નાવિક રગનાથજી
મહી ઉતરવાને માટે હોડી જોઈતી હતી. હોડી કોણ આપે ? દહેવાણના ઠાકોરની હાક વાગતી હતી. ગરીબ માછીઓ પાસેથી હોડી માગતાં તેમનાં હાંડલાં રઝળે. સરકાર સામે દેશવ્યાપી બહારવટું સળગાવતા દાંડીમાર્ગે જઈ રહેલા બળવાખોરોને મહી પાર કરવાનો પ્રશ્ન હતો. જોખમ જેવું તેવું નહોતું. હોડી જોખમાય તો શું થાય ? હોડીમાં કંઈ દગો થાય તો દુનિયાને મોં શું દેખાડવું ?
એ વિટંબણાનો નિકાલ કાઢનાર એક મર્દ બદલપુરમાંથી નીકળ્યો. એ હતા ગરાસિયા રગનાથજી. એણે પોતાનું સર્વસ્વ હોડમાં મૂક્યું. રૂપિયા ચારસો ખરચીને એણે નવી હોડી આની કનકાપુરાને આરે નાંગરી. હંકારવા ખુદ પોતે સુકાને ચડ્યા. બોરસદથી બાપુને કનકાપુરા આવી પહોંચતાં રાતના દસ વાગ્યા હતા. રાત અંધારી હતી. પણ બાપુ રોકાયા નહીં. તે જ રાતે તે જ કલાકે સામે પાર ગયે છૂટકો હતો.
કનકાપુરામાં દંડેશ્વર મહાદેવની સામેનો એક ઊંચો ઓટો અમે જોયો. એના પર બેસીને એ અંધારી રાત્રીએ ગાંધીજીએ લોકોને જે પ્રવચન સંભળાવ્યું તેમાંથી એક વાક્ય મહારાજે યાદ કર્યું : 'હું તો યાત્રાએ ચાલ્યો છું. યાત્રાએ જનાર તો વ્રત કરતો જાય, તપ કરતો જાય, નમ્ર બનતો જાય.'
ને એવા બનીને પોતે જે ઠેકાણે રગનાથજી ગરાસિયાની નાવ પર ચડ્યા તે કનકાપુરાનો આરો અમને દેખાડીને દાદાએ કહ્યું કે, નાવ પર તો ઘણા માણસો વગર વિચાર્યે ચડી બેઠા - અરે, સમજદારો પણ સમજે નહીં - ને રગનાથજીનો જીવ ફફડે. છેવટે હાથ ઝાલી ઝાલીને સમજુઓને હેઠા ઉતારવા પડ્યા. રગનાથજીએ રઘુવીરનું નામ સ્મરી નાવ હંકારી. પણ ઓટ થઈ ગયો હતો : સમુદ્રજળ પાછાં વળી ગયાં હતાં. મુખ્ય વહેણ વટાવી ગયા પછી બે ગાઉના નદીપટમાં કાંડાપુઅર કાદવ ખૂંદવાનો હતો. ગાંધીજી એ ખૂંદતા ચાલ્યા. મહીની ભેખડો પર સળગતી મશાલોના સેંકડો દીવા ધરીને જનપદ જોઈ રહ્યું. નાનકડો ગાંધી-દેહ દેખાતો નહોતો, પણ કાદવ ખૂંદતો કલ્પાતો હતો. કયા જોમે, કઈ આંતરિક ચિરયૌવનશક્તિ વડે, આ માનવ-માળખું મહીને વટાવી ગયું હશે ?