‘હું આવ્યો છું, બહારવટું શીખવવા’
વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ.
બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો.
એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો; એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક.
આમ તો એને વહાણું વાયાથી તે રાતે સૂવા-વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતાં ખેડૂત-લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરકડા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઈક વિચિત્ર હતું.
કદી ન દીઠેલી તેવી કંઈક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહનના ધખતા ધોમ–ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા–માયલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઉભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઈક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? 'પાછા વળો ને!' એવું કહેવામાં પણ કેમ પોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ! એમના એ બોલમાં સચિંતપણાની સાથે પાછું કાંઈક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઈ જવા જેવું કેમ હશે ! –એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઈ ગયો. 'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાનીએ ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો છું તે પાછો ન વળું એ તો તેમને સર્વેને જાણીતી વાત છે.'
પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડ બની ગઈ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ જ બીજી તરફ ખેતરાં—એ બેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્ય વધુ ને વધુ ઊંડી થતી ગઈ. અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધ પડ્યો.
એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઈ જીવતા માણસના હાથ એને પાછો ધકેલતા જણાયા; અને એણે પૂછ્યું : "કોણ છો, 'લ્યા!"
"પાછા વરો !" સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો, કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ.
"કોણ — પૂંજો ?" મુસાફરે, પોતાના પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઈ ગયેલ સ્વરને પકડી લીધો.
"હા; ચાલો આજે પાછા." મુસાફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણા અવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું :
"પણ શું છે, 'લ્યા ?" "આગર્ય નકામાં લોકો સે, મહારાજ !" (આગળ નકામાં લોકો—એટલે હરામખોરો—છે.)
"કોણ—બહારવટિયા ?"
"હા, નામદારિયો."
"ફિકર નહિ, પૂંજા ! હું એમની જ શોધમાં છું." બ્રાહ્મણના મોંમાથી ટપ દેતો એ બોલ નીકળી પડ્યો.
આંહીથી શરૂ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા ઠાકરડાના ગોર, પોતે જે કંઈ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપૂરો વિચાર હતો કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઈ ને આજે મળશે તો પણ કહી શકાશે નહિ. કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથી એમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહિ પણ કોઈક બીજાના હાથમાં હતો. એ બેજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ તમને આજે પણ આપી શકશે નહિ. એણે ફરીથી કહ્યું:
"હું એમની જ શોધમાં છું, પૂંજા ! મારે એમને મળવું છે."
"બોલો ના, બાપજી!" હેતબાઈ ગયેલ પૂંજાએ અંધારે અંધારે જીભ ઉપાડી : "એ લોકો તમારી ઇજ્જત લેશે."
"મારી ઇજ્જત ! પૂંજા ! મારી ઇજ્જત તેઓ ન લઈ શકે તેવી છે. ચાલ, મને તેમનો ભેટો કરાવ."
"બોલશો ના, બાપજી ! હું તમને જવા પણ દઉં નહિ ને સાથે આવું પણ નહિ. એ લોકો તમારા પર કંઈક કરે, તો હું તમને બચાવી શકું નહિ; એટલે મારે મરવું પડે. પાછા હીંડો–કહું છું; એવા એ તમને બાન પકડી રોકી રાખશે."
'બાન પકડી.....!' આ શબ્દોએ મુસાફરના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો. અત્યાર સુધી એને એ ઓસાણ જ નહોતું ગયું; એક જ વિચાર મગજમાં રમતો હતો કે ડાકુઓને ખપ લાગે તેવું કશું પોતાની પાસે નથી. પણ બાન પકડવાની વાતે એને જાગ્રત કર્યા. બાન પકડે છે; બાનને છોડાવવા બદલ મોટી મોટી રકમો માગે છે; અને મુદ્દતસર એ માગ્યાં મૂલ ન મળે તો આ લૂંટારા બાનને ઠાર મારે છે ! જાન ગુમાવવાનો તો શો ડર હોય ! પણ—પણ .... એકાએક એને યાદ આવ્યું કે પોતાની કને કોઈક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે ડાકુઓના હાથમાં વેડફી દેવાય નહિ. પોતાના પ્રાણ અત્યારે એના પોતાના નહોતા રહ્યા.
પોતાની જિંદગીને એણે એક બીજે ઠેકાણે હોડમાં મૂકી દીધી હતી; ત્યારે નહિ, પણ ત્યારથી બે જ મહિના પછી એ પ્રાણનો ભોગ બીજે ચડાવવા માટે કોલ–દસ્તાવેજ થઈ ચૂક્યા હતા. માથું તો બારડોલીના મેદાનને અર્પણ બની ગયું હતું. ૧૯૨૨ની એ સાલ હતી. મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકારને બે માસની મહેતલ આપી હતી. હિંદને બે મહિનામાં જો સરકાર સ્વરાજ નહિ આપે, તો ગાંધી બળવો પોકારવાના હતા. ગુજરાત એ બળવાનો પહેલો બલિ બનવાનું હતું; દેશવ્યાપી લડતનાં પહેલાં તોરણ બારડોલીને બારણે બંધાવાનાં હતાં. અને ત્યાં સરકારની બંદૂકોની ધાણી ફૂટવાની હતી, એ વિશે તો કશો શક નહોતો. એ બંદૂકોની ગોળીઓ ખાવા માટે બે હજાર ઉમેદવારોએ પોતાના નામ નોંધાવ્યા હતાં, તેમાં બે નામો જરા વધુ લાડીલાં હતાં : એક મોહનલાલ કામેશ્વર પંડ્યાનું, ને બીજું આપણા બ્રાહ્મણ મુસાફરનું.
માથું તો ત્યાં જમા થઈ ગયું હતું. તે ઉપરાંત મૃત્યુનો એ મોકો કેટલો મંગળ, કેટલા થનગનાટ કરાવનારો, કેટલો અપૂર્વ લહાવ લેવાને હિલોળે ચડાવનારો હતો ! સપાટાબંધ આ મુસાફરની કલ્પનામાં એક દૃશ્ય અંકાયું : પાંચ જ દહાડા પર મહીકાંઠાના ખાનપુરા ગામમાં 'બારડોલી સંગ્રામ' નો સંદેશ સંભળાવતી જાહેર સભા મળી હતી. સભા પૂરી થઈ. ગામનો યુવાન મુખી પરશોતમ, સરકારી નોકર, આ બ્રાહ્મણની પાસે આવ્યો; એમને પોતાને ઘેર લઈ ગયો. ઘેર જઈને જુએ તો એણે પોતાના બે નાના દીકરાનાં નામ શૌકતઅલી–મહમદઅલી પાડેલાં—એક જાડીઓ ને એક પાતળો હતો તેથી જ તો ! આ બ્રાહ્મણે કહ્યું કે "પરશોતમ ! ત્યારે હવે નોકરી છોડોને !" મુખી કહે કે, "એ તો મારું શું ગજું !" પણ રાત પૂરી થઈ; સવારે એણે મહેમાનને જમાડીને કહ્યું : "અહીં બેસો. આજ રાતે બૈરી સાથે બેસીને આખી રાત સંતલસ કરેલ છે; ને તે પછી આ રાજીનામું લખેલ છે, તે વાંચો." બ્રાહ્મણ વાંચતા ગયા તેમ તેમ તો ઊછળતા ગયા. રાજીનામું અતિ કડક હતું. એણે મુખી સામે જોયું. મુખી એ કહેવા માંડ્યું : "રાજીનામું હમણાં ને હમણાં સરકારને મોકલું—પણ એક શરતે : કે બારડોલીમાં જ્યારે ગોળીઓ ચાલે ત્યારે પહેલી ગોળી મને ખાવા દેવી, ને હું 'જય ભારતમાતા !' કહી પડું તે પછી જ બીજાનો વારો ગોળી ખાવાનો આવે—તે પૂર્વે નહિ. છે આ શરત કબૂલ ?"
એ પ્રસંગ યાદ આવ્યો. દિલ બોલ્યું : આવા રોમાંચક અને રાષ્ટ્રમંગલ મૃત્યુ પર્વને મેં અર્પણ કરેલી જિંદગી અહીં ડાકુઓના હાથમાં રોળાયે શો લાભ ! ચાલને, જીવ, પાછો ! પાછો ફરી જા, પાછો.... ચાલ પાછો..... ચાલ પાછો—
એ જ ક્ષણે એક બીજું દૃશ્ય બ્રાહ્મણની નજર સામે ઊભું થયું : ત્રણ જ દિવસ પરની રાતે વાસણા ગામના ચોકમાં બનેલો એ પ્રસંગ હતો. સેંકડો માણસોની ઠઠ હતી. ડાકુઓની રંઝાડ વિષેની એ સભા હતી. પોતે લોકોને બહારવટિયાની સામે પ્રાણ પાથરવા હાકલ્યા હતા. અને તે વખતે મહેમદાવાદ તાલુકાનો એક પાટીદાર ત્યાં પોતાની કથની કહેવા હાજર હતો. એણે કહેલી કથની આ હતી :
'બહારવટિયા અમારા ઘર પર આવ્યા : મારે કને બે જોટાળી બંદૂક હતી, તો પણ હું નાઠો : પાછળથી સુવાવડમાં પડેલી મારી બૈરીને તેમ જ આંધળી, બુઢ્ઢી માને બહારવટિયા માર મારી ગયા છે તેવા મને ખબર પડ્યા છે.' ભરી સભામાં આવું વર્ણન કરનાર એ ભીરુ પાટીદારને આ બ્રાહ્મણે તે જ વખતે કહ્યું હતું કે, "વાહવા ! ત્યારે હવે તો તમને મરકી, કોગળિયું કે કુદરતી મોત કદી જ નહિ આવે, ખરું ને ! શરમ નથી આવતી ?—કે તમારે કારણે સુવાવડમાં પડેલી તમારી સ્ત્રીને અને નવ મહિના જેણે ભાર વેઠ્યો તે માને તમે ડાકુઓને હાથે પિટાતી મૂકીને નાસી છૂટ્યા–બેજોટાળી બંદૂક રાખતા હોવા છતાં !" એમ કહીને આ લોકોને બહારવટિયાનો મરણાંત સુધીનો સામનો કરવા પડકાર્યાં હતા.
એટલે આજે જો હું પોતે જ પાછો ફરું તો ! તો લોકો શું કહેશે ! એ પાટીદાર શું કહેશે ! બારડોલીની બે મહિના પછી આવનારી લડતની વાતો કોણ સમજશે !
એ ઝપાટાબંધ આવેલ બે વિચારોનો નિકાલ પણ એકસપાટે આણી મૂકી એણે કહ્યું : "પૂંજા, તું છો ના આવે; પણ મને બતાવ : ક્યાં છે એ લોકો ?"
ઘડીભરની ચૂપકીદી. પૂંજાના કોઠામાં એક મોટો નિ:શ્વાસ પડ્યો, તે મુસાફરને સંભળાયો. અને પછી પૂંજો ફક્ત એટલું જ બોલી શક્યો :
"ત્યારે શું તમે નક્કી ત્યાં જવાના ! "
"હા, પૂંજા; કહે મને—ક્યાં છે એ લોકો ?"
"જુઓ, આ બાજુના જ ખેતરામાં પડ્યા છે." પૂંજાએ ઉગમણી દિશાએ ઊંચી જમીન પરનું ખેતર ચીંધાડીને લાચાર અવાજે ઉમેર્યું : "પણ જોજો હો, બાપજી ! – આ મેં તમને કહ્યાની વાત કોઈકને કહેશો નહિ. નહિ તો બહારવટિયા જાણશે તો એવા એ મને પીંજી નાખશે; ને પોલીસ જાણશે તો એવા એ અમારું લોહી પીશે."
"વારુ; જા તું – તારે."
અંધારામાં પૂંજો જાણે કે ઓગળી ગયો, અને મુસાફર એ કેડાની ઊંડી નાળ્યમાં આગળ વધ્યો. થોડે છેટે જતાં એણે નાળ્યને કાંઠે એક ખેતરમાં ઝાંપલી દીઠી. પોતે ઉપર ચડ્યા. ઝાંપલી પાસે પહોંચતાં જ ઝાંપલીની પાછળથી એક આદમી ઊભો થયો. પડછંદ આદમી હતો. હાથમાં બંદૂક પકડી ચૂપચાપ ઊભો થયો. તારોડિયાને અજવાળે સ્પષ્ટ વરતાયો. માનવી જ્યારે મૂંગો રહે છે ત્યારે વધુ ભયાનક બને છે.
ખડ-ખડ-ખડ-ખડ-ખડ : મુસાફર આ બંદૂકીઆને જોતાંની વાર ખડખડાટ હસી પડ્યો. આજે એને મળો ને પૂછો તો એ નહિ કહી શકે કે એ હસવું એ ભયાનકતાની વચ્ચે એમને શેનાથી આવેલું. પણ એ તો ખડખડાટ હસ્યા, અને એણે પૂછ્યું : " કેમ ? તમે એકલા કેમ છો ? બીજા બધાં કંઈ (ક્યાં) છે ?"
આ ખડ–ખડ હાસ્ય અને તેની પછી તરત આવેલો આ વિચિત્ર પ્રશ્ન એ બંદૂકદારને હેબતાવવા બસ હતો. જવાબ એણે વાળ્યો નહિ, એટલે મુસાફરે ઝાંપલી ખોલીને અંદર જઈ ખેતરમાં ચાલવા માંડ્યું. બંદૂકદાર ચૂપચાપ એની પાછળ ચાલ્યો.
થોડે છેટે ગયા હશે ત્યાં તો મુસાફરે બીજા બે બંદૂકદારોને પોતાની સામે ખડા થયેલા દીઠા. તેઓ પણ મૂંગા હતાં.
"તમે બે જ કેમ ? બીજાઓ ક્યાં છે ?" મુસાફરના મોંમાંથી આપોઆપ એ–નો એ જ સવાલ સરી પડ્યો.
જવાબ કોઈએ વાળ્યો નહિ. પાછો મુસાફર આગળ વધ્યો એટલે એ બન્નેમાંથી અક્કકે બંદૂકદારે મુસાફરની ડાબી અને જમણી બાજુ ચાલવા માંડ્યું. ત્રીજો બંદૂકદાર તો એની પાછળ ચાલતો જ હતો. એવામાં એકાએક સામેથી અવાજ છૂટ્યો :
"ખબરદાર ! ત્યાં જ ઊભો રે'જે; નીકર ઠાર થશે."
તરત મુસાફર થંભી ગયો. બોલનારને એણે થોડે દૂર દીઠો—ઘોડે બેઠેલો. ત્રણ બંદૂકદારો પણ મુસાફરની ત્રણે બાજુએ ખડા રહ્યા.
"કુણ સે તુ ?" ઘોડાની પીઠ પરથી ફરીથી સવાલ આવ્યો.
"બહારવટિયો છું." મુસાફરે જવાબ વાળ્યો.
"અંઈં ચ્યમ આયો સે ?"
"થોડીક વાતો કરવા. તમારા સર્વ જણને મળી લેવા. ક્યાં છે એ બધા ?"
જવાબમાં ઘોડેસવાર કંઈ બોલ્યો નહિ, પણ આઠ-દસ નવા માણસો આવીને સામે ખડા થઈ ગયા. થોડીવારની ચૂપકીદી પછી મુસાફરે કહ્યું : "છેટે કેમ ઊભા છો ? પાસે આવો, અને બેસો."
આજ્ઞાનું પાલન થતું હોય એમ એ આઠ-દસ જણા મુસાફરની સામે ભોંય પર બેસી ગયા. ત્રણ બંદૂકદારોએ બંદૂકો તૈયાર રાખીને ત્રણ દિશા પકડી લીધી હતી. ચોથી, સામી દિશામાં ઘોડેસવાર પોતાને સ્થાને ચોક્કસ નિશ્ચલ થઈ બેઠો હતો.
ફરી પાછો દૂરથી ઘોડેસવારે પ્રશ્ન કર્યો. "કુણ સે તું?"
"કહ્યું નહિ કે હું બહારવટિયો છું !"
"કોની ટોરીનો ?"
"ગાંધી મહાત્માની ટોળીનો."
સામે કોઈ પ્રશ્ન આવ્યો નહિ. ટોળીવાળાનું નામ સાંભળતા ડાકુઓ મૂંગા બન્યા. અને મુસાફરની જીભ એની મેળે જ આગળ ચાલી:
"હું ગાંધી મહાત્માની ટોળીનો એક સૈનિક છું ને તમને સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું. કહેવા આવ્યો છું કે એમણે અંગ્રેજ સરકારની સામે બહારવટું માંડ્યું છે. આપણા બધાં દુઃખોનું મૂળ આ પરદેશી સરકાર છે. સાચું બહારવટું એમની સામે કરવાનું છે. તમારાં નાનાં બહારવટાંથી કશો દા'ડો વળે તેમ નથી. આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. તમારે સાચું બહારવટું કરવું હોય તો ચાલો ગાંધી મહાત્મા કને. એ જ લોકોનું ભલું કરી રહ્યા છે.'
મુસાફર બોલી રહ્યો ત્યાં સુધી બારમાંથી કોઈ એ શબ્દ સરખોયે ઉચ્ચાર્યો નહિ. પછી ઘોડેસવારે પ્રશ્ન મૂક્યો :
"ગાંધી માત્મ્યાએ લોકોનું શું સારું કર્યું છે ?"
"જોયું નહિ અમદાવાદમાં !" મુસાફરને હોઠે એક એવી હકીકત હાજર થઈ કે જે ડાકુઓ પણ સમજી શકે :"મિલના શેઠિયા મજૂરોની રોજી વધારતા નહોતા, તે માટે ગાંધી માત્મ્યાએ લાંઘણો ખેંચી; અંતે વધારો અપાવ્યે જ રહ્યા."
આ વખતે સામે ભોંય પર બેઠેલાની ચૂપકીદી તૂટી, અને તે માંહેલા એકે સામો પ્રશ્ન પૂછ્યો :
"એમાં ગાંધી માત્મ્યાએ લોકોનું શું ભલું કર્યું ? વિશેષ બુરું કર્યું. શેઠિયા તો કાપડ પર એટલો ભાવ ચડાવશે. આપણને સર્વને કાપડ વિશેષ મોંઘુ મળશે."
ઘડીભર મુસાફર ગમ ખાઈ ગયો. ડાકુના મોંમાંથી અણકલ્પી ચોટદાર દલીલ આવી હતી—જેવી ચોટદાર એની બંદૂકમાંથી છૂટતી ગોળી હોય છે તેવી ! પછી દલીલબાજીમાં પાવરધા પટ્ટા–ખેલાડીની બૌદ્ધિક ચપલતા નહિ, પણ અન્ન અને વસ્ત્ર એ જેનું સર્વસ્વ છે તેવા લોકસમૂહની આંતર-વેદના સમજનારા મુસાફરની જીભે જવાબ આવ્યો : "શેઠિયાના હાથમાં ન પડવું પડે તે માટે તો ગાંધી માત્મ્યાએ રેંટિયો બતાવ્યો છે. છોને શેઠિયા કાપડ મોંઘું કરે. આપણે રેંટિયે કાંતીને પહેરી શકીએ. ગાંધીએ સાધન પકડાવ્યું છે."
"નહિ રે નહિ, મહારાજ !" ટોળીમાંનો બીજો એક બોલ્યો ('મહારાજ' એવો શબ્દ ઉચ્ચારાતાં તો મુસાફરે જાણી લીધું કે પોતે ઓળખાયેલો છે) : " નહિ, મહારાજ ! એમ શું લોકો ગાંધી માત્મ્યાનો રેંટિયો કાંતવાના ?—એ તો કાંતશે અમારી બંદૂકો દેખશે ત્યારે !"
"તમે ચાલો ગાંધી માત્મ્યા કને. હું તમને તેડી જવા આવ્યો છું. એ તમને ઘણી વધી વાત સમજાવશે. ચાલો તમને મારામાં વિશ્વાસ ન હોય, તો તમારામાંથી એક જણ ચાલો. જો હું દગો રમું, તો તમે બાકી રહેલા મારા પર વેર લેજો."
"ગાંધી માત્મ્યા આપણા મલકમાં આવે ત્યારે વાત. મહારાજ ! ત્યારે અમે મળશું; હમણાં નહિ." ઘોડેસવારે જવાબ દીધો : "અમે ક્યાં ગરીબોને પીડીએ છીએ ? તમે જ બતાવો : પૈસાવાળા અથવા તો ગરીબોને પીડનારા સિવાયના કોઈને પણ અમે માર્યો–લૂંટ્યો છે ?"
"તમને શી ખબર ?" મુસાફરે કહ્યું : "તમારા આવવાના ખબર થાય છે કે તમામ લોકો ફફડી ઊઠે છે, નાસે છે, છુપાય છે; ખેડધંધો કરી શકતા નથી. અને તેમને સરકારી પોલીસ રંઝાડે છે, એ તો જુદું. તમારા ત્રાસની તમને ખબર નથી."
"પેટ માટે કરવું જ પડે તો !" એક ડાકુએ કહ્યું.
"પેટ માટે ! પેટ તમારું પ્રત્યેકનું મહિને પોણો મણ દાણો માગે છે. પણ તમારે હજારોની લૂંટો કરવી પડે છે, કારણ કે તમારે તમારા આશરાવાળાઓને દેવું પડે છે; સિપાઈઓને પણ દેતા હશો. તમારે મફત પેટ ભરીને બેસવું પાલવે નહિ."
ડાકુઓ પાસે આનો સાચો જવાબ નહોતો. જૂઠો જવાબ વાળીને દલીલો કરવાની તેમની વૃત્તિ નહોતી. તેઓ મૂંગા રહ્યા. થોડી વાર રહીને એક આદમીએ મુસાફરને પૂછ્યું (અવાજ પરથી એ જુવાન જણાતો હતો) : "સીસપેનનો કકડો હશે તમારી કને ?"
"હા."
"કાગર ?"
"છે."
"તો આલશો ? તમારા ગામના બામણ સોમા મથુર પર અમારે ચિઠ્ઠી લખવી છે."
"શું ?"
"—કે રૂપિયા પાંયશે પોગાડી જાય; નહિતર ઠાર માર્યો જાણે. એ ચિઠ્ઠી સોમા મથુરને આલી આવજો."
અત્યાર સુધીના વાર્તાલાપમાં એકધારો મીઠો અને સુરીલો, કોઈ કુલીન વહુવારુના કંઠ સમો ધીરો ચાલ્યો આવતો મુસાફરનો અવાજ આ વખતે સહેજે ઊંચો થયો. એણે કહ્યું : "એવી ચિઠ્ઠીઓ લખવાને માટે મારાં સીસપેન-કાગળ નથી; અને એવી ચિઠ્ઠીઓ પહોંચાડવા માટે હું આવ્યો નથી. હું તો મારા ગામ જઈને ગામલોકોને તૈયાર કરવાનો કે 'ખબરદાર બનો. બહરવટિયાઓ આવે છે. તેમની સામે આપણે લડવાનું છે. તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે."
"મારા હારા ભાન વન્યાના !" બીજાઓ પેલાને એકીસાથે ઠપકો આપી ઊઠ્યા : "મૂંગો મરી રે'ને મહારાજને તે એવું કહેવાતું હશે ! હારો મૂરખો નઈ તો—"
પછી એક જણે મુસાફર તરફ ફરીને કહ્યું : "એ તો હારો હેવાન છે. મનમાં કંઈ લાવશો ના, હો મહારાજ ! કહેજો તમતમારા ગામલોકોને. અને તમે હવે જવું હોય તો જાઓ, મહારાજ. હીંડો, અમે મૂકવા આવીએ ?"
"મૂકવા આવવા જેવું લાગ્યું હોત તો એકલો આવત શાને ? એકલો જ હીંડ્યો જઈશ."
"વારુ, મહારાજ, જાઓ તમેતારે. "
એકલા ચાલ્યા જતા મુસાફરે છેટે નીકળી ગયા પછી સામટા બંદૂકોના બાર સાંભળ્યા. એ બંદૂકો બહરવટિયાએ હવામાં છોડી હતી.
મધરાતે સરસવણી પહોંચીને મુસાફરે તરત ગામ લોકોને જાગ્રત કર્યા હતા. પણ સરસવણી પર તો તે રાતે કે તે પછી કોઈ રાતે કોઈ લૂંટારુ ટોળી ત્રાટકી નહિ.