાજે વાંચ્યું :


स्वधर्मे निधन श्रेयः

એટલે કે દાખલા તરીકે હું શિક્ષક છું, તો મારો ધર્મ ગરીબી વેઠીને પણ નિશાળ ભણાવવાનો છે. નિશાળના પ્રોપ્રાયટર બનવાનો નહિ છે ? स्वधर्मे…”

વાક્ય પૂરું થતાં પહેલાં જ પટાવાળાએ આવી ખબર આપ્યા કે પ્રોપ્રાયટર સાહેબ બોલાવે છે.

“કહો કે ક્લાસ લઈને પછી આવું છું.”

“હમણાં ને હમણાં તાકીદે બોલાવે છે. કહ્યું છે કે જે કામ કરતા હોય તે પડતું મૂકીને એકદમ આવી જાય.”

કદાચ કંઈક સારા સમાચાર હશે એવી કલ્પનાથી માસ્તર સાહેબનું મોં મલક્યું. મેલો ડગલો અને ગલપટો તેમણે સરખા કર્યા. બહાર નીકળતાં નીકળતાં કહ્યું : “છોકરાઓ ! હું પાછો આવું ત્યાં સુધીમાં આ બીજાં સુવર્ણવચનોને વિચારી રાખશો.”

“સાહેબજી !” માસ્તર સાહેબે જઈને પ્રોપ્રાયટરને નમન કર્યાં.

પ્રોપ્રાયટરની રાતીચોળ આંખોએ મૂંગા રુઆબથી યાદ દેવરાવ્યું કે ઑફિસમાં બીજું પણ એક સન્માનિત માનવી બેઠેલું છે.

માસ્તર સાહેબે બાજુમાં દૃષ્ટિ કરી. “ઓહ, જેજે ! જેજે ! ક્ષમા કરશો, મને ખ્યાલ નહોતો.” એવા શબ્દો સાથે ત્યાં બેઠેલ એક સન્નારીની એમણે અદબ કરી.

ભવાં ચડાવીને સન્નારીએ ડોકું હલાવ્યું.

પ્રોપ્રાયટરે પૂછ્યું : “આમ જુઓ, માસ્તર ! આ બાનુના પુત્ર, …નામના, તમારા ક્લાસમાં ભણે છે ?”

“જી હા,” માસ્તરે જવાબ દીધો. એ વિદ્યાર્થીનાં પરાક્રમોનું સ્મરણ હજુ તાજું જ હતું. ટાંકણી હજુ ખટકતી મટી નહોતી.

“આ એનું અભ્યાસપત્રક : તમે જ એમાં માર્ક પૂરો છો ?”

“જી હા.”

“બધા જ વિષયમાં શું એને શૂન્ય મળેલ છે ?”

“જી હા, પણ –”

“પણ-બણ કંઈ નહિ. માસ્તર ! સીધો જવાબ આપો. જેના લોહીમાં ત્રણ પેઢીની ખાનદાની વહે છે, તે છોકરાની અક્કલ શું, એટલી બધી બૂઠી, છે કે હંમેશાં શૂન્ય માર્ક ?”

“ને જાણીબૂજીને એનું અપમાન કરવા માટે હરરોજ એની બેઠક છેલ્લી બેન્ચ પર રખાવે છે !” બાનુએ ઉમેર્યું.

માસ્તર સાહેબનું મોં પ્રોપ્રાયટર અને સન્નારી બેઉની વચ્ચે ચાવી દીધેલ પૂતળાની પેઠે ફરવા લાગ્યું.

“મારો છોકરો ત્રણ દિવસથી આખી રાત રડે છે, ઊંઘમાં ઝબકી, જાય છે.” સન્નારી રડવા જેવાં થઈ ગયાં.

“પણ–પણ–બાઈસાહેબ -”

“તમે મારી સ્કૂલને તાળાં દેવરાવવા માગો છો શું, મારત૨ ?” પ્રોપ્રાયટરે માસ્તર સાહેબનું વાક્ય જાણે જીભથી નહિ પણ છૂરીથી કાપી, નાખ્યું : “તમે આ કોના પુત્રની કારકિર્દી ખરાબ કરી રહ્યા છો, ખબર છે ? સરકારમાં એ પુત્રના પિતાજીની લાગવગ કેટલી છે એ તમે જાણો છો ?”

“ને બસ શું આટલા બધા નિશાળિયામાં એક મારો છોકરો જ અક્કલ વગરનો નીકળ્યો ? તમે અમારી પૈસાદારોની વિરુદ્ધ છૂપું ઝે૨ પ્રસરાવી રહ્યા છો એ શું હું નથી જાણતી ?”

“પણ, બાઈ સાહેબ !” માસ્તરની જીભના લોચા વળવા લાગ્યા : “હું એમ નથી કહેતો – હું એમ માનતો પણ નથી કે આપના ચિરંજીવી, બુદ્ધિહીન છે. સંભવ છે કે એનું લક્ષ્ય વધુ મહત્ત્વના વિષયોમાં રોકાઈ રહેતું હશે. એને કદાચ ક્લાસના સામાન્ય પાઠોમાં રસ નહિ હોય. આમ તો એ બહુ જ તેજસ્વી ને ડાહ્યા છે. ઉપરાંત હું તો પૈસાદાર વર્ગ પ્રત્યે પૂરેપૂરી દિલસોજી ધરાવ…”

“બહુ થયું, બહુ થયું હવે, માસ્તર !” પ્રોપ્રાયટરે માસ્તરની ધૃષ્ટતાને ડાંભી : “જાઓ, તમારી નોકરીની હવે અમારે જરુર નથી. તમારી ચીજવસ્તુઓ લઈને હમણા જ નીકળી જાઓ.”

“માડી રે ! કેટલી કિન્નાખોરી !” બાનુએ છેલ્લો ઘા કરી લીધો.

માસ્તર સાહેબ ધીરે પગલે વર્ગમાં ગયા. ધીંગામસ્તી કરતા છોકરાઓ ચૂપ થયા. માસ્તર સાહેબે ચશ્માં, ચોપડીઓ, ગલપટો વગેરે એકઠાં કરતાં કરતાં કહ્યું : “વિદ્યાર્થી ભાઈઓ ! આવતી કાલનાં લેસન સાંભળી લ્યો : આવતી કાલે તમે બધા આજે શીખવેલાં સૂત્રો પર વિચાર કરી લાવજો ને હવે અત્યારે તમને બધાને હું રમતગમતની છુટ્ટી આપું છું. મારી તબિયત ઠીક નથી.”

કિકિયારીઓ કરતા તમામ નિશાળિયા બે જ મિનિટમાં વર્ગ છોડી ચાલ્યા ગયા. ને માસ્તર સાહેબ સ્કૂલની સોટી ઊંચે કબાટ પર મૂકીને ઊંચી વ્યાસપીઠ પરથી નીચે ઊતર્યા. ખાલી ખંડની એણે છેલ્લી વિદાય લીધી. એમનો નિઃશ્વાસ ઓરડામાં જાણે કે પછડાયો.

બારણાની બહાર નીકળતાં એને કશુંક યાદ આવ્યું. એ પાછા વળ્યા. ઓરડાની વીજળી-બત્તી બળતી રહી ગઈ હતી. તેની ચાંપ દાબીને દીવો ઓલવ્યો.


[2]

માસ્તર સાહેબ “ફક્કડે ફક્કડ” જ હતા. એમનું વેવિશાળ થવું શાથી રહી ગયેલું તેની આપણને કશી ખબર નથી. પણ ઘણાં માણસો રેલવે સ્ટેશન પર પહોંચતા જ ગાડી ચૂકી જાય છે તેવી રીતે માસ્તર સાહેબનું સગપણ પણ થતાં થતાં જ રહી ગયેલું. ને પછી તો લગ્નની બાબતમાં પોતે પુરુષાર્થ કરતાં તકદીરની વાતને વિશેષ માનતા હોવાથી એવી જ રાહ જોતા બેઠા રહ્યા કે જીવનમાં કંઈક નવાજૂની આપોઆપ થશે; પોતાની જાણે જ કોઈ જીવનપાત્ર જીવનમાં ખેંચાઈ આવશે; કશોક એવો અવસર એની મેળે જ ઊભો થશે.

ન્યાતમાં કન્યાઓ તો ઘણી હતી. ને ઘણાંખરાં માબાપ પોતાની અભણ છોકરીઓને સારુ પણ ગ્રેજ્યુએટોને જ શોધવા નીકળતા. એટલે માસ્તર સાહેબને રહી જવું ન પડત; પરંતુ એમની શરમાળ પ્રકૃતિનો લોકોએ એવો અર્થ કર્યો કે માસ્તર સાહેબ વિદ્યાને જ વરેલા છે, ને એ પ્રિય પત્ની ઉપર કોઈ શોક્ય લાવવાની એમને ઇચ્છા જ નથી. લોકોની આવી માન્યતામાં પોતાની શોભા સમજીને માસ્તર સાહેબ ચૂપ રહ્યા.


આ રીતે માસ્તર સાહેબ રહી ગયા તે રહી જ ગયા. દરમ્યાન તો કન્યાઓને વરની પસંદગી કરવાના અધિકારો મળ્યાનો નવો યુગ જ બેસી ગયો. ને એ નવા અધિકારથી વિભૂષિત પ્રત્યેક કન્યા – રૂપાળી કે કદરૂપી, કાળી કે ગોરી – રૂપાળા વરને જ પોતાનો અધિકાર માનતી થઈ ગઈ. તેથી માસ્તર સાહેબને ઘણો અન્યાય મળ્યો. એમની ચચ્ચાર દિવસની હજામત તેમ જ ત્રણ જાતનાં બટનોની નીચે છુપાયેલું તેમનું રૂપ કોઈ કન્યાએ કબૂલ રાખ્યું નહિ.

આવા બધા અન્યાયોને છાતી પર ચાંપી માસ્તર સાહેબ બે દિવસ ઘરમાં જ પડ્યા રહ્યા. પોતાની કશીક કસૂર થતી હોવી જોઈએ, નહિતર આમ કેમ બને ? – એ વિચારસરણી ચાલતી હતી. પોતાની ભૂલ પોતે પકડી શકતા નહોતા.

એવામાં એમના પર ટપાલમાં એક પત્ર આવ્યો. શહેરના દૂર દૂરના લત્તામાં રહેતાં કોઈ સન્નારી એમને મળવા તેડાવતાં હતાં. પત્રમાં ચોખવટ થયેલી હતી કે તમે હાઈસ્કૂલમાંથી છુટ્ટા થયા છો એટલે તમારી નોકરી સંબંધમાં જ મળવું છે. આ સ્ફોટ ન થયો હોત તો માસ્તર સાહેબ એક સ્ત્રીજનને મળવા જવાની હામ ન ભીડત. કોણ જાણે શાથી પણ પોતાના સૌન્દર્યનો આવો કશોક ખ્યાલ, જુના જમાનાના વહેમની માફક, એમના મનમાં રહી ગયો હતો. ઘરનો અરીસો ઘણીક વાર ઘણાને માટે આવો છેતરામણો થઈ પડે છે. કેમ કે કાચની પણ સાચી અને ભ્રામક એવી જુદી જુદી જાતો હોય છે.

ખરી વાત તો એ હતી કે માસ્તર સાહેબ સ્ત્રીઓથી ભડકી ઊઠતા. એમનું આ ભડકવું ઊંટથી ભેંસના ભડકવા જેવું, કૂતરાથી બિલાડીના ભડકવા જેવું અને ચંપાના ફૂલથી ભમરાના ભડકવા જેવું તદ્દન નિષ્કારણ કિંવા સ્વાભાવિક હતું. વ્યવહારનાં માનવીઓ આવા માણસને ‘મીઠા વગરનો’ કહી નકામી બદબોઈ કરે છે.


[3]

બંગલાના દીવાનખાનામાં બે જણ બેઠાં હતાં : એક પચીસ-ત્રીસ વર્ષની ભરજોબન સ્ત્રી અને બીજો પિસ્તાલીસ-પચાસ વર્ષનો પુખ્ત બાંધાનો, ઘણા પ્રયત્નો છતાં પણ વૃદ્ધ બનતો જતો પુરુષ, બેઉની વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો :

“જેવો બેવકૂફ છે તેવો જ પાછો વિદ્વાન છે.”

“એની બેવકૂફી તેમ જ વિદ્વત્તા બન્નેનો લાભ લઈ શકાય તેમ છે.”

“માની જાય તો તો એના નામનો ઢોલ પિટાવીએ.”

“હા, એ તો. લોકોને તો ‘પ્રોફેસર સાહેબ …નું કોલન વૉટર’ એટલું નામ જોરશોરથી ગોખાવી શકાય છે.”

“એ તો બધું મને આવડે છે. પોતાના નામની પ્રસિદ્ધિ નગરની દીવાલે દીવાલે દેખીને મૂરખો ખૂબ ફુલાય તેવો છે.”

“ને અત્યારે કોલન વૉટર દારૂને બદલે પીણું થઈ પડ્યું છે. માટે સમય ગુમાવવા જેવું નથી.”

“અરે, એક વાર નામ ચાલુ થાય પછી તો માલ કેમ તૈયાર કરવો એ બધું મને આવડે છે. એક નામની લેબોરેટરી એ બેવકૂફને કરી આપશું ને હરીફ કોલન વૉટરની શીશીઓ ખરીદી ખરીદી લેબલો ફેરવી માંડશું વેચવા. અત્યારે રાહ જોઈ બેસાય તેવું નથી.”

“કેમ ?”

“દરિયાકાંઠાના ખારવા, ડુંગરના ભીલો, ગામડાના કોળીઓ વગેરે કૉલન વૉટરનું ભડકિયું કરી કરી ખૂબ પીતા થયા છે.”

“તો તો સરસ.”

“મોટા પાયા પર કામ ઉપાડ્યું છે. એક-બે મુખ્ય સરકારી અમલદારો પણ શામિલ બને છે. ઘણી સગવડો મળશે.”

“તમે તો…”

“હ-હ-હ,” હસીને પુરુષે સિગારેટની રાખ ખંખેરી : “આ વર્ષે હું તમને નવી - બ્રેન્ડ ન્યૂ - કાર અપાવ્યા વિના રહેવાનો નથી.”

આટલી વાત થઈ ત્યાં માસ્તર સાહેબ મળવા આવી પહોંચ્યા.

“જે જે !” કહીને ઊભા રહ્યા.


“બેસો, પ્રોફેસર સાહેબ !” બાઈએ ખુશી બતાવી,

માસ્તર સાહેબને ‘પ્રોફેસર’ શબ્દ મીઠો લાગ્યો; જગતમાં એકાદ સ્થળે કદરદાની પડી છે એવું ભાસ્યું.

“કેમ છો, પ્રોફેસર સાહેબ ?” ગૃહસ્થે હાથ લંબાવ્યો. : “ઓળખો છો ?”

“ઓહો, સાહેબજી !” કહી મારતર સાહેબે ચશ્માં આઘાંપાછાં કર્યા. ઓળખાણ પડી. હૈયામાં ફાળ પણ પડી, જે વિદ્યાર્થીને ખાતર પોતાને બરતરફ થવું પડ્યું એના ખુદના જ આ પિતાજી હતા.

“બેસો, પ્રોફેસર સાહેબ !”

“જી, હું તો સામાન્ય માસ્તર છું.”

“ફિકર નહિ. હું તમારી હાંસી નથી કરતો. હું તમને બતાવી આપીશ કે યુનિવર્સિટીને પોતાનો ‘ફેમિલી ઍફેર’ કરીને બેસી જનારા સાલા પેલા મેમ્બરો તમારી કદર ન કરે તો પછી તમારી કદર કરનારો પ્રજાવર્ગ પડ્યો છે કે નહિ ? પરંતુ એ વાત પર આવતાં પહેલાં હું તમારી ક્ષમા માગું છું. તમને ખબર નહિ હોય કદાચ, કે તમારે મારા જ છોકરાને ખાતર બરતરફ થવું પડ્યું છે. પણ હું શું કરું, પ્રોફેસર ? મારાં પત્નીની હઠીલાઈ પાસે મારું કશું ચાલ્યું નહિ.”

“કંઈ નહિ, સાહેબ !” માસ્તર સાહેબને ઊલટાની લજ્જા આવી : “મારી દાનત સાફ હશે તો ઈશ્વર મને ભૂખ્યો નહિ સુવાડે.”

“હવે શું કરવા માગો છો !”

“ટ્યૂશનો આપીશ, બીજું તો શું કરું ?”

“કેટલુંક મળશે ?”

“મહિને પોણોસો-સો તો મળી જ રહેશે ને, સાહેબ ?”

“સાંભળો, પ્રોફેસર સાહેબ ! તમને હું પાંચસોની નિમણૂક અત્યારે જ લખી આપું તો ?”

“વાર્ષિક ?”

“ના, માસિક, છો તૈયાર ?”


“સાહેબ !” માસ્તર ઊભા થઈ ગયા : “આપ મને ધર્માદો કરવા, માગો છે ? હું લાંઘણો ખેંચીશ. પણ હરામના પૈસા નહિ રવીકારું. સ્વમાન મને પણ વહાલું છે, સાહેબ.”

“સાંભળો સાંભળો, પ્રોફેસર ! હું તમને સખાવત કરવા નથી માગતો. તમારા રૂ. 500ની સામે મારે પણ સારી કમાણી થાય તેમ છે. મારી કોલન વૉટરની ફેક્ટરી પર તમારી નિમણૂક કરવા માગું છું. તમે છોકરાં ભણાવીને શું ઉકાળશો ? પ્રેક્ટિકલ કામ કરી વિદ્યાને દેશની સમૃદ્ધિ માટે વાપરો, પ્રોફેસર ! તમે તમારી કિંમત ન સમજી શકો, પણ અમે વેપારીઓ સમજીએ છીએ.”

આખી યોજનાનો સ્ફોટ થઈ ગયો. માસ્તર સાહેબ એક કહેવાતી રસશાળાના અધિષ્ઠાતા બન્યા. નિમણૂકનો પત્ર ત્યાં ને ત્યાં લખી આપવામાં આવ્યો.

“ને પ્રોફેસર સાહેબ !” ધનપતિએ ઉમેર્યું, “રસશાળાના કાર્યમાં આ બહેન તમારાં મદદનીશ રહેશે. એ પણ સાયન્સનાં ગ્રેજ્યુએટ છે.”

“ઓહો, બહુ જ સારું. ઘણી જ સરસ વાત.” હર્ષ પામતાં માસ્તર સાહેબ એ બેઉને નમન કરી પાછા વળ્યા. એમણે સમજી લીધું કે એ બહેન પેલા ધનપતિનાં પુત્રી અથવા ભાણેજ કે ભત્રીજી હોવાં જોઈએ.


[4]

શહેરની દીવાલે દીવાલ ‘પ્રો …’નું નામ પોકારતી થઈ ગઈ. ભીંતો પર, થાંભલાઓ પર, આગગાડી અને ટ્રામ-બસગાડીઓના ડબ્બાઓમાં, નાટકો ને સિનેમાના પડદા ઉપર, નવનવે રંગે, નવનવે રૂપે, વિવિધ કુનેહથી, ચક્કર ફરતી કે ઓલવાતી-ઝબૂકતી દીપક-વાણીમાં વાતો કરતી, એક સુંદર જાહેરાત લોકોની આંખોમાં જાદુ આંજતી વ્યાપી રહી હતી : ‘પ્રોo …નું કોલન વૉટર : પ્રોo… નાં આસવો, શરબતો, ઈસેન્સ…’

અને એ બધી જાહેરાતોમાં મહા તત્ત્વવેત્તા સમા શોભતા પ્રોફેસર સાહેબ ઊભા હતા - કોઈ તાવમાં તરફડતી સુંદરીના લલાટ પર કોલન વૉટરનાં પોતાં મૂકતા, કોઈ માયકાંગલા બાળને શીશી પાઈ તત્ક્ષણે જ હૃષ્ટપુષ્ટ બનાવી નાખતા, કોઈ ગ્રીષ્મના તાપે ગભરાતા શ્રીમંતને શરબતનું પ્યાલું દેતા, કોઈ દુર્બલ દમલેલને પોતાનો આસવ પાઈ ટટ્ટાર બનાવતા, અજોડ ઇલમી, રસાયનના જાણભેદુ પ્રકૃતિના પરમતત્ત્વને પારખનારા અદ્વિતીય જ્ઞાની પ્રો …! ઈશ્વરથી બીજે દરજ્જે જગતમાં સર્વવ્યાપક બની એ ઊભા હતા. બાર મહિના પૂર્વેના એક અંધારી હાઇસ્કૂલના ‘ફિફ્‌થ બી’ ક્લાસનાં સૂત્રો ગોખતા માસ્તર સાહેબને આવા એક તારણહારની કક્ષાએ મૂકનારી એ જાહેરખબરો હતી. વિશ્વનાં સત્યાસત્યના અવિચલ ગણાઈ ગયેલા નિયમોને ઉથલાવી શૂન્યમાંથી મેરુ સર્જનાર ને દિવસમાંથી રાત્રિ ઊભી કરનાર એક નવી જગશક્તિ જાગી ઊઠી છે આ લોકમાં ને તે છે પ્રસિદ્ધિ. જગતનો નિયંતા પણ એની કને પરાજિત બની ઊભો છે. ધરતી પર રોજ રોજ કંઈક દટ્ટણ પટ્ટણ કરતી, પ્રકમ્પો જગવતી, લીલાઓ રમતી, ઇંદ્રજાળો રચતી, વિશ્વમોહિની શક્તિ છે પ્રસિદ્ધિ. છાપવાનાં યંત્રો છે એનાં દળકટક. મુદ્રણકલાના હજારો નાનામોટા નવેશો છે એ નર્તકીના ઉસ્તાદો. અસત્ય છે એનું ગાન. એ વિશ્વમોહિનીએ આજના જગતને કામરુદેશ કરી મૂકેલ છે.

પ્રોo… ને એણે જીવન-સાફ્લ્યનો કેવો મીઠો કેફ કરાવ્યો ! હવે તો હંમેશાંને માટે હજામત ભૂલી જઈ, બીજી તમામ ઇચ્છાઓ આકાંક્ષાઓથી પરવારી પ્રોફેસર પોતાની રસશાળામાં જ તલ્લીન બન્યા. નવાં નવાં મિશ્રણોના પ્રયોગો કરતા એ કાચના નાનામોટા સરંજામને પોતાનું નાનું એવું કુટુંબ કલ્પીને દિવસ-રાત વિતાવવા લાગ્યા. પ્રસિદ્ધિ એની દાસી બનીને ગલીએ ગલીએ એને લોકોના લાડીલા કરી રહી છે એ વાતમાં એણે પોતાની કૃતાર્થતા માની. ધનપતિ માલેકો ખુદ એમનાં નામોને અંધારામાં રાખી મારું એકલાનું જ આવું ભપકાદાર કીર્તિમંદિર ચણી રહેલ છે, એ વિચારથી પ્રોફેસર લગભગ ગદ્‌ગદિત બની જતા હતા. જાહેરખબરોનાં ચિત્રમય પતાકડાં દેખી દેખી એમને તો ખાતરી જ થઈ ગઈ હતી, કે સાચેસાચ પોતે અસંખ્ય દુઃખપીડિત સ્ત્રી-પુરુષોને તેમ જ બાળકોને આ દવાઓથી નવજીવન બક્ષી રહ્યા છે. આ વેળા એમને હાઇસ્કૂલના ‘ફિફ્‌થ બી’ ક્લાસનાં દીવાલ-વચનો યાદ આવતાં, ને પોતે મનમાં મનમાં બોલતાં કે ખરું છે ! - गुणा: पूजास्थानं गुणीषु… विद़्वान सर्वत्र पूज्यते વગેરે વગેરે. પોતાના કદરદાન માલિક જ્યારે જ્યારે નામાંકિત નગરજનોને રસશાળા જોવા લઈ આવતા ત્યારે ત્યારે પ્રોફેસર હર્ષઘેલડા બની જઈ, દોડાદોડ કરી મૂકી, યંત્રો દ્વારા એ નગરજનોને બતાવી આપતા કે “જુઓ સાહેબ ! આપણો આસવ. જુઓ, અંદર એક પણ જંતુ ન મળે; એક પણ અશુદ્ધ પરમાણું ન મળે, ને હવે જુઓ અમારા હરીફોની બનાવટ, જુઓ. આમાં કેટલાં જંતુઓ ખદબદે છે : કેટલા રોગોના ભોગ આના પીનારાઓ થતા હશે એની કલ્પના કરો. સાહેબ !”

આમ જંતુ વગરના આસવોની અને ઔષધોની જાહેરાતે દેશની અનેક જીવદયાપાલક લોકવર્ગોને આ દવાઓ પ્રત્યે ખેંચી લીધા. પ્રોફેસરને પણ લોકસ્વાથ્યની કાળજી રાખવાનો ઊંડો આત્મસંતોષ થયો.

માત્ર એમને એટલી જ ખબર નહોતી પડતી કે લોકોની હજારોને હિસાબે ચાલી આવતી માગને પૂરી પાડવા માટે આ બધી શીશીઓ જ કારખાનામાં બની રહી છે તે કારખાનું ક્યાં છે ? કેમ કે પોતાને તો ફક્ત રસાયનો બનાવી ‘ફોર્મ્યુલા’ જ નક્કી કરી દેવાનું કામ સોંપાયું હતું.


[5]

લોકકલ્યાણની વાતો કરતાં ત્રણેય જણાં બેઠાં હતાં : ધનપતિ માલિક, એમનાં પેલાં એક ‘બહેન’ (અથવા પ્રોફેસરના અનુમાન પ્રમાણે ભાણેજ કે ભત્રીજી) અને પ્રોફેસર સાહેબ.

બેઠકનું સ્થળ હતું શહેરના દૂર ભાગનું એક રેસ્ટોરાં. આ સ્થાનમાં ધનપતિ આવે છે એવો ખ્યાલ બહુ ઓછાને જ હતો – ખાસ કરીને એમનાં પત્નીને તો નહિ જ.

ક્યાં ક્યાં બીજાં રસાયણો બનાવીએ તો લોકકલ્યાણ વધારે નિપજાવી શકાય – એ હતો વાર્તાલાપનો વિષય. ધનપતિનો અભિપ્રાય તો એવો હતો, કે પ્રજા જો કાયદેસર દારૂનું પીણું પીવે જ છે, તો પછી એને ખરાબ દારૂને બદલે સારો, ઓછો હાનિકારક ને વળી સસ્તો એવો દારૂ શા માટે ન પૂરો પાડવો ? એમાં શું પાપ છે ?

‘બહેન’ તથા પ્રોફેસર હજુ વિરોધ કરતાં હતાં, એ વિરોધને બને તેટલો પોચો પાડવા માટે ધનપતિ ઉપરાઉપરી સારી સારી વાનીઓની રકાબીઓ મગાવી રહ્યા હતા. દુનિયાના વ્યવહારકુશળ માણસ તરીકે એ જાણતા હતા કે સામાવાળાને શરમાવી-પિગળાવી નાખવા માટે ભોજનનો અવસર વધુમાં વધુ અકસીર છે ને અન્નની શરમ ઘણી વાર હજારો રૂપિયાની રુશ્વતો કરતાં વધુ કામ કરી જાય છે.

“ઓહોહો –” એકાએક ધનપતિ ખડા થઈ ગયા : “તમે અહીં ?”

સામે ઊભીને મર્મથી મોં હલાવનાર એ નવાં આવેલ સન્નારી ધનપતિનાં ખુદ પત્ની જ હતાં.

“ઠીક ભેટો થઈ ગયો. જુઓ, તમને ઓળખાણ કરાવું : આ આપણી રસશાળાના લોકવિખ્યાત પ્રોફેસર સાહેબ, ને આ એમનાં ધર્મપત્ની …”

“વારુ ! બહુ આનંદ થયો બેઉને મળીને.”

એટલું કહી ધનપતિનાં પત્નીશ્રી, પ્રોફેસર સાહેબને એક કરડી નજર વડે માપતાં, ને ‘પેલી સ્કૂલમાંથી તમને બરતરફ કરાવનાર હું જ હતી.’ એવું મૂંગું, સ્મરણ આપતાં, વિશેષ તો પ્રોફેસર સાહેબનાં ‘ધર્મપત્ની’ પ્રત્યે કાતિલ ખંજર જેવી આંખ ચમકાવતાં ત્યાંથી ચાલ્યાં ગયાં.

શેઠજી પણ પત્નીની પછવાડે ચાલ્યા. પછવાડે અહીં પ્રોફેસર તથા એમનાં ‘કામચલાઉ પત્ની’ સ્તબ્ધ બની રહ્યાં.

“આવી મશ્કરી !” માસ્તર સાહેબ હજુ આ બધી ઘટનાને મશ્કરી માનતા હતા. એમને તો ભોંઠામણનો પાર ન રહ્યો. એણે લાચારી ગાવા માંડી : “હું-હું ખરેખર દિલગીર છું. તમારી ક્ષમા માગું છું. આ મશ્કરી કરાવવામાં મારો જરાકે હાથ નહોતો.”

બાઈ ત્યાંથી ઊભી થઈ બહાર ચાલી. માસ્તર સાહેબ આ નામોશીનું નિવારણ કરવા માટે પછવાડે દોડ્યા. બાઈની સાથે પોતે પણ ગાડીમાં બેસી ગયા. ફરીથી લાચારી ગાવા લાગ્યા.

બાઈએ કહ્યું : “પ્રોફેસર ! તમે આટલા બધા ભોળા ! હજુ નથી સમજતા ?”

“શું ?”

“એણે મને તમારી પત્ની તરીકે શા માટે ઓળખાવી ?”

“મશ્કરી કરવા ?”

“નહિ. પ્રોફેસર ! હું કોણ છું, જાણો છો ?”

“તમે શેઠ સાહેબનાં બહેન – ભાણેજ – કે-”

“હું એમની સગી નથી, પ્રોફેસર ! એમની ઉપપત્ની છું.”

માસ્તર સાહેબે ઊંચી ટોચે ચડીને પાતાળ-તળિયું દેખ્યું. એણે શ્વાસ ખેંચ્યો.

“એ નીચને, નરાધમને, મને ફસાવી પોતાનું રમકડું બનાવનારને પોતાની પત્ની સમક્ષ મારું સ્વતંત્ર ઓળખાણ આપવાની હિંમત નહોતી. તેણે મને અપમાનિત કરી -” બાઈના હોઠ થરથરતા હતા.

“હું ખરેખર ક્ષમા માગું છું.”

“પ્રોફેસર ! ભલા ભોળા મનુષ્ય ! તમને હું હવે નહિ છોડું. એ અપમાન હું સાચું કરી બતાવીશ.”

“આપ એવું ન બોલો. મને પાપમાં ન નાખો. મને ક્ષમા કરો.”

માસ્તર સાહેબનું માથું ચક્કર ફરવા લાગ્યું. આ શા દાવપેચ રમાઈ રહ્યા છે ? આ શેઠના જીવનમાં શું પડ્યું છે ? હવે આ સ્ત્રીની વૈરવૃત્તિ મારો શો ઉપયોગ કરશે ? – ઝડપી વિચારચક્ર ફરવા લાગ્યું.


[6]

બીજો દિવસ : અને બીજું એક સત્ય માસ્તર સાહેબની રાહ જોતું દ્વાર ખખડાવતું હતું. રસશાળાને બારણે કારમી બૂમો પડી : “ક્યાં છે એ ચોટ્‌ટો ? ક્યાં ગયો એ પાખંડી પ્રોફેસર ? આમ આવ, બચ્ચા ! તારા હાથપગમાં બેડીઓ પહેરાવીશ – નહિ છોડું. નહિ છોડું.”

એવા બરાડા પાડતો, ન સાંભળી જાય તેવી ગાળોની તરપીટ પાડતો એક આદમી રસશાળામાં ધસી આવ્યો. એના હાથમાં મશહૂર પ્રોફેસર …ના લેબલવાળો આસવનો સીસો હતો. એણે એ સીસા વતી માસ્તર સાહેબ ઉપર હલ્લો કર્યો : “બદમાશ ! દગલબાજ | મારી દસ વર્ષોની જૂની બનાવટ ઉપર તારાં લેબલ ચોડી ચોડીને હજારો સીસાઓ વેચી, તેં નાણાં, કર્યાં ! હવે તું બતાવજે, ક્યાં છે તારી ફાર્મસી ? હું તારા પર સીધી ‘ક્રિમિનલ’ જ કરીશ, મોટા ધાડપાડું !”

માસ્તર સાહેબ હેબતાઈ મોં વકાસી રહ્યા. આ બધી શી ઇંદ્રજાળ, છે ? હું શું ચોર છું ? મારી બનાવટનો આસવ તો મેં રોજેરોજ જંતુરહિત બતાવ્યો છે, મારી ફોર્મ્યુલા તો મેં નવી શોધેલી સ્વતંત્ર છે, ને આ શું બોલાઈ રહ્યું છે ?

“આ લે, બદમાશ ! તારું કરતુક તપાસી જો !” કહેતા, એ જૂના કેમિસ્ટે માસ્તર સાહેબના હાથમાં સીસો માર્યો. સીસો લઈને મારતર સાહેબ રસશાળામાં દોડ્યા. પરીક્ષા કરીને કાચ વડે નિહાળ્યું. અંદર જીવતાં જંતુઓ જોતાં જ એ થીજી ગયા.

કૌભાંડ ! પ્રચંડ કોઈ કૌભાંડ ! સીધો મારા માટે કારાગૃહનો જ માર્ગ ! હજારો સીસાઓ હમણાં પકડાશે.

ઉઘાડે માથે અને એક ખમીસભર માસ્તર સાહેબ બહાર નીકળ્યા. સંધ્યાના અંધકારમાં એણે દોડવાનું શરૂ કર્યું. દોડી દોડીને પોતે ક્યાં જાય છે ? ગમ નથી; દોડે જ છે ફક્ત. ધરતીનો કોઈ છેડો હોય તો ત્યાં પહોંચવા દોડે છે. સંતાવાનું, પોતાના ખુદના અંતરાત્માની જ આંખોથી સંતાઈ જવાનું સ્થાન કોઈ હોય તો ત્યાં જવા દોડે છે. એને ગાંડો સમજીને જોઈ રહેનારાં લોકો જાણે એને પકડવા ઊભાં હોય એવી ભીતિભર્યા એ દોડે છે. ઝાડનાં થડો આડે લપાઈ લપાઈ એ આગળ વધે છે. પોતાની છબીવાળાં લેબલ જ્યાં જ્યાં જોયાં ત્યાં ત્યાંથી લેબલો ચીરતા ચીરતા એ દોડે છે.

સ્કૂલની નોકરીમાંથી બરતરફ થયા પછી પણ જેણે નેકીને ખાતર છેલ્લી વારની બત્તી બુઝાવવી નહોતી ચૂકી, તેવા મનુષ્યે આજ હૈયું છુંદાઈ જાય તેટલું પ્રકાંડ તર્કટ પોતાની છાતી પર ખડકાયેલું દીઠું.

દોડી દોડીને એ થાકી ગયા. રઝળીને પાછા વળ્યા. પણ કારાગૃહની કડીને બદલે એક ઊલટી જ વાત એની રાહ જોતી ઊભી હતી.


શેઠે ખબર આપ્યા : "પ્રોફેસર સાહેબ ! આપને મળવા માટે આપણી સરકાર તરફથી એક પ્રતિનિધિમંડળ આવેલું છે.”

“મને મળવા ? શા માટે ?

“માનપત્ર અર્પણ કરવા.”

"મને ! મને માનપત્ર ?" જાણે કે પોલીસ જ પકડવા આવી હતી અને પોતાની છેલ્લી મશ્કરી થઈ રહી હતી. “

"જી હા, આપની નવી રસાયન-શોધોની કદર સારુ. પ્રજાને આપે ઉત્તમ ઔષધિઓ તથા પીણાં પૂરાં પાડ્યાં છે તે સારું.”

"મેં ?”

“જી હા, આપે.”

એટલામાં તો દેશના સર્વશ્રેષ્ઠ સરકારી અધિકારીઓનું તેમ જ વિજ્ઞાનવેત્તાઓનું મંડળ આવીને હાજર થયું. તેઓએ એક માનપત્ર વાંચ્યું. માનપત્રનો કાગળ મોતીજડિત દાબડામાં મૂકીને અર્પણ કર્યો.

દિગ્મૂઢ જેવા બનેલા માસ્તર સાહેબે એ દાબડો હાથમાં લીધો. એણે આ વિશ્વનું સાચું વિરાટ સ્વરૂપ દીઠું, એની આકુલ વ્યાકુલ ચેષ્ટાઓથી વિસ્મય પામતા મહેમાનોને ધનપતિએ છાનો ખુલાસો કરી નાખ્યો કે પ્રોફેસર સાહેબને જરા પીવાની આદત છે ! સમજ્યા ને ?”

પ્રોફેસરે પ્રતિનિધિમંડળને મહામહેનતે પ્રશ્ન કર્યો :

“આપ સહુને મારા શેઠ સાહેબ.... ની જોડે શો સંબંધ છે !"

"જી, અમો એમના મિત્રો છીએ, તેમ જ ‘બિઝનેસ'માં એમના સાથીઓ છીએ.”

“એટલે કે એમના બિઝનેસમાં આપ સહુનું આર્થિક હિત છે ?

"જી હા, એવું કંઈક ખરું.” એક જણાએ હસી જવાબ દીધો.

"હવે આપ કંઈક જવાબ વાળો. કંઈક બોલો.” બીજાએ વિનતી કરી.

"હું - હું - હું ! ગૃહસ્થો ! હું – હું – હું તો – કંઈ નહિ. ખેર હું તમારો સહુનો આભાર માનું છું. તમે મને ઘણું માન આપ્યું છે.”

પ્રતિનિધિમંડળ વિસર્જન થયું, ને માસ્તર સાહેબે પેલા આગલે દિવસે પોતાને સીસો મારવા આવનાર કેમિસ્ટને પોતાની સામે ઝૂકતો જોયો.

શું થઈ ગયું હતું આ બધું ?

આ કૌભાંડમાં સંડોવાયેલ એકેએક માણસને પોતપોતાનાં ભોપાળાં સંઘરવાનાં હતાં. સહુએ આપદ્‌મિત્રો બનીને એક કુટુંબ જમાવી દીધું, ભવાડો કરવા ધસી આવેલો કેમિસ્ટ પોતે જ પ્રોફેસરને દુનિયાદારીનું ડહાપણ આપવા માટે પડખે ચડી ગયો. અને પછી માસ્તર સાહેબનું ખરું ખેલાડી જીવન શરૂ થયું.

એમ સહુના સ્વાર્થની છત્રી બનેલા માસ્તર સાહેબ ઊંચે ચડયા છેલ્લી ટોચે ચડ્યા. શેઠજીની સોડ્યમાંથી સરકેલી પેલી 'બહેન' પણ માસ્તર સાહેબના પડખામાં લપાઈ ગઈ.


(7)

એ જ હાઇસ્કૂલ હતી : ટાઢા ધીરા હવા પ્રકાશે શોભતું પુરાતન મકાન હતું. ત્રણ વર્ષો પૂર્વે માસ્તર સાહેબે ભણાવેલા પચાસ વિદ્યાર્થીઓનો વર્ગ હતો. તેઓને ઇનામ વહેંચવાનો મેળાવડો હતો. ઓરડો પણ એ-નો એ જ હતો. દીવાલોના પથ્થરો જાણે સુભાષિતો બોલતા બોલતા કોઈ પંડિતો થીજી ગયા હોય તેવા દેખાતા હતા. સુવર્ણ વચનોની તખ્તીઓ ચમકતી હતી. ઘણાં ઘણાં નવાં સૂત્રો દીવાલો પર ઉમેરાયાં હતાં. ઇસુ, જરથુષ્ટ્ર, બુદ્ધ, મહાવીર, હજરત મહમ્મદ આદિ એક પણ પયગમ્બરની વાણી બાકી નહોતી રહી ગઈ.

“વિદ્યાર્થીઓ !” સ્કૂલના પ્રોપ્રાયટર સાહેબે ઊભા થઈ ઓળખાણ કરાવી. ‘આજના મંગલ દિને, જેના મંગલ હસ્તે તમને ઈનામ અપાવાનાં છે. તેની ઓળખાણ કરાવવી એ દીવો ધરીને સૂર્ય દેખાડવા જેવું છે. એ પવિત્ર, મહાનુભાવ અને વિદ્યામાર્તડ પુરુષનું ઓળખાણ કરાવતાં મારું હૃદય ઉછાળા મારે છે. તમારા જ એક વખતના એ ગુરુજી આ દીવાલ પરનાં નીતિવચનોના અચલ પાલનને પ્રતાપે આજે આપણી વિદ્યાપીઠના વિજ્ઞાનવિશારદની ખુરસી શોભાવે છે, ને દેશની ત્રણ મહાન રસશાળાઓના તેઓશ્રી અધ્યક્ષ છે. એમની આવી ઉજજવલ કારકિર્દીનું બીજ અહીં જ રોપાયું હતું. પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય એ ન્યાયે તેઓશ્રીની પ્રતિભા અહીંથી જ ઝલકી રહી હતી. મને એ વાતનો ગર્વ છે, કે એમની આ યશસ્વી કારકિર્દી સાથે આપણી શાળાનું નામ સદા જોડાયેલું રહેશે હું હવે તેઓશ્રીને ઇનામની વહેંચણી કરવા માટે વીનવું છું.”

તાળીઓના ગગડાટ વચ્ચે પ્રોપ્રાયટર સાહેબ આજના અતિથિને મસ્તક નમાવી બેસી ગયા અને અતિથિ ઊભા થયા.

ઊંચા રેશમનો, સુંદર વળાંકવાળો ને બંધબેસતો સૂટ એમણે પહેરેલો હતો. તાજી હજામત અને ખુશબોદાર ક્રીમના લેપે એમના મોંને અનેરી ચમક આપી હતી. પગથી માથા પર્વતની ટાપટીપમાં કશું જ બનાવટી નહિ પણ જાણે બહુ જ સ્વાભાવિક, રોજિંદું, બંધબેસતું યૌવન ઝલકતું હતું. ખરી જુવાનીનો એ નમૂનો હતો. ને એમના આ જોબનને ઝુલાવતાં પેલા ગ્રેજ્યુએટ માશૂકનું મંદ મંદ હાસ્ય પણ એમની બાજુમાંથી મહેકી રહ્યું હતું.

એ ઊઠયા, આમ તેમ જોઈ, ધીરેથી એમણે ગજવામાં હાથ નાખ્યો. એક ગલપટો કાઢીને ગળા ફરતો લપેટ્યો; ને એણે શરૂ કર્યું :

“વહાલા વિદ્યાર્થીઓ !”

બરાબર ફાવતું ન હોવાથી, એમણે અટકીને ચારેય બાજુ નજર દોડાવી. પછી કશુંક યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું:

"મને મારી જૂની નેતરની સોટી આપજો તો ! ત્યાં કબાટ પર હશે. મેં તે દિવસે ત્યાં જ મૂકી હતી.”

ત્રણ-ચાર વર્ષો પરની સોટી શોધાઈ ને એમના હાથમાં મુકાઈ. જૂના વાત્સલ્યની લાગણીથી સોટીને પંપાળતા, કમાન વાળતા, ચમચમાવતા એ બોલી ઊઠ્યા :

"હાં, બસ ! હવે મને બરાબર મજા પડશે. હવે હું માસ્તર સાહેબ થયો, ખરું કે ?”

"માસ્તર સાહેબ ! માસ્તર સાહેબ !” અવાજો ઊઠયા.

ત્રણ વર્ષ પૂર્વેના સાગરઘેલડા માસ્તર સાહેબની અદાથી એક છોકરાઓની સામે સોટી ચીંધાડી કહ્યું : “તમને મળીને મને ઘણો હર્ષ થાય છે. તમે કદાચ મને નહિ ઓળખી શકો. આપણી ઓળખાણને હંમેશાં તાજી. રાખનારી મારી ચચ્ચાર દિવસની વધેલી દાઢી અને મારા કોટનાં પચરંગી બુતાન ચાલ્યાં ગયાં છે.”

હસાહસ થઈ રહી. બાંકડા ઉપર છોકરાઓના હાથની થપાટો પડી.

પ્રોપ્રાયટરના ગર્વનો પાર નહોતો. યુનિવર્સિટીનો એક મહાપુરુષ પોતાની હાઇસ્કૂલ ઉપર આટલું વહાલ ઢોળી રહ્યો હતો.

સ્કૂલના બીજા સંચાલકો, ટ્રસ્ટીઓ, સ્નેહીજનો વગેરે પણ અંદર અંદર ઇશારે કહેવા લાગ્યા : “સાહેબ અત્યારે ભારી ખીલ્યા છે હો !”

ને માસ્તર સાહેબે પોતાનું વ્યાખ્યાન આગળ ચલાવ્યું:

"વહાલા વિદ્યાર્થીઓ ! તમારા – અરે ભૂલ્યો, આપણા – માનવંતા , પ્રોપ્રાયટર સાહેબે તેમને કહ્યું કે હું આટલો મોટો માણસ થઈ ગયો, તે મારી અક્કલ હોશિયારીથી, મારી પ્રામાણિકતાથી ને આ નીતિસૂત્રોએ પ્રેરેલા મારા સરલ સદ્‌ગુણો થકી.”

“હીઅર ! હીઅર !” પ્રોપ્રાયટરે તાળીઓ પાડી. આખી સભાએ એ શબ્દો તાળીના અવાજે વધાવ્યા.

પ્રોપ્રાયટર તરફ માથું ઝુકાવીને માસ્તર સાહેબ આગળ વધ્યા :

"પણ વહાલા વિદ્યાર્થીઓ ! એ વાત હડહડતી જૂઠી છે, સાંગોપાંગ જૂઠી છે, જૂઠી છે.”

સહુ ચમક્યા. માસ્તર સાહેબે આગળ ચલાવ્યું :

“હું મોટો માણસ બન્યો, તે તો કુટિલતા, દંભ, કાવાદાવા અને નરી દુષ્ટતાની જ મદદ વડે. મારા આ ઉપલકિયા ચકચકાટની નીચે એક અધમ સ્વાર્થબાજીની બદબો છૂપાઈ છે. ને જગતમાં ઘણુંખરુંને એમ જ ચાલે છે.”

શ્રોતાઓ એકબીજાની સામે જોવા લાગ્યા.

પ્રોપ્રાયટરે માસ્તર સાહેબના કાનમાં ફૂંક મારી : “સાહેબ ! આપની તબિયત અત્યારે....”

માસ્તર સાહેબે વિદ્યાર્થીઓ તરફ ફરીને કહ્યું : “ભાઈઓ ! આપણા પ્રોપ્રાયટર સાહેબ મને ચેતાવે છે કે કદાચ મારી તબિયત નાદુરસ્ત હોવાને કારણે તો હું આ બબડાટો નથી કરતો ને ? અફસોસ ! વહાલા વિદ્યાર્થીઓ ! મારી તબિયત બરાબર સારી છે. મારું માથું બરાબર ઠેકાણે છે. હું સંપૂર્ણ શુદ્ધિમાં જ આ શબ્દો બોલી રહ્યો છું. ખેર, એ વાત જવા દઈએ. હવે મારે આ સુવર્ણચંદ્રકનું ઇનામ આપવાનું છે, ખરું ?'

માસ્તર સાહેબે સોનાનો ચાંદ હાથમાં લીધો. ઉપર કોતરેલા શબ્દો વાંચ્યા :

“ઓહો ! આ તો ઇતિહાસ-ચંદ્રક : કોણ છે મારો ઇતિહાસ-નવેશ નાનો દોસ્ત ? આવે અહીં.”

પ્રોપ્રાયટરે નામ પોકાર્યું : સુંદર સૌમ્ય ગરવા ચહેરાવાળો એક વિદ્યાર્થી વર્ગને છેડેથી ચાલ્યો આવતો હતો. એના પોશાકમાં અમીરાત ભભકતી હતી.

માસ્તર સાહેબે ઝીણી નજર માંડી. ઓળખ્યો. આ તો ‘મીંયાઉં ! મીંયાઉં !' – જેને કારણે પોતાને રજા મળેલી.

માસ્તર સાહેબને સમજ પડી ગઈ.

“ઓહો ! તમે ઇતિહાસમાં પહેલે નંબરે આવ્યા ? શાબાશ ! શાબાશ !'"

ચંદ્રક પહેરવા માટે આતુરતાભેર વિદ્યાર્થી આગળ વધ્યો. માસ્તર સાહેબે કહ્યું : “સબૂર! સબૂર ! કહો જોઉં મારા ઇતિહાસ-નવેશ નાના દોસ્ત ! પાણીપતના પહેલા યુદ્ધ વિષે તમે શું જાણો છો ?

"પાણીપતનું પહેલું યુદ્ધ ?”

હા, પાણીપતનું પહેલું યુદ્ધ.”

“પાણીપતનું પહેલું યુદ્ધ.” વિદ્યાર્થીનો કડકડાટ કરતો અવાજ અટક્યો. સૂર નીચા ઊતર્યા: “પાણીપતનું પહેલું યુદ્ધ..”

વિદ્યાર્થી માથું ખંજવાળતો ઊભો રહ્યો.

"ફિકર નહિ, ફિકર નહિ, મારા ઇતિહાસ-નવેશ નાના દોસ્ત !” માસ્તરસાહેબે પ્રેમભરપૂર શબ્દો ઉચ્ચાર્યા : “કંઈ નહિ. કહે જોઉં, પાણીપતના બીજા યુદ્ધ વિષે તું શું જાણે છે ? “પાણીપતનું બીજું યુદ્ધ....” છોકરાના મોમાંથી ટંકાર-સ્વર નીકળ્યો ને એટલેથી જ ભાંગી ગયો : “પાણીપતના પહેલા યુદ્ધ પછી પાણીપતનું બીજું યુદ્ધ થયું. ને તે યુદ્ધમાં....'

છોકરાનો હાથ માથાના વાળ પર ગયો.

સભાજનોના મોઢાં લેવાઈ ગયાં, માસ્તર સાહેબે સહુના ચહેરા ઉપર નજર ફેરવી એ નજર જાણે કે છૂરી બનીને સહુનાં નાક કાપતી હતી.

શ્રોતાઓમાંથી કોઈક એક મનુષ્ય છૂપે સ્વરે છોકરાને પાણીપતના બીજા યુદ્ધ વિષે કંઈક યાદ લેવા . મહેનત કરતું હતું. માસ્તર સાહેબની નજર તે તરફ ગઈ. ઓળખ્યા. સુવર્ણચંદ્રક પાટે હર્ષાતુર બની બેઠેલાં એ છોકરાનાં માતુશ્રી, જેણે માસ્તર સાહેબને રૂખસદ અપાવી હતી : પોતાનાં શેઠાણીજી, જેણે પેલી રૅસ્ટોરામાં વખતસર હાજર થ ઈ શેઠજીની ઉપપત્નીને પ્રોફેસરનાં પત્ની થવાના સંજોગો ઊભા કર્યા હતા.

માસ્તર સાહેબે શેઠાણીજી પ્રત્યે એક માર્મિક નજર ફેંકીને પછી પેલા બાળકને ત્રીજી વાર પૂછ્યું : “હાં, ફિકર નહિ. કશી ફિકર નહિ. કહે જોઉં, મારા નાના દોસ્ત ! પાણીપતની ત્રીજી લડાઈ વિષે તું શું જાણે છે ?

"પાણીપતની ત્રીજી લડાઈ ! પાણીપતની બીજી લડાઈ પછી પાણીપતની ત્રીજી લડાઈ થઈ, ને એ લડાઈમાં... એ લડાઈમાં. એ.લડાઈમાં..એ.લડાઈમાં.”

છોકરાનો સૂર નીચે ઊતરી ગયો.

વારુ વારુ ! ફિકર નહિ. ફિકર નહિ. હાં, મારા વિદ્યાર્થી ભાઈઓ ! કહો જોઉં, તમારામાંથી કોઈને પાણીપતની પહેલી, બીજી ને ત્રીજી લડાઈ વિષે કંઈ આવડે છે ?”

“હા હા હા હા.” જબરો મધપૂડો ગાજી ઊઠયો. ઓગણપચાસ આંગળીઓ ઊંચી થઈ.

“તમે કહો !" માસ્તર સાહેબે એક બીજા વિદ્યાર્થી પ્રત્યે સોટી ચીંધાડી.

ત્રણેય લડાઈઓ વિષે એ છોકરાએ ઝપાટાબંધ બયાન આપી દીધું. માસ્તર સાહેબે પ્રથમ પેલા છોકરાનાં માતુશ્રી શેઠાણીજી તરફ ને પછી પ્રોપ્રાયટર સાહેબ તરફ ખંજર જેવી દૃષ્ટિ ચોડીને પછી વિદ્યાર્થીઓ પ્રત્યે કહ્યું :

“શાબાશ, વહાલા વિદ્યાર્થીઓ ! ઇતિહાસનું જ્ઞાન કોણ કેટલું ધરાવે છે તે ખબર તમને સહુને પડી ગઈ. ઇનામ અને ચંદ્રક કોને અપાય છે તે પણ તમે જોઈ લીધું. આ સુવર્ણચંદ્રકનું ઇનામ હું તમારામાંથી કોઈ એકને શી રીતે આપું ? હું તો એ તમારા આખા વર્ગને અર્પણ કરું છું. ને તમને કહેતો જાઉં છું કે આ દીવાલ પર લટકતાં જે સુવર્ણસૂત્રો મેં તમને ખૂબ ગોખાવ્યાં છે, તેને વીસરી જજો. સંસારમાં પડો ત્યારે યાદ રાખજો કે –

गुणा^:पूजास्ठानं નહી,પણ सर्वे गुणा^: कान्वनमाश्रायन्ते ૐ યાદ રાખજો કે સત્યનો સદા જય થાય છે તે વાત જૂઠી છે, જૂઠી છે. પછી ઉશ્કેરાટ શમાવી દઈ એણે ભદ્ર કંઠે અને વહાલાતુર વદને ઉમેર્યું :

"પરંતુ... પરંતુ મારા બાળકો ! જગતમાં પ્રવર્તી રહેલા આ ઘોર દંભ તથા અન્યાયની વચ્ચે એક નાનો એવો પ્રસંગ વીસરતા નહિ, કે જે એક પ્રસંગે કંઈ નહિ તો જીવનમાં એક જ વાર, એક પંતુજીને હાથે, એક નાના વર્ગની અંદર તમને તમારા સાચનો શુભ ન્યાય મળ્યો હતો. આટલું કહીને હું તમારી રજા લઉં છું.”

માસ્તર સાહેબ ઊભા થયા. સંધ્યાકાળના એ ઝાંખા પ્રકાશમાં બારણા પાસે ગયા, વીજળી-બત્તીનું બટન દબાવ્યું. બત્તી બુઝાવી.


⟨⟩ ⟨⟩ 

6
લેખ
પલકારા
0.0
‘નવલિકાના બહુરંગી ક્ષેત્રમાં આ તમારો પ્રદેશ નવી જ ભાત પાડનારો છે, માટે એને છોડી ન દેતા’ : ‘પ્રતિમાઓ’ના ઘણા વાચકો તરફથી આવી સલાહ પડી હતી. તેનું પરિણામ આ ‘પલકારા’ની છ નવી વાર્તાઓ. ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો, સો-હજારગણો મોટો, સમૂહ ચિત્રપટનો પ્રેમી છે. સિનેમાનો વિરોધ કરવો એ વિજ્ઞાને માનવીને આપેલી એક અણમોલ ભેટનો અનાદર કરવા બરોબર છે. કરોડો સ્ત્રી-પુરુષો ને બાલકોનું એ આત્મિક અન્ન છે. એમાં ઝેર ભળ્યું છે તો ઝેરને જલદી કાઢી નાખો. એને ઉવેખો નહિ. યુરોપી ચિત્રપટો હવે તિજોરીફાડો, ધાડપાડુઓ ને જાસૂસી દુનિયાનાં યશોગાન છોડીને સાંસારિક વસ્તુઓને પકડી રહેલ છે. તેઓએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની ‘પ્રકાશ અને પ્રતિધ્વનિ’ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે. ત્યાંથી પકડેલી આ કથાઓ છે. મૂળ ચોપડીઓ મેં વાંચી નથી. આ વાર્તાઓમાં તો કેવળ છ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે : માસ્તર સાહેબ : ‘ટોપાઝ’ પરથી દીક્ષા : ‘ક્રેડલ સોંગ’ પરથી હિમસાગરનાં બાળ : ‘એસ્કિમો’ પરથી બદનામ : ‘ડિસઓનર્ડ’ પરથી જલ્લાદનું હૃદય : ‘હેચેટ મેન’ પરથી ધરતીનો સાદ : ‘વિવા વિલા’ પરથી ‘ટોપાઝ’માં એક ભોળા માસ્તરની કથા છે : ને એ કથામાં તમે ગમે
1

માસ્તર સાહેબ

17 June 2023
2
0
0

માસ્તર સાહેબ માસ્તર સાહેબ કાબરચીતરું પાટલૂન પહેરતા અને તે ઉપર સફેદ રંગનો કોટ ચડાવતા. પાટલૂનનાં પાંચ પૈકી બે બટન તો એમના વર્ગના રઝળુ નિશાળિયાઓની પેઠે ઘણુંખરું ગેરહાજર જ રહેતાં; અને કોટનાં બટનની હારમ

2

દીક્ષા !

17 June 2023
0
0
0

દીક્ષા “ધન્ય છે, ભાઈ! ધન્ય છે એના ભાવને ! આટલી બાળ અવસ્થામાં દીક્ષા ધારણ કરે છે!” “કેટલીક અવસ્થા ધારો છો એની?” “અઢાર-વીસ તો માંડ હશે. પરણી લાગતી નથી. ધન્ય છે બાળબ્રહ્મચારિણીને!” “હા-હા-હા-હા !

3

હિમસાગરના બાળ >

17 June 2023
0
0
0

હિમસાગરના બાળ “ડાઉ...ઉ ! ડા...ઉ..ઉ !” એવા લાંબા લાંબા અવાજે કુત્તાઓ ભસવા લાગ્યા, અને બેસતા શિયાળાના પવન-સુસવાટામાં આઘે આઘેથી કોઈક પરગામવાસી કૂતરાઓના વિનવણી-સ્વરો આવતા સંભળાયા. દરિયામાંથી ઊઠતા હૂ...

4

બદનામ

17 June 2023
0
0
0

બદનામ રાત પડી ગઈ હતી, વરસાદની ઝડીએ રસ્તા પરના દીવાને ઝાંખા પાડ્યા હતા. માર્ગે પાણી ભરાયો હતો. ભીંજાતી ભીંજાતી એ એકલી ઊભી હતી. ભીંજાતી સી વધારે રૂપાળી લાગે છે, એકલતા અને ગરીબી પણ જ્યારે સુંદરતાનો સંગા

5

જલ્લાદનું હૃદય

17 June 2023
0
0
0

જલ્લાદનું હૃદય શહેરની એ ભેદી ગલી હતી. કોઈ એને ડોકામરડી કહેતા : કોઈ ગળાકાટુ કહેતા. એનું પેટ અકળ હતું. ધોળે દિવસે પણ અજાણ્યા લોકો ત્યાં જતાં ડર ખાતાં. નાનાં છોકરાં ‘ભૂતખાનું’ શબ્દ સાંભળીને જે ધ્રાસકો

6

ધરતીનો સાદ

17 June 2023
0
0
0

ધરતીનો સાદ લાણી પૂરી થઈ હતી. ખળાવાડોમાં સોનાવરણા પાકના ઓઘા ખડકાઈ ગયા હતા. આજ વરસ દા’ડાનું મોટું પર્વ હતું. કોસ, સાંતી ને ખળાં છોડીને લોકો તહેવાર ઊજવતાં હતાં. તૂટી ગયેલાં શરણાઈ અને ત્રાંબાળુ ઢોલ ગામલો

---

એક પુસ્તક વાંચો